(ગતાંકથી આગળ)
પ્રશ્ન : સ્વામીજી! પાશ્ચાત્યનું સંગીત મુખ્યત્વે વીર રસાત્મક જણાય છે, જ્યારે એ તત્ત્વોનો આપણામાં સાવ અભાવ દેખાય છે.
સ્વામીજી : ના ભાઈ ! ના. આપણે ત્યાં પણ એ છે. વીર રસાત્મક સંગીતમાં સ્વર સંવાદિતાની ઘણી મોટી જરૂર હોય છે. આપણામાં એ સંવાદિતાની બહુ મોટી ખોટ છે, તેથી એ એટલું બધું આગળ પડતું દેખાતું નથી. આપણું સંગીત ધીરે ધીરે સુધરતું આવતું હતું; પરંતુ જ્યારે મુસલમાનો આવ્યા ત્યારે તેમણે એનો એવી રીતે કબજો કરી લીધો કે સંગીતની કળાનો વધારે વિકાસ થયો નહિ. પાશ્ચાત્યનું સંગીત ઘણું આગળ વધેલું છે. તેમના સંગીતમાં દર્દ છે તેમજ વીરરસ પણ છે. સંગીતમાં એમ જ હોવું જોઈએ. પરંતુ આપણાં પ્રાચીન વાજિંત્રો તૂંબડાંમાંથી એક વાર બનાવ્યાં તે બનાવ્યાં; તેમાં પછી કશો સુધારો જ નથી થયો.
પ્રશ્ન : કયા રાગો અને રાગિણીઓના સૂર વીર રસાત્મક છે ?
સ્વામીજી : જો સંવાદી રીતે રચવામાં આવે અને વાજિંત્રો પણ તે પ્રમાણે જ ગોઠવાય તો દરેક રાગ વીરરસાત્મક બનાવી શકાય. કેટલીક રાગિણીઓ પણ વીરરસાત્મક થઈ શકે.
એ પછી રાતના ભોજનનો સમય થયો હતો એટલે વાતચીતનો અંત આવ્યો. ભોજન પછી સ્વામીજીએ કોલકાતાથી આવેલા મહેમાનોને માટે મઠમાં રાત્રિ રહેવા સારુ પથારી પાગરણ વગેરેની વ્યવસ્થા વિષે પૂછપરછ કરી અને ત્યારબાદ પોતાના ઓરડામાં સૂવા ગયા.
(૧૩. બેલુડમઠ ભાડાના મઠની જગ્યા, ૧૮૯૮)
૯. ૨૨ ફેબ્રુઆરી, ૧૮૯૮ શ્રીરામકૃષ્ણ દેવની જન્મતિથિના દિવસે સ્વામીજીની ઇચ્છાથી સંગીતની ગોઠવણ કરવામાં આવી હતી. મઠના સંન્યાસીઓએ સ્વામીજીને યોગી તરીકે શણગાર્યા.
પછી તાનપૂરાના ધ્વનિ સાથે મીઠા સ્વરથી સ્વામીજીએ ‘કૂંજન્તં રામરામેતિ’ (ધીમે સ્વરે રામનું નામ જપતાં) એ સંસ્કૃત શ્લોક બોલવાનું શરૂ કર્યું અને એ પૂરું થયા પછી પણ બહુ રમણીય ભાવથી તેમણે તાનપુરા સાથે ‘‘રામ રામ, શ્રીરામ રામ’ એ જપ ચાલુ રાખ્યો, પછી ગાવા લાગ્યા, ‘સીતાપતિ રામચંદ્ર રઘુપતિ રઘુરાઈ’… તેઓ પખવાજ વગાડતા રહ્યા. સ્વામી શારદાનંદજીએ ગાયું, ‘એક રૂપ અરૂપ નામ વરણ’. તદ્ઉપરાંત ગિરિશબાબુ પણ શિવસંકીર્તન કરવા લાગ્યા. સ્વામીજીએ કેટલાંય હિંદી ગીતભજન ગાયાં. ‘બૈયા ન પકરો મોરી નરમ કલૈયાં’, ‘પ્રભુ મેરે અવગુણ ચિત્ત ન ધરો’ વગેરે…
તેમની આંખો અર્ધ મીચેલી હતી; તેમના ચહેરાની સ્વાભાવિક ભવ્યતા આજે સોગણી ગંભીર બની હોય તેમ લાગ્યું. અરધા કલાક સુધી સહુ કોઈ મંત્રમુગ્ધ બની રહ્યા.
શ્રીરામનામની ધૂન પછી સ્વામીજીએ તે જ ઉન્માદ ભાવથી તુલસીદાસનું શ્રીરામચંદ્રજી ઉપરનું ભજન ગાયું. ત્યાર પછી બીજું સંગીત ચાલ્યું. આ પછી સ્વામીજીએ એકાએક પોતે ધારણ કરેલા શણગારો ઉતારી નાખ્યા અને ગિરીશબાબુને તે પહેરાવવા લાગ્યા.
( બેલુરમઠ ભાડાના મઠની જગા, ૧૮૯૮)
૧૦.દક્ષિણ ભારતમાં કેટલાક રાગો સ્વતંત્ર રાગો તરીકે ગવાય છે અને યાદ રખાય છે, જ્યારે ખરેખર તો તેઓ છ મુખ્ય રાગોમાંથી ઉદ્ભવેલા છે. તેમના સંગીતમાં ‘મૂર્છના’ બહુ જ ઓછી છે; સંગીત માટે કોઈ પૂર્ણ વિકસિત વાદ્ય યંત્રનો ઉપયોગ પણ જૂજ છે. દક્ષિણની વીણા એ ખરી વીણા નથી. આપણે ત્યાં લડાયક સંગીત છે જ નહિ. વીરરસવાળી કવિતા પણ નથી. ભવભૂતિ થોડોક વીરરસવાળો છે.
૧૧.(રણદાપ્રસાદ દાસગુપ્તાને સંબોધીને) માણસ જે કાંઈ સર્જન કરે તેમાં તેના કોઈ ભાવની અભિવ્યક્તિ થતી હોય છે; આ જ કલાનું મૂળ છે. જ્યાંં ભાવની અભિવ્યક્તિ નથી, ત્યાં ગમે તેટલા રંગોનો દેખાવ હોય તો પણ તેને ખરી કલા કહેવાય નહિ……
જે કોઈ પૂરેપૂરા દિલથી કોઈ પણ વસ્તુ ઉપર મંડી પડે છે, તેને તેમાં માત્ર સફળતા મળે છે એટલું જ નહિ, પણ તેમાં મગ્ન રહેવાથી તે પરમ સત્ય- સ્વરુપ બ્રહ્મને પણ પામે છે. જે પૂરા દિલથી કોઈ કામ કરે છે, તેને ઈશ્વરની મદદ મળે છે……
પણ દરેક પ્રજાને પોતાની આગવી ખાસિયત હોય છે. આ ખાસિયતો તેના રીતરિવાજોમાં, તેની રહેણીકરણીમાં, તેની ચિત્રકલામાં અને તેના સ્થાપત્યમાં પ્રગટ થતી દેખાય છે. દાખલા તરીકે પશ્ચિમમાં સંગીત અને નૃત્યમાં તેમના ભાવોની અભિવ્યક્તિ વેધક હોય છે. નૃત્યમાં તેઓ પોતાના અવયવોને આંચકો મારતા હોય તેમ લાગે છે; વાદ્ય સંગીતમાં તેમના સ્વરો તલવારની ધાર માફક કાનને ખૂંચે છે; કંઠ્ય સંગીતમાં પણ તેમ જ છે. આ દેશમાં જાણે કે નૃત્યની ગતિ તરંગ જેવી પ્રવાહી છે; અને કંઠ્ય સંગીતમાં પણ તેના આરોહ – અવરોહની વિવિધતામાં એ જ પ્રકારની લહેકાવાળી ગતિ છે. વાદ્ય સંગીતમાં પણ તેમ જ છે. આમ કલાના પ્રદેશમાં પણ જુદી જુદી પ્રજાના ભાવ જુદી જુદી રીતે વ્યક્ત થાય છે… (વિવેકાનંદના સાંનિધ્યમાંથી)
સ્વામીજી : ….કેવળ મૃંદગ અને કરતાલ બજાવીને અને કીર્તનોની ધૂનમાં નાચી નાચીને સમસ્ત પ્રજા અધોગતિએ પહોંચી ગઈ છે. એક તો (બંગાળીઓ) તેઓ અજીર્ણથી પીડાતા લોકો છે જ; એમાં વળી આ રીતે નાચેકૂદે, પછી તેઓ શ્રમ શી રીતે સહન કરી શકે? જેનું પ્રથમ લક્ષણ પવિત્રતા છે તે શ્રેષ્ઠ સાધનાનું અનુકરણ કરવાના પ્રયાસમાં તેઓ નર્યા તમોગુણથી ભરપૂર થઈ ગયા છે. ગમે તે જિલ્લામાં કે ગામમાં તમે જાઓ, કેવળ મૃદંગ અને કરતાલના જ અવાજ સાંભળશો! આ દેશમાં ઢોલ નથી બનતાં? શું રણશિંગાં અને નગારાં ભારતમાં નથી મળતાં? યુવાનોને અને કિશોરોને આ વાજિંત્રોના ઘોર અવાજો સંભળાવો. બચપણથી આવા કોમળ સંગીતના નિર્માલ્ય અવાજો અને કીર્તનો સાંભળી આ દેશ લગભગ સ્ત્રીઓના દેશ જેવો થઈ ગયો છે; આનાથી વિશેષ વળી કઈ અધોગતિની તમે આશા રાખો છો? કવિની કલ્પના પણ આ ચિત્ર આલેખવામાં નિષ્ફળ જાય છે! ડમરુ અને રણશિંગાં બજાવવાં જોઈએ; ઘોર વીરતાભર્યા સ્વરો માટે નગારાં વગાડવાં જોઈએ અને મોં વાટે ‘મહાવીર, મહાવીર!’ એ શબ્દો તથા ‘હર હર! બોમ, બોમ!’ એવા પોકારોથી દિશાઓ ગજવી મૂકવી જોઈએ. જે સંગીત મનુષ્યની કુમળી લાગણીઓને જ જગાડે છે, તેને હમણાં થોડા સમય માટે બંધ કરી દેવું જોઈએ. ખ્યાલ અને ટપ્પા જેવા કોમળ સ્વરોનો અવાજ અટકાવીને લોકોને ધ્રુપદના સ્વરો સાંભળવાની ટેવ પડાવવી જોઈએ. ભવ્ય વૈદિક ઋચાઓની મેઘગર્જનાથી આ દેશમાં ચેતન પાછું લાવવાનું છે. દરેક બાબતમાં વીરતાભર્યા પૌરુષનો કઠોર ભાવ જગાડવાનો છે. આવા આદર્શને અનુસરવામાં જ લોકોનું અને દેશનું કલ્યાણ સમાયેલું છે…. (વિવેકાનંદના સાંનિધ્યમાંથી)
(ક્રમશ 🙂
Your Content Goes Here




