હિંદુ ધર્મના સીમાસ્તંભરૂપ ‘એન્સાયક્લોપિડિયા ઓફ હિન્દુઈઝમ્’ના લેખક અને સંગીતજ્ઞ સ્વામી હર્ષાનંદજી બેંગાલુરુ રામકૃષ્ણમઠના અધ્યક્ષ છે. તેમણે જાન્યુઆરી, ૧૯૬૫માં વેદાંત કેસરીમાં લખેલા અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.-સં.

સંગીત માનવપ્રજાની એક વૈશ્વિક ભાષા છે એમ લોન્ગફેલો કહે છે. એને દેવોની વાણી પણ કહી છે. જેમ્સ બ્રેમ્સ્ટન કહે છે, ‘ભયંકર પશુને પણ અહિંસક અને વિનમ્ર બનાવવાની સંગીતમાં શક્તિ રહેલી છે.’ મહાન અંગ્રેજી નાટ્યલેખક શેક્સપિયર ‘મર્ચન્ટ ઓફ વેનિસ’માં સંગીત વિશે આમ કહે છે, ‘જે માનવમાં સંગીત કે સંગીતનો પ્રેમ નથી, જે સંગીતના મીઠા સૂરે ઝૂમી ઊઠતો નથી, તે શું આત્મદ્રોહી, ઠગ કે નિરર્થક નથી?’ હેન્રી ગાયલ્સ કહે છે, ‘એક મજાનું મીઠું ગીત આપણી સ્મૃતિમાં ઉપદેશકોના ઉપદેશ કરતાં પણ વધારે સમય જીવતું રહે છે.’ સંગીત વિશેનાં આ કથનો માનવ જીવનમાં તેનું મહત્ત્વ કેટલું છે એ દર્શાવે છે.

પ્રાગૈતિહાસિક સમયના પ્રારંભમાં આપણને સંગીતના મૂળ સ્રોતો જોવા મળે છે. ઋગ્વેદ અને સામવેદ પહેલાંનો આ સમય ગણાય. એટલે કે ઈ.સ. પૂર્વે ૪૫૦૦ થી ૨૦૦૦ સુધીનો કહેવાય. બીજા દેશોમાં પણ જ્યારે ઉત્ક્રાંતિના સૌથી વહેલા તબક્કાઓમાં લોકસંગીત કે લોકગીત શરૂ થયાં ત્યારે ભારતમાં સંગીતનું પદ્ધતિસરનું શાસ્ત્ર કે વિજ્ઞાન શ્રુતિ, સ્વર, રાગ, લય અને તાલની સંકલ્પનાઓ એની પહેલાં વિકસી હતી. નારદ પરિવ્રાજક અને ગર્ભ નામનાં પ્રારંભિક ઉપનિષદોમાં સપ્તસ્વરની પદ્ધતિ વિશેનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે.

બીજી કલાઓ અને વિજ્ઞાનની જેમ પ્રાચીન ભારતમાં સંગીત અને નૃત્ય- વાસ્તવિક રીતે પ્રારંભિક તબક્કામાં આ બંને એક જ કલાનાં અંગ હતાં. એમની આધારભૂમિકા ધર્મ હતી. સ્વરૂપની દષ્ટિએ તે બંને એટલે જ અનિવાર્યપણે તે બંને રૂપમાં ધાર્મિક હતાં અને ઈશ્વર પ્રત્યેની પ્રેમભક્તિ બતાવવામાં તેમજ ઈશ્વરની અનુભૂતિ કરવાનાં સાધન તરીકે તેમનો ઉપયોગ થતો હતો. નાદોપાસનાને ધર્મજીવનમાં વધારે ઉચ્ચ પરિણામલક્ષી ગણવામાં આવી છે. પ્રાચીન કાળમાં નારદ અને ઐતિહાસિક સમયના તુલસીદાસ, મીરાંબાઈ, કબીર, નાનક, રામપ્રસાદ, કમલાકાંત, તુકારામ, પુરંદરદાસ અને ત્યાગરાજ વગેરે માટે તંબૂર-નાદે, નાદોપાસના પરિણામદાયી ધર્મસાધનાનું ઉજ્જવળ ઉદાહરણ છે. આપણા ધર્મના ઇતિહાસના સૌથી વધારે કટોકટીના કાળમાં સામાન્ય જનસમૂહમાં સાચા ધર્મના પ્રચાર, પ્રસાર માટે તેમજ ઈશ્વરની અનુભૂતિ માટે સંગીતની કળાનો ઉપયોગ આ બધા સંતો, મહાપુરુષો અને ઈશ્વરના ભક્તોએ કર્યો છે. એટલે જ સ્વરૂપની દૃષ્ટિએ મૂલત: ભારતીય સંગીત ભક્તિભાવવાળું છે અને એટલે જ એને ‘ભજન’ એવું નામ આપ્યું છે.

જો ભજન પૂર્ણ હોય તો તેને એની ચોક્કસ મૂળ શરતો સંતોષાવી જોઈએ. એ શરતો આ છે: સારો કંઠ, ભજનને યોગ્ય સહાયક વાજિંત્રો, સંગીતનું સૈદ્ધાંતિક જ્ઞાન, ઉત્તમ કક્ષાની સંગીતરચના, સ્પષ્ટ ઉચ્ચારણ અને ભક્તિભાવ. મધુર કંઠ એ ભજનનું પ્રથમ આવશ્યક અંગ છે. મધુર કંઠ વિના ભજન બનતું નથી. ભાજન – પાત્ર વિના ભજનન હોય. મધુરકંઠ એ ભજનમાં એકના આંકડા જેવું છે, એની પાછળ ગમે તેટલાં શૂન્ય ઉમેરી શકાય. જેમ શૂન્ય ઉમેરાય તેમ તેની કિંમત વધતી જાય છે. એક વિના શૂન્ય શૂન્ય જ રહે છે. જો કંઠ મધુર હોય તો સહાયક વાજિંત્રો, સંગીતની પદ્ધતિનું જ્ઞાન વગેરે ભજનનું માધુર્ય તેમજ તેનો આનંદ રસ વધી જાય છે. નહિ તો બાકીનાં બીજાં સાધનો શૂન્ય જેવાં રહે છે. જો અવાજ કે કંઠ મધુર હોય તો સહાયક વાજિંત્રો, સંગીતનું સૈદ્ધાંતિક જ્ઞાન, ભજનની આકર્ષકતા અને મોહકતા ઓર વધી જાય છે.

ધારો કે ગાયકનો કંઠ મધુર છે, સારો છે અને તાનપૂરા, તબલાં, સરોદ, સિતાર, વીણા, વાયોલિન જેવાં સહાયક વાજિંત્રો સાથે બરાબર તાલસૂર મેળવતાં થઈ જાય તો ગાનની અસર નિ:શંક રીતે વધવાની અને એમાંય સંગીત કલાની પદ્ધતિઓ અને એના વિજ્ઞાનનું સંયોજન થાય તો સંગીતગાનને એક સરસ મજાની ચમક મળી જાય છે.

આ બધું હોય અને જે ભજન કે ગાન ગવાય છે તેમાં પૂરતી કાવ્યત્મકતા ન હોય અને ઉદાત્ત અને સારા ભાવોથી વંચિત હોય તો આ આખી સંગીત રચના કે ગાન નિરર્થક જવાનાં અને વળી ભજનની સારી સંરચના ભાવપૂર્વક અને રચનામાં રહેલ ભાવ અને અર્થને બરાબર નિપજાવતા સ્પષ્ટ સૂર અને અવાજે એ ગવાય તો તેનો પ્રભાવ ભવ્ય અને સૌને મુગ્ધ કરી દેનારો બની રહેશે.

સંગીતની પ્રાથમિક આવશ્યકતાઓ સ્વામીજીને પ્રકૃતિ દ્વારા મળી હતી. પ્રકૃતિની આ દેનને સંગીત કલાની સૈદ્ધાંતિક બાબતોના ગહનજ્ઞાન અને સાતત્ય ભરેલા પ્રયત્નોથી વધારે પરિશુદ્ધ બનાવી.

સ્વામીજીને ચાઇનીઝ ગોન્ગ (ઝાલરના રણકાર) જેવો અત્યંત મધુર અને સમૃદ્ધ કંપનવાળો કંઠ પોતાનાં માતપિતા દ્વારા વારસામાં મળ્યો હતો. એમના કંઠની આ અનોખી મધુરતાને લીધે શ્રીરામકૃષ્ણદેવ એમને વારંવાર ભજન ગાવા માટે કહેતા. દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ સમક્ષ નરેન્દ્રે જે પહેલું ગીત ગાયું તેને સાંભળીને તેઓ ઊંડી સમાધિમાં સરી પડ્યા હતા.

માઉન્ટ આબુમાં બનેલી એક ઘટના એમના કંઠની મધુરતાનો સારો પરિચય આપે છે:

‘બીજે બધે ઠેકાણે જેમ થયેલું તેમ જ આબુમાં પણ થયું – સ્વામીજીના ગુણોથી ઘણા ભક્તો આકર્ષાયા. તેઓ એ બધાંની જોડે સાંજે બહાર ફરવા નીકળતા. એક દિવસ એ લોકોે ‘બેલીઝ વાૅક’ નામનો રસ્તો પકડીને ચાલતાં ચાલતાં એ પર્વતીય પ્રદેશનાં ખાસ ખાસ રમણીય સ્થળો વિશે વાતો કરી રહ્યા હતા. નીચે જ આબુનું નખીસરોવર હિલોળા લઈ રહ્યું હતું. સ્વામીજી મિત્રો સહિત રસ્તો છોડીને એક થોડેક ઉપર આવેલી શિલાઓની વચમાં જઈને બેઠા અને ગાવા માંડ્યા. એ સંગીત ક્યાંય સુધી ચાલતું રહ્યું. આ તરફ એ સમયે કેટલાક યુરોપિયનો ફરવા નીકળેલા. તે સંગીતની મધુરતાથી આકર્ષાઈને ગાયકનાં દર્શન માટે રસ્તા ઉપર રાહ જોતા ઊભા રહ્યા. છેવટે ગાયક નીચે ઊતરી આવ્યા ત્યારે એમણે એમનો મધુર કંઠ અને ભાવગાંભીર્યની ઘણી ઘણી પ્રશંસા કરી.’

(યુગનાયક વિવેકાનંદ ભાગ-૧, પાના નં-૩૧૫)

વિદ્યાર્થી તરીકે પણ સ્વામીજીએ ઉચ્ચ કક્ષાની નિપુણતા સંગીતમાં મેળવી લીધી હતી. તેમણે એ જમાનાના સંગીત માર્તંડ અહમદ ખાં અને વેણી ગુપ્તાની નિશ્રામાં પાંચ વર્ષ સુધી પદ્ધતિસરના કંઠ્યસંગીત અને વાદ્યસંગીતના અભ્યાસ અને પ્રાયોગિક તાલીમ મેળવી હતી. આમ તો તેઓ કંઠ્યસંગીતમાં વધુ નિપુણ હતા પણ સાથે ને સાથે તેઓ બીજાં ઘણાં વાદ્યો વગાડી શકતા. તેઓ ભજન ગાવાના શોખીન હતા. તેમને બંગાળી, હિંદી, ઉર્દૂ, ફારસી અને સંસ્કૃત જેવી અનેક ભાષાઓમાં સંગીત રચના કરવાનું પણ જાણી લીધું. પોતાના એક મિત્રએ સંપાદિત કરેલાં બંગાળી ગીતોના એક ગ્રંથની ભૂમિકા પણ લખી હતી. આ ભૂમિકામાં એમણે ભારતીય સંગીતની કલા અને એની પદ્ધતિઓની ઘણી ચર્ચા કરી છે. આ વિદ્વતાપૂર્ણ ભૂમિકા એમની સંગીત કલાની વિદ્વતાનો સારો એવો પરિચય આપે છે.

ભાગલપુરના મન્મથનાથ ચૌધરીના ઘરે બનેલી આ ઘટના સ્વામીજી એક સર્વાંગ સંપૂર્ણ સંગીતજ્ઞ હતા એનો ખ્યાલ આપે છે. મન્મથબાબુએ ૧૯૦૬ની સાલના જૂન મહિનામાં સ્વામીજીના એક શિષ્યને લખેલું:-

‘‘૧૮૯૦ના ઓગસ્ટ મહિનામાં એક સવારે સ્વામી વિવેકાનંદ સ્વામી અખંડાનંદની જોડે અણધાર્યા અમારે ઘેર આવી પહોંચ્યા. એમને પહેલાં પહેલાં તો સાધારણ સાધુ ધારીને મેં એમના તરફ ખાસ ધ્યાન આપ્યું નહિ. અમે ત્યારે બપોરનું જમવાનું પતાવીને એકઠા થઈને બેઠા હતા અને તેમને અભણ સમજીને વાતચીત કરવી પણ ટાળી, ઊલટાનું બૌદ્ધધર્મ સંબંધેના એક ગ્રંથનો અંગ્રેજી અનુવાદ વાંચતો રહ્યો…

…‘એક દિવસ જોયું કે તેઓ પોતાની મોજથી ગુન ગુન કરીને ગીત ગાઈ રહેલા. તેથી પૂછ્યું કે તેઓને ગાતાં આવડે છે કે નહિ. જવાબમાં એમણે કહ્યું કે, ‘સાવ સાધારણ જ.’ મારા પાછળ પડવાથી તેઓ ગાવા માટે રાજી થયા, ત્યારે નવાઈ પામી જઈને જોયું કે જેવા પાંડિત્યમાં; તેવા સંગીતમાં પણ પારંગત. બીજે દિવસે મેં જાણવા માગ્યું કે, હું જો કેટલાક ગાયક અને વાદકને આમંત્રણ આપીને લઈ આવું તો એમને કશો વાંધો તો નથી ને ? તેઓ સંમત થયા અને મેં ઘણા ગાયકોને તેડાવ્યા. એમાંના ઘણા જણા તો ઉસ્તાદો હતા. મને તો હતું કે રાત્રે નવ-દસ વાગતામાં તો સંગીતનો જલસો ઊઠી જશે. પણ આ બાજુ તો સ્વામીજી રાતના બે-ત્રણ વાગ્યા સુધી અટક્યા વિના ગાતા જ રહ્યા. સહુ સંગીતથી એવા તો ઝૂમી ઊઠ્યા હતા કે, કોઈને ભૂખ-તરસ કે સમયનું ભાન હતું નહિ. ના તો કોઈએ બેઠક છોડી કે ના કોઈને ઘેર જવાનો વિચાર આવ્યો. કૈલાસબાબુ સંગત કરી રહેલા, પણ છેવટે એમને નાછૂટકે અટકી જવું પડ્યું; કારણ કે એમનાં આંગળાં સંવેદનાશૂન્ય અને અક્કડ થઈ ગયાં, આવી અલૌકિક શક્તિ મેં ક્યારેય નથી જોઈ, અને ભવિષ્યમાં દેખવાની મને આશા પણ નથી. બીજે દિવસે સાંજે આગલી રાતના બધા જ મહેમાનો વગર બોલાવ્યે આવીને હાજર થઈ ગયા અને બીજા નવા પણ ઘણાય આવેલા. સંગતકાર પણ આવી ગયા, પણ તે દિવસે સ્વામીજીએ ગાયું નહિ. તેથી બધા બહુ નિરાશ થઈ ગયા.’ (યુગનાયક વિવેકાનંદ ભાગ-૧, પાના નં-૨૬૫-૬૭)

સ્વામીજીના સંગીત કલા વિશેનાં દષ્ટિબિંદુઓ જો અહીં ન આપીએ તો આ લેખ અપૂર્ણ ગણાય. તેમનાં ભક્તિયોગ વિશેનાં વ્યાખ્યાનોમાં માનવમન પર પડતી સંગીતની ભવ્ય અસરની વાત તેમણે કરી છે:

‘માનવહૃદય પર સંગીતનો પ્રબલ પ્રભાવ પડે છે. તે એક ક્ષણભરમાં ચિત્તને એકાગ્ર કરી દે છે. તમે જોતા હશો કે જડ, અજ્ઞાની, નીચ અને પશુવૃત્તિવાળાં મનુષ્યો જે પોતાનાં મનને ક્ષણભર માટે પણ સ્થિર કરી શકતા નથી. તેઓ પણ મનોહર સંગીતનું શ્રવણ કરતાં જ તત્ક્ષણ મુગ્ધ બનીને એકાગ્ર થઈ જાય છે. સિંહ, કૂતરાં, બિલાડી, સાપ જેવાં પશુઓનું મન પણ સંગીતથી મોહિત થઈ જાય છે.’ (સ્વા.ગ્રં. પ્રેમયોગ-પૂર્વતૈયારીમાંથી)

પોતાના ‘રામાયણ’ વિશેના કેલિફોર્નિયામાં આપેલા વક્તવ્યમાં તેમણે કહ્યું છે, ‘ભારતમાં નાટક એ પવિત્ર ગણાય છે. સંગીત અને નૃત્યને પણ ધર્મ માનવામાં આવે છે. કોઈપણ ભજન કે ગીતમાં જો કોઈપણ વ્યક્તિ પોતાનો પ્રાણ રેડે તો તે મુક્તિ મેળવે છે. એને બીજું કંઈ કરવાની જરૂર રહેતી નથી. ધ્યાનની જેમ તે પણ આપણને જીવનના ઉચ્ચતમ પથે દોરી જાય છે, એમ તેઓ (ઋષિઓ) કહે છે.’ પોતાનાં એક અમેરિકન બાનુને લખેલા એક પત્રકાવ્યમાં સ્વામીજીએ સંગીતને પૂજા સાથે સરખાવ્યું છે. ‘સંગીત એ સર્વોત્કૃષ્ટ કલા છે અને જે એને જાણે છે તેઓ સર્વોત્કૃષ્ટ પૂજા કરે છે.’

પોતાનાં વર્ગવ્યાખ્યાનોમાં પૂર્ણ સંગીતનું રહસ્ય પ્રગટ કરતાં સ્વામીજી આમ કહે છે, ‘ધ્રુપદ અને ખયાલમાં એક વિજ્ઞાન કે કલા છે, પરંતુ કીર્તનમાં… સાચું સંગીત છે કારણ કે એમાં ભાવ છે. આ ભાવ એટલે આત્મા અને બધાનું એ ગૂઢ રહસ્ય છે… ધ્રુપદ ગાયકીની કલાને જો કીર્તનના સંગીતમાં જોડવામાં આવે તો એક પૂર્ણ સંગીત નીપજે છે.’

કેળવાયેલા ન હોય એવા ભારતીય કાન માટે પશ્ચિમનું સંગીત ‘શિયાળવાની લાળી’ જેવું લાગે છે! સ્વામીજી પશ્ચિમમાં ગયા એ પહેલાં આવો જ મત ધરાવતા હતા. ત્યાં જઈને એમણે પશ્ચિમનું સંગીત ધ્યાનપૂર્વક સાંભળવાનું શરૂ કર્યું અને તેનો બારીકાઇથી અભ્યાસ કરવા માંડ્યો, પરિણામે તેમણે સૂરસંવાદિતાની પ્રત્યે પ્રેમ અને ભાવની લાગણી કેળવી. આ તત્ત્વ એમની દૃષ્ટિએ ભારતીય સંગીતમાં નથી.

સ્વામીજી ચોક્કસપણે માનતા હતા કે સાચું ભારતીય સંગીત ધ્રુપદ અને કીર્તનમાં રહેલું છે. આ ગાયકીને ઇસ્લામી સંસ્કૃતિના પ્રભાવથી બગાડી, મારી કે વિકૃત કરી નાખી, તે પહેલાં ધ્રુપદ અને કીર્તન ધીમે ધીમે સ્થિરતાથી ઉન્નત થતાં રહ્યાં અને યોગ્ય દિશામાં આગળ વધતાં પણ રહ્યાં.

સ્વામી વિવેકાનંદ પોતે એક કવિ હતા. તેમણે થોડાં સ્તોત્રો અને કાવ્યો સંસ્કૃતમાં અને બંગાળી તેમજ બીજી ભાષાઓમાં રચ્યાં છે. તેમનું શિવ પરનું સ્તોત્ર ‘નિખિલભુવન જન્મ..’ અને મા અંબા પરનું સ્તોત્ર ‘કા ત્વં શિવે શુભ કરે…’ અને શ્રીરામકૃષ્ણદેવ પરનું સ્તોત્ર ‘આચન્ડાલાપ્રતિહતરયો…’ છે; આ બધાં સ્તોત્રોમાં સાહિત્યિક સૌંદર્ય, તત્ત્વજ્ઞાન અને ભક્તિભાવનું દુર્લભ સંયોજન છે. શ્રીરામકૃષ્ણદેવ પરનું તેમનું બીજુ સુખ્યાત કાવ્ય ‘ૐ હ્રિં ૠતં ત્વમ્ચલો…’ રામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં સાંજની પ્રાર્થના વખતે ગવાય છે. રામકૃષ્ણ સંઘના બધા મઠમાં સાંજની પ્રાર્થના વખતે બંગાળી ગીતોમાંનું સૌથી શ્રેષ્ઠ સુખ્યાત સ્તોત્ર કાવ્ય ‘ખંડન ભવબંધન જગવંદન…’ ગવાય છે. આ કાવ્યો કે સ્તોત્રો સમૂહગાનમાં ગાઇ શકાય તેવા ગંભીર ગર્જન રણકાર- વાળા અવાજ અને મધુર સંગીત રચના માટે સૌની નજરે ચઢી જાય તેવાં છે. જ્યારે વિશાળ સમુદાયમાં વાદ્યો, ખોલ, ઝાંઝ સાથે ગવાય છે ત્યારે તે ગાન કોઈપણ વ્યક્તિના હૃદયને હચમચાવતું અને આધ્યાત્મિક ભાવને પ્રેરતું બની રહે છે.

સર્વોત્કૃષ્ટ બ્રહ્મ પરના ‘એક રૂપ અરૂપ નામ’ તેમજ શિવ પરનાં ‘તાથૈયા તાથૈયા’ તેમજ ‘હર હર હર ભૂતનાથ’ જેવાં ગીતો માધુર્યપૂર્ણ અને સંપૂર્ણ સૂરતાલવાળાં છે.

આ રીતે આપણે જોઈએ છીએ કે સ્વામી વિવેકાનંદ એક મહાન સંગીતજ્ઞ, એક મહાન આધ્યાત્મિક ગુરુ, એક સમાજ સુધારક, એક સ્વદેશ ભક્ત, પૂર્ણ મેધાવી પુરુષ, અને પ્રેરણાના સ્ત્ર્ાોત સમાન પ્રખર વક્તા અને એક મહાન લેખક હતા.

Total Views: 410

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.