જાન્યુઆરી, ૨૦૦૬માં ‘વેદાંત કેસરી’માં ડૉ.સર્વાનંદ ચૌધરીનો આ અંગ્રેજી લેખ પ્રસિદ્ધ થયો હતો. તેનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

બહુ ઓછા લોકો જાણે છે કે સ્વામી વિવેકાનંદ એક બહુ મોટા સંગીતકાર પણ હતા અને તેમણે ભારતીય સંગીતનો પરિચય આપતું એક શ્રેષ્ઠ પૂર્વભૂમિકા સાથેનું પુસ્તક પણ સંપાદિત અને સંકલિત પણ કર્યું હતું.

તેનું નામ ‘સંગીત કલ્પતરુ’ હતું. તે ૪૭૯ પાનાંનું પુસ્તક હતું. તેનાં ૩૭૫ પાનાનું ડૉ. સર્વાનંદ ચૌધરીએ મહત્ત્વ દર્શાવેલ છે. સાથે સ્વામી વિશ્વાશ્રયાનંદે સ્વામીજીની સંગીત વિશે લખેલ એક અંગત નોંધપોથીની ચર્ચા કરી છે. છેલ્લે ૧૮ પાનાં પરિશિષ્ટનાં છે. ‘આ પુસ્તક બંગાળીમાં છે. તે તેમના મૂળ નામ નરેન્દ્રનાથ દત્તના નામે જ લખાયેલ છે, ૧૮૮૭માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તક શ્રી રામકૃષ્ણ મિશન ઇન્સ્ટીટ્યુટ ઓફ કલ્ચર, દ્વારા જાન્યુઆરીમાં પુન :પ્રકાશિત થયેલ છે.

આ લેખ કોલકાતાની નેતાજીનગર કોલેજના પ્રધ્યાપક અને ઈન્સ્ટીટ્યુટના સંશોધક ડૉ. સર્વાનંદ ચૌધરી દ્વારા લખાયેલ છે. તેમાં તે કુશળતાપૂર્વક તેનો ઇતિહાસ કહે છે અને પુસ્તકમાં વિવિધ હિન્દુસ્તાની સંગીતનાં પાસાં શા માટે ચર્ચ્યાં છે તે કહે છે. આ લેખ મૂળ બંગાળીમાં લખાયેલ હતો. સંસ્થાની વિનંતીથી તેને અંગ્રેજીમાં કોલકાતાનાં એક ભક્ત શ્રીમતી માલતી સેનગુપ્તાએ અનુવાદિત કરી આપ્યો છે. આ પુસ્તકનું સંપાદન પણ ડૉ. સર્વાનંદ ચૌધરીએ કરેલ છે.

સ્વામી વિવેકાનંદની સંગીતમાં તાલીમ

‘સંગીત કલ્પતુ’ એ બંગાળી ગીતોના ઇતિહાસમાં ઘણું મહત્ત્વ ધરાવતું પુસ્તક છે. એ ઘટના આશ્ચર્યની નથી ! બંગાળી ગીતોનાં અનેક પુસ્તકોમાં આ પુસ્તક બીજા કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદ સાથે સંકળાયેલ છે, જે પોતે પણ આ વિષયમાં એક નિષ્ણાંત હતા.

નરેન્દ્રની બહુમુખી પ્રતિભાના સંદર્ભમાં રામકૃષ્ણની આ પ્રિય ટકોર હતી : ‘તે તો એક સર્વશ્રેષ્ઠ ખજાનો છે. એક જ વ્યક્તિ અનેક ગુણો ધરાવે છે ! પછી તે સંગીત હોય કે વાદ્યો વગાડવાનાં હોય, લખવાનું હોય કે વાચન હોય-તે આ બધામાં સમાન રીતે કુશળ છે.’ વિવેકાનંદનાં અનેક કૌશલ્યોમાં સંગીત પણ એક કૌશલ્ય હતું.

તે એક ઉત્કૃષ્ટ ગાયક તો હતા જ, પણ તે એક એવા વાતાવરણમાં ઊછર્યા હતા જે સંગીતના વિકાસ માટે અનુકૂળ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત પણ પોતે ઉસ્તાદોના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીય સંગીત શીખ્યા હતા અને તેમના પુત્રને પણ વેણી ઉસ્તાદ, અહમદ ખાન અને એવા અન્ય પ્રસિદ્ધ ઉસ્તાદો પાસે સંગીતની તાલીમ અપાવવાની સગવડ કરી આપી હતી. શાસ્ત્રીય ગાયન શીખવા ઉપરાંત નરેન્દ્રનાથ મુરારી ગુપ્તા પાસેથી પખવાજ અને બ્રાહ્મો સમાજ સાથે સંકળાયેલ કાશી ગોસલ પાસેથી તબલાં વગાડતાં શીખ્યા હતા. આના કારણે તે બહુ જ નાની ઉંમરે સંગીતના નિષ્ણાત બન્યા હતા, એમ તેમના ચરિત્રકાર પ્રમથનાથ બસુ કહે છે.

એ એક વિચિત્ર ઘટના છે કે સ્વામીજીના વિચારો અને ખ્યાલો, તેનો અભ્યાસ અને સાધના જેવા અનેક મુદ્દાઓ પર અનેક પ્રકાશનો થયાં છે, પણ તેમની સંગીતની સાધના વિશે બહુ જ ઓછું ધ્યાન ગયું છે. સ્વામીજીના સંગીત વિશેના રસ બાબતે એટલી જ સામાન્ય માહિતી મળતી રહી છે કે તે ગાતા હતા અને વળી કેટલાંક ગીતોની સ્વરચના પણ કરી હતી. તેમના સંગીતના અગાધ જ્ઞાન બાબતમાં અને ઐતિહાસિક સંદર્ભમાં તેમણે સંગીતના ક્ષેત્રમાં જે પ્રદાન કર્યું છે તેના વિશે તો આપણે અત્યંત અજ્ઞાન ધરાવીએ છીએ! એનો પુરાવો એ છે કે તેમનું ‘સંગીત કલ્પતરુ’ બાવનથી વધારે વર્ષ સુધી અજ્ઞાત જ રહ્યું. આપણે ‘રામકૃષ્ણ મિશન ઈન્સ્ટીટ્યુટ ઓફ કલ્ચર’ના આભારી છીએ કે તેણે તાજેતરમાં આ પુસ્તકનું પુન :મુદ્રણ કાર્યું છે. જો આ પુસ્તક પુન :પ્રાપ્ત ન થયું હોત, તો જેમ સ્વામીજીના જીવનનું એક પ્રકરણ અજ્ઞાત રહ્યું હોત, તેમ બંગાળી ગીતોનો ઇતિહાસ પણ અધૂરો રહ્યો હોત. આટલી નાની ઉંમરે તેમના સંગીત વિશેના આટલા પુખ્ત વિચારો જોઈ નવાઈ જ લાગે છે. રવીન્દ્રનાથ ટાગોર સિવાય આપણે તેમના જેવા સંગીતમાં આટલા વિકસિત વિચારો બીજા કોઈ જ સમકાલીનમાં વ્યક્ત થયા હોય તે જાણતા નથી.

પુસ્તક

જ્યારે વિવેકાનંદે આ પુસ્તક સંપાદિત કરવાનું નક્કી કર્યું, ત્યારે તે માત્ર ૨૩ વર્ષના જ હતા અને નરેન્દ્રનાથ દત્ત તરીકે જ જાણીતા હતા. જ્યાં સુધી માહિતી પ્રાપ્ત છે, ત્યાં સુધી એ સમય ૧૮૮૬ આસપાસનો હતો. કદાચ રામકૃષ્ણના દેહત્યાગ પહેલાંનો કે પછીનો. આ સાહસમાઢ પાછળથી એક જાણીતા પુસ્તક વિક્રેતા વૈષ્ણવ ચરણ બસાક પણ નરેન્દ્રનાથ સાથે જોડાયા હતા. પુસ્તકમાંનાં કેટલાંક ગીતો અલબત્ત તેમણે એકઠાં કર્યાં હતાં, પણ એ કહેવું અયોગ્ય નહીં ગણાય કે સ્વામીજી જેવાની પ્રબળ પ્રતિભાની હાજરીમાં તેમના વિચારો અને અભિપ્રાયોને ટાળવવાનું વૈષ્ણવ ચરણ હિંમત કરી શક્યા નહીં હોય. આ પુસ્તક ૧૮૮૭માં પ્રકાશિત થયું હતું.

પુસ્તકની શરૂઆત નરેન્દ્રનાથે લખેલ ૯૦ પાનાના સંગીત પરના વિવેચન ‘સંગીત ઓ વાદ્ય (સંગીત અને સંગીતનાં વાદ્યો)’ થઈ છે અને પછી ગીતોનો સંગ્રહ આપેલ છે. છેલ્લે ૧૭ રચનાકારોનો ટૂંકો પરિચય પરિશિષ્ટમાં આપ્યો છે. પુસ્તકની

આ રચના સંગીત વિશેની શક્ય તેટલી સંકલ્પના આપી શકે છે, તેનું કારણ એ છે કે નરેન્દ્રનાથ આ વિષયના નિષ્ણાત હતા. એ ખાસ નોંધવું જોઈએ કે તે સંગીતનાં બન્ને પાસાં પર ભાર મૂકતા હતા – મનોરંજન અને સૈદ્ધાંતિક. આ ‘સંગીત ઓ વાદ્ય’માં જોવા મળે છે કે તેમાં નિરૂપિત વિષયવસ્તુ શીખવા માગતા લોકો માટે સંગીતના સિદ્ધાંતોને સમજાવે છે. ગીતો રજૂ કરવા પહેલાં તે વાચકને સૈદ્ધાંતિક જ્ઞાન અને તેના ગીતોના ઇતિહાસથી પરિચિત કરાવે છે. પુસ્તકના સંગીતના સિદ્ધાંતો અને ગીતોનું સંપાદન એ બે અભિન્ન હિસ્સા છે. તે બન્ને એકબીજાના પૂરક છે. સંગીત કલ્પતરુનો આ ખ્યાલ નવો છે, કારણ કે આગળ ‘સંગીત તરંગ’ સંગીત રાગ કલ્પદ્રુમ’ કે ‘વિકટોરિયા ગીતમાળા’ જેવાં પુસ્તકો પણ સંગીતના સિદ્ધાંતો અને ગીતતોના સંગ્રહની ચર્ચા કરે છે, પણ તેઓ સંગીત શીખનારાઓના લાભ માટે સંગીતના સિદ્ધાંતોના પાયાની ચર્ચા નથી કરતાં. એટલે જ સમય જતાં ‘સંગીત કલ્પતરુ’ કૃષ્ણધન વિદ્યાપતિ માટે આદર્શ બની ગયું, જેમણે પણ ‘નવ સંગીત કલ્પતરુ’ નામનું નવું પુસ્તક પ્રકાશિત કર્યું જેમાં તીતોના સંગ્રહ સાથે સંગીતની ચર્ચા પણ હતી.

સ્વામીજીનું ભારતીય સંગીત વિશેનું દૃષ્ટિપૂર્ણ વિવેચન

અલબત્ત સ્વામીજી પ્રાચીન સંગીતશાસ્ત્રની પુનર્ચેતનાને મહત્ત્વની માનતા હતા, પણ તેમતે તે દિશામાં પ્રયાસ કર્યો ન હતો. તે આધુનિક શીખનારાઓને અનુકૂળ એવા સંગીતશાસ્ત્રના વિવેચન બાબતે સચિંત હતા. આ બાબત એ મુદ્દામાંથી ઊભી થઈ હતી કે તે જડ પરંપરાને વળગી રહેતા સંકુચિત ઉસ્તાદોના અક્કલ વગરના આગ્રહના તે ભયંકર વિરોધી હતા. સ્વામીજીના શબ્દોમાં, તે ‘ગધેડાં ખાંડનો જથ્થો ઉપાડતાં જાય’ કે ‘નેતાને અંધ રીતે અનુસરતાં ઘેટાં’ સમાન હતું. આ ખ્યાલમાં રાખીને તેમણે શીખનારાઓને સંગીત કલ્પતરુના ‘સંગીત ઓ વાદ્ય’ વિભાગમાં સ્વરગ્રામ, વાદ્ય કેમ મેળવવું, સ્વરસાધન, સાથે રહેવાના નિયમો વગેરે વિશે સ્પષ્ટ સંકલ્પના આપવાનો પ્રયાસ કર્યો હતો. સમાંતરે ૧૯મી સદીમાં સંગીતના અમલ બાબતે સ્વામીજીનો સ્વતંત્ર, વિશાળ અને તાર્કિક દૃષ્ટિકોણ પણ આ વિવેચન સમગ્ર રીતે પ્રગટ કરે છે. ત્યારના શક્તિશાળી અને દાદાગીરી કરતા ઉસ્તાદો સામેનો પડકાર ત્યારના સમયમાં તો ક્રાન્તિકારી જ ગણી શકાય. અરે ! રવીન્દ્રનાથ ટાગોર પણ આ બાબતે સ્વામીજીના મતને અનુકૂળ હતા, પણ ઉસ્તાદોની ટીકા બાબતે તેમની સાથે ઉગ્ર ન હતા.

સ્વામીજીના શબ્દોમાં : ‘આજે આપણા દેશમાં બધાં જ ક્ષેત્રોમાં વિચારોના મુક્ત પ્રવાહમાં જે સ્થગિતતા દેખાય છે, તે સંગીતના ક્ષેત્રમાં પણ જોવા મળે છે. એ માન્યતા કે ભૂતકાળની સિદ્ધિઓને કોઈ જ ઓળંગી ન શકે તે આપણા રાષ્ટ્રી માનસમાં જડ રીતે ઘૂસી ગઈ હતી. કેવળ અજ્ઞાન જ આવી માન્યતાઓને જન્મ આપે છે. આ રાગ રાગિણીઓ સર્જવામાં પ્રાચીનોને જે વિચારોએ માર્ગદર્શન આપ્યું, તે શોધવાની લોકો પરવા કરતા નથી. માત્ર તેઓ જે છોડી ગયા છે તેને જ સિદ્ધ કરવાનું પૂરતું મનાય છે. બીજી બાજુ, ઉત્તર-પૂર્વમાં સંગીતની સાધનાનો વ્યાપક પ્રસાર છે. હિન્દુસ્તાનીમાં ગીતોની રચના પણ થાય છે. કલાકારો માને છે કે જો ગીતો હિન્દીમાં ન હોય, તો તેમને ગીત ન કહી શકાય. ઘણા માને છે કે બંગીળી ગીતોને એ જ રાગ કે એ જ તાલમાં ગવાય, તો પણ તે હિણપત જ છે. આવા લોકોને સંગીતના પાયાના ખ્યાલો વિશે સમજ જ નથી હોતી. દરેક પ્રસિદ્ધિ મેળવવા માગે છે, એટલે તેઓને ડર હોય છે કે લોકો બંગાળી ગીતોનો સ્વીકાર નહીં કરે અને ઉસ્તાદો તેના તરફ ધિક્કારથી જોશે. પણ હવે આ પૂર્વગ્રહના ધુમ્મસને ચીરી નાખવાનો સમય પાકી ગયો છે. શા માટે ખ્યાલ બંગાળીમાં ન ગવાય ? બ્રાહ્મો સમાજમાં ગવાતા બંગાળીમાં (કમ્પોઝ) કરેલ ધ્રુપદ શું હિન્દીમાં ગવાય છે તેનાથી કોઈ પણ બાબતમાં જરા પણ ઊતરતા છે ? વળી, જો આ ભાગોમાં સંગીતની પરંપરા સ્થપાશે, જો નવાં રાગરાગિણીઓ બંગાળીમાં સર્જાશે અને ગવાશે, તો હિન્દી ગીતો પણ બંગાળીમાં ગાવાનાં શરૂ થશે.’

નવૈશ્વિક આનંદના મૂળ એવા સંગીતની કલા, જે દુ :ખોથી મુક્તિ આપે છે અને આશ્વાસન આપે છે, તે શું એવી ક્ષુદ્ર છે કે જે જડ ઉસ્તાદોના સકંજામાં જ પડી રહે?’

૧૯મી સદીમાં ઉસ્તાદોની પકડમાંથી સંગીતને મુક્ત કરવા અને વૈજ્ઞાનિક રીતે તેનો વિસ્તાર અને જાળવણી માટે ઘણા પ્રયાસો થયા હતા. એ બધામાં સૌથી વધારે મહત્ત્વનો ૫્રયાસ હતો સ્વરલિપિ કરવાનો. ‘સંગીત ઓ વિદ્યા’માં સ્વામીજીએ પણ તેનો ઉપયોગ કર્યો છે, જેને પશ્ચિમી સંગીતથી પ્રભાવિત એવા ક્ષેત્રમોહન ગોસ્વામીએ આધુનિક ભારતીય સંગીતમાં દાખલ કરી હતી.

એ જ રીતે, પશ્ચિમી સંગીતની ‘હાર્મની’એ પણ ૧૯મી સદીમાં ભારતીય સંગીતજ્ઞો પર ભૂરકી નાખી હતી. કૃષ્ણધન બંદોપાધ્યાય, દક્ષિણા ચરણ સેન, પ્રમોદ ઠાકુર અને બીજા અનેકે ભારતીય સંગીતમાં પશ્ચિમી સંગીત પદ્ધતિ પ્રમાણે હાર્મનીના ઉપયોગના પ્રયોગો કર્યા હતા. આ છેલ્લામાં છેલ્લા પ્રયોગનો પણ સંગીત કલ્પતરુમાં ઉલ્લેખ થયો છે. સ્વામીજી ભારતીય સંગીતના સ્કેલને સમજાવતી વખતે હાર્મનીની વ્યાખ્યા આપે છે. પાછળથી જ્યારે પણ તે પશ્ચિમી સંગીતની ચર્ચા કરતા, ત્યારે ભારતીય સંગીતમાં હાર્મનીની જરૂરત પર ભાર મૂકતા.

સંગીતના સંદર્ભમાં અદ્યતન વિકાસમાં જો કે સ્વરલિપિ અને હાર્મની મહત્ત્વનાં હતાં, છતાંય સ્વામીજીએ વાદ્ય સંગીતને વધારે મહત્ત્વ આપ્યું, ખાસ કરીને આઘાત કરતાં વાદ્યોમાં. આ બાબતે તેમના ‘સંગીત ઓ વાદ્ય’ પુસ્તકમાં પ્રથમ સંગીતને મહત્ત્વ આપેલ છે. તેમાં સંગીત એટલે વાદ્ય અને નૃત્યનો સમન્વય એવી વ્યાખ્યા આપી છે. તેમાં ‘વાદ્ય’નો ખાસ અલગથી ઉલ્લેખ કરેલ છે. આ વિવેચનનો અંત વિવિધ તાલ અને ‘પ્રકામણીકસ’ અથવા ‘બોલ વિસ્તાર’ માટે જરૂરી ‘ઠેકા’ના સંકલનથી થાય છે. ૧૮૭૩માં સૌરીન્દ્રમોહન ઠાકુરે ‘મૃદંગ મંજરી’ પ્રકાશિત કરેલ જેમાં મૃદંગ વગાડવા, ‘પ્રકામણીક્સ’ સાથે, ચૌતાલ જેવા ૧૮ તાલનું સંકલન રજૂ કરેલ. ‘સંગીત કલ્પતરુ’ પહેલાં કરાયેલ માત્ર આ જ પ્રકામણીક્સનું સંકલન હતું. એ જાણવામાં નથી આવ્યું કે સ્વામીજીએ આ પુસ્તક જોયું હતું કે નહીં. સંગીત કલ્પતરુ પછી બે વર્ષે ૧૮૮૯માં પ્રકાશિત થયેલ ‘સંગીત પ્રવેશિકા’માં વિવિધ તાલ અને તેના પ્રકામણીક્સનો ઉલ્લેખ છે. તેમાં પણ સંગીત કલ્પતરુને મળતા અનેક પ્રકામણીક્સ સમાવવામાં આવેલ છે. જો કે તેના સંકલનકાર મુરારિ ગુપ્તાએ તના પુસ્તકના પરિચયમાં ‘સંગીત કલ્પતરુ’નો ઉલ્લેખ નથી કર્યો. (ક્રમશ 🙂

Total Views: 343

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.