(અનુવાદક : કુસુમબહેન પરમાર)
( ગયા અંકમાં આપણે શ્રીરામકૃષ્ણ પરમહંસના સ્વરૂપની અનન્યતા વિષયક એક અનોખું વિશ્લેષણ જોયુંં, હવે આગળ….)
૧૯-૦૫-૧૯૫૯
સવારના ૧૦.૩૦ વાગ્યા છે. એક વ્યક્તિ ઠાકુરને ભોગનિવેદન કરી રહ્યો છે.
મહારાજ – આ બધામાં કેટલીય વાર પૈસાનો વ્યર્થ વ્યય થાય છે. એને ગરીબોમાં વહેંચી દેવાય તો શું શ્રીઠાકુરજી રાજી નહીં થાય ? શું એનાથી એમનું ભોગનિવેદન નહીં થાય ?
એમણે જ તો કહ્યું છે, ‘અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત :’
સેવક – મહારાજ, આપણે લોકો જેવી રીતે ચાલી રહ્યા છીએ, શું એનાથી કોઈ સમસ્યા આવી શકે ખરી?
મહારાજ – સાધુ-જીવનમાં ઘણું સાવધાન રહેવું પડે છે. બધું ઘણું સારું ચાલે છે એવું લાગે, પરંતુ ધીરે ધીરે બંધનમાં પડી જાય છે અને ભગવાન પાછળ રહી જાય છે! આપણા માટે ચારે તરફ સંકટ છે. તે હંમેશાં આપણને ખોટા માર્ગે લઈ જવાનો પ્રયત્ન કરે છે. આમ છતાં પણ એ પણ સાચું છે કે આપણી અંદર વિચાર-બુદ્ધિનો ભંડાર છે. જો આપણે ‘ધીયો યો ન : પ્રચોદયાત્’ ની પ્રાર્થના કરીએ તો તેઓ આપણને કોઈ હાનિ કરી શકતા નથી.
સેવક – શાસ્ત્રોમાં એવાં ઘણાં પ્રમાણ મળે છે કે કેવળ ભક્તિ દ્વારા જીવન ઉન્નત કરી શકાય છે. પરંતુ આપ વારંવાર ચાર યોગની વાત કેમ કરો છો?
મહારાજ – કેવળ ભક્તિ કે ઉપાસના દ્વારા ઈશ્વર પ્રાપ્તિ કરવી ઘણી કઠિન છે. ગોપાલની માને થઈ હતી. કદાચ પૂર્વજન્મોના સંસ્કારોને કારણે એમનું ચિત્ત શુદ્ધ થઈ ગયું હતું. આપણે પણ પહેલાં ચિત્તને શુદ્ધ કરવું પડશે, ચિત્તશુદ્ધિ થયા પછી આપણે ઈશ્વર-સાન્નિધ્ય, ઈશ્વરની સાથે એકાત્મ બોધ કરીશું. સર્વદા જ્ઞાન-વિચાર દ્વારા પોતાનાં શરીર-મન-બુદ્ધિને શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરતાં કરતાં આપણાં ચિત્ત શુદ્ધ થઈ જશે, ત્યારે ઈશ્વર પ્રત્યે પ્રેમ જાગશે.
૨૨-૦૫-૧૯૫૯
મહારાજ – ઠાકુરજીનું ધ્યાન કરવાની ત્રણ વિધિઓ છે.
૧. રૂપ- એમનાં આંખો, નાક, મુખમંડળ, કેશ, વસ્ત્ર, ખેંચાયેલી આંખો, મહાપુરુષો જેવા હાથ, પગની સંરચના વગેરે. કાન આંખોની નીચે છે.
૨. લીલા- નાના ગદાઈથી માંડીને ધીરે ધીરે અંત્ય -લીલા પર્યંત.
૩. તત્ત્વ- તે કોણ છે ? તે જાણવું.
ધ્યાન કરતાં પહેલાં ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી ચિંતન કરવું કે હું દેહ નથી, મન નથી એવં બુદ્ધિ નથી. જો દરરોજ આવું કરી શકશો તો બચી જશો.
સેવક – પરંતુ જે લોકોને અપરોક્ષ અનુભૂતિ થઈ ચૂકી છે, એમને આપણે કેવી રીતે ઓળખીશું ?
મહારાજ – જે લોકો એ વિશે ઘણી ચર્ચા અને ચિંતન કરે છે તે લોકો સમજી શકે છે.
સેવક – આપનો વિશ્વાસ તો પાકો છે. જેમ લંડનની વાત સાંભળીને લંડનમાં ફરી આવ્યા જેવું કહી શકાય છે. આપ બતાવો કે આપણા સંઘમાં કેટલા સાધુઓને અપરોક્ષ જ્ઞાન થયું છે ?
મહારાજ – હું નથી જાણતો, એ બધું બહારથી જોઈને કહી ન શકાય.
સેવક – (અપરોક્ષ જ્ઞાન) થયું છે એવા કોઈ વ્યકિતને આપ સમજી શક્યા છો ?
મહારાજ – એ બહારથી સમજી ન શકાય. ઘણા લોકોને ધારણા થઈ ગઈ હોય છે.
સેવક – સારું મહારાજ, શ્રી ઠાકુરે તો ક્યાંય નથી કહ્યું કે ચાર યોગ શું છે ?
મહારાજ – એમના જીવનને જુઓ. એમણે ‘સચ્ચિદાનંદ કૃષ્ણ, મનકૃષ્ણ અને પ્રાણકૃષ્ણ’ એ બધું કહ્યું છે, આ જ્ઞાન છે. વળી ‘હરિ હે’, ‘મા દર્શન દો’ કહીને આંખમાંથી આંસુ વહાવે છે, આ છે ભક્તિ. સમાધિમાં જઈ રહ્યા છે, આ યોગ છે. વળી આ જ વાત લોકોના ઘરે ઘરે જઈને પોતે જ એમને સંભળાવે છે, આ છે કર્મ.
શ્રીઠાકુરે જે કહ્યું છે તે બધું ‘શ્રીરામક્ૃષ્ણ કથામૃત’માં નથી. એ ઉપરાંત એમણે પ્રચલિતનો જરાય નાશ કર્યો નથી. ત્યાં સુધી કે કાલીમંદિરના બ્રાહ્મણો ઉપપત્નીઓના ઘરમાં પ્રસાદ આપતા હતા, એ જાણવા છતાં એ લોકોનોે બ્રાહ્મણના રૂપે સ્વીકાર કર્યો છે. એમણે પ્રચલિત જ્ઞાન, કર્મ, ભક્તિ તથા યોગ આ બધાનો સ્વીકાર કર્યો છે. સ્વામીજી તો શ્રીઠાકુરજીની વ્યાખ્યા છે. સ્વામીજીની અંદર શ્રીઠાકુરજીએ પ્રવેશ કર્યો છે. આપણે લોકો શ્રીઠાકુર, શ્રીશ્રીમા અને સ્વામીજીને અલગ અલગ જોતા નથી. તેઓ આપણી ત્રિમૂર્તિ (ત્રિદેવ) છે. છતાં પણ જુઓ તો ખરા, જ્ઞાન થવાથી ભક્તિ થશે, ભક્તિ થવાથી યોગ એની મેળે જ થઈ જાય છે અને યોગ થવાથી એમની પ્રસન્નતા માટે કર્મ કરવું જ પડશે.
પ્રશ્ન – શું શંકરાચાર્યજીમાં ચારેય યોગ હતા ?
ઉત્તર – હા, શંકરાચાર્યજી તો જ્ઞાની અને યોગી હતા. એમને બૌદ્ધો સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો. બૌદ્ધ લોકો તાર્કિક હતા. એટલે એમણે જ્ઞાન માર્ગને સર્વશ્રેષ્ઠ નિરૂપિત કરવો પડ્યો. શંકરાચાર્ય દ્વારા મંદિર અને દેવ પ્રતિષ્ઠા તથા એમના દ્વારા રચિત સ્તવ-સ્તોેત્ર વાંચી જુઓ, તેઓ કેટલા મહાન ભક્ત હતા ! શ્રીઠાકુરે કહ્યું છે કે હાથીના દાંત બે પ્રકારના હોય છે, એવી જ રીતે એમનામાં અને ચૈતન્યદેવમાં ભીતર જ્ઞાન અને બહાર ભક્તિ હતાં.
સેવક – શું તોતાપુરીમાં ચાર યોગ હતા ?
મહારાજ – તોતાપુરીમાં પણ ચાર યોગ હતા, પરંતુ તેઓ જાણતા ન હતા એટલે એમને શ્રીઠાકુર પાસેથી શીખવું પડ્યું.
૨૫-૦૫-૧૯૫૯
શિલોંગથી બે બ્રહ્મચારીને સૌમ્ય મહારાજે મોકલ્યા છે. (એમાંથી એક પછીથી પૂજ્ય સ્વામી પ્રમેયાનંદ બન્યા, તેઓ આપણા સંઘના સહાધ્યક્ષ હતા અને બીજા અમેરિકામાં છે- સ્વામી ભાસ્કરાનંદ.) સાંજે વરંડામાં ચાલતાં ચાલતાં મહારાજ તેમને કહે છે, ‘જુઓ, જેમ કે ગણિત, ગણતાં ગણતાં ગણિતમાં રસ પડે છે, તેમ ઈશ્વરની કથાને વારંવાર વાંચવાથી અનુરાગ, પ્રેમ ઊપજે છે. પરંતુ એવું જોવા મળે છે કે ઘણા લોકો જ્ઞાનની બહુ વાતો વાંચતાં વાંચતાં, વાચનથી જ એક પ્રકારનો આનંદ મેળવવા લાગે છે અને મૂળ ઉદ્દેશ ભૂલીને તેમાં જ ફસાઈ જાય છે.
જો નાનપણથી ‘આત્મવિકાસ’નો બીજો ભાગ ભણાવવામાં આવે તો ઘણાં દુ :ખોનો નાશ થાય. અને જેટલાં દુ :ખો છે તે બધાં તો વાસનાથી ઊભાં થાય છે, તેથી – ‘વિહાય કામાન્ ય : સર્વાન્’.
બ્રહ્મચારી – અમારે કેવળ કામ જ કરવાનું! કામ, કામ ને કામ! ઈશ્વરને જાણ્યા વગર કામની શી કિંમત?’
મહારાજ – ઈશ્વરને જાણવા તે બહુ દૂરની વાત, કામ કરવું જોઈએ. કામ નહીં, પણ સેવા કહે. આપણે પ્રત્યેકની ઈશ્વરભાવે સેવા કરીશું, નહીં તો આસક્તિ આવી પડે. આ રીતે કામ કરવાથી કોઈ ત્રુટિ નહિ આવે. (ક્રમશ 🙂
Your Content Goes Here




