ગતાંકથી આગળ…

મા, એક સંન્યાસીનો વેશ ધારણ કરીને નિરર્થક ભમવાનો મારો ઈરાદો નથી. જ્યાં હું બે ટાણાનું ભોજન મેળવી શકું અને વિના વિઘ્ને આધ્યાત્મિક સાધના કરી શકું, એવા શાંત એકાંત સ્થળે રહેવાની જ મારી ઇચ્છા છે. ‘આ છોકરો ક્યાં જશે ?’ કે ‘એને ક્યાંય મુશ્કેલીમાં મુકાવું પડશે તો ?’ હે મા, તમે આવો ભય સેવીને ચિંતા ન કરતાં. શા માટે ? અહીં પણ હું શું મુશ્કેલીઓ વેઠતો નથી ? મેં આ બધું આટલા બધા દિવસો સુધી વેઠ્યું છે અને છતાં આપને કહ્યું નથી. જ્યારે આપે પૂછ્યું ત્યારે મેં માત્ર ‘મને સારું છે’ આટલું જ કહ્યું હતું. જેમ જેમ મેં વધારે સહન કર્યું છે તેમ તેમ મેં જોયું કે આ ઘરમાં મને બધાં ઓહિયાં કરી જવા ઇચ્છે છે… મઠના મારાથી જુનિયર બાર સભ્યોએ સંન્યાસ દીક્ષા લીધી છે. અલબત્ત, એમની અને મારી કોઈ સરખામણી ન થઈ શકે, એ વાત સાચી છે. હવે મારે ક્યા પંથે વળવું જોઈએ એ વિશે આપનો વિચાર મને જણાવશો.

હે મા, હું દિવસ રાત આધ્યાત્મિક સાધનામાં ડૂબેલો રહું એવા આશીર્વાદ મને આપો. સાથે ને સાથે મારા મનનાં દુષ્ટ વલણો નાશ પામે તેવું કરો.

વિશેષ કરીને મને મા એવા આશીર્વાદ આપો કે હું આપનાં શ્રીચરણકમળમાં સતત પ્રેમભાવ અને ભક્તિ રાખી શકું.

હે મા, હું તો તમારું સૌથી વધારે વણસેલું બાળક છું. મા, જરા તમે જુઓ તો ખરાં કે જો કોઈ વ્યક્તિને પ્રેમ અને લાગણી બીજી વ્યક્તિ પાસેથી મળે તો એ વ્યક્તિ માટે તે સ્વાભાવિક રીતે જ આકર્ષણ અને લાગણી અનુભવવાની. પરંતુ એ ખરેખર નવાઈની વાત છે કે આપ માનવીય રૂપે અવતર્યાં હોવા છતાં આપે અસામાન્ય પ્રેમ અને કરુણા મારા પ્રત્યે દાખવ્યાં છે, પરંતુ મારું આ પાપી મન આપના પ્રત્યે સાચો ભક્તિભાવ મેળવી શક્યું નથી. જ્યારે એક પુત્રે પોતાનાં માતાથી દૂર રહેવાનું હોય ત્યારે તે તેમના માટે કેટકેટલું વિચારતો રહે છે અને એમને મળવા કેટલું ઝૂરે છે ! અને મા, જુઓ તો ખરા, હંુ આપનાથી દૂર હોવા છતાં મેં ક્યારેય ઉદ્વિગ્નતા અનુભવી નથી, હું કેટલો કમભાગી છું ! હે મા, તમે મને આટલું કહીને આશ્વાસન આપો, ‘તું સફળ થઈશ.’ વારુ, મા શું એ બધું એક એક ડગલું ભરીને થાય છે કે એક જ દિવસમાં અચાનક બને છે ? જો એ ક્રમશ: બનતું હોય તો આ બે કે ત્રણ વરસમાં કંઈક સિદ્ધિ મળવી જોઈએ. હે મા, મારા પર કૃપા વરસે એવી પ્રાર્થના કરો. શું મઠમાંના બધાએ ઈશ્વરની કૃપા વિના આ સંસાર ત્યાગ કર્યો છે કે સંન્યાસી તેઓ પોતાની ઇચ્છાએ બન્યા છે ? આપની કૃપા હોવા છતાં -શું હું – હું પણ – સંન્યાસી બની શક્યો ? હે મા, તમારા ખેલાતે (સ્વામી વીરજાનંદના બાળગોઠિયા) આપને એક વખત પૂછ્યું હતું, ‘આપના માટે અશક્ય શું છે ?’ અને એનો આપે આવો પ્રત્યુત્તર આપ્યો હતો, ‘મારે માટે ‘તે’ જ અશક્ય છે.’ હું જાણતો નથી કે આપે આ કયા અર્થમાં કહ્યું હતું. પરંતુ મેં સારદાબાબુ (સ્વામી ત્રિગુણાતીતાનંદ) ના હોઠેથી સાંભળ્યું હતું કે ‘તેણે’ (શ્રીરામકૃષ્ણે) એક વખત આપને રહસ્યમય પંક્તિમાં કહ્યું હતું, ‘શ્રીરાધાની અનંતમાયાને વર્ણવવી અશક્ય છે. (એમની જ શક્તિથી) લાખો કૃષ્ણ અને લાખો રામ અવતરે છે, થોડા કાળ સુધી જીવે છે અને પછી વિલીન થઈ જાય છે.’

હે મા, તમે ધારો તે કરી શકો છો. પરંતુ આપને જ જ્ઞાત હોય એવું કંઈક કરવાનું આપ પસંદ કેમ નથી કરતાં. જો આપ ધારો કે હું મારા ઘરે ન રહું તો મારા પર કોઈ અનિષ્ટ આવશે, તો એ મારા માટે ભાવાત્મક રીતે ઉપયોગી એવા અનિષ્ટને આપ ફેરવી ન શકો ? આપ તો બધું જાણો છો અને સમજો છો, એટલે હવે મારે વધારે લખવાની જરૂર નથી.

મારા માટે આપને સૌથી શ્રેષ્ઠ શું લાગે છે એ મને જણાવવા વિનંતી. હું આપની સંમતિની રાહ જોઈશ. જેટલું જલદી બને એટલું ઝડપથી મને જણાવવા વિનંતી. વિશેષ કરીને મને આપની તંદુરસ્તી વિશે જણાવશો.

આપનો સૌથી વધુ અયોગ્ય પુત્ર,
કાલીકૃષ્ણ

પોતાના પુત્રની આવી મધુર અને વારંવારની પ્રાર્થનાઓથી શ્રીમાનું હૃદય હલી ઊઠ્યું અને તેમણે તરત જ પોતાનો પ્રત્યુતર આપ્યો. એમને પોતાની પરવાનગીનો સંદેશ આપતો એ પત્ર આ પ્રમાણે છે :

જયરામવાટી
૭ ઓક્ટોબર, ૧૮૯૫

પ્રિય વત્સ,

મારા પ્રેમભર્યા આશીર્વાદ સ્વીકારજે. મને તારો પત્ર મળ્યો છે. તું જે મુશ્કેલીઓ અને કષ્ટમાંથી પસાર થઈ રહ્યો છે એ સાંભળીને હું ખૂબ ખિન્ન થઈ છું. તું વૃંદાવન જઈ શકે અને ત્યાં ગોવિંદજીના પવિત્ર મંદિરની મુલાકાત લઈ શકે, તે તારા માટે સારું રહેશે. તારાં માતપિતાની સંમતિથી તું તે પવિત્ર તીર્થસ્થાને જઈ શકે છે. વિજય, ખગેન, સુશીલ, ખેલાત, શશી, ફણી, હરિપદ, કનાઈ અને બીજાને મારા આશીર્વાદ પાઠવજે. તારાં માતાને પણ મારા આશીર્વાદ કહેજે.

તારી માતા.

આવી રીતે શ્રીશ્રીમાની સંમતિ મેળવીને કાલીકૃષ્ણે એક પણ પળને ન વેડફ્ી. તેઓ સંન્યાસીઓની વિદાય લેવા પ્રથમ તો આલમબજાર મઠમાં ગયા; પછી તેઓ જયરામવાટી ગયા. એને જોઈને શ્રીશ્રી મા ખૂબ રાજી થયાં અને આ શબ્દો સાથે તેમણે આશીર્વાદ આપ્યા, ‘તને શ્રીરામકૃષ્ણ પ્રત્યે અચલ ભક્તિ પ્રાપ્ત થાઓ.’ ૨૦ ઓક્ટોબર, ૧૮૯૫ના રોજ વારાણસીના રસ્તે કાલીકૃષ્ણ વૃંદાવન જવા નીકળ્યા. આ યુવાન તપસ્વીનું હૃદય આનંદથી છલકાતું હતું. (ક્રમશ:)

Total Views: 334

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.