(સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજીની ‘ઉદ્બોધન’ માસિક પત્રિકામાં પ્રસિદ્ધ થયેલ લેખમાળાનો સ્વ. કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
પ્રશ્ન – પ્રસાદમાં શ્રીઠાકુરજીની દૃષ્ટિ પડી રહી છે, શું આ બાબતને સામાન્ય લોકો સમજી શકે છે?
મહારાજ – ના, ના!
ક્યારેય તમારે એકલા ન રહેવું, એકલા રહેવાથી ક્યારે ખરાબ સમયમાં કેવી દુર્ઘટના કરી નાખશો, એની ખબર ન પડે. બે જણ એકી સાથે રહેવાથી બન્ને અરસપરસ રક્ષણ કરે છે. એટલે તો સંઘબદ્ધ થઈને એકી સાથે જીવન વ્યતીત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે સુધી કે મહાપુરુષ મહારાજ કોઈ એકલાને તપસ્યા માટે પણ જવા ન દેતા. તેઓ કહેતા કે ઓછામાં ઓછા બે સાધુ જાઓ. સાધુએ કેટલું સાવધાન રહેવું પડે છે!
એક બ્રહ્મચારી ભોજન પછી મુખશુદ્ધિ માટે લવિંગ, એલચી વગેરે વિશેષ કંઈ ન લેતો. આજે થોડું વધારે જમાઈ જવાથી તેણે કહ્યું કે એક પાન ખાઉં છું. એ દિવસે પંગતમાં જ પાનની વ્યવસ્થા હતી.
મહારાજ – આ જુઓ, ફરીથી ભોગ વધારી રહ્યો છે! એક વાર ખાવાથી ફરીથી ખાવાની ઇચ્છા થશે. આ બધું કુસંગનું ફળ છે.
૦૧.૦૭.૧૯૬૦
પ્રશ્ન – શ્રીઠાકુરજીમાં અહંકાર ન હતો. એટલે આપણને જોવા મળે છે કે તેઓ હંમેશાં કહી રહ્યા છે, ‘મા(જગદંબા)એ દેખાડ્યું.’ શું એમને આ વિશે સાવધાન રહેવું પડતું હતું?
પ્રેમેશ મહારાજ – એને અભિનય ગણવાથી કહેવું પડશે કે એ એમનો ઢોંગ છે. પરંતુ જ્યારે તેઓ આવે છે, ત્યારે તેમને પરબ્રહ્મ કહેવાથી નહીં ચાલે. એ સમયે એ સમજવું પડશે કે તેઓ અવતારરૂપે લીલા કરે છે. શંકરાચાર્યજીના ‘જાત ઇવ’ શબ્દોને કારણે સમસ્યા સર્જાય છે. જો તમે કહો કે તેઓ નાટક કરી રહ્યા છે, તો સંપૂર્ણ વિશ્વના ખેલોનો અભિનય સમજવો પડશે. જ્યારે દેહી દેહમનબુદ્ધિની ઉપર ઊઠીને આ જ લીલાને જોશે, ત્યારે એમની આ લીલા નાટકરૂપે જણાશે. એ પહેલાં આ લીલા પૂર્ણતઃ સત્ય છે.
સેવક – અમે તો નાના આધાર છીએ, અમારા લોકો માટે તો દ્વૈત સારો.
મહારાજ – તો, સંન્યાસી નહીં બનવું પડે.
સેવક – શા માટે? સંઘ સંન્યાસ!
મહારાજ – સંઘ કહો કે પછી ગમે તે કહો- સંન્યાસ બની શકતો નથી. પરંતુ અભ્યાસયોગ છે. દ્વૈતવાદી – તે કેવળ મૌન રહીને પોતાના ઇષ્ટના ચિંતનમાં તન્મય રહે છે, બીજા ધર્મો સાથે કોઈ રાગદ્વેષ રહેશે નહીં. કેવળ સ્વયં જપ-તપ કરતાં કરતાં મન જેટલું ભીતર તરફ વળી જાય, તેટલી જ તે પ્રગતિ કરતો રહેશે. પરંતુ આ દેહબુદ્ધિ દ્વૈતભાવમાં જશે નહીં અને અદ્વૈતભાવમાં પ્રારંભમાં જ આ દેહમનબુદ્ધિના બંધનનો ત્યાગ કરી શકાતો નથી. પરંતુ પ્રયાસ કરવો પડે.
૦૪.૦૭.૧૯૬૦
પ્રશ્ન – જો ધ્યાન ન થાય તો શું જ્ઞાન, કર્મ અને ભક્તિનો અભ્યાસ કરવાથી નહીં થાય?
ઉત્તર – જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણેય સહજ છે, પરંતુ ધ્યાન કઠિન છે. અને વળી તમારા ત્રણેય યોગ સાચી દિશામાં જઈ રહ્યા છે કે નહીં, એ જ તો માપદંડ છે. આ બધું લોકપ્રદર્શન માટે પણ કરી શકાય છે. બુદ્ધિ રહેવાથી શાસ્ત્રોને સારી રીતે આત્મસાત્ કરી શકાય છે. આ બધું જોઈને શ્રીચૈતન્ય દેવ સંન્યાસ આપીને નથી ગયા. સંન્યાસી ઘણો નીતિવાન હશે. નીતિવાનનો અર્થ વિદ્વાન થતો નથી, તેનો અર્થ થાય છે—ચારિત્રવાન, સત્યવાદી, નીડર, શ્રદ્ધાવાન, પરોપકારી અને જિતેન્દ્રિય. આ રીતે અભ્યાસ કરતાં કરતાં આધ્યાત્મિક ચિંતનની ધારા પ્રવાહિત થશે.
૦૫-૦૭-૧૯૬૦
પ્રેમેશ મહારાજ – સામાન્ય વ્યક્તિ જાણતો જ નથી કે આ દેહમનબુદ્ધિનો અતીત ‘હું’ છું. આધ્યાત્મિકતાનો અર્થ દેહમનબુદ્ધિને પૂર્ણરૂપે જાણવી અને એનો અતીત હું છું, તેને પણ જાણવું એ છે. આ જ સાચો ધર્મ છે. ધર્મ આધ્યાત્મિકતાનું સોપાન માત્ર છે.
આશ્ચર્યનો વિષય એ છે કે આ આધ્યાત્મિકતા વિશ્વના કોઈપણ ધર્મમાં નથી. દુઃખની વાત એ છે કે તે ભારતવર્ષમાં પણ વિલુપ્ત થતી જાય છે. આપણે જે વેદાંતી આંદોલન જોઈએ છીએ, તે બધું પણ વિશ્વવિદ્યાલયમાં ઉપરછલ્લી રીતે વાંચવા જેવું છે. કેવળ વૈરાગ્યહીન વિદ્વાનો બહાર આવી રહ્યા છે. આ વખતે પ્રેસને કારણે સુરક્ષિત રહેશે, પછીથી બધા લોકો આવશે.
વિચારો તો કેટલો આનંદ થશે, જ્યારે સ્વયંને અલગ કરીને શરીરની ભીતર પ્રાણમનબુદ્ધિના ખેલને સ્પષ્ટરૂપે જોઈ શકીશ. એક મહિના પછી હું જોઉં છું તો માથાના વાળ એક ઈંચ મોટા થઈ ગયા, શું આ વાળ એક દિવસમાં આવા થઈ ગયા! દરરોજ થોડા થોડા વધતા રહે છે. કેટલાક ખાદ્ય પદાર્થ પેટમાં જવાની સાથે કેટલી પ્રક્રિયાઓ થવા માંડે છે! સારતત્ત્વને ગ્રહણ કરવા પ્રાણને વધુ પરિશ્રમ કરવો પડે છે.
સેવક – આખો દિવસ મન વ્યગ્ર બનીને, દોડાદોડી કરીને સમાચાર લાવીને આપે છે અને બુદ્ધિ પાસેથી નિર્દેશ માગે છે. એવું લાગે છે કે બુદ્ધિ અંધ છે. એટલે એક જ જગ્યાએ બેઠાં બેઠાં મન દ્વારા બધાં કાર્ય કરે છે. પરંતુ એક ચિત્ત છે, જે સંસ્કાર જોઈ જોઈને એમને ભેળવીને નિર્દેશ આપે છે. મન નિદ્રાના સમયે બુદ્ધિમાં વિલીન થઈ જાય છે. જેમ વીજળી દિવસમાં પાવરહાઉસમાં રહે છે અને રાત્રિમાં પોતાનો વિસ્તાર કરે છે. આ બધા ખેલ કલાકે કલાકે બેઠાં બેઠાં જોઈ શકાય છે.
સેવક – નાનો આશ્રમ હોય, તો સારું રહે છે.
મહારાજ – આશ્રમની પસંદગી કરવાનો પ્રયાસ ન કરવાને બદલે શ્રીઠાકુરજીની ઇચ્છા પર નિર્ભર બનીને રહો. જ્યારે જ્યાં હો, ત્યાં કાર્ય કરશો, સાધનાના રૂપે કરવું પડશે. પહેલાં ગીતાના શ્લોકનો પાઠ કરીને કર્મનો પ્રારંભ કરવો.
એક ભક્ત – શ્રીચૈતન્યદેવજીના ધર્મે આખા દેશને મતવાલો કરી દીધો છે. પરંતુ એવું લાગે છે કે શ્રીઠાકુરજીનો ધર્મ કેવળ બુદ્ધિજીવીઓ માટે છે. અહીં ભીડ જમાવવા પર નિષેધ છે. શ્રીરામકૃષ્ણ કથામૃત વાંચવાથી એવું લાગે છે કે કોણ એવું છે કે જે શ્રીઠાકુરજીની અપેક્ષાઓ પર સાચો ઠરી શકે?
મહારાજ – શ્રીઠાકુરજી કેવળ બૌદ્ધિક લોકો માટે છે, એવું તમને કોણે કહ્યું છે? શું શ્રીઠાકુરજીએ ભક્તો સાથે હરિકીર્તન કર્યાં નથી? શું ત્રૈલોક્ય બાબુને તીર્થયાત્રા કરવાનું કહ્યું ન હતું? શું ચૈતન્યદેવે કેવળ કીર્તન, ઉત્સવ અને પ્રસાદ માટે જ કહ્યું છે? શું એમના જીવનને કોઈ બુદ્ધિમાન વ્યક્તિ સિવાય બીજું કોઈ સમજી શકે છે? એ લોકોએ એક આદર્શ સ્થાપિત કર્યો છે. શું તમારા શ્રીરામકૃષ્ણદેવે સમાજસેવા અને પરોપકાર કરવા માટે કહ્યું છે?
અમે લોકો એમના ઢાળા-આદર્શને સમાજના કાર્યમાં લગાવી રહ્યા છીએ. જે લોકો શ્રીરામકૃષ્ણદેવના તત્ત્વની ચર્ચા કરે છે, શું કેવળ એ જ લોકો શ્રીઠાકુરજીનું અનુસરણ કરી રહ્યા છે? અને જે લોકો તેમનાં સેવાકાર્ય, પ્રસાદગ્રહણ અને પૂજા-અર્ચના કરે છે, તેઓ એમના અનુયાયી નથી? સાચી વાત એ છે કે જેને જે અનુકૂળ હોય અને જેને જે ગમે(તેને સ્વીકારે).
અવતારના જીવનને અનેક લોકો ભિન્ન ભિન્ન પ્રકારથી સમજીને ત્યાંથી યાત્રા પ્રારંભ કરી દે છે. વિશ્વવિદ્યાલયોમાં વિશ્વની વિભિન્ન કેળવણી અપાય છે. એક એમ.એ.ના અધ્યાપકને જોઈને વિશ્વવિદ્યાલયનો નમૂનો(ઉત્તમતાનો આદર્શ) સમજાઈ જાય છે.
પરંતુ જેણે પ્રવેશિકાની પરીક્ષા (એફ.વાય.) ઉત્તીર્ણ કરીને તાજેતરમાં જ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો છે, શું એને તમે વિશ્વવિદ્યાલયનો વિદ્યાર્થી નહીં કહો? તે પણ એ જ માર્ગે યાત્રા કરે છે. એ જ રીતે કોઈ સંગીત, કોઈ ભાષણ, કોઈ જપ અને કોઈ પાઠ દ્વારા એ પથ પર યાત્રા કરે છે. આપણે લોકો પ્રયાસ કરીએ છીએ. એ જ કરતાં કરતાં જીવન મહાન બની જશે. શું ચૈતન્યદેવના અનુયાયી શુદ્ધાભક્તિનો અભ્યાસ કરી શકતા હતા? પરંતુ પ્રયાસ કરતાં કરતાં જ જીવન મહાન બની જાય છે.
સ્વામીજીની ઇચ્છા છે કે આ વખતે શૂદ્રોનું જાગરણ થશે. જુઓ, કોઈના પ્રયત્નથી નહીં, પોતાની મેળે જ બધા વર્ગોનાં બાળકો સ્કૂલમાં ભણી રહ્યાં છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ગો જ જવાના આરે છે. હવે શૂદ્ર જાગશે અને તેઓ જ દેશને જગાડશે.
૧૦-૦૭-૧૯૬૦
એક ભક્ત – જો તે વિવાહ ન કરત તો સારું થાત અને સુખી રહેત.
મહારાજ – એક પ્રેમી વ્યક્તિને મળવાથી માણસ દ્રવી ઊઠે છે. પ્રેમ કરતાં કરતાં જ પહેલાં સ્ત્રી, ત્યાર બાદ પુત્ર-પુત્રી, આ રીતે પ્રેમનો પરિઘ વધતો જાય છે. પછીથી એ જ પરિસ્કૃત બનીને, ઉન્નત થઈને ઈશ્વરપ્રેમમાં પરિવર્તિત થઈ જાય છે.
પહેલાં અભ્યુદય થવો જોઈએ—પોતાની ઉન્નતિ, કેવળ પોતાની ઉન્નતિ. ત્યાર પછી જે વ્યક્તિ મારી સામે રહે છે, તેનો અને સ્વયંનો વિકાસ, ત્યાર પછી સંપૂર્ણ ગામનો વિકાસ, આ રીતે સમગ્ર દેશના લોકોનું કલ્યાણ થાય, એવી ભાવનાથી પોતાનામાં દેશભક્તિ, નૈતિક અનુશાસન, ચરિત્ર, પવિત્રતા અને નિઃસ્વાર્થતાનો વિકાસ થશે. આ બધું ન હોય તો દેશપ્રેમ પણ ન થાય.
વિશ્વનાં જેટલાં પ્રાણી છે તે બધાંનું કલ્યાણ થાય, એ જ સર્વશ્રેષ્ઠ વિચાર છે. પરંતુ આપણે લોકોએ એનાથી પણ ઉપર જવાનું છે. આપણે લોકો એનાથી પાર જઈને જોઈશું કે જગત તો નિત્યમુક્ત છે.
કોઈ બ્રહ્મચારીએ કાર્ય કરતી વખતે થોડી ભૂલ કરી નાખી. મહારાજજી સાંભળીને કહેવા લાગ્યા- શ્રી ઠાકુરજી કેવું પોતાના શિષ્યોનું ધ્યાન રાખતા હતા! આમ તો તેઓ કેટલો સ્નેહપ્રેમ કરતા! થોડી એવી ભૂલ પણ થાય તો એમા સુધારો કરાવીને જ છોડતા. બાળપણ અને યુવાવસ્થામાં સાચા માર્ગદર્શકના સાંનિધ્યમાં ન રહેવાથી જીવન વિકસિત થઈ શકતું નથી. ચારેય તરફ વિભિન્ન પ્રકારનાં પ્રલોભનો છે. શરીર અને મનમાં કોટિ-કોટી જન્મોના સંસ્કાર છે. સૂક્ષ્મ નિરીક્ષણમાં ન રહેવાથી તેનું અતિક્રમણ કરીને આગળ વધી શકાતું નથી.
૧૧.૦૭.૧૯૬૦
મહારાજ – प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुरा। न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते॥ આની વ્યાખ્યા ઘણા લોકોએ અનેક રીતે કરી છે. પરંતુ હું સમજું છું, ‘કયું કાર્ય કેટલું કરવું પડે અને કેટલું ન કરવાનું હોય, એનું ચિંતન કરવું. હજારો રૂપિયા ખર્ચ કરીને મકાન બનાવીએ છીએ. પરંતુ આ બાજુએ જે રસ્તા પર બન્ને સમયે ચાલવાનું છે, તે ચાલવાને લાયક નથી રહ્યો, એ બાજુ ધ્યાન નથી. આ રીતે વિવેકહીન્ન કાર્ય દ્વારા ચિત્તશુદ્ધિ થતી નથી.
જેટલું મન સ્થિર હશે, એટલું જ સૂક્ષ્મ બનશે અને એટલો જ બુદ્ધિયોગ ખૂલતો રહેશે. એ વખતે મન જ બતાવી દેશે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું કે, દદામિ બુદ્ધિયોગં – હું તને બુદ્ધિયોગ આપું છું. ગમે તેટલી મોટી સમસ્યા કેમ ન હોય, શ્રીમા એક સરળ સાધારણ વાતથી તેનું સામાધાન કરી દેતાં. અને તેઓ નિરક્ષર હતાં! મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) ટ્રસ્ટીઓની મીટિંગમાં કેવળ એક-એક શબ્દથી જ બધી સમસ્યાઓનો ઉકેલ લાવી દેતા.
પ્રશ્ન – મારું મન ધ્યાનમાં એકાગ્ર થતું નથી. એનો અર્થ એ છે કે મારી અંદર રજોગુણ છે. તે દૂર ન થાય તો શું ધ્યાનમાં મન નહિ લાગે? જો આપણી ભીતર એવું જ થઈ રહ્યું હોય તો શું વધારે કાર્ય કરવું પડશે?
મહારાજ – ના, ઓછું કાર્ય પણ સારી રીતે કરવું પડે. स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्- થોડો કરેલો ધર્મ (સત્કર્મ) પણ મહાન સંકટમાંથી બચાવી લે છે. મને લાગે છે કે પ્રારંભનાં દશ વર્ષ સુધી પ્રત્યેક બ્રહ્મચારીને તે બતાવવું યોગ્ય છે કે સંન્યાસી અને ગૃહસ્થનાં કર્મ એક સરખાં નથી. શું સંન્યાસી જોયા-સાંભળ્યા વિના, સમજ્યા-જાણ્યા વિના અને વગર વિચાર્યે કાર્ય કરશે? તે સંન્યાસી છે. તેના આત્મવિકાસનો માર્ગ તેનું કર્મ છે. તેનું કાર્ય તેની ઉપાસના બનશે.
શ્રીઠાકુરજી આવી ગયા, અમે લોકો તૈયાર ન હતા. અમારામાં ધ્યાન-જપ કરવાની શક્તિ નથી અને આ સંઘમાં સાધુભાવથી લગભગ રહી શકીએ છીએ. આ જ આપણા લોકો માટે ઘણું છે.
(ક્રમશ:)
Your Content Goes Here




