‘પરંતુ હું શું જાણું છું કે જેથી હું એ વિશે બોલી શકું?’ એ પ્રશ્નના ઉત્તરમાં એક ધીરગંભીર અવાજ સંભળાયો, ‘સારું, ઊભા થાઓ અને કહો કે તમે કંઈ જાણતા નથી. તમે કંઈ જાણતા નથી એનો સ્વીકાર કરવો એ પોતે એક મહાન ઉપદેશ છે. હું બધું જાણું છું આવી લાગણી અજ્ઞાનમાંથી આવે છે.’ આમ છતાં પણ યુવાન શિષ્ય પોતાના ગુરુની સૂચનાનો અમલ કરવા પોતાની જાતને પૂરતી સક્ષમ જાણી નહીં. ગુરુએ આગળ કહ્યું, ‘અહીં જુઓ, જો તમે પોતાની મુક્તિ ઝંખતા હશો તો તમે ચોક્કસ નરકમાં જ જવાના. પરંતુ જો તમે બીજાની મુક્તિ માટે કાર્ય કરતા હશો તો આ જ પળે તમે મુક્ત બની જશો.’

હવે શિષ્યનાં ભય અને શંકા દૂર થયાં. તેમણે ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ માટે પોતાના જીવનને સમર્પી દેવાનો નિશ્ચય કર્યો. સ્વામી વિવેકાનંદના પ્રિય આધ્યાત્મિક પુત્ર સમા સ્વામી વિરજાનંદનું તપોમય જીવન જે લોકો ત્યાગ અને સેવાના પથે ચાલવા ઇચ્છતા હોય તેમને માટે હંમેશાં પ્રેરણાનું સ્રોત બની રહેશે. જે મહામાનવોએ ગત શતાબ્દી દરમિયાન જ્ઞાન, ભક્તિ, યોગ અને નિ :સ્વાર્થ કર્મનું અનન્ય સંયોજન પોતાના જીવનમાં પ્રગટ કરીને આ દેશનાં સંસ્કૃતિ અને ધર્મને સમૃદ્ધ બનાવ્યાં છે એમાં સ્વામી વિરજાનંદનું નામ વિશેષ ઉલ્લેખનીય છે.

સ્વામી વિરજાનંદનું પૂર્વાશ્રમનું નામ કાલીકૃષ્ણ બોઝ હતું. એમના પિતા ત્રૈલોક્યનાથ બોઝ કોલકાતાના સુખ્યાત ચિકિત્સક હતા. ત્રૈલોક્યનાથનું પૈતૃક ઘર પશ્ચિમબંગાલના કોડાલિયા નામના નાના ગામમાં હતું. કાલીકૃષ્ણના દાદા રામરતન બોઝ કોલકાતામાં સ્થિર થયા હતા અને ત્યાંના સિમલાપલ્લી નામના વિસ્તારમાં પોતાનું મકાન બાંધ્યું હતું. સ્વામી વિવેકાનંદનું પૈતૃક નિવાસસ્થાન પણ શહેરના આ વિસ્તારમાં હતું અને તેઓ પોતાના બાળપણમાં રામરતન બોઝના ઘરે રમતા. કાલીકૃષ્ણના કાકા અમૃતલાલ બોઝ સ્વામીજીના સહપાઠી હતા. તેમના ફળિયામાં એક ઝાડ હતું અને સ્વામીજી તેની ડાળીએ ઊંધે માથે લટકતા. એક દિવસ એ ઘરના એક વૃદ્ધ માણસે આ છોકરો ઝાડ પરથી પડી જશે એ બીકથી નરેન્દ્રને કહ્યું કે તેણે એ ઝાડ પર ફરીથી ન ચડવું કારણ કે એ ઝાડમાં ભૂત રહે છે અને જે કોઈ એ ઝાડ પર ચડે એની ગરદન મરોડી નાખે છે. આ સાંભળીને નરેનના મિત્રો તો ડરી ગયા. નરેને કહ્યું, ‘અરે મૂર્ખાઓ, આ ઘરડા માણસની વાત શા માટે સાંભળો છો ? જો એ વાત સાચી હોત તો ક્યારનીય એ ભૂતે મારી ડોક મરડી નાખી હોત!’ આ વૃદ્ધ માણસ એટલે કાલીકૃષ્ણ બોઝના દાદા રામરતન બોઝ.

રામરતને ત્રૈલોક્યનાથનાં લગ્ન તેઓ મેડિકલમાં અભ્યાસ કરતા હતા ત્યારે કરી નાખ્યાં. નવવધૂ નિષાદકાલી દેવી વિધુર રામરતન બોઝના ઘરમાં આનંદ અને સમૃદ્ધિ લાવ્યાં. તેમના પિતા વિનોદ વિહારી મિત્રા સંત જેવા હતા. કાલીકૃષ્ણ એમનાં શાંત અને શિસ્તબદ્ધ જીવનથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેઓ અવાર-નવાર કહેતા, ‘મારી માતાના કુટુંબનો મારા પર ઘણો મોટો પ્રભાવ પડ્યો છે. મારા નાના (માતાના પિતા) એક અદ્‌ભુત માનવ હતા… મેં આવી વ્યવહારુ વ્યક્તિને ક્યારેય જોઈ નથી.’

૧૦ જૂન, ૧૮૭૩ના સવારે ૮ વાગ્યે ત્રૈલોક્યનાથના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થયો. આ દિવસ હિંદુઓ માટેનો પવિત્ર દિવસ એટલે કે ભગવાન જગન્નાથની સ્નાનયાત્રાનો દિવસ હતો. આ સારા સમાચાર સાંભળીને નવજાત શિશુના દાદા રામરતન બોઝ જગન્માતાનું નામસ્મરણ આનંદથી કરવા લાગ્યા અને એમને આવી પ્રાર્થના પણ કરી, ‘હે મા! આ બાળકને દીર્ઘાયુ આપજો. તે બોઝના કુટુંબને ગૌરવ ગરિમા અપાવે તેવું કરજો.’

નવજાત સંતાનના નાના વિનોદવિહારી મિત્રાએ પણ આ બાળક માટે પોતાની રીતે પ્રાર્થના કરી, ‘હે હરિ, મારો દૌહિત્ર એક આદર્શ માનવ બને અને તમારા પ્રત્યે ભાવભક્તિવાળો બને એવું કરજો.’ નાના અને દાદા બન્નેએ બાળકનું નામ કાલીકૃષ્ણ રાખ્યું જેથી એમને પોતાની ઈષ્ટદેવીનું સ્મરણ થતું રહે. થોડાજ સમયમાં બધાંએ આ નવજાત શિશુની ચોક્કસ વિલક્ષણતાઓ જોઈ. તે માતાને સ્તનપાન કરાવવા ન દેતું અને રાત્રે ઊંઘતું પણ નહીં. દિવસે ઊંઘી રહેતું અને રાત્રે કોઈ એને પથારીમાં કે પારણામાં નાખવાનો પ્રયત્ન કરે તો રડતું. પરિણામે એને કોઈકે તેડીને અગાસીમાં જઈને આખી રાત ‘ચાંદામામા, ચાંદામામા’ કહીને ચાલતાં રહેવું પડતું. આ બાળકની કાળજી લેવા ઘરના સભ્યો વારાફરથી જાગતા. નાના બાળકને દૂધ પાવા દાદાએ એક ગાય ખરીદી લીધી.

બાળકના જન્મથી કુટુંબમાં સાર્વત્રિક સુખાકારી અને સદ્ભાગ્ય આવ્યાં. તેના જન્મ પછી ત્રૈલોક્યનાથની નિમણૂક મહિષાદલ રાજ્યના શાહી આરોગ્ય અધિકારી તરીકે થઈ. આનાથી એમને નામયશ મળ્યાં. પછીથી એમણે આ નોકરી છોડી દીધી અને કોલકાતામાં ચિકિત્સક તરીકે પોતાની સેવાઓ શરૂ કરી. થોડા સમય માટે તેઓ કેશવચંદ્ર સેનના કુટુંબીજનોના ચિકિત્સક તરીકે રહ્યા. આ દરમિયાન લગભગ કેશવચંદ્ર સેનના ઘરે જ તેમને શ્રીરામકૃષ્ણનાં દર્શન થયાં.

કાલીકૃષ્ણનાં માતા નિષાદકાલી દેવી અત્યંત ભક્તિભાવવાળાં અને ધાર્મિક વૃત્તિવાળાં હતાં. પોતાના પુત્રના ચારિત્ર્ય પર તેમનો ઘણો મોટો પ્રભાવ પડ્યો. સંસારત્યાગ કર્યા પછી પણ કાલીકૃષ્ણ નિર્વ્યાજભાવે કહેતા, ‘હું મારી માતાના ગાઢ સંસર્ગમાં હતો.’ નિષાદકાલી દેવીના વ્યક્તિત્વનું એક વિશેષ લક્ષણ એ હતું કે તેઓ નિષ્ઠાપૂર્વક ઘરનાં કામકાજ કરતાં પણ સંપૂર્ણપણે નિરાસક્ત રહીને. એટલે જ જ્યારે પછીથી કાલીકૃષ્ણે સંસારત્યાગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે માતાએ તેમને પ્રોત્સાહન આપ્યું હતું.

એમના માટે વિઘ્નો કે અડચણો ઊભાં કરવાને બદલે એ પ્રસંગે તેમણે કહ્યું, ‘હું તારા ધર્મજીવનમાં વિઘ્નરૂપ શા માટે બનું? તું સંસારત્યાગ કરે એમાં મારે કોઈ વાંધોવિરોધ નથી.’

આ સ્વાર્થભરી દુનિયામાં આવી કેટલી માતાઓ આપણને જોવા મળે છેે ? પોતાના પતિના અવસાન પછી નિષાદકાલી દેવી આ સાંસારિક બાબતોમાંથી સંપૂર્ણપણે નિરાસક્ત બન્યાં અને તેમણે વૃંદાવનમાં આધ્યાત્મિક સાધનાઓમાં અંતિમ દિવસો ગાળ્યા. ૧૯૪૨માં ૮૫ વર્ષની ઉંમરે આ સંતહૃદયનાં નારીએ પોતાના અંતિમ શ્વાસ લીધા.

કાલીકૃષ્ણનું પ્રારંભિક શિક્ષણ હેમબાબુ ટ્રેનિંગ એકેડમીમાં થયું હતું. આ સંસ્થા એમના પિતાના એક મિત્ર ચલાવતા હતા. ૬ઠ્ઠા ધોરણ સુધી તેમણે ત્યાં અભ્યાસ કર્યો અને પછી રિપન સ્કૂલમાં ભણ્યા. ત્યાંથી ૧૮૯૦માં તેમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. એ સમય દરમિયાન એમના પિતાએ પોતાના કુટુંબ માટે કોલકાતાના એક બીજા વિસ્તારમાં નવું ઘર બાંધ્યું. કાલીકૃષ્ણ અત્યંત પરિશ્રમી વિદ્યાર્થી હતા. વર્ગખંડની ચાર દીવાલો વચ્ચે જે ભણાવાતું એટલા પૂરતું એમનું શિક્ષણ સીમિત ન હતું. હસ્તકલાકારીગરી, ચિત્રકલા, રાંધણકળા અને બગીચાની સંભાળ લેવાની એમની એક સ્વાભાવિક વૃત્તિ અને રુચિ હતાં. નાની ઉંમરથી જ આ બધી બાબતોમાં તેઓ સારા એવા ટેવાઈ ગયા હતા. પછીના જીવનમાં તેઓ ક્યારેક આ વાતને યાદ કરીને કહેતા, ‘હું અત્યંત વ્યવહારુ હતો. હું જે કંઈ કરવાનું નક્કી કરતો તે પૂરું જ કરતો.’ કાલીકૃષ્ણની પ્રકૃતિનું એક સૌથી વધારે આગવું લક્ષણ હતું, એમનું મધુર અને ગૌરવગરિમાવાળું વર્તન. સહપાઠીઓ એમના મૈત્રીભાવવાળા અને વિનમ્ર મિત્રને ચાહ્યા વિના ન રહી શકતા.

જ્યારે કાલીકૃષ્ણ તરુણાવસ્થામાં આવ્યા ત્યારે તેની ભીતરની આધ્યાત્મિકવૃત્તિ ધીમે ધીમે પ્રગટ થવા લાગી અને તેનાથી તેઓ અધીર બન્યા. એ વખતે એમના સહપાઠી ખગેન્દ્રનાથ ચેટર્જીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. ખગેન્દ્રનાથ ચેટર્જી અપ્રતિમ મેધાવી અને વિલક્ષણ ચારિત્ર્યવાળા હતા. પછીથી ખગેન સ્વામી વિવેકાનંદના શિષ્ય બન્યા અને તેઓ સ્વામી વિમલાનંદના નામે જાણીતા બન્યા. ખગેન અને કાલીકૃષ્ણે કોલેજનું શિક્ષણ શરૂ કર્યું તે દરમિયાન તેમણે સમાન પ્રકૃતિવાળા બીજા વિદ્યાર્થીઓ સાથે એક વૃંદ રચ્યું. સુધીર ચક્રવર્તી, સુશીલ ચક્રવર્તી, હરિપદ ચેટર્જી, ગોવિંદ શુકુલ આ વૃંદના મિત્રો હતા. એ ચારેય પછીથી સ્વામી શુદ્ધાનંદ, સ્વામી પ્રકાશાનંદ, સ્વામી બોધાનંદ અને સ્વામી આત્માનંદના નામે જાણીતા બન્યા. આ બધા રામકૃષ્ણ સંઘના તેજસ્વી તારલા બની ગયા. સુધીર સીટી કોલેજમાં વિદ્યાર્થી હતા અને બાકીના બધા રિપન કોલેજમાં અભ્યાસ કરતા હતા.

(ક્રમશ 🙂

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.