(અગ્નિએશિયા અને ભારત વચ્ચેનો સાંસ્કૃતિ અને આધ્યાત્મિક સંસ્કૃતિનો સેતુ)

૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતાં સ્વામી વિવેકાનંદે સિંગાપુરની ભૂમિને પાવન કરી હતી. અગ્નિ એશિયાના દેશો માટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રસાર પ્રચાર માટે ૧૯૦૪માં કુઆલાલમ્પુરમાં વિવેકાનંદ આશ્રમની સ્થાપના થઈ. એ કેન્દ્રના સંચાલન માટે સ્વામી વિદેહાનંદજીને મોકલવામાં આવ્યા હતા. ૧૯૧૪ સુધીમાં આ કેન્દ્ર પુસ્તકાલય તથા તમિળભાષી શાળા ચલાવતું. સંજોગવશાત્ આ કેન્દ્ર બંધ થયું. આ વિવેકાનંદ આશ્રમ આજે સ્વતંત્ર એકમ તરીકે કામ કરે છે. બ્રહ્મલીન સ્વામી શર્વાનંદજી, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય બ્રહ્મલીન સ્વામી અભેદાનંદજી, બ્રહ્મલીન સ્વામી પ્રકાશાનંદજીના સંનિષ્ઠ પ્રયાસો અને આર્યસંઘમ્‌ના ૫૫૪૭ ચો. ફૂટ ભૂમિદાનથી, ૯મી ઑગસ્ટ, ૧૯૨૮ના શુભદિનથી સ્વામી આદ્યાનંદજીના અધ્યક્ષપણે સિંગાપુર, રામકૃષ્ણ મિશનનો શુભારંભ થયો, ૯, નૉરિસ રોડ પરના ભોંયતળિયાનું કામ ૧૯૩૨માં પૂર્ણ થયું. ૧૯૩૨માં તમિળ માધ્યમવાળા વિવેકાનંદ વિદ્યાલયની શરૂઆત થઈ. અહીંના ગરીબ વર્ગના લોકો માટે રાત્રિશાળાની પણ શરૂઆત થઈ. ૧૯૩૫ સુધીમાં ૧૨૬ જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં તમિળ-અંગ્રેજી ભાષા ઉપરાંત નૈતિક શિક્ષણ અને આરોગ્ય શિક્ષણ મેળવતા થયા. વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી ૧૯૩૭માં સ્વામી વિવેકાનંદની ૭૫મી જન્મજયંતી પ્રસંગે શ્રીશારદામણિ ગર્લ્સ સ્કૂલનો પણ પ્રારંભ થયો. ૧૯૩૩માં બ્રહ્મલીન સ્વામી ભાસ્વરાનંદજી આ કેન્દ્રના અધ્યક્ષ બન્યા. ૧૯૩૬માં ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાયો. આ કેન્દ્રની પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા માટે ૧૭૯, બાર્ટલે રોડ પરની ૫.૭૫ એકર જમીન ૧૯૪૧માં ખરીદવામાં આવી.

યુવા સ્કૃતિક સંઘ

ભાવિ નાગરિક એવા આજના યુવ જગત પર આ કેન્દ્ર નજર રાખતું. યુવાનોમાં સહનશીલતા, સહાનુભૂતિ, પરસ્પર વિનય-વિવેક, સમજણની ભાવના ફેલાવવાના પ્રયાસો થતા રહેતા. આ ઉદાત્ત હેતુને ધ્યાનમાં રાખીને ૧૯૩૯માં ‘Young men’s Cultural Union’ ની સ્થાપના સિંગાપુર મિશન કેન્દ્ર દ્વારા થઈ. દેશ, જાતિ, ધર્મ, રંગભેદની ભાવના ભૂલીને આ યુવાનો દ્વારા સદ્ભાવના, સમભાવ, મૈત્રી, સહકારની ભાવનાને ઉત્તેજતા કાર્યક્રમો આ સંસ્થામાં યોજાતા રહેતા. ૧૯૪૧માં “Culture” નામનું સામયિક પણ શરૂ કર્યું.

બીજા વિશ્વયુદ્ધના કાળા પડછાયામાં આ સંસ્થા બંધ પડી. યુદ્ધ આ પ્રવૃત્તિ માટે વિઘ્નરૂપ બન્યું. રેફૅલ પૅલૅસ પરના જપાનના બૉમ્બમારા પછી વિસ્થાપિત લોકો માટે ‘પ્રાથમિક સારવાર રાહત-સેવા’ કરી. જપાનનું આક્રમણ તીવ્ર બનતું ગયું, અને આશરે ૫૬૦ જેટલા લોકોએ સિંગાપુર કેન્દ્રમાં આશ્રય લીધો. જપનીઝ સત્તા પર આવતાં વ્યાખ્યાનસભા બંધ કરવાં પડ્યાં. પણ ખાસ પરવાનગીથી વાર્ષિક મહોત્સવ ઉજવાયો. મિશનના મકાનનો કબજો સરકારે લઈ લીધો અને ત્યાં જપનીઝ ભાષાની શાળા શરૂ થઈ ગઈ. પ્રાર્થનાખંડનો પણ સરકારે કબજો લઈ લીધો. ઘણી અપીલ- વિનંતી પછી સરકારે આ શાળા ત્યાંથી બીજા સ્થળે ખસેડી.

વિસ્થાપિત બાળકો માટે બાલઘર

હવે મિશને પોતાનું ધ્યાન સામાજિક કાર્યો પર કેન્દ્રિત કર્યું. જપાનના સકંજામાં સપડાયેલા ભારતીય મજૂરોને પરાણે લશ્કરમાં જોડવામાં આવ્યા. પરિણામે એમનાં અનાથ બનેલાં સંતાનો માટે અનાથાલય શરૂ કર્યું. બાર્ટલે રોડ પર થોડી જમીન મળી અને સુહૃદ્જનોની સહાયથી આ સેવા-કાર્ય શરૂ થયું. અલ્પ સંખ્યામાં બાળકોનો સમાવેશ કરી શકાય તેવી ડૉરમેટરીનું બાંધકામ થયું. અત્યંત મુશ્કેલ એવું કાર્ય (વિદ્યુત્- પાણીની સુવિધા) પણ સદ્‌ગૃહસ્થોની સહાયથી પૂરું થયું. નિરાશ્રિત બાળકોની સંખ્યા તો વધ્યે જ જતી હતી એટલે વધારે સુવિધાઓ ઊભી કરવી પડી. આ સમયે દેશદાઝથી છલકાતા નેતાજી સુભાષચન્દ્ર બોઝ અગ્નિ એશિયામાં ભારતીયોના નેતા હતા. આ અનાથાલયની સહાય માટેની વિજ્ઞપ્તિની વાત સાંભળીને એમણે ઉદાર દિલે સહાય આપી. અનાથાલયના એક ભવનનો ઉદ્‌ઘાટન વિધિ પણ એમના વરદ્ હસ્તે સંપન્ન થયો હતો. પછી તો એંગ્લો-અમેરિકન બૉમ્બ આક્રમણને લીધે સિંગાપુરથી ૩૫૦ માઈલ દૂર બાટુ ગાજાહમાં આ અનાથાલયને લઈ જવું પડ્યું. એકાદ માસ પછી ૮૯ બાળકોને ૧૭૯, બાર્ટલે રોડ ખસેડવામાં આવ્યા. નૉરિસ રોડ પર બાળાઓ પણ રહેતી હતી. વિશ્વયુદ્ધ પછી આ સંસ્થાની બાળાઓને રામકૃષ્ણ આશ્રમ, પેનાંગ મલેશિયામાં રાખવામાં આવી. બેલૂર મઠ સાથે આ સંસ્થા સંલગ્ન ન હોવા છતાંયે ઘણી મોટી સંખ્યામાં અનાથ બાળકો (બાળ-બાળાઓ) અહીં સેવા રાહત મેળવે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ કેન્દ્રે કરેલી માનવસેવા

યુદ્ધના કારણે પ્રૌઢ શાળાઓ બંધ થઈ હતી – તે ૧૯૪૬થી ફરી શરૂ થઈ. ૮૦ પથારીવાળી કામચલાઉ હૉસ્પિટલ અને બે દવાખાનાં પણ યુદ્ધનો ભોગ બનેલા લોકો માટે શરૂ થયાં. દરરોજ ૨૩ લોકોને ભોજન અપાતું અને ૨૫ કુટુંબોને અનાજ વગેરે અપાતું. ૪૪ લોકોને વસ્ત્રો પણ અપાતાં. ૧૯૪૬માં ૧૧૦૦૦ સ્ત્રી-પુરુષો-બાળકોને વસ્ત્રો આપવામાં આવ્યાં. યુદ્ધમાં ઘવાયેલા ૮૬૩ જેટલા લોકોની સારવાર કરવામાં આવી હતી. ૮૦ જેટલા માણસોના અંતિમ સંસ્કાર પણ આ સંસ્થાએ કર્યા હતા.

વિશ્વયુદ્ધ પછીની આ કેન્દ્રની પ્રવૃત્તિઓ
(શિક્ષણસંસ્થા અને હુન્નરશાળા)

અગ્નિ એશિયાના કમિશ્નર જનરલ સર માલ્કમ મૅકડૉનાલ્ડે બાર્ટલે રોડ વિસ્તારમાં ૧૯૪૮માં “Boys’ Home” નો શિલાન્યાસ વિધિ કર્યો. એ જ વર્ષે અહીં સીવણકામ, સુથારીકામ, રમકડાં બનાવવવાની, ટૉપલી બાંધવાની તાલીમશાળા શરૂ થઈ. આ તાલીમ સાથે આ બાળકોને મુખ્ય શિક્ષણ પણ અપાતું. ૧૯૫૦માં ભારતના તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના વરદ્ હસ્તે આ તાલીમભવનનો ઉદ્‌ઘાટન વિધિ થયો હતો. અહીંના વિદ્યાર્થીઓ માટેના સમૂહ નિવાસસ્થાન માટે ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીએ સરકારી ભંડોળમાંથી રૂા. ૧૫૦૦૦/- ની સહાય આપી હતી. તેમણે પોતે પણ રૂા. ૧૦૦૦/- ની સહાય આપી હતી. આ સંસ્થાના બે માળના ભવ્ય મકાનનું બાંધકામ ૧૯૫૯માં પૂર્ણ થયું હતું.

શ્રીરામકૃષ્ણ મંદિર

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા સદ્‌ગૃહસ્થ શ્રી પી. ગોવિંદસ્વામી પિલ્લાઈની સહાયથી ૧૯૫૨ની ૩૦મી ઓક્ટોબરે બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ, સ્વામી ઓમકારાનંદજી મહારાજ અને સ્વામી ભાસ્વરાનંદજ મહારાજની નિશ્રામાં શ્રીરામકૃષ્ણ મંદિરની પ્રતિષ્ઠા થઈ. ૧૯૫૨થી ૬૨ સુધીમાં આ કેન્દ્રનો વિકાસ થતો રહ્યો. નૉરિસ રોડ પરનાં પુસ્તકાલય, વાચનાલય અને કન્યાશાળાનાં મકાનોનો જિર્ણોદ્ધાર થયો. આ કાર્ય માટે તત્કાલીન ભારતના આયોજન, ઊર્જા અને સિંચાઈ વિભાગના પ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાએ આ કેન્દ્રની મુલાકાત વખતે રૂા. બત્રીસ હજારનો ચૅક અર્પણ કર્યો હતો. ૧૯૬૫માં સિંગાપુરના તત્કાલીન વડાપ્રધાને પણ આ સંસ્થાની મુલાકાત લીધી હતી અને શ્રી રામકૃષ્ણદેવ – સ્વામી વિવેકાનંદ જન્મજયંતી પ્રસંગે સભાને સંબોધી હતી.

સ્વામી વિવેકાનંદ શતાબ્દી મહોત્સવ

સ્વામી વિવેકાનંદ શતાબ્દી સ્મારક ભવનનું મંગલ ઉદ્‌ઘાટન : ૧૯૬૩ના જાન્યુઆરીમાં રાજ્યના વડા એચ.ઈ. યાંગ-દી પેચ્યુન નેગારાએ આ શતાબ્દી મહોત્સવનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સર્વધર્મ પરિષદનું આયોજન થયું હતું. બ્રહ્મલીન સ્વામી માધવાનંદજી મહારાજે આ પરિસંવાદમાં ભાગ લીધો હતો અને ‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી સ્મારક ભવન’ નો શિલાન્યાસ વિધિ કર્યો હતો. ૧૯૬૯માં ભવનનું બાંધકામ પૂર્ણ થતાં વિદેશ મંત્રી શ્રી ઍસ. રાજરત્નમ્‌ના વરદ્ હસ્તે આ ભવનનો ઉદ્‌ઘાટન વિધિ સંપન્ન થયો. આ પ્રસંગે શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ અને શ્રીમત્ સ્વામી ભાસ્વરાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવનમાં વાતાનુકૂલિત વિશાળ સભાગૃહ, પુસ્તકાલય અને વાચનાલય, કાર્યાલય અને સંન્યાસીઓ તેમજ યુવા વિદ્યાર્થીઓ માટેનાં મકાનો પણ છે. ૧૯૬૬માં ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી ડૉ. ઝાકીરહુસૈને આ વિદ્યાર્થીગૃહની મુલાકાત લીધી હતી અને શ્રીરામકૃષ્ણ મિશનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના દશમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે પણ સિંગાપુર કેન્દ્રની મુલાકાત લીધી હતી.

સિંગાપુર મિશન કેન્દ્રની પાછળ ક્યમૉય રોડ પર બે માળનું ફૅમિલિ ગેસ્ટ હાઉસ ૪૦ હજાર ડૉલરમાં ૧૯૬૯માં ખરીદવામાં આવ્યું.

શાળાઓ – અને – અન્ય વિશિષ્ટ મહોત્સવ

૧૯૬૭માં વિવેકાનંદ વિદ્યાલય અને શારદામણિ કન્યાશાળાનું સંચાલન શ્રીશારદામણિ તમિળ શાળાની વ્યવસ્થાતંત્રની નીચે મૂકાયું. આ સાથે કલાઈ ચાત્રલ શાળાનું સંચાલન પણ મિશને સંભાળી લીધું હતું. વિદ્યાર્થીની પૂરતી સંખ્યા ન મળતાં ૧૯૭૯માં આ શાળાઓ બંધ કરવી પડી. ૧૯૮૦માં પ્રૌઢ શિક્ષણના વર્ગો પણ બંધ થયા.

૧૯૭૯માં આ મિશન કેન્દ્રનો સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો હતો. સર્વધર્મ પરિષદ વગેરેનું આયોજન થયું હતું. બ્રહ્મલીન સ્વામી શિવેશ્વરાનંદજીના સમયમાં શ્રી રામકૃષ્ણદેવનો ૧૫૦મો જન્મજયંતી મહોત્સવ ઉજવાયો હતો. સ્વામી વિવેકાનંદનો ૧૨૫મો જન્મજયંતી મહોત્સવ પણ વિશાળ પાયે યોજાયો હતો. આ પ્રસંગે દેશના મહાનુભાવો અને રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શારદા કિન્ડર ગાર્ટન ભવન

બાળકોમાં પ્રબળ આત્મશ્રદ્ધા, સદ્ભાવના, સ્વાવલંબનની ભાવના, શિક્ષણ માટેની ધગશ અને પ્રેમ – સન્માન – વિનય – વિવેક – દયા – માયા જેવાં નૈતિક મૂલ્યો જગાડવા અને બાળકોનો પૂર્વ પ્રાથમિક કક્ષાએ સર્વાંગી વિકાસ કરવાના ઉદાત્ત હેતુથી, ‘માનવીની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓ અને દિવ્યતાને પ્રગટ કરવાના’ – સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા આદર્શને ધ્યાનમાં રાખીને બાળકો માટેની એક આદર્શ સંસ્થા સ્થાપવા ૧૯૯૧માં સિંગાપુર ઈન્ડિયન ડૅવલપમૅન્ટ ઍસોસિયેશન – SINDA – અને રામકૃષ્ણ મિશનના સંચાલકોની એક મીટિંગ યોજાઈ. પરિણામે આવી સંસ્થાની સ્થાપના માટે ૧૯૯૨ માર્ચમાં સ્વામી જયદેવાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને એક સમિતિની રચના થઈ. બેલૂર મઠની મંજૂરી મળતાં બે વર્ગોનો આરંભ કરવાનું નક્કી થયું. એ વખતનાં ‘સિન્દા’ના પ્રમુખ શ્રી જે. વાય. પિલાઈના વરદ્ હસ્તે – ‘શ્રીરામકૃષ્ણ મિશન શારદા કિન્ડરગાર્ટન’ – નું ઉદ્‌ઘાટન થયું. ૧૯૯૩ના જાન્યુઆરીમાં ૧૨૬ વિદ્યાર્થીઓ સાથેના ચાર વર્ગો આ બાલમંદિરમાં હતા. કિન્ડરગાર્ટન વિભાગ – ૧માં ૬૪ વિદ્યાર્થીઓ અને કિન્ડરગાર્ટન વિભાગ – ૨માં ૬૨ વિદ્યાર્થીઓ હતા. અત્યારે આ સંસ્થા બે પાળીમાં સવારના ૮.૩૦થી ૧૧.૩૦અને બપોરના ૧૨.૦૦થી ૩.૦૦ ચાલે છે.

આ બાલમંદિરના શિક્ષણનું માધ્યમ અંગ્રેજી છે. ઉપરાંત તમિળ અને મંડારિન એ બે ભાષાઓ પણ શીખવાય છે. સંગીત, કમ્પ્યુટર, ભાષા શિક્ષણ, અંક શિક્ષણ – વ. બાળકોને અપાય છે. વેશભૂષા, સર્વજનસમભાવ, બાળનાટક, નૃત્ય, વિવિધ બાળરમત – ગમત, સહજીવન શિક્ષણ, સમૂહ પ્રાર્થના, ચિત્રકામ – વગેરે દ્વારા બાળકોનો વિકાસ આ સંસ્થા દ્વારા થાય છે.

આ સંસ્થાનાં મનોરમ્ય મકાન અને સાધન સુવિધાઓ, પ્રકૃતિનું રમ્ય વાતાવરણ તેમજ બાળકના સર્વાંગીણ વિકાસમાં સતત જાગ્રત રહી કામ કરતાં શિક્ષિકા બહેનો આ સંસ્થાનું ગૌરવ છે.

સ્વામી વિવેકાનંદનું આગમન : શતાબ્દી મહોત્સવની ઉજવણી

સ્વામી વિવેકાનંદના સિંગાપુરમાં આગમનનો શતાબ્દી મહોત્સવ ૫, જૂન – ૧૯૯૩માં ઉજવાયો હતો. સિંગાપુર પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ શ્રી વી-કીમ-વી એ આ મહોત્સવનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે અને શ્રીમત્ સ્વામી ગોકુલાનંદજી મહારાજે પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. શ્રીમતી વી-કીમ-વી- આ સમારંભમાં વિશેષ અતિથિસ્થાને હતાં. ભારતના સુખ્યાત કલાકારોના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ, પરિસંવાદો, સર્વધર્મ પરિષદ, રમતગમત – વગેરે આ મહોત્સવનાં મુખ્ય આકર્ષણો હતાં.

મલેશિયામાં પણ ૧૯૯૩ના ઑગસ્ટમાં આ મહોત્સવની ઉજવણી નિમિત્તે વ્યાખ્યાનો યોજાયાં હતાં. ભવિષ્યમાં આખા દેશમાં ૫૦ જેટલાં અધ્યયન કેન્દ્રો ઊભાં થશે. આ ઉપરાંત ઈન્ડોનેશિયા, હૉંગકૉંગ, મિયાતમાર, થાઈલૅન્ડમાં ૧૯૯૪માં મહોત્સવનું આયોજન થયું હતું.

હોમિયોપથી કેન્દ્ર

૬, જૂન – ૧૯૯૩ના રોજ ઉપર્યુક્ત મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ મિશન હોમિયોપથી કેન્દ્રનું ઉદ્‌ઘાટન થયું. નિઃશુલ્ક દવાખાનાની મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે.

શૈક્ષણિક – વ્યાવસાયિક માર્ગદર્શન કેન્દ્ર

માર્ગદર્શન – સલાહ – સૂચનની અગત્ય ઊભી થતાં સિંગાપુર કેન્દ્ર દ્વારા ઓક્ટો. ૧૯૯૫માં માર્ગદર્શન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. આસપાસના વિસ્તારની શાળામાં આવા નિષ્ણાત સલાહકારો જાય છે, વિદ્યાર્થીઓની શૈક્ષણિક – વ્યાવસાયિક સમસ્યાઓને જાણે છે અને તેનું નિરાકરણ પણ કરે છે. આ માટે તેઓ વિદ્યાર્થીઓને ખુલ્લે દિલે હળે મળે છે – ચર્ચા કરે છે – સૅમિનાર – કાર્ય શિબિર – માર્ગદર્શન શિબિરો પણ યોજે છે. અને વિદ્યાર્થીઓને સહાયરૂપ બને છે. આ સંસ્થાના “Boy’s Home”ના વિદ્યાર્થીઓ પણ સહાયક બને છે. – આથી વિદ્યાર્થીઓની સમસ્યાઓનું સમાધાન સાંપડી રહે છે.

આ ઉપરાંત મિશનના સંન્યાસીઓ અને સભ્યો સેમ્બાવાંગ ડ્રગ કેન્દ્રની મુલાકાતે દર રવિવારે જાય છે. ડ્રગ્સના વ્યસનીઓને સલાહ – સૂચન – માર્ગદર્શન સેવાઓ આપે છે.

સિંગાપુર સિવાયના વિસ્તારમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવ – પ્રસારનું કાર્ય

સિંગાપુર ઉપરાંત મલેશિયામાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવ પ્રચારનું કાર્ય અવિરત થતું રહે છે. પરિણામે મલેશિયાના ભક્તજનોએ Private Centres શરૂ કર્યાં છે. કેટલાંક કેન્દ્રો પાસે જમીન – મકાનો પણ છે. આમાંનાં કુઆલાલમ્પુર અને પેનાંગના કેન્દ્રો સૌથી વધારે ઉલ્લેખનીય છે. ૧૯૩૨માં શરૂ થયેલ પેનાંગ કેન્દ્ર સામાજિક – સાંસ્કૃતિક ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કરે છે. બાલ – બાલિકાઓ માટે અનાથાલય, કિન્ડરગાર્ટન શાળા, પ્રાથમિક શાળાનું સંચાલન કરે છે. શ્રીરામકૃષ્ણ મંદિરનું પણ સંચાલન કરે છે. વ્યાખ્યાનો, સભાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. કુઆલાલમ્પુરમાં સ્થાનિક સંસ્થા ‘Persetuan Ramakrishna Sarada’ની પોતાની જમીનમાં શ્રીરામકૃષ્ણ મંદિર છે. આ પવિત્ર સ્થાને નિત્યપૂજા, પરિસંવાદ, વ્યાખ્યાન, યુવા પ્રવૃત્તિઓ વગેરેનું આયોજન થાય છે. મલેશિયાના વિવિધ ભાગોના આ ભક્ત સમૂહો શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ ભાવ-ધારાના પ્રસાર-પ્રચારનું ઉત્તમ સેવા-કાર્ય કરી રહ્યા છે અને ભારતના આધ્યાત્મિક – સાંસ્કૃતિક અમર વારસાને જીવાડી રહ્યા છે. આ જ હતું સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન. આ સ્વપ્નને સાકાર થતું જોવાનો આનંદ અનન્ય છે.

આ સંસ્થા સ્વામી આદ્યાનંદજી, સ્વામી ભાસ્વરાનંદજી, સ્વામી વામદેવાનંદજી, સ્વામી નિષ્કામાનંદજી, સ્વામી વીતશોકાનંદજી, સ્વામી એકાત્માનંદજી, સ્વામી સિદ્ધાત્માનંદજી, સ્વામી શાસ્ત્રાનંદજી, સ્વામી શિવેશ્વરાનંદજી, સ્વામી પરાશરાનંદજી અને સ્વામી જયદેવાનંદ તથા સ્વામી જગદાત્માનંદજી મહારાજના નેતૃત્વ હેઠળ ફૂલી – ફાલી છે અને સ્વામી વિવેકાનંદની ભાવના પ્રમાણે ભારત અને અગ્નિ એશિયાના દેશો વચ્ચે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરીને એક સેતુ સમાન કાર્ય કરી રહી છે. એનું આપણને સૌને – સૌ ભારતવાસીઓને ગૌરવ થવું જોઈએ. આવી સંસ્થાઓ જ સર્વત્ર સ્વર્ગનું સર્જન કરે છે. એમનાં સમ્યક વૃદ્ધિ વિકાસ એટલે આપણી સાચી ઉન્નતિ, આપણો સાચો વિકાસ.

(“નિર્વાણ : સ્પેશ્યલ ઇશ્યુ ઑક્ટો- ૯૬” અને “હન્ડ્રેડ ઇયર્સ ઓફ રામકૃષ્ણ મિશન”માંથી સંકલિત)

સિંગાપુર રામકૃષ્ણ મિશન ‘નિર્વાણ’ નામનું ત્રૈમાસિક અંગ્રેજી સામયિકનું પ્રકાશન કાર્ય પણ કરે છે.

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.