(ગતાંકથી આગળ)
શ્રીશ્રીમા નર્મદામૈયાની અશેષકૃપાથી વિકરાળ અવરોધ પાર પડ્યો. હવે આવ્યું ગામ મોટી ચિંચલી. રસ્તાની ધાર પર એક નાનકડો આશ્રમ. નાનું એવું ફળિયું અને એક રૂમ. દરવાજો ખખડાવ્યો. થોડા સમય પછી એક ભગવાંધારી બાબાએ દરવાજો ખોલ્યો. મહારાજની વાતો પરથી એવું લાગ્યું કે તેઓ નિર્લિપ્ત, ઉદાસી અને નિષ્ફિકર છે. બાબાએ કહ્યું, ‘આમ તો આ રસ્તા પરથી કેટલાય પરિક્રમાવાસીઓ નીકળતા હોય છે, પરંતુ તમે બન્ને ભગવાધારીઓને જોઈને અંતરથી દરવાજો ખોલવાનું મન થયું.’ અમે બાબાને કહ્યું, ‘અમે બન્ને સંન્યાસીઓ કેડસમાણા નર્મદાના જળમાં પડી ગયા હતા, તેથી અમારા ખભા પરની બેગ અને આગળના ઝોલાનો નીચેનો ભાગ પાણીથી ભીંજાઈ ગયો છે. બેગનો કેટલોક સામાન અને કપડાંને સૂકવવા દેવા અમારી વિનંતી છે.’ અમે તો બારી બારણાં, ખીંટી પર, ફળિયામાં આમતેમ કરીને અમારાં કપડાં વગેરે સૂકવી દીધાં. મહારાજે કહ્યું, ‘મારા માટે પણ ભોજનની વ્યવસ્થા માંડ માંડ થાય છે; તમારા લોકોના ભોજનની….’ એ સાંભળીને અમે તો ચૂપ રહ્યા. એટલે મહારાજ બહાર ગયા અને શેરીમાંથી એક છોકરાને બોલાવીને કહ્યું, ‘અમરશીભાઈને કહી આવ કે બે મહાત્મા પ્રસાદ લેશે અને તેઓ ક્યારે આવે તે પણ પૂછી આવજે.’ થોડીવાર પછી છોકરાએ આવીને કહ્યું કે પ્રસાદ લેવા ૧૧વાગ્યે આવે. મહારાજ બહારથી તો આમ નિર્લિપ્ત લાગતા હતા, પણ ભીતરમાં ધૂંધવાટ ચાલુ હતો. એટલે મહારાજે પરિક્રમાવાસીઓની, સાધુસમાજની, સંપ્રદાયોની દોષ અને નિંદાની રામાયણ વાંચવાનું શરૂ કર્યું. અમે તો નિરુપાય હતા એટલે મનેકમને આ બધું સાંભળવું પડ્યું. જે હોય તે પણ અમને તો ચિંચલી ગામના રાજપૂત અમરશીભાઈ તેમના ઘેર ભોજન માટે લઈ ગયા. હાથપગ ધોઈને ઓસરીમાં લગાવેલ આસન પર બેસીને ગરમ રોટલી અને શાકનું અમૃતભોજન આરોગવાનું શરૂ કર્યું.
અહીં સાંભળ્યું કે અહીંથી બે કિ.મી. દૂર આદલપુર ગામે દેવીપુરાણની કથા છે. બપોરે બન્ને સંન્યાસીએ આદલપુર પહોંચીને કથા સાંભળી. કોઈપણ જાતના સાજસંગીતના વિના કથાકાર પુરાણીના મુખેથી સુંદર અને સહજ રીતે હિન્દીભાષામાં અનર્ગળ ઉપદેશ સાથે કથાનો પ્રવાહ વહ્યે જાય છે. પુરાણીની પ્રકૃતિ પણ અત્યંત રસિક અને હસમુખી. કથા પછી અમે બન્ને કથાવાચક મહારાજને મળ્યા અને તેમનો પરિચય મેળવ્યો. એ કથાકાર પુરાણીનું નામ હતું પંડિત ચંદ્રશેખર કાનુન્ગો. ખરગોન જિલ્લાના સનાવત તાલુકાના ભાણવડ ગામના તેઓ વતની હતા. મહારાજની કથા કહેવાની શૈલી અત્યંત સરળ હતી. અને બીજે દિવસે એટલે કે આવતી કાલે કથાનું સમાપન થતું હતું અને તે દિવસે ભંડારાનું આયોજન થયું એટલે બન્ને સંન્યાસીઓ રોકાઈ ગયા.
બીજે દિવસે નિત્યક્રમ પતાવીને અમે બન્ને સંન્યાસીઓ દેવીપુરાણની મધુર અને સુંદર કથા સાંભળવા માટે બપોરે ગયા. કદરુ અને વિનતા બન્ને સગી બહેનો. બન્ને બહેનો કશ્યપ મુનિનાં પત્ની. કદરુ વાસુકિ ઇત્યાદિ એક હજાર સર્પાેનાં માતા હતાં અને વિનતા પક્ષીરાજ ગરુડ અને અરુણનાં માતા હતાં. અરુણ અને ગરુડ બન્ને સૂર્યદેવના સારથિ. એકવાર કદરુ અને વિનતા વચ્ચે સૂર્યદેવના ઘોડાના રંગ વિશે ચર્ચા અને તર્કવિર્તક થયાં. વિનતાએ કહ્યું કે ઘોડાનો રંગ સફેદ છે અને કદરુએ કહ્યું કે કાળો. બન્ને વચ્ચે એવી શરત થઈ કે બે માંથી એક જે ખોટી પડે તે બીજાની દાસી બને. સૂર્યદેવના ઘોડાનો રંગ સફેદ છે, તેવું કદરુએ જાણ્યું એટલે તેમણે પોતાનાં સર્પસંતાનોને ઘોડાને
વીંટળાઈ જવા કહ્યું. પછી બન્ને બહેનો સૂર્યદેવના ઘોડાને જોવા ગયાં અને જોયું તો ઘોડાનો રંગ કાળો હતો. એટલે વિનતા કદરુની દાસી બની. ગરુડદેવને પોતાની માતાની આ ઉદાસીનતાનો ખ્યાલ આવ્યો એટલે એમણે સર્પાેની ઇચ્છા મુજબ દેવતાઓ પાસેથી અમૃતકુંભ છીનવી લીધો અને પોતાનાં માતા વિનતાને કદરુના દાસત્વમાંથી મુક્ત કરાવ્યાં. દેવતાઓ ફરીથી આ સર્પાે પાસેથી અમૃતકુંભ સરકાવી ગયા. આ બાજુ ગરુડદેવને કદરુની ચાલાકીનો ખ્યાલ આવ્યો એટલે એમણે સર્પાેને નામશેષ કરી નાખવાનો સંકલ્પ કર્યો. આવી રીતે એ સમયથી ગરુડ અને સર્પાે વચ્ચે શત્રુતા ચાલતી આવે છે. આવી રીતે પંડિત પુરાણીજીએ કેટકેટલીયે સંુદર અને રસપ્રદ વાર્તાઓ કોઈપણ જાતના સાજસંગીત વિના સુલલિત ભાષામાં શ્રોતાઓ સમક્ષ રસપૂર્ણ રીતે રજૂ કરી.
બપોરના ભંડારાનો પ્રસાદ ગ્રહણ કરીને બન્ને સંન્યાસીઓ નર્મદાપરિક્રમામાં જવા માટે ચાલી નીકળ્યા. ચાર કિ.મી. દૂર આવેલ કઠોરામાં (ગ્યારાલીંગીમાં) દયાનંદગિરિના આશ્રમે પહોંચતાં પહેલાં નર્મદાની જળધારા વચ્ચે આવેલા ધર્મપુરીના ત્રણ માઈલ લાંબા બેટનો આરંભ થઈ જતો હતો. ધર્મપુરી ગામ સામે કિનારે આવેલું છે પણ આ બેટ જળધારા વચ્ચે આવેલો છે. બેટની બન્ને બાજુએ જળધારા વહેતી હતી.
આ બેટ લીલાંછમ અને ઘટાદાર વૃક્ષોથી સુશોભિત હતો. અને પેલે છેડે બિલ્વામૃતેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય છે. આ બિલ્વામૃત તીર્થ પુરાણ પ્રસિદ્ધ મહર્ષિ દધીચિનું તપશ્ચર્યા સ્થળ હતું. દૈત્યના વધ માટે મહર્ષિ દધીચિનાં હાડકાંની દેવોને જરૂર પડી. ઇન્દ્રે આ સ્થળે આવીને મહર્ષિ દધીચિનાં હાડકાં માગ્યાં. મહર્ષિ દધીચિએ સહર્ષ ઇન્દ્રની એ માગણી સ્વીકારીને હાડકાં આપ્યાંં.
એવા મહર્ષિના તપશ્ચર્યા સ્થાન સમો બેટ નર્મદાજીની વચ્ચે હતો. પેલા ઉત્તરતટે ધર્મપુરી ગામ હતું. દૂરથી ધર્મપુરીની પ્રાચીન, અર્વાચીન ઇમારતો દૃષ્ટિએ પડતી હતી. રાણી રૂપમતીના ગુરુ જે સ્થળે નિવાસ કરતા હતા, એવા નાગેશ્વરના સ્થળનાં દર્શન થતાં હતાં. સંગીત અને સૌંદર્યની સામ્રાજ્ઞી રૂપમતીના ગુરુસ્થાને નિત્ય દીપક જલતો રહેતો. રૂપમતી અઢાર માઈલ દૂર આવેલા માંડવગઢના મહેલ પરથી એ દીપકનું દર્શન કરીને ધન્યતા અનુભવતાં. એ ગુરુદેવની કૃપાથી તથા તેમની શ્રીશ્રીમા નર્મદા પ્રત્યેની ભક્તિથી નર્મદાજીની ધારા માંડવગઢમાં પ્રગટી હતી, એવી એક માન્યતા છે. રૂપમતી માટે પ્રગટેલી નર્મદાજીની એ ધારાનું માંડવગઢના ‘રેવાકુંડ’માં દર્શન થાય છે. પરિક્રમાવાસી નર્મદાતટે ચાલીને ધર્મપુરી ન આવી શકે, એટલે ધર્મપુરીનાં પ્રાચીન રહસ્યમય સ્થળોનું દર્શન પણ આ યાત્રામાં બાકાત રહી જાય છે.
ગ્યારાલીંગીમાં દયાનંદગિરિજીનો આશ્રમ ખૂબ વિશાળ હતો. યજ્ઞશાળા પણ ઘણી મોટી હતી. વારાણસીના ચોવીશ જેટલા બટુક બાળબ્રહ્મચારી દ્વારા યજ્ઞશાળામાં અનુષ્ઠાન ચાલતું હતું. અમને જાણવા મળ્યું કે પૂ. મહારાજશ્રીની નિશ્રામાં અને તેમના માર્ગદર્શન હેઠળ કેટલાક દિવસથી વિશિષ્ટ યજ્ઞ અને જપનું અનુષ્ઠાન થાય છે. અહીં નર્મદાજીની જળધારા પાસેના પથ્થર પર કુદરતી રીતે બનેલા શિવલિંગનાં દર્શન થયાં. તા. ૨૯મી જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ આ આશ્રમમાં અમે રાત્રીનિવાસ કર્યો.
આજે ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૫. ગત રાત્રીએ ત્યાગીજી પણ અહીં આવી પહોંચ્યા હતા. તેમણે કહ્યું, ‘આજે એકાદશી એટલે પરિક્રમાવાસીઓેએ ચાલવું જોઈએ નહીં.’ અમે કહ્યું, ‘અમે ધીરે ધીરે આગળ વધીએ છીએ.’ અને નર્મદેહરના નાદ સાથે અમે નીકળી પડ્યા. આગળ નાની એવી બુરાડ નદી પાર કરીને નંદગાવ ગામ પણ પસાર કર્યું, પછી બ્રાહ્મણ-ગામમાં પ્રવેશ કર્યો. ગ્યારાલીંગીથી બ્રાહ્મણ-ગામ આશરે સાત કિ.મી. દૂર છે. બપોર થવા આવ્યા હતા. અને થોડી થોડી ભૂખ પણ લાગી હતી. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે નર્મદાતટે સદાવ્રત ચાલે છે. મા નર્મદાના કિનારે પથ્થરોનો બનેલો વિશાળ ઘાટ. અહીં નર્મદાનો પટ પણ ઘણો વિશાળ અને તેનો પ્રવાહ ધીરસ્થિર હતો. થોડો સમય તો ઘાટ પર બેસીને મા નર્મદાનું દર્શન કરતા રહ્યા. સદાવ્રત પાસે કોઈએ એક મકાન ચીંધ્યું. ત્યાં જોયું તો અમારી પહેલાં કેટલાય પરિક્રમાવાસી આવી ગયા હતા. જાણે કે નાનકડો મેળાવડો ન હોય ! ભોજન માટે તપાસ કરતાં જાણવા મળ્યું કે અહીં સદાવ્રત ચાલે છે. મકાનમાં જઈને તપાસ કરતાં જોયું તો એક વૃદ્ધ માતાજી, શરીર જ નારીનું ! પણ વ્યક્તિત્વ તો જાણે ચીફ કમાન્ડરનું ! અમે સદાવ્રત વિશે પૂછપરછ કરી એટલે માતાજીએ કહ્યું, ‘બહાર કેટલી મૂર્તિ ઊભી છે ? બબ્બે જણ આવે તો ન અપાય. હજી વધારે પરિક્રમાવાસી આવશે તો અપાશે.’ એમ કહીને જાણે અમને ધમકાવતાં ન હોય એવું લાગ્યું! અમારાં ગરીબડી ગાય જેવાં મોંઢાં જોઈને માતાજી બહાર આવ્યાં. તેમણે જોયું તો વીસેક જેટલા પરિક્રમાવાસીઓ ભેગા થઈ ગયા છે. ફળિયાની નાનકડી વંડી પાસે આવીને બાજુના ઘરમાં રહેતી એક છોકરીને સાદ કર્યો, ‘રાધિકા.’ સાદ સાંભળીને રાધિકા દોડીને આવી. પરિક્રમાવાસીઓના મુખ્ય માણસોને બોલાવીને રાધિકાના હાથે મોટા વાસણમાં પ્રત્યેક મૂર્તિ (વ્યક્તિ) દીઠ ત્રણ ખોબા ઘઉંનો લોટ અને એક ખોબો દાળ આપ્યાં. બીજા વાટકામાં મરચું, હળદર અને રામરસ(મીઠું). ચૂલો સળગાવીને અમે ભોજનપ્રસાદ બનાવવાની તૈયારી કરી. અમારી મંડળીમાં તો બે જ મૂર્તિ(સંન્યાસી). બાકીની બે મંડળીમાં કોઈમાં સાત તો કોઈમાં આઠ વ્યક્તિ હતી. આવી રીતે ત્રણેય મંડળના એક એક માણસ આવીને રસોઈ બનાવે એવું નક્કી થયું.
બન્ને સંન્યાસીમાંથી પી.સ્વામી તો ક્યાંય દેખાતા જ ન હતા. એટલે નરમ પ્રકૃતિના એક સંન્યાસી પર ભાર આવી ચડ્યો. બીજી બે મંડળીઓ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની હતી. કુલ વીસેક જેટલા માણસો. એ બધા તો એવા ખડતલ અને સશક્ત શરીરના કે તેઓ એક-એક જણ ત્રણ-ચાર ટીકળ (જાડા ઘઉંના રોટલા) તો આરામથી ખાઈ જાય. એનો અર્થ એ થયો કે ચૂલા પર દોઢેક કલાક બેસીને અમે બે ત્રણ જણાએ વીસ મૂર્તિના ઓછામાં ઓછાં સાઈઠ સીત્તેર જેટલાં ટીકળ બનાવવાનાં હતાં. સંન્યાસીએ આમાંથી નીકળવા માટે, ‘અરે, મને ચૂલા પર રોટલા બનાવતાં નથી આવડતા વગેરે એવાં બહાનાં બનાવ્યાં.’ ત્યાં તો તમતમતો જવાબ આવ્યો, ‘લે, ખાતાં તો આવડે છે, બનાવતાં નથી આવડતું ? એ તો શીખાઈ જાય.’ અંતરમાં ધૂંધવાટ સાથે સંન્યાસી કમને ચૂલા પાસે ગોઠવાયા. મનમાં બબડવા લાગ્યા, ‘મારું હારું, ખાવું એક ટીકળ અને આ દોઢ કલાકની મથામણ.’ એક વાર તો મનમાં થઈ આવ્યું કે બોલી દઉં, ‘મારે ભોજન કરવું જ નથી. ખાઉં તો બનાવવું પડે ને ?’ પણ પેટમાં તો લ્હાય લાગી હતી. તો પણ સંન્યાસીએ અંતરમાં ગાંઠ મારી કે ભવિષ્યમાં આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ભોજનની જ ના પાડી દેવી. એક વાર નહીં ખાઉં તો ક્યાં મરી જવાનો છું ? આમ, મનની અનેક વિટંબણાઓમાં અટવાતાં અટવાતાં પરાણે ટીકળો બનાવ્યાં.
અત્યારે જ્યારે આ લેખ લખવા બેઠા છીએ ત્યારે મનમાં આપણા બધાના જીવનનું વાસ્તવિક સત્ય ઊભરાઈ આવે છે. આપણે વર્તમાન સમયમાં મોટાભાગની ઘટનાઓમાં હંમેશાં બબડાટ કરતા અને ઘૂરકતા હોઈએ છીએ. હંમેશાં અણગમો, અભાવ, ઓછપ, ઉદાસીનતા, અસંતોષ વગેરે……!
અત્યારે પરિક્રમા પૂરી થયા પછી સંન્યાસીને સમજાય છે કે પરિક્રમાનો હેતુ તો શ્રીશ્રીમા નર્મદામૈયાની કૃપા પ્રાપ્ત કરવાનો, માને આનંદ આપવાનો અને નર્મદામૈયાને ખુશ કરવાનો છે. અને આ બધું ભગવાનના નામના શ્રવણથી, સાદાઈથી, સંતોષથી, તપથી અને નર્મદા પરિક્રમાવાસીઓની સેવાથી. અને આજે પણ જ્યારે સંન્યાસી નર્મદાતટે જાય છે ત્યારે આ બધું કરે છે. ઉપરાંત નર્મદા પરિક્રમાવાસીઓને શોધતા ફરે છે – કેમ કરીને તેમની સેવા કરું. અન્ન, વસ્ત્ર કે કોઈ બીજા પ્રકારે સેવા કરવા માટે આતુર હોય છે. પણ પરિક્રમા વખતે જ્યારે સેવા કરવાનો મોકો હતો ત્યારે શું થયું ? ત્યારે તો પાછી પાની કરી. એ જ ચૂલા પર દોઢ કલાક ટીકળ બનાવવાનું કામ ‘પ્રેમપૂર્વક પરિક્રમાવાસી રૂપી નર્મદામૈયાની સેવા કરું છું’ એવા ભાવથી કર્યું હોત તો!
હવે અત્યારે લાગે છે કે જીવનનો એક મોટો બોધપાઠ શીખ્યો. વાસ્તવિક સત્ય એ છે કે મનુષ્યને હંમેશાં વર્તમાન જ પરમાનંદ આપી શકે, નહીં કે ભૂતકાળ કે ભવિષ્યકાળ. એટલે વર્તમાનને જ સ્વીકારવો જોઈએ. વર્તમાન સમયમાં જેવા અને જ્યાં છીએ તેમાં પ્રેમરૂપી ઊંજણ નાખીએ તો કર્મનાં પૈડાંમાં કર્કશ અવાજ ન આવે અને કર્મ પણ સેવા, પૂજા, આનંદ અને સંતોષરૂપી અમૃતમાં રૂપાંતરિત થઈ જાય.
સંન્યાસી આજે પણ શ્રીપ્રભુને પ્રાર્થના કરે છે કે વર્તમાનમાં સામે આવતા સંજોગો હંમેશાં નિ :સ્વાર્થતા, નિષ્ઠા, ઉત્સાહ, સેવા, પ્રેમ અને સંતોષરૂપી પરમાનંદમાં જ પસાર થાય. નર્મદે હર. (ક્રમશ 🙂
Your Content Goes Here





