પછી ભગવાન બુદ્ધના સમયથી મોક્ષ. એના પછી શ્રીશંકરાચાર્ય, શ્રીચૈતન્યદેવ અને શ્રીરામકૃષ્ણ છે. ઠાકુરજી કેવા પુરુષાર્થી, કર્મઠ હતા ! પ્રચાર માટે લોકોને ઘેર-ઘેર ભ્રમણ કરી રહ્યા છે. એક વ્યક્તિ બગાસું ખાઈને ‘હરિ બોલ’ એવું બોલે એટલામાં જ ઠાકુરજી એકદમ નિર્વિકલ્પ સમાધિમાં સરી પડતા હતા. નરેન, નરેન કહેતાં કહેતાં પાગલ બની જતા હતા; તેઓ જ જરૂર પડ્યે, નરેન પ્રત્યેથી બિલકુલ મન ઉઠાવી લેતા હતા. તેઓ ક્યારેક કહેતા, ‘સાલા, તું ફરી આવતો નહિ.’ કેવા જિતેન્દ્રિય હતા ! એક બાજુ તો તેઓ સંન્યાસી છે, બીજી બાજુ સ્ત્રી અને એય યુવાન સ્ત્રી સાથે લઈને રાત્રે એક પથારીમાં શયન કર્યું, પરંતુ તેઓએ પોતે જ કહ્યું છે કે જીવનમાં એક દિવસ પણ સ્વપ્નદોષ થયો નથી.
શ્રીઠાકુર, શ્રીકૃષ્ણ, બુદ્ધ અને ચૈતન્ય બધાય એક જ છે. વિભિન્ન યુગોમાં અલગ-અલગ અનેક રૂપોમાં અભિવ્યક્તિ માત્ર છે. આ વખતે શ્રોતાગણ સારો હોવાથી વ્યાખ્યાન સારું થયું. એ ઉપરાંત; ચિત્ર, પ્રેસ, ટેલિગ્રામ અને રેલવેની સુવિધા હોવાથી, એ બધી ચીજોએ તેમના ભાવ-પ્રચારનાં કાર્યોમાં સહાયતા કરી છે. જુઓ, આજે વિશ્વના કેટલા દેશો ‘શ્રીરામકૃષ્ણ’નું નામ જાણે છે!
પ્રશ્ન – બુદ્ધનું ભાવ-આંદોલન આનાથી અધિક concentrated, congregated, solid
– સઘન, સંગઠિત, નક્કર જણાય છે, કેમ કે તેમણે તે વખતે જે અદ્ભુત આંદોલન શરૂ કર્યું હતું, તેના ભાવ-તરંગે માત્ર એશિયા, આફ્રિકા અને યુરોપમાં ખ્રિસ્તી ધર્મનું રૂપ લીધું.
મહારાજ – અવશ્ય જ, તે વખતે ત્યાગનો ભાવ પ્રબળ હતો. સારા શ્રોતાઓ ન હોય તો પ્રવચન બરાબર જામતું નથી. મને સૈદાબાદમાં પ્રવચન માટે લઈ જવામાં આવ્યો. ત્યાં શ્રોતાઓ નહિવત્ હતા, શું પ્રવચન આપું! મેં જોયું તો કેટલીક છડીઓ અને ઘૂંઘટ છે. છડીનો અર્થ લાકડીધારી વૃદ્ધ અને ઘૂંઘટનો અર્થ વૃદ્ધ-વિધવા છે. ત્યારે નારાયણ બાબુએ મને પૂછ્યું કે શું આપ અસ્વસ્થ છો ? બીજા દિવસે ઘણા બધા યુવાનો અને શિક્ષિતો આવ્યા. તે દિવસે હું ફટાફટ કરીને સતત બોલતો ગયો.
પ્રશ્ન – શું નિત્યકૃષ્ણ અને નિત્યદાસ સંભવ છે ?
મહારાજ – જેટલા દિવસ સુધી જીવોને સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહનો આભાસ રહેશે, તેટલા દિવસ જ સંભવ છે. પછીની અવસ્થામાં તેમણે આવવું જ પડશે અને તે જ મુખ્ય અને અંતિમ વાત છે.
પ્રશ્ન – તો ઠાકુરજીને જે બધાં રૂપ-દર્શન થતાં હતાં, તે બધાં શું apparently મિથ્યા છે ?
મહારાજ – મિથ્યા શા માટે હોય ? સાપેક્ષ સત્ય Relative truth છે, જ્યારે આ સ્તરમાં રહું, ત્યારે આ રૂપ દેખાય છે. ત્યાર પછી- ‘જ્યાં જ્યાં દૃષ્ટિ પહોંચે છે, ત્યાં ત્યાં કૃષ્ણનું સ્ફુરણ થાય છે.’ જ્યાં જ્યાં જાય મારાં લોચન, દેખાય ત્યાં કૃષ્ણ-શ્યામઘન. તમે જેટલા સૂર્ય તરફ આગળ વધશો, તેટલો જ તેને મોટો જોશો. પ્રત્યેક સ્તરથી, પ્રત્યેક દૃષ્ટિકોણથી સૂર્યને અલગ અલગ રૂપમાં જોશો અને તે બધુંય સત્ય જ છે. પરંતુ જીવ સમાધિ થયા પછી તેમાંથી પાછો ઊતરી આવીને નિત્યકૃષ્ણ અને નિત્યદાસ રહી શકતો નથી. અવતાર જ સમાધિમાંથી પાછા આવીને રહી શકે છે. ઠાકુરજીનાં બધાં દિવ્ય દર્શન એવાં જ હતાં- ‘શ્યામા મા, હું મારા મનના બીબામાં તમને ઢાળીને મનોમયી મૂર્તિ આજે ઘડી લઈશ.’
પ્રશ્ન – આપણે આશ્રમમાં આટલા લોકો રહીએ છીએ, એમાંથી કોણ, કેટલા ઉન્નત થયા છે, એ હું કેવી રીતે સમજી શકું ?
મહારાજ – બીજાને જોવાના નથી, તમે સ્વયંને જુઓ. સ્વાનુભૂતિ જ આધ્યાત્મિકતા છે. અસ્તિત્વના એકત્વનું જ્ઞાન જેની અંદર જેટલું છે, તેટલો જ તે સાચા માર્ગ પર ચાલી રહ્યો છે. એમાં બીજાની સેવા કરવાની ઇચ્છા થશે જ.
કોઈ એક બ્રહ્મચારીએ ભોજન પછી વધેલ અન્ન કૂતરાને આપી દીધું. કૂતરો તે ચાટી-ચાટીને ખાઈ રહ્યો છે. મહારાજજીએ બ્રહ્મચારીને એક ઠીંકરું આપીને કહ્યું, ‘આને ધોઈને રાખો. કાલથી જ્યારે કૂતરાને ખાવાનું આપો, ત્યારે આ ઠીંકરામાં જ આપવું, એથી કૂતરાને ખાવામાં સુવિધા રહેશે.’
ઓસરીમાં સાદડી અને સફેદ ચાદર પાથરેલી છે. કોઈક નવા આવેલ બ્રહ્મચારી અહીં સૂએ છે. તેમના પગના મેલથી ચાદર ગંદી થઈ ગઈ છે એ જોઈને મહારાજજી જાતે એક કંતાનનો કોથળો લાવ્યા અને રાખતાં કહ્યું, ‘પગ લૂછીને આવવું, એથી ચાદર સાફ રહેશે.’
બે-ત્રણ યુવક આવેલા છે. રાત્રે સૂવાની વ્યવસ્થા થઈ રહી છે. મચ્છરદાની લગાવવી પડશે. ફાનસના અજવાળે દોરી શોધવામાં આવી રહી છે. મહારાજજીએ એ જોઈને કહ્યું, ‘જુઓ, દીવાલમાં એક થેલી લટકાવેલી છે. તેમાં ધોતીની કિનારી, કાપડના ટુકડા અને દોરા વગેરે છે. જે જરૂરી હોય તે લઈ લો.’ પ્રસંગ અનુસાર આ વાત કહી દેવી સારી છે કે જે પરબિડિયામાં પત્ર આવતો, મહારાજજી તેને પાણી લગાડીને ખોલતા અને ઊલટો વાળીને તેનો ઉપયોગ કરતા હતા. કોઈકે મહારાજજીને એક જોડી પગરખાં આપ્યાં હતાં. જેટલી વાર તે ફાટી જતાં, તેટલી વાર તેઓ મરામત કરીને પહેરતા અને કહેતા, ‘આપણે લોકો બીજાના પૈસાથી ખાઈએ છીએ.’ ટીખળથી તેમણે તે પગરખાંનું નામ આપ્યું હતું- ‘અબદુલ્લાનાં ચંપલ’. જ્યારે તેમને પગરખાં પહેરવાની જરૂર પડતી ત્યારે કહેતા, ‘અબદુલ્લાનાં ચંપલ લાવો તો.’
2-5-1960
गतिभर्ता प्रभु: साक्षी निवास: शरण: सृहृत् ।
प्रभव: प्रलय: स्थानं निधनं बीजमव्ययम्॥
આ શ્ર્લોકનો અર્થ મહારાજજીને પૂછ્યો ત્યારે તેમણે એનો અર્થ બતાવ્યા પછી કહ્યું, ‘પરંતુ, શું આ બધું ભાષાથી, વાણીથી સમજાવી શકાય છે ? પોતાના જીવનમાં આચરણ ન કરીએ તો કોઈ જ લાભ થતો નથી. જુઓ, તમારી સૂક્ષ્મબુદ્ધિ છે, શરીર લગભગ સ્વસ્થ છે. તમે લોકો પ્રયત્ન કરશો, તો આ દેહ-મન-બુદ્ધિથી પર જઈ શકશો, નહિતર કાર્યમાં મગ્ન થઈ જશો. તમારે તો બુદ્ધિ છે. પરંતુ આવી બુદ્ધિનો એક ડર એ છે કે આ બૌદ્ધિક વ્યાયામ intellectual gymnastic બનીને રહી જાય છે.
આપણે જે સમાજમાંથી આ રામકૃષ્ણ વિશ્વ-વિદ્યાલયમાં આવ્યા છીએ, આ કેમ શક્ય બન્યું, એ હું વિચારી શકતો નથી ! શું પૂર્વજન્મના સંસ્કારોને લીધે ? એવું કેમ ? એમ નથી, તેઓ કૃપા કરીને ખેંચી લાવ્યા છે. એ લોકોની કૃપાનો શું કંઈ અંત છે ! ઠાકુરજીએ કહ્યું કે સોય પર માટી ચોંટી રહેવાથી લોહચુંબક તેને ખેંચતું નથી. તેને સાફ કરો અર્થાત્ મન-બુદ્ધિને શુદ્ધ કરો, સાથે ને સાથે તમે આકર્ષણનો અનુભવ કરશો. બૌદ્ધિક રૂપે જાણવાથી કંઈ નહિ થાય. ‘લાકડામાં અગ્નિ છે, લાકડામાં અગ્નિ છે,’ એવું કહેવાથી શું થવાનું ? લાકડું ઘસીને અગ્નિ પેટાવો, તેનાથી ભોજન બનાવો, ખાઓ, સબળ બનો, ત્યારે તો થશે ! (ક્રમશ:)
Your Content Goes Here




