રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૫ની નવેમ્બરની ૧૮મી ને રવિવારે બેલુર મઠમાં સાધુઓ સમક્ષ આપેલા પ્રવચનનું ગુજરાતી ભાષાંતર વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.
ભાઈઓ, આજના સંમેલનમાં અધ્યક્ષ મહારાજ અને એમનો સંદેશ આપણી વચ્ચે નથી. શ્રીરામકૃષ્ણના જે નિજી શિષ્યોને મળવાની, જેમની સાથે વાત કરવાની અને જેમની પાસેથી પ્રેરણા લેવાની તક મને મળી હતી એમને વિશે થોડી વાત કરીને આપણે એ ખોટ પૂરીશું.
સૌ પ્રથમ હું સ્મરણ કરું છું સ્વામી શિવાનંદ મહારાજનું. શ્રીરામકૃષ્ણ સંઘના એ દ્વિતીય અધ્યક્ષ હતા અને મહાપુરુષ મહારાજને નામે જાણીતા હતા. કેરળમાં ત્રિસુ૨થી ૧૦ કિ.મિ. દૂર આવેલા ત્રિક્કુર ગામમાં હું રહેતો હતો. ત્યાં મારું ઘર મનાલી નદીને કાંઠે આવેલું છે અને મારા ઘરની પૂર્વમાં, અર્ધોક કિ.મિ. દૂર એક ટેકરી પર ગુફામાં શિવમંદિર છે. ત્રિક્કુરથી ત્રિસ્સુરને માર્ગે પાંચ કિ.મિ. દૂર આવેલા ઓલ્લુરમાં આઠમા ધોરણમાં હું અભ્યાસ કરતો હતો ત્યારે, ત્રિસ્સુરની વિવેકોદયમ હાઈસ્કૂલમાંથી વર્ગનો એક વિદ્યાર્થી-મિત્ર એક પુસ્તક લાવ્યો. મને કહે : ‘તારે આ વાંચવું છે?’ મેં કહ્યું, ‘જરૂર મને એ વાંચવું ગમશે.’ આમ બોલતી વેળા એ પુસ્તક ક્યું છે તે હું જાણતો ન હતો. એ પુસ્તક મદ્રાસ મઠનું પ્રકાશન, શ્રી એમ. લિખિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ (અંગ્રેજીમાં) હતું. મિત્રે મને એ આપ્યું. મેં એ વાંચવાનું શરૂ કર્યું.
એણે મારું ચિત્ત એવું જકડી લીધું કે, સીધાં સો પાનાં પૂરાં વાંચ્યા પછી જ મેં એ બાજુએ મૂક્યું. પછીથી એ પૂરું વાંચી કાઢ્યું. પછી એ ત્રિસુર વાચનાલયમાંથી ઠાકુર અને સ્વામીજી વિશે બીજાં પુસ્તકો આવવા લાગ્યાં.
આ ઘટના ૧૯૨૪માં બની હતી. ત્યારે, મારું વય સાડા પંદર વર્ષનું હતું અને રામકૃષ્ણ સંઘમાં જોડાવા હું ઝંખતો હતો. ૧૯૨૬માં સ્કૂલની ફાઈનલ પરીક્ષા આપ્યા પછી, ત્રિસ્સુરના એક ટાઈપરાઈટિંગ ઈન્સ્ટિટયૂટમાં શૉર્ટહૅંડ અને ટાઈપરાઈટિંગ શીખવા માટે હું જોડાયો. કંઈ ફી આપવાની હતી. મારે ઘેરથી ત્રણ રૂપિયા લઈ હું ત્રિસ્સુર આવ્યો અને ત્યાંથી મદ્રાસ-મઠને પત્ર લખ્યો કે મારે રામકૃષ્ણ મિશનમાં જોડાવું છે. એક બ્રહ્મચારીનો પત્ર આવ્યો : ‘અહીં પૂરતી જગ્યા નથી. મૈસૂરમાં એક નવું કેન્દ્ર છે ને ત્યાં બ્રહ્મચારીની જરૂર છે. કેન્દ્ર સંભાળતા સ્વામી સિદ્ધેશ્વરાનંદજીને તમે પત્ર લખો.’
એટલે મેં મૈસૂર સિદ્ધેશ્વરાનંદજીને પત્ર લખ્યો. એવામાં, સિદ્ધેશ્વરાનંદજી જાતે ત્રિસ્સુર આવ્યા, પોતાનાં માતાપિતાને મળવા માટે; એમના પિતા કોચીન રાજ્યના બીજા રાજપુત્ર હતા. હું એમને મળ્યો. એમણે કહ્યું, ‘તું જરૂર આવ. પણ ઊટી થઈ મૈસૂર જવા જેટલા પૈસા તારી પાસે છે?’ ‘મારી પાસે રોકડા રૂપિયા ત્રણ છે, વધુ કૈં નથી.’ પણ મારી પાસે મારા કાનની છેલ કડી હતી. કેરળમાં છોકરાઓ પણ કાનમાં તે પહેરતા. તેને હું વેચી શકત – પણ તે દહાડે રવિવાર હોઈ બધી દુકાનો બંધ હતી. પણ એક માણસે મને બે રૂપિયા આપ્યા અને સિદ્ધેશ્વરાનંદજીએ બે રૂપિયા આપ્યા. પણ ઊટી થઈને મૈસૂર જવા માટે એ રકમ પૂરતી ન હતી. તો, રાતે ૮.૩૦ની ગાડીમાં સિદ્ધેશ્વરાનંદજી સાથે મારાથી કેવી રીતે જવાશે? મને ખૂબ ચિંતા હતી એટલે મેં સ્વામીજીને પાકી હા ન પાડી. મારા મનની દશા આવી હતી. અને હું હતો ખૂબ નાનો, માત્ર સાડા સત્તર વરસનો. વિવેકોદયમ હાઈસ્કૂલમાંના શ્રીરામકૃષ્ણ મંદિરમાં ઠાકુરની કૃપાની પ્રાર્થના માટે હું ગયો. એ મંદિરમાં પૂજા માટે ઘણી વાર હું મારે ઘેરથી ફૂલ લાવતો. સંસારનો ત્યાગ કરવા અને સિદ્ધેશ્વરાનંદજી સાથે મૈસૂર જવાની વ્યવસ્થા કરી આપવા માટે મેં આંસુ સાથે પ્રાર્થના કરી. આજે સિત્તેર વર્ષ પછી પણ એ મંદિરમાંની ઘટનાની સ્મૃતિ મને હલાવી નાખે છે.
પછી, છેલ્લી ઘડીએ હું સિદ્ધેશ્વરાનંદજીને ઘેર ગયો. સ્ટેશને જવા એ તૈયાર હતા. મને કહે, ‘ઠીક મારી સાથે ૮.૩૦ની રાતની ગાડીમાં ઊટી આવ. દીક્ષા વિશે હું કશું જાણતો ન હતો. મારે મિશનમાં જોડાવું હતું અને ઠાકુર તથા સ્વામીજી વિશે મેં થોડાંક પુસ્તકો વાંચ્યાં હતાં. તેમજ માનું સ્તોત્ર, ‘પ્રકૃતિ પરમામ્’ મેં કંઠસ્થ કર્યું હતું. મિશનને મારી જાત અર્પણ કરવા માટે આ પૂરતું હતું. એટલે રાતે ૮.૩૦ વાગ્યે રેલગાડીમાં બેસી બીજી સવારે અમે ઊટી પહોંચ્યા. ઊટી દરિયાની સપાટીથી આશરે છ હજાર ફીટ ઊંચે આવેલું છે. ગોપાલ મહારાજને નામે ઓળખાતા સિદ્ધેશ્વરાનંદજી, હું અને બીજા ત્રણ વિદ્યાર્થીઓ એ મંડળીમાં હતા. મહાપુરુષ મહારાજને ઊટી બહુ ગમતું અને ત્યાં એક ભાડાના મકાનમાં તે સમયે એ રહેતા હતા. બાજુમાં આવેલી જગ્યા પર અત્યારે છે તે ઊટી આશ્રમ બંધાઈ રહ્યો હતો અને ૧૯૨૭માં એ ખૂલ્લો મૂકાવાનો હતો. મને મહાપુરુષજી મહારાજના ઘ૨માં રહેવાની અને ત્યાં નાસ્તો કરવાની રજા હતી પણ જમવા માટે મારે બહાર હૉટલમાં જવાનું હતું. એ વેળા આટલા બધા લોકોના ભોજનની વ્યવસ્થા આશ્રમમાં શક્ય ન હતી. એટલે, મારી પાસે પૈસા હતા તે વડે, ઊટીમાં, એક અઠવાડિયું બહાર ખાધું. પૈસા પૂરા થઈ ગયા. ૧૯૨૬ના જૂનની ૨૫મીએ મહાપુરુષજીએ મને દીક્ષા આપી હતી.
મહાપુરુષજી મહારાજ બેઠા હતા તે ઓરડામાં દીક્ષા વિધિ માટે હું દાખલ થયો. એમની ડાબી બાજુએ મારું આસન હતું. બેસીને મેં ત્યાંના દૃશ્યનું અવલોકન કર્યું. ત્રણ ચાર વર્ષ પહેલાંના એક સ્વપ્નનું મને સ્મરણ થયું. મારા ગામડાના ગુફામંદિરના શિવનું પૂજન હું રોજ કરતો. એ સ્વપ્નમાં હું આકાશમાં અદ્ધર ઊંચકાઈ સુંદર સ્થળે બેઠો હતો. ત્યાં એક આદરણીય વૃદ્ધ બેઠેલા હતા. મારા મને એમને શિવ તરીકે ઓળખ્યા. એમણે મને પોતાની ડાબી તરફ બેસવા કહી, મને કેટલુંક આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું. સ્વપ્ન એટલું જ હતું. અને, ઊટીમાં એ સ્વપ્ન જ બરાબર મૂર્તિમંત થતું દેખાયું. મહાપુરુષજી મહારાજે મને પૂછ્યું : “તું શ્રીરામકૃષ્ણની પૂજા કરે છે?” મેં કહ્યું “ના જી. પણ મેં એમની છબી રાખી છે અને હું એને નિત્ય વંદન કરું છું.” એમણે કહ્યું, “એટલું પૂરતું છે.” મને મંત્ર આપ્યા પછી કહે, “તું કંઈ ગુરુદક્ષિણા લાવ્યો છે?”, “કંઈ જ નહીં”, મારી પાસે એક ખમીસ, એક ધોતિયું અને એક ટુવાલ ઘેરથી આણેલાં હતાં. પોતાની જમણી બાજુએ પડેલી કેરીઓમાંથી એમણે મને બેત્રણ આપી અને કહ્યું ‘ગુરુદક્ષિણા તરીકે તું આ મને પાછી આપ.’ એમને એ પાછી આપી મેં પ્રણામ કર્યા અને પછી હું એ ઓરડાની બહાર નીકળ્યો. બે દિવસ પછી, જુલાઈની બીજીએ, મૈસૂર જવા માટે અમારે મહાપુરુષજીની રજા લેવાની હતી. એ માટે સ્વામી સિદ્ધેશ્વરાનંદ અને હું એમની પાસે ગયા. સવારના ૫.૩૦ આસપાસનો સમય હશે. ખુરશી પર બેસી એ રૂપિયાની નોટો ગણી રહ્યા હતા. “ગોપાલ, તારે કૈં પૈસા જોઈએ છે? હું આપી શકું એમ છું,” એમ એમણે કહ્યું. ગોપાલ મહારાજ બોલ્યા : “જરૂર નથી, મહારાજ,” જો કે મૈસૂર આશ્રમની સ્થિતિ તે સમયે ખૂબ રંક હતી. મેં મારા ગુરુને પ્રણામ કર્યા. મહાપુરુષજી કહે, “હા, તું મૈસૂર જા. ગોપાલની સેવા કરજે.” મને આપેલો સંદેશ આટલો જ – ‘ગોપાલની સેવા કરજે.’ ગોપાલ મહારાજની મારી સેવા નવ વર્ષ મૈસૂરમાં અને ત્રણ વર્ષ બેંગ્લોરમાં ચાલુ રહી. એ પવિત્ર, પ્રેમાળ અને દયાળુ હતા. ૧૯૩૮માં એ પૅરિસના વેદાન્ત સૅન્ટરના ઉદ્ઘાટન માટે ગયા ત્યાં સુધી મારી એમની સેવા ચાલુ રહી. પછી અમે મહાપુરુષ મહારાજની રજા લીધી અને સવારે ૭-૦૦ વાગ્યે બસમાં રવાના થઈ ૯-૦૦ વાગ્યે મૈસૂર પહોંચ્યા. ઊટી-મૈસૂરના મારા પ્રવાસ ખાતે રૂપિયા સાતની ખતવણી મૈસૂર આશ્રમના ચોપડામાં મેં પછીથી જોઈ હતી.
વીજળીની બત્તીઓ અને બીજા ભપકાવાળું મોટું નગર મેં પહેલી વાર જોયું. ગામડાનો છોકરો હોઈ હું શહેરી જીવનથી અજાણ્યો હતો. ટપાલમાં પત્ર કેમ નાખવો, ચેક કેમ વટાવવો… એ કશું જ હું જાણતો ન હતો. એ રાતે, ૯-૦૦ વાગ્યે, જિંદગીમાં પહેલી પહેલી વાર વાળુમાં પાઉંના બે ટુકડા અને દૂધનો એક ગ્લાસ, આશ્રમના એક ભિક્ષાન્ત વિદ્યાર્થીએ મને આપ્યાં. સિત્તેર વર્ષ પહેલાંના એ પાઉં અને દૂધનો સ્વાદ હું વીસર્યો નથી. તે દહાડે ૧૯૨૬ના જુલાઈની બીજી તારીખ હતી. ત્રીજી તારીખે મારા લાંબા વાળ દૂર થયા અને મારી છેલ કડી કાઢી નખાઈ.
પછી ચોથી જુલાઈએ હું આશ્રમમાં રસોડામાં પ્રવેશ્યો. પગારદાર રસોયો ન હતો કારણ, આશ્રમની આવક એકદમ ઓછી હતી. ખરાબ ખોરાકને કારણે સિદ્ધેશ્વરાનંદની તબિયત નબળી રહેતી. બારથી ચૌદ વર્ષનો હું હતો ત્યારથી, મારા આખા કુટુંબ માટે રસોઈની મને આદત હોવાથી હું સારો રસોયો હતો. એટલે તે દહાડાથી મૈસૂર આશ્રમમાં સૌને ખાવાનું સારું મળવા લાગ્યું. તે દીથી છ વર્ષ સુધી આશ્રમના રસોયા, વાસણ ઊટકનાર અને ઘર સંભાળનાર તરીકે મેં કામ કર્યું. પછીથી એમાં માસિક લવાજમ ઉઘરાવવાનું, માળીનું અને એવાં બીજાં કાર્યો ઉમેરાયાં, લવાજમ માટે લોકોને વિનંતી કરતી વેળા હું સ્વામી વિવેકાનંદ વિશે બોલતો. તેથી લોકોને આનંદ થતો અને મને તેઓ ચા નાસ્તો દેતાં તેમજ આશ્રમ માટે પણ કોઈક વાર કશુંક મળતું. આમ ખૂબ કામ વચ્ચે ખૂબ અભ્યાસમાં મારું જીવન વ્યતીત થવા લાગ્યું. અભ્યાસ કે જપ-ધ્યાન માટે સમયના અભાવની કદી મેં ફરિયાદ ન કરી. હું સદા આનંદમાં અને સુખમાં રહેતો અને, કોઈ પણ કામને ઠાકુરની સેવા માનતો. મને કદી થાક લાગતો નહીં. આશ્રમના અખાડામાં વિદ્યાર્થીઓ સાથે હું કુસ્તી કરતો અને પછીથી વૉલીબોલ રમતો.
મારી બ્રહ્મચર્ય દીક્ષાનો સમય આવતાં, ૧૯૨૯ના માર્ચમાં હું બેલુર આવ્યો. મેની ૨૩મીએ બુદ્ધપૂર્ણિમાને દહાડે મારો દીક્ષાવિધિ હતો. ત્યારે બેલુર મઠમાં હું ચાર માસ રહ્યો હતો. બ્રહ્મચર્ય દીક્ષાને દહાડે જૂના મંદિર પાછળના ઓ૨ડામાં મહાપુરુષ મહારાજ આવ્યા અને, વરંડામાં સહાસ્ય વદને, ઓરડામાં ચાલતા વિધિની સામે બેઠા. અમે પાંચ-છ બ્રહ્મચારીઓ હતા. એમણે મને યતિ ચૈતન્ય નામ આપ્યું.
મઠના એ કાળના મારા નિવાસનો સૌથી યાદગાર અનુભવ હતો – રોજ સવારે નાસ્તા પછીની મહાપુરુષજી મહારાજના રૂમની બેઠક; કોઈક વાર એ પૂરો એક કલાક ચાલતી. સાધુઓ અને સાધુપદવાંછુઓની ટુકડીઓ આવે, સાષ્ટાંગ પ્રણામ કરે અને બાજુમાં ઊભા રહે. મહારાજ પોતાની પથારીમાં કે ખુરશીએ બેઠા હોય, ઘણી વાર આગળ પડેલા હુક્કામાંથી બેધ્યાનપણે એકાદ ફૂંક લેતા હોય, ઉપસ્થિત સાધુઓ અને બ્રહ્મચારીઓ સાથે થોડી શિષ્ટાચાર ગોષ્ઠિ કરતા હોય પણ, મુખ્યત્વે અંતર્મુખી હોય. એ દશામાંથી બહાર આવે ત્યારે, ત્યાં હાજર હોય તેમની સાથે વિવિધ વિષયો પર વાતચીત કરતા હોય. એ વેળા, શ્રીરામકૃષ્ણ અને એમના શિષ્યોની લાક્ષણિક વિનોદવૃત્તિ અને હાસ્યનાં છાંટણાં સાથે હોય જ. કોઈક વાર, વાત ઊંડી આધ્યાત્મિક બાબત ભણી વળે તો, સાંભળનાર સૌ એમને હોઠેથી ઝરતો પ્રત્યેક શબ્દ આતુરતાથી ઝીલવા તત્પર હોય. આ સઘળાં વચ્ચે, ખૂબ ભક્તિમય અવાજમાં ‘સચ્ચિદાનંદ શિવમ્’, ‘જય ગુરુ મહારાજ’, ‘જય મા’ વ. બોલતાં આપણે તેમને સાંભળીએ.
એ વખતે બેલુર મઠના આગળના વિશાળ પ્રાંગણમાં ઝાડુ મારી એને સાફ રાખવાની જવાબદારી મારી હતી. કેટલીક વાર હું ઝાડુ મારું અને પવન બધો કચરો પાછો વેરવિખેર કરે. પણ મને એથી ત્રાસ ન પડતો; મારે માટે એ એક રમત હતી. ઠાકુરની પૂજાનાં વાસણોની સફાઈ એ મારી બીજી જવાબદારી હતી. હાલના મંદિરની ડાબી તરફ આવેલા ચાના સ્ટૉલમાં બધાંને ચા આપવી એ ત્રીજું કામ હતું. લિલુઆની ડંકીએથી મહાપુરુષજી મહારાજ માટે પાણી આણવું, એમના કૂતરા માટે બેલુરની બજારેથી થોડું દહીં લાવવું, તથા ભોજનખંડમાં પિરસવું એ બીજાં કાર્યો હતાં. હું બધાં માટે તૈયાર હતો. હું જુવાન હતો અને શરીરમાં અથાક શક્તિ હતી. આજે ભોજનખંડ છે ત્યાં તે સમયે કુસ્તીનો અખાડો હતો. મહાપુરુષજીના સેવક સ્વામી અપૂર્વાનંદ સારા કુસ્તીબાજ હતા. એમની અને બીજા બેત્રણ જણની સાથે એ અખાડામાં મેં કુસ્તી કરી હતી. અમારી મલ્લકુસ્તી જોવા અનેક લોકો આવતા. વારાણસી સેવાશ્રમનો એક રસોયો આવ્યો હતો. એ પણ સારો કુસ્તીબાજ હતો. એ મારો હાથ પકડતો ત્યારે હાથ નિષ્ક્રિય થઈ જતો; દેખાવે એ સાદો હતો છતાં એની પકડ એવી હતી. જ્ઞાન મહારાજના પૅરૅલલ બાર પણ હતા; સમારંભો પ્રસંગે આજે જ્યાં મંચ ઊભો કરવામાં આવે છે તે સ્થળે એ હતા. ત્યાં પણ હું થોડો વ્યાયામ કરતો. મારી પાસે આ બધાં માટે સમય હતો. બપોરના ભોજન અને વાળુ પછીના સમયને બાદ કરતાં મને ખૂબ ભૂખ લાગતી. સવારના નાસ્તામાં પાઉંની એક પાતળી સ્લાઈસ મળતી, છરીની ધાર જેટલી પાતળી અને, તેની ઉપર થોડું માખણ લગાડેલું હોય. ચાની વાત કરીએ તો, બધા અંતેવાસીઓની ચા માટે કુલ એક ગ્લાસ દૂધ અને વિપુલ પ્રમાણમાં પાણી અને ખાંડ રહેતાં. તે સમયના જનરલ સૅક્રેટરી પૂ. સ્વામી શુદ્ધાનંદજી, પૂ. સ્વામી વિરજાનંદજી અને બીજા વરિષ્ઠ સ્વામીજીઓ પણ ત્યાં આવતા અને હું તેમને સૌને પીરસતો. મઠના વરંડામાં રખાયેલા મોટા પીપમાંથી મારા ખમીશની ચાળમાં હું મમરા ભરી લેતો અને તે ખાઈ, મારી ભૂખ સંતોષતો. આર્થિક સંજોગોને લઈને ખાવાનું બહુ સામાન્ય હતું, દાળમાં પાણી ખૂબ રહેતું પણ ચચરી અને આલુદમ સ્વાદિષ્ટ રહેતાં.
આપણા કેટલાક વરિષ્ઠ સંન્યાસીઓનો પરિચય મને ત્યારે થયો. ‘ગણેન ઉપાધિ’ પણ તે વેળા જ ઊભી થઈ હતી. ગણેન્દ્રનાથ ઉદ્બોધનના એક બ્રહ્મચારી હતા અને જદુપતિ ઍસ્ટેટની દેખભાળ કરતા. એમણે મિશનને પડકાર્યું. મિશન ગંભીર કટોકટીમાં મુકાયું. રામકૃષ્ણ મિશન ઍસોસિએશનના સભ્યોને એ અસર કરવા લાગ્યા. કલકત્તામાં વર્તમાનપત્રો પર પણ એમની ખૂબ લાગવગ હતી. વિવિધ આશ્રમોમાંથી સ્વામીજીઓને મુખ્ય મથકે બેલુર બોલાવવામાં આવ્યા. થોડી થોડી વારે ઘંટનો ટકોરો પડે અને સાધુઓ બધા એક કે બીજા પ્રશ્નની ચર્ચા માટે મળે. સ્વામી ઓમકારાનંદજી વાતનો દોર વહેતો મૂકે. પછી અમે એક ઠરાવ કરી ગણેન્દ્રનાથ વિરુદ્ધ રજુઆત કરવા મહાપુરુષ મહારાજ પાસે જઈએ. આમ એ સમયે એક માસ કોકટીનો હતો. અંતે સંઘની સામાન્ય સભા શાંતિથી પસાર થઈ. ગણેન મઠમાં આવ્યો હતો પણ એ સભામાં હાજર ન રહ્યો. સભાસ્થાનની બહાર ટહેલતાં અને સિગરેટ પીતાં મેં તેને જોયો હતો. ઘણા સ્વામીઓને મિશનના સભ્ય બનાવાયા હતા. મને પણ ત્યાં સુધીમાં મિશનનો સભ્ય બનાવાયો હતો. ઍસ્ટેટના વહીવટ માટે તેને ૭૫,૦૦૦ રૂપિયા આપીને, ૧૯૨૯માં ગણેન-પ્રશ્નનો ઉકેલ આણવામાં આવ્યો હતો. નિવેદિતા સ્કૂલની એક શિક્ષિકા ચપલા સાથે તેણે સંઘને રામરામ કર્યા.
બેલુર મઠના મુખ્ય મકાનની સીડી ચડી પહેલે માળે જતાં, દાદર ઉપર જે ગ્રુપફોટો છે તે ૧૯૨૯ના મેમાં વિવિધ કેન્દ્રોમાંથી અનેક સ્વામીજીઓ ત્યાં આવ્યા હતા ત્યારે લેવાયો હતો. મઠના મુખ્ય મકાન અને ગંગાઘાટની વચ્ચેની જગ્યાએથી ફોટો લેવાયો હતો. પૂજ્ય શુદ્ધાનંદજી, પૂ. વિરજાનંદજી, પૂ. વીરેશ્વરાનંદજી અને કેન્દ્રોના બીજા કેટલાયે અધ્યક્ષો તેમાં છે. હું પણ તેમાં છું. ઉપરના વરંડામાં મહાપુરુષ મહારાજ આરામ ખુરશીમાં બેઠા હતા પણ ફોટો પાડતાં વાર લાગી એટલે એ પોતાના ઓરડામાં ચાલી ગયા. સ્વામી વિવિદિશાનંદજી અમેરિકા જતા હતા એટલે, આ એમનો વિદાય સમારંભ પણ હતો.
ખૂબ આનંદમાં બેલુર મઠમાં મેં ચાર માસ ગાળ્યા. એ સમયના જનરલ સૅક્રેટરી સ્વામી શુદ્ધાનંદજી કોઈક વા૨ મને કહેતાઃ ‘તું અહીં ક્યાં સુધી પડ્યો રહીશ? તારે મૈસૂરને કેન્દ્રે જવાનો સમય થઈ ગયો છે. આટલા બધા મહેમાનો માટે બેલુર મઠ આટલો બધો ખર્ચ કરી શકે નહીં.’ ‘હું તરત જઈશ, હું તરત જઈશ,’ એમ ઉત્તર વાળતો ચાર માસ પછી હું મૈસૂર પાછો ગયો.
૧૯૩૩માં હું ફરી બેલુર મઠમાં આવ્યો, સંન્યાસ દીક્ષા માટે. એ દિવસે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ હતો, જાન્યુ. ૧૨, ૧૯૩૩. એ પ્રસંગ સુંદર હતો પણ, મહાપુરુષ મહારાજ જરા નબળા પડી ગયા હોઈ, જૂના મંદિરની પાછળના ઓરડામાં વિધિ પ્રસંગે આવી શક્યા ન હતા. એ પોતાના ઓરડામાં જ હતા. સંન્યાસ હવન પછી, સ્વામી હિતાનંદ અને સ્વામી કૃષ્ણાત્માનંદ સાથે, અમે નવ જણ એમના ઓરડામાં ગયા અને, એમની પાસેથી સંન્યાસ મંત્ર તથા ગેરુઆં વસ્ત્ર અને અમારાં નામ ગ્રહણ કર્યાં. મારા સંઘમાં જોડાયાને પાંચેક માસ પછીથી જ હું ગેરુઆ વસ્ત્રો પહેરતો હતો. એ વખતે સંન્યાસ વિશે હું બહુ ઓછું જાણતો હતો.
બેલુર મઠમાં હું ચારેક માસ રહ્યો. એ સમયે સારગાછીમાં રહેતાં સ્વામી અખંડાનંદજી મહારાજને મળવા જવાનું મને મન થયું, સ્વામી વિવેકાનંદની કૃતિઓ વાંચતાં, સ્વામીજીને સ્વામી અખંડાનંદજીના ખૂબ વખાણ કરતા જોયા હતા. રંક અને પતિતોની સેવાના સ્વામીજીના સંદેશનો અમલ કરનાર એ પ્રથમ હતા – ‘તમે મારા જણ છો, તમે મારા જણ છો’ – એમ, સ્વામીજીએ એમની પ્રશંસા કરી હતી. એટલે, એમને મળવાની ઈચ્છા મારા અંતરમાં મેં સેવી હતી. એમને મળવા સારગાછી જવા માટે મેં મહાપુરુષ મહારાજ પાસેથી રજા લીધી. એ જમાનામાં અઠવાડિયાના અંતની રિટર્ન ટિકિટ મળતી; એ ખૂબ સસ્તી હતી; તમે શુક્રવારે જાઓ અને રવિવારે પાછા આવો, એટલે, મહાપુરુષજીના આશીર્વાદથી હું સારગાછી ગયો. ખૂબ આનંદપૂર્વક અઠવાડિયાનો અંત મેં ત્યાં વીતાવ્યો. હું સ્વામી અખંડાનંદજીને મળ્યો અને, એમને પ્રણામ કરી મારી અંતરની ઈચ્છા કહી. દૂર દૂરના મૈસૂર આશ્રમમાંથી હું આવતો હતો અને હું ખૂબ નાનો હતો, માંડ ચોવીસ પચ્ચીસનો. પરંતુ સ્વામી અખંડાનંદજીએ વી.આઈ.પી. (ખૂબ મહાન) અતિથિ તરીકે મારી સરભરા કરી – ખાસ પ્યાલો, ખાસ રકાબી, ખાસ કીટલી મારે માટે બધું ખાસ ખાસ. અને, છાત્રાલયના છોકરાઓને એ કહે: ‘જાઓ, સ્વામીને પ્રણામ કરો.’ મેં વિરોધ કરતાં કહ્યું કે, ‘આ કશું આપની હાજરીમાં ન હોય’ તો, એ કહેતા, ‘એ ય તું ઠેઠ મૈસૂરથી આવ્યો છે,’ અને છોકરાઓ તરફ જોઈ ફરી કહેતા, ‘પ્રણામ કરો.’ બધા છોકરાઓ પછી આવી પ્રણામ કરી જાય.
એક દિવસ બપોરના ભોજન વખતે એ વાડીમાંથી મોડા આવ્યા અને બોલ્યા, ‘શંકર, મારું શરીર દુખે છે.’ મેં પૂછ્યું, ‘શાથી?’ તો કહે, ‘એક વધારે પડતી ઊગી ગયેલી તરકારીને ચૂંટવા માટે મારે વાંકા ખૂબ વળવું પડ્યું હતું.’ મેં કહ્યું, ‘અહીં ઘણા બ્રહ્મચારીઓ અને સાધુઓ છે. તમે શા માટે તકલીફ લીધી?’ એ બોલ્યા, ‘તું શું સમજે? એ બધા મૂરખ છે; કોઈ પોતાનું કામ બરાબર કરતા નથી. બેલુર મઠ અહીં મૂર્ખાઓને જ મોકલે છે!’ પછી એ હસી પડ્યા. મેં ઉત્તર વાળ્યો, ‘આપને એ પીડા છે એનો મને ખેદ છે! મહારાજે જવાબ આપ્યો, ‘હા, તું જાણે છે ને કે મને કેટલીક મુશ્કેલીઓ છે…’
આમ, નાના છોકરાની માફક મારી સાથે હાસ્યરસિક વાર્તાલાપ એ કરતા. ગંભીર મન અને કરુણાસભર દય સાથે એમનામાં રહેલું આ લક્ષણ મને જોવા મળ્યું. એક દિવસ મને કહે, ‘મારો આશ્રમ તને કેવો લાગે છે?’ મેં ઉત્તરમાં કહ્યું, ‘ઘણો સરસ,’ ‘મને અહીં સરસ ઊંઘ આવે છે’ ‘શું? મારો આશ્રમ શું ઊંઘવા માટેનો છે? સ્વામી પ્રેમાનંદ અહીં હતા. એ કહેતા કે પોતાને સારું ધ્યાન અહીં લાગતું,’ મેં કહ્યું; ‘ઠીક છે. એમને એ જોઈતું હતું. મારે સારી ઊંઘની જરૂર હતી અને અહીં મને તે મળી.’
આમ બે દહાડા વીત્યા. જવાનો દિવસ આવ્યો. મેં એમને કહ્યું ‘મહારાજ, આપ અહીં જંગલમાં વસો છો. ઘણા ભક્તો આપને મળવા માટે બેલુર મઠમાં આવે છે. આપ ઠાકુરના નિજી શિષ્ય છો એટલે, આપ બેલુર મઠમાં હો તો ઘણું સારું થાય. માટે મારી વિનંતી છે કે આપ બેલુર મઠમાં રહેવાની કૃપા કરો.’ ‘તો પછી આ કેન્દ્રની દેખભાળ કોણ રાખશે?’ એમણે પ્રશ્ન કર્યો. ‘એમાં શું? બેલુર મઠ કોઈને મોકલશે,’ મેં કહ્યું. ‘મઠ તો કોઈ મૂરખને મોકલશે,’ કહી એ હસ્યા. ભાષાની ગમ્મત જુઓ! ‘તું અહીં આવીને રહે તો હું બેલુર મઠમાં જવા ને રહેવા તૈયાર છું.’ હું બોલ્યો, ‘બેલુર મઠ ઘટતું કરશે પણ આપ બેલુર મઠમાં હો તે અમે ઈચ્છીએ છીએ જેથી, હું અને બીજાઓ આપને ત્યાં જોઈ શકીએ.’
પછી એમની રજા લઈ સ્ટેશને જવાનો સમય થયો. આશ્રમથી થોડેક જ દૂર આવેલું સ્ટેશન આશ્રમમાંથી દેખાતું હતું, એમના ઓરડામાં જઈ, એમને પ્રણામ કરી મેં કહ્યું : ‘મહારાજ, હું આપના આશીર્વાદ માગું છું. લોકો સાથે, ખાસ કરીને જુવાન લોકો સાથે, હું કામ કરું છું, મને આશીર્વાદ આપો કે, સ્વામીજીના વિચારોથી આપણી યુવા પ્રજાને પ્રેરણા આપવા માટે હું સ્વામીજીનું સાધન થાઉં. મને ખાતરી છે કે, આપના આશીર્વાદથી મારામાં એ શક્તિ આવશે. મેં સ્વામીજીને જોયા નથી પણ હું આપને મળ્યો છું. એ આપને ખૂબ ચાહતા. આપના આશીર્વાદ એ મારે મન સ્વામીજીના જ આશીર્વાદ છે.’ એ ખૂબ ગંભીર બની ગયા. પોતાના બેઉ હાથ મારે મસ્તકે મૂકી કહે : ‘હું આશીર્વાદ આપું છું, આશીર્વાદ આપું છું!’ મારા અંતરમાં મેં કશાંક પૂર આવતાં અનુભવ્યાં, કશીક શક્તિ જાગ્રત થતી અનુભવી – પછી પ્રણામ કરી હું મૂંગો મૂંગો બહાર વરંડામાં આવ્યો અને, રેલવે સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. મેં પાછળ જોયું, તો, મારી તરફ જોતા એ વરંડામાં ઊભા હતા. સ્ટેશનમાં હું અદૃશ્ય થયો ત્યાં સુધી એ ત્યાં જ ઊભા હતા.
કલકત્તા પહોંચી હું પ્રથમ અદ્વૈત આશ્રમમાં ગયો અને પછી બેલુર મઠમાં પહોંચ્યો. ત્યાં પહોંચ્યો તો, સ્વામી અખંડાનંદજી ત્યાં પહોંચી ગયા હતા, કારણ એ સીધા આવ્યા હતા અને હું અદ્વૈત આશ્રમમાં થઈને ગયો હતો. મહાપુરુષજીના મસ્તિષ્ક શૂળ (Cerebral stroke)નો તાર એમને મળ્યો હતો. મને જોઈને કહે, ‘શંકર, તારકદાની સ્થિતિ જો. તું મને આ માટે બેલુર મઠ આવવાનું કહેતો હતો?’ પૂરો એક મહિનો મહાપુરુષજી મહારાજની તબિયત ઘણી જ ગંભીર રહી. પણ પછી ભાન આવ્યું. એ બોલી શકતા ન હતા પણ, પોતાના હાથ હલાવી શકતા અને હાસ્યથી પ્રતિભાવ આપી શકતા. ખૂબ કાળજીપૂર્વક પરિચર્યા કરવામાં આવી હતી. માથા ઉપર બરફના થરના થર સતત રાખવામાં આવતા અને તેથી એમની સ્થિતિ સુધરી હતી.
સ્વામી અખંડાનંદજીએ મને કહ્યું : ‘મને થોડો સંધિવા છે, મેં સાંભળ્યું છે કે, ગુરુવાયુરના શ્રીકૃષ્ણમંદિરનું તેલ એમાં રાહત આપે છે.’ મેં એમને કહ્યું, ‘હું એ મોકલી આપીશ.’ પછી મહાપુરુષજી મહારાજની રજા માટે હું ગયો. હાથ ઊંચો કરી એમણે આશીર્વાદ આપ્યા અને પોતાના પ્રિય સેવક શંકર મહારાજ (સ્વામી અપૂર્વાનંદજી)ને ઈશારાથી કહ્યું કે, ચામુંડી મંદિર માટે અને આશ્રમમાં ઠાકુરને ધરવા માટે મને કંઈક આપે. શંકર મહારાજ એ સમજી ગયા અને મને થોડા પૈસા આપ્યા. પછી એમને અને અખંડાનંદજીને પ્રણામ કરીને મૈસૂર જવા હું રવાના થયો. ચામુંડીના મંદિરની મુલાકાતે મહાપુરુષજી આવી ગયા હતા. મેં ત્યાં પૂજા કરી. અમારા આશ્રમમાં પણ તેમ કર્યું અને બેલુર મઠમાં એમને પ્રસાદ તથા સ્વામી અખંડાનંદજીને તેલ, એમ બેઉ મોકલી આપ્યાં. બીજે વર્ષે, ૧૯૩૪ના ફેબ્રુઆરીમાં, મહાપુરુષજી મહારાજનો દેહ પડ્યો અને સ્વામી અખંડાનંદજી અધ્યક્ષ બન્યા. સંઘના અધ્યક્ષ મહાપુરુષજી મહારાજ સાથે અને ઉપાધ્યક્ષ સ્વામી અખંડાનંદજી મહારાજ સાથે મારે આ સંબંધ હતો.
બેલુર મઠમાં હું બ્રહ્મચારી તરીકે હતો ત્યારે, ખોકા મહારાજ, સ્વામી સુબોધાનંદજી, સ્વામી વિવેકાનંદના શયનખંડની ઉત્તરના ઓરડામાં રહેતા હતા. હું એમની સાથે થોડો સમય ગાળતો. ગંગાની સામે આવેલા વરંડામાં એ પડ્યા રહેતા અને, બાળકની માફક હુક્કાનો આનંદ માણતા. હું એમની બાજુમાં બેસતો. હું એમની સાથે ઘણી છૂટ લેતો. એમના પેટ પર હું હાથ ફેરવતો હોઉં ત્યારે એ વિવિધ વિષયો બાબત વાતો કરતા.
શ્રીરામકૃષ્ણ જન્મ શતાબ્દી પ્રસંગે, ૧૯૩૭માં મઠની મારી ત્રીજી મુલાકાત હતી. ત્યારે સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ અધ્યક્ષપદે હતા. એ દૂર અલાહાબાદમાં હતા. હું બેલુરથી વારાણસી ગયો. મેં વિચાર્યું કે અલાહાબાદ નજીક જ છે તો ચાલો ત્યાં જઈ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજને મળું. એટલે હું વારાણસીથી અલાહાબાદ ગયો. ત્યાં આશ્રમમાં જઈ મેં સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજને પ્રણામ કર્યા. એ દહાડો હતો ૧૯૩૭ના એપ્રિલની ૧લી તારીખનો. મહારાજને કેન્દ્રમાં રાખીને બીજા ભક્તો સાથે એક સમૂહ ફોટો લેવાયો. હું પણ તેમની બાજુમાં હતો. અધ્યક્ષ થયા પછીનો એ એમનો પહેલો ફોટો છે. પણ એ ફોટો ક્યાંક ગોટે ચડી ગયો છે. અલાહાબાદ આશ્રમે પ્રકાશિત કરેલા નવા આલ્બમમાં એ છબી નથી. એપ્રિલની ૧લી તારીખ એ હતી. એ જ દહાડે, પ્રાંતિક સ્વરાજના આરંભ હેઠળ જુદા જુદા પ્રાંતોમાં કોંગ્રેસે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં.
મેં જોયું કે, હંમેશાંની માફક, હજામતનો સામાન અને ફલાણા ને ઢીંકણાથી સ્વામી વિજ્ઞાનાનંદજીનાં ખિસ્સાં છલકાતાં હતાં. એ એમની આદત હતી. ‘હું આપના આશીર્વાદ લેવા આવ્યો છું’ એમ મેં એમને કહ્યું ત્યારે એ બોલ્યા, ‘ઠીક, ઠીક, તું મને મળી ગયો તો હવે નળેથી પાણી પી લે અને પછી પાછો ઊપડી જા.’ એમના આ શબ્દોથી હું મલકાયો. મને પહેલેથી જ ખબર હતી કે એ એકાંતપ્રિય હતા. પણ ત્યાંના બીજા સ્વામીઓએ કોઈ બંગાળી કુટુંબને ઘેર મારા ભોજનની વ્યવસ્થા કરી હતી અને, મારા જીવનનું સૌથી સ્વાદિષ્ટ ભોજન મેં તે દિવસે માણ્યું. પછી હું પાછો વારાણસી ગયો અને ત્યાંથી કલકત્તા પહોંચ્યો અને ત્યાંથી મૈસૂર ગયો. સ્વામી વિજ્ઞાનાનંદજી અગાઉ મદ્રાસ અને મૈસૂર આવ્યા હતા અને ત્યાં તેમણે કેટલાકને દીક્ષા આપી હતી.
પંદર વર્ષની વયે મેં પહેલી વાર ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચ્યું હતું ત્યારથી જ, એના લેખક ‘મ’ (કે મહેન્દ્રનાથ ગુપ્ત) વિશે મને ખુબ આદર અને પ્રેમ જાગ્યા હતા. એટલે, ૧૯૨૯માં, બ્રહ્મચર્યદીક્ષા માટે હું બેલુર મઠમાં હતો ત્યારે, એમને મળવા જવાની તક મળતાં મને ખૂબ આનંદ થયો હતો. એક વાર, બીજા બે સાધુઓ સાથે હું કલકત્તામાં એમને પ્રેમપૂર્વક પ્રણામ કરવા ગયો હતો. એમને ત્યાં મેડી ઉપર અમે સાંજે પહોંચ્યા અને લગગભ ત્રણ કલાક એમની સાથે ગાળી, એમની પાસેથી શ્રીરામકૃષ્ણ વિશે વાતો સાંભળી. શ્રીરામકૃષ્ણ સિવાય એમની પાસે બીજી કશી વાત જ ન હતી. એમની પાસેથી વિદાય લેતી વખતે એમણે અમને ફળો અને મીઠાઈ ભરેલી ટોપલી આપી. લેતી વખતે મેં પૂછ્યું, ‘આ ઠાકુરને ધરવા માટે છે ને?’ ‘ના, ના’ એ બોલ્યા; ‘એ બધું સાધુઓ માટે છે. ઠાકુરે મને નિત્ય સાધુ સેવા કરવા કહ્યું છે’ એ એમના શબ્દો હતા. એટલે એ ટોપલી લઈ હું મઠમાં આવ્યો અને સાધુઓને વહેંચવા માટે તે ભંડારમાં આપી.
સ્વામી અભેદાનંદજી મહારાજને એમના કલકત્તાના આશ્રમમાં મળવાની તક મને સાંપડી હતી. એમણે પોતાનાં પ્રવચનો વિશે મારી જોડે વાત કરી. એમનાં પ્રવચનો મેં વાંચ્યાં હતાં. ૧૯૩૭માં શ્રીરામકૃષ્ણ શતાબ્દી સમયે કલકત્તાના ટાઉન હૉલમાંના એમના પ્રવચનમાં હું ગયો હતો. યુનિવર્સિટી ઈન્સ્ટિટ્યૂટમાં રવીન્દ્રનાથ ઠાકુરનું પ્રવચન પણ મેં સાંભળ્યું હતું. ઠાકુરના નિજી શિષ્યો અને રવીન્દ્રનાથ સાથે સંકળાયેલાં આ મારાં સંસ્મરણો છે.
મહાપુરુજી મહારાજની વાત કરું તો, એમના માર્ગદર્શને મને પ્રચંડ આધ્યાત્મિક શક્તિ આપી. મારા પત્રોના ઉત્તરોમાં ‘મારા પ્રિય યતિ ચૈતન્ય’ આ મીઠા સંબોધન સાથેના એમના પત્રો આવતા. કોઈ વાર વળી, ‘મારા પ્રિય શંકરન’ સંબોધન પણ હોય. પત્રોમાં લખાણ એમના સેક્રેટરી સ્વામી ગંગેશાનંદ કે દ્વિજેન મહારાજના હાથનું હોય. એક વાર મેં એમને પૂછેલું કે પત્રોમાં એમનું પોતાનું કંઈ લખાણ હોય કે નહીં. એમનો જવાબ હતો : ‘કદી જ નહીં. બધું મહારાજનું જ લખાવેલું. એ જે લખાવે તે જ મારે લખવાનું.’ ૧૯૨૭થી ૧૯૩૧ સુધીમાં આધ્યાત્મિક માર્ગદર્શન માટે મહાપુરુષજી મહારાજને મેં આઠેક પત્રો લખ્યા હતા. એ સૌના પ્રત્યુત્તર મને મળ્યા હતા. એ પત્રો બેલુર મઠના શ્રીરામકૃષ્ણ સંગ્રહાલયને મેં આપ્યા છે. ૧૯૨૭ના ડિસેમ્બરમાં વારાણસીથી લખેલા એક પત્રમાં એમણે લખ્યું હતું : ‘તારા પત્રથી મને આનંદ થયો છે. તારી જાતમાં અને શ્રીરામકૃષ્ણમાં તને શ્રદ્ધા હશે તો તને ફત્તેહ મળવાની જ છે. એમનો સ્વભાવ એવો છે કે, જે સંઘર્ષ કરે તેને એ સહાય કરે જ, તું બરાબર સમજી લેજે કે ઠાકુરનો વરદ હાથ તને દોરી રહ્યો છે. નહીં તો તું ક્યારનોયે હારીને સામાન્ય જન બની બેસી ગયો હોત. એટલે તારે ડરવાની જરૂર નથી…એમની કૃપાથી મનનું વલણ બદલાશે અને એ દાસી બની ઊભું રહેશે.’
અને ૨-૭-૧૯૩૦ના બેલુરથી લખેલા બીજા એક પત્રમાં મહાપુરુષજીએ મને લખ્યું હતું : ‘તારો પત્ર અને શ્રી ચામુંડી દેવીનો પ્રસાદ મળ્યાં. મારા આશીર્વાદ છે. આટલું જલદીથી તારે પાછા અહીં આવવાની જરૂર નથી. રેલભાડા પાછળ આટલા પૈસા શા માટે વેડફવા?… જ્યાં હો ત્યાં, ગુરુ મહારાજને પ્રાર્થના કર. એમની કૃપાથી જ તને શાંતિ લાધશે. અહીં તહીં આથડવાની જરૂર નથી. કામ છોડજે જ મા. એને પ્રાર્થના અને ધ્યાન સાથે જોડવાની કોશિશ કર.’
એટલે પછી અહીં તહીં તપસ્યા માટે ભટકવાની મેં માથાકૂટ કરી જ નહીં. હું સંઘમાં જોડાયો તે દિવસથી જ હું તપસ્યા કરું છું એમ માનતાં હું શીખ્યો અને સંઘમાંનું મારું જીવન અને કાર્ય પણ તપસ્યા જ છે એમ મને લાગવા માંડ્યું. સ્વામી વિવેકાનંદના એક પત્રમાનું એક વાક્ય મારા વ્યક્તિત્વના વિકાસમાં સહાયરૂપ બન્યું છે, તે છેઃ ‘ગંભીરતાને સરળતા સાથે ભેળવતાં શીખો.’
સ્વામી નિર્મલાનંદજી સાથેના સંપર્કનો પણ હું ઉલ્લેખ કરું છું. એ ભલે શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય ન હતા પણ, એમને રૂબરૂ મળ્યા હતા. એમને હું પહેલી વાર મળ્યો તે જરા દુઃખદ અનુભવ હતો. ૧૯૨૭માં પોન્નમપેટ જવા માટે એ બેંગ્લોરથી મૈસૂર આવ્યા. એમને લેવા માટે સ્વામી સિદ્ધેશ્વરાનંદજી અને હું સ્ટેશને ગયા. અમને જોતાંવેંત એમણે ઉચ્ચારેલું પ્રથમ વાક્ય હતું : ‘બેલુર મઠ સાવ ખાડે ગયો છે.’ મારે માટે એ વધારે પડતું હતું. પછી મને એમનામાં જરીય રસ ન રહ્યો. પછીથી હું પોન્નમપેટ આશ્રમમાં ગયો અને એમને મળ્યો હતો. ત્યાર પછી ૧૯૩૧માં, બેંગ્લોર મઠની મિલકતને પોતાની અંગત હોવાનો એમણે દાવો કર્યો. તે અંગે ૧૯૩૧માં બેંગ્લોરનો કૉર્ટ કેસ ચાલ્યો. બેલુર મઠનો એ મિલકત પર દાવો કરવામાં રસ ન હતો પણ, સર અલ્લાડી કૃષ્ણસ્વામી અય્યર જેવા ખ્યાતનામ વકીલોએ, સમગ્ર સંઘના હિતનો ખ્યાલ રાખીને, સ્વામી નિર્મલાનંદજીના દાવાને પડકારવાની સલાહ આપતાં મામલો કોર્ટે ગયો. રામકૃષ્ણ મઠ અને મિશનના ઑસિસ્ટંટ સૅક્રેટરી સ્વામી અમૃતેશ્વરાનંદજીએ ખૂબ કુશળતાપૂર્વક રજુઆત કરી. કેસ, ૧૯૩૫માં પૂરો થયો. કૉર્ટે ચુકાદો આપ્યો કે બૅંગ્લોર આશ્રમ પરનું સાચું આધિપત્ય બેલુર મઠનું છે. અને બેંગ્લોર આશ્રમનો કબજો લેવા માટે સ્વામી ચિન્માત્રાનંદને અને મને મોકલવામાં આવ્યા હતા.
તો શ્રીરામકૃષ્ણના પાંચ સંન્યાસી શિષ્યોના આ મારાં સંસ્મરણો છે. એ પાંચ છે : સ્વામી શિવાનંદજી, સ્વામી અખંડાનંદજી, સ્વામી સુબોધાનંદજી, સ્વામી અભેદાનંદજી અને સ્વામી વિજ્ઞાનાનંદજી, આ સિવાય માસ્ટર મહાશય.
ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા
(‘ધ વેદાંત કેસરી’ નવેમ્બર, ૧૯૯૭માંથી સાભાર)
Your Content Goes Here




