સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ.એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા બજાવી રહ્યા છે તેમના ૨૫થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને અનેક લબ્ધપ્રતિષ્ઠ સામયિકોમાં તેમના લેખો અવારનવાર પ્રકાશિત થાય છે. – સં.
‘એ મધુર મુખ, એ સ્નેહ નીતરતી આંખો, એ શ્વેત વસ્ત્રો ને પેલાં કંકણો બધું ય નજર સમક્ષ તાદૃશ થયું. મા, તમે કેવાં તો સ્નેહથી છલકાતાં છો! તમારો સ્નેહ અમારા સ્નેહની પેઠે નથી ઉછાંછળો કે નથી ઉગ્ર. એ કંઈ પાર્થિવ પ્રેમ નથી. પણ એ તો છે એક સૌમ્ય શાંતિ. સૌનું કલ્યાણ કરતી, કોઈનું ય અમંગળ ન વાંછતી, લીલાથી પરિપૂર્ણ, સોનેરી આભા.
મા, તમે છો, પ્રભુની અદ્ભુત કૃતિ –
મા, તમે છો, શ્રીરામકૃષ્ણનું પોતાનું એમના વિશ્વપ્રેમથી છલકાતું મધુપાત્ર. મા, તમારી સ્મૃતિ તો છે, રાગદ્વેષના દ્વન્દ્વથી રહિત શિખરવાસિની શાંતિ, કમળપત્ર પર પડેલા ઝાકળબિંદુની જેમ સંસારથી અળગી રહીને પ્રભુમાં થરકી રહેલી.’
વિદેશમાં ગયેલાં ભગિની નિવેદિતાના અંતરમાં શ્રીમા શારદાદેવીની સ્મૃતિ જાગતાં તેમના આંતર ચક્ષુ સમક્ષ જાણે શ્રીમા શારદા પ્રગટ થયાં હોય તે રીતે સહજપણે તેમના અંતરમાંથી નીકળેલા આ ઉદ્ગારો આપણી સમક્ષ પણ શ્રીમા શારદાદેવીના એ પવિત્ર, ઉજ્જવલ, મધુર, પ્રેમપૂર્ણ ને સૌમ્ય શાંતિ રેલાવતા સ્વરૂપને તાદૃશ કરી દે છે અને એ દિવ્ય મધુર સ્મૃતિ માત્રથી આપણા અંત૨માં વ્યાપી જાય છે, હિમાલયની શુભ્રતા, પવિત્રતા, શીતળતા ને શાંતિ.
પ્રેમ, પાવિત્ર્ય ને પ્રશાંતિનું મૂર્તિમંત રૂપ એટલે શ્રીમા શારદાદેવી. શ્રીમામાં આ દૈવીગુણો જન્મજાત હતા. છ મહિનાની બાળકી શારદાને તેમનાં માતા ખેતરમાં વૃક્ષની નીચે ખુલ્લામાં સુવડાવીને પોતે ખેતરમાં કામ કરવા ચાલ્યાં જતાં. આ બાળકી વૃક્ષને અને આકાશને નિહાળતી ચૂપચાપ રમ્યા કરતી. તેણે કદી પોતાની માતાને પજવ્યાં ન હતાં. પછી તો વયના વધવાની સાથે તેમનામાં રહેલા દિવ્યગુણો વિકસતા રહ્યા. પોતાના નાના નાના હાથથી બાલિકા શારદા જ્યારે માને ઘરકામમાં મદદ કરતી કે પોતાના નાના ભાઈઓને રમાડતી ત્યારે તેના વ્યક્તિત્વમાંથી માધુર્ય, પ્રેમ ને સ્વસ્થ શાંતતાના ભાવો પ્રગટ થતા, પણ તે સમયે શારદાના આ દૈવી ગુણોને કોઈ જાણી શક્યું ન હતું. પરંતુ તેમને જોયા વગર જ એકમાત્ર શ્રીરામકૃષ્ણ તેમના દિવ્ય સ્વરૂપને પોતાની આંતરદૃષ્ટિથી જોઈ શક્યા હતા. અને તેથી જ તેમણે પોતાની ચોવીસ વર્ષની વયે પણ પાંચ વર્ષની બાલિકા શારદાને પોતાની લીલા સહધર્મચારિણી રૂપે પસંદ કરી. સાસરામાં ભલે તેમના દિવ્યસ્વરૂપને કોઈ જાણતું ન હતું છતાં પણ તેમના સ્વભાવની મધુરતા, આજ્ઞાંકિતતા, નમ્રતા અને પ્રસન્નતાથી શ્રીરામકૃષ્ણના માતા ચંદ્રામણિ જ નહીં પરંતુ અન્ય સ્ત્રીઓ ય આ ‘બાલિકાવધૂ’ પર મુગ્ધ હતી. પછી તો શ્રીરામકૃષ્ણ જ્યારે જ્યારે દક્ષિણેશ્વરથી કામારપુકુર આવતા ત્યારે ત્યારે માતા ચંદ્રામણિ પોતાની આ બાલિકાવધૂને જયરામવાટીથી બોલાવતાં. તે સમયે શ્રીરામકૃષ્ણે પોતે બાલિકા શારદાને ધર્મનું અને વ્યવહારનું શિક્ષણ આપ્યું. એ પછી તો શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં જગન્માતાના સાક્ષાત્કારની સાધનામાં ડૂબી ગયા અને એ પણ ભૂલી ગયા કે પોતાનાં લગ્ન થયાં છે! વરસો વીતતાં રહ્યાં. આ બાજુ શ્રી શારદામણિ પિયરમાં શ્રીરામકૃષ્ણના પાગલપણાની જાતજાતની વાતો સાંભળતાં રહ્યાં. પણ તેમનું હૃદય એ વાતોનો સ્વીકાર કરી શક્યું નહીં અને તેમના અંતરમાં પતિના દર્શન કરવાની તીવ્રતમ ઈચ્છા જાગી ઊઠી. પછી તો પિતાને સાથે લઈને તેઓ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણના ચરણોમાં આવી પહોંચ્યાં. તેમના પિતા તો બે ચાર દિવસ રહીને પાછા ફર્યા, પરંતુ શ્રી શારદામણિ, શ્રીરામકૃષ્ણ અને તેમના માતા ચંદ્રામણિની સેવા કરવા ત્યાં રોકાઈ ગયાં. તે સમયે શ્રીરામકૃષ્ણે તેમને પોતાના જ ઓરડામાં રાખ્યાં. આ કાળ જેમ શ્રીરામકૃષ્ણની પોતાની સાધનાની કસોટીનો હતો, તેમ શ્રીશારદામણિની પણ કસોટીનો હતો. પતિની જાત જાતની સાધનાનો અને ભાવસમાધિ, દિવ્ય ઉન્માદ ને ભાવાવેશના તેઓ દૃષ્ટા બની રહ્યાં. એક દિવસ શ્રીરામકૃષ્ણે એમને પૂછ્યું; ‘તમે શું મને સંસારના માર્ગે ખેંચી જવા આવ્યાં છો? ત્યારે તત્ક્ષણ શ્રીમા શારદામણિ બોલી ઊઠ્યાં : ‘ના રે, હું શા માટે તમને સંસારના માર્ગે ખેંચી જાઉં? હું તો તમને ઈષ્ટમાર્ગે સહાય કરવા આવી છું.’ અઢાર વર્ષની એ ગ્રામ્યબાળાના અંતરમાંથી સહજપણે ઉદ્ભવેલ એ શબ્દોએ શ્રીરામકૃષ્ણના હૃદયમાં ચંદનના લેપ જેવી શીતળતા ફેલાવી દીધી. તેઓ નિશ્ચિંત બની ગયા ને તેમના મુખ પર દિવ્ય સ્મિત ફરકી રહ્યું. શારદામણિ એમને સંસારમાં ખેંચી જશે તો, એવી લેશમાત્ર ભીતિ તેમને હવે રહી નહીં. આ વિષે શ્રીરામકૃષ્ણે પોતે પણ જણાવ્યું હતું : ‘તેઓ જો આટલા સંયમી ન હોત અને એમણે જો મનનો સંયમ ગુમાવી મને આકર્ષ્યો હોત તો કોણ જાણે હું પણ મારો સંયમ ગુમાવી બેસત.’ પરંતુ મા શારદામણિ તો સર્વને સાચા પ્રેમ ને સુખશાંતિના માર્ગે લઈ જવા આવ્યાં હતાં ને ખુદ શ્રીરામકૃષ્ણ પણ એમાંથી બાકાત રહ્યા નહોતા! એમના નિર્મલ પવિત્ર પ્રેમ અને સ્વસ્થ અચંચલ ભાવધારાનો અનુભવ આ ગાળામાં શ્રીરામકૃષ્ણને પણ થયો. જે આઠ મહિના શ્રીશારદામણિ શ્રીરામકૃષ્ણના ઓરડામાં રહ્યાં, એ સમય દરમિયાન શ્રીરામકૃષ્ણે તેમનામાં વિકારનું એક નાનું સરખું સ્પંદન પણ ઊઠેલું જોયું નહીં. એ નિર્મલ ચિત્તની પવિત્રતાથી જ તો શ્રીરામકૃષ્ણ કામજયી બનીને સાધનાની પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા.
એ પછી શ્રી માને નોબતખાનાની ઓરડીમાં રહેવાનું થયું. આ તો અંધારી નાની, જેલ જેવી કોટડી હતી ને પાછી સામાનથી ભરેલી. શ્રીમા સવારે ચાર વાગે ઊઠીને નિત્યકર્મ ને ગંગાસ્નાન કરીને પછી કોટડીમાં આવી જતાં તે પછી બહાર નીકળવાનું થતું જ નહીં. બધો જ વખત એ કોટડીમાં રહેવા છતાં શ્રીમાની આંતરિક પ્રસન્નતા અને સ્વસ્થતામાં કોઈ ફેર પડ્યો ન હતો. પછી તો એવી પરિસ્થિતિ સર્જાઈ કે તેમને શ્રીરામકૃષ્ણનાં દર્શન પણ દુર્લભ બની ગયાં. ઘણી વખત તો બે મહિનાથી પણ વધારે સમય પસાર થઈ જવા છતાં તેઓ પોતાના સ્વામીનાં દર્શન કરી શકતાં નહીં, પણ તેમણે ક્યારે ય આ વિષે ફરિયાદ કરી ન હતી કે શ્રીરામકૃષ્ણને જમાડવાનું તેમનું કાર્ય લઈ લેનાર ગૌરી દાસી પર તેમણે ક્યારેય રોષ પણ કર્યો ન હતો. ગુસ્સો કરવો, ફરિયાદ કરવી, પોતાની અગવડોનો વિચાર કરવો, દુ:ખી થવું, અન્યના દોષ જોવા આ બધું શ્રીમા જાણતાં જ ન હતાં. તે સમયે દક્ષિણેશ્વરમાં રહેવામાં તેમને કંઈ ઓછી મુશ્કેલીઓ પડી ન હતી. ભૈરવી બ્રાહ્મણીની ઈર્ષ્યા, શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયની કનડગત, ગૌરી દાસીએ શ્રીરામકૃષ્ણની સેવા કરવાનું હાથ ધરતાં, શ્રીમાને માટે દુર્લભ બનેલાં શ્રીરામકૃષ્ણનાં દર્શન અને નોબતખાનાની કોટડીનું બંધિયાર જીવન – આ તે એવું આકરું તપ હતું કે ભલભલા તપસ્વીઓ પણ વિક્ષુબ્ધ બની જાય. આવી પરિસ્થિતિમાં પણ શ્રીમા ક્યારેય ઉગ્ર કે અશાંત બન્યાં ન હતાં. તેમનું સમગ્ર ચિત્ત એમના આરાધ્ય દેવ શ્રીરામકૃષ્ણમાં જ એકાગ્ર રહેતું હતું. ભલે તેમને તેમના પ્રત્યક્ષ દર્શન નહોતાં થતાં, છતાં તેમના પ્રેમભાવ ને શ્રદ્ધાભક્તિમાં અને નેપથ્યમાં રહીને શ્રીરામકૃષ્ણની દિનચર્યાની સઘળી વ્યવસ્થા કરવામાં સહેજ પણ ઊણપ આવી ન હતી. શ્રીમા પોતાની મૂક સેવા સાધના દ્વારા જે પ્રાપ્ત કરી શક્યાં તે વરસોની તપશ્ચર્યા પછી પણ તપસ્વીઓને ભાગ્યે જ મળે તેવી અનોખી સિદ્ધિ હતી. જાણે શ્રીમા ઠાકુરની સર્વ કસોટીઓમાંથી સંપૂર્ણપણે પાર ઊતર્યાં ને તેના પરિણામે શ્રીરામકૃષ્ણે તેમની ભગવતી ત્રિપુરાસુંદરી તરીકે ષોડશી પૂજા કરી. આ પૂજામાં શ્રીરામકૃષ્ણે શ્રીમાના મન, પ્રાણમાં જ નહીં પણ સર્વ અંગોમાં ઊતરવા ભગવતી ત્રિપુરાસુંદરીની શક્તિને આહ્વાન કર્યું. ત્યારથી જગન્માતા શ્રીમા શારદામણિમાં તદ્રૂપ બની ગયાં.
પરંતુ સંસારના દુઃખ તાપને શમાવનારું, સર્વના અંતરમાં શાંતિ સ્થાપનારું, સર્વને ઈષ્ટમાર્ગે લઈ જનારું માનું સાચું સ્વરૂપ તો શ્રીરામકૃષ્ણના તિરોધાન પછી જ પ્રગટ થયું. પોતાની લીલા સંવરણના થોડા દિવસ અગાઉ શ્રીરામકૃષ્ણે શ્રીમાને કહ્યું : ‘જુઓ, કલકત્તાના લોકો કીડાની માફક અંધકારમાં સબડે છે. તમે એમને સંભાળજો.’ ત્યારે માએ કહ્યું : ‘હું શું કરી શકું? હું તો સ્ત્રી છું.’ તે સમયે શ્રીરામકૃષ્ણે પોતાના શરીરને બતાવીને કહ્યું : ‘આ શરીરે શું કર્યું છે? તમારે આનાથી પણ વધારે કરવું પડશે.’ ત્યારે હજુ શ્રીમા આ જવાબદારી ઉઠાવવા તૈયાર નહોતાં. તેમ છતાં પણ શ્રીરામકૃષ્ણે તો શ્રીમાને અને પોતાના પ્રિય શિષ્ય નરેનને લોકોને અજ્ઞાનમાંથી બહાર કાઢવાની જવાબદારી સોંપી જ દીધી. યથાકાળે બંનેએ આ જવાબદારી એવી વહન કરી કે સમગ્ર વિશ્વમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા વહેવા લાગી.
શ્રીરામકૃષ્ણના લીલા સંવરણ બાદ એમની સેવામાં રહેલા સર્વ યુવાન શિષ્યોએ સંસાર છોડીને સંન્યસ્ત ગ્રહણ કર્યું. પણ એ સમયે બધા એક સાથે રહીને સાધન-ભજન કરી શકે એવું કોઈ સ્થળ નહોતું, મકાન ભાડે રાખી શકાય એટલા પૈસા પણ કોઈની પાસે નહોતા. એટલે બધા પોતપોતાની રીતે તીર્થાટન કરવા નીકળી પડ્યા. સ્વામી યોગાનંદ શ્રીમાને પણ પોતાની સાથે તીર્થયાત્રામાં લઈ ગયા. ત્યાં ગયામાં શ્રીમાએ સાધુઓનો મઠ જોયો. તેમાં સાધુઓને પોતાની આજીવિકાની ચિંતાથી મુક્ત બનીને સાધન-ભજન અને ભગવદ્ ઉપાસનામાં રત રહેલા જોયા. ત્યારે શ્રીમાના અંતરમાંથી તીવ્રભાવે શ્રીરામકૃષ્ણ પ્રત્યે પ્રાર્થના ઊઠી; ‘હે ઠાકુર, સાધુઓનો તોટો નથી, કાશી વૃંદાવનમાં જોયું છે, ઘણા સાધુઓ ભિક્ષા માગીને ખાય છે. ઝાડની નીચે ફર્યા કરે છે. એવા સાધુઓ ઘણા છે. પણ તમારું નામ લઈને મારાં છોકરાંઓએ સંસાર છોડ્યો ને પછી બે મુઠ્ઠી અનાજ માટે અહીં તહીં ભીખ માગતા ફરે, એ મારાથી નહીં જોઈ શકાય. મારી પ્રાર્થના છે કે જે લોકો તમારું નામ લઈને સંસાર છોડે, તેમને સાધારણ ભરણ-પોષણનો અભાવ કદી ન થાય. આ બધા લોકો તમારા આદર્શોને અનુસરીને એક જગ્યાએ રહી શકે એવું કંઈક કરો, સંસારના તાપથી દાઝેલા માણસો એમની પાસે આવીને શાંતિ મેળવી શકે એવુ કંઈક કરો, એ માટે તો તમે અહીં આવ્યા હતા. એમને આ રીતે ભટકતા જોઈને મને બહુ દુઃખ થાય છે. મારા પ્રાણ વ્યાકુળ બને છે.’ માની આ પ્રાર્થનાનો ઠાકુરે સ્વીકાર કર્યો અને પછી થોડા જ સમયમાં સ્વામી વિવેકાનંદે વરાહનગરમાં ભૂતિયું મકાન લઈ મઠનો પ્રથમ પાયો નાખ્યો. પછી તો બેલુરમઠ રચાયો ને શ્રીરામકૃષ્ણ મિશન પણ સ્થપાયું. ઠાકુરના સર્વ સંતાનો એક સ્થળે રહી શકે, આજીવિકાની ચિંતાથી મુક્ત બની સાધન ભજન કરી ઇશ્વર સાક્ષાત્કાર કરી શકે – એવી શ્રીમાની ઈચ્છા પૂર્ણ બની. આજે પણ ઠાકુરનું નામ લઈને સંસાર ત્યજીને આવેલા માના સર્વ સંન્યાસી પુત્રો સંસારથી સંતપ્ત ને દુઃખથી ત્રસ્ત લોકોને શાંતિ આપનારા શાંતિદૂત અને તેમના જીવનને સાચો માર્ગ બતાવનાર પથ પ્રદર્શક બની રહ્યા છે.
શ્રીરામકૃષ્ણના સંન્યાસી પુત્રો, ભક્તો કે ગૃહસ્થો જ નહીં પણ સારા થવાની ઝંખના સેવતો કોઈ પણ મનુષ્ય પછી તે ભણેલો હોય કે અભણ હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પાપી કે પુણ્યશાળી, ગરીબ કે તવંગર, સ્ત્રી કે પુરુષ, ઉચ્ચ કે નીચ – કોઈ પણ હોય તે માના શરણમાં આવી શકતો. પોતાના જીવનનાં દુઃખો, મુશ્કેલીઓ રજૂ કરી, એમાંથી મુક્ત થવાનો માર્ગ મેળવી શકતો. લૂંટારા અમજદને મા પ્રત્યે ઊંડો ભક્તિભાવ હતો. તે અવાર નવાર મા પાસે આવતો. એક વખત એક ભક્ત સ્ત્રીએ માને પૂછ્યું : ‘મા, એ તો મુસલમાન છે, ને વળી પાછો લૂંટારો. તેને તમારી પાસે કેમ આવવા દો છો? ત્યારે માએ કહ્યું : ‘હું સજ્જનની પણ માતા છું, અને દુર્જનની પણ માતા છું. જેવી રીતે શરત્ (સ્વામી શારદાનંદ) મારો દીકરો છે, તેવી રીતે અમજદ પણ મારો દીકરો છે.’ વળી એક સંદર્ભમાં માએ એમ પણ કહ્યું હતું કે ‘કાદવથી ખરડાયેલા બાળકને તો માના પ્રેમની અને કાળજીની વિશેષ જરૂર પડે છે.’ એ વિશેષ પ્રેમ ને કાળજીભરી સંભાળથી માએ પોતાની પાસે આવતા, કુછંદે ચડી ગયેલા ને એક વિધવા યુવતીના પ્રેમમાં પડેલા યુવાનને કુમાર્ગેથી પાછો વાળી લીધો હતો. એ વિધવા યુવતી પણ પછી માની શરણાગત બની ગઈ ને તેનું જીવન પણ ધર્મમાર્ગે વળી ગયું. વણકર જાતિનો હોવાથી સંકોચ અનુભવતા એક શિષ્યને માએ પોતાની પાસે બોલાવીને પ્રેમપૂર્વક કહ્યું, ‘બેટા, બિલકુલ સંકોચ રાખીશ નહીં. તું ઠાકુરના શરણમાં આવ્યો છે, ને ભક્તોને કોઈ જાતિ હોતી નથી.’ શ્રીમા બંગાળના ચૂસ્ત બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યાં હતાં કે જ્યાં છૂતાછૂતના ભેદ ભારે હતા. પરંતુ મા પોતે એ ઉચ્ચ ભૂમિકામાં વસતાં હતાં કે જ્યાં કોઈ જ ભેદ હતા નહીં. સ્વામી વિવેકાનંદના વિદેશી શિષ્યોને પણ એમણે પ્રેમપૂર્વક અપનાવી લીધા, એટલું જ નહીં પણ માએ તેમની સાથે ભોજન પણ કર્યું. માના આ ઉદાર વ્યવહા૨ે તો સ્વામી વિવેકાનંદને પણ આશ્ચર્યમાં મૂકી દીધા! તેમણે પોતાના ગુરુભાઈ શશીને (સ્વામી રામકૃષ્ણાનંદ) પત્રમાં લખ્યું હતું : ‘તું માની શકે છે કે માએ વિદેશી શિષ્યાઓ સાથે ભોજન લીધું! કેવી ઉદારતા!’ માના આ ઉદાર વ્યવહારે શ્રીરામકૃષ્ણના વિશાળ પરિવારમાં આ વિદેશી શિષ્યાઓના પ્રવેશને સરળ બનાવી દીધો! ભગની નિવેદિતા (કુ.માર્ગારેટ નોબલ)ને તો માએ ‘મારા નરેનની દીકરી’ કહીને પ્રેમથી ગળે લગાડીને ચૂમી ભરી! પછી તો ગોપાલની મા જેવી ચૂસ્ત બ્રાહ્મણીને પણ માની આ વિદેશી પુત્રીઓ પ્રત્યે છૂતાછૂત રહી નહીં. શ્રીમાની આંતરસૂઝ, એકાત્મતૃષ્ટિ ને હૃદયની ઉદારતાને લઈને મઠમાં ક્યારે ય કોઈ ખળભળાટ મચાવનાર બનાવ સર્જાઈ શક્યો નહીં. મઠનો પાયો એવો સંગીન બન્યો કે એક સૈકા જેટલો સમય પસાર થવા છતાં મઠની પ્રવૃત્તિઓમાં ક્યારે ય ઓટ આવી નહીં, પણ ઉત્તરોત્તર એ પ્રવૃત્તિઓ ફૂલતી ફાલતી જ રહી. કેમ કે માતૃશક્તિની કાળજીભરી માવજતથી એ પાયાનું સિંચન થયું છે. જ્યારે સ્વામી વિવેકાનંદે દરિદ્રનારાયણોની સેવા કરવાનું કાર્ય મઠમાં આરંભ્યું, ત્યારે તેમના થોડા ગુરુભાઈઓના મનમાં વિરોધ જાગ્યો હતો, તેઓ એમ માનતા હતા કે સાધન-ભજન ને ઇશ્વરપ્રાપ્તિનો માર્ગ છોડીને આ માર્ગ લેવો યોગ્ય નથી, એ શ્રીરામકૃષ્ણના આદર્શોને અનુરૂપ નથી. આ વિવાદ શ્રીમા પાસે રજૂ કરવામાં આવ્યો ત્યારે માએ કહ્યું : ‘નરેન જે કંઈ કરે છે, તે સંપૂર્ણ રીતે ઠાકુરના વિચારોને અનુરૂપ જ છે.’ શિવજ્ઞાને જીવસેવા એ શ્રીરામકૃષ્ણે શ્રીમાને અને નરેનને બંનેને સોંપેલું કાર્ય હતું. તેથી જ મા સ્વામી વિવેકાનંદના સર્વ કાર્યોથી સંતુષ્ટ હતાં. સ્વામીજી પણ માના આશીર્વાદ વગર કોઈ કાર્ય કરતા નહીં. તેમણે પોતે જ એક પત્રમાં મા વિષે લખ્યું હતું : ‘માના જીવનની અપૂર્વ વિશિષ્ટતા કોણ સમજી શક્યું છે? કોઈ પણ નહીં. પણ ધીમે ધીમે બધાં જાણશો, જે શક્તિ વિના જગતનો ઉદ્ધાર ન થઈ શકે, તે જ મહાશક્તિના પુનરાગમનને માટે મા અવતીર્ણ થયાં છે મારી આંખો ખુલી ગઈ છે. દિવસે દિવસે બધું સમજતો જાઉં છું. મારા પર માની કૃપા પિતા શ્રીરામકૃષ્ણની કૃપાથી લાખ ગણી અધિક છે…. મા સાથેના સંબંધમાં હું ઝનૂની છું. માની આજ્ઞા થતાં જ આ ભૂત વીરભદ્ર કંઈ પણ કરી શકે છે. અમેરિકા જતાં પહેલાં મેં માને પત્ર લખીને મા પાસેથી આશીર્વાદ માગ્યા હતા અને માએ આશીર્વાદ આપ્યા કે બસ હું છલાંગ લગાવીને સાગર પાર થઈ ગયો.’ સ્વામીજીનાં સર્વ કાર્યોનું પ્રેરક બળ શ્રીમા હતાં.
શ્રીમા દરરોજ પ્રાતઃકાળે ત્રણ વાગે ઊઠીને જપ કરતાં. તેમની તબિયત અસ્વસ્થ હોય તો સુતાં સુતાં પણ તેમના જપ અવિરત ચાલુ રહેતા. આથી એક ભક્ત સ્ત્રીએ એક દિવસ માને પૂછ્યું પણ ખરું કે ‘મા, આપ તો સિદ્ધ છો, આપને આટલા બધા જપ કરવાની શી જરૂર છે?’
‘જો બેટા, કેટલાય લોકો મારી પાસેથી મંત્રદીક્ષા લઈ જાય છે, ને પછી કામકાજમાં જપ કરવાનું ભૂલી જાય છે. હું તેમના માટે જપ કરું છું’ ત્યારે જ બધાં જાણી શક્યાં કે અવિરત ચાલતા માના જપની પાછળનું રહસ્ય શું છે. પોતાના ભક્ત-શિષ્યોનું અમંગળ ન થાય, તે માટે મા પોતે જપ કરી રહ્યાં હતાં. એક વખત એક ભક્ત રડતો રડતો માની પાસે આવ્યો. માને પ્રણામ કરીને રુદનભર્યા સ્વરે જ બોલવા લાગ્યો ‘મા, દુઃખથી ભાંગી પડ્યો છું. હવે જીવવું જ અકારું થઈ પડ્યું છે.’ આ સાંભળીને માએ તેમને પ્રેમપૂર્વક આશ્વાસન આપીને પછી જાણે તેના સમગ્ર દુ:ખનો ભાર પોતે ઊઠાવી લીધો હોય, એમ તેને ખાતરી આપતાં કહ્યું : ‘દીકરા, ડરો નહીં. તમે જ્યારે દુઃખમાં હો ત્યારે તમારી જાતને કહો કે મારે પણ મા છે.’ માએ એવા પ્રેમભાવથી તેને કહ્યું કે તેને એવો અનુભવ થયો કે સાચ્ચે જ તે માના રક્ષણમાં છે, પછી તેને ડર કેવો? જેને મા હોય તેને પછી ચિંતા -ઉપાધિ રહે ખરી? તે આવ્યો હતો દુઃખથી ભાંગી પડેલો, નિરાશ થયેલો, જીવનના બોજાથી થાકી ગયેલો ને રડતો રડતો, પણ જ્યારે પાછો ફર્યો ત્યારે તે માનું બાળક બનીને દુઃખ મુક્ત થઈ, આશા ને ઉલ્લાસથી ભરેલો, હસતો હસતો પાછો ગયો કેમ કે હવે તેને મા હતાં.
શ્રીમા પાસે દુ:ખને આનંદમાં, ધિક્કારને પ્રેમમાં, નિરાશાને આશા અને ઉલ્લાસમાં, ચિંતા, વ્યગ્રતા ને વ્યાકુળતાને પરમ શાંતિમાં ફેરવવાની અદ્ભુત શક્તિ હતી અને તે શક્તિ તે પ્રેમની શક્તિ હતી. તેમની પાસે આવનાર સર્વને એવી જ અનુભૂતિ થતી કે મા, તેમનાં સાચાં મા છે. પ્રખ્યાત નાટકકાર ગિરીશકુમાર ઘોષે તો માને પૂછ્યું પણ હતું કે ‘મા તમે કેવાં મા છો? ત્યારે એના ઉત્તરમાં માએ જણાવ્યું હતું કે ‘હું તમારી ગુરુપત્ની નથી. કહેવાની મા નથી, પણ હું તમારી સાચી મા છું’ ગિરીશબાબુને પ્રતીતિ થઈ ગઈ કે મા તેમનાં સાચાં મા જ છે. ખુલ્લા દિલથી મા પાસે આવનાર પ્રત્યેક વ્યક્તિને માના વાત્સલ્યનો અનુભવ થયા વગર રહેતો નહીં. વ્યક્તિઓની આંતર ચેતનાને ખોલવાની પ્રેમની જાદુઈ ચાવી મા પાસે હતી.
મા પોતે આ પ્રેમની દિવ્ય શક્તિ સર્વમાં જાગૃત થાય તેવો પ્રયત્ન કરતાં રહેતાં, તેમણે આ વિષે કહ્યું હતું : ‘ભગવાન જપ તપથી નહીં, પણ પ્રેમભક્તિથી જ મળે છે. જપથી ઈન્દ્રિયોની અસર નાબુદ થાય છે. બાકી ભગવાન તો પ્રેમથી જ મળે છે. શું વૃંદાવનના ગોપ બાળકોએ શ્રીકૃષ્ણને જપ-તપથી મેળવ્યા હતા? હૃદયની પ્રેમભક્તિથી જ મેળવ્યા હતા.’ વળી ભગવાનની પ્રાપ્તિ કંઈ એકાદ બે દિવસના પોકારથી થઈ જતી નથી. તે માટે તો સર્વ પ્રથમ આધાર શુદ્ધ ને પવિત્ર પ્રયત્ન કરવો પડે છે. એકધારો અવિરત પ્રયત્ન કરતાં રહેવું પડે છે. થોડા દિવસ સાધના કરવા છતાં ઇશ્વરનાં દર્શન ન થતાં વ્યાકુળ બની ગયેલા એક ભક્તને આ વિષે માએ કહ્યું હતું : ‘ધ્યાનસ્થ ચિત્તથી વર્ષોની તપશ્ચર્યાથી ઋષિઓએ જેને મેળવ્યા છે તે શું તને માગતાની સાથે મળી જશે? ઈશ્વરની ઝાંખી થવી એ શું રમત વાત છે? આ જન્મે નહીં થાય તો બીજા જન્મે થશે, નહીં તો એ પછીના જન્મે થશે. મન પવિત્ર હોય તો મનુષ્યને ધારણા ધ્યાન કેમ ન થાય? પણ માણસે આળસ અને પ્રમાદ છોડવાં જોઈએ ને પોતાના મનને પ્રાર્થના ને ધ્યાન પ્રત્યે વાળવું જોઈએ.’
ભગવત્પ્રાપ્તિ વગર સાચી શાંતિ ક્યારે ય મળતી નથી એમ શ્રીમા ભારપૂર્વક કહેતાં હતાં. અને ભગવત્પ્રાપ્તિ માટેનો સહેલામાં સહેલો માર્ગ શરણાગતિ છે. આ વિષે તેમણે જણાવ્યું હતું; ‘મારાં બાળકો, શરણાગતિ સ્વીકારો, શરણાગતિ સ્વીકારો. પછી તેની કૃપાથી રસ્તો સાફ થઈ જશે.’
સર્વ દુઃખો અને અશાંતિનું મૂળ આસક્તિ અને ઈચ્છાઓ છે. આ સંદર્ભમાં શ્રીમાએ કહ્યું હતું; ‘જો ઇચ્છાઓ ન હોય તો માણસને શેની દરકાર હોય? ઈચ્છાઓ તો કલ્પનાની જેમ બહારથી આવે છે ને જાય છે. તેને તો જેમ જલદી બહાર કાઢી નાખવામાં આવે તેમ સારું. વાસનાઓનું બીજ ઘણું સૂક્ષ્મ હોય છે. વડના ઝાડનું સાવ નાનું બીજ પણ મોટાં વૃક્ષમાં પરિણમે છે. તેમ વાસનાનું સૂક્ષ્મ બીજ પણ જો માણસની અંદર હોય તો મનુષ્યને ફરી ફરીને જન્મ લેવો પડે છે.’ આમાંથી મુક્ત થવાનો ઉપાય પણ શ્રીમાએ બતાવ્યો છે અને તે છે, ‘માણસે પોતાની ચિત્તવૃત્તિને સ્થિર કરીને ભગવાનમાં પરોવવી.’ માની આવી સાદી, સરળ છતાં સચોટ આત્માનુભૂતિની વાણીમાં એવી શક્તિ હતી કે તેથી તેમની સમીપ આવનારાંને બળ મળતું. તેમના અંતરમાં એક શાંતિ છવાઈ જતી. પછી તો તેઓ વારંવાર આ વાણી સાંભળવા મા પાસે આવવા લાગતાં. આ વાણીની અમૃતધારાથી તેમના મનના મેલ ધોવાઈ જતા ને સંતાપો શમી જતા ને પછી તો તેમનું જીવન જ બદલાઈ જતું.
શ્રીમાએ પોતાના લીલા સંવરણના ત્રણ દિવસ પહેલાં પોતાની પાસે આવેલી ને રડી રહેલી ભક્ત સ્ત્રી અન્નપૂર્ણાની માને આશ્વાસન આપતાં કહ્યું હતું; ‘દીકરી રડ નહીં. ભય શેનો? તેં તો ઠાકુરને જોયા છે. છતાં એક વાત કહું છું તે સાંભળ. શાંતિ જોઈતી હોય તો કોઈનો ય દોષ ન જોતી. પોતાનો જ દોષ જોવો. જગતને પોતાનું કરી લેતાં શીખ. આ જગતમાં કોઈ પરાયું નથી. જગત તમારું છે.’ આ હતી માની અંતિમ વાણી. આ ભક્ત સ્ત્રીને નિમિત્ત બનાવીને માએ જાણે શાંતિ પ્રાપ્તિનું અમોઘ શસ્ત્ર સમગ્ર માનવજાતિને આપી દીધું કે તમારે શાંતિ જોઈતી હોય તો કોઈના ય દોષન જોશો, ને જગતને પોતાનું કરી લેતાં શીખો. શ્રીમાનાં આ બે જ વાક્યો જો જીવનમાં ઉતારવામાં આવે તો સમગ્ર જીવન એ પ્રેમ, એકતા ને આનંદનો ક્ષણેક્ષણનો મહોત્સવ બની રહે. શ્રીમાએ પોતાના સમગ્ર જીવનનું નવનીત આ સાદાં સરળ વાક્યો દ્વારા પ્રગટ કર્યું છે. એ જ તો છે શાંતિનો મહામંત્ર, આનંદ પ્રાપ્તિનો ઉપાય ને જીવનને સફળ બનાવવાનું અદ્ભુત રસાયણ.
શ્રીમા આજે સદેહે આપણી વચ્ચે નથી. પણ શું દિવ્યમાતાને દેહનાં બંધનો હોય ખરાં? મનુષ્યોને ઇષ્ટમાર્ગે લઈ જવા માટે દેહ ધારણ કરી પૃથ્વી ઉપર આવેલી એ જગન્માતાની શક્તિ કંઈ દેહમાં સીમિત નથી. આજે પણ મા તેમની સમીપ આવનારને તેઓ દેહમાં હતાં ત્યારે જે રીતે માર્ગદર્શન આપી રહ્યાં હતાં, તે રીતે જ માર્ગદર્શન આપી રહ્યાં છે. એનો અનુભવ અનેક લોકોએ કર્યો પણ છે. ‘તમે જ્યારે દુઃખમાં હો, મુશ્કેલીમાં હો, ત્યારે યાદ કરો કે મારે પણ મા છે.’ શ્રીમાના આ શબ્દો આજે પણ એટલા જ અસરકારક અને જીવંત છે. શ્રદ્ધાપૂર્વક શ્રીમાના આ વાક્યનો સ્વીકાર કરવાથી શ્રીમા સાથેનું સૂક્ષ્મ અનુસંધાન થઈ જાય છે. અને પછી વ્યક્તિને એવી અનુભૂતિ થવા લાગે છે કે શ્રીમા દિવ્યચેતના રૂપે, શક્તિરૂપે, પ્રેમરૂપે, આનંદરૂપે આપણી સાથે જ છે. તેઓ જ આપણી સઘળી ચિંતા, આધિ, વ્યાધિ ને ઉપાધિનો બોજ ઉઠાવીને આપણને હળવાફૂલ કરી દે છે. જ્યારે જ્યારે આપણે ભયમાં હોઈએ, મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોઈએ. રસ્તો મળતો ન હોય, નિરાશાની ગર્તામાં ખૂંપી ગયા હોઈએ. ત્યારે શ્રી માએ કહેલા ફક્ત આટલા જ શબ્દો ‘મારે પણ મા છે’ નું શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારણ કરીએ તો જાણે શ્રીમાનું દિવ્યસ્વરૂપ આપણને આશ્લેષમાં લઈ લે છે પછી તેમનો પ્રેમ, હુંફ, બળ આપણને વીંટળાઈ વળે છે. અને એ જ તો છે માની હાજરીની અનુભૂતિ જે આપણને મુશ્કેલીઓના પહાડ ઓળંગાવીને શાંતિના અસીમ સાગરમાં સ્થિર કરી દે છે. ત્યારે ભગિની નિવેદિતાની જેમ આપણું અંતર પણ બોલી ઊઠે છે કે
‘એક તીવ્ર મધુર પ્રેમ કે જે કદી ઈન્કાર ન કરે,
એવા આશીર્વાદ કે જે આપણાં જીવનમાં વણાઈ જાય,
એવી સંનિધિ કે જેનાથી આપણે દૂર ન જઈ શકીએ,
એવું હૃદય કે જેમાં આપણે સલામતી અનુભવીએ,
અતલ માધુર્ય, અતૂટ બંધન, નિર્ભેળ પવિત્રતા,
આ બધું જ અને તેથી ય વધારે તે મા’
Your Content Goes Here




