रेवा तटे तप: कुर्यात् मरणं जाह्नवी तटे ॥
નર્મદા તટે(રેવા તટે) તપશ્ર્ચર્યાની મહત્તા ગણાય છે અને ગંગાકાઠે મરણનો મહિમા છે.
આ લેખમાં ઓમકારેશ્ર્વર તીર્થનો મહિમા જોઈશું.
નર્મદામૈયાના ઉત્તર તટે ચ્યવન મુનિના આશ્રમ પાસે બે મરાઠી નર્મદા પરિક્રમાવાસીઓએ નર્મદા પરિક્રમા અંગે ઘણું માર્ગદર્શન આપ્યું અને દુર્લભ સૂચનો કર્યાં તે ગતાંકમાં આપણે જોયું. તેથી બીજે દિવસે ઇન્દોર થઈ સીઝન કંપનીની ટકાઉ અને ખભાની મદદથી પાછળ રહી શકે તેવી ટ્રેકીંગવાળી બેગ,
સ્લીપીંગ બેગ અને સેન્ડલ વગેરે લીધાં.
હવે ઓમકારેશ્ર્વર બાબાની વિશેષ પૂજા અને ક્ધયા ભોજન. ઓમકારેશ્ર્વર તીર્થના અધિષ્ઠાતા દેવ ઓમકારેશ્ર્વર મહાદેવ છે, માંધાતા પર્વત પર મંદિરમાં શિવલિંગરૂપે બિરાજમાન છે.
ૐકાર – માંધાતાના આ પ્રાચીન, પવિત્ર તીર્થક્ષેત્ર વિશે એક પૌરાણિક કથા છે :
ઇક્ષ્વાકુ વંશનો રાજા યુવાનાશ્ર્વ સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી વનમાં તપશ્ર્ચર્યા કરવા ગયો. વનવાસ દરમિયાન એકવાર એ ભૃગુ ઋષિના આશ્રમમાં પણ ગયો. રાત્રે એને બહુ તરસ લાગી. યજ્ઞમંડપમાં સ્થાપિત ચરુનું મંત્રિત જળ રાજા પી ગયો. ભૃગુ ઋષિને આની જાણ થઈ ત્યારે તેમણે કહ્યું, ‘હે રાજા, ચરુનું મંત્રિત જળ તેં પી લીધું છે એથી તને ગર્ભ રહેશે. તું પુત્રને જન્મ આપીશ.’ થયું પણ એવું. સમય જતાં રાજાને ગર્ભ રહ્યો અને પુત્ર અવતર્યો. પુત્રને પાવા માટે દૂધ ક્યાંથી લાવવું એની ચિંતા રાજાને થઈ. તરત જ ત્યાં ઇન્દ્રદેવ પ્રગટ થયા અને કહ્યું, ‘मा धास्यति અર્થાત્ મને ધાવશે.’ ઇન્દ્રદેવે પોતાની આંગળી એના મોઢામાં મૂકી. ઇન્દ્રદેવે કહેલ શબ્દસમૂહ પરથી એ બાળકનું નામ માંધાતા પડ્યું.
એ માંધાતા સમય જતાં મહાન દાનવીર, રણવીર અને શ્રદ્ધાળુ રાજા થયો. આગળ જતાં એણે વર્તમાન ૐકારે માંધાતાના સ્થળે ૐકાર સ્વરૂપ શિવજીની આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા અને વરદાન દીધું. તે અનુસાર ભોલેબાબા ૐકાર- માંધાતામાં વસી ભક્તોનું કલ્યાણ કરે છે.
હિંદુઓનાં પરમ પવિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગોમાં ૐકારજીની ગણના છે. બીજી કથા અનુસાર વિંધ્યપર્વતે પોતાના આધિદૈવિક સ્વરૂપે અહીં તપશ્ર્ચર્યા કરી હતી. ૐકાર યંત્રમાં પાર્થિવલિંગ પ્રતિષ્ઠિત કરીને વિંધ્ય પર્વતે આરાધના કરી હતી. આથી શિવજી પ્રસન્ન થઈ પ્રગટ્યા હતા અને ભક્તોના કલ્યાણ માટે અહીં વસવાનું વરદાન દીધું હતું. અહીં બે લિંગ પ્રગટ્યાં હતાં. ૐકાર યંત્રથી ઓમકારેશ્ર્વર અને પાર્થિવને સ્થાને અમરેશ્ર્વર લિંગ ઉત્પન્ન થયું હતું. દ્વાદશ જ્યોતિર્લિંગની ગણનામાં આ બે લિંગને એક ગણવામાં આવે છે. દ્વાદશ જ્યોતિર્લિંગનાં નામ નિર્દેશ કરતા શ્ર્લોકમાં ॐकारममलेश्वरम्’ની સંધિમાં ‘ॐकारम् અને अमलेश्वरम्’કરતા ઘણા લોકો ૐકાર અને મમલેશ્ર્વર એમ બે નામ છૂટાં પાડી ઓળખે છે. અમલેશ્ર્વરના મંદિર પર પણ આરસની તક્તીમાં મમલેશ્ર્વર નામ વાંચવા મળે છે.
માંધાતા પહાડની પૂર્વમાં કાવેરી નદી નર્મદાજીને મળે છે. પણ કહેવાય છે કે એનું જળ નર્મદાજીની ધારામાં મળી જઈ અલગ પડી જાય છે અને કાવેરીની ધારા માંધાતા પહાડની ઉત્તરે વહી આગળ વધે છે. પહાડી પૂરી થયા પછી એ ધારા ફરી નર્મદાજીમાં મળી જાય છે. કહેવાય છે કે દક્ષિણ તટ પર તથા સંગમમાં કાવેરીનું નામ લઈ નાળિયેર છોડવામાં આવે તો નાળિયેર કાવેરીની ધારામાં જ વહે છે અને માંધાતા પહાડની ઉત્તરે ચાલ્યું જાય છે.
આમ, માંધાતા પહાડની ઉત્તરે કાવેરી અને દક્ષિણે નર્મદા વહે છે અને માંધાતા પહાડની પશ્ચિમે ફરી સંગમ થાય છે. માંધાતા પહાડ દ્વીપ છે. નર્મદા અને કાવેરી એમ બન્ને ધારાની વચ્ચે માંધાતાની પહાડી આવેલી છે. પહાડી ઉપર પૂર્વ તરફ દક્ષિણના ઢોળાવ પર ૐકારેશ્ર્વર શિવલિંગ પ્રતિષ્ઠિત છે. તેથી આ પહાડીને શિવપુરી કહેવાય છે. કાવેરી-નર્મદા જળની જલેરી અને વચ્ચે પહાડરૂપી શિવલિંગ પ્રતિષ્ઠિત થયું છે તેથી જ ઓમકાર-માંધાતાનું સ્થાન નર્મદાજીનું યોનિસ્થાન કહેવાય છે. નર્મદા ખંડમાં નર્મદા-કાવેરીનો મહિમા અનેરો છે.
सर्वत्र सुलभां रेवा त्रिस्थानेषु दुर्लभा ।
ओमकारेश्वरे, भृगुक्षेत्रे च रेवोरि संगमे ॥
નર્મદાજી સાથેના સંગમોમાં ઓમકારેશ્ર્વરનો કાવેરી સંગમ, ભરૂચ પાસે સમુદ્ર-નર્મદા સંગમ તથા ચાણોદ કર્નાળી વચ્ચેના ઓર નદી અને નર્મદાજીના સંગમનું વિશેષ મહાત્મ્ય છે.
આમ, માંધાતા દ્વીપ-શિવપુરી ક્ષેત્રમાં ઓમકારેશ્ર્વર શિવલિંગ છે. તેમની સામે જ દક્ષિણ તરફ પૂર્વથી પશ્ચિમમાં વહેતાં નર્મદામૈયાના દક્ષિણ તટે અંત:સ્ત્રાવી કપિલા નામની એક નાની જળધારા વહે છે અને ગૌમુખ દ્વારા નર્મદાજીમાં જઈ મળે છે. આ સ્થળનું નામ કપિલાસંગમ છે. અહીંથી દક્ષિણે થોડે દૂર અમલેશ્ર્વર કે મમલેશ્ર્વરનું મંદિર છે. એ પ્રાચીન છે. હોલ્કર રાજ્ય તરફથી અહીં પ્રતિદિન પાર્થિવ પૂજા થતી આવે છે.
ઓમકારેશ્ર્વર તીર્થક્ષેત્રમાં જનાર દર્શનાર્થી જોઈ શકે છે કે ભાવિકજનોની ભીડ શિવપુરીના ઓમકારેશ્ર્વર મહાદેવ પાસે વિશેષ રહે છે. અમરેશ્ર્વર કે મમલેશ્ર્વરની જાણે તદ્દન ઉપેક્ષા થતી જણાય છે. એક કારણ એ પણ હોય કે નર્મદાજી અને કાવેરીની જળધારા વચ્ચે આવેલી ૐકાર-માંધાતાની પહાડી-શિવપુરીનું કુદરતી સૌંદર્ય જ દર્શનાર્થીને આકર્ષી લેતું હશે. એ અતિ પ્રાચીન, પવિત્ર પહાડીનું વિશિષ્ટ સૌંદર્ય એની પવિત્રતાને અનેરો રંગ આપે છે ! એ અદ્ભુત છે, અલૌકિક છે !
જો કે અમરેશ્ર્વરનું બહુ જ માહાત્મ્ય ગણાયું છે.
अमराणां शतैश्चैव सेवितो ह्यमरेश्वर: ।
तथैव ऋषिसंघश्च तेन पुण्यतमो महान ॥
મહાન, પુણ્યતમ અમરેશ્ર્વર તીર્થ સેંકડો દેવતા તથા ઋષિ દ્વારા સેવિત છેે, તેથી મહાન અને પવિત્ર છે.
અમરેશ્ર્વર કે મમલેશ્ર્વર મહાદેવના પૂર્વ તરફના ક્ષેત્રને કે જ્યાં અત્યારે સેગાઁવ-ગજાનન બાબાનો આશ્રમ આદિ આવેલા છે તેને બ્રહ્મપુરી ક્ષેત્ર કહે છે. અમરેશ્ર્વર મહાદેવના પશ્ચિમ તરફના ક્ષેત્રને કે જ્યાં અન્નપૂર્ણા મંદિર, માર્કન્ડેય આશ્રમ વિ. આવેલ છે તેને વિષ્ણુપુરી ક્ષેત્ર કહે છે.
બ્રહ્મપુરીમાં બ્રહ્મેશ્ર્વર, પિંગળેશ્ર્વર, અવિમુક્તેશ્ર્વર, કાલેશ્ર્વર આદિ શિવમંદિરો આવેલાં છે, બ્રહ્મેશ્ર્વરનું શિવલિંગ અને બ્રહ્માજીની મૂર્તિવાળું મોટું મંદિર છે. કૂર્મપુરાણમાં ઉલ્લેખ છે કે આ બ્રહ્મેશ્ર્વર શિવલિંગની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હતી. કાવેરી-નર્મદાના સંગમમાં સ્નાન કરી બ્રહ્મેશ્ર્વર શિવલિંગનું જે કોઈ દર્શન-પૂજન કરે છે એને બ્રહ્મલોક મળે છે. બ્રહ્મપુરીમાં વિશાળ નિરંજની અખાડો આવેલો છે. નરસિંગ ટેકરી પર તેનું મંદિર બંધાયેલું છે તથા આ જ બ્રહ્મપુરીમાં વિશાળ ગજાનન આશ્રમ આવેલો છે.
વિષ્ણુપુરીમાં ભગવાન વિષ્ણુ, માર્કન્ડેશ્ર્વર, ચંદ્રમૌલેશ્ર્વર, કપિલેશ્ર્વર, કાશી વિશ્વેશ્ર્વર આદિ દેવમંદિરો આવેલાં છે. વિષ્ણુમંદિરમાં વિષ્ણુજી, લક્ષ્મીજી તથા પાર્ષદોની મૂર્તિઓનાં દર્શન થાય છે. માર્કન્ડેશ્ર્વરનું મંદિર નર્મદા કિનારે પહાડની બાજુમાં છે. માર્કન્ડેય આશ્રમમાં અભયેશ્ર્વર શિવમંદિર તથા સંત-સેવા માટે પ.પૂ. રામાનંદ સરસ્વતીજી મહારાજનો વિશાળ આશ્રમ અને ઘાટ આવેલાં છે. ચંદ્રમૌલેશ્ર્વરનું મંદિર પણ નર્મદા તટ પર છે. કપિલેશ્ર્વર મંદિર પાસે કપિલમુનિનાં ચરણચિહ્ન નાના મંદિરમાં સ્થાપિત કર્યાં છે. કાશી વિશ્વેશ્ર્વરનું મંદિર બ્રહ્મપુરી અને વિષ્ણુપુરીની વચ્ચે આવેલું છે. માંધાતા વંશના કોઈ રાજવીએ એ બનાવ્યું છે એવું કહેવાય છે. વિષ્ણુપુરીમાં જૂનો નિર્વાણી અખાડો છે.
માંધાતા પર્વતની ઉત્તરે કાવેરી નદીના સામેના કિનારે નર્મદાજીના ઉત્તર તટ પર જંગલમાં ચ્યવનાશ્રમ, હેડંબાવન, ગયાશિલા તથા દિગંબર જૈનનું તીર્થક્ષેત્ર સિદ્ધવર કૂટ આવેલાં છે. પદ્મપુરાણમાં ચ્યવન ઋષિના ઓમકારેશ્ર્વર આવવા બાબતનો ઉલ્લેખ છે.
આવતા લેખમાં ઓમકારેશ્ર્વર મંદિરની વિશેષ માહિતી તથા તેની પરિક્રમા વગેરેની ચર્ચા કરી, નર્મદા પરિક્રમા શરૂ કરીશું. (ક્રમશ:)
Your Content Goes Here




