ગતાંકથી આગળ…
મધ્યપ્રદેશના બડવાણી પાસેના નર્મદા તટે આવેલ છોટીકચરાવદ ગામના શિવાંગી આશ્રમમાં લગભગ ૮-૯ દિવસ રહ્યા. ૧ કિ.મી. દૂર આવેલ શ્રીશ્રીનર્મદામૈયામાં સ્નાન કરવા જતા. અહીં ગુજરાતમાંથી સુરતનાં બે બહેનો આવ્યાં. તેમાંથી એક બહેન બસ કે રીક્ષામાં આગળના સ્થાને આવી જતાં અને બીજાં બહેન રોજ ૪૦-૪૫ કિ.મી. ચાલીને જે તે આશ્રમે પહોંચી જતાં. તે તેમના માટે ભોજન વગેરેની વ્યવસ્થા કરતાં. તે બહેન પ્રોફેસર છે અને પરિક્રમા કરવા નીકળ્યાં છે. તેઓ થાકી ગયાં હતાં. એટલે વિશેષ વાતચીત ન થઈ. એક નારી પણ વિકટ પરિક્રમા કરે છે તે નર્મદામૈયાનો વિશિષ્ટ મહિમા બતાવે છે.
બીજા દિવસે અમદાવાદથી એક શ્રદ્ધાળુ સાધક આવ્યા હતા. તેઓ પણ નર્મદા પરિક્રમામાં હતા. એમની સાથે ઘણી વાતો થઈ. તેમણે તો હિમાલયમાં પણ અતિ વિકટ પ્રવાસ ખેડ્યો હતો. તેમણે કહ્યું કે ‘હિમાલય એ માત્ર પર્વત નથી, પરંતુ જાણે કે ત્યાં ઋષિઓની મૂર્તિઓ ધ્યાનમાં લીન છે ! કેવા કેવા વિકટ પહાડ પાર કર્યા છે! મને એવું લાગતું કે જાણે કોઈએ મને પકડી રાખ્યો છે અને હું પહાડ પાર કરી જતો.’ આ આશ્ચર્યજનક વાતોને તો હું સાવ અવગણી ન શક્યો.
કોઈ ધનાઢ્ય જાતિ દ્વારા બડવાણીમાં સાંવરિયા શેઠ – ભગવાન શ્રીકૃષ્ણની રાજસ્થાનમાં છે એવી જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને કળશયાત્રા જેવા મોટા પાયાના ઉત્સવો ત્રણ દિવસ ચાલ્યા. અમને જવાનું આમંત્રણ હતું. પરંતુ કચરાવદથી આવતાં-જતાં ૧૬ કિમી. ચાલવું પડે. અસંખ્ય વાહનોની વ્યવસ્થા હતી. પરંતુ પગપાળા પરિક્રમામાં વાહનોમાં બેસી ન શકાય એટલે અહીં કચરાવદથી મનોમન સાંવરિયા શેઠને કાલાવાલા કર્યા, મનાવી લીધા અને પ્રણામ કર્યા.
છોટીકચરાવદમાં એક સાધુ બાવા આવ્યા. પોતાના જીવનમાં બનેલી એક ઘટનાની વાત તેમણે કરી. તેઓ કોઈ એક કેન્દ્રમાં રહેતા હતા. ત્યાંની હોસ્ટેલમાં કેટલાક છોકરા રહેતા હતા. હોસ્ટેલની પાછળનો ભાગ અવાવરુ હતો. સાધારણ રીતે ત્યાં કોઈની અવરજવર ન હતી. એકવાર રાત્રિના ૯-૧૦ વાગ્યે ૩-૪ છોકરાઓ પાછળના ભાગે જઈ ચડ્યા. ત્યાં અચાનક જ તેમણે વિચિત્ર અવાજો સાથે ભૂત જોયું. એ છોકરાઓ તો અત્યંત ડરી જઈને મૂઠીઓ વાળીને ભાગી ગયા. એમાંનો એક છોકરો ભયંકર રીતે ડરી ગયો અને થોડા દિવસમાં જ મૃત્યુ પામ્યો. આ સાધુ બાવાએ કહ્યું કે રમતરમતમાં મેં જ ભૂતનો વેશ ધારણ કરીને અનાયાસે વિચિત્ર અવાજ કર્યો હતો. જો કે એ વિશે કોઈને ખબર પડી નહીં. પણ મારો અંતરાત્મા કહે છે કે મારી એ ભયંકર મૂર્ખામીભરી મજાક હતી અને એને કારણે પેલા છોકરાના પ્રાણ ચાલ્યા ગયા. હજુ પણ મારા હૃદયમાં આ ઘટનાનો ડંખ મને સાલે છે. એટલે આપણે જીવનમાં સાવધાનીપૂર્વક કર્મો કરવાં જોઈએ. કર્મની ગતિ ન્યારી છે. પહેલાં મળેલા ત્યાગીજી શિવાંગી આશ્રમમાં પણ આવ્યા. તેઓ બે દિવસ રોકાઈને પરિક્રમામાં આગળ નીકળી પડ્યા.
કોઈક વાર આપણે કેટલાક લોકો સાથે રહેતા હોઈએ તોપણ એકબીજાને સમજી શકતા નથી. માનવની પ્રકૃતિના આકલન સમયે એના અંતરના ભાવને અવશ્ય ધ્યાનમાં લેવો જોઈએ. એક મહિનો સાથે હોવા છતાં આ સંન્યાસી પી. સ્વામીને સમજી ન શક્યો. શિવાંગી આશ્રમમાં એક ટીવી પણ હતું. એક દિવસ ક્રિકેટ મેચ ચાલુ હતો. સંન્યાસી અને પી. સ્વામી શાક સુધારતાં સુધારતાં ટીવી જોતા હતા. ભારતના દાઢીવાળા એક ખેલાડીએ સારી ફિલ્ડીંગ કરી. એટલે સંન્યાસીએ પૂછ્યું, ‘આ ખેલાડીનું નામ શું છે?’ પી. સ્વામીએ જવાબ આપ્યો, ‘રવીન્દ્ર જાડેજા’. હવે એ સંન્યાસીએ રવીન્દ્ર જાડેજાને દાઢી સાથે જોયો ન હતો એટલે પોતાની ટેવ મુજબ આશ્ચર્ય વ્યક્ત કરતાં નકારાત્મકભાવે સંન્યાસીએ જવાબ આપ્યો, ‘ના, ના. શું વાત કરો છો ! એ રવીન્દ્ર જાડેજા છે ?’ ત્યાં તો પી. સ્વામીનો પિત્તો ગયો અને મારી પર વરસી પડ્યા, ‘તમે હંમેશાં ના, ના કરો છો, બધી વાતમાં ના, ના, ને ના. નેગેટીવ વિચારના લાગો છો. આમ ને આમ ‘ના, ના’ મહારાજ બની ગયા છો…’ હું તો આ સાંભળીને એમની સામે વિસ્મયથી જોઈ જ રહ્યો. વળી આમને શું થયું ? અરે ! મેં તો આશ્ચર્યની સાથે તેમની વાતનું સમર્થન જ કર્યું હતું. પરંતુ ટેવ મુજબ ના, ના શબ્દ પછી શું વાત કરો છો ? એવી રજૂઆત કરી હતી. બીજાના અંતરમનના ભાવને સારી રીતે સમજવા એ પણ એક મોટી કળા છે. જો પરિક્રમામાં ચાલતા હોત તો કદાચ બન્ને એકબીજાને આવું કહી પણ દેત, ‘આપણે હવે અલગ અલગ ચાલીશું.’ પરંતુ બન્ને સંન્યાસી અંદરથી સમસમી જઈને ચૂપ રહ્યા, કારણ કે સામે હવે શૂલપાણેશ્વરની વિકટ ઝાડી પાર કરવાની હતી અને એકલા પાર કરવી અત્યંત જોખમ ભરેલ હતી, તે બન્ને જાણતા હતા. જે હોય તે, થોડી વાર પછી પી.સ્વામીને લાગ્યું કે તેમનાથી વધુ પડતું બોલાઈ ગયું છે.
આના અનુસંધાને ૫-૬ દિવસ પછી બનેલી એક ઘટનાની વાત છે, ‘રાજઘાટમાં શ્રીનર્મદામૈયાનો પટ અતિ વિશાળ અને જળપ્રવાહ પણ ધીરગંભીર. કિનારા
પાસેથી બે ડગ આગળ માંડો તો ગળા સુધી પાણી આવી જાય. સંન્યાસી ડૂબકી ન લગાવતાં પોતાનું ત્રણ લીટરવાળું કમંડળ લઈને જ નર્મદાના નીરમાં
સ્નાન કરતા હતા. ત્યાં અચાનક જ હાથમાંથી છટકીને કમંડળ પાણીમાં પડી ગયું. હવે તો શૂલપાણેશ્વરની ઝાડી શરૂ થશે અને કમંડળ વગર તો ચાલે જ નહીં. સંન્યાસી તો ગભરાઈ ગયા. પી. સ્વામી થોડે દૂર સ્નાન કરતા હતા. આ વાતની એમને જાણ થઈ. તેઓ તરવાનું થોડું જાણતા હતા. થોડી વાર આસપાસમાં ડૂબકીઓ લગાવી અને પાંચ મિનિટમાં કમંડળ શોધી કાઢ્યું. પછી થોડા વ્યંગ સાથે તેમણે કહ્યું, ‘એકલા ચાલવામાં ઘણી તકલીફ પડે. આવી પરિસ્થિતિમાં કોઈ સાથે હોય તો એકબીજાને મદદ કરે.’
૧૭-૦૨-૨૦૧૫ના રોજ શિવરાત્રિ. એક દિવસ પહેલાં જ શિવાંગી આશ્રમના પૂ. રાઘવેન્દ્ર મહારાજ આવી ગયા. શિવરાત્રિની પૂજા અડધી રાત સુધી ચાલી અને બીજે દિવસે ભંડારા વગેરેની વ્યવસ્થા હતી. બપોરે ‘નર્મદે હર !’ ના નાદ સાથે આગળ નીકળી પડ્યા હતા. ૧કિ.મી. પછી ડેડિયાપાડાના સદાનંદ બાબાનો આશ્રમ. પૂ. મહારાજનાં ભાવ અને ઉદારતાને લીધે તે આશ્રમમાં રોકાઈ ગયા. પૂ. ત્યાગીજી પણ અહીં જ હતા. શાંત, નીરવ વાતાવરણ, દૂર દૂર સુધી કેળના બગીચાઓ, વાંકીચૂકી અડધો કિ.મી.ની કેડી એમણે પાર કરી અને સીધા માના કિનારે. અહીં નર્મદાનો વિશાળ પટ અને સુંદર, નિર્મળ, ગહનગંભીર જળ, પણ ઘાટ ન મળે. સુકાયેલી સિમેન્ટને કોથળીમાં ભરીને બબ્બેની હરોળમાં થરના થર ગોઠવીને નર્મદામાં પાંચ મીટર દૂર સુધી સાંકડા પૂલ જેવો ઘાટ બનાવ્યો હતો. ભૂલેચૂકે સિમેન્ટની કોથળી પરથી પગ લપસી જાય તો સીધા નર્મદામાં ! અહીં પણ સ્નાનવિધિ પૂર્ણ કર્યો. આ આશ્રમમાં ત્રણ દિવસ રોકાયા. ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૧૫, ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો જન્મ દિવસ. શ્રીઠાકુરના ફોટાને સરસ રીતે સજાવ્યો. મીઠાઈ અને પાયસ(ખીર)નો ભોગ ધર્યો. ભજન, કીર્તન કરીને શ્રીપ્રભુનો જન્મદિવસ પૂર્ણ કર્યો.
૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ સવારે સદાનંદ બાબાના આશ્રમેથી નીકળીને ૪ કિ.મી. દૂર આવેલા રાજઘાટ પહેલાં રેવાશ્રય આશ્રમમાં બપોરે પ્રસાદ લીધો. બહારની પરસાળમાં થોડી વામકુક્ષી કરતા હતા, ત્યારે જીવટા ગામના એક ઊંટવૈદ સાથે મુલાકાત થઈ. તેમણે સંન્યાસી પ્રત્યે વિશેષ પ્રીતિભાવ દેખાડ્યો અને પોતાની મેળે જ નાડી પરીક્ષણ કરીને શરદી-ઉધરસ દૂર કરવા માટેની કેટલીક દવાઓ સુંઘાડી. કેટલાંક પ્રવાહીઓ પણ પાણી સાથે પિવડાવ્યાં. સાંજે અહીંથી ૧-૨ કિ.મી. દૂર આવેલ રાજઘાટ પહોંચી ગયા. આ રાજઘાટ એ પ્રાચીન રોહિણી તીર્થસ્થાન હતું. ચંદ્રનાં પત્ની રોહિણીએ અહીં તપસ્યા કરી હતી. અહીં ધર્મકાર્ય કરવાથી સ્ત્રીઓને સાત જન્મ સુધી સૌભાગ્ય મળે છે, એવું આ તીર્થનું માહાત્મ્ય છે. ભવ્ય દત્તમંદિર, અતિસુંદર ઘાટ, પથ્થરને કોતરીને બનાવેલું મહાત્મા ગાંધીજીનું સ્મારક, પાયચારી કરવાનો લાઈટથી શોભતો પથ્થરનો રસ્તો, વિશાળ પૂલ, શ્રીશ્રીનર્મદામૈયાનાં અતિ સુંદર દર્શન, વિશાળ જળરાશિ વગેરે જોઈને અત્યંત આનંદ થયો. સાંજે પક્ષીઓનો મધુર કલરવ મનને આનંદથી ભરી દેતો હતો. અંધારું થતાં તો પાયચારીનો પથ, ઘાટ, ચોગાન લાઈટોથી ઝળહળી ઊઠ્યાં હતાં. શાંત, મનોરમ દર્શન, વિશાળ આકાશ, ઘણી વાર સુધી ખુલ્લી આંખે ધ્યાન કરતા બેસી રહ્યા. ત્યાં સાધક પ્રકૃતિના એક સદ્ગૃહસ્થ સાથે સત્સંગ થયો. તેઓ બડવાણીના છે અને રોજ સાંજે આહ્લાદક વાતાવરણનો લાભ લે છે. અમે રાજઘાટની એક ધર્મશાળામાં ઉતારો લીધો હતો. ત્યાગીજી પણ ત્યાં આવી ગયા હતા. બપોરે રેવાશ્રયમાં પી. સ્વામીને એક યુવાન ભગવાધારી, પગમાં થોડી ખોડખાંપણવાળા સાધુ સાથે મુલાકાત થઈ હતી. તે પણ સાંજે રાજઘાટની ધર્મશાળામાં આવી પહોંચ્યા હતા. પી. સ્વામીએ તે સાધુનો પરિચય આપતાં કહ્યું કે તેઓ ઈન્દોરના બ્રાહ્મણ છે અને તેમનું નામ અમિત શર્મા છે. તેમની ઇચ્છા આપણી સાથે શૂલપાણેશ્વરની ઝાડી પાર કરવાની છે. (ક્રમશ 🙂
Your Content Goes Here





