10-6-1960
એક વ્યક્તિએ બાળપણથી જ મહારાજજીનો સંગ કર્યો હતો. અત્યારે તે એક શાળામાં શિક્ષક છે, પરંતુ તે વિદ્યાર્થીઓને બહુ મારે છે.
મહારાજ – જુઓ, આદર્શવાદ – Idealism ઘણા ઓછા લોકોનાં મન-મસ્તિષ્કમાં પ્રવેશે છે, થોડા જ લોકો એને સમજી શકે છે. આ કાર્ય(મારવું) નિંદનીય છે, એને એ સમજતા નથી. હવે એની પ્રાણશક્તિ વધી રહી છે, તે અસુરભાવમાં લિપ્ત થવા વિવશ છે. એક છોકરો પોતાના ખીસામાં કલમ રાખે છે. તેની વસ્તુ તેના ખીસામાં છે, તે એવું વિચારીને ઘણો રાજી થાય છે. આ નવયૌવનમાં કોઈકને જ હૃદયથી પ્રેમ કરવાની ઇચ્છા થાય છે. શાળા શું છે ? કેવી રીતે છોકરાને એકલો બોલાવીને સમજાવી દેવો, એ બધું આ લોકો વિચારવા ઇચ્છતા નથી. કેટલીય વાર છાનામાના બોલાવીને સમજાવવા પડે છે – ‘અરે તેં આવું કામ કર્યું ! જો તો ખરો, એનાથી અમારું મોં કાળું થઈ ગયું.’ આ રીતે સમજાવવાથી કામ થઈ શકે છે. અસલ વાત શું છે, એ જાણો છો – એ છે પોતાની ક્ષમતા, આ ક્ષમતાને બતાવવી પડે. છોકરાઓને મારપીટ કર્યા વિના શિક્ષણ આપવામાં ઘણું ઘણું વિચારવું પડે છે. કેવી રીતે છોકરાને સુધારી શકાય, એના પર વિચાર કરવો પડે છે. વાસ્તવિક વાત તો એ છે કે એ લોકો મસ્તિષ્ક વાપરવા નથી ઇચ્છતા. Criminal Tendency – અપરાધી પ્રવૃત્તિવાળા છોકરાઓ માટે તો Borstal School – સુધારશાળા છે. જુઓ, વિદ્યાલય ખોલવાનો આપણા લોકોનો હેતુ છે – સ્વામીજીએ એ વાત કહી છે ને – ‘મનુષ્યમાં પહેલેથી જ દિવ્યતા રહેલી છે.’ આપણે એ જોવાનું છે કે એનાથી છોકરાની કેવી ઉન્નતિ થાય. મારો અધિકાર કેવી રીતે બની રહે, એ જોવાનું નથી. ઈશ્વરભાવથી સેવા કરવાની છે. સ્વામીજીની વાણી શું યાદ નથી – ‘કેળવણી પૂર્ણતાની અભિવ્યક્તિ છે જે પહેલેથી જ મનુષ્યમાં રહેલી છે.’ સાંભળો, તમે લોકો રામકૃષ્ણ મિશનમાં એનું રક્ષણ કરવા નથી આવ્યા; એટલું જ નહીં પણ એનું ગૌરવ વધારવા માટે પણ નથી આવ્યા. તમારો ઉદ્દેશ્ય દેહમન અને બુદ્ધિની પેલે પાર જવાનો છે. પણ એની એક ટીકા-વ્યાખ્યા આવશ્યક છે. તમે જ્ઞાની બનો તો તમારા પ્રત્યેક કાર્યથી સંઘનું ગૌરવ વધશે. પરંતુ તે by product – ઉપફળ હશે, ગૌણરૂપે થશે. સ્વામી વિશુદ્ધાનંદજીના કારણે રામકૃષ્ણ મિશનનું ગૌરવ કંઈ ઓછું વધ્યું નથી.
સ્વામી ચંડિકાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સામ્રાજ્યમાં સંગીત માટે વિખ્યાત છે. તેઓ સારગાછી આવ્યા હતા. તેઓ શ્રીમાના શિષ્ય હતા. તેઓ પ્રેમેશ મહારાજમાં ઘણી શ્રદ્ધા રાખતા. તેઓ ઘણી વાર સુધી તેમનાં ચરણોમાં દંડવત્ પ્રણામની અવસ્થામાં પડ્યા રહ્યા. ત્યાર પછી તેઓ પોતાના સંગીત વિશે વચ્ચે વચ્ચે ચર્ચા કરવા લાગ્યા. મહારાજજીના શરીરમાં અનેક રોગો છે અને ચિકિત્સાથી કોઈ ફાયદો થતો નથી. એ જોઈને એમણે સેવકને એક પાચનની દવા બનાવવા કહ્યું. એમણે લીમડાનાં થોડાં પાંદડાં, નિશ્ર્ચિંદાનાં પાંદડાં, બીલીનાં પાંદડાં અને અન્ય બે ત્રણ પ્રકારનાં પાંદડાં ઉકાળીને તેનો રસ મહારાજને ભૂખ્યા પેટે પીવા કહ્યું. એમણે એક બીજી દવા પણ બતાવી- આમળાંનું ચૂર્ણ, ખાંડ અને પીપળખંડને એક માત્રામાં ઉકાળીને તેનો મુરબ્બો બનાવીને મહારાજજીને એક ચમચો ખવડાવવાનો છે.
સ્વામી ચંડિકાનંદજી મહારાજ થોડા દિવસો રહ્યા પછી એક દિવસ પ્રેમેશ મહારાજજીના બપોરના ભોજન પહેલાં આવ્યા અને મહારાજને પ્રણામ કરીને તેમની વિદાય લેશે. પરંતુ મહારાજજી બપોરે વિશ્રામ કરી રહ્યા હતા, એમના ઓરડાનું બારણું બંધ હતું. સેવક બહાર બેસીને થોડું લેખન-વાચન કરતો હતો. એ સમયે સેવક બારણું ખોલવા ગયો તો સ્વામી ચંડિકાનંદજી મહારાજે એમણે ઈશારો કરીને ના પાડી. મહારાજજીના ઓરડાની બહાર જમીન પર સૂઈને દંડવત્ બનીને ઉંબરે ઘણી વાર સુધી માથું રાખીને પ્રણામ કરીને મૌન-મૂક બનીને ચાલ્યા ગયા.
સવારે બહેરામપુરથી એક ભક્ત આવ્યા છે. વિભિન્ન અવતારોની વાતો થઈ રહી છે. એ લોકોને નામે એક પ્રકારનાં ચમત્કાર, સિદ્ધિ અને શક્તિની ચર્ચા ચાલતી હતી.
પ્રેમેશ મહારાજ – પ્રત્યેક દિશામાં ચારે તરફ અવતાર ઉત્પન્ન થઈ રહ્યા છે. સામાન્ય લોકો તો પોતે કોઈ ધર્મ નહીં કરે, બીજા પાસે ધર્મનું પાલન કરાવીને તેઓ નચાવવા માગે છે અને એની મજા માણવા ઇચ્છે છે. મને અવતાર બનાવવાના કેટલાય પ્રયાસો લોકોએ કર્યા હતા! કોઈ અમારા મુખમાં જ્યોતિ જુએ છે ! ભક્ત ત્રણ પ્રકારના હોય છે : મઠના ભક્ત- આ લોકોનો ઉદ્દેશ ઉત્સવ, ભંડારો, પ્રણામ, દશેરામાં વિજ્યા દશમીનો પત્ર વગેરે લખીને બંધુત્વભાવ જાળવી રાખવો અને વચ્ચે વચ્ચે સાધુને ઘરે લઈ જઈને ભોજન કરાવવું. 2. મિશનના ભક્ત- આ લોકો વિદ્યાલય, મુખ્ય અધ્યાપક, સચિવ, કાર્યાલય તથા શિક્ષકનું કાર્ય- આ બધું કરે છે. 3. શ્રીઠાકુરના ભક્તો- બહુ ઓછા હોય છે. પરંતુ પેલા બે પ્રકારના ભક્તોમાંથી કોઈનીયે પણ ઉપેક્ષા કે ઘૃણા ન કરવી જોઈએ. શું કરશો, કોઈપણ સ્વતંત્ર નથી. બધા પ્રકૃતિને અધીન છે- ‘प्रकृते: क्रियमाणानि’. (ક્રમશ:)
Your Content Goes Here




