(સ્વામી હર્ષાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના બેંગ્લોર કેન્દ્રના અધ્યક્ષ છે.)

લૉગફેલો કહે છે, “સંગીત એ માનવજાતિની વિશ્વવ્યાપી ભાષા છે.” તે દેવદૂતોની ભાષા હોવાનું કહેવાય છે. જેઈમ્સ બ્રેમસ્ટન લખે છે, “તેમાં જંગલી પશુને શાંત પાડનારી ચમત્કારિક શક્તિ છે,” પોતાના મરચન્ટ ઑફ વૅનિસ’માં શેક્સપિયર કહે છે, “જે માણસમાં, પોતાનામાં સંગીત નથી કે મીઠા સંગીતમય અવાજથી જે સ્પંદન અનુભવતો નથી, તે દેશદ્રોહી, નિરુપયોગી કે કાવતરાંખોર જેવો છે.” હૅનરી ગીલ્સ કહે છે, “યાદદાસ્તમાં રહેલા તમામ ધર્મોપદેશો કરતાં એક ગીત વધારે ટકાઉ છે.” માનવજાતિના જીવનમાં સંગીતની મહત્તા બતાવવા વિદ્વાનોની આટલી અભિવ્યક્તિઓ પર્યાપ્ત છે.

સંગીતનું ઉદ્ભવસ્થાન પ્રાગૈતિહાસિક ભારતના હૃદયમાં રહેલું છે. તેનો ચોક્કસ સમય, ૠગ્વેદ અને સામવેદ એટલે કે ઈ.સ. પૂર્વેનાં ૪૫૦૦થી ૨૦૦૦ વર્ષોનો છે; કે જ્યારે અન્ય દેશોમાં સંગીત તેના વિકાસના માત્ર પ્રાથમિક તબક્કામાં જ એટલે કે લોકસંગીતના રૂપમાં હતું, ત્યારે ભારતીય સંગીતનો પદ્ધતિસરના શાસ્ત્ર તરીકે, શ્રુતિ, સ્વર, રાગ, લય, અને તાલના ખ્યાલો સાથે, વિકાસ થયો હતો. પ્રારંભિક ઉપનિષદો, જેવાં કે નારદ પરિવ્રાજક’ અને ‘ગર્ભમાં સમસ્વરોની પદ્ધતિનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે.

પ્રાચીન ભારતની અન્ય કલાઓ અને શાસ્ત્રોની જેમ સંગીત અને નૃત્ય, જે શરૂઆતમાં તો એકજ કલાનાં બે પાસાં હતાં, બંનેનો આધાર પણ ધર્મ જ હતો. ખાસ કરીને તે ક્લાઓની વિશિષ્ટતા ધાર્મિક સ્વરૂપની હતી, અને તેનો ઉપયોગ, ઉપાસના ભાવ વ્યક્ત કરવાના અને ઈશ્વર – સાક્ષાત્કારના, માધ્યમ તરીકે થતો. નાદોપાસના, (સંગીતના માધ્યમ દ્વારા ધ્યાન) એવું એને નામ આપવામાં આવેલું, એ રીતે ધાર્મિક જીવનમાં એ અતિ ભારે અસરકારક છે, એમ માનવામાં આવતું. અતિ પ્રાચીન અને જૂના સમયના, નારદ અને તુંબરુ, તેમ જ ઐતિહાસિક કાળના તુલસીદાસ, મીરાંબાઈ, કબીર, નાનક, રામપ્રસાદ, કમલાકાન્ત, તુકારામ, પુરન્દરદાસ અને ત્યાગરાજ -નાદોપાસનશક્તિ -નાં જવલંત ઉદાહરણો છે. એ મહાન સંતો અને ઈશ્વરભક્તો એ સંગીતકલાનો, માત્ર ઈશ્વર સાક્ષાત્કારના માધ્યમ તરીકે જ નહીં, પરન્તુ, આપણા ધાર્મિક ઇતિહાસના સૌથી વિશેષ કટોકટીના કાળમાં, આમ પ્રજામાં ધર્મને, તેના સાચા સ્વરૂપે ફેલાવવામાં પણ ઉપયોગ કર્યો. આ રીતે મુખ્યત્વે, ભક્તિના સ્વરૂપના સંગીતને યોગ્ય શબ્દોમાં, ‘ભજનો’ એવું નામ આપી શકાય.

કોઈ પણ ભજન, પૂર્ણસ્વરૂપે ત્યારે જ હોઈ શકે કે જો તે ચોક્કસ શરતો પૂરી કરનારું હોય. એ શરતો આ પ્રમાણે ગણાવી શકાય: સારો મધુર અવાજ, સંગીતનું સૈદ્ધાંતિક જ્ઞાન, સાઝ – વાજિંત્રોની સંગત, ઉત્તમ કોટિની સ્વરરચના, સ્પષ્ટ ઉચ્ચારણ અને (ભક્તિપૂર્ણ) સમર્પણભાવ. મધુર અવાજ, એ ભજનનો આત્મા (હાર્દ) છે. મધુર અવાજ વિનાનું ભજન એ ભજન નથી. એ એકડા વિનાનાં મીંડાં જેવું છે. મીંડાનું મૂલ્ય કે અર્થ, તેની આગળ એકડો મૂકવાથી જ જળવાય, તેના વિના શૂન્ય, શૂન્ય જ રહે. એવી જ રીતે સાઝ – વાજિંત્રોની સંગત, સંગીતકળાનું જ્ઞાન ઈત્યાદિ, ભજનની છટામાં ત્યારે જ વધારો કરે, કે જો, અવાજ મધુર હોય.

માની લ્યો કે, ગાનારનો અવાજ મધુર છે, પણ એ સાથે વળી સારાં અને યોગ્ય રીતે મેળવેલાં, તાનપુરો, તબલાં, સરોદ, સિતાર, વીણા, વાયોલીન જેવાં વાઘો, સમુચિત અસરમાં નિ:શંકપણે વધારો કરશે. જો સંગીતકળાનો અને શાસ્ત્રનો યોગ્ય સુમેળ સધાયો હોય, તો આખાયે સંગીત જલસાની પ્રભાવકતા ઓર વધી જાય, જો ગવાતી રચના પૂરતી કાવ્યાત્મક, સુંદર અને ઉદાત્ત મનોભાવવાળી ન હોય તો ગાયક – વાઘ અને શાસ્ત્ર જ્ઞાનનો સુમેળ નિરર્થક બની જાય. જો કોઈ સારી રચના, તેના ભાવ અને અર્થને વ્યક્ત કરવા, લાગણીથી અને સ્પષ્ટ, શુદ્ધ ઉચ્ચારણો સાથે ગવાઈ રહી હોય, તો તે રચના, પૂર્ણતયા મુગ્ધ કરે તેવી પ્રભાવક અને ખૂબ મનોહારી બની રહે.

સંગીતકળાની તમામ પ્રાથમિક જરૂરિયાતો ધરાવતા સ્વામી વિવેકાનંદ, કુદરતી બક્ષિસના, કૃપાપાત્ર રહ્યા હતા. પોતાના સંગીતની ખૂબીઓના ઊંડા જ્ઞાન અને કપરા રિયાઝ વડે, સ્વામીજીએ આ કુદરતી બક્ષિસમાં ઘણી શુદ્ધિઓનો ઉમેરો કર્યો હતો.

ચીનની મીઠા રણકારવાળી ઝાલરો (Gong)ના જેવો અત્યંત મીઠો, ઘેરો અને સમૃદ્ધ અવાજ સ્વામીજીને પોતાનાં માતા-પિતા પાસેથી વારસામાં મળ્યો હતો. અવાજની આ અજોડ મીઠાશને લીધે જ, શ્રીરામકૃષ્ણને, તેમને અવારનાવર ગાવાની વિનંતી કરવા પ્રેર્યા હતા. દક્ષિણેશ્વરમાં નરેન્દ્રે ગાયેલા સર્વ પ્રથમ ગીતથી જ શ્રીરામકૃષ્ણને ઊંડી સમાધિ લાગી ગઈ. નીચેનો, આબુ પર્વત પરનો પ્રસંગ – તેમના સંગીતની મીઠાશ અને પ્રભાવકતા પર સારો પ્રકાશ પાડે છે: થોડા સમયમાં જ સ્વામીજીએ પોતાની આજુબાજુ અસંખ્ય અનુરાગી અનુયાયીઓને એકઠા કર્યા હતા; તેઓ રોજ સાંજે તેમની સાથે ફરવા માટે નીકળતા. પહાડ પરના આ હવા ખાવાના સ્થળના, સૌથી વિશેષ સુંદર પ્રાકૃતિક દૃશ્યોવાળા સ્થળે, તેઓ એક દિવસ ફરતા હતા. નીચે આબુનું સરોવર હતું. સ્વામીજી મિત્રો સાથે ફરવાનું છોડી પહાડી વચ્ચે જઈને બેઠા. તેમણે ગાવાનું શરૂ કર્યું. કલાકો સુધી ગાતા જ રહ્યા, સંધ્યા સમયે ફરવા માટે નીકળેલા કેટલાક યુરોપિયન લોકો આ મધુર સંગીતથી એટલા તો પ્રભાવિત થયા કે તેઓ કલાકો સુધી, આ ગાયકને જોવા માટે અટકી ગયા. આખરે સ્વામીજી નીચે ઊતર્યા, ત્યારે તેઓએ તેમના મધુર અવાજ અને ઉછરંગીલ ગીતની પ્રશંસા કરતાં અભિનંદનો આપ્યાં.

સંગીતની ઊંચા પ્રકારની કાબેલિયત, સ્વામીજીએ, વિદ્યાર્થી અવસ્થાથી જ પ્રાપ્ત કરી લીધી હતી. સ્વામીજીએ તે સમયના બે ખ્યાતનામ સંગીતકારો, અહમદખાન અને બેની ગુપ્તા જેવા, પાસેથી કંઠ્ય સંગીત અને વાઘસંગીતની પદ્ધતિસરની તાલીમ અને શિક્ષા, પાંચ વર્ષ સુધી પ્રાપ્ત કરી હતી. સ્વામીજી ઘણાં વાઘો વગાડી શકતા હતા, પરંતુ તેઓ કંઠ્યસંગીતમાં વિશેષત: પ્રવીણ હતા. ભજનો ગાવામાં તો તેઓ નિપુણ હતા. બંગાળી, હિન્દી, ઉર્દૂ, ફારસી અને સંસ્કૃત જેવી વિવિધ ભાષાઓની કેટલીક સંગીતની રચનાઓનું પણ સ્વામીજીને જ્ઞાન હતું. પોતાના એક મિત્રે બંગાળી ગીતરચનાઓના સંપાદિત કરેલા એક પુસ્તકની પ્રસ્તાવના સ્વામીજીએ ઘણી કાળજીપૂર્વક તૈયાર કરીને લખેલી, જેમાં તેમણે ભારતીય સંગીતશાસ્ત્ર અને તેની ખૂબીઓ અંગેની ચર્ચા કરી છે. આ વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનામાં સ્વામીજીની સંગીતક્ષેત્રની વિદ્વત્તાનું ઊંડાણ જોવા મળે છે.

ભાગલપુરના મન્મથનાથ ચૌધરીના ઘરે બનેલો આ નીચેનો પ્રસંગ સ્વામીજીની ‘સંપૂર્ણ – સંગીતજ્ઞ’ તરીકેની પ્રતિભાને છતી કરે છે: “૧૮૯૦ના ઑગસ્ટમાં એક સવારે, સ્વામી વિવેકાનંદ, સ્વામી અખંડાનંદ સાથે આકસ્મિક જ મારા ઘરે પધાર્યા. તેઓ સામાન્ય સાધુઓ હશે એમ માનીને, મેં તેમના તરફ બહુ ધ્યાન આપ્યું નહીં. … એકવાર મેં તેમને કોઈ રાગનો સૂર ગણગણતા જોયા; તેથી મેં એમને પૂછ્યું, “આપ ગાઈ શકો છો?” તેમનો જવાબ હતો, “બહુ ઓછું.” અમે ઘણું દબાણ કર્યું એટલે તેમણે ગાયું. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે તેઓમાં જેવી વિદ્યુતા હતી તેવું જ અદ્ભુત તેમનું સંગીત-કૌશલ પણ હતું. બીજે દિવસે મેં એમને પૂછ્યું, જો હું અન્ય ગાયકો અને સંગીતકારોને નિમંત્રણ આપું, તો આપ પણ ઉપસ્થિત રહેવા ઈચ્છુક છો?” તેમણે સંમતિ આપી અને મેં કેટલાક ‘ઉસ્તાદ’ અને ‘સંગીતકલાના નિપુણ સંગીતકારો’ને પધારવા નિમંત્રણ પાઠવ્યાં. બહુ બહુ તો આઠ વાગ્યા સુધીમાં આ કાર્યક્રમ સમાપ્ત થઈ જશે એવું ધારીને, મેં મહેમાનોના વાળુની વ્યવસ્થા કરી નહોતી. સ્વામીજીએ તો એકધારું સવારના બે-ત્રણ વાગ્યા સુધી ગાયા કર્યું. અપવાદ વગર, સર્વે લોકો એટલા તો પ્રભાવિત થયા હતા કે કોઈને ભૂખ, તરસ કે સમયનો ખ્યાલ સુધ્ધાં રહ્યો નહીં. પોતાના સ્થાનેથી ન તો કોઈ હલ્યું ચણ્યું કે ન તો કોઈએ ઘરે જવાનો ન વિચાર કર્યો. કૈલાસબાબુ જે સ્વામીજીના ગીતોની સંગત કરી રહ્યા હતા, તેમને આખરે સંગત છોડી દેવાની ફરજ પડી કારણ કે તેમની આંગળીઓ અકડાઈ ગઈ હતી અને આંગળીઓ સ્પર્શનું સ્પંદન પણ ગુમાવી ચૂકી હતી. મેં અન્ય કોઈમાં આવી અલૌકિક શક્તિનાં ક્યારેય દર્શન કર્યાં નથી કે ફરી જોવાની આશા પણ રાખતો નથી. બીજે દિવસે સાંજે, આગલી રાત્રીના તમામ મહેમાનો ને અન્યલોકો વગર નિમંત્રણે આવી પહોંચ્યા. વાઘ વગાડનાર પણ આવ્યા, પરન્તુ સ્વામીજીએ એ સાંજે ગાયું નહીં. એથી બધા નિરાશ થયા.”

જો સ્વામીજીના સંગીત સંબંધી વિચારો અહીં પ્રસ્તુત કરવામાં ન આવે તો આ નિબંધ પૂર્ણ થયો ન ગણી શકાય. પોતાના ભક્તિયોગ પરના વ્યાખ્યાનમાં સ્વામીજી જણાવે છે કે માનવમન પર સંગીતનો પ્રચંડ પ્રભાવ પડે છે. સંગીતમાં, માનવમનને પ્રભાવિત કરવાની પ્રચંડ શક્તિ છે; ક્ષણમાત્રમાં તે માનવમનને એકાગ્ર કરે છે. તમે જોઈ શકશો કે મંદ, અજ્ઞાની, છીછરા કે પશુ જેવા માનવીઓ કે જેઓ પોતાના મનને કેટલીકવાર એક ક્ષણ પૂરતું પણ એકાગ્ર કરી શકતા હોતા નથી, તેવા લોકો પણ આકર્ષક સંગીત સાંભળતાં જ મુગ્ધ બની, એકાગ્ર બની જતા હોય છે. અરે, પશુઓનાં મન પણ સંગીતથી પ્રભાવિત થતાં હોય છે.

કૅલીફૉર્નિયાના પોતાના રામાયણ પરના વક્તવ્યમાં સ્વામીજી જણાવે છે કે ભારતમાં સંગીત અને નૃત્યને સુધ્ધાં ધર્મ ગણવામાં આવે છે. ભારતમાં નાટક પણ એક પવિત્ર વસ્તુ ગણાતી. નાટક અને સંગીત એ જ ધર્મ છે એમ માનવામાં આવતું. કોઈપણ ગીતમાં જો વ્યક્તિ પોતાના આત્માને પૂર્ણ રીતે એકરૂપ કરે, તો તે વ્યક્તિ નિર્વાણની પ્રાપ્તિ કરે છે; અને તે વ્યક્તિને અન્ય કોઈ વસ્તુ કરવાની રહેતી નથી. એમ કહેવાય છે કે એનાથી સમાધિ દ્વારા સાધવામાં આવે, એવું જ ધ્યેય પ્રાપ્ત થઈ શકે છે. એક અમેરિકન સન્નારીને લખેલા તેમના એક પત્રમાં, સ્વામીજી સંગીતની સરખામણી પૂજા-અર્ચના સાથે કરે છે: ‘સંગીત એક સર્વોચ્ચ કલા છે, અને જેઓ તેને સમજે છે, તેને માટે તો તે શ્રેષ્ઠ પ્રકારની પૂજા કે ભક્તિ છે.’

પોતાના એક વર્ગમાં તેઓ પૂર્ણ સંગીતના રહસ્યને આ રીતે વ્યક્ત કરે છે: ‘ધ્રુપદ-ખયાલ’માં એક વિજ્ઞાન છે; પરંતુ તે ‘કીર્તન’માં છે તે જ યથાર્થ સંગીત છે કારણ કે તેમાં લાગણી કે ભાવ છે. લાગણી એ જ આત્મા છે … પ્રત્યેક વસ્તુનું રહસ્ય ‘ધ્રુપદ’નું વિજ્ઞાન … ઈત્યાદિ ‘કીર્તન’ના સંગીતમાં લાગુ કરવામાં આવે તો તેમાંથી સર્વોત્કૃષ્ટ, પૂર્ણ સંગીત ઉત્પન્ન થાય.

બિન કેળવાયેલ ભારતીય વ્યક્તિની શ્રવણેન્દ્રિય માટે પાશ્ચાત્ય સંગીત ‘શિયાળની લ્યાળી’ સમાન લાગે. સ્વામીજી પોતે પણ, પશ્ચિમના દેશોમાં ગયા તે અગાઉ, આવો જ અભિપ્રાય ધરાવતા હતા. ત્યાં તેમણે પાશ્ચાત્ય દેશોના લોકોનું સંગીત ધ્યાનથી સાંભળવાની અને તેનો બારીકાઈથી અભ્યાસ કરવાની શરૂઆત કરી. એના પરિણામે, તેમનામાં, પશ્ચિમના સંગીત માટે, ખાસ કરીને તે ‘લય-સૂરના સુમેળની પૂર્ણતા એ સંગીતમાં છે, એવો ભારે પ્રશંસાનો ભાવ વિકાસ પામ્યો, જેનો, તેમના અભિપ્રાય મુજબ, ભારતીય સંગીતમાં અભાવ છે.

સ્વામીજીનો એ દૃઢ અભિપ્રાય હતો કે યથાર્થ ભારતીય સંગીત તો ‘ધ્રુપદ ગાયકી’ અને ‘કીર્તન’માં રહેલું છે. ઈસ્લામિક સભ્યતાની અસર પૂર્વે, સાચી દિશામાં છતાં સ્થિર ગતિએ બંનેનો વિકાસ અને સુધાર થઈ રહ્યો હતો. ઈસ્લામિક સભ્યતાએ બંને કલાપ્રકારોને વિકૃત કરી બગાડી નાખ્યા. આવો અભિપ્રાય સ્વામીજીએ અવારનવાર વ્યક્ત કર્યો હતો.

સ્વામી વિવેકાનંદ, વળી, એક કવિ પણ હતા. તેમણે સંસ્કૃત અને બંગાળી ભાષામાં થોડાંએક ભજનો રચ્યાં છે; તેમ જ બંગાળીમાં કેટલાંક ગીતોની પણ સ્વર રચના કરી છે. શિવ-સ્તુતિ રૂપે તેમણે રચેલું, ‘નિખિલ-ભૂવન-જન્મ અને માતાજી પરનું ‘કા ત્વમ્ શિવે શુભકરે’ તેમજ શ્રીરામકૃષ્ણ વિશે ‘આચંડાલ – અપ્રતિહતરયઃ’ જેવી રચનાઓ, પદ-લાલિત્ય, સાહિત્યિક સુંદરતા, તત્ત્વજ્ઞાન અને ભક્તિનું દુર્લભ મિશ્રણ છે. તેમનું શ્રીરામકૃષ્ણ પરનું બીજું સુપ્રસિદ્ધ ‘ઓમ હ્રીં ૠતું’, રામકૃષ્ણ સંઘના પ્રત્યેક કેન્દ્રમાં સંધ્યા-આરતી સમયે ગવાય છે.

તેમની સર્વે બંગાળી રચનાઓમાં, સૌથી વિશેષ જાણીતું ‘ખંડન ભવ બંધન’ રામકૃષ્ણ સંઘના દરેક આશ્રમો અને મઠોમાં, સંધ્યા-આરતી સમયે, સૌપ્રથમ ગવાતી રચના છે. આ પ્રાર્થના તેની ગર્જના કરતી સૂરાવટ માટે નોંધપાત્ર છે, અને વૃંદગાન કે સમૂહમાં ગાવા માટે, આદર્શપૂર્ણ ને યોગ્યતાવાળી સ્તુતિ છે. જયારે મોટા સમૂહ દ્વારા, વાઘો, ખોલ, મંજીરાં ઇત્યાદિની સંગાથે, ગવાય છે, ત્યારે તે આત્મોત્તેજના જગાવતી અને પ્રેરક બની રહે છે.

સર્વોચ્ચ બ્રહ્મ પરનું ગીત ‘એક રૂપ અરૂપનામ’ તેમજ ભગવાન શિવ વિશેની બે કૃતિઓ ‘તા થૈયા’ અને ‘હર હર ભૂતનાથ’ મધુર અને સુરીલી તેમજ તાલપૂર્ણ રચનાઓ છે.

આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે સ્વામી વિવેકાનંદ, જે રીતે એક આધ્યાત્મિક ઉપદેશક અથવા સમાજ-સુધારક અથવા દેશભક્ત અથવા એક પ્રખર વિદ્વાન અથવા એક પ્રેરણાદાયી વક્તા અથવા એક મહાન લેખક હતા, તેવી જ રીતે તેઓ એક મહાન સંગીતકાર પણ હતા.

ભાષાંતર: શ્રી સી. એ. દવે

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.