૧૧
ત્યાર પછી એકવાર હું જયરામવાટી ગયો. મારી સાથે મોક્ષદા બાબુ હતા. મેં કહ્યું, “મા, હું તમારી પાસેથી જ દીક્ષા લઈશ.’ શ્રીશ્રીમાએ કહ્યું, “બેટા, તમારા લોકોના “કુલગુરુ’ છે. તમે એમની પાસેથી દીક્ષા લીધી છે.’ મેં અત્યંત વ્યાકુળ થઈને કહ્યું, “ના મા, તમારી પાસે ન આવું તો પછી હું ક્યાં જાઉં?’ મેં આ વિચારપૂર્વક કહ્યું ન હતું, અચાનક જ મારા મુખમાંથી નીકળી ગયું. શ્રીશ્રીમાએ કહ્યું, “સારુ, કાલે દસ વાગ્યે દીક્ષા થશે.’
બીજે દિવસે મારી દીક્ષા થઈ. વધુ કંઈ નહીં, શ્રીશ્રીમાએ કેવળ બે વાર હાથે ગણતરી કરીને બતાવી દીધું. મારા કુલગુરુએ જે મંત્ર આપ્યો હતો, એમાં થોડી ઘણી ઊલટ-સૂલટ કરી દીધી. તેઓ બધું જાણે છે, એની મને એ સમયે ખબર ન હતી.
સેવક – આપે સ્વામી બ્રહ્માનંદજી મહારાજને કેવી રીતે જોયા છે?
મહારાજ – શું હું એ લોકોને સમજી શક્યો છું? હું તો ત્યાં જઈને ચૂપચાપ બેઠો રહેતો. એકવાર સિલેટથી બે મિત્રોને લઈને ગયો હતો. ત્યારે મહારાજ બલરામ મંદિરમાં હતા. સાધુઓએ કહ્યું, “હમણાં દર્શન નહીં થાય.’ આ સાંભળીને ઘણું દુ :ખ થયું. થોડી ઘણી ઝાંખી પણ જોવા નહીં મળે? ખૂબ દુ :ખી મન સાથે રસ્તા પર ઊભા રહીને ઉપર તરફ જોયું તો એક આશ્ચર્યકારક ઘટના ઘટી- સ્વામી બ્રહ્માનંદ મહારાજ ઉપરથી અમારા લોકો તરફ મુખ રાખીને જોઈ રહ્યા છે, બરાબર અમારા પર જ એમની દૃષ્ટિ હતી. તે લોકો તો અંતર્યામી છે!
સેવક – આપ લોકોએ કેટલો સારો સંગ કર્યો છે!
મહારાજ – કેમ, તમારામાં પણ શું ખામી છે? તમે શ્રીશ્રીમાનાં સંતાનના છોકરા છો.
સેવક – એ ઉપરાંત શ્રીશ્રીમાના છોકરાની સાથે રહેવું. એ જ બળ-પ્રેરણાથી બધું કરું છું.
મહારાજ – શરીરને શુદ્ધ, સ્વચ્છ અને ઠીક રાખવું પડે. મનને સ્થિર રાખવું પડે, કોઈ દિશામાં વળી જાય તો નહીં ચાલે અને બુદ્ધિમાં બરાબર આવી ધારણા હોવી જોઈએ કે કેવળ શ્રીરામકૃષ્ણદેવ જ મારા કામ્ય-ઇષ્ટ છે તથા જગતની બીજી બધી વસ્તુઓ ત્યાજ્ય છે. એવું ન થવાથી દુ :ખ થશે.
શ્રીશ્રીમાને તો સમજ્યો નથી, શ્રીશ્રીમાને મારે કહેવું જોઈતું હતું કે હે મા, તમે તમારી ઇચ્છા મુજબ મને ઘડી દો. એ બધું તો કંઈ કહ્યું નહીં, મેં આટલું કહ્યું, “દીક્ષા આપો, તમને પામીશ.’ એટલે તો આટલું દુ :ખ ભોગવી રહ્યો છું, નહીં તો અમને લોકોને દુ :ખ શા માટે હોય?
૧૧-૦૬-૧૯૫૯
મહારાજ – જુઓ, બે સજ્જન આવીને મારી પથારી પર બેસી ગયા. એમાં એ લોકોનો શું દોષ? જુએ છે કે બાબુની જેમ આ વ્યક્તિ પણ સંપન્ન છે. ઓરડામાં સેવક છે, ઘણા લોકો છે, ગાદી-તકિયા, માલ-સામાન વગેરે પણ છે. એ લોકો તો બાબુ જ સમજવાના ને. જો તમે ભલા લોકો સાથે હળતા-મળતા રહો, તો તમને અનુભવ થશે કે સંધ્યા સમયે એકલા બેસવાની ઇચ્છા નહીં થાય.
લોકોની વિભિન્ન પ્રકારની રુચિઓ હોય છે-
આશ્રમમાં રુચિ- કોઈને કોઈ એક આશ્રમ વધારે પસંદ હોય છે.
વેશ(વસ્ત્ર)માં રુચિ- સાધન-ભજન નહીં, કેવળ ભગવાં કપડાં પહેરવામાં જ આનંદ છે.
ધર્મમાં રુચિ- ધર્મની વાતો કહેતાં કહેતાં ભ્રમણ કરવામાં રુચિ.
કર્મમાં રુચિ- એક સારા કર્મી અને સેવકના રૂપે પ્રસિદ્ધિ મેળવવાની ઇચ્છા છે.
મઠની નિયમાવલીમાં જે ચાર યોગની વાત છે, કોઈ કોઈની વ્યાખ્યા આવી છે કે સંઘમાં કેટલાક કર્મી હશે, કેટલાક જ્ઞાની હશે, વળી કેટલાક યોગી તેમજ ભક્ત હશે. એટલે તો હું આટલું કહું છું કે ના(એમ નહીં), ચારેય એક યોગ છે.
બે ગુરુ હોય છે – દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ, આપણા લોકોને સંઘગુરુ મંત્રદીક્ષા આપે છે, શિક્ષા કે ઉપદેશ આપવો એ મહંત લોકોની જવાબદારી છે. ચૈતન્ય દેવે રઘુનાથને વેશ આપીને સનાતનની પાસે મોકલ્યો હતો. “કરણ-કર્મ, કારણ શીખવા માટે.’
૨૧-૦૬-૧૯૫૯
સેવક – આ ચિત્રમાં(જેમાં હૃદયરામે શ્રીઠાકુરને પકડી રાખ્યા છે) જોવા મળે છે કે ઠાકુરજીના દાંત પડ્યા નથી. માત્ર દાંતોની વચ્ચે થોડું અંતર વધારે છે.
મહારાજ – મેં પણ રામલાલજીનાં ફોઈને પૂછ્યું હતું. એમણે કહ્યું હતું કે દાંત પડ્યા નથી. આ બધા તૂટ્યા-ફૂટયા દાંતને લઈને રહેવાથી શું થાય? અસલ વાત એ છે કે તેઓ જે કહેવા ઇચ્છે છે તેને જાણવું અને તેમના તત્ત્વને સમજવું.
બપોરે શ્રીઠાકુરજીના હસ્તાક્ષરની ચર્ચા થવા લાગી.
મહારાજ – મહિરાવણ નાટક શ્રીઠાકુરજીના હાથે જ લખાયું છે. એ લખાણના અક્ષર સંસ્કૃત જેવા છે. હું જ્યારે પોતાના ઘરે હતો, ત્યારે એ બધાં લખાણોને સારી રીતે જાણતો હતો. એક સંન્યાસીએ મને જુદાં જુદાં સ્થાને જે અક્ષર સમજાતો ન હતો, તેને લખીને દેવાનું કહ્યું.
૪-૭-૧૯૫૯
મહારાજ – ઘણા દિવસોથી ઇચ્છા હતી કે “ઉદ્બોધન’ પત્રિકામાં કોઈ નિદ્રા વિશે નિબંધ લખે. નિદ્રા અર્થાત્ આ શરીર, મન અને બુદ્ધિને ભૂલી જવાથી જ શાંતિ મળે છે. આ સામાન્ય જગતમાં આખો દિવસ આપણને આ શરીર, મન અને બુદ્ધિની સાથે કામ કરતાં કરતાં જ્યારે વધારે સારું લાગતું નથી, ત્યારે નિદ્રા આવીને દેહ, મન અને બુદ્ધિને બધું ભુલાવી દે છે અને આપણે પરમ તૃપ્તિ સાથે નિદ્રામાં મગ્ન થઈ જઈએ છીએ. અર્થાત્ મૂળ ઉદ્દેશ્ા શાંતિ મેળવવાનો છે અને એનો ઉપાય છે શરીર, મન અને બુદ્ધિને ભૂલી જવાં. આશ્ચર્ય! આપણે પ્રત્યેક દિવસે એનો સ્વયં અનુભવ કરીએ છીએ, છતાં પણ કોઈપણ આંતરિક શાંતિ ઇચ્છતું નથી. ઉપનિષદમાં કહ્યું છે – “અહરહ : બ્રહ્મ ગમયતિ’. અજ્ઞાનથી આવૃત હોવાને કારણે સુષુપ્તિમાં આનંદ મળવાથી પણ તેનંુ જ્ઞાન રહેતું નથી.
૫-૭-૧૯૫૯
મહારાજ – જુઓ! તમે લોકો શ્રીરામકૃષ્ણ પુરાણ વાંચતા હતા. મને ઘણો આનંદ થતો હતો. તમે લોકોએ આજે જટાધારી વિશે વાંચ્યું હતું. આપણાં મંદિરોમાં ઇશુખ્રિસ્ત, શ્રીકૃષ્ણ, શ્રીમા કાલી, બ્રહ્મ, સાકાર અને નિરાકાર ભલે ગમે તેનું ભજન કેમ ન ગાઈએ પણ આપણને અજુગતુ લાગતું નથી. કારણ કે આપણે લોકો જાણીએ છીએ કે પ્રત્યેક એક એક ગોળ છેદ(બાકોરું) છે, બધા એક એક અવતાર છે, એની પાછળ અનંત સચ્ચિદાનંદ રહેલા છે. પરંતુ જટાધારી આ વાતને જાણતા ન હતા. તે સાધના કરતાં કરતાં સાકાર મૂર્તિ સુધી પહોંચ્યા હતા. તેઓ મૂળ વસ્તુને જાણી ન શક્યા. તેઓ જાણતા ન હતા કે તેના રામલાલા અખંડ નિત્ય સંગી છે. એટલે તેમને પૂર્ણજ્ઞાન માટે શ્રીઠાકુર પાસે આવવું પડ્યું હતું.
ત્યારે એક ભિખારણ નજરે પડી. તેનાં વસ્ત્ર ફાટેલાં હતાં.
મહારાજ – અરે, સ્વતંત્ર ભારતની નારી હોવા છતાં પણ ભિક્ષાનું પાત્ર લઈને અહીંતહીં ઘૂમવું પડે છે, તે જોવાતું નથી. (ક્રમશ 🙂
Your Content Goes Here




