(૮) શ્રીલંકાનો સમુદ્ર તટ, ૨૮ જૂન, ૧૮૯૯ : મદ્રાસમાં સારા પ્રમાણમાં ઉત્તેજનાનું વાતાવરણ હતું. ઘણા લોકોએ ગવર્નરને વિનંતી કરી કે સ્વામીજીને ઊતરવા દેવામાં આવે. પરંતુ પ્લેગને ધ્યાનમાં રાખીને અમારે સ્ટીમરમાં જ રહેવું પડ્યું અને એને લીધે મારા મનને થોડી શાંતિ થઈ, કારણ કે સમુદ્રયાત્રા એમના સ્વાસ્થ્ય માટે ઠીક ઠીક લાભદાયી રહે તેમ હતી અને એક દિવસની ભીડ તથા વ્યાખ્યાન પણ એમને ઠીક ઠીક પ્રમાણમાં થકવી દેત. લોકો ઉપહાર અને અભિનંદન પત્રો સાથે હોડીઓમાં બેસીને નિરંતર સ્ટીમરની નજીક આવી રહ્યા હતા અને આખો દિવસ સ્ટીમરમાંથી નીચે એમના તરફ સૌજન્યતાપૂર્વક જોતા રહેવું એ પણ કંઈ ઓછું થકવી દે તેવું ન હતું…

સ્વામીજીને આવ્યાને એક કલાક જ થયો હતો અને કોઈ પણ રીતે વાતચીતનું વલણ ‘પ્રેમ’ વિષય તરફ વળ્યું. બીજી બાબતો ઉપરાંત તેમણે અંગ્રેજ તથા બંગાળી પત્નીઓની નિષ્ઠા વિશે કહ્યું અને બતાવ્યું કે કેવી રીતે તેઓ ચુપચાપ કષ્ટ સહન કરે છે. આમ ક્યારેક ક્ષણભર માટે આનંદ અને કવિતાની ઝલક પણ જોવા મળે છે. પરંતુ એને માટે માનવીય પ્રેમને આંસુઓના સાગરમાંથી પસાર થવું પડે છે. દુ :ખનાં આંસુ જ આધ્યાત્મિક જીવનની ઉપલબ્ધિ કરાવે છે, ખુશીનાં કે આનંદનાં આંસુ ક્યારેય નહીં. તેમણે કહ્યું કે બીજા પરની નિર્ભરતા દુ :ખથી પરિપૂર્ણ છે, સ્વાધીનતામાં જ સુખ છે. દરેક પ્રકારનો માનવીય પ્રેમ નિર્ભરતાથી પૂર્ણ છે. આમ જોઈએ તો માનો પ્રેમ આમાં ક્યારેક ક્યારેક અપવાદ બની શકે. આ માનવીય પ્રેમ પોતાના પ્રેમાસ્પદના સુખ માટે નથી, પરંતુ સ્વયંના સુખની કામના કરે છે. જો કાલે તેઓ (સ્વામીજી) શરાબી થઈ જાય, તો તેઓ ક્યારેય પોતાના શિષ્યો પાસેથી પ્રેમની અપેક્ષા નહીં રાખી શકે, કારણ કે તે લોકો ગભરાઈને તત્કાલ એમનો પરિત્યાગ કરી દેશે. પરંતુ એમના કેટલાક ગુરુભાઈ (બધા નહીં) આવું નહીં કરે. એ લોકોની દૃષ્ટિએ તેઓ એ અવસ્થામાં પણ એ જ સ્વામીજી બની રહેશે. તેમણે કહ્યું, ‘સાંભળો માર્ગરેટ, જ્યારે અરધો ડઝન (અલ્પસંખ્યક) લોકો આ પ્રકારનો પ્રેમ કરતાં શીખી જાય છે ત્યારે એક નવા ધર્મનો જન્મ થાય છે, એ પહેલાં નહીં.’ મને સર્વદા એ મહિલાની યાદ આવે છે કે જે સવારના સમયે કબ્રસ્તાનમાં જાય છે અને જ્યારે ત્યાં ઊભી રહે છે ત્યારે તેને એક અવાજ સંભળાય છે. તે વિચારે છે કે એ માળીનો અવાજ છે અને ત્યારે ઈસુ એને સ્પર્શ કરે છે. તે પાછું વળીને જુએ છે અને કેવળ ‘મારા પ્રભુ! મારા નાથ!’, બસ, માત્ર આટલું ‘મારા પ્રભુ! મારા નાથ!’ જ બોલી શકે છે. વ્યક્તિનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે.

પ્રેમ પશુત્વથી આરંભ થાય છે, કારણ કે એ સ્થૂળ હોય છે. ત્યાર પછી તે બૌદ્ધિક બની જાય છે અને અંતે તે આધ્યાત્મિકતા સુધી પહોંચી જાય છે. અંતે કેવળ, ‘મારા પ્રભુ! મારા નાથ!’ મને આ પ્રકારના અરધો ડઝન શિષ્યો આપ અને હું આખી દુનિયા પર વિજય મેળવી લઈશ.’

(૯) અમેરિકા : ૯, ૧૨ તથા ૧૩ ઓક્ટોબર, ૧૮૯૯ : સ્વામીજી દોઢ કલાકથી ટહેલી રહ્યા હતા અને (મારા) મનને બહિર્મુખી બનાવનારી બાહ્ય દેખાવની વિનમ્રતા, ‘કેટલું મજાનું’, ‘કેટલું સુંદર’ જેવા ઉદ્ગારો વિશે મને સાવધાન કરી રહ્યા હતા. વચ્ચે વચ્ચે તેઓ કંઈ બોલી ઊઠતા, ‘હિમાલય ચાલ્યા જાઓ. કોઈ ભાવુકતા વિના પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી લો; અને જ્યારે તમે પોતાના આત્માને જાણી લેશો, ત્યારે તમે ઉલકાની જેમ દુનિયા પર તૂટી પડશો. ‘શું કોઈ મારા પ્રચારને કાને ધરશે?’ એવું જે લોકો પૂછે છે એમનામાં મને વિશ્વાસ નથી. જેની પાસે કંઈક કહેવાનું છે, જગત ક્યારેય તેના ઉપદેશોને સાંભળવાનો ઈન્કાર નહીં કરે. તમારી પોતાની જ શક્તિ પર નિર્ભય બનીને ઊભા થાઓ. શું તમે આવું કરી શકો છો? તો પછી હિમાલયમાં ચાલ્યાં જાઓ અને શીખો.’ ત્યાર પછી તેઓ શંકરાચાર્યના વૈરાગ્યબોધક ‘ચર્પટપંજરિકા’ ના સોળ શ્લોકોની આવૃત્તિ કરવા લાગ્યા. જેના પ્રત્યેક શ્લોકના અંતે ‘ભજ ગોવિંદમ્ મૂઢમતે’ (એટલે જ હે મૂઢમતિ, ઈશ્વરની આરાધના કરો.)

સમાજ તથા ઘરગૃહસ્થીના ક્ષુદ્ર સંબંધોની પરે થવું; ઇન્દ્રિયોના સતત આમંત્રણને નકારીને પોતાના અંતરાત્માને સંયમિત રાખવો; શરત્કાલનાં વૃક્ષોને જોઈને થનારા આનંદને પણ આરામદાયક પથારી પર શયન તથા સુસ્વાદિષ્ટ ભોજનની જેમ જ ભોગસુખ સમજવાં; લોકોની તુચ્છ પ્રશંસા તથા નિંદા સાથે ઘૃણા રાખવી – તેઓ પુન : પુન : આ જ આદર્શાેને અમારી સમક્ષ રાખતા. તેઓ વારંવાર કહેતા, ‘તિતિક્ષાનો અભ્યાસ કરવો.’ તિતિક્ષા અર્થાત્ દેહનાં કષ્ટોનો પ્રતિકાર કર્યા વિના, એના પર ધ્યાન દીધા વિના એમને સહન કરવાં. તેઓ એ સંન્યાસીનું ઉદાહરણ દેતા કે જેમની આંગળીઓ કોઢથી સડતી હતી. એના ઘાવમાંથી એક કીડો જમીન પર પડ્યો હતો. એમણે ધીરેથી નમીને એ કીડાને ઉપાડ્યો અને વળી પાછો ઘા પર રાખી દીધો. ફરીથી તેઓ દુ :ખને પ્રેમ કરવાની અને મૃત્યુને આલિંગવાની વાત કહેતા. ત્યાર પછી એમણે ધ્યાન દોર્યું કે કેવળ એ જ સભ્યતાઓ સ્થાયી થાય છે જેમનામાં વૈરાગ્યનો પુટ હોય છે.

નિશ્ચય આપણે બધા સમજીએ છીએ કે કર્તવ્યનું ચક્ર પણ એક ફોર્મ્યુલા માત્ર છે. સ્પષ્ટ દેખાય છે કે વ્યક્તિ એક એવી સાંકળથી બંધાયેલ છે કે જેને તોડવાની ક્ષમતા એનામાં હજી સુધી આવી શકી નથી! કાલે સ્વામીજી શિવ વિશે કહી રહ્યા હતા, ‘તમારું જીવન કેવળ આત્મચિંતન માટે રહો, એક મુક્તાત્મા માટે ધ્યાન સુદ્ધાં એક બંધન જણાય છે, પરંતુ પરમેશ્વર શિવ જગતના કલ્યાણ હેતુ ધ્યાનમાં તન્મય રહે છે. હિન્દુઓની શ્રદ્ધા છે કે આ મહાન આત્માઓની પ્રાર્થના તથા ધ્યાનધારણાના અભાવે જગતનો તત્કાલ ધ્વંસ થઈ જશે. (અર્થાત્ અન્ય લોકોને સ્વયંને અભિવ્યક્ત કરવાનો તથા મુક્ત થવાનો અવસર જ નહીં મળે.) કારણ કે ધ્યાન જ એ મહાનતમ તથા પ્રત્યક્ષ સેવા છે, જે બીજાને માટે કરી શકાય છે.

તેઓ બતાવી રહ્યા હતા કે કેવી રીતે હિમાલય પર હિમરાશિ અને વચ્ચે વચ્ચે વનોની હરિયાળી ફેલાયેલી છે. તેઓ કાલીદાસનું ઉદ્ધરણ દેતાં બોલ્યા, ‘મહાદેવના દેહ પર પ્રકૃતિ જાણે કે નિરંતર સતી બની રહી છે. (ક્રમશ 🙂

Total Views: 469

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.