ઈશ્વરના સાંનિધ્યમાંં રહેનાર એક વ્યક્તિ સાથે પરિચય થવો મારા માટે અત્યંત સૌભાગ્ય અને આનંદની વાત હતી. તેઓ એક સત્પુરુષ, સંત, દાર્શનિક અને સાચા મિત્ર હતા. મારા આધ્યાત્મિક જીવન પર એમનો ઘેરો પ્રભાવ પડ્યો હતો. મારા ધાર્મિક વિચારો અને આદર્શાેને ઉદારતા અને વિવિધતા પ્રદાન કરીને તેમ જ સત્યના વિસ્તૃત સ્વરૂપનો ઉપદેશ-બોધ આપીને એમણે મારાં માનસચક્ષુ સમક્ષ એક નવું પરિદૃશ્ય ખોલી નાખ્યું. મારો અંતરાત્મા ચિરકાલ સુધી એમના પ્રત્યે કૃતજ્ઞ રહેશે.
તેઓ અસાધારણ વ્યક્તિ, વેદાંત સંંપ્રદાયના એક હિન્દુ સંન્યાસી હતા. એમનું નામ હતું સ્વામી વિવેકાનંદ. અને તેઓ પોતાના ધાર્મિક ઉપદેશો માટે અમેરિકામાં સર્વત્ર સુપરિચિત હતા. એક વર્ષના મારા શિકાગો-નિવાસ દરમિયાન તેઓ ત્યાં વ્યાખ્યાન આપતા હતા. જો કે એ દિવસોમાં હું શારીરિક અને માનસિક રૂપે અત્યંત વિષાદગ્રસ્ત હતી. એમણે મારા કેટલાક મિત્રોને સહાયતા કરી હતી એ જોઈને મેં પણ એમની પાસે જવાનો નિશ્ચય કર્યો.
મારા માટે એમનો સાક્ષાત્કાર કરવાનો સમય લઈ લીધો હતો અને જ્યારે હું એમના નિવાસ પર પહોંચી ત્યારે મને તરત જ એમના અધ્યયન કક્ષમાં પહોંચાડી દીધી. અંદર જતાં પહેલાં મને કહેવાયું હતું કે એમના પૂછતાં પહેલાં હું કંઈ ન કહું. અત : કમરામાં પ્રવેશીને હું ક્ષણભર માટે ચુપચાપ ઊભી રહી. તેઓ એ સમયે શાંતભાવે ધ્યાનની મુદ્રામાં બેઠા હતા. એમનું ભગવું વસ્ત્ર સીધું ફરસ સુધી લટકતું હતું, માથા પરની પાઘડી સામેની બાજુએ થોડીક ઝૂકેલી હતી અને નજર તો ભૂમિ તરફ જ મંડાયેલી હતી. થોડીવાર પછી તેઓ દૃષ્ટિને ઉઠાવ્યા વિના જ કહેવા લાગ્યા, ‘બેટા, તું શું અશાંત પરિવેશથી ઘેરાયેલી છો! શાંત થઈ જા! આ ઘણું આવશ્યક છે!’ ત્યાર પછી મારા નામથી પણ અપરિચિત એ વ્યક્તિએ અત્યંત સહજ અને નિરપેક્ષ ભાવે મારા જીવનની ગોપનીય સમસ્યાઓ તથા ચિંતાઓ વિશે અનેક વાતો કહી. એમણે એવી વાતો પણ બતાવી કે જેની કદાચ મારા પરમ અંતરંગ મિત્રોને પણ ખબર ન હતી. મને એવું લાગ્યું કે આ કંઈક અલૌકિક છે, અપ્રાકૃતિક છે. આખરે મેં પૂછ્યું, ‘આપે આ બધું કેવી રીતે જાણ્યું? કોઈએ આપને મારા વિશે કંઈ કહ્યું છે?’ મૃદુ હાસ્ય સાથે એમણે પોતાની આંખો ઉઠાવીને મારી તરફ જોયું. જાણે કે હું એક શિશુની જેમ કોઈ નિરર્થક પ્રશ્ન કરી બેઠી હોઉં તેમ. સૌમ્યતા સાથે તેમણે કહ્યું, ‘મને કોઈએ કંઈ નથી કહ્યું અને એ બતાવવાની આવશ્યકતા પણ શી છે? હું તમારું અંતર ખુલ્લી કિતાબની જેમ વાંચી શકું છું.’
આખરે મારા પાછા ફરવાનો સમય થઈ ગયો. હું ઊઠીને ઊભી થઈ એટલે તેમણે કહ્યું, ‘વિતેલી વાતોને ભૂલી જાઓ. પુન : આનંદ અને ઉત્સાહ સાથે જીવન જીવો. એકાંતમાં બેસીને દુ :ખદ પ્રસંગોનું ચિંતન ન કરો. પોતાની ભાવનાઓનું ઉદાત્તીકરણ કરીને એમને વિવિધ પ્રકારે બાહ્ય અભિવ્યક્તિ આપો. તમારે આધ્યાત્મિક જીવન જીવવા તેની આવશ્યકતા છે અને તમારી કલા માટે પણ એ જરૂરી છે.’ એમના શબ્દો તથા વ્યક્તિત્વ પર મુગ્ધ થઈને હું પાછી આવી. એવું લાગતું હતું કે જાણે એમણે મારા વ્યાધિગ્રસ્ત મનની બધી કુંઠાઓ-ગ્રંથિઓને દૂર કરીને તેને પવિત્ર અને શાંતિમય ભાવોથી પરિપૂર્ણ કરી દીધી ન હોય! એમની દૃઢ ઇચ્છાશક્તિના પ્રભાવથી મારું મન વિશ્વાસ તથા આનંદથી પરિપૂર્ણ થઈ ઊઠ્યું. એમણે મારા પર કોઈ સંંમોહન શક્તિ વગેરેનો પ્રયોગ કર્યો ન હતોે. એમના ચરિત્રની દૃઢતા તથા એમના ઉદ્દેશ્યની નિર્મળતા તેમજ સચ્ચાઈએ જ મારા મનમાં શ્રદ્ધા જગાડી દીધી. એમની સાથે પરિચય વધારે ઘનિષ્ઠ થયા પછી મેં જોયું કે તેઓ ધૈર્યપૂર્વક લોકોની વિશૃંખલ તથા ચંચળ વિચારધારાને શાંત કરીને તેને પોતાના ભાવને ગ્રહણ યોગ્ય બનાવી લેતા હતા અને આ જ કારણે લોકો એમની વાતો પર પૂરું ધ્યાન દઈ શકતા હતા.
ઉપદેશ દેતી વખતે તેઓ મોટે ભાગે ઉદાહરણોનો સહારો લેતા અને કવિત્વમય ઉપમાઓના માધ્યમથી અમારા પ્રશ્નોના ઉત્તરમાં પોતાના વક્તવ્યને બોધગમ્ય બનાવી દેતા. એક દિવસ અમે લોકો આત્માના અમરત્વ તથા વ્યક્તિગત વિશેષતાઓની જાળવણી પર ચર્ચા કરતાં હતાં. તેઓ પોતાના ઉપદેશના મુખ્ય અંગ-પુનર્જન્મવાદની વ્યાખ્યા કરવા માંડ્યા. હું બોલી ઊઠી, ‘આ ભાવ હું જરાય પણ સહન કરી શકતી નથી. મારે તો પોતાનું ‘હું’ જોઈએ, પછી ભલે એ ગમે તેટલું નગણ્ય કેમ ન હોય! હું કોઈ શાશ્વત ઐક્યમાં લીન થવા ઇચ્છતી નથી. એવી કલ્પના પણ મારા માટે ભયાવહ છે.’ તેના ઉત્તરમાં સ્વામીજીએ કહ્યું, ‘એક દિવસ પાણીનું એક ટીપું મહાસાગરમાં જઈને પડ્યું. પોતાને એવી અવસ્થામાં જોઈને તે તમારી જેમ જ રોવા અને ફરિયાદ કરવા લાગ્યું. મહાસાગર એ જલબિંદુ તરફ જોઈને હસવા લાગ્યો અને બોલ્યો, ‘ભાઈ જલબિંદુ, તું રડે છે શા માટે? જો તું મારામાં મળી ગયું છે તો જે જલબિંદુઓના મળવાથી હું બન્યો છું, એવાં તારાં ભાઈબહેનો સાથે તું મળી ગયું છે. તું પોતે જ સમુદ્ર બની ગયું છે. જો તું મારાથી અલગ થવા ઇચ્છતું હો તો સૂર્યનાં કિરણોની મદદથી વાદળોમાં ચાલ્યું જા અને ફરીથી બુંદના રૂપે વરસીને આ તરસી ધરતીનું કલ્યાણ કર.’
સ્વામીજી તથા એમના કેટલાક અન્ય મિત્રો અને અનુરાગીઓ સાથે હું તુર્કસ્તાન, ઇજિપ્ત અને ગ્રીસના એક અવિસ્મરણીય પ્રવાસે ગઈ. અમારા વૃંદમાં સ્વામીજી, ફાધર હાઈસિંથ લાૅયસન અને એમનાં પત્ની, શિકાગોનાં એક આકર્ષક તથા ઉત્સાહી મહિલા કુમારી મેક્લાઉડ અને વૃંદની ગાયિકાના રૂપે હું પણ હતી.
એ તીર્થયાત્રા કેવી અદ્ભુત હતી! સ્વામીજી માટે વિજ્ઞાન, દર્શન તથા ઇતિહાસનું કોઈ ગૂઢ રહસ્ય અજ્ઞાત ન હતું. મારી ચોતરફ જે જ્ઞાનગર્ભિત તેમજ વિદ્વત્તાપૂર્ણ ચર્ચા થતી એને હું પૂરેપૂરું મન દઈને સાંભળતી. હું એમની ચર્ચાઓમાં ભાગ લેવાનો પ્રયત્ન ન કરતી, પરંતુ હું મારી રીતિ પ્રમાણે યથાસમયે ગાયા કરતી. સુવિખ્યાત વિદ્વાન તથા ધર્મશાસ્ત્રી ફાધર લાૅયસનની સાથે સ્વામીજી દરેક પ્રકારના વિષયો પર ચર્ચાવિચાર કરતા. એક અત્યંત આશ્ચર્યની વાત હતી કે સ્વામીજી ચર્ચસંમેલનોની નિશ્ચિત તિથિ બતાવી દેતા અને દસ્તાવેજોમાંથી બરાબર ઉદ્ધરણ આપી દેતા. જ્યારે ફાધર લાૅયસન સુધ્ધાં એમને વિશે નિશ્ચિત રૂપે કંઈ કહી ન શકતા.
ગ્રીસમાં અમે લોકો એલૂસેસ જોવા ગયાં. સ્વામીજીએ અમને ત્યાંનું રહસ્ય સમજાવી દીધું. અમને એક વેદીથી બીજી વેદી તથા એક મંદિરથી બીજા મંંદિરે લઈ જતા. પ્રત્યેક સ્થાને એમણે પ્રાચીન પ્રાર્થનાની આવૃત્તિ કરીને પુરોહિતની વિધિઓ બતાવીને ત્યાં થનારાં અનુષ્ઠાનોનું વર્ણન કર્યું.
પછીથી ઇજિપ્તની એક અવિસ્મરણીય રાતના સમયે સ્ફિંક્સની છાયાતળે બેસીને રહસ્યમય પ્રેરણાદાયી શબ્દોમાં બોલતાં બોલતાં તેઓ અમને વળી પાછા એક વાર સુદૂરના અતીતમાં લઈ ગયા.
સ્વામીજી સર્વદા, સામાન્ય પરિસ્થિતિઓમાં પણ, અત્યંત રુચિકર લાગતા હતા. એમના કંઠમાં એક પ્રકારની મોહિનીશક્તિ હતી, જે શ્રોતાઓને મંંત્રમુગ્ધ કરી દેતી. આવું તો કેટલીયેવાર બન્યું છે કે રેલવે સ્ટેશનના પ્રતીક્ષાલયમાં વિમુગ્ધ બનીને એમની વાતો સાંભળતાંં અમને સમયનું ભાન ન રહેતું અને ગાડી આવીને ચાલી પણ જતી. આમ તો કુમારી મેક્્લાઉડ અમારાંમાંથી સર્વાધિક જાગૃત હતાં. આમ છતાં પણ આવા અવસરોએ એમને પણ સમયનો ખ્યાલ ન રહેતો અને એના પરિણામે અમારે પોતાના ગંતવ્યસ્થાનથી દૂર કોઈ અત્યંત અસુવિધાવાળા સ્થાનમાં ફસાઈ જવું પડતું.
કેરોમાં એક દિવસ અમે લોકો રસ્તો ભૂલી ગયાં. એ દિવસે અમે લોકો વાતચીતમાં થોડાં વધારે મગ્ન બની ગયાં હતાં. અમે જોયું કે અમે એક એવા રસ્તે પહોંચી ગયાં છીએ કે જે ગંદકી અને દુર્ગંધથી ભરેલો છે અને અહીં અર્ધનગ્ન મહિલાઓ બારીઓમાંથી જોઈ રહી હતી કે બારણે ઊભી હતી. સ્વામીજીને એની ખબર ન હતી, પરંતુ અંતે જ્યારે એક જીર્ણ મકાનની સામે એક બાંકડા પર બેઠેલી કેટલીક મહિલાઓએ મોટે અવાજે હસવાની સાથે એમને બોલાવવાનું શરૂ કર્યું ત્યારે તેમના તરફ સ્વામીજીનું ધ્યાન ગયું. અમારા સમૂહની એક મહિલાએ ઝડપથી અમને ત્યાંથી બહાર કાઢીને લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્વામીજીએ ધીરેથી પોતાને અમારા વૃંદથી અલગ કર્યા અને બાંકડા પર બેઠેલી મહિલાઓ પાસે જઈ પહોંચ્યા. તેઓ કહેવા લાગ્યા, ‘અરે બાળકીઓ! અભાગિનીઓ! એમણે પોતાના સૌંદર્ય માટે પોતાના દેવત્વનું બલિદાન કરી દીધું છે. હવે એમની હાલત તો જુઓ!’
તેઓ (સ્વામીજી) આંસુ વહાવવા લાગ્યા. મહિલાઓ મૌન અને લજ્જિત થઈ ગઈ. એમાંથી એકે ઝૂકીને સ્વામીજીના વસ્ત્રના એક છેડાને ચુંબન કર્યું અને ગદ્ગદ કંઠે ભાંગીતૂટી સ્પેનીશ ભાષામાં કહેવા લાગી, ‘ઈશ્વરના દૂત! ઈશ્વરના દૂત!’ એક બીજી મહિલાએ લજ્જા અને ભયથી અભિભૂત થઈને એકાએક પોતાના હાથથી પોતાનું મુખ ઢાંકી લીધું, જાણે તે પોતાના સંકોચાયેલા આત્માને સ્વામીજીની પવિત્ર દૃષ્ટિથી બચાવવાનો પ્રયત્ન કરતી હોય તેમ!
આ અદ્ભુત યાત્રા જ મારા માટે સ્વામીજીના સાંનિધ્યનો અંતિમ અવસર બની ગયો. ત્યાર પછી થોડા સમય બાદ તેમણે નિર્દેશ કર્યો કે એમણે સ્વદેશ પાછા ફરવું પડશે. એમને એ સમજાઈ રહ્યું હતું કે એમનો અંતકાળ નજીક છે અને તેઓ જેના નેતા હતા અને જેમની સાથે એમની યુવાવસ્થાના દિવસો વીત્યા હતા એ સમુદાય વચ્ચે પાછા જવા ઇચ્છતા હતા. એક વર્ષ પછી અમે લોકોએ સાંભળ્યું કે એમણે દેહત્યાગ કર્યો છે. પોતાના જીવનગં્રથના એક પણ પૃષ્ઠને એમણે વ્યર્થ જવા દીધું નથી. પોતાના શિષ્યોને પહેલેથી જ દર્શાવી દીધેલ દિવસે સમાધિમાર્ગથી તેઓ ઇચ્છામૃત્યુને વર્યા. (સ્વામીજીએ પોતાના એ ત્યાગના કેટલાક સમય પૂર્વે એક પંચાગ મગાવીને પોતાના મહાનિર્વાણનો દિવસ નિર્ધારિત કરી દીધો હતો, પરંતુ કોઈ શિષ્યને એ બાબતનો નિર્દેશ કર્યો ન હતો.)
કેટલાંય વર્ષો પછી જ્યારે હું ભારતભ્રમણ પર ગઈ ત્યારે જ્યાં સ્વામીજીએ પોતાના જીવનનો અંતિમકાળ વિતાવ્યો હતો, એ મઠ જોવાની ઇચ્છા થઈ. એમનાં માતાજી મને ત્યાં લઈ ગયાં. ત્યાં મેં એમના સમાધિસ્થળ પર એમનાં એક અમેરિકી મિત્ર શ્રીમતી લેગેટે બનાવડાવેલ આરસના સુંદર સ્મારકનાં દર્શન કર્યાં. મેં જોયું કે એના પર એમનું નામ નથી. મેં એમના જે ગુરુભાઈને એનું કારણ પૂછ્યું, એમણે વિસ્મયપૂર્વક મારી તરફ જોયું અને શાલીનતા સાથે કહ્યું તે મને આજે પણ યાદ છે : ‘તેઓ એનાથી પર ચાલ્યા ગયા છે.’
વેદાંતવાદીઓનો એવો વિશ્વાસ છે કે હિંદુ ધર્મનાં મૂળ તત્ત્વોને એમણે પોતાના સહજ અને મૌલિક રૂપે જાળવી રાખ્યાં છે. એ લોકોનાં મંદિર નથી, તેઓ ધર્મભાવને જાગૃત કરનાર કોઈ પ્રતીકાત્મક મૂર્તિઓ કે ચિત્રોની સહાયતા લીધા વિના જ સહજ શબ્દોમાં પ્રાર્થના કરે છે. તેઓ અનિર્વચનીય બ્રહ્મને ‘હે અનામ! હે અરૂ!’ કહીને સંબોધે છે.
સ્વામીજીએ મને એક પ્રકારનો પ્રાણાયમ કરવાનું શીખવ્યું હતું. તેઓ કહેતા કે બ્રહ્માંડમાં વ્યાપ્ત દૈવી શક્તિઓને શ્વાસના માધ્યમથી પોતાના શરીરમાં પ્રવેશ કરાવી શકાય છે. બેલુર મઠના સંન્યાસીઓએ સહજ આત્મીયતા સાથે અમારું સ્વાગત કર્યું. એક કુટિરની સામેની લોન પર મેજ લગાડીને ફૂલ અને ફળોની સાથે એમણે અમારી આગતા-સ્વાગતા કરી. નીચે મહાન ગંગા વહેતી હતી. ગાયકગણ વિચિત્ર વાદ્યો સાથે મર્મસ્પર્શી સ્વરમાં અલૌકિક વિષાદયુક્ત ભજન ગાતા હતા. એક કવિએ દિવંગત સ્વામીજીની સ્તુતિમાં તત્કાલ રચિત એક કરુણાપૂર્ણ કવિતાનો પાઠ કર્યો. બપોર પછીનો સમય શાંતિપૂર્ણ ધ્યાનમાં વીત્યો.
આ સૌમ્ય સંન્યાસીઓ વચ્ચે મારો જે સમય પસાર થયો તે ચિરકાલ સુધી મારી સ્મૃતિમાં અંકિત થઈ ગયો છે. તે પુનિત, સુંદર તથા અલૌકિક ક્ષણ જાણે કે કોઈ અન્ય બહેતર તથા પ્રબુદ્ધજગત સાથે સંબંધિત છે.
Your Content Goes Here




