સ્વામી વિવેકાનંંદની પહેલી અલમોડા મુલાકાત

શ્રીરામકૃષ્ણ કુટિર બનતા પહેલાં, સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓ વારંવાર અલમોડા આવ્યા હતા. એના સંદર્ભમાં ઘણું જાણવા મળે છે, જે આજે પણ રામકૃષ્ણ ભાવધારા સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને માટે આધ્યાત્મિક જીવન સમૃદ્ધ કરવાના મોટા ખજાના સમાન છે. એ વિશે ચર્ચા કરતાં કરતાં સાથે સાથે જ અલમોડાની અનેક વિશિષ્ટ જગ્યાઓ, સ્થળો વિશે પણ થોડું જાણીએ.

સ્વામી વિવેકાનંદ અલમોડા ત્રણ વખત આવ્યા હતા. સૌથી પહેલાં ઠફક્ષમયશિક્ષલ ખજ્ઞક્ષસ હતા ત્યારે, સ્વામી અખંડાનંદજી જેઓ હિમાલય અને તિબેટની એનકવાર યાત્રા કરી ચૂક્યા હતા, એમની સાથે ઈ.સ. 1890માં ઓગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં આવ્યા હતા. તે પ્રવાસ સાથે સંકળાયેલી વિશિષ્ટ ઘટનાઓ અને જગ્યાઓ વિશે જાણીએ.

શ્રીરામકૃષ્ણદેવના દેહત્યાગ પછી એમના બધા શિષ્યો જુદી જુદી એકાંત જગ્યાઓએ સાધના કરવા ચાલ્યા ગયા. સ્વામીજી પણ ત્યાગ અને તપસ્યાની પ્રચંડ આકાંક્ષા સાથે ભારત-ભ્રમણ કરવા નીકળી પડ્યા. બધે ફર્યા પછી, ભારતદર્શન કર્યા બાદ એમને હિમાલયના કોઈ નિર્જન સ્થાને જઈને ત્યાં સાધના કરવાની પ્રબળ ઇચ્છા થઈ. સ્વામી અખંડાનંદજી હિમાલયના ભોમિયા હતા. એમને સાથે લઈને બન્ને ગુરુભાઈઓ હાથમાં દંડ-કમંડલ અને ભિક્ષાપાત્ર લઈને પગપાળા હિમાલયની કેડીઓ પર ચાલવા માંડ્યા. ત્યારે અત્યારના જેવા પાકા રસ્તા કે વાહનો તો હતાં જ નહીં. કાઠગોદામથી નીકળી નૈનીતાલ પહોંચ્યા. ત્યાં થોડો સમય પસાર કરી આગળ વધ્યા. ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન એક વખત સ્વામીજી છૂટા પડીને, એકલા જંગલના રસ્તે ચાલવા માંડ્યા. અખંડાનંદજી કેડી પર ચાલતા હતા. સ્વામી અખંડાનંદજી આગળ નીકળી ગયા. ત્યાં એમને કોઈ વાતચીત કરતું હોય એવું સંભળાયું એટલે તેઓ પણ જંગલના રસ્તે ચાલવા લાગ્યા. ત્યાં એમણે જોયું કે ‘સ્વામીજી ઠાકુરજી સાથે વાતો કરી રહ્યા હતા અને ઠાકુરના ગળામાં હાથ નાખી, ધીરે ધીરે ચાલીને જંગલની બહાર આવી રહ્યા હતા….’ આ વાતની પુષ્ટિ અખંડાનંદજીએ તો કરી જ, એ ઉપરાંત સ્વામીજીએ સિસ્ટર નિવેદિતા આગળ પણ કરી હતી. (સ્વામી ચેતનાનંદજી કૃત ’જૂફળશ અસવફક્ષમફક્ષફક્ષમફષશ અત ઈં જફૂ ઇંઈંળ’, પૃ. 158) આમ સ્વામીજીને  ઠાકુર એમના દેહત્યાગ પછી પણ એકાંતમાં મળતા હતા- એ સત્ય જાણવા મળે છે. તે ચમત્કાર ન હતો.

આ ઉપરાંત અલમોડાને રસ્તે ચાલતાં ચાલતાં સ્વામીજીને ઘણા અલૌકિક અનુભવો થયા હતા, જેની વાતો એમણે અખંડાનંદજીને કરી હતી. સ્વામીજીએ મંત્રનું મહત્ત્વ જણાવતાં કહેલું કે એમને દેવ-દેવીઓના જુદા જુદા મંત્રો, બીજમંત્રો અહીં મળ્યા હતા. સ્વામીજીને સોનેરી શબ્દોમાં આ મંત્રો દેખાયા હતા, જેના વિશે સ્વામી અન્નદાનંદજીના પુસ્તક ‘સ્વામી અખંડાનંદજી’ના પૃષ્ઠ નં. 68 પર નોંધાયું છે. આ અનુભવ પછી સ્વામીજીએ દરેક મંત્ર કેટલા મહત્ત્વના હોય છે તે વારંવાર જણાવ્યું છે. ત્યાર બાદ એક દિવસ સ્વામીજીએ આ દરમિયાન એમને થયેલા અપૂર્વ દર્શન વિશે સિસ્ટર નિવેદિતાને પાછળથી જણાવ્યું હતું. એમણે જોયું કે ‘વેદયુગના એક વૃદ્ધ ઋષિ નદી કિનારે આર્યોને ઋગ્વેદના મંત્રો શીખવી રહ્યા છે, એના મૂળભૂત લયમાં ગાતાં શીખવી રહ્યા છે. ધીરે ધીરે સૂર્યાસ્ત થતો જાય છે.’ સ્વામી વિવેકાનંદના બંગાળી પુસ્તક ‘વાણી ઓ રચના’ના 9મા ભાગના પૃષ્ઠ નં. 282 પર આ વાત જોવા મળે છે. આમ દેવભૂમિ હિમાલયની આધ્યાત્મિકતા સ્વામીજીએ ડગલે અને પગલે અનુભવી હતી.

આ રીતે સ્વામીજીને અનેક અલૌકિક અનુભવો થયા હતા. એના ઘટનાક્રમ વિશે પૂરતી માહિતી મળી નથી. પરંતુ આ બધા અનુભવો હિમાલયમાં જ થયા હતા એટલે જ સ્વામીજીએ પોતાના અંતિમ દિવસો હિમાલયમાં જ વ્યતીત કરવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હતી. હિમાલયની ભવ્યતા સાથે દિવ્યતા એમણે અણુ-અણુમાં અનુભવી હતી! અલમોડામાં અને હિમાલયમાં આપણે પણ આનાં સ્પંદનનો અનુભવ કરવા પ્રયત્ન કરીએ !

ત્રણ દિવસ હિમાલયની કેડીઓ પર ભ્રમણ કર્યા બાદ બન્નેએ કોશી નદીના કિનારે આવેલ એક વિશાળ પીપળાનું ઝાડ અને પાસે મંદિર કે જ્યાં આજુબાજુ હિમાલયની કંદરાઓ ફેલાયેલી હતી, એવી જગ્યા જોઈ. આ ખૂબ જ શાંત અને સુંદર જગ્યા જોઈને રાત ત્યાં વિતાવવાનું નક્કી કર્યું. સ્વામીજી તો કોશી નદીમાં સ્નાન કરીને પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેસી ગયા. ઊંડી સમાધિમાં લીન! અહીં એમને જે અનુભવો થયા તેનો ઉલ્લેખ તો અનેક જગ્યાએ છે! એમનું શરીર બિલકુલ નિસ્પંદ થઈ ગયું. ખૂબ લાંબા સમય બાદ સમાધિમાંથી બહાર આવતાં એમણે અખંડાનંદજીને કહ્યું, ‘આજે મને એક ગૂઢ રહસ્ય સમજાઈ ગયું. જીવાત્મા અને પરમાત્મા બન્ને એક જ છે. જીવાત્મા જેવી રીતે જીવના શરીરમાં છે એવી જ રીતે વિશ્વાત્મા પ્રકૃતિમાં સ્થિત છે! જેવી રીતે શબ્દ અને અર્થ જુદા નથી હોતા એ જ રીતે અંદરની દુનિયા અને બહારની દુનિયા પણ જુદી નથી, એક જ છે! અણુવિશ્વ અને મહાવિશ્વ એક જ છે! આપણે જે જગત જોઈએ છીએ તે શાશ્ર્વત નિરાકાર અને શાશ્ર્વત સાકારની મિશ્ર અભિવ્યક્તિ છે. ખશભજ્ઞિભજ્ઞતળ । ખફભજ્ઞિભજ્ઞતળ શત જ્ઞક્ષય!

આ મહાન સત્યની પ્રતીતિ કરાવતી આ જ્ગ્યા હંમેશને માટે અવિસ્મરણીય બની ગઈ. આ પીપળાનું ઝાડ અને શિવમંદિર યાદગાર યાત્રાધામ બની ગયાં. આ જગ્યાનું નામ છે ‘કકરીઘાટ’ જે અલમોડાથી 23 કિ.મિ. દૂર છે. આ પીપળાનું ઝાડ આજે પણ છે. એને સારી રીતે જીવિત રાખવાના પ્રયાસો પણ ચાલુ જ છે. હાલની ટેકનોલોજીનો ઉપયોગ કરી આ જગ્યાને ખૂબ જીવંત રખાઈ છે. હવે તો ત્યાં પાકું ચણતર કરેલી, સારી રીતે બેસીને સાધન-ભજન કરી શકાય એવી સુંદર જગ્યા થઈ ગઈ છે. આ પીપળાના વૃક્ષ નીચે  ધ્યાન-જપ કરીને આજે પણ સાધકો-ભક્તો આનંદ લઈ રહ્યા છે.

સ્વામીજી અને અખંડાનંદજી અલમોડાથી નજીક આવી ગયા. પરંતુ ભૂખ, થાક અને પગમાં પડેલા છાલા(ફોલ્લા)થી સ્વામીજી એક લાંબા પથ્થર પર ઢળી પડ્યા. અલમોડાથી 3 કિ.મિ દૂર હતા. અખંડાનંદજી પાણી અને ખોરાકની શોધમાં નીકળી પડ્યા. પાસે જ એક કબ્રસ્તાનની નજીક કોક મુસ્લિમ ફકીર ઝૂંપડીની બહાર ઊભેલો હતો. એને જોઈને, તેની પાસે જઈ અખંડાનંદજીએ બધી વાત કરી. ગરીબ એવા ફકીર પાસે કાકડી સિવાય કશું જ ન હતું. તે કાકડી લઈને તેઓ તરત જ સ્વામીજી પાસે આવી પહોંચ્યા. સ્વામીજીએ એના હાથે જ કાકડી ખવડાવવા કહ્યું. ફકીરે દુ:ખી થઈને કહ્યું કે તે પોતે મુસ્લિમ છે. સ્વામીજી ક્ષીણ કંઠે બોલ્યા, ‘એથી શું? શું આપણે બધા ભાઈઓ નથી?’ મુસલમાન ફકીરના હાથે ખાધેલી કાકડીથી સ્વામીજીમાં થોડી સ્વસ્થતા આવી અને બન્ને અલમોડા શહેર તરફ આગળ વધવા લાગ્યા. શહેરમાં પહોંચતાં જ સ્વામી સારદાનંદ અને સ્વામી કૃપાનંદ આવી પહોંચ્યા અને બધાને લાલા બદરીશાહના આતિથ્યમાં એમના ઘેર લઈ ગયા. લાલા બદરીશાહ ખૂબ ધનવાન અને સમાજમાં અગ્રણી સજ્જન હતા. પરંતુ ખૂબ જ નમ્ર, સંસ્કારી અને ઉદાર હતા. સાધુ-સંતો અને તેમાંય સ્વામી અખંડાનંદજી દ્વારા સ્વામી વિવેકાનંદ વિશે જાણીને તો એમને રૂબરૂમાં મળ્યા બાદ, લાલાજી દિલોજાનથી સ્વામીજીની સેવામાં મંડી ગયા.   (ક્રમશ:)

Total Views: 518

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.