સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે.શર્માના પુસ્તક ‘Swami Vivekananda’s Leadership Formulas to become Courageous’ નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

અખૂટ ધીરજ રાખો; અંતે તમને વિજય મળવાનો જ છે

ખંત એક મહાન સાહસિક ગુણ છે. નિર્બળ મગજવાળા લોકો કોઈ મુશ્કેલી સામે આવે તો સરળતાથી હાર માની લે છે. પરંંતુ ધૈર્યશીલ લોકો ખંત દાખવે છે અને શાનદાર સફળતા પ્રાપ્ત કરે છે. આપણા લોકોમાંથી મોટાભાગના લોકોને મોતી પસંદ છે. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે મોતી અખૂટ ખંતના પરિણામ સ્વરૂપે તૈયાર થાય છે. રેતીનો કણ એ નાની એવી માંંસપેશીમાં પહોંચી જાય છે અને એને કારણે છીપને ઘણી ખંજવાળ આવે છે. એની પ્રતિક્રિયા રૂપે છીપ એને પીડા આપનાર તત્ત્વને પોતાના સ્રાવથી ઢાંકી દે છે. જેટલી વધારે ખંજવાળ થાય છે એટલા જ વધારે પ્રમાણમાંં સ્રાવનું પડ એ તત્ત્વ પર ચડતું જાય છે. મોતી ઉત્પન્ન કરનારી છીપો અલગ અલગ આકારની હોય છે અને તે તદ્દન ખરબચડી અને દેખાવે ન ગમે તેવી હોય છે. પરંતુ તેની ભીતર કંઈક થાય છેે. તે ઇન્દ્રધનુષ, ચાંદની તથા નાની નાની જ્યોતની ઝાળના સંયોજન સ્વરૂપનું છે. જ્યારે છીપ પોતાની આ ખંજવાળને પોતાના ભાગરૂપે સ્વીકારી લે છે ત્યારે તેની અંદર મોતી વિકસિત થવાનો પ્રારંભ થઈ જાય છે. ત્યાર પછી ભયંકર આંધી, તોફાન તથા ઝંઝાવાત પણ એને વિકસિત થતાં રોકી શકતાં નથી. કાળક્રમે છીપ સમુદ્રની સપાટી પર ધકેલાઈ આવે છે ત્યારે એને ખોલવાથી આપણને એક સુંદર મજાનું મોતી જોવા મળે છે.

મંદિરોમાં ઉપર લટકાવેલ કળશમાંથી શિવલિંગ પર ધીમે ધીમે પવિત્રજળ ટપકતું રહે છે. એ આપણને યાદ અપાવે છે કે જો આપણે પોતાના મન પર નિયંત્રણ રાખીને ખંતપૂર્વક મંડ્યા રહીએ તો આપણને નિશ્ચિતરૂપે સફળતા મળશે.

સ્વામી વિવેકાનંંદ આપણને બધાને નિરંતર પ્રયાસ કરવાનો મંંત્ર આપે છે, એના બળ પર આપણે મહાન કાર્ય કરી શકીએ છીએ. ‘પાછળ જોશો મા; આગળ ધસો. અનંત શક્તિ, અપાર ઉત્સાહ, અદમ્ય સાહસ અને અખૂટ ધીરજપૂર્વક કામે લાગી જાઓ, ત્યારે જ મહાન કાર્યો સિદ્ધ કરી શકાય છે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૬.૫૦૯) ખંતમાંં અનેક ગુણનો સમાવેશ થાય છે. એમાં કઠિન પરિશ્રમ, સહનશીલતા, પ્રતિબધ્ધતા, ધૈર્ય અને શાંત રહીને મુશ્કેલીઓ સહન કરવી તથા પ્રારંભમાં અસફળતા મળે તો પણ વારંવાર પ્રયાસ કરતા રહેવાનો સમાવેશ થાય છે. ખંતનો અર્થ છે અનેક બાધાઓ આપણી સામે આવે, છતાં પણ નિરંતર આપણા પથ પર ચાલતા રહેવાની કુશળતા.

અગ્નિ સોનાને પારખે છે અને કઠિન પરિસ્થિતિઓ માનવને

એક પ્રસિદ્ધ કહેવત છે : અગ્નિ સોનાને પારખે છે અને કઠિન પરિસ્થિતિઓ માનવને. નબળા ઈરાદાવાળા, ઢચુપચુ મનવાળા અને શંંકાશીલ લોકો જીવનમાં કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. એનું કારણ એ છે કે સમસ્યાઓ સામે આવે એટલે તેઓ પોતાના પ્રયાસ વચ્ચે જ છોડી દે છે. સ્વામી વિવેકાનંદ આપણને ખંતના ગુણને વિકસિત કરવાનો સંદેશ આપે છે. એનાથી સામાન્ય વ્યક્તિ પણ પ્રતિભાશાળી બની શકે છે. નિરંંતર પ્રયાસ કરવાની ભાવના વિકસિત કરવાથી આપણને અડચણોને પાર કરવામાં અને યશસ્વી વિજય મેળવવામાં સહાયતા મળે છે. જ્યાં સુધી ઇચ્છા સાથે ખંતની શક્તિ ઉમેરાય નહીં ત્યાં સુધી કોઈ મોટી ઇચ્છા આપણને મહાન બનાવતી નથી. બધા મહાપુરુષોની સફળતાની વાતો આપણને દર્શાવે છે કે કેવી રીતે તેમને અનેકવાર અસીમ કઠિનતાઓનો સામનો કરવો પડ્યો હતો, પણ એમણે પોતાના ધ્યેયની તરફ આગળ વધવાનું છોડ્યું ન હતું. નિરંતર પ્રયાસ માટે આ ગુણો આવશ્યક છે – સકારાત્મક વિચાર, કઠિન પરિશ્રમ અને આત્મવિશ્વાસ. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘સંપૂર્ણ સચ્ચાઈ, પવિત્રતા, પ્રખર બુદ્ધિ અને સર્વવિજયી ઇચ્છાશક્તિવાળા માત્ર મુઠ્ઠીભર માણસો જ જો કામ કરે, તો આખી દુનિયામાં ક્રાંતિ આવી જાય… માત્ર ચારિત્ર્યનું ધીરજપૂર્વકનું ઘડતર, સત્યના ‘સાક્ષાત્કાર’ કરવા માટેનો તીવ્ર પરિશ્રમ જ માનવતાના ભાવિ ઉપર અસર કરી શકશે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૬.૪૧૭-૪૧૮)

Total Views: 610

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.