શ્રીરામકૃષ્ણદેવ વિષેનું આ સંસ્મરણ તેમનાં બધાં શિષ્ય – શિષ્યાઓમાં સૌથી છેલ્લે દેહત્યાગ કરનારાં શિષ્યાનું છે. શ્રીરામકૃષ્ણદેવ વિષે એમના ગૃહસ્થ શિષ્યોની રચનામાં આ પ્રસંગ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ હૃદયસ્પર્શી સરળતા તથા અતિ અસાધારણ અનુભૂતિ સાથે આ સંસ્મરણ જોડાયેલ હોવાથી એક અપૂર્વ પ્રદાન કરી જાય છે.
લેખિકા પહેલી વાર શ્રીરામકૃષ્ણદેવને મળ્યાં ત્યારે માત્ર આઠ વર્ષનાં હતાં. પરંતુ એ પ્રથમ મુલાકાત અને પછી વારંવારની મુલાકાતોને કારણે એમનું સમસ્ત જીવન બદલાઈ ગયું. ભવતારિણીનાં માતા શ્રીરામકૃષ્ણનાં સગાં થતાં હતાં. અને શ્રીરામકૃષ્ણે જ ભવતારિણીનાં લગ્ન પોતાના જ ભક્ત અને સંબંધી ઉપેન્દ્રનાથ મુખર્જી સાથે કરાવ્યાં હતાં. આ ઉપેન્દ્રનાથ મુખર્જી એટલે જેના છાપખાનામાં લાટૂ મહારાજ (સ્વામી અદ્ભુતાનંદજી) મહિનાઓ સુધી રહ્યા હતા તે.
ઉપેન્દ્રનાથ બહુ નિર્ધન હતા, પરંતુ, તેમને આશા હતી કે શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી તેઓ સંપત્તિ પ્રાપ્ત કરશે. અને ખરેખર ત્યાર પછી તેઓ ખૂબ પૈસાદાર બન્યા. કલકત્તાના ધનિક પ્રકાશકોમાં તેઓનું એક સ્થાન રહ્યું હતું. ઉપેન્દ્રનાથ ઈ.સ.૧૯૧૫માં મૃત્યુ પામ્યા.
૧૯૬૮માં પ્રથમ વાર અંગ્રેજીમાં આ લેખ છપાયો ત્યારે ભવતારિણી ૯૪ વર્ષનાં હતાં; પરંતુ નીરોગી અને સ્વસ્થ હતાં અને બનારસમાં જિંદગીનાં છેલ્લાં વર્ષો ગાળી રહ્યાં હતાં. પતિના મૃત્યુ પછી તેઓ સંન્યાસિની જેવું જીવન જીવી રહ્યાં હતાં. આટલી મોટી ઉંમરે પણ તેઓ કઠોર તપસ્યામય જીવન પસાર કરતાં હતાં. તેઓ આહારમાં માત્ર થોડું દૂધ અને કેળાં લેતાં હતાં, અને તે પણ રાત્રે, શ્રીરામકૃષ્ણદેવને પ્રથમ અર્પણ કરીને પછી જ. થોડા સમય પહેલાં જ ભવતારિણી રામકૃષ્ણધામમાં ચાલ્યાં ગયાં. – સં.
જ્યારે હું આઠ વર્ષની હતી ત્યારે એક દિવસ ઠાકુર (શ્રીરામકૃષ્ણદેવ) અમારે ઘેર ભોજન લેવા પધાર્યા. હું બાજુમાં જ ક્યાંક રમતી હતી. હું ખૂબ તોફાની પણ હતી. મારી માતાએ મને બોલાવવા નોકરાણીને મોકલી. ઠાકુરે મારું નામ પૂછ્યું. માએ કહ્યું – ‘હૂબી’ (જે બાળક મોડું બોલતાં શીખે તે). ઠાકુર ઈચ્છતાં હતા કે નામ બદલી નાખવું. એ સમય છોકરીઓનાં નામ ફૂલો પરથી પાડવાનો રિવાજ હતો. પરંતુ ઠાકુરે તો દક્ષિણેશ્વરની જગન્માતા ઉપરથી મારું નામ ભવતારિણી રાખ્યું.
ત્યાર પછી ફરી એક વાર જ્યારે હું આઠ વર્ષની જ હતી ત્યારે ઠાકુર અમારે ઘેર જમવા પધાર્યા. એમણે મારી માતાને મારી ઉંમર પૂછી; માતાએ કહ્યું, “આઠ વર્ષ’ ઠાકુરે કહ્યું, “તમારી દીકરી આઠ વર્ષની થઈ ગઈ? તો તો એનાં લગ્ન કરવાં જોઈએ. મારી નજરમાં એને સુયોગ્ય વર છે.” માતા તો રાજી થઈ ગઈ. અને તેણે છોકરા વિષે પૂછ્યું. ઠાકુરે કહ્યું : “બહુ ભણેલ ગણેલ નથી.” તો માતા કહે, “તો તો બરાબર નહીં.” ત્યારે ઠાકુરે ભારપૂર્વક કહ્યું, “ભવિષ્યમાં એનો ભાગ્યોદય થશે કારણ કે આ (ભવતારિણી) લક્ષ્મી છે.”
એક દિવસ ઉપેન્દ્રનાથની માતા ઠાકુરનાં દર્શન માટે દક્ષિણેશ્વર ગયાં. ઠાકુરે એમને કહ્યું, “તમારા દીકરાનાં લગ્ન આ છોકરી સાથે થવાં જોઈએ.” એ તો રાજી થઈ ગયાં. નરેન્દ્રે (સ્વામી વિવેકાનંદે – એ સમયે એ ત્યાં હતા.) પૂછ્યું, “કોનાં લગ્ન થવાનાં છે?” ઠાકુરે બધી વાત કરી. નરેન્દ્રે આ લગ્નનો વિરોધ કર્યો. કારણ કે હું સુંદર નહોતી અને રંગે શ્યામ હતી. તેમણે ઠાકુરને કોઈ બીજી છોકરી ઉપેન્દ્રનાથ માટે શોધવા કહ્યું. પરંતુ ઠાકુરે તો ભારપૂર્વક કહ્યું કે એ એક ભાગ્યશાળી છોકરી છે અને ઉપેન્દ્રનાથે એને સ્વીકારી લેવી જોઈએ જેથી ભવિષ્યમાં તે પૈસાદાર બની શકે. ઉપેન્દ્રનાં માતા રાજી થઈ ગયાં. પતિ-પત્ની બંને ખુશ થયાં કે “દક્ષિણેશ્વરમાં ઠાકુર સાથે રહેતો હતો તે પુત્ર પુત્રવધૂ સાથે ઘરે પાછો ફરશે.”
લગ્ન પછી નરેન્દ્ર અમારે ઘેર આવ્યા કરતા હતા. જ્યારે લગ્ન નક્કી થઈ ગયાં એ દરમિયાન મને ખબર પડી કે મારા શ્યામ વર્ણને કારણે નરેન્દ્ર શું શું કહેતા હતા! તેથી હું એમનાથી બહુ જ નારાજ હતી. જ્યારે પણ એ અમારે ઘેર આવે ત્યારે એમની આગતા-સ્વાગતા નહોતી કરતી. નાસ્તો દેવા ન જતી. મારી માતાએ તેમને કહ્યું કે તમે તેને કાળી કાળી કહો છો તેથી તમારા તરફ એ બહુ જ નારાજ છે. ત્યારથી નરેન્દ્ર મારા પ્રતિ ખૂબ સારા થઇ ગયા અને મને સાંત્વના આપી.
જ્યારે હું મારે પિયર હતી ત્યારે મારી માતા મને હંમેશાં કહ્યા કરતાં કે તું સતત ઘરમાં જ રહે, અને સારું સારું ખા કે જેથી તારા શરીરનો રંગ સારો થાય. પરંતુ બપોરે ઘરનાં સૌ આરામ કરતાં હોય અને મારી નાની નાની બહેનપણીઓ રમવા બોલાવવા આવતી ત્યારે હું એમની સાથે રમવા દોડી જતી, અને એ લોકો ઊઠે એ પહેલાં પાછી આવી જતી. પરંતુ એક દિવસ મને પાછા ફરતાં મોડું થયું. બધાં લોકો ઊઠી ગયા હતા. શું કરું? મેં મનોમન વિચાર્યું : ઠાકુર આવ્યા છે અને બેઠક ખંડમાં બેઠા છે, એમની પાસે જઈને બેસી જાઉં તો માને ખબર પણ નહીં પડે. એ માનશે કે હું તો ઠાકુરની પાસે જ બેઠી છું. ઠાકુરે જોયું કે હું દાંતથી નખ કાપી રહી છું, તેથી તેમ કરવાની ના પાડી. પછી મને પૂછ્યું, “મારા વિષે તું શું માને છે? કેટલાક લોકો કહે છે કે હું સ્વયં ભગવાન છું. આ વિષે તારું શું માનવું છે.”
મેં જવાંબ આપ્યો : “નહીં, નહીં, તમે ભગવાન નથી. તમે તો મારા પતિના ગુરુ છો.” ત્યારે એકદમ અચાનક મને મધુર સુંગધ આવી. દેવ-દેવીઓની પૂજા વખતે આવતી અગુરુની સુગંધ જેવી એ હતી. મેં વિચાર્યું : “લોકો કહે છે કે ઠાકુર સાક્ષાત્ ઈશ્વર છે. તો આ સુગંધ એમની પાસેથી તો નહિં આવતી હોય ને!” મેં એ જાણવાનો પ્રયત્ન કર્યો, અને એમના કાન તરફ જોયું. જ્યારે હું એમની ખૂબ નજીક ગઈ તો અચાનક ઠાકુરનું બાહ્ય સ્વરૂપ જાણે કે લુપ્ત થઈ ગયું. અને એની જગ્યાએ દિવ્ય પ્રકાશ પ્રસરી રહ્યો. સૂર્યોદય સમયે જેવો પ્રકાશ હોય, છટા હોય તેના જેવો એ લાગ્યો. અને તેમનો આકાર પ્રકાશપુંજ જેવો બન્યો હોય તેવું દેખાયું. હું બોલી ઊઠી : “ઠાકુર, ઠાકુર, તમે આવું કેમ કરો છો?” મેં એમના શરીરને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો, પણ હું સ્પર્શી શકી નહીં. મેં એમને કેટલીએ વાર બોલાવ્યા, પણ તેમણે જવાબ આપ્યો નહીં. એટલે હું આતુરતાપૂર્વક એમને જોવા લાગી. આવું ક્યાં સુધી ચાલ્યું તેની મને ખબર ન પડી. થોડી વાર પછી એ પ્રકાશ ધીમે ધીમે ઝાંખો થતો ગયો, અને ફરીથી હું ઠાકુરને બરોબર જોઈ શકી. મેં બીજાને બોલાવવા પ્રયત્ન કર્યો, પણ મને લાગ્યું કે કોઈએ એ તરફ ધ્યાન આપ્યું નહીં.
મારે સાસરે જ્યારે આ વાત મેં મારી સાસુને કરી ત્યારે તે સમજી ગયાં અને મારી વાત પર પૂરો વિશ્વાસ કર્યો. મારા પતિ પણ બહુ જ ખુશ થયા. મારી સાસુએ મને કહ્યું. “હવે જ્યારે ફરી વાર ઠાકુર મળે ત્યારે એમની પાસેથી મંત્રદીક્ષા લઈ લેજે.”
એ વખતે મંત્ર શું કહેવાય, તે હું સમજતી ન હતી. મને તો એમ કે એ કાંઈ ભેટ આપવા લાયક બંગડી કે એના જેવું ઘરેણું હશે.
એક વાર જ્યારે ફરી ઠાકુર અમારે ઘેર આવ્યા ત્યારે મેં કહ્યું કે મારી સાસુએ કહ્યું છે કે તમે મને મંત્રદીક્ષા આપો. હું તો એમની પાસે બેસી ગઈ અને મેં કહ્યું “મને મંત્ર આપો, મને મંત્ર આપો,” આપ યાદ રાખજો કે એ વખતે હું માત્ર આઠ વર્ષની બાલિકા હતી. મેં બહુ હઠ પકડી. ત્યારે ઠાકુરે કહ્યું “ઠીક છે. તને એક મંત્ર આપીશ. તેં શિવજીને જોયા છે?”
મેં ‘હા’ કહી.
તેમણે કહ્યું “જો તને એ સારા લાગતા હોય તો તેમને પ્રેમ ક૨.” પછી પૂછ્યું “તે કાલીને જોયાં છે?”
મેં કહ્યું “હા”. તો તેમણે કહ્યું “તને એ સારાં લાગે તો એમને પ્રેમ કર,” પછી કહ્યું “શું તે કૃષ્ણને જોયા છે?” “રામ? રામને ક્યાં જોયા છે?”
મેં ઉત્તર આપ્યો : “મારી માતાને ઘેર”. એમણે કહ્યું “એ સારા લાગે તો એમને પ્રેમ કર.” પછી કહ્યું : “જો મને ચાહતી છો તો મને પ્રેમ કર.” “હા, હું તમને પ્રેમ કરું છું.” મેં જવાબ આપ્યો. “હું તમને ખૂબ ચાહું છું, પણ તમે મને મંત્ર નહીં આપો તો હું સાસરે નહીં જાઉં.” ત્યારે ઠાકુરે કહ્યું : “સારું, તું તારી સાસુને પૂછી આવ કે તને ક્યો મંત્ર દઉં? જો મારી પાસે હશે તો હું તને આપી દઈશ. નહીંતર હું તને પૈસા આપીશ, તું વેચાતો લઈ આવજે. અત્યારે તો મારી પાસે કંઈ નથી.” મેં જોયું કે એમનું ખીસું તો ખાલી છે. ત્યારે મને સમજાયું કે ઠાકુર પાસે અત્યારે તો કંઈ નથી, તેમ છતાં મેં પાછું કહ્યું, “જો તમે મને નહીં આપો તો હું સાસરે નહીં જાઉં.”
મારે સાસરે આવીને બધી વાત મેં મારી સાસુને કહી, ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયાં અને કહેવા લાગ્યાં, “એ જ મંત્ર છે.”
સમય પસાર થતો ગયો. હું મોટી થઈ ગઈ. છતાં મને પૂછવાનું મન થતું કે ઠાકુરને તે દિવસે શું થઈ ગયું હતું, જે એકદમ પ્રકાશમય હતું. મારું કુતૂહલ વધતું જતું હતું. પરંતુ પૂછવાનો યોગ્ય સમય મળતો નહોતો. એક દિવસ મારા સસરા મને દક્ષિણેશ્વર લઈ ગયા. ઠાકુરે મને શ્રીમાની (શારદામણિ દેવી) પાસે થોડા દિવસ રોકાઈ જવા કહ્યું. ત્યારે મેં મનમાં નિશ્ચય કર્યો કે હવે યોગ્ય સમય મળ્યે હું મારો પ્રશ્ન પૂછીશ. પરંતુ હું ઠાકુર સાથે વાત કરી શકી નહીં; કારણ કે મોટે ભાગે ઠાકુર બધો સમય ભક્તોથી વીંટળાયેલા રહેતા. સાંજે કાલીમંદિર જતા અને સંધ્યા આરતી નિહાળતા. એક દિવસ જ્યારે એ ત્યાં હતા ત્યારે એમના ઓરડામાં બેસી ગઈ. અને પ્રશ્ન પૂછવાની રાહ જોતી રહી. મંદિરથી પાછા ફરીને તેઓ મારી પાસે બેસી ગયા. ફરી પાછું મેં એમના બાહ્યરૂપને દિવ્યજ્યોતિમાં લુપ્ત થતું જોયું. મેં વારંવાર એમને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ થયું નહીં. એમનું શરીર અતિશય મુલાયમ હતું. જાણે શરીરમાં હાડકાં જ ન હોય. ત્યાર પછી મારું બાહ્ય જ્ઞાન લુપ્ત થઈ ગયું. હું બેભાન બની ગઈ અને મારું માથું ઠાકુરના ખોળામાં પડી ગયું. હું જ્યારે ભાનમાં આવી ત્યારે ઠાકુર મારી પીઠે હાય પસવારતા હતા. હું બોલી ઊઠી “ઠાકુર તમે કોણ છો? શું તમે ભગવાન છો? શું તમે કૃષ્ણ છો? શું તમે રામ છો? તમે કોણ છો, ઠાકુર?”ત્યારે તેમણે મને પાણી પીવાનું કહ્યું.
અનુવાદ : પ્રા. નલિની જે. જોષી
(‘વિવેક જ્યોતિ’, વર્ષ ૧૯, અંક ૪માંથી સાભાર)
Your Content Goes Here




