બેથી પણ વધુ શતકો જેટલાં વર્ષોથી આપણે યુરોપીય દૃષ્ટિકોણથી ઈતિહાસ લેખન કરતા આવ્યા છીએ. આ સમય દરમ્યાન યુરોપની મુખ્ય પ્રવૃત્તિ સંસ્થાનો માટેની દોડ હતી, તેને પરિણામે વિશ્વના ઈતિહાસ-લેખનમાં પણ તે હેતુ જ પ્રતિબિંબિત થાય છે. આ બાબત સૌ કરતાં વધારે તો પ્રાચીન ભારતના ઈતિહાસ માટે વધુ પ્રસ્તુત છે. ભારતે તેના પ્રાચીનતમ અને અતિવિસ્તૃત ઐતિહાસિક સ્રોતોને જાળવી રાખ્યાં છે. પરંતુ આજે ભારતના ઈતિહાસનાં શૈક્ષણિક પુસ્તકોમાં વેદો અને પુરાણો જેવા ઐતિહાસિક ગ્રંથોનું અત્યંત વિષમ રૂપે અર્થઘટન થાય છે અને ઉલટાનું તેમાં સાંસ્થાનિક હેતુઓ અને હિતોને જ વાસ્તવિક હકીકતોવાળો ‘ઈતિહાસ’ ગણાવામાં આવે છે. આમાં ઉપહાસરૂપ તો એ છે કે જે યુરોપીય ‘ઈતિહાસકારો’એ તેથી જ, પ્રાચીન ભારતનો ઈતિહાસ લખ્યો, તેઓ મુખ્યત્વે તો અંગ્રેજોની કંપની સરકારના નોકરિયાતો હતા અથવા ચર્ચના મિશનરીઓ જ હતા. તેમનામાં, ઈતિહાસ-લેખન માટેની જરૂરી આવડતો કે કૌશલ્ય અને અભિગમ પણ હતાં નહિ!
તાજેતરમાં પુરાતત્ત્વશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, પ્રાચીન ગણિતશાસ્ત્ર જેવામાં થયેલી નવી શોધખોળો, કૃત્રિમ ઉપગ્રહો દ્વારા લેવાયેલી છબીઓ અને ખાસ તો આવી માહિતીના આધારે પ્રાચીન અભિલેખોનાં નવાં સાહસિક અર્થઘટનો દ્વારા હવે ભારત તેમજ વિશ્વના પ્રાચીન ઈતિહાસ અંગે એક વધુ સારી સમજ કેળવી શકવાને આપણે સમર્થ બન્યા છીએ. આપણા પ્રાચીન અભિલેખોમાંની વિગતોને, જેને આપણે પરંપરાગત રીતે સાચવી રાખેલ છે, તેનું સમર્થન આ નવી શોધખોળો કરતી જણાય છે. આ નવી માહિતી મુજબ, ભારતીય સંસ્કૃતિનાં મૂળ ઈ.પૂ. ૭૦૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન સમયમાં જણાય છે. ક્રમશઃ એ પણ સ્પષ્ટ થતું જાય છે કે વિખ્યાત ઋગ્વેદ અને વૈદિક સંસ્કૃતિનો વિકાસ થવામાં તે સમયે પૃથ્વી પરની વિશિષ્ટ પરિસ્થિતિ કારણભૂત હતી – એ સમયે છેલ્લા હિમયુગ પછી બરફનાં શિખરો પીગળવા લાગ્યાં હતાં. સંશોધનો દ્વારા એ પણ જાણવા મળે છે કે ‘આર્યોના ભારત પરના આક્રમણ’નો વિચાર કેવળ તે સમયે યુરોપીય રાજકારણ અને મિશનરીઓના હિતોને ધ્યાનમાં રાખીને જ રજૂ કરવામાં આવ્યો હતો અને નહિ કે પ્રાચીન ભારતીય અભિલેખો કે વિજ્ઞાનશાસ્ત્રોમાં દર્શાવાયેલી હકીકતોને ધ્યાનમાં રાખીને. રાજકીય કારણો ઉપરાંત બીજું કારણ એ પણ હતું કે ૧૯મી સદીના ઈતિહાસના વિદ્વાનોમાં વિજ્ઞાનના જ્ઞાનનો તદ્દન અભાવ હતો. ભાષાશાસ્ત્રમાં થયેલી નવી શોધોને તેમણે એક ક્રિશ્ચિયન મતાગ્રહ (Dogma) સાથે જોડી દીધી, કે ઈ.પૂ. ૪૦૦૪ના વર્ષની ૨૩મી ઑક્ટૉબરે જગતની ઉત્પત્તિ થઈ હતી પણ ભારતથી માંડીને આયર્લેન્ડ સુધી બોલાતી ઈન્ડો-યુરોપિયન ભાષાનાં મૂળ તો ઈ.પૂ. ૪૦૦૦ થી પણ વધુ પ્રાચીન સમયના ભારતમાંથી જ મળી આવે છે, એ વાત પણ વધુ સ્પષ્ટ ચૂકી છે. પરંતુ આ બધાંમાં સૌથી વધુ નાટકીય શોધ તો એ હકીકતની છે કે ઈજીપ્ત, મેસોપોટેમિયા અને સિંધુ સંસ્કૃતિથી પણ વધુ પ્રાચીન આધ્યાત્મિક સાંસ્કૃતિક સ્તરનું અસ્તિત્વ વેદયુગીન ભારતમાં જણાઈ આવે છે. સંસ્કૃતિના ઉદય અગાઉની પૂર્વભૂમિ-જગતની આદ્ય સંસ્કૃતિનું ઉદ્ભવસ્થાન હતું – સિંધુથી લઈને ગંગા સુધીનો પ્રદેશ.
આ નવીન શોધખોળોને આધારે હવે ઘણા ભારતીય તથા અમેરિકન વિદ્વાનોએ ભારત અને વિશ્વના ઈતિહાસનું તદ્દન નવું સ્વરૂપ રજૂ કરવા માંડ્યું છે. અત્રેના લેખમાં લેખકનાં પોતાનાં બે પુસ્તકોમાંના એક, ‘ધી પૉલિટિક્સ ઑફ હિસ્ટ્રી’, એમ.એસ. રાજારામ અને ‘વૈદિક આર્યન્સ ઍન્ડ ધી ઑરિજિન્સ ઑફ સિવિલાઈઝેશન’ ડૅવિડ ફ્રૉલીના પુસ્તકની સંક્ષિપ્ત રજૂઆત કરવામાં આવી છે. – સં.
(ગતાંકથી આગળ)
‘આર્ય’ શબ્દનો અર્થ શું છે? યુરોપિયન પ્રજાને ‘આર્ય’ શબ્દ અંગે લજ્જા આવે તે હિટલર અને નાઝીવાદના અત્યાચારી યુગ પછીના સમયે સમજી શકાય છે. પરંતુ તેમાં યુરોપિયનો પોતે જ ગુનેગાર છે; ભારતની તો તેમાં કોઈ જ ભૂમિકા નહોતી. ખેર, જે ‘આર્ય’ લોકો ભારતમાં છે તેઓ તો શતકોથી ભારતમાં જ વસવાટ કરતા આવ્યા છે, છતાં તેમણે તો કદી એવો ઘૃણાસ્પદ અત્યાચાર કે ગુનો આચર્યો નથી. વળી ‘આક્રમણ’ દ્વારા જ હડપ્પા સંસ્કૃતિનો નાશ થયો તેવો વિચાર પણ યુરોપિયનોને જ આવ્યો છે, ભારતના અભિલેખો તેનું સમર્થન કરતા નથી. આર્યોને એક ‘જાતિ’ (Race) તરીકે ઓળખવાની બાબતમાં પણ આ જ વાત પ્રસ્તુત છે, કેમ કે ભારતીય પરંપરામાં તેવા અર્થને કોઈ સ્થાન નથી. સંસ્કૃત ભાષામાં ‘આર્ય’ શબ્દનો અર્થ ‘પતિ’ નહિ બલ્કે ‘ભદ્ર વ્યક્તિ’ કે ‘કુલીન અથવા શાલિન વ્યક્તિ’ એવો થાય છે. ‘અમરકોશ’ જણાવે છે :
‘આર્ય એક ભદ્ર કુટુંબની વ્યક્તિ છે, તેનો વ્યવહાર મૃદુ અને આચરણ નમ્ર હોય છે, તે શાંત સ્વભાવનો અને સમ્યક્ વર્તનવાળો હોય છે.’
ઋગ્વેદમાં કુલ ૩૬ વખત ‘આર્ય’ શબ્દ પ્રયોજાયો છે, પરંતુ એક પણ વખત તેનો અર્થ ‘જાતિ’ તરીકે થયો નથી. આમ ભારતીયોએ ‘આર્ય’ શબ્દથી શરમાવાની આવશ્યક્તા નથી, ઉલટાનું, તે ‘આર્યો’ એ તો એક મહાન સંસ્કૃતિનું સર્જન કર્યું છે, વિશ્વભરને સંસ્કાર આપ્યા છે.
યુરોપિયનોએ શા માટે ‘આર્ય’ શબ્દનો અર્થ ‘જાતિ’ તરીકે કાઢ્યો, તે સમજવા માટે આપણે ૧૮મી અને ૧૯મી સદીના યુરોપને સમજવું પડશે. ખાસ કરીને જર્મનીના પૂર્વસંદર્ભમાં, તેમની જ્યુ વિરોધી ભાવનામાંથી આ વિકૃત વિચારો ઉદ્ભવ્યા છે.
પૉલિયાકૉવ, શાફર અને અન્ય વિદ્વાનોએ કરેલાં તાજેતરનાં સંશોધનો જણાવે છે કે આ સમયના યુરોપિયનોને -ક્રિશ્ચિયન યુરોપિયનોને-પોતાની ઓળખમાંથી ‘જુડાઈઝમ’ (Judaism)નું કલંક દૂર કરવું હતું. બાઈબલનું એક મહત્ત્વનું લખાણ છે, જૂનું પ્રતિજ્ઞાપત્ર (Old Testament), જે નિઃશંક રીતે જ્યુ પ્રજાનું સર્જન છે અને તેમાં માનવ-ઈતિહાસની પરંપરા પણ આલેખાઈ છે.
આ જ્યુ-વારસાથી છૂટા પડવાની મહેચ્છાને કંઈક ઐતિહાસિક આધાર આપવા માટે જ્યારે યુરોપના વિદ્વાનોએ વિશ્વમાં દૃષ્ટિ દોડાવી ત્યારે બે પ્રાચીનતમ સંસ્કૃતિઓ તેમણે જોઈ – ભારતની અને ચીનની – તેમાંથી તેમણે ભારતની સંસ્કૃતિને પૂર્વજ બનાવવામાં વધુ તર્ક જણાયો અને એ રીતે પોતે ‘આર્ય’ બન્યા. વળી તે માટે સમગ્ર માનવજાતને ‘આર્યત્વ’ ન આપ્યું; ફક્ત એ જ ગૌર પ્રજા ‘આર્ય’ જાતિ બની જે એશિયાના પહાડોમાંથી ઊતરી આવી, ક્રિશ્ચિયન બની અને યુરોપને પોતાનું સંસ્થાન બનાવીને ત્યાં વસવાટ કરવા લાગી. વૉલ્ટૅર જેવો બુદ્ધિશાળી વિદ્વાન પણ જણાવે છે કે ‘આપણને આપણાં ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, પુનર્જન્મ વગેરેના બધા વિચારો ગંગાના તટેથી જ વારસામાં મળેલા છે,’ એવી તેને ખાતરી હતી. (આમાં, જ્યુ લોકો યુરોપની આદિ પ્રજા હોવાથી ‘આર્ય’ ન કહેવાય તે સ્પષ્ટ છે.)
આજના વિદ્યાર્થીને એની કલ્પના પણ નહિ થાય કે ૧૮મી અને ૧૯મી સદીના યુરોપમાં જાતિવાદી વિચારોનો કેટલો મોટો પ્રભાવ હતો. ઘણા શિક્ષિત લોકો શ્રદ્ધાપૂર્વક માનતા હતા કે માણસની ગુણવત્તા તેનાં શારીરિક લક્ષણો જેવાં કે આંખનો રંગ, નાકની લંબાઈ, વગેરે પરથી ઠરાવી શકાય છે. આ વિચાર માત્ર પૂર્વગ્રંથિ જ નહિ બલકે સૈદ્ધાંતિક વિચારસરણી બની ચૂક્યો હતો.
આ વિચારની સૈદ્ધાંતિક પામરતા આજના માર્ક્સવાદ જેવી ગણી શકાય. માર્ક્સની આર્થિક વિચારસરણીઓની જેમ આ જાતિવાદી વિચારસરણી પણ નિરાધાર પૂરવાર થઈ ચૂકી છે. મૉલૅક્યુલર જૅનૅટ્રિક્સ (Molecular Genetics)ના વિજ્ઞાને આ જાતિવાદને તદ્દન કાલ્પનિક હોવાનું પ્રમાણિત કર્યું છે.
‘આર્યોના આક્રમણ’ના મંતવ્યથી યુરોપિયનો પોતાને જ્યુ-વારસામાંથી મુક્ત કરવા માગતા હતા અને એ જ રીતે તે મંતવ્ય ભારતને લાગુ પાડવાથી તેમની સંસ્થાનવાદી પ્રવૃત્તિઓને સમર્થન પણ મળતું હતું. જાણે આર્યો સાંસ્થાનિક યુરોપિયનોની બીજી – ભલે પ્રાચીન – આવૃત્તિ હતા. આ દૃષ્ટિથી પણ આ મતમાં કોઈ મૌલિકતા નથી.
તેમ છતાં આ સિદ્ધાંતનો – મંતવ્યનો સૌથી વધુ પ્રભાવ જર્મનો પર પડ્યો. જર્મન રાષ્ટ્રવાદ એ ૧૯મી સદીની સહુથી વધુ શક્તિશાળી રાજકીય ચળવળ હતી, અને તેમાં ‘આર્ય જાતિ’ના વિચારે ઘણું મોટું પ્રદાન પણ કર્યું. ૧૯મી સદીમાં જર્મની આજની જેમ મોટું શક્તિશાળી રાષ્ટ્ર ન હતું, બલકે એક વિભાજિત અને શક્તિહીન પ્રદેશોનો સમૂહ હતું, કોઈ ‘જર્મન રાષ્ટ્ર’નું અસ્તિત્વ જ ન હતું. તેની આસપાસનાં શક્તિશાળી રાષ્ટ્રો – ઑસ્ટ્રિયા અને ફ્રાન્સ – તેને સતત દબાવતાં રહેતાં અને તેમનાં સૈન્યો પ્રદેશોમાં મન ફાવે તે રીતે કૂચ કરતાં, જર્મનીને વિભાજિત રાખવામાં ફ્રાન્સનું હિત હતું અને ‘વિભાજિત રાખો અને રાજ્ય કરો’ એ જ નીતિ અંગ્રેજોએ ભારતમાં પછી અપનાવી હતી. મોટાં રાજ્યોની રાજકીય શતરંજમાં જર્મન પ્રજા પોતાને એક પ્યાદાં જેવી ગણતી હતી. તેથી જ આશ્ચર્ય નથી થતું કે ત્યાંના બુદ્ધિશાળી વર્ગે તેને રાષ્ટ્રવાદ તરફ પ્રેર્યા અને તેને સંતુલિત રાખવ ભારતની અનોખી સંસ્કૃતિમાંથી આશ્વાસન લેવાના પ્રયત્નો કર્યા.
હમ્બોલ્ટ, ફ્રૅડરિક અને વિલિયમ શ્લેગલ, શૉપનહૉર અને અન્ય કેટલાય વિખ્યાત જર્મન બૌદ્ધિકોએ ભારતીય સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. મહાન પ્રભાવશાળી બૌદ્ધિક હેગલનું પ્રિય કથન એ હતું કે ‘જર્મનો સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં તો ભારતીય ઋષિઓના શિષ્યો જેવા હતા.’ : ૧૮૨૭માં હમ્બોલ્ટે એવી જાહેરાત પણ કરી કે ‘ભગવદ્ગીતા દુનિયાની ઉચ્ચતમ, ગહનતમ શ્રેષ્ઠતમ વસ્તુ છે.’ રાષ્ટ્રવાદના જુવાળની પરાકાષ્ઠાના સમયે આ પ્રકારનું માનસ ત્યાં હતું.
જો જર્મનોએ ભારતમાં રૉમાન્સ અને ભાવાત્મક્તાનો સ્રોત જોયો – તો અંગ્રેજોએ કેવળ વ્યાવહારિકતા જ જોઈ. ૧૮૫૭ના બળવાની પહેલાંનાં ઘણાં વર્ષો પહેલાં જ તેમણે જોઈ લીધું હતું કે ભારતીય પ્રજાજનોના સહકાર વિના અંગ્રેજ હકુમત ટકી શકે તેમ નથી. થૉમસ બાબિંગ્ટન મૅકૉલેનો જન્મ ધર્મચુસ્ત કુટુંબમાં થયો હતો. તેમના મતે હિન્દુઓને ક્રિશ્ચિયન બનાવવાથી જ ભારતનો વહીવટી પ્રશ્ન ઉકેલી શકાય તેમ હતો. અંગ્રેજી શિક્ષણ પામેલો એક વર્ગ -ઉચ્ચવર્ગ ઊભો કરવો જે ભારતીય પરંપરાને વખોડતો રહે અને અંગ્રેજો સાથે હાથ મિલાવવા તત્પર રહે, તેવી યોજનાની શોધમાં તેઓ હતા. આ બાબતનો ઉલ્લેખ તેમણે પોતાની માતાને લખેલા એક પત્રમાં મળે છે :
‘આવતાં ત્રીસ વર્ષોમાં તો બંગાળના ભદ્ર વર્ગોમાં એક પણ મૂર્તિપૂજક રહેશે નહિ અને આપણે ધર્મપરિવર્તનનું આ લક્ષ્ય આપણે એક પણ કદમ ઉઠાવ્યા વિના અને ધાર્મિક સ્વાતંત્ર્ય ૫૨ કોઈ પણ જાતની તરાપ માર્યા વિના જ પૂરું કરી શકીશું- માત્ર જ્ઞાન અને ચિંતનના કુદરતી પરિણામ તરીકે. આ પ્રકલ્પને લીધે હું ઘણો આનંદિત છું.’
‘જ્ઞાન અને ચિંતન’ બ્રાહ્મણ વર્ગ કરતો થાય તો બીજા આપોઆપ ક્રિશ્ચિયન ધર્મ પ્રત્યે વળે. આ દૃઢાગ્રહ તેમણે એટલે સુધી રાખ્યો કે જ્યારે એક બીજા સમાન વિચાર ધરાવતો યોગ્ય અંગ્રેજ મળ્યો ત્યારે તેમણે આ યોજનાને વ્યાવહારિક રૂપ આપ્યું.
વળી તેઓ એવા પણ કોઈ વિદ્વાનની શોધમાં હતા કે જે પૂર્વના પવિત્ર ગ્રંથોનું ભાષાંતર એ રીતે કરે જેથી ‘બાઈબલ’ની ઉચ્ચતા પૂરવાર થાય અને ભારતીય ભદ્રવર્ગ તેને વધુ પસંદ કરે. ઘણા પ્રયત્ને તેમને એક એવો ગરીબ છતાં બુદ્ધિમાન વિદ્વાન મળ્યો – ફ્રૅડરિક મૅક્સમૂલર. તે આ દુસ્સાધ્ય કામ કરવા તૈયાર થયો અને મૅકોલેએ પોતાની લાગવગથી કંપની સરકાર તરફથી તેને પૈસાની સગવડ કરાવી આપી. આમ તો મૅકસમૂલર પોતે એક જર્મન રાષ્ટ્રવાદી જ હતા, પણ એક ‘ધર્મ’ના કામ તરીકે એમણે આ કાર્યનો સ્વીકાર કર્યો. અન્ય મહત્ત્વાકાંક્ષાઓ માટે પણ જોઈતું ધન આ કામથી તેમને મળે તેમ હતું. તેમણે કરેલું ભાષાંતર પછી ‘ધી સૅક્રેડ બૂક્સ ઑફ ધ ઈસ્ટ’ તરીકે પ્રસિદ્ધ છે. તેમનો આશય પણ ભારતીયોને ક્રિશ્ચિયન ધર્મ પ્રત્યે આકર્ષવાનો હતો તેનો પુરાવો તેમણે પોતાની પત્નીને ૧૮૬૬માં લખેલા એક પત્રથી પણ જણાય છે :
‘એ (ૠગ્વેદ) તેઓના ધર્મનું મૂળ છે અને મને લાગે છે કે જો તેમને એ મૂળ શું છે તે દેખાડીએ તે જ એક રસ્તો છે જે છેલ્લાં ત્રણ હજાર વર્ષથી રહેલાં એ મૂળને ઉખાડી નાખે.’
ડ્યુક ઑફ આર્ગીલ, સૅક્રેટરી ઑફ સ્ટેટ ફૉર ઈન્ડિયાને મૅકસમૂલરે બે વર્ષ પછી લખ્યું, ‘ભારતના પ્રાચીન ધર્મના પતનના દિવસો હવે નજીક છે અને જો ક્રિશ્ચિયન ધર્મ એનું સ્થાન નહિ લે, તો તે કોનો વાંક હશે?’
આ મંતવ્યો જણાવે છે કે ૨૦મી સદીના ‘લૉરેન્સ ઑફ ઍરેબિયા’ની જેમ મૅકસમૂલર અત્યંત બુદ્ધિમાન વિદ્વાન હોવા છતાં બ્રિટિશ સરકારના પગારદાર નોકરની રીતે જ રહ્યા અને બ્રિટિશ સંસ્થાનવાદને આગળ ધપાવવાનું કામ જ તેમણે કર્યું.
છતાં એક રાષ્ટ્રવાદી જર્મન તરીકે તેમણે પોતાના પદનો બેધારો ઉપયોગ કર્યો ખરો – એક વિશ્વમાન્ય સંસ્કૃત અને વેદના વિજ્ઞાનના પોતાના પદને લીધે એક ‘આર્યન રાષ્ટ્ર’ની અને ‘આર્યન જાતિ’ની વાત તેમણે વહેતી કરી એટલું જ નહીં, જર્મનીમાં તેમના વિચારોને ખૂબ સમર્થન આપવામાં આવ્યું. પરંતુ, આ વિચારધારાની પરાકાષ્ઠા છેવટે હિટલર અને નાઝીવાદના ભયંકર અત્યાચારોમાં પરિણમી. અલબત્ત, આ ભયંકર અમાનુષી આચરણોને માટે મૅકસમૂલરને જ જવાબદાર ગણવા યોગ્ય નથી, છતાં એક વિદ્વાન તરીકે તેમણે કરેલ પોતાના સ્થાન અને પ્રતિભાનો દુરુપયોગ -પછી ભલે તે તેના પોતાના સમયને જ અનુલક્ષીને થયો હોય – કરવા માટેની જવાબદારીમાંથી તો તેઓને મુક્ત ન જ રાખી શકાય. તેમણે માનવજાતની ખરાબમાંથી ખરાબ હોય તેવી પૂર્વગ્રંથિ -જાતિવાદ–ને ધર્મશાસ્ત્રીય સમર્થન આપ્યું. એટલા તો તેઓ દોષી ગણાય ખરા. જાણે નાઝીઓના જ્યુ-વિરોધી વલણને ‘ક્રિશ્ચિયન’ કહેવાય, તેવું તેમનું આ મંતવ્ય છે. જો કે તે વખતના બધા જ વિદ્વાનો આ પ્રકારના અર્થઘટનના દોષી નથી. જેમ કે મૅકસમૂલર જેટલો જ રાષ્ટ્રવાદી વિદ્વાન, વિલ્હૅલ્મ શ્લૅંગલ હંમેશાં ‘આર્ય’ શબ્દનો ઉપયોગ ‘ભદ્ર માનવ’ના અર્થમાં જ કરતા હતા. કોઈ અન્ય વિદ્વાને જો ‘આર્ય’ શબ્દનો જાતિવાદી અર્થ કાઢ્યો હોત તો તેને ‘અજ્ઞાન’ કહીને વખોડી કાઢી શકાત, પરંતુ મૅકસમૂલર જેવા મહાન અને જાગ્રત વિજ્ઞાને આ પ્રમાણેનું અર્થઘટન કર્યું તેને ‘અજ્ઞાન’ નહીં બલકે ગણતરીપૂર્વકનું જ લેખવું રહ્યું. એ ખરું છે કે મૅક્સમૂલરે પાછળથી એમ જાહેર કર્યું કે એમણે ‘આર્ય’ને જાતિ નહીં બલકે ‘ભાષાકીય જૂથ’ તરીકે ગણ્યું છે, પરંતુ આ દાવો પોકળ છે. તેમના સમયમાંના રાજકીય પ્રવાહો બદલાતાં તેમણે આવું જાહેર કર્યું તે સ્પષ્ટ છે. રાષ્ટ્રવાદનો જુવાળ જર્મનીમાં વધ્યો તેથી ઇંગ્લેંડ સાવધાન થતું હતું અને મૅકસમૂલરને ઇંગ્લેંડમાં રહેવું વધારે ફાવી ગયું હતું; હવે તેઓ પોતાના અંગ્રેજ માલિકોને નારાજ કરવા ઈચ્છતા ન હતા. ખાસ તો ૧૮૭૧માં થયેલી ફ્રૅન્કો – પ્રશિયન યુદ્ધમાં જ્યારે ફ્રાન્સ હારી ગયું ત્યારે ઇંગ્લેંડમાં હોબાળો મચી ગયો હતો. ત્યાર પછી પ્રશિયાની નેતાગીરીમાં જર્મન સામંતો અને પ્રજાનું એકીકરણ થયું અને એકાએક જ આ નવું જર્મન રાષ્ટ્ર યુરોપનું સૌથી વધુ પ્રજા ધરાવતું અને શક્તિશાળી રાષ્ટ્ર બની ગયું. એનો ભય સૌથી વધુ ઇંગ્લેંડને પહોંચતો હતો અને તેઓનું માનવું હતું કે ભારત અને સંસ્કૃતના અભ્યાસોએ આ રાષ્ટ્રવાદી – માનસ જર્મનીમાં ફેલાવ્યું હતું. કલકત્તા યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઈસ-ચાન્સેલર, જેઓ વાઈસરૉયના પણ સલાહકાર હતા, તે સર હેન્રી મૅઈનના શબ્દોમાં, ‘સંસ્કૃતમાંથી એક રાષ્ટ્રનું સર્જન થયું છે.’ આવી મનઃસ્થિતિ જ્યારે પોતાના માલિકોની હોય, ત્યારે તેના મૂળ જેવા મૅક્સમૂલરે પોતાનાં મંતવ્યોનું લોકોને રુચે તેવું જ અર્થઘટન આપવું રહ્યું – ‘જાતિ’ નહીં પણ ‘ભાષાકીય જૂથ’ તરીકે આર્યોની ઓળખ છે, એમ કહેવાનું કારણ આ છે.
જો કે અંગ્રેજોના ડરનું કારણ ભારતના ૧૮૫૭ના બળવાના ચાલુ રહેલા પડઘાઓ જ હતા. મૅકસમૂલરે પોતાનું અને અંગ્રજોનું હિત જોતાં એક શતકથી ચાલ્યા આવતા – પોતાના જ વિચારોથી ૨૦ વર્ષથી પુષ્ટિ પામેલા – ‘આર્ય જાતિ’ (Aryan race)ના વિચારોને વખોડી નાખ્યા અને કારકિર્દીના બાકીનાં ત્રીસ વર્ષો આ વિચારધારાનો પ્રખર વિરોધ કરવામાં ગાળ્યાં. પરંતુ થનારું નુકસાન થઈ ચૂક્યું હતું. આપણે ભલે મૅકસમૂલરને તેમના નવા વિચારો માટે આજે યાદ કરીએ, પણ જેઓ આખી વાત જાણે છે, તેઓ જ તેમના આ દૃષ્ટિકોણની ફેરબદલીનું રહસ્ય જાણે છે અને એક મહત્ત્વની બાબત અત્રે આપણે યાદ કરવાની છે – શું આ આખીય પ્રક્રિયામાં વિજ્ઞાન અથવા વૈજ્ઞાનિક પદ્ધતિઓને કોઈ સ્થાન હતું? નહિ જ.
યુરોપિયનો – ખાસ તો જર્મનોએ એક નાટ્યકથા જોડી કાઢી કે જેનું પુનરાવર્તન વારંવાર થવાથી તે એક દૃઢ ‘હકીકત’ અને દૃઢ માન્યતા બની ગઈ, એમાં પણ જો કે આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. પોતે પોતાની ઐતિહાસિક ઓળખ ઊભી ક૨વા માગતા હતા અને એમાં તેમને એક વિદ્વાનનો – આખી યે સંસ્કૃતિનો – સહારો મળ્યો! સ્વાભાવિક રીતે અંગ્રેજોએ આ વિચારધારાનું શરૂઆતમાં સ્વાગત કર્યું- જેથી તેઓ ‘આર્યો’ને પણ પોતાની જેમ સંસ્થાનવાદી બતાવી શક્યા અને પોતે પણ ભારતને સંસ્કૃતિ આપનાર ‘આક્રમણ’ કરનારા તરીકે સ્વીકાર પામે તેમ તેઓ ઈચ્છતા હોય તે પણ સ્વાભાવિક ગણાય. પરંતુ ઈતિહાસના સત્યને રજૂ ન કરવા માટે પણ પ્રચારના હેતુથી જે વિચારધારા ઊભી કરવામાં આવી હતી તે વિચારધારા પ્રત્યે આજના ભારતીય ઈતિહાસકારોના પ્રેમ અને પક્ષપાતને કઈ રીતે સમજી શકીશું? આમ કરવું તે કંઈ તેમની પ્રતિષ્ઠા વધારે છે, એમ પણ નથી જ અને નથી તેમની બુદ્ધિનું સારું પ્રદર્શન થતું. વૈજ્ઞાનિક, અત્યાધુનિક રીતોથી ઈતિહાસનું પુનઃપઠન હવે કરવું ઘટે છે તેમાં કોઈ શંકા નથી.
ઈતિહાસકારોની અવૈજ્ઞાનિક વિચારપદ્ધતિને લઈને એ ઐતિહાસિક સમસ્યાઓ વધુ ગૂંચવાઈ ગઈ છે – કે ભારત અને શ્રીલંકાથી લઈને ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સુધી – એકમેકથી સંબંધિત ભાષાઓ કઈ રીતે બોલાય છે? અને બીજું, અર્ધપકવ ભાષાશાસ્ત્રીય વિચારોને લીધે ઉદ્ભવેલા ‘આર્યોના આક્રમણ’ના મંતવ્યને અંગે પુનર્વિચાર કરવો જરૂરી છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહે છે, “કોઈ પણ વિચારધારાનો વિરોધ હકીકતો દ્વારા થવો જોઈએ નહિ.” આથી, આપણે ભારતના પ્રાચીન અભિલેખોનો, સ્મૃતિવારસાનો અને અન્ય પુરાવાઓનો અભ્યાસ વધુ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવો રહ્યો.
આપણા માહિતીસ્રોતો વિષે થોડું જાણીએ. આમાં વેદયુગીન, પૌરાણિક અને ઐતિહાસિક મહાકાવ્યોના સાહિત્યનો સમાવેશ થાય છે. વેદોમાં ખાસ ઐતિહાસિક માહિતી મળતી નથી, પુરાણોમાં તે ઘણા મોટા પ્રમાણમાં પ્રાપ્ય છે. આ ત્રણેય સ્રોતોમાં ‘આર્યોના આક્રમણ’નું ન કોઈ જ્ઞાન છે, ન સ્મૃતિ છે. તેઓ ભારતને જ પોતાનું ‘વતન’ ગણે છે એ સ્પષ્ટ છે અને તે આપણે યાદ રાખવું ઘટે છે. ૧૯મી સદીના ઈતિહાસકારોએ પોતાના પ્રિય મંતવ્યને સમર્થન આ સ્રોતોમાંથી ન મળવાને કારણે એમ જ ઠરાવ્યું કે ભારતીયોમાં ‘ઐતિહાસિક બુદ્ધિ’ (Historical Sense)નો જ અભાવ હતો! પરંતુ અગાઉના – પૂર્વગ્રંથિઓ રહિતના વિદેશી પ્રવાસીઓ – ગ્રીસ અને ચીનથી ભારત આવેલા પ્રવાસીઓના અહેવાલોમાં ભારતની પરંપરાની જાળવણીની રીતો વિષે તો ખૂબ પ્રશંસા જોવા મળે છે, તેનું શું? તેને અવગણવામાં આવી છે, તેનું કારણ ૧૯મી સદીના ઈતિહાસકારોમાં વૈજ્ઞાનિક બુદ્ધિનો અભાવ જ ગણાય ને! તેઓ તો મિશનરીઓ અને વિદેશી સરકારના નોકરિયાતો હતા, એ આપણે – આજે તો – ખાસ યાદ રાખવું જોઈએ.
એક તટસ્થ અભ્યાસથી જણાય છે કે આપણા પ્રાચીન અભિલેખોમાં લગભગ છેલ્લા હિમયુગ સુધી અતીતમાં જતા સમય સુધીનું પણ સુગ્રથિત ચિત્ર સચવાયેલું છે. અલબત્ત, તેના સમર્થનમાં ટૅકનિકલ અને અન્ય વિજ્ઞાનોના માહિતી સ્રોતોની આવશ્યક્તા તો છે જ, છતાં તે પણ મળી આવે છે, એ નોંધનીય બાબત છે. ઈતિહાસમાં એક નિશ્ચિત તિથિનું ધ્રુવીકરણ થાય તે જરૂરી છે.
ભારતીય પરંપરા મુજબ ઈ.પૂ. ૩૧૦૨માં ‘કળિયુગ’નો પ્રારંભ થયો, જ્યારે મહાભારતનું યુદ્ધ ખેલાયું. આ તિથિને માટે અન્ય વિજ્ઞાનો પ્રત્યે નજર નાખીએ. ગણિતશાસ્ત્ર એવી વિજ્ઞાનશાખા છે જેમાં તર્ક અને તેનો વિકાસ સ્પષ્ટ જણાઈ આવે છે. જેમ કે બીજગણિતનો વિકાસ જો અંકગણિતનો વિકાસ થયો હોય તો જ થાય એ નિર્વિવાદ તથ્ય છે અને તે જ રીતે બીજગણિત અને ભૂમિતિના વિકાસના અમુક તબક્કાએ કલનશાસ્ત્ર (Calculus)નો વિકાસ થયો હશે. વળી ગણિતના વિકાસમાં કોઈ રાજકીય અથવા સાંસ્કૃતિક ઘટકો પ્રભાવ પાડી શકતાં નથી. સદ્ભાગ્યે, આ બાબત પ્રાચીન પુરાતત્ત્વશાસ્ત્ર અને સાહિત્યના અભ્યાસને પણ લાગુ પડે છે. આપણે જોઈએ છીએ કે હડપ્પાની ગટર-નિકાલ યોજનાનાં લગભગ બે હજાર વર્ષો પછી જ રોમ-સંસ્કૃતિનાં નગર -આયોજન અને ગટર – વ્યવસ્થાનું આટલું ઊંચું ધોરણ વપરાયું છે.
‘લોથલ’ના બંદરની તિથિ ઈ.પૂ. ૨૬૦૦ જેટલી છે અને તેમાંનું ઈજનેરી કૌશલ્ય ઘણી ઊંચી કક્ષાનું છે, તે પણ સુવિદિત છે. ગણિતશાસ્ત્રના ઊંડા જ્ઞાન વિના તે પ્રકારનું કૌશલ મળે નહિ જ, તેમાં ય ખાસ તો ભૂમિતિનું જ્ઞાન મહત્ત્વનું છે. પાયથાગોરાસના જન્મ પહેલાંનાં બે હજાર વર્ષ પહેલાં જ વેદના ભાષ્યકાર બૌધાયને તેના ‘થિયેરમ’નું કથન કરેલું છે; ભૂમિતિના જ્ઞાન માટે તેઓ ગ્રીકોની કે પાયથાગોરાસની રાહ જોઈને બેસી રહ્યા નહોતા.
પણ તો પછી આ ગણિતનું જ્ઞાન સિંધુ -સંસ્કૃતિમાં આવ્યું ક્યાંથી? આનો ઉત્તર સરળ છે- વેદોના જ્ઞાનના સંકલન તરીકે વેદયુગના અંતિમ ચરણમાં સૂત્ર-સાહિત્યનો ઉદય થયો તેનો ઉલ્લેખ અગાઉ થઈ જ ચૂક્યો છે. જેમ ગટેનબર્ગના બાઈબલની ‘છાપવાની કળા’ દ્વારા યુરોપમાં ‘રૅનૅસાં’નો ઉદય થયો એમ કહી શકાય, તે જ રીતે સૂત્રયુગમાં ‘શલ્બ-સૂત્રો’માં વણાયેલા ગણિતશાસ્ત્રના જ્ઞાનને લીધે સિંધુ-સંસ્કૃતિમાં યજ્ઞવેદીઓનું નિર્માણ, નગર આયોજન વગેરે શક્ય બન્યાં હશે તેમ કહી શકાય. વળી આની તિથિ મહાભારતના યુદ્ધને સમર્થનકારી બને છે. આ યુદ્ધ સૂત્ર-યુગની અગાઉ બન્યું હોવું જોઈએ. લગભગ ઈ.પૂ. ૨૭૦૦ની આસપાસ સિંધુસંસ્કૃતિની ઉચ્ચ પરાકાષ્ઠાનો સમય ગણાવાય તેમ છે. સૂત્ર સાહિત્યમાંથી પણ આ યુદ્ધની તિથિ – ઈ.પૂ. ૩૧૦૨-ને સમર્થન મળે છે તેમ હું માનું છું. સ્વ. એ.સીકનબર્ગે પૂરવાર કર્યું છે કે ઈજીપ્ત અને જૂના બેબિલોનનાં ગણિતશાસ્ત્રો પણ ‘શલ્બ-સૂત્રો’ પર આધારિત છે. ઈજિપ્તના પિરામિડોની રચનાનો સમય ઈ.પૂ. ૨૭૦૦ અને તેની પૂર્વે છે એમ મેં મારા ગ્રંથોમાં જણાવ્યું જ છે.
આ ઉપરાંત ખગોળશાસ્ત્રના પુરાવાઓ પણ મહાભારતના યુદ્ધની ઈ.પૂ. ૩૧૦૨ની તિથિનું સમર્થન જ કરે છે. તો આ રીતે આ તિથિને આપણે પ્રાચીન ભારતીય ઈતિહાસના એક સર્વેક્ષણ-નિશાન (Benchmark) તરીકે ગણી શકીએ છીએ. આ સમયે વેદ-યુગનો અંત આવ્યો અને નવો (કળિયુગ) યુગ શરૂ થયો, તેવી પરંપરા છે. મહાભારતના રચનાકાર હતા ‘વ્યાસ’ જેમણે વેદોનું પણ સંકલન કર્યું છે. મહાભારત યુદ્ધમાં મરાયેલો અભિમન્યુ સુદાસની એકત્રીસ – બત્રીસમી પેઢીનો વંશજ હતો. પેઢી દીઠ ૨૦ વર્ષનો ગાળો ગણતાં ઈ.પૂ. ૩૭૨૦ની તિથિ સુદાસ માટે ગણી શકાય અને એ જ તિથિ તેના પુરોહિત વસિષ્ઠ માટે પણ ગણી જ શકાય ને! યાદ આવશે કે આ જ તિથિ વિદેશી પ્રયોગશાળાઓમાં ‘વસિષ્ઠના મસ્તિષ્ક’ના ધાતુશિલ્પની ઠરાવી હતી! તો ઋગ્વેદના અંતનો સમય લગભગ ઈ.પૂ. ૩૮૦૦થી ઈ. પૂ. ૩૭૦૦નો ગાળો કહી શકાય છે. બીજી બાબત છે કે વસિષ્ઠ તો રાજા રામના ગુરુ હતા અને રામની એકત્રીસ-બત્રીસ પેઢીએ આવતો વંશજ રાજા બૃહદ્બલ પણ મહાભારતના યુદ્ધમાં મરાયો તેવી માહિતી મહાકાવ્યમાં જ છે.
બીજી સમર્થક બાબત છે સરસ્વતી નદીનું વહેણ. આ ‘પહાડોમાંથી નીકળી સમુદ્ર સુધી વહેતી’ નદીનું વર્ણન વસિષ્ઠે કર્યું છે એનું સમર્થન ફ્રાન્સે છોડેલા ઉપગ્રહ SPOTમાંથી પ્રાપ્ત થતા પાણીનાં જૂનાં વહેણોના નકશામાં મળે છે. જે વર્ણનો ઋગ્વેદમાં છે તેવી ભારતીય ભૌગોલિક સ્થિતિ અને પાણીનાં વહેણો ઈ.પૂ. ૩૦૦૦થી જૂની સ્થિતિનાં હતાં તેમ SPOT દર્શાવે છે. તો ગણિત, ભૂગોળ, પુરાતત્ત્વ અને ધાતુશાસ્ત્રો, બધાં જ વિજ્ઞાનોના પુરાવાઓ – સાહિત્યિક અને પારંપરિક પુરાવાઓ ઉપરાંત – એ પૂરવાર કરે છે કે મોડામાં મોડી ઈ.પૂ. ૩૭૦૦નાં ગાળામાં ઋગ્વેદીય સંસ્કૃતિનો અસ્ત થયો. ‘કુણાલ’ નામના સરસ્વતીતટે સ્થિત સ્થળેથી ઈ.પૂ. ૩૦૦૦ વર્ષ પહેલાંનાં આભૂષણો મળી આવેલ છે જે આ બાબતનું પુનઃસમર્થન કરે છે.
ડૅવિડ ફ્રૉલી અને લોકમાન્ય તિલક જેવા વેદિક વિદ્વાનોએ ઋગ્વેદનાં કેટલાંક કથનોમાંથી એ તારણ કાઢ્યું છે કે વેદયુગનો પ્રારંભ ઈ.પૂ. ૬૦૦૦ જેટલા પ્રાચીન સમયમાં હતો તેવા નિર્દેશ મળે છે. હું એટલે દૂરના અતીતમાં નથી જતો છતાં તે પ્રારંભને ઈ.પૂ. ૪૬૦૦ જેટલા અતીતમાં મૂકવામાં કોઈ મુશ્કેલી જણાતી નથી. હકીકતમાં એ સમયે ભારતીય સમ્રાટ, માંધાતૃ, સમગ્ર ઉત્તર-પશ્ચિમી પ્રદેશમાં રહેતી ‘દ્રુહ્યુ’ નામની પ્રજા સામે સંગ્રામો ખેલતો હતો અને તે પ્રજાને છેવટે તેણે ભારતની ભૂમિ છોડવાની ફરજ પાડી અને તેઓ મધ્ય એશિયા અને છેક પશ્ચિમ યુરોપ સુધી હિજરત કરી ગયા હતા. ભાષાકીય સમાનતાઓ, દંતકથાઓ અને પ્રાચીન માન્યતાઓની સમાનતાઓ વગેરેને લીધે એમ કહી શકીશું કે તેમના અને ભારતીઓના પૂર્વજો નજીકના સંબંધો સાથે એક સામાન્ય સ્થળે રહી ચૂક્યા હશે, તે નિઃશંક છે. શ્રીકાંત તલાગેરીએ પોતાના સંશોધન પછી તારવ્યું છે કે આ ‘દ્રુહ્યુ’ પ્રજા જ પછીથી યુરોપમાં ‘ડ્રુઈડ’ (સૅલ્ટિક) (Celtic Druids) તરીકે જાણીતી થઈ.
આ હિજરત પછી હજારેક વર્ષ બાદ સુદાસે ફરીથી દ્રુહ્યુ અને અન્ય પ્રજાઓ સામે યુદ્ધ ખેલ્યું જેને ‘દાશરાજ્ઞ’ યુદ્ધ કહેવામાં આવે છે અને જેની નોંધ ઋગ્વેદના સાતમા મંડળમાં વસિષ્ઠે કરેલી છે. આ ઘટના વિશ્વ ઈતિહાસના એક નિર્ણાયક – ધરીરૂપ – ઘટના ગણી શકાય તેવી છે. જે પ્રજાઓને સુદાસે ભારતમાંથી હંકારી કાઢી તેમાં પૃથુ-પાર્થવો હતા, પારસુઓ હતા, અલિનાઓ પણ હતા. તેમાંથી જ પાર્થિયન્સ, પર્શિયન્સ અને હૅલૅનીઝ (પ્રાચીન ગ્રીસના લોકો) આવ્યા છે. અન્ય પ્રજાઓ હતી પખ્તાઓ જે પાછળથી પખ્તૂન (પઠાણ) બન્યા અને બોલનઘાટના બલ્હણો બલુચીઓ નામે પછીથી ઓળખાયા. શ્રીકાન્ત તલગેરીના ઝીણવટભર્યા અભ્યાસમાં યુરોપમાં આવતી ઈન્ડો-યુરોપિયન પ્રજાઓને મૂળ તો ભારતમાંથી જ હિજરત કરી ગયેલી પ્રજાઓ તરીકે ઓળખી શકાય તેમ છે – તેઓ જ મૂળ ઈન્ડો-યુરોપિયન હતા. પશ્ચિમ એશિયા અને તુર્કસ્તાનમાંના અવશેષો પણ આનું સમર્થન કરે છે.
સંસ્કૃતિનો અસ્ત :
હવે પ્રશ્ન એ થાય છે કે આટલી ઉચ્ચ સંસ્કૃતિનું પતન કઈ રીતે – શા માટે થયું? મારા મત પ્રમાણે તેનું કારણ હતું – છેલ્લા હિમયુગ પછીની ભૌગોલિક પરિસ્થિતિની નવી વિશિષ્ટતા. આ છેલ્લો હિમયુગ જાણે અચકાતાં અચકાતાં ૧૦,૦૦૦ વર્ષ પહેલાં અસ્ત થવા લાગ્યો. આથી ઉત્તર ભારતની સપાટ ભૂમિમાં પાણીનો પૂરવઠો ભરપૂર થયો. આજે પણ હિમાલયનાં હિમાચ્છાદિત શિખરો પીગળવાથી જ ભારતની નદીઓમાં પાણી આવે છે.
આને લીધે ઉત્તર ભારત જાણે ‘ગાર્ડન ઑફ ઈડન’ બની ગયું, ને વસ્તીનો ભરાવો થવા લાગ્યો. આજના ભારતમાં સૂકા રણ જેવા પ્રદેશો તે સમયે ફળદ્રૂપ હતા તેનો પુરાવો ઉપગ્રહોની છબીઓમાંથી પણ મળે છે. પણ આ સમય અનંત નહોતો. માંધાતૃ અને સુદાસનાં યુદ્ધો અને હિજરત કરતી પ્રજાઓનાં મૂળ કારણોમાં આ બદલાતી પરિસ્થિતિ પણ હોવાનો સંભવ નકારી ન શકાય.
તો હડપ્પાની સંસ્કૃતિનું શું? પ્રાકૃતિક કારણો જે આપણી સામે ધરવામાં આવે છે, તેમાં પૂરોને આગળ કરાય છે. પરંતુ એક-બે નદીઓમાંના પૂર કદી દસ લાખ ચોરસ માઈલમાં વિસ્તૃત સંસ્કૃતિનું પતન કરી શકે? મૃત્યુ થાય ; વિનાશ થાય; ખરું. પણ ‘પૂર’ તો જીવન પણ પ્રદાન કરે છે અને માણસો પૂરને પણ અનુકૂળ થઈ શકે છે તે શું નાઈલનાં પૂરો અને યાંગત્સેનાં પૂરોના ઈતિહાસથી જણાતું નથી? આજે પણ ત્યાંની પ્રજા ‘પૂર’ની અપેક્ષા સાથે પણ સંસ્કૃત જીવન જીવે જ છે. માટે ‘પૂર’ નહિ બલકે ‘પાણીનો અભાવ’ જ આ સંસ્કૃતિનું અદૃશ્ય થવાનું કારણ છે.
ઈ.પૂ. ૨૨૦૦થી શરૂ થયેલો દુષ્કાળ ૩૦૦ વર્ષ ચાલ્યો અને અક્કાડિયન સંસ્કૃતિને ભરખી ગયો. આ દુષ્કાળ જ્વાળામુખીના ફાટવાને કારણે થયો હોય કે ન થયો હોય, પણ તેની અસર અક્કાડિયાની પડોશી સંસ્કૃતિઓ –સિંધુખીણ અને મૅસોપોટેમિયા–ને જરૂર પડી અને બંનેને મૃતઃપ્રાય કરી મૂકી. અતિવસ્તિ અને દુષ્કાળ, સરસ્વતીનું સુકાઈ જવું, હિમશિખરો પરનું બરફનું પ્રમાણ ઘટવું – વગેરે ઘટકોએ ઉત્તર ભારતમાં વિનાશ સર્જ્યો. આથી જ કદાચ ભારતમાંથી કેટલીક પ્રજાઓ હિજરત કરી ગઈ અને આ સમયે ઈ.પૂ. ૨૦૦૦માં, હિટાઈટ્સ, મિટ્ટાનીસ, કસાઈટ્સ, વગેરે પ્રજાઓએ યુરોપમાં દેખા દીધી.
આ બધાંમાં જો ‘વસિષ્ઠના મસ્તિષ્ક’ના ધાતુશિલ્પને જ એક પુરાવો ગણીએ – તે નષ્ટ થઈ જતું અટકી ગયું, તે જ શું નથી જણાવતું કે પ્રાચીન ભારતીય પરંપરાઓમાં તથ્ય છે અને ૠગ્વેદના અંતની નિશ્ચિત તિથિ ઈ.પૂ. ૩૭૦૦ની પણ એક એને કારણે પણ આપણે ઠરાવી નથી શક્યા? પણ તે સાથે આપણે બધાં અન્ય વિજ્ઞાનોની સહાયથી આપણા માહિતી-સ્રોતોને ચકાસ્યા છે અને ‘આર્યોના આક્રમણ’ના મંતવ્યનો છેદ ઉડાડ્યો છે.
આનાથી એક બીજી બાબત સ્પષ્ટ થાય છે કે પ્રાચીન તિથિઓ અને ઘટનાઓ અંગે કોઈ એક જ પુરાવા પર કે માહિતી પર સંપૂર્ણ આધાર રાખવો જોઈએ નહિ. પ્રત્યેક જુદા જુદા અને સ્વતંત્ર રીતે મળતા પુરાવાઓની વૈજ્ઞાનિક ચકાસણી પછી જ કોઈ મંતવ્ય રાખવું જોઈએ. ૧૯મી સદીના ઈતિહાસકારો એ દૃષ્ટિએ ‘વિદ્વાન’ હોવા છતાં ‘વિશુદ્ધત્તમ દંભી વૈજ્ઞાનિકો’ હતા એમ કહી શકાય.
બીજું, અત્રે જણાવાયું છે તે તો માત્ર એક શરૂઆત છે, છેલ્લો શબ્દ નથી. નવીનતમ રીતે પ્રાચીન ભારતનો અભ્યાસ અતિ આવશ્યક છે, જેથી જૂઠાણાં આગળ વધતાં અટકે, પૂર્વગ્રહોમાંથી મુક્તિ મળે અને વિજ્ઞાન અને પરંપરાને જોડતી કડી મજબૂત બને. આધુનિક રાજકીય કે સામાજિક વિચારોને કે આદર્શોને આવા અભ્યાસમાં કોઈ જ સ્થાન નથી, તે ધ્યાનમાં રાખવું જોઈએ.
જ્યારે આજે આપણા વિદ્વાનો પણ બે શતકોથી આપણા ઈતિહાસને ઉખેડી નાખવાના પ્રયત્નો કરતા રહ્યા છે અને આજના શિક્ષણમાં તે પોતાના અદ્ભુત વારસા અંગે હજી પણ યુવાનોના મનમાં ઝેરીલાં મંતવ્યો ભરતા આવ્યા છે, ત્યારે ‘વસિષ્ઠના મસ્તિષ્ક’ની નાટ્યાત્મક ઉપસ્થિતિ વિચાર કરતી કરી મૂકે છે. જાણે તેમને આ બધું હવે વધુ પડતું લાગતું હોય, તેમ ગ્રંથિનિરસન કરવા અને રહસ્યોનો ઘટસ્ફોટ કરવા, નાસ્તિકોની ઘાંટાઘાંટ કે તેઓ કદી જીવિત પણ હતા કે નહિ, કે વેદિક જગતનો કદી આર્વિભાવ હતો કે નહિ તે બધાંને શમાવીને સત્ય રજૂ કરવા જાણે તેમનું ‘મસ્તિષ્ક’ વૈજ્ઞાનિક પુરાવાની સાથે ઊભું રહ્યું છે. જાણે ગીતાના પેલા વિખ્યાત શ્લોકમાં આપેલા વચન મુજબ અને વચનને નિભાવવા માટે કે ‘યદા યદા હી ધર્મસ્ય’ સત્યને અને ધર્મને માટે ફરી ફરી અવતાર લેવા ભગવાન પૃથ્વી પર પ્રગટ થશે, તેમ જાણે વસિષ્ઠ પણ ફરીથી પ્રગટ થયા છે, જૂઠાણાંનો રકાસ કાઢી, જગતનું સૌથી વધુ વૈજ્ઞાનિક સત્ય અને પાઠ આપણી સમક્ષ રાખ્યાં છે કે અલંકારિક ભાષાથી કે વાક્પટુતાથી, કુદરતને કદી છેતરી શકાય નહિ.
હવે સંક્ષેપમાં કહીશું કે – હડપ્પાની સંસ્કૃતિની પ્રજા વેદયુગીન આર્યોના સમાજનો જ એક ભાગ હતી અને હકીકતમાં તો એ વેદયુગીન સંસ્કૃતિનું અંતિમ ચરણ હતું. પૌર્વાત્ય તત્ત્વજ્ઞાન અને પાશ્ચાત્ય તર્કવાદ- બંનેનાં બીજ વૈદિક પરંપરામાં જોવા મળે છે. વેદોમાં, ખાસ કરીને તો ઋગ્વેદમાં, ઈજિપ્ત, સુમેરિયા અને સિંધુ સંસ્કૃતિથી પણ વધુ પ્રાચીન સ્તરની સંસ્કૃતિ જોવા મળે છે. ભારત પ્રાથમિક આર્યોનું જગત હતું, તેમની ભૂમિ હતી, જેમાંથી મહાકાય, મહાશક્તિશાળી ઈન્ડો-યુરોપિયન વૃક્ષ પાંગર્યું હતું.
બાઈબલની વહેમી માન્યતાઓ, ૧૮મી અને ૧૯મી સદીનું યુરોપીય રાજકારણ અને મૅકસમૂલર જેવાની વ્યક્તિગત કારકિર્દીની ચિંતાથી ભરેલા આ કલ્પના સભર ઈતિહાસને છોડી દેતાં જ આપણને ભારતીય ઈતિહાસની એક નવી આવૃત્તિ મળે છે, એટલું જ નહિ, પણ વિશ્વમાં માનવસંસ્કૃતિના ઉદય વિષે પણ નવી દિશાનાં દ્વાર ખુલે છે – વૈજ્ઞાનિક પદ્ધતિ અને પુરાવાઓ સાથે ભારતીય અભિલેખોનું પુનઃપઠન કરવાથી એક નવા રસપ્રદ જગતનાં દર્શન થાય છે. વેદયુગીન પ્રદેશ હતો, સિંધુથી લઈને ગંગા સુધી અને ત્યાંથી જ આપણને એ પ્રશ્નનો પણ ઉત્તર મળે છે કે ભારતથી લઈને આયર્લેન્ડ સુધીની પ્રજાઓ શા માટે પ્રારંભથી જ એકમેકથી જોડાયેલી ભાષાઓ બોલતા આવ્યા છે અને સમાન દંતકથાઓ અને વિચારોનો વારસો ધરાવે છે. આપણી શાળાઓમાં પણ હવે તો નવીન અને આધુનિક પુરાવાઓથી, ભરપૂર હકીકતો અને તથ્યો સાથે જ ઈતિહાસ ભણાવવાનો સમય પાકી ગયો છે, નહિ તો ૧૯મી સદીના ઈતિહાસકારોની જેમ આપણે પણ અવૈજ્ઞાનિક અને ગેરમાર્ગે દોરતા ઈતિહાસ શિક્ષણ માટે જવાબદાર ઠરીશું અને છતી આંખે આંધળા પુરવાર થઈશું. પોતાના દેશમાં વિદેશી બનતા યુવાનોને ખોટા માનસમાંથી-વિકૃતતામાંથી બચાવી લેવાનો સમય આવી પહોંચ્યો છે.
ભાષાંતર : ડૉ.સુધા મહેતા
(‘પ્રબુદ્ધ ભારત’, ઑક્ટો.- નવે. ‘૯૬માંથી સંકલિત)
સંદર્ભ સૂચિ
૧. ડૅવિડ ફ્રૉલી : Gods, Sages and Kings : Vedic Secrets of Ancient Civilization (Salt Lake City, U.S.A., Passage Press, 1991)
૨. ઍમ. ઍસ. રાજારામ અન્ડ ડૅવિડ ફ્રૉલી : ‘Vedic Aryans and the Origins of Civilization: A literary and Scientific Perspective’ (St. Hyacinthe, Quebec, Canada, World Heritage Press, 1995)
૩. ઍમ. એસ. રાજારામ : ‘Aryan Invasion of India : The Myth and the Truth’, (New Delhi, Voice of India, 1993)
૪. એમ. ઍસ, રાજારામ : ‘The Politics of History : The Aryan Invasion Theory and the Subversion of Scholarship’, (New Delhi, Voice of India, 1995)
Your Content Goes Here




