નર અને નારાયણ એ બે ઋષિઓ પૈકી સ્વામી વિવેકાનંદ નરઋષિનું મૂર્ત સ્વરૂપ હતા. એટલે માનવજીવનની સર્વક્ષેત્રીય વિભૂતિમત્તા એ પૂર્ણનર-પૂર્ણપુરુષમાં ઓજસ્વી રીતે પથરાયેલી પરખાય છે. તેથી શું ધર્મ કે શું તત્ત્વજ્ઞાન, શું કેળવણી કે શું ઇતિહાસ, શું રાષ્ટ્રિયતા કે શું માનવપ્રેમ, એ દરેકમાં આ સફળ પુરુષે આધ્યાત્મિકતાની અભિનવ સંભાવનાઓનો ચીલો ચાતર્યો છે. વેદાન્તધર્મની નવીન વિભાવના એમણે આપી; એમણે બુદ્ધિ અને ભાવનાનું સામંજસ્ય સ્થાપ્યું, એમણે વ્યાવહારિકતાને આધ્યાત્મિકતા સાથે જોડી દીધી, એમણે શ્રેય અને પ્રેયનો વિરલ સંયોગ સાધી બતાવ્યો; એમણે વ્યક્તિ અને સમાજના કલ્યાણનો પારસ્પરિક સમન્વય પ્રસ્થાપિત કર્યો. એમણે ઉદ્ઘોષણા કરી કે ‘માનવમાત્રમાં દિવ્યતા નિગૂઢ રીતે વર્તમાન જ છે!’ એ દિવ્યતાને જાગ્રત કરવા એમણે જનતાને પ્રેરણા આપી; એમણે સાચો ધર્મ પ્રબોધ્યો, એ દિવ્યતાના અદ્વૈત ઉપર નૈતિકતાને પ્રસ્થાપીને એમણે ‘ટેમ્પલ યુનિવર્સલ’નો પાયો નાખ્યો. શિક્ષણમાં એમણે પૂર્ણમાનવ બનાવવાનું ધ્યેય રાખ્યું અને એમાં જ કેળવણીની સાર્થકતા નિહાળી, એમણે ધર્મનું ઐતિહાસિક નિરીક્ષણ-પરીક્ષણ કર્યું, અને એનાં પરિણામો જાહેર કર્યાં, ગુફાઓમાં રહેલા તત્ત્વજ્ઞાનને તેઓ રસ્તા પર લઈ આવ્યા. તેમણે નવ્યસંન્યાસ અને નવ્યવેદાન્તની સ્થાપના કરી. આ કર્મઠ વેદાન્તવીરે સમગ્ર માનવજાતિમાં કશા વેરાવંચા વગર પોતાનાં તારવેલાં સત્યો ખુલ્લાં મૂકી દીધાં.

સ્વામી વિવેકાનંદના જીવને વૃદ્ધાવસ્થા જોઈ નથી. તેઓ ચિરયુવા હતા અને તૈત્તિરીય ઉપનિષદનો (2/8) પેલો ‘युवा स्यात्साधुयुवाध्यायक आशिष्ठो द्रढिष्ठो बलिष्ठ: …’ વગેરે મંત્ર તો જાણે એમના લોહીમાં વણાયેલા હતા. તેઓ પોતે એવા જ સાધુચરિત, સતત અભ્યાસશીલ, શ્રદ્ધાવાન, દૃઢ નિશ્ચયી, અને બલશાલી હતા જ, એટલું જ નહિ પણ તેમના પ્રભાવી વ્યક્તિત્વે તેમના સંપર્કમાં આવેલા અનેકાનેકના જીવનનું રૂપાન્તર કરી દીધું. એમણે પોતાનાં તેજ અને પ્રેરણાથી એ લોકોને અકલ્પિત ઊંચાઈએ વિજય-કીર્તિ-તૃપ્તિના શિખરે પહોંચાડ્યા છે.

સ્વામી વિવેકાનંદના આ ‘उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत’ના સાદને ઝીલનારા શિષ્યો અને સાથીઓ એમને ઠીક ઠીક પ્રમાણમાં સાંપડ્યા છે. મદ્રાસના આલાસીંગા પેરુમલ, તેમના ગુરુભાઈ અખંડાનંદ, તેમના શિષ્ય સ્વામી સદાનંદ, બીજા શિષ્ય સ્વામી કલ્યાણાનંદ, સ્વામી નિત્યાનંદ વગેરેએ જીવને જોખમે જનસેવાના અને જનજાગરણના જબરા યજ્ઞમાં સૌ પ્રથમ જ બલિ તરીકે ઝંપલાવી દીધું. વિવેકાનંદના સ્પર્શે વિપત્તિઓ વેઠવાની તેમનામાં ક્ષમતા ભરાઈ ગઈ. ગોલીલીના તટ પર એક સુથારના દીકરાએ પેલા માછીમારોને માછલાં પકડવાની કળા શીખવી હતી ને? વિવેકાનંદે પણ આ શિષ્ય-સાથીઓને એ કળા શીખવી દીધી! એ બધા આ મહાયજ્ઞના પ્રથમ પુરસ્કર્તાઓ બની રહ્યા!

પોતાના દેશબાંધવોને જ આકર્ષી શકે એવી સાંકડી આભા વિવેકાનંદના વ્યક્તિત્વમાં ન હતી. એ આભા તો વિશ્વને આંબનારી હતી. ઉપરના પ્રથમ પુરસ્કર્તાઓની સાથે જ બેસનાર પશ્ચિમી મહિલા હતાં માર્ગારેટ નોબલ. આ વીર યુવતી આયર્લેન્ડનાં વાઘણસમાં હતાં. સ્વામીજી સાથેની પહેલી મુલાકાત વખતે જ એમને સ્વામીજીમાં સિસ્ટાઈનની બાળમૂર્તિનાં દર્શન થયાં હતાં! આ માર્ગારેટને  શ્રીશ્રીમા ‘પશ્ચિમનું પુષ્પ’ કહેતાં. આ માર્ગારેટે પોતાની જાતને પોતાના ગુરુના ‘સ્વદેશ પ્રેમના દાસ’ તરીકે સમર્પી દીધી. ભગિની નિવેદિતા નામ ધારણ કર્યું. તેઓ ભારતીય જનતાનાં ‘માતા’ બની રહ્યાં! ભારતીય રાષ્ટ્રિય આંદોલનના પ્રથમ ચરણમાં ભારતીય જનોને એમણે પાનો ચડાવ્યો. પરતંત્ર અને અજ્ઞાન જનતાને સબળ પ્રેરણા આપી. ભારતને સ્વામીજીની એ અમૂલ્ય ભેટ હતી.

ભારતનું પ્રાચીન ગૌરવ, એની આધ્યાત્મિક ગરિમા, વર્તમાનનું દારિદ્ર્ય, વિદ્યમાન અધમ દશા, કપરી ગરમ આબોહવા, નાતજાતની વાડાબંધી, અર્ધનગ્ન નરનારીઓ, સામાજિક-આધ્યાત્મિક રીતે વંચિત એની આમપ્રજા, દબાયેલી-પિસાયેલી મહિલાઓ, આ બધાંને નિવેદિતા ચાહતાં શીખ્યાં. કોલકાતાની મહામારીમાં શોક વિહ્વળ નરનારીઓએ એમનામાં પોતાની માતાનાં દર્શન કર્યાં, એમના પાવન હાથોમાં બાળકોએ પ્રાણ છોડ્યા! સ્વામી વિવેકાનંદે એમને લખ્યું : ‘તું મા ભારતીનાં ભાવિ પુષ્પોની રાણી, દાસી, મિત્ર બધું જ સાથે થજે, અને માતાનું હૃદય રાખજે.’

એમના પ્રત્યેક હલનચલનમાં ગુરુ વિવેકાનંદનું સ્વપ્ન સાકાર થતું. વિવેકાનંદે નિવેદિતાને લખ્યું : ‘રામકૃષ્ણનું, વેદાન્તનું કે બીજું કશું મારું કાર્ય નથી, મારે તો પ્રજામાં પૌરુષ પ્રગટાવવાનું છે.’ નિવેદિતાએ પ્રત્યુત્તર પાઠવ્યો : ‘હું તમને સહાય કરીશ.’

વિવેકાનંદના ગયા પછી આ ઓજસી મહિલાએ પૂર્વ અને પશ્ચિમને હચમચાવી નાખ્યાં. એમણે પંદર વર્તમાન પત્રો અને સામયિકોમાં વિવેકાનંદની ચીનગારી ફેલાવતા જલદ લેખો લખ્યા અને આજેય પ્રેરણા આપે એવાં ભવ્ય લખાણોથી ભારતને ભરી દીધું. પોતાના ગુરુ પરનો તેમનો મહાગ્રંથ ‘ધી માસ્ટર એઝ આઈ સો હિમ્’ તો એડ્વીન આર્નોલ્ડના ‘લાઈટ ઓફ એશિયા’ પુસ્તક સમકક્ષ છે. આ નિવેદિતાએ સર જગદીશચંદ્ર બોઝના સંશોધન માટે, તેમને ઉત્તેજન આપવા નાણાં એકઠાં કરી આપ્યાં હતાં અને એમના કાર્યની હસ્તપ્રત તૈયાર કરી આપી હતી તેમજ એનો અનુવાદ પણ કરી આપ્યો હતો. લોર્ડ કર્ઝન જ્યારે કુખ્યાત યુનિવર્સિટી બીલ લાવ્યા ત્યારે એમણે વાઘણ પેઠે એમનો વિરોધ કર્યો. ગીતા, ડોન, અનુશીલન, વેદાન્ત વગેરે નામધારી રાષ્ટ્રિય સંસ્થાઓની સ્થાપના થતાંવેંત જ તેઓ તેમની સાથે જોડાઈ ગયાં હતાં અને રાષ્ટ્રિય જનજાગરણની પ્રેરણાઓ આપતાં રહ્યાં હતાં. એમણે નવસ્થાપિત ‘ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિયેન્ટલ આર્ટ્સ’ને સહાય કરી હતી. ભારતમાં પ્રથમ રાષ્ટ્રધ્વજ પણ તેમણે જ તૈયાર કર્યો હતો. ‘ભારતમાતા’ નો મંત્ર તેમણે ઘોષિત કર્યો હતો. તત્કાલીન મહાપુરુષોએ નવાઈપૂર્વક જોયું કે નિવેદિતાના જીવનમાં ‘ભારતમાતા’ મૂર્ત થયાં હતાં. અરવિંદને તેમનામાં દીપાવલી દેખાયાં તો ટાગોરે નવાઈથી કહ્યું : ‘કૌટુમ્બિક મર્યાદાઓની પાર જઈ નિખિલદેશવ્યાપી માતૃભૂમિની આવી જીવંત ભાવના અમે બીજે જોઈ નથી.’

તેમણે મહિલાઓને નવલકથાઓ વાંચવાને બદલે પરંપરિત રાષ્ટ્રજીવનના ભાગરૂપે પ્રાચીન ધર્મવિધિઓનું પાલન કરવાની વિનંતી કરી. આ સાથે તેમણે શ્રીશ્રીમાના આશીર્વાદ લઈ રામકૃષ્ણ-વિવેકાનંદ પરંપરાનુસાર કોલકતામાં કન્યાશાળા શરૂ કરી. આજે એ શાળા ‘ભગિની નિવેદિતા સ્કૂલ’ને નામે પ્રખ્યાત છે. પોતાના આદર્શને વળગી રહીને તેમણે ટાગોરની પુત્રીઓને પશ્ચિમી ઢબનું શિક્ષણ આપવાની ના પાડી દીધી. તેઓ સ્વગુરુ સમાન જ શક્તિમૂર્તિ હતાં, ભારતીયોને તેમનો સંદેશ ‘કર્મ’નો હતો. પટણામાં ભારતીય છાત્રોને 1904માં તેમણે કહ્યું: ‘આખો દેશ તમારો છે એમ માનો અને તમારા દેશને અત્યારે કાર્યની જરૂર છે.’ એ પૂર્વે સ્વામીજીએ ભાખ્યું હતું: ‘એની સેવા? ના, એનાં બાળકોની, રંકોની, પતિતોની, પાપીઓની, રોગીઓની, નાનાં જંતુઓ સુધ્ધાંની સેવા કરવા જે કોઈ તત્પર થશે…. તેની વાણી દ્વારા વિદ્યાદેવી સ્વયં બોલશે અને શક્તિની સાક્ષાત્ મૂર્તિ શ્રીશારદા મા એમનાં હૃદયોમાં પ્રતિષ્ઠિત થશે. નિવેદિતાના જીવન દ્વારા તેમના ગુરુની આ ભવિષ્યવાણી સાચી પુરવાર થઈ ગઈ. સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું હતું કે ‘આવી વિશુદ્ધ મહામના મહિલા ઈંગ્લેંડમાં જ્વલ્લે જ મળે! હું કાલે અવસાન પામું તો મારાં કાર્યને એ જીવંત રાખશે.’

આ પહેલા પુરોધાઓ પછી વિવેકાનંદની સેના ઉત્તરોત્તર વધતી જ રહી. એમાંના કેટલાય મહારથી સેનાનીઓએ ઘણાં પરાક્રમો કરી બતાવ્યાં. એમણે પણ સમર્પિત થઈને પોતાની જાત આ મહાયજ્ઞમાં હોમી છે. એવા અગણિત સેનાનીઓમાં કોને યાદ કરીએ અને કોને ભૂલીએ? આજે જોગાનુજોગ એમનાં નામ સ્મરણ કરીને પાવન થઈએ કે સ્વામીજીને મળેલા એ સેનાનીઓમાં સ્વામી શુભાનંદ, અચલાનંદ, વિરજાનંદ, શુદ્ધાનંદ, આત્માનંદ, પ્રકાશાનંદ, સ્વરૂપાનંદ વગેરે તથા પાશ્ચાત્ય શિષ્યો કેપ્ટન અને શ્રીમતી સેવિયર અને રામકૃષ્ણદેવના આઠ-નવ સાક્ષાત્ શિષ્યો પણ સામેલ થયા હતા.

તદુપરાંત, સિસ્ટર ક્રિસ્ટીન, ગુડવીન, જોલેફાઈન, મેક્લાઉડ, ઓલેબુલ, વાલ્ડે વગેરે પશ્ચિમી પરાક્રમી સેનાનીઓ પણ એમને સાંપડ્યા હતા.

આમ, સ્વામીજીની હયાતીમાં જ એમની સેના વધવા લાગી હતી અને એમના અવસાન પછી એમના ગુરુભાઈઓએ એમનું કાર્ય શ્રદ્ધાપૂર્વક અને ઉલ્લાસભેર ઉપાડી લીધું. આ મહાન કાર્યમાં સ્વામીજીને જે વિપત્તિઓનો સામનો કરવો પડ્યો હતો એનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. મોટા મોટા નેતાઓ, સામાજિકો, પ્રાધ્યાપકો જે કામ કરી શક્યા નથી તે કામ સ્વામીજીએ  પોતે પોતાના સ્વલ્પ જીવનમાં જ તેમજ તેમની આ સેના દ્વારા આશ્ચર્યભરી રીતે કરી બતાવ્યું છે. આજે તો આ કામ ખૂબ વધીને વૈશ્ર્વિક વટવૃક્ષ બની ચૂક્યું છે. સ્વામીજીના સૈનીકોની યાદી કદી પૂરી થઈ નથી અને થશે પણ નહીં. એમનું કાર્ય અવિરત ચાલ્યા જ કરશે.

સ્વામીજી જેવી વિભૂતિઓ તો હજારો વર્ષે માંડ એકાદ જ જન્મે છે એમ ઇતિહાસ આપણને દર્શાવે છે અને આવી વિભૂતિઓ પોતાની સાથે પોતાના સમર્થ પાર્ષદોને પણ લાવતી હોય છે કે જેઓ ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ પોતાનું જીવન સમર્પિત કરી દે છે.

ભારત-વર્ષ પોતાના આ પનોતા પુત્રને – આ મહાન વિભૂતિને – ભૂલી શકે ખરું? ભારતની સરકારે કૃતજ્ઞભાવે આ સકલપુરુષની સ્મૃતિમાં 17મી ઓક્ટોબર, 1984ના રોજ સરક્યુલર D.O.No.F6-1/84/YY પ્રસારિત કરીને સ્વામી વિવેકાનંદના જન્મદિવસને ‘રાષ્ટ્રિય યુવદિન’(12, જાન્યુઆરી) તરીકે ઉજવવાનો સમુચિત નિર્દેશ કર્યો છે.

જય હો આ મહાવિભૂતિ સ્વામી વિવેકાનંદનો !

Total Views: 372

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.