ઈ. સ. ૧૮૯૮નો ઉનાળો મારા સ્મૃતિપટ પર કેટલાંક ચિત્રોની જેમ વિરાજે છે. એ બધાં ચિત્રો પ્રાચીન કાળના એક મંચની પાછળ રહેલ પડદાની જેમ જ ધર્માનુરાગ અને સરળતાની સોનેરી ભૂમિ પર અંક્તિ છે. અને દરેક ચિત્ર જ એક વ્યક્તિની હાજરી દ્વારા મહિમાન્વિત છે કે જેઓ અમારી અંતરંગ ભક્તમંડળીના મધ્યબિંદુ હતા. અમે હતાં ચાર પાશ્ચાત્ય નારી; એક હતાં મેસેચ્યૂસેટ્સનાં કેમ્બ્રિજ નિવાસી મિસિસ ઓલી બુલ, અને બીજાં હતાં કલકત્તાના ઉચ્ચપદસ્થ એંગ્લો ઇન્ડિયન કર્મચારીવૃંદનાં એક સભ્ય. ગુરુભાઈઓ અને શિષ્યોથી ઘેરાયેલા સ્વામી અમારી સાથે સાથે ભ્રમણ કરતા હતા. અલ્મોડામાં પહોંચીને તેઓએ ટોળી સાથે સેવિયર દંપતીનું આતિથ્ય ગ્રહણ કર્યું. તે લોકો એ વખતે અલ્મોડામાં રહેતાં હતાં. અમે થોડે જ દૂર એક બંગલામાં રહેવા લાગ્યાં. આમ બધાંને અંતરંગની જેમ અપાર સ્વાધીનતા સાથે હળવા-મળવાની સુવિધા મળી હતી. પરંતુ લગભગ એક મહિના પછી અમે જ્યારે અલ્મોડાથી કાશ્મીરની યાત્રા કરી, ત્યારે સાથીદારોને ત્યાં જ છોડી દઈને સ્વામી મિસિસ બુલના અતિથિરૂપે એકલા જ અમારી સાથે જોડાઈ ગયા.

ખેડૂતોનો સત્કાર

મે મહિનાની શરૂઆતથી ઓકટોબર માસના અંત સુધી અમે કેવી દિવ્ય દૃશ્યાવલીઓની વચ્ચે થઈને ભ્રમણ કર્યું હતું ! અને દરેક નૂતન સ્થાન આવતાં જ કેવા અનુરાગ અને ઉત્સાહ સાથે સ્વામી ત્યાંની દરેક જાણવા જેવી વસ્તુનો અમને પરિચય કરાવી દેતા! શિક્ષિત પાશ્ચાત્ય લોકોની ભારત વિશે અજ્ઞાનતા એટલી બધી હતી કે તેને લગભગ મૂર્ખતા જ કહી શકાય! એ ખરું કે જે લોકોએ પ્રયત્ન કરીને આ બાબતોમાં કેટલુંક જ્ઞાન મેળવ્યું છે, તેમની વાત જુદી છે. એમાં સંદેહ નથી કે આ બાબતોમાં અમારા વ્યાવહારિક પદાર્થપાઠોનો આરંભ થયો, પટણા કે પ્રાચીન પાટલીપુત્રથી. રેલમાર્ગે થઈને પૂર્વ દિશાથી પ્રવેશ કરતાંવેંત કાશીના ઘાટનાં જે દૃશ્યો નજરે પડશે, તે છે દુનિયાનાં દર્શનીય દૃશ્યોમાંનાં ઉત્તમોત્તમ! સ્વામી આતુરતાપૂર્વક એની પ્રશંસા કરવાનું ભૂલતા નહીં. લખનૌ શહેરમાં તૈયાર થયેલ ચીજવસ્તુઓ, વિલાસી વસ્તુઓનાં નામ અને ગુણવર્ણન ઘણા સમય સુધી ચાલ્યાં. જે બધી મહાનગરીઓ સૌંદર્યમાં સ્વીકૃતિ પામી છે અને જેમણે ઇતિહાસમાં પ્રસિદ્ધિ મેળવી છે, માત્ર એમના વિષયો જ સ્વામી આગ્રહ સહિત અમારા મનમાં દૃઢપણે અંકિત કરવાનો પ્રયાસ કરતા હતા, એવું નથી. આર્યાવર્તનાં સુવિસ્તૃત મેદાનો અને ગામડાઓથી ભરેલ સમતલ પ્રદેશમાંથી પસાર થતી વખતે તેમનો પ્રેમ એટલો ઊભરાઈ જતો અથવા તેમનો તન્મયભાવ એટલો પ્રગાઢ થતો કે ન પૂછો વાત. અહીં તેઓ વિના વિઘ્ને સમગ્ર દેશનું અખંડભાવે ચિંતન કરી શકતા. તેમજ કલાકોના કલાકો સુધી તેઓ કૃષિવિદ્યાની સમગ્ર પદ્ધતિ સમજાવવાનો પ્રયત્ન કરતા અથવા દરેક બાબતમાં વિસ્તારપૂર્વક ખેડૂતગૃહિણીના દૈનંદિન જીવનનું વર્ણન કરતા- જેમ કે સવારના શિરામણ માટે જે ખીચડી રાત્રીથી જ ચૂલા પર ચડાવવામાં આવતી, એનો પણ ઉલ્લેખ કરતા હતા.

આ બાબતોમાં સંદેહ નથી કે આ બધી વાતોનું અમારી સમક્ષ વર્ણન કરતી વખતે તેમની આંખો ઉજ્જ્વળ થઈ ઊઠતી હતી, અથવા તો કંઠસ્વર આવેગથી કંપી ઊઠતો હતો, તે નિશ્ચિતરૂપે તેમના પરિવ્રાજક જીવનની સ્મૃતિસ્વરૂપ હતું. કારણ કે સાધુઓ પાસેથી સાંભળ્યું છે કે ભારતમાં બીજે ક્યાંય પણ ગરીબ ખેડૂતોના ઘર જેવો અતિથિસત્કાર થતો નથી. એ સાચું છે કે ઘાસની પથારી કરતાં બીજી કોઈ પણ સારી પથારી, ગારાની

ભીંતવાળા ઝૂંપડા સિવાય બીજો કોઈ સારો આશ્રય ગૃહિણી અતિથિને આપી ન શકતી, પરંતુ ગૃહિણી જ્યારે ઘરના બધા સૂતેલા હોય ત્યારે, પોતે છેલ્લે સૂવા જતાં પહેલાં એક દાતણ અને એક વાટકો દૂધ એવી જગ્યાએ મૂકી દેતી કે જેથી અતિથિ નિદ્રામાંથી જાગીને સવારે એ જોઈ શકે, અને અન્યત્ર જતાં પહેલાં વ્યવસ્થિત રીતે એ વસ્તુઓનો સદુપયોગ કરી શકે.

ક્યારેક ક્યારેક એવું લાગતું કે સ્વદેશના અતીતના ગૌરવે જ સ્વામીનાં મન-પ્રાણ પર પૂરી રીતે કબજો કરી લીધો હતો. તેમનામાં ઐતિહાસિક મૂલ્યોનું જ્ઞાન વિપુલ માત્રામાં વિકસ્યું હતું. આ રીતે ચોમાસાની શરૂઆતમાં એક દિવસ જ્યારે અમે બપોરના તાપમાં તરાઈ પ્રદેશમાંથી પસાર થતાં હતાં, ત્યારે સ્વામીએ અમને જણાવ્યું હતું કે આ તે જ જગ્યા છે કે જ્યાં ભગવાન બુદ્ધની કિશોરાવસ્થા પસાર થઈ હતી અને મહાભિનિષ્ક્રમણ કર્યું હતું. વનમાં રહેતા મોરલાઓએ રાજપૂતાના અને તેમના ચારણોના લોકસાહિત્યને યાદ કરાવી દીધું. ક્યારેક ક્યાંક તો એક હાથી સ્વામીની પ્રાચીનકાળની યુદ્ધવાર્તાના વર્ણનનો નિમિત્ત બની ગયો. એ પ્રાચીન યુગનું ભારત જ્યાં સુધી વિદેશી આક્રમણના વિરોધમાં આ જીવંત કમાનરૂપી સામરિક દીવાલ ઊભી કરી શકતું હતું, ત્યાં સુધી પરાજિત થયું નહીં.

એક આદર્શ પ્રશાસક

બંગાળની સીમા ઓળંગીને અમે જ્યારે યુકતપ્રદેશ (ઉત્તરપ્રદેશ)માં પ્રવેશ કરી રહ્યાં હતાં, ત્યારે સ્વામીએ અમારી પાસે તે સમયના જે મહાનુભાવ અંગ્રેજ તત્કાલીન શાસનકર્તારૂપે હતા, તેમની વિચક્ષણતા અને કાર્યપ્રણાલીની વાત કહી. મર્મસ્પર્શી ભાષામાં તેઓ બોલ્યા, ‘બીજા બધા શાસનકર્તાથી એમનામાં એ તફાવત હતો કે તેઓ સમજતા હતા કે પૂર્વના દેશોમાં જનમત અત્યારે પણ એટલો પ્રબળ ન હોવાથી શાસનનો ભાર વ્યક્તિવિશેષ પર રહેવાની જરૂર છે.

એટલા માટે કોઈ હોસ્પિટલ, કોલેજ કે ઓફિસના માણસો જાણતા ન હતા કે ક્યારે તેઓ મુલાકાત લેવા ઉપસ્થિત થશે. અને અતિ ગરીબ માણસ શ્રદ્ધા રાખે છે કે એક વખત તેની સાથે મુલાકાત થાય તો તેમની પાસેથી ન્યાય મળશે.’ પૂર્વના દેશોમાં શાસન વ્યવસ્થામાં વ્યક્તિગત પ્રભાવનું ઘણું મૂલ્ય છે એ ભાવ સ્વામીની વાતચીતમાં વિશેષરૂપે પ્રગટ થતો. તેઓ સર્વદા કહેતા કે વિચારની દૃષ્ટિએ જોઈએ તો સમગ્ર દેશના શાસન માટે એક સામ્રાજ્યવાદી સરકાર દ્વારા અપનાવાયેલી ગણતંત્ર કે democracy પ્રથા બધાની તુલનાએ નિમ્નસ્તરની શાસનપ્રણાલી છે.

તેમની એક પ્રિય માન્યતા એ હતી કે જુલિયસ સીઝરે પોતે સમ્રાટની પદવીની આકાંક્ષા કરી હતી, તે એણે આ સત્યની ઉપલબ્ધિ માટે કરી હતી એટલે જ. સમ્રાટની પદવી પર કોઈ વ્યક્તિવિશેષ આરૂઢ હોય તો તેમની પાસે વિનંતી કરી શકાય, તે સદાય કૃપા વિતરણ કરી શકે અને વળી બીજા બધાના અભિપ્રાયને એક બાજુ હડસેલી પોતાની ઇચ્છા પ્રમાણે ન્યાય આપી શકે પરંતુ આવી વ્યક્તિના શાસનને સ્થાને અત્યારના વિભિન્ન સરકારી વિભાગોની દયામાયાહીન શાસનપદ્ધતિની અંદર સપડાવું એ ભારતના નીચલા સ્તરના લોકો માટે બહુ કષ્ટકારી પરિવર્તન છે, એ વાત અમે સ્વામીની વાતચીત પરથી વચ્ચે વચ્ચે હૃદયંગમ કરી શકતાં હતાં. વળી અમે તેમને મુખેથી સાંભળ્યું પણ ખરું કે અંગ્રેજ અમલની શરૂઆતમાં કેટલાક સરળ ચિત્તના લોકોએ લંડનમાં વિન્ડસર મહેલમાં ભારતેશ્વરી મહારાણીની પાસે જઈ તેમને રૂબરૂ મળી બધું નિવેદન કરવાની ઇચ્છામાં પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હતું, આવા અસંખ્ય દાખલા છે. મોટા ભાગના યાત્રીઓએ આ નિષ્ફળ યાત્રામાં આશાભંગ થવાથી પોતપોતાનાં ગામ અને ઘરબારથી બહુ દૂર જઈને પ્રાણ ગુમાવ્યા છે. જન્મભૂમિને ફરીથી જોવાનું તેમના ભાગ્યમાં રહ્યું નહીં.

પંજાબ પ્રત્યે એમનો પ્રેમ

પરંતુ પંજાબમાં પ્રવેશ કરતાં જ અમને સ્વામીના ગાઢ સ્વદેશપ્રેમનો પરિચય મળ્યો. તે વખતે કોઈ તેમને જુએ તો સમજી લેતા કે જાણે સ્વામી આ પ્રદેશમાં જ જન્મેલા છે! કેટલા ગાઢરૂપે તેમણે પોતાની જાતને એની સાથે એકાત્મ કરી દીધી હતી! એવું લાગતું કે એ પ્રદેશના લોકો સાથે તેઓ ખૂબ જ પ્રેમ અને ભક્તિના બંધનથી બંધાયેલા હતા. જાણે સ્વામીને એમની પાસેથી મળ્યું પણ ઘણું અને એમને આપ્યું પણ ઘણું હોય ! કારણ કે કેટલાક પંજાબીઓ ભારપૂર્વક કહેતા હતા કે તેમના પ્રથમ અને અંતિમ ગુરુ – ગુરુનાનક અને ગુરુ ગોવિંદનું એક અપૂર્વ સંમિશ્રણ સ્વામીના ચરિત્રમાં તેમને જોવા મળ્યું છે.

એ લોકોની અંદર જે બહુ સંશયવાળા હતા તેઓ પણ સ્વામીમાં શ્રદ્ધા-વિશ્વાસ ધરાવતા હતા અને જો તેઓ સ્વામીના આત્મસાત્ બનેલા યુરોપીયન શિષ્યો કે જેઓને તેમણે પોતાના જ બનાવી દીધા હતા, તેમના સંબંધમાં સ્વામી સાથે એકમત થઈ શકતા ન હતા અથવા તો તેમના સંબંધમાં સ્વામીની જેમ ઊભરાઈ જતી સહાનુભૂતિ બતાવી શકતા ન હતા, તેમ છતાં તેઓ આવા ઉદ્દામહૃદયી લોકોને તેમનું મત પરિવર્તન ન કરવાની દૃઢતા અને અતૂટ અવિચળપણાને માટેય વળી વિશેષ ચાહતા. જે પંજાબી બાલિકા ચરખો કાંતવાની સાથે સાથે ‘शिवोऽहम्, शिवोऽहम्’ ઉચ્ચારણ કરતી, તે વાતનું વર્ણન કરતી વખતે તેમનું મુખમંડળ આનંદથી ખીલી ઊઠતું હતું. આ બાલિકા વિશે અમેરિકાવાસી શિષ્યો પહેલેથી જાણતા હતા. વળી આ વાત પણ કહેવી ભૂલવી ન જોઈએ કે આ પંજાબ પ્રદેશમાં પ્રવેશ કરતાં જ તેઓએ એક મુસલમાન મીઠાઈવાળાને બોલાવીને તેની પાસે મુસલમાની ખાણું ખરીદીને ખાધું હતું. જીવનના અંતિમકાળે કાશીમાં રહેતી વખતે તેમણે ફરીથી આવું કર્યું હતું એમ જાણવા મળે છે.

કોઈ ગામડાની વચ્ચેથી પસાર થતી વખતે તેમણે અમને દરવાજાની ઉપર લટકાવેલાં ગલગોટાનાં તોરણો દેખાડ્યાં હતાં, એનાથી એ બધાં ઘરો હિંદુ પરિવારનાં છે એમ સમજી શકાતું. વળી પાછા ભારતવાસીઓ ‘સુંદર’ કહીને જેનો આદર કરે છે, તે શરીરનો ‘કાચા સોના જેવો રંગ’ તેઓ અમને દેખાડતા હતા. યુરોપીયનોના આદર્શરૂપ જે થોડીક લાલાશવાળો સફેદ રંગનો દેહ, તેના કરતાં કેટલો ભિન્ન છે ! વળી પાછા અમને સાથે લઈને ઘોડાગાડીમાં જતી વખતે બધું ભૂલીને શિવમહિમાનું વર્ણન કરતાં તેઓ ક્યારેય થાકતા નહીં, તેમાં જ મગ્ન થઈ જતા. જનમેદનીથી ખૂબ દૂર પર્વત શિખર પર મહાદેવનું અવસ્થાન – માનવી પાસે તેઓની પ્રાર્થના કેવળ નિ :સંગતા માટે – તે સાથે ‘અનંત જ્ઞાનમાં તન્મય થઈ જવું’ – આ બધાનું વર્ણન કરતા.

રાવલપિંડીથી ગાડી કરીને ‘મરી’ નામના સ્થળે પહોંચ્યાં અને કેટલાક દિવસ ત્યાં વિતાવ્યા. વળી પાછા કેટલુંક ટાંગામાં, કેટલુંક નૌકામાં એમ કરીને કાશ્મીરના શ્રીનગર તરફ ગયાં. ત્યાર પછી કેટલાક મહિનાના ભ્રમણ વખતે કાશ્મીર હતું અમારું મુખ્ય કેન્દ્ર.

કાશ્મીરની સુષમા

આ યાત્રામાર્ગના સૌંદર્યનું વર્ણન કરવા જતાં સહજતાથી ભાન ભૂલી જવાય એવું છે, કારણ કે પર્વતીય જંગલો, દેવળની જેમ શોભતા ગિરિશૃંખલાના પહાડો અને ધાન્યનાં ખેતરો વચ્ચે છુપાઈ રહેલાં ગામડાઓ આ માર્ગમાં સમાવિષ્ટ હતાં. એ સમયની વાત યાદ કરતાં જ એક સૌંદર્યમય દૃશ્યપરંપરા માનસપટલ પર ઊપસી આવતી. આ બધી છબિઓ વચ્ચે કાશ્મીરની ખેડૂત વૃદ્ધાએ પહેરેલો લાલ રંગનો મુકુટ અને સફેદ ઘુંઘટવાળી તે રમણીની સ્મૃતિઓ પણ કંઈ ઓછી મધુર ન હતી. આ રસ્તેથી જતી વખતે તેમની સાથે મુલાકાત કરવા ગયા ત્યારે જોયું કે તે વૃદ્ધા એક ખેતર વચ્ચે રહેલ એક વિશાળ ચિનાર વૃક્ષ નીચે પુત્રવધૂઓથી વીંટળાઈને ચરખા પર સૂતર કાંતે છે, તેમની સાથે આ હતી સ્વામીની બીજી મુલાકાત. ગયા વર્ષે સ્વામીએ તે વૃદ્ધા પાસેથી એક ભેટ મેળવી હતી.

તેમના વિશે આ વાત કરતાં સ્વામી ક્યારેય થાકતા નહીં કે, વિદાય લેતાં પહેલાં તેમણે પૂછ્યું કે, ‘મા, તમે કયો ધર્મ પાળો છો?’ આ પ્રશ્ન સાંભળીને વૃદ્ધાનું મોં આનંદ અને ગર્વથી ખીલી ઊઠ્યું, અને આનંદથી ખીલેલા ઉચ્ચ કંઠે સ્પષ્ટભાવે કહ્યું, ‘ખુદાનો ધન્યવાદ, અલ્લાહની મહેરબાનીથી હું મુસલમાન છું.’

Total Views: 482

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.