(અનુવાદક : કુસુમબહેન પરમાર)
આ પહેલાંના અંકમાં ત્રણ પ્રકારની રાજનીતિ અને ત્રણ ગુણોના વિવેચન અંગે સ્વામી પ્રેમેશાનંદજી મહારાજનું ચિંતન જોયું, હવે આગળ…
(પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી સુહિતાનંદજી એમ સમજવું.)
૧૩-૧૨-૫૮
મહારાજ – જેઓ આટલી વાર સુધી ઈશ્વર સાકાર છે કે નિરાકાર એવો બકવાસ કરીને ચાલ્યા ગયા તેનાથી શો લાભ થયો તે બતાવો? સાકાર, નિરાકાર વગેરે વિચાર ક્યાં સુધી છે? જ્યાં સુધી આવશ્યકતાનો બોધ ન થાય ત્યાં સુધી. આવશ્યકતાનો બોધ થતાં બજારનો ભાવ કે ભાવતાલ પૂછવાનું બંધ થઈ જાય છે. જરૂર પડે ત્યારે જે મૂલ્ય છે તે જ આપીને વસ્તુ લાવવી પડે છે. ડૂબો, ડૂબો, ડૂબો-ડૂબી જાઓ, નિમગ્ન થઈ જાઓ. ડૂબવાથી જ જાણી શકશો. ઇસ્લામ ધર્મમાં મુસ્લિમોની નિષ્ઠા જોવાયોગ્ય છે. વૈષ્ણવ ધર્મમાં પણ એવું જ છે. મનને ભીતર પ્રવેશ કરાવવાનો પ્રયાસ કરવો તે જ અસલી ઉદૃેશ છે.
બલ્બમાં ઈલેક્ટ્રિસિટી જ્યારે એવો અનુભવ કરે કે હું બલ્બ નથી પણ ઈલેક્ટ્રિસિટી છું ત્યારે એને અનુભવ થાય છે કે બધા બલ્બોમાં એક જ ઈલેક્ટ્રિસિટી છે. ત્યારે તે વિરાટ થઈ જાય છે. ત્યાર પછી જ્યારે દિવસના સમયમાં એ જ ઈલેક્ટ્રિસિટી પોતાનામાં જ રહે છે ત્યારે તે સ્વરાટ બની જાય છે. જો તમે વચ્ચે ક્યારેક ક્યારેક આવું ચિંતન કરો તો મને પ્રસન્નતા થશે. અર્થાત્ હું ચૈતન્યસ્વરૂપ સર્વવ્યાપી છું અને ફરીથી તે હું જ સમાધિમાં ‘અહં બ્રહ્માસ્મિ’ છું.
બ્રહ્મદર્શન કરવાથી શું થાય છે તે મુખે કહી ન શકાય. ત્યારે તે શું તે જ નથી થઈ જતા? શું બ્રહ્મની સત્તા રહેતી નથી? ના, તે તો નિરંતર વિદ્યમાન છે. શું અચેત બનીને? નહીં, ચૈતન્યરૂપે. ત્યારે શું તે લાકડું બનીને રહે છે? શું ત્યાં સુખદુ :ખ રહેતાં નથી? ના, ત્યાં કેવળ આનંદ છે, જરાયે નિરાનંદ નથી. આ સચ્ચિદાનંદ બીજું કોઈ નથી, તે છે ‘હું’ જ. જે ‘હું હું’ કરે છે તે પોતે જ ભૂલી ગયા છે કે તે શું છે. પંચકોષ જોડીને પોતાને આ દેહ,મન,બદ્ધિમાં સમજે છે. આ જ અહંને ફૂંકી ફૂંકીને ફુગ્ગાની જેમ ફુલાવ્યો છે. પરંતુ એક સોય ભોકવાથી ફૂટતાં જ ભડાક દઈને ક્રોધ, અહંકાર બહાર આવી જશે.
સચ્ચિદાનંદ જ ક્યારેક કૃષ્ણ અને ક્યારેક કાલીના રૂપે દેખાય છે. જ્યાં સુધી આપણે આત્મસ્વરૂપને જાણી લેતા નથી ત્યાં સુધી મનમાં અનેક પ્રકારની કલ્પના આવતી રહે છે.
૧૪-૧૨-૫૮
સેવક – બ્રહ્મનો અર્થ શો છે?
મહારાજ – એ સ્વાભાવિક છે, બાકીના આપણે બધા જાણે કે અસ્વાભાવિક છીએ. પ્રત્યેક વ્યક્તિને કોઈને કોઈ વિષયમાં ચાહના હોય છે. જે લોકો ઈશ્વરમાં સ્થિત રહે છે તેઓ પ્રિય-અપ્રિયથી મુક્ત રહે છે. એટલે તેઓ સ્વાભાવિક છે. ‘યેષામ્ સામ્યે સ્થિતં મન :’ તેઓ દેહ, મન, બુદ્ધિની ક્રિયાઓમાં આસક્ત થતા નથી અને એમને સાક્ષીરૂપે જુએ છે.
પ્રશ્ન – કોઈ કોઈ વ્યક્તિ દ્વારા આશ્રમમાં રહેવાની ઇચ્છા વ્યક્ત થાય ત્યારે મેં જોયું છે- પ્રાય : એ લોકોને ના પાડી દો છો. નિશ્ચય એનું કોઈ કારણ હશે!
મહારાજ – સંન્યાસ આશ્રમ નિ :શ્રેયસ્-ત્યાગધર્મનો આશ્રમ છે. ગૃહસ્થાશ્રમ અભ્યુદયનો આશ્રમ છે. જો ગૃહસ્થ વધારે સમય સુધી સંન્યાસીઓના આશ્રમમાં રહે તો એ લોકોની ક્ષતિ થાય છે. તેઓ જુએ છે- સાધુઓ ફક્ત ખાય-પીએ છે, ખૂબ આનંદમાં જ છે. તેઓ સાધુઓના આંતરિક સંઘર્ષ – Inner Struggle ને સમજી શકશે નહિ, એને કારણે એ લોકો ‘ઇતો નષ્ટ : તતો ભ્રષ્ટ :’ અહીંથી ગયા અને ત્યાંથી પણ ગયા- ન રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના. એ ઉપરાંત સાધુઓનું સ્તર ધીમે-ધીમે પતન પામતું રહેશે.
તે જે સજ્જન આવે છે, તેઓ આમ તો મોટી મોટી વાતો કરે છે. તે દિવસે એમણે કહ્યું કે તેઓ ખુશામતથી પીગળતા નથી. ત્યાં સુધી કે શ્રીઠાકુરની પણ તેવી ક્ષમતા નથી કે તેઓ એમને પિગાળી શકે. આના પરથી એ સજ્જનની માનસિકતા સમજાઈ જાય છે. શ્રીઠાકુરની ઇચ્છાથી બધંુ થઈ રહ્યું છે અને તે સજ્જન કહે છે કે એમની પણ ક્ષમતા નથી. કોઈએ કહ્યું કે તમે બધાને એક જ વાત કહેતા નથી. શું બધાને હંમેશાં એક જ વાત કહી શકાય ખરી! રોગીના રોગ જેમ જેમ બદલાતા જાય તેમ તેમ ચિકિત્સક પોતાની દવાઓ બદલતા નથી? બરાબર એ જ પ્રકારનું સાધુઓનું સમદર્શન છે. એ લોકો આ બધું કેવી રીતે સમજે? એટલે કહું છું કે સંસારીઓ માટે સાધુઓ સાથે વધારે હળવું ભળવું ઠીક નથી. એ દિવસે તમે જોયું નહીં, દર્શનશાસ્ત્રમાં એમ. એ.માં ઉત્તીર્ણ થયેલ પ્રોફેસરે એ નિષ્ઠાવાન બ્રાહ્મણને કહ્યું, ‘અમે લોકો તમારા જેવા લોકોથી ઉદાર છીએ. અમે લોકો ગમે તેને ભગવાનના ઓરડામાં પ્રવેશવાની પરવાનગી આપી શકીએ છીએ.’ ત્યારે મેં કહ્યું, ‘આપનો પુત્ર આપનાથી પણ ઉદાર છે, તે ભગવાનના કક્ષમાં પેશાબ, સંડાસ પણ કરી શકે છે!’
પૂજ્ય મહારાજે વિભિન્ન પ્રસંગે જે વાતો કહી હતી તેને જ ક્રમશ : સજાવીને અહીં રજૂ કરવામાં આવે છે :
૧. ઓછું ભોજન વધારે બળ. અધિક ભોજન દુર્બળ.
૨. જંગલના માર્ગે જતી વખતે એકની સાથે બીજી એક વ્યક્તિ રહે તો કુલ બે નહીં પણ ચાર થઈ જાય છે. ક ની સાથે ખ રહેવાથી ક ના મનમાં બે લોકોની શક્તિ આવે છે. તે જ રીતે ખ ને પણ બે લોકોની શક્તિ મળી રહે છે. એટલે કુલ ચાર લોકોની શક્તિ એકઠી થઈ. આને સંઘશક્તિ કહે છે.
૩. પામીને બીજાનું ધન, પિતા-પુત્ર કરે કીર્તન.
સેવક – શું આટલા વિરાટ બ્રહ્મતત્ત્વનું આપણા લોકોના જીવનમાં પાલન કરવું સંભવ છે?
મહારાજ – આપણી સામે પચાસ પ્રકારની ભોજન સામગ્રી સજાવીને રાખી છે. જો, આપણે લોકોએ કેવળ ભાત ખાઈને જ જવું પડે તો એનાથી વધારે દુ :ખની વાત બીજી કઈ હોઈ શકે?
૪. કોઈ વ્યક્તિએ એક અનાથ બાળકને ઘરના નોકર તરીકે રાખ્યો. ધીરે ધીરે નોકર પોતાના પુરુષાર્થથી ઉન્નતિ કરીને સમ્રાટ બની ગયો. એટલે કે તેણે પોતાના ‘હું’નો વિસ્તાર કર્યો.
૫. જે સમષ્ટિ ક્યારેક સચ્ચિદાનંદ છે, તે જ કયારેક મહામાયા છે. (ક્રમશઃ)
Your Content Goes Here




