(સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજીની ‘ઉદ્‌બોધન’ માસિક પત્રિકામાં પ્રસિદ્ધ થયેલ લેખમાળાનો સ્વ. કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

જો સંન્યાસીમાં હાર્દિક સંવેદના ન હોય, તે બીજાનાં દુઃખથી રડી ન પડતો હોય અને બીજાનાં માટે પોતાના અંગત સ્વાર્થનો ત્યાગ કરી શકતો ન હોય, તો તે ગૃહસ્થથી પણ વધારે અધમ છે. જો તે ભગવાનનું ચિંતન ન કરીને કેવળ સુખસુવિધાને જ ખોળતો રહે અને બીજાને માટે ત્યાગ કરવાનું સ્વીકારતો ન હોય, તો તે કેવો સાધુ છે!

ગૃહસ્થ પણ પોતાનાં પત્ની, બાળકો અને માતાપિતા માટે ત્યાગ સ્વીકારે છે, એમને માટે પોતાનો સ્વાર્થ જતો કરે છે. પરંતુ સંન્યાસીને તો આવું બધું નથી. એટલે તે જે કંઈ પણ કરે છે, તે ઈશ્વર માટે ન કરવાથી અત્યધિક સ્વાર્થી બની જશે. શું તે કેવળ પોતાનાં દેહમન માટે જ કરશે? શું તે સન્માન અને સુખ મેળવવા માટે કરશે?

કોઈ વસ્તુ સાથે પોતાની જાતને જોડી દેવાથી દુઃખ મળે છે. આ સંસાર સદા પરિવર્તિત થઈ રહ્યો છે. હંમેશાં કેટલાં રૂપ લઈ રહ્યો છે, એમાં કેટલાં શોકદુઃખ, હર્ષવિષાદ છે, મારકૂટ ચાલી રહી છે. પરંતુ આ બધાંમાં સહન કરીને રહેવું પડે. આ સંસારમાંથી હસતાં હસતાં નીકળી જવું પડશે. એટલે જ શ્રીમદ્ ભગવદ્‌ગીતામાં કહે છે : तांस्तितिक्षस्व भारत! હે અર્જુન સહન કરો! વિચારો કે તમારા ગુરુદેવ કેટલાક છોકરાઓની વચ્ચેથી પસાર થઈને તમને લઈ જાય છે.

એમણે પહેલેથી જ કહી દીધું છે કે તમને કેટલાય લોકો, કેટલાય પ્રકારની વાતો કહેશે, પરંતુ ક્રોધ ન કરતા. જ્યારે તમે ચાલવાનું શરૂ કર્યું, ત્યારે કોઈએ ઈંટ મારી, કોઈએ થૂંક ઉડાડ્યું અને કોઈએ કાદવકીચડ ફેંક્યા, ત્યારે તમારે હસતાં હસતાં ચાલતાં રહેવું પડશે. જો તમે ક્રોધે ભરાઈને એમને મારવા જાઓ, તો તમે એ લોકોની સાથે જ રહો. નહીં તો, હસતાં હસતાં પાર થવાથી જ મુક્તિ મળશે.

વેદાંતમાં એક વાર્તા છે. એક વેપારી વ્યવસાય કરવા ગયો. ઘણા દિવસો સુધી તેનાં કંઈ ખબરઅંતર ન મળ્યાં. ઘરમાં તેનો એક છોકરો અને તેની મા હતાં. તેઓ ધનના અભાવે ગરીબ બની ગયાં. ગમે તેમ કરીને એક સમયનું ભોજન મળતું. ઘણા દિવસો પછી સમાચાર આવ્યા કે તે વેપારી ઘણો મોટો ધનવાન બનીને પાછો આવે છે. એની સાથે ઘણા લોકો, સેવક-સેવિકાઓ, નોકર-નોકરાણીઓ હતાં. તેની માએ છોકરાને આગળ જઈને પોતાના પિતાનું સ્વાગત કરવા કહ્યું. શિયાળાની મોસમ હતી. રાતે થોડે દૂર આવીને તેણે એક અતિથિભવનના ખૂણામાં થોડી જગ્યા માટે માગણી કરી. ઘણી વાર પછી અતિથિભવનના માલિકને દયા આવી તેણે કહ્યું કે જા, ત્યાં પડ્યો રહેજે. છોકરાના શરીર પર સેંકડો કાણાંવાળો એક કાપડનો ટુકડો હતો.

એ દિવસે ઠંડી ઘણી હતી. છોકરો કૂતરાની જેમ ટૂંટિયું વાળીને ત્યાં સૂઈ ગયો. થોડી વાર પછી પેલા વેપારીએ પણ આવીને એ જ અતિથિ ભવનમાં આશ્રય માગ્યો. અતિથિ ભવનના માલિકે તો તરત જ ઝડપથી ઓરડો ખોલ્યો અને છોકરાને ત્યાંથી ભગાડી મૂક્યો. બિચારો એ છોકરો કરે પણ શું! હતો બિચારો બાપડો! વળી એ દિવસે ભયંકર ટાઢ હતી. તે સામેના એક વડલાના ઝાડ નીચે ટૂંટિયું વાળીને સૂઈ ગયો અને ઠંડીથી બચવા પ્રયત્ન કરવા લાગ્યો. બીજે દિવસે સવારે લોકોએ જોયું તો ઝાડ નીચે એક છોકરો મરેલો પડ્યો છે. થોડી વારમાં તો ત્યાં ભીડ જામી ગઈ.

મોં ઢાંકેલું હતું. ભયને કારણે લોકો મરેલાનો સ્પર્શ કરતા ન હતા. અચાનક એક વ્યક્તિ આવીને કપડું દૂર કર્યું અને તે બોલી ઊઠ્યો, ‘અરે આ તો એ વેપારીનો દીકરો છે! કાલે મેં જોયું તો તે અહીં આંટા મારતો હતો.’ આ બાજુ ધનવાન વ્યક્તિ એ જ વેપારી છે, તેને એ લોકો ઓળખી ન શક્યા. એ વેપારી પણ આટલી બધી ભીડ જામેલી જોઈને ઊભો થયો.

જેવું એણે સાંભળ્યું કે તે એનો જ દીકરો છે, તેવો જ તે તેની સામે જઈને એનું મોં જોતાં જોતાં ‘અરે, મારા દીકરા!’ કહીને તે જમીન પર પડ્યો અને મૃત્યુ પામ્યો. જુઓ, જ્યાં સુધી તે જાણતો ન હતો કે એ છોકરો પોતાનો જ છે, ત્યાં સુધી એ દુઃખી ન હતો. પરંતુ પોતાના મરેલા છોકરાને પિતા ઓળખી ગયા અને તેનો દેહત્યાગ થયો.

સંન્યાસ પછી મેં વિચાર્યું કે શાસ્ત્રનું વાચન કરવું આવશ્યક છે. બ્રહ્મસૂત્રની વ્યાખ્યા થતી હતી, ત્યાં જઈને બે દિવસ બેઠો. કેવળ શાંકરભાષ્યની કચકચ થતી હતી. અર્થને સમજવા માટે કોઈ રુચિ નથી. હું ઇચ્છું છું કે તમે લોકો શાસ્ત્રો વાંચો અને વાંચીને તેના અર્થને પણ સમજો. પરંતુ હું વિદ્વાન બનવા માટે આ નથી કહેતો. તમારી આંખ સારી નથી, તેનાથી શું થયું! થોડું થોડું વાંચવું અને વધારે સમય સુધી આંખ બંધ કરીને બેસી રહેવું.

સામાન્ય લોકો જુએ છે કે સાધુ લોકો પણ એમની જેમ જ ખાય છે, સૂએ છે, રહે છે અને મહિલાઓ સાથે હળેમળે પણ છે. એ લોકો વિચારે છે કે આપણામાં અને એ સાધુ લોકોમાં શું અંતર છે? વાત તો સાચી, જો આશ્રમમાં પૂજાપાઠ અને ધ્યાન જોતા હોત તો શું એમને આ વાતો કહેવાની હિંમત થાત?

ધારો કે, એક ગુરુદેવ સાત શિષ્યો સાથે કાશીયાત્રા કરી રહ્યા છે. ગુરુદેવે કહી રાખ્યું છે કે એમના શિષ્ય પોતાની ઇચ્છા પ્રમાણે જઈ શકે છે, અર્થાત્ એ લોકો સ્વાધીન રહેશે. બધા લોકો ઈશ્વરના નામનું નામસ્મરણ-મનન કરતાં કરતાં જતા હતા. થોડે દૂર આગળ જતાં એક પથિક શિષ્યોની નિંદા કરે છે

એક શિષ્ય ગુસ્સે થઈને તેનો જવાબ આપવા લાગ્યો. થોડી વાર પછી એક બીજા શિષ્યે રસ્તામાં જોયું તો એક યુવતી રડે છે. તે યુવતીની સમસ્યાને ઉકેલવામાં લાગી ગયો. ઘણા સમયથી બધા ચાલી રહ્યા છે. એક શિષ્યને ભૂખ લાગી. એણે રસ્તામાં જોયું કે એક શેઠજીએ ભંડારાની વ્યવસ્થા કરી છે. તે થોડો બળવાન હતો. તેણે વિચાર્યું કે ભંડારામાં ભોજન કરીને ઝડપથી ચાલતાં ચાલતાં બીજા લોકોની સાથે થઈ જઈશ. વળી એક શિષ્ય સંગીતમાં પારંગત હતો. રસ્તામાં સંગીત સમારોહ જોઈને સંગીત સાંભળવા થોડો સમય બેસી ગયો. એ લોકોની યાત્રાના માર્ગના કિનારે એક રાજાની પુષ્પવાટિકા હતી.

એક શિષ્ય પુષ્પપ્રેમી હતો. તે ફૂલોની સુગંધમાં મસ્ત બની ગયો. આ બાજુ ગુરુદેવ તો પોતાની ધૂનમાં ચાલ્યા જાય છે. એ વખતે બે શિષ્યો એમનું અનુસરણ કરી રહ્યા છે. ગ્રીષ્મઋતુની બપોરનો સમય હતો. વૃક્ષની નીચે સુંદર મજાની ઠંડી હવાની લહેરો આવતી હતી. એક શિષ્ય ત્યાં થોડી વાર સૂઈ ગયો. થાક્યો હતો એટલે ઊંઘ આવી ગઈ. કાશીની નજીક પહોંચીને ગુરુદેવે પાછા વળીને જોયું તો સાથે કેવળ એક જ શિષ્ય કાશી સુધી પહોંચ્યો છે.

૦૧-૦૭-૧૯૬૦

દીક્ષા, મુક્તિ વગેરે વિષયો પર ચર્ચા થઈ રહી છે.

મહારાજ : જે જેને ચાહે છે, તે મરતી વખતે એને જ પ્રાપ્ત કરે છે. દીક્ષિત હોવાથી જ મુક્તિ મળશે, એ નિશ્ચિત નથી. આપણા ઈશ્વર કંઈ નિરંકુશ અને મનમોજી ઈશ્વર નથી કે તેઓ બળપૂર્વક મુક્તિ આપી દેશે. જો તમે મરતી વખતે હૃદયથી મુક્તિ ઇચ્છો તો મુક્તિ મળશે. ન માગીએ તો શા માટે આપવાના? પરંતુ આ વાત સાચી છે કે આવા લોકો આ ચાર મુક્તિની અંતર્ગત આવશે જ – જીવન્મુક્ત, એક વાર પુનર્જન્મ થાય, અને સંસારનાં જન્મ-મરણના પ્રવાહમાં ગ્રસ્ત થઈ જશે.

પ્રશ્ન : સ્વામીજીએ કહ્યું છે, ઠાકુરે સોળ અંશ કર્યા છે, આપણે લોકો એક અંશ કરી શકીએ. ત્યાર પછી જે લોકો આવશે તેઓ સોળમા અંશનો એક અંશ કરશે, જેવી રીતે આપ સૌ છો. આપણે લોકો કેવળ સોળમા અંશનો એક અંશ કરીશું.

મહારાજ : અમે અને તમે વચ્ચે આટલો ભેદ શા માટે કરો છો? આપણે તો એક સમાન જ છીએ. ઊલટાના તમે લોકો વધારે સારા છો. પરંતુ સુઅવસર મળવો જોઈએ. આજકાલ આશ્રમમાં પ્રવેશ કરતાંની સાથે જ મોટાં કાર્યોમાં જોડાતા જાઓ છો, જ્યારે પહેલાંનાં દશ વર્ષ કોઈના સાન્નિધ્યમાં ધીરે ધીરે જવાબદારી પૂર્ણ કાર્યમાં લગાડવામાં આવે.

અત્યારે બધા સારા સારા છોકરાઓ આવે છે. એમના પર વિશ્વાસ રાખવો જોઈએ. એક વર્ગ એવો છે કે જે બધામાં દોષ જુએ છે. તમને જોવા મળશે કે જે લોકોની ઉંમર ચાલીશ વર્ષથી વધારે છે, તેઓ કહેશે કે અમારા લોકોના સમયમાં આ..ટ..લું ખ..રા..બ ન હતું. ત્યારે એક રૂપિયામાં દશ શેર દૂધ મળતું હતું. પાંચ ટકા લોકો શિક્ષિત હતા, એટલે બધા સારા હતા. આ બાજુએ ખેડુતને દિવસમાં એક વાર પેટ ભરીને ભોજન મળતું ન હતું, એટલે તે એક રૂપિયો અને ચાર આનાના મૂલ્યમાં એક મણ ચોખા વેંચવા માટે લાચાર બની જતો. બે આના મજૂરી હતી, ગોવાળ દશ શેર દૂધ વેંચીને દશ આના મેળવતો! એને જ કહે છે ઘણું સારું હતું!

અનૈતિકતાની વાત ન કરો. આંગળીને વેઢે ગણી શકાય તેટલા કેટલાક વર્ગના લોકો આખા સમાજનું શોષણ કરતા હતા. પત્રિકામાં અશ્લિલ ચિત્રો અને જાહેરાતોના અર્થમાં પણ અશ્લિલ વાતો છે. અનુશાસન કોને કહેવાય એને જાણતા જ ન હતા. શાળામાં જે શિક્ષક મારતા, તે જ સારા શિક્ષક હતા! ક્રૂર પરપીડન તો તેની ટોચે હતું.

‘વંદે માતરમ્’ કહેવાથી વૃદ્ધ લોકો કહેતા કે એને બાંધીને મારો, બાંધીને મારો. રાજાની ધરતી પર વસીને તેનું જ અનાજ ખાઈને, તેમની જ નિંદા કરે છે. આંગળીમાં સોય ભોંકીને અત્યાચાર કરે છે અને વૃદ્ધ લોકો હા.. હા.. હા કરીને હસતાં હસતાં ખુશી સાથે આવી વાતો કહેતા.

મહારાજજીને ઓસરીમાં સ્નાન કરાવે છે. નાળીની પાસે એક કીડો ફરતો હતો. સેવકે સ્નાન કરાવ્યા પછી ડોલનું પાણી નાળીમાં નાખી દીધું, એનાથી પેલો કીડો પાણીમાં ડૂબી ગયો.

મહારાજ : પાણી થોડું ધીમેથી ફેક્યું હોત તો એ કીડો બચી જાત. એનો ક્રમવિકાસ રોકાઈ ગયો. આ જીવનને પ્રાપ્ત કરીને એની જે ક્રમોન્નતિ થાત, તે બંધ થઈ ગઈ. આના પછી એ ક્યાં જન્મ લેશે, એની શી ખબર! એટલે પ્રાણીની હિંસા કરવાનો નિષેધ છે.

સાંજે મહારાજજી એકાદ બે લોકો સાથે ભ્રમણ કરી રહ્યા છે અને દૂરદર્શન વગેરે વિશે વાતો ચાલે છે. ત્યારે એક વ્યક્તિએ આવીને કહ્યું કે તે મોહનબાગાન અને ઇસ્ટબેંગાલની રમતનું વિવરણ રેડિયો પર સાંભળીને આવે છે.

તે સાંભળીને એક વ્યક્તિ દ્વારા રમતના પરિણામ વિશે પૂછતાં મહારાજજીએ કહ્યું, ‘લંકામાં રાવણ મર્યો અને બેહુલા રડીને વ્યાકુળ થઈ ગઈ!’ ક્યાં રમત રમાય છે અને બધા લોકો હસી રહ્યા છે, રડે છે પણ ખરા. અને તે માત્ર સાંભળીને જ! સામાન્ય વ્યક્તિ જેમનામાં વિચારશક્તિ નથી, તેઓ કેટલુંક ઉત્તેજક કાર્ય કરવા ઇચ્છે છે.

વિજ્ઞાનીની દૃષ્ટિએ ફૂટબોલની રમત અને કૂતરાના ખેલમાં કોઈ ભેદ નથી. સર્વદા મન બહાર ધૂમધામ મચાવી દેવા ઇચ્છે છે. થોડો ઘણો વિચાર પણ કરવાની એને ઇચ્છા થતી નથી. જો હું શ્રીઠાકુર અને સ્વામીજીનાં પુસ્તકો ન વાંચત, તો સંસારનાં આ બધાં ક્રિયા-કલાપોને જોઈને હું પણ લોક નિંદક બની જાત.

પ્રશ્ન : દૂરદર્શન, દૂરશ્રવણ અને અંતર્યામિત્વ શું આ બધી સિદ્ધઓ છે?

મહારાજ : ના, એમને સાચી સિદ્ધિઓ ન કહી શકાય. એવી સિદ્ધિઓ આધ્યાત્મિક માર્ગમાં ઉન્નતિના સીમાસ્તંભ-milestone of progress છે. પરંતુ જો કોઈ એમાં ફસાઈ જાય તો એ એની સિદ્ધિ બની જાય છે. (અને તે તેના પતનનું કારણ બને છે.)

ગિરિજા અને ચંદ્રમાં સિદ્ધિઓ હતી. એ લક્ષ્ય સુધી પહોંચતા જ આ સિદ્ધિઓ સમાપ્ત થઈ જાય છે. પરંતુ શ્રીઠાકુરજીનું લક્ષ્ય એનાથી પણ ઘણું વધારે ઊંચું હતું.

વાસ્તવમાં સૂક્ષ્મ વસ્તુનું ચિંતન કરતાં કરતાં સાધકનું મન પણ સૂક્ષ્મ થઈ જાય છે. ત્યારે તે સૂક્ષ્મ વિષયોને પ્રયાસ કર્યા વિના જ સમજી જાય છે. તેને આ અસ્વાભાવિક, અસાધારણ લાગતું નથી, તેને એ ઘણું જ સ્વાભાવિક અને સહજ જણાય છે.

પ્રશ્ન : શું સ્વપાક આહાર વગેરે સંભવ છે? શું શાકાહારી બનવું પડે?

મહારાજ : તમે કંઈ એવું નહીં ખાઓ કે જેથી તમારા શરીરમાં ઉત્તેજના આવે અને સ્પૃશ્યતા-અસ્પૃશ્યતા આવે! હવે આ બધું નહીં ચાલે. પરંતુ સંસ્પર્શનો દોષ છે.

(ક્રમશ:)

Total Views: 4

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.