અચ્છાબલના મોગલબાગમાં એક દિવસ અમે બહારના ભાગમાં ભોજન માટે બેઠાં હતાં, એ સમયે સ્વામીએ એકાએક પ્રવેશ કરીને કહ્યું કે તેઓ યાત્રાળુઓ સાથે અમરનાથ જવાના છે, તેમજ તેમની કન્યાને – (લેખિકાને) પણ સાથે લઈ જશે. આ ખબરથી બધાં જ બહુ રાજી થયાં, ઉલ્લાસમાં આવી ગયાં તેમજ ઉક્ત શિષ્યાના સદ્ભાગ્ય માટે આનંદ વ્યક્ત કરવા લાગ્યાં. તેમના (સ્વામીના) જવાની બાબતમાં કોઈએ કંઈ વાંધો દર્શાવ્યો નહીં. તે બધાંની સંમતિથી તેમજ ઉક્ત યાત્રાના અધ્યક્ષપદે નીમાયેલ સરકારી અધિકારી મહાશયની અનુકૂળતાથી આ અભિનવ તીર્થદર્શન માટે સામગ્રી ભેગી થવા લાગી. એ કેટલાંક અઠવાડિયાંમાં કાશ્મીર તીર્થયાત્રાળુઓથી ઊભરાવા લાગ્યંુ. અમે છેવટનો બંદોબસ્ત કરવા અચ્છાબલ છોડી ઇસ્લામાબાદમાં અમારી નૌકામાં પાછાં આવી ગયાં. બધી જગ્યાએ જોઈએ તો ક્રમે ક્રમે યાત્રાળુઓની નવી નવી મંડળીઓ ચાલી આવે છે. બધું જ બહુ શાંત, સુંદર અને વ્યવસ્થિત રીતે પાર પડતું જાય છે. બે ત્રણ હજાર માણસો એક મેદાનમાં છાવણી નાખીને રાત વિતાવતા, વળી સૂર્યોદય પહેલાં એ છોડી ચાલ્યા જતા – પાછળ રસોઈ થઈ ગયા પછીની ચૂલામાં રહેલી રાખ જ બાકી હોય છે, બીજી કંઈ રાતવાસો કર્યાની નિશાની હોતી નથી. સરસામાન માટેની બજાર પણ સાથોસાથ હોય; વળી પ્રત્યેક મુકામે તંબુ ખોડવા તથા દુકાનો ગોઠવવી વગેરે કાર્યો નવાઈ લાગે એટલી ત્વરાથી થઈ જતાં; સંઘબદ્ધ ભાવે કામ કરવું તેમને સ્વભાવસિદ્ધ હોય એમ લાગતું. છાવણીના એક ભાગની વચ્ચેથી એક પહોળો રસ્તો ચાલ્યો જાય છે. ત્યાંથી સૂકાં ફળ, દૂધ, દાળ-ચોખા વગેરે વેચાતાં મળે. તહેસીલદારનો તંબુ – તેની નજીક એક બાજુએ સ્વામીનો તથા બીજી બાજુએ મારો તંબુ – આમ સાધારણ રીતે એવી એક જગ્યાએ ઊભા કરવામાં આવતા કે ત્યાં સહેલાઈથી સાંજને વખતે આગ પ્રગટાવી શકાય. આમ, સ્વામીની નજીકમાં હોવાથી ત્યાં પરસ્પર મળવાનું સહેલાઈથી બની શકતું.
સાધુઓ સાથે ચર્ચા
યાત્રાળુઓમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયોના હજારો સાધુઓ હતા; એમના તંબુઓ ગેરુઆ રંગના હતા, જેમાંના કેટલાક તંબુઓ તો જાણે આકારમાં મોટી છત્રીઓ હોય તેવા હતા. આ સાધુઓ ઉપર સ્વામીનો અસાધારણ પ્રભાવ હતો. તેઓમાંના કેટલાક, જેઓ સામાન્ય કરતાં વધારે વિદ્વાન હતા, તેઓ દરેક મુકામે સ્વામીને વીંટળાઈ વળતા; તેમનો તંબુ લોકોથી ભરાઈ જતો અને જ્યાં સુધી દિવસનું અજવાળું હોય ત્યાં સુધી આ સાધુઓ તેમની સાથે વાર્તાલાપમાં મગ્ન રહેતા. સ્વામીએ પછીથી અમને કહ્યું હતું કે તેમની બધી વાતો શિવ સંબંધી હતી અને જો સ્વામી વચ્ચે વચ્ચે જોર કરીને પરાણે તેમનાં મન બાહ્યજગત પ્રત્યે ખેંચવાનો પ્રયત્ન કરતા તો તેઓ ગંભીર રીતે વાંધો લેતા. તેઓ વારંવાર કહેતા કે વિદેશીઓ પણ ‘માનવી’ તો ખરા ને. તો પછી ‘સ્વદેશ’ ‘વિદેશ’ લઈને આટલો બધો ભેદ કરવો શા માટે ?
વળી તેઓમાંના ઘણા સ્વામીનાં ઇસ્લામ ધર્મ પ્રત્યેનાં પ્રેમ તથા સહાનુભૂતિનો અર્થ સમજી શકતા નહીં. જે પરલોકચિંતનને પરિણામે તેઓ સ્વદેશ-વિદેશને અભિન્ન ગણતા, તેવા જ ચિંતનને પરિણામે આ બધી સરળ અંત :કરણવાળી વ્યક્તિઓ – હિંદુ અને મુસલમાન – એ બંને પણ પ્રતિસ્પર્ધી અંગ-વિશેષવાળી એકતા રૂપ છે, એવી ઉચિત ધારણા કરી શકતા ન હતા. તેઓ તર્ક કરતા, વિચાર કરતા કે જેઓએ ધર્મને માટે પ્રાણ દીધા છે, એવા ઘણા લોકોનાં લોહીથી પંચનદ-પંજાબ-ની ભૂમિ તરબોળ થઈ છે; કંઈ નહીં તો અહીં તો સ્વામીએ આચાર-વિચારના જરા વધારે સાંકડા વંડામાં પુરાઈ રહેવું જોઈએ. આના જવાબમાં સ્વામી એ સમય પૂરતા એવાં કેટલાંક આચરણથી અટકી પડ્યા કે જેથી ભ્રાતૃસ્થાનીય સાધુમંડળી પ્રત્યેની તેમની પ્રીતિનો પરિચય થયો, એટલું જ નહીં, તેમના અસલી મતો વિશેષ દૃઢ ભાવે ગંભીરતાપૂર્વક તે સાધુઓનાં મન પર અંક્તિ થઈ ગયા. આવું તેમનું આચરણ યોગ્ય જ હતું – તેઓ તો એક ભાવિ યુગના માનવી હતા, કોઈક રીતે એક પૂર્વવર્તી યુગમાં આવી પડ્યા હતા ! ગમે તેમ પણ જ્યારે તેઓ આ બધા તીવ્ર વાદપ્રતિવાદનું વર્ણન કરતા ત્યારે અમે પશ્ચિમવાસીઓ આ એક મોટો વિરોધાભાસ જોઈને અમારું હાસ્ય રોકી શકતાં નહીં, કારણ કે તહેસીલદાર પોતે, યાત્રામાં સાથે રહેલા બીજા કર્મચારીઓ તથા નોકરવર્ગ મુસલમાન હતા. આ બધા છેવટે ઉક્ત તીર્થે પહોંચ્યા પછી તેમના એટલે કે કર્મચારીઓના એ ગુફામાં પ્રવેશનો કોઈ વાંધો લેવામાં આવ્યો ન હતો, એ વાત પણ કોઈના મનમાં સ્વપ્નેય આવી ન હતી. વળી તહેસીલદાર અને તેના કેટલાક મિત્રો તો યથાવિધિ શિષ્યત્વ લેવા સ્વામી પાસે આવ્યા હતા; આ ઘટના પણ કોઈને જરાય અસંગત કે વિસ્મયકારક લાગી હોય, એમ હું જાણતી નથી.
ઇસ્લામાબાદ છોડીને અમે રસ્તામાં એક જગ્યાએ યાત્રાળુની મંડળી સાથે જોડાઈ ગયાં અને તેમની જોડે રાત ગાળવા પવાન નામની જગ્યાએ તંબુ ઊભા કર્યા. પવાન તેના પવિત્ર ઝરાઓ માટે જાણીતું છે. તે દિવસે સાંજને વખતે તળાવના નિર્મળ કાળા પાણીમાં પડતી દીપમાળાનાં ઉજ્જવળ પ્રતિબિંબો અત્યારે પણ મને યાદ આવે છે. આ ઉપરાંત અસંખ્ય યાત્રાળુઓ નાની નાની ટુકડીઓમાં જોડાઈ એક મંદિરેથી બીજે મંદિરે જતા હતા તે બીના પણ દૃષ્ટિ સમક્ષ તરવરે છે.
પહાડી ગામ
પહેલગામમાં એકાદશી કરવા માટે યાત્રાળુઓએ એક દિવસનો વિસામો લીધો. ઘેટાંબકરાં ચરાવનારાઓનું આ એક ગામ. નજીકમાં બે નાના ડુંગરાઓના જોડાણમાં એક નાની સરખી નદી, તે નદીના પથ્થરોથી ઘસાતા પટમાં ઘણાય નાના નાના રેતીના બેટ – બહુ સુંદર દૃશ્ય. તેની બંને બાજુના ઢોળાવ પર મજાનાં પાઈન વૃક્ષો હતાં અને સાંજને વખતે તેના માથા પરના પર્વત ઉપર ખંડિત ચંદ્ર દેખાતો. સ્વિટ્ઝર્લેન્ડ અથવા નોર્વે દેશનાં અત્યુત્તમ મનોરમ દૃશ્યો આ જાતનાં હોય છે. અહીં અમે માનવની વસ્તીનાં છેલ્લાં ચિહ્નો જોયાં – એક પુલ, ખેડેલા ખેતરમાંનું ઝૂંપડું, અને દેવદારનાં લાકડાંની થોડી કુટીઓ; અને જ્યારે બાકીનો રસ્તો કાપવા અમે પ્રવાસ શરૂ કર્યો ત્યારે અવશિષ્ટ યાત્રાળુઓના તંબુઓ એ વખતે પણ ત્યાં જ ઘાસથી છવાયેલ એક વર્તુલાકાર પહાડ ઉપર રહેલા છે એમ અમારા જોવામાં આવ્યું.
અનિર્વચનીય સૌંદર્યપૂર્ણ દૃશ્યાવલીમાં થઈને, સામેની ખીણોવાળી જમીન પર અમે ત્રણ હજાર માણસો ચડવા લાગ્યાં. પહેલે દિવસે અમે પાઈન વૃક્ષોના જંગલમાં મુકામ નાખ્યો, પછીને દિવસે અમે તુષાર-રેખા ઓળંગી એક નદીના તટ પર અમારા તંબુ નાખ્યા – નદીનું પાણી તો જામી ગયું હતું. તે રાતના છાવણીનો મોટો અગ્નિ ભડકો ‘જુનીપાર’ નામના વૃક્ષનાં કાષ્ઠ દ્વારા પેટાવવામાં આવ્યો હતો; અને તે પછીને દિવસે સાંજે એ જમીનનો ભાગ એથીય ઊંચો હતો, તેથી નોકરોને આ વિરલ ઈંધણાંની શોધમાં કેટલાય ગાઉ આમ તેમ રખડવું પડ્યું હતું. છેવટે આટલા દિવસ અમે જે સારે રસ્તે થઈને ચાલ્યાં હતાં તે પૂરું થઈ ગયું અને અમારે પગદંડી પર થઈને –
ઊંચીનીચી કેડી પર થઈને મહામુશ્કેલીએ ચડાઈ-ઊતરાઈ કરવી પડી. છેવટે અમે જે ગિરિગુહામાં, અમરનાથ અવસ્થિત છે તે ખડકાળ ભાગમાં આવી પહોંચ્યાં. ચોતરફ મોટી મોટી શિલાઓ ડોકિયાં કરી રહી હતી. આ સ્થાન પર પહોંચ્યાં ત્યારે અમારા જોવામાં આવ્યું કે સામેનું શિખર તાજેતરમાં થયેલ હિમવર્ષાના શ્વેત બરફથી ઢંકાયેલું છે, જાણે કે સફેદ ચાદર પાથરી હોય! વધારામાં જોવામાં આવ્યું કે જ્યાં સૂર્યકિરણો કદી પણ પ્રવેશે નહીં એ ગુફાની અંદર, એવા જ એક ગંભીર ભાગમાં મહાન તુષારલિંગ વિરાજમાન છે. જે બધા ખેડૂતોને સર્વ પ્રથમ આ લિંગનો દર્શન લાભ મળ્યો હશે, એમને તેમની સમક્ષ સાક્ષાત્ ભગવાન જ ત્યાં અવસ્થાન કરે છે, એવો બોધ ચોક્કસ થયો હશે અને વિસ્મિત થયા હશે.
ગુફામંદિર
અહીં પહોંચતાં સુધીના માર્ગમાં સ્વામી આ યાત્રાના દરેક વિધાનનું પાલન કરતા આવ્યા હતા. તેઓ માળા લઈને જપ કરતા, ઉપવાસ કરતા તેમજ તેમણે એક પછી એક પાંચ નદીઓના બરફ જેવા ઠંડા પાણીમાં સ્નાન કર્યું હતું. આ કંકરમય નદીના પટ અમે યાત્રાને બીજે દિવસે ઓળંગ્યા હતા. હવે ગુફામાં પ્રવેશ કરતાં તેમને અનુભવ થયો કે સદેહે મહાદેવ તેમની સન્મુખ વિદ્યમાન છે. અસંખ્ય યાત્રાળુઓનાં ટોળેટોળાં અવાજ કરતાં કરતાં ગુફામાં પ્રવેશ કરે છે અને માથા પર ફડફડ કરતી પારેવાંની હાર ઊડી રહી છે. આવે વખતે સ્વામીએ અલક્ષિતપણે ભૂમિ પર પડીને બે ત્રણ વાર પ્રણામ કરી લીધા. વળી પાછું, ભાવાવેશમાં આત્મભાન ભૂલી જવાય એ બીકે તેઓ ઊઠીને જલદી જલદી ઉતાવળે પગલે ગુફાની બહાર ચાલ્યા આવ્યા. આ પછીથી તેઓએ કહ્યું હતું કે આ થોડી ક્ષણોની અંદર તેમણે મહાદેવ પાસે ઇચ્છામૃત્યુનું વરદાન માગ્યું હતું. તેમના મનમાં નાનપણથી આ અસ્પષ્ટ ધારણા દૃઢ હતી કે પર્વત મધ્યસ્થ કોઈ શિવમંદિરમાં તેમનું મૃત્યુ થશે. એમ લાગે છે કે તે વાત આ રીતે જ વ્યર્થ અથવા સાર્થ થઈ હતી. ગુફાની બહારના ભાગમાં અસહાય લોકો ઉપર પંડાઓનો ત્રાસ હતો નહીં. આડંબરહીનતા તથા પ્રકૃતિના વિશેષ અનુગામી તરીકે અમરનાથની પ્રસિદ્ધિ છે. પરંતુ રક્ષાબંધનને પવિત્ર દિવસે જ આ યાત્રાનો શ્રેષ્ઠ ઉત્સવ અનુષ્ઠિત થાય છે. ઘણાંએ અમારે હાથે રાતી તેમજ પીળી રાખડીઓ બાંધી દીધી. તે પછી અમે થોડો વિસામો લઈ નદીને કાંઠે કેટલીક ખૂબ ઊંચી શિલાઓ ઉપર ભોજન લઈ લીધું અને પછી તંબુ પર પાછાં આવ્યાં.
સ્વામી આ સ્થાનના માહાત્મ્યથી ભરપૂર થઈ ગયા હતા. તેમને એવું લાગવા માંડ્યું કે તેમણે આવું સુંદર બીજું કંઈ કદી જોયું ન હતું. તેઓ લાંબો વખત નીરવ બેઠા રહ્યા. તે પછી સ્વપ્નાવિષ્ટ હોય તેમ બોલવા લાગ્યા – ‘કેવી રીતે આ ગુફા પ્રથમ શોધી કઢાઈ હશે, તેની હું સારી રીતે કલ્પના કરી શકું છું. ગ્રીષ્મઋતુના કોઈ એક દિવસે ઘેટાંબકરાં ચારનારા થોડાક ભરવાડો પોતાનાં રખડતાં ઘેટાંબકરાંની શોધમાં આમતેમ ફરતા ફરતા અહીં આવી ચડયા હશે. આ પછી તેઓ પોતાનાં ઝૂંપડાંમાં પાછા આવ્યા હશે અને તેમણે આવીને પોતાના સાથીઓને વાત કરી હશે કે કેવી રીતે તેમને એકાએક મહાદેવનાં દર્શન થયાં હતાં!’
બીજું કંઈ નહીં તો મારા ગુરુદેવના પોતાના સંબંધમાં તો આવી વાત કરીએ તે સાચી છે. આ તુષારલિંગની પવિત્રતા તથા ધવલતાએ તેમને મુગ્ધ કરી દીધા હતા, વિસ્મિત કરી દીધા હતા. આ ગુફાએ તેમની પાસે કૈલાસનું રહસ્ય ખુલ્લું કરી દીધું હતું. તેમણે જીવનપર્યંત યાદ રાખ્યું હતું કે કેવી રીતે તેમણે એક પર્વતગુફામાં પ્રવેશ કરી સ્વયં શ્રીભગવાનનો પ્રત્યક્ષપણે સાક્ષાત્કાર કર્યો હતો.
Your Content Goes Here





