(અનુવાદક : કુસુમબહેન પરમાર)

( ગયા અંકમાં સંન્યાસી થયા પછી પૂર્વાશ્રમ સાથે સંબંધ રાખવા વિશે તેમજ ઠાકુરે બધું કર્યું છે, એ ભાવના વિશે વાંચ્યું, હવે આગળ….)

૨૬-૦૩-૧૯૫૯

પૂજ્ય પ્રેમેશ મહારાજ સેવકને ઉદ્દેશીને કહે છે : આ પાકું કરી લે તો-

(૧) શ્રી રામકૃષ્ણ મારા માટે કોણ ? (જ્ઞાન) (૨) તેમની સાથે મારો નિત્ય સંપર્ક (યોગ) (૩) તેમના પ્રત્યે ખેંચાણ-આકર્ષણ થવું (ભક્તિ) (૪) તેમના પ્રેમ માટે કાર્ય કરવું ( કર્મ).

શરીર જે દિવસે ખરાબ હોય તે દિવસે જગત દુ :ખમય લાગે. જે દિવસે(શરીર) સારું હોય, ત્યારે બધું જ સારું લાગે એટલે કે medium- માધ્યમ સારંુ રહે તો સારું લાગે. શરીર medium- માધ્યમ છે, હું દૃષ્ટા. શરીર યંત્ર, જે જોઉં, અનુભવું- એ બધું mechanical process- યાંત્રિક પ્રક્રિયા છે.

૦૪-૦૪-૧૯૫૯

(સેવકને ગીતા વાંચતા જોઈને)

મહારાજ – કોઈ ગીતા વાંચે તો હું આનંદથી અભિભૂત થઈ જાઉં છું, કારણ કે ગીતા છે- માત્ર વિજ્ઞાનની વાત. કોઈપણ સભ્ય સમાજ ગીતામાંથી અનુપ્રેરણા લઈ શકે. ગીતામાં માનવજીવનની વાત છે. આ ગ્રંથ બધાએ વાંચવો જોઈએ. કોઈપણ સંપ્રદાયના લોકોને ગીતા વાંચવામાં દ્વિધા ન થવી જોઈએ.

૦૬-૦૪-૧૯૫૯

મહારાજ મોટે ભાગે શાંત રહે છે, વચ્ચે વચ્ચે બોલે છે : આ ઝાડપાન, પશુ-પક્ષી, જીવજંતુ, માણસ એકે એકને જોઉં છું અને હૃદયમાં દુ :ખ થાય છે કે આ બધાંને હજુય જન્મજન્માંતર સુધી આ સંસારમાં આવવું પડશે. પણ એ બધાં મજામાં છે. જેટલા પ્રકારનાં જીવ, વૃક્ષવેલી વગેરે જોઉં છું એ બધાં બહારથી જીવ, પરંતુ પ્રત્યેક એક ચિત્તકણિકા છે. એ ચિત્ત પોતાના શરીરમાં બધાં દેહ ઓઢીને એક એક રૂપના માધ્યમ દ્વારા ડોકિયું કરે છે.

૧૧-૦૪-૧૯૫૯

સેવક – મુક્તિલાભ વિષય શું છે ?

મહારાજ – મુક્તિ છે જ, એને મેળવાય નહીં. જે મળે તે પાછું ખોવાઈ જાય, તેથી મુક્તિ છે. રામકૃષ્ણલોક ભુ :, ભુવ :, સ્વ :, મહ :, જન, તપ, અને સત્યની પણ ઉપર છે. ત્યાં ચેતનામય અવસ્થા. ચિન્મય શ્યામ, ચિન્મય ધામ.

મહારાજની તબિયત ખૂબ જ ખરાબ છે. એક યુવક આવ્યો છે. Int. પરીક્ષા આપવી છે, તેથી તે અહીં છે. તે સંઘમાં જોડાશે. મહારાજ તેને જાત જાતનો ઉપદેશ આપે છે. ખાસ કરીને જ્ઞાન, કર્મ અને ભક્તિ યોગના સમન્વયની વાત કરે છે.

સાંજે રસ્તા પર ફરતાં ફરતાં મહારાજે એક ખેડૂત જમીન ખેડે છે તેને બતાવીને કહ્યું,‘તમે શું આ ખેડૂત અને મારી વચ્ચે તફાવત જોઈ શકો છો? મારામાં અને ખેડૂતમાં લેશ માત્ર તફાવત નથી. હું intellectually બુદ્ધિપૂર્વક જાણું છું કે હું આ દેહ-મનનો સાક્ષી છું. પરંતુ પેલો ખેડૂત એ જાણતો નથી. હું રસ્તો જાણું છું અને મારા હાથમાં guidebook-પથદર્શિકા છે. પરંતુ એ ખેડૂત કોઈ પંડાને પકડીને પહેલાં જ પહોંચી જશે. તેથી કહું છું કે આત્મચિંતન કે ઇષ્ટચિંતન કરવું પડે. પરોપકાર કરવાનો કે માન પામવાનો હેતુ નથી. હેતુ તો મુક્તિ છે- પોતાને દેહ-મન-બુદ્ધિની પેલે પાર લઈ જવું. એવું જોવા મળે છે કે જે ઈશ્વરમાં જેટલું મન લગાડે તેટલો તે સારો સાધુ થાય. હર પળે જોતાં રહેવું કે મનમાં બીજો કોઈ નકામો વિચાર ન આવે. હર પળે એક જ વિચાર-હું દેહ, મન, પ્રાણનો દૃષ્ટા એમ ન બને તો શ્રીઠાકુરની લીલાનું ચિંતન કરવું અથવા ચૈતન્યદેવના જીવનનું ચિંતન કરવું. ભક્તોની મહેનતની કમાણીના પૈસાથી આપણી સેવા થાય છે. એ પૈસાનો વ્યય કરવો નહીં, એમ વિચારીને તે ધન વાપરવું જોઈએ.

૨૧-૦૪-૧૯૫૯

મહારાજ – જુઓ ભાઈ, જેટલું ચારે તરફ જોઉં છું તેટલું એ વધારે સમજાય છે કે શા માટે સ્વામીજી ચાર યોગનો સમન્વય કરવા ઇચ્છતા હતા. જ્ઞાન, કર્મ, ભક્તિ, યોગ એ ચારેય એક. જ્ઞાન દ્વારા જાણ્યું કે ઈશ્વર કોણ છે. જાણે ઉપરનું ઘર ઈશ્વર. એટલે ઉપર ઊઠવું પડે. કઈ રીતે જવાય? સીડી દ્વારા, પગથિયાંની મદદથી- આકર્ષણ ન હોય તો કઈ રીતે જવાય? તેથી ભક્તિ જોઈએ. ભક્તિમાં જવા આકર્ષણનો અનુભવ કરશો અને ઈશ્વરની પાસે જવા જેટલા પ્રયત્નો કરશો, તે કર્મ. એક શ્લોકમાં કહ્યું છે, ‘અંત : શૈવ બહિ : શાક્ત : સભ્યામ્ વૈષ્ણવો ભવ, નાના રૂપધરા : કોલા : વિચરન્તિ મહી તલે.’ રામકૃષ્ણના ભક્તગણ આ પ્રકારના હશે- ભીતરમાં જ્ઞાન, શાક્તોની જેમ તેજસ્વી, સમાજમાં વૈષ્ણવોની જેમ વિનયી, શાંત, સુમધુર, સુવ્યવહારી છતાંયે પવિત્ર ચારિત્ર્યવાળા.

સેવક – બંગાળી કથામૃતના પાંચમા ખંડમાં માસ્ટર મહાશયની કેટલીય રચના છે. તેનો ઉદ્દેશ શો છે ?

મહારાજ – કથામૃત ઠાકુરનું છે. પરંતુ ‘શ્રીમ.’ એ તેમાં પાંચમા ખંડમાં પોતાની રચના ભેળવી છે. તેમની માન્યતા પ્રમાણે ઈશ્વરલાભ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કર્મ કરવંુ યોગ્ય ન કહેવાય. પરંતુ એ તો બહુ ઉચ્ચ આધારની વાત થઈ. આપણે તો ક્ષુદ્ર આધાર. આપણે તો કામ કરવંુ પડે. કામ કરતાં કરતાં ઈશ્વર તરફનું આકર્ષણ અનુભવી શકાય.

સેવક – ત્યાગી અને સંન્યાસી વચ્ચે કયો તફાવત છે?

મહારાજ – ત્યાગી- મન્ટુના પિતાએ સંસારની બધી ફરજો બજાવી-શ્રાદ્ધ, તર્પણ, યાગ વગેરે, પરંતુ અનાસક્ત થઈને; તેથી મૃત્યુ સમયે ઈશ્વર દર્શનનાં લક્ષણ જોવા મળ્યાં. હું સંન્યાસી- મારે કોઈ કર્તવ્ય કર્મ નથી.

૨૭-૦૪-૧૯૫૯

એક અપરિણીત સજ્જન ઓફિસમાં એક સેવાનું કામ કરતા. તે દિવસોમાં કવર-પોસ્ટકાર્ડ મેળવવામાં સારો એવો સમય લાગતો. બધાનો ઉપકાર કરવાના હેતુથી તે એક બોક્સમાં વીસ રૂપિયાનાં કવર-પોસ્ટકાર્ડ લઈને રાખતા. તેમને એક દિવસ આવો પ્રશ્ન કોઈકે પૂછ્યો,‘આપને શું પૂરતા પૈસા પાછા મળે છે ?’ મજાના હાસ્ય સાથે તેમણે કહ્યું,‘એવું કદી બને ખરું ?’ આ સાંભળીને પૂછ્યું,‘એ માટે આપના મનમાં શું દુ :ખ ન થાય?’ સજ્જને કહ્યું,‘દુ :ખ શા માટે થાય? હું તો એમ માનીને ચાલું છું કે કંઈ મળશે જ નહીં. એટલે જે મળે તે લાભ.’ તેમને પોતાની નોકરીમાં એક ઓફર-દરખાસ્ત આવી- એકી સાથે પૈસા ઉપાડી લેવા અથવા પેન્શન લેવું. તેમણે એ વિશે પ્રેમેશ મહારાજને પૂછ્યું. એટલે મહારાજે કહ્યું,‘તમે સીધાસાદા માણસ છો. બધા ભેગા થઈને તમને છેતરીને રૂપિયા લઈ લેશે અને રૂપિયાના લોભે તમારી ચારે બાજુ કેટલાય લોકો ભેગા થશે. સાથે ને સાથે તમારો સમય બગાડશે. એટલે તમે પેન્શન સ્વીકારો. અને ઉદયાસ્ત જપ-સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જપ કરો. પછી મહારાજના મુખેથી સાંભળ્યું હતંુ કે એ સજ્જન પ્રત્યેક રવિવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી એક આસન પર બેસીને જપ કરતા. ભલે એમને ખાસ વિશ્વાસ ન હોય તો પણ મહારાજના આદેશનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા.

મહારાજ – તે ભલે કહે કે મને અપરોક્ષ અનુભૂતિ થઈ છે, પરંતુ હું તે વાતનો સ્વીકાર કરતો નથી. સાચી વાત એમ છે કે પિતા પાસેથી લંડનની વાતો સાંભળતાં સાંભળતાં એમ થયું કે હું પણ લંડન ફરી આવ્યો છું. એ જ રીતે શાસ્ત્રવિચાર કરતાં કરતાં હું કોઈ સાધકને આત્મજ્ઞાન એટલે શું એ સમજાવી શકું. ચિત્ત શું છે? ચિત્ત તો એ જ છે કે જે ‘હું’, ‘હું’ કરે છે. બધા જીવ એ જ તો ચિત્ત. બ્રહ્મજ્ઞાન થાય ત્યારે શું કોષો એક પછી એક ખુલ્લે? એ તો જાણે કે હજાર હજાર વર્ષોના અંધકારમાં ધપ દઈને પ્રકાશ પડવા જેવું-સ્પષ્ટ દેખાય- ‘હું’ એ જ દેહ-પ્રાણ-મન-બુદ્ધિ કરતાં અલગ. (ક્રમશ 🙂

Total Views: 407

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.