સ્વામી વિવેકાનંદના ભાસ્વર જીવનકવનની અતિ ઓછી જાણીતી ઘટનાઓ પૈકીની એક અન્યતમ ઘટના એટલે પોતાની માત્ર ૨૪ વર્ષની ઉંમરે લખેલ ‘સંગીત કલ્પતરુ’ નામના સંગીત વિષયક મૂળ બંગાળી ગ્રંથની ભૂમિકા. ૬૪૭ સંગીત પ્રધાન ગીતોનું આ સંકલનની આ ભૂમિકામાં સંગીતતત્ત્વ, રાગ, તાલ તેમજ વિભિન્ન વાદ્યયંત્ર વિશે એમણે કરેલી સુદીર્ઘ ચર્ચા આપણને સાંપડે છે. સ્વામી વિવેકાનંદને વરેલા અને સંગીતના અનુરાગીઓ આવા લેખોમાં વ્યક્ત થતા સ્વામીજીના સંગીતવિષયક જ્ઞાનને માણશે અને એનું સાચું મૂલ્યાંકન પણ કરશે એ હેતુથી અમે હિન્દી માસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના તંત્રીશ્રી સ્વામી વિદેહાત્માનંદજી દ્વારા હિંદીમાં અનૂદિત (અપ્રકાશિત) ભૂમિકાનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદને લેખમાળા રૂપે અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

સંગીત અને વાદ્ય

કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થ દ્વારા પ્રહાર પામતાં તેની પરમાણુ સૃષ્ટિમાં એક પ્રકારનું અનુકંપન ઉત્પન્ન થાય છે. એ અનુકંપન વાયુ કે બીજા અન્ય પરિચાલક માધ્યમ દ્વારા સ્નાયુ મંડળમાં ગૃહીત બને છે અને ત્યાર બાદ આપણને અવાજ કે ધ્વનિ દ્વારા શબ્દની અનુભૂતિ થાય છે. 

એક પાતળા કાચના ગ્લાસ પર એક નાની લાકડીથી પ્રહાર કરતા તત્કાળ એક પ્રકારનો શબ્દ – ધ્વનિ ઉત્પન્ન થાય છે. જો એ સમયે ગ્લાસને આપણે હાથથી સ્પર્શ કરીએ તો એમાં થતાં કંપનની અનુભૂતિ થશે અને એને જરા ભાર દઈને દબાવી રાખવાથી એ કંપનો શાંત થઈ જશે. એની સાથે ને સાથે શબ્દ-ધ્વનિ પણ તિરોહિત બની જશે. આવી રીતે અનેક પ્રકારે એ બતાવી શકાય કે આઘાત કે પ્રહાર પામેલ પદાર્થનાં કંપન જ શબ્દનું કારણ છે. વાંસળી વગેરે શ્વાસોત્પન્ન ધ્વનિથી સંનિહિત – વ્યાપ્ત વાયુમંડળમાં એ જ કંપન પ્રારંભમાં જ ઉત્પન્ન કરવામાં આવે છે.

એક તળાવમાં જો એક પત્થર ફેંકવામાં આવે તો પહેલા તેમાં એક વર્તુળાકાર તરંગ ઉત્પન્ન થાય છે. ક્રમશ: પહેલા તરંગ કરતાં બૃહત્તર અને ધીમે ધીમે બૃહદ્‌ થી બૃહત્તર વર્તુળાકાર તરંગમાળા સંપૂર્ણ તળાવને આવરી લે છે. પથ્થર ફેંકતાં જ એ સ્થાનનું જળ પ્રહાર પામીને વર્તુળાકારમાં વહેતું થયું અને જે વેગે એની પાસે આવું કરાવ્યું એ જ વેગે પછીના જલરાશિને પ્રવેગ આપીને તે શાંત બની ગયો. સંભવત: અનેક લોકો વિચારે છે કે ફેંકેલા પત્થરના સ્થાનનું જળ જ વહેતાં વહેતાં તળાવના કિનારા સુધી પહોંચી જાય છે; પરંતુ આ વાત ખોટી છે. જો કેટલાક સિક્કાને એક જ હરોળમાં એક જ રેખામાં રાખવામાં આવે અને એક છેડેથી એક સિક્કા પર આઘાત કરવામાં આવે તો અંતે આપણને જોવા મળશે કે વચ્ચેના બધા સિક્કા પોતપોતાના સ્થાન પર સ્થિર રહે છે. કેવળ અંતિમ સિક્કો જ વેગને પામીને પોતાના સ્થાનથી ખસી જાય છે. એનું કારણ એ છે કે એક છેડાના સિક્કા પર આઘાત કે પ્રહાર કરવામાં આવ્યો હતો અને એની નજીકના સિક્કાને પોતાનો વેગ આપી દીધો; જો એની નજીક કોઈ સિક્કો ન હોત તો તે પોતે પણ એ જ વેગે ખસી જાત. પરંતુ આ બાબતમાં એના પર જે શક્તિનો ઉપયોગ થયો તેને એણે બીજા સિક્કાને આપી દીધી અને પોતે શક્તિહીન બનીને સ્થિર બની ગયો. વળી આવી જ રીતે બીજા સિક્કાએ ત્રીજામાં પોતાની શક્તિને સંચારિત કરી. કેવળ અંતિમ સિક્કો જ શક્તિસંચાલન માટે કોઈ બીજી વસ્તુ ન મળતાં પોતે જ સંચાલિત થયો. ઉપર્યુક્ત તળાવમાં પણ બરાબર આ જ રીતની પ્રક્રિયા થશે. પથ્થર પડવાનો જે વેગ હતો, એ જ શક્તિ દ્વારા ત્યાંની જળરાશિ પરિચાલિત બની. પરંતુ ચારે બાજુથી જળરાશિ દ્વારા પરિવૃત થવાનું કારણ એમને જ પોતાનો વેગ દઈ દીધો એ છે, પછીના ક્રમથી એ પણ શક્તિસંચાલન કરવા માંડ્યાં અને પરિણામ એ આવ્યું કે જે સ્થળનું જળ હતું એ માત્ર એકવાર ઊછળીને એ જ સ્થાને પુન: નિશાંત બની ગયું. આ રીતે ક્રમશ: તળાવની સમગ્ર જળરાશિએ એક એક વાર મંડલાકારમાં ઉત્થાન પામીને એ જ પ્રકારની એક વર્તુળાકાર તરંગમાળા ઉત્પન્ન કરી. આના બીજા પણ પ્રત્યક્ષ પ્રમાણ છે.

એક નાની એવી વસ્તુ, જેવી કે પક્ષીની પાંખ. જળ ઉપર તરે છે અને એમાં આ પ્રકારની તરંગમાળા ઉત્પન્ન થાય તો આપણને જોવા મળશે કે એ પાંખ કે નાનામાં નાની વસ્તુ કેવળ એકવાર પાણી સાથે થોડી ઉપર આવીને પુન: જળની સાથે જ નીચે ઊતરી જાય છે; પોતાના સ્થાનથી તે જરાય ચ્યૂત થતી નથી. જો તરંગ સાથે જળ પણ પોતાના સ્થાનથી ચ્યૂત થઈને આગળ વધતું હોત તો તે ચોક્કસપણે તે પાંખના જેવા નાના એવા પદાર્થને પણ પોતાની સાથે વહાવીને લઈ જાત.

જ્યારે એક ઘંટ પર પ્રહાર કરવામાં આવે તો તે ઘંટની ધાતુના બધા પરમાણુઓમાં આવી જ રીતે કંપન થાય છે અને એ કંપન વાયુમંડળમાં પણ આ પહેલાં વર્ણવેલાં જળની જેમ તરંગો ઉત્પન્ન કરે છે. આ રીતે જળ પણ શબ્દ કે ધ્વનિનું પરિચાલક બળ છે; જો એક તળાવના બે છેડા પર બે વ્યક્તિ ડૂબકી મારીને બે પથ્થરોથી આઘાત કરે તો તે સ્પષ્ટ રૂપે કર્ણગોચર બને છે. એક મોટા લાકડાના ટૂકડાના એક છેડે પ્રહાર કરવામાં આવે અને એક વ્યક્તિ જો બીજા છેડે કાન માંડીને રહે તો તે વ્યક્તિ અત્યંત સ્પષ્ટ રૂપે શબ્દ-ધ્વનિ સાંભળી શકશે. વાયુ કરતાં લાકડું વધારે સહજ પરિચાલક બળ છે.

કાષ્ટના આ પરિચાલનના ગુણ દ્વારા એની દૃઢતા અને કઠોરતાની કસોટી કરી શકાય છે. જો એ લાકડું વચ્ચે જ ક્યાંક સડેલું હોય તો એ શબ્દ કે ધ્વનિ સંભળાશે નહિ.

(૧) આપણે સમજી લીધું કે શબ્દ-ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે. હવે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે કઈ તરેહના શબ્દને આપણે સંગીત કહીએ છીએ. આપણે જોયું કે પ્રત્યેક શબ્દ કોઈ એક સમય દરમિયાન થનારા કોઈ પણ પદાર્થનું જે કંપન બને છે એને સંગીત કહીએ છીએ. (કેટલીક વાર યંત્રની મદદથી પણ આ કંપન ઉત્પન્ન કરી શકાય છે.)

(૨) એક નિર્દિષ્ટ સમય દરમિયાન સમભાવનું એક રૂપ કંપન સંગીતના ધ્વનિનું ઉત્પાદક છે.

ધારો કે કોઈ એક પદાર્થમાંથી એક સેકંડમાં ૧૦૦ કંપન ઊભાં થાય છે. જો એક સેકંડમાં ૧૦૦ કંપન, અડધા સેકંડમાં ૫૦, પા સેકંડમાં ૨૫, વગેરે સમવિભાગથી કંપન ઉત્પન્ન થાય ત્યારે એ ધ્વનિ સંગીતધ્વનિ બને છે, નહિ તો નહિ. જો સેકંડના પ્રથમાર્ધમાં ૭૦ અને પરાર્ધમાં ૩૦ જેવાં અસંલગ્નભાવે કે વિષમ વિભાગથી કંપન થાય તો તે મધુર ધ્વનિ ન રહેતાં શ્રુતિકટુ શબ્દ કે ધ્વનિ ઉત્પન્ન કરે છે.

વાસ્તવમાં કયો ધ્વનિ સંગીત છે અને કયો ધ્વનિ સંગીત નથી, એનો નિશ્ચિત રૂપે નિર્ણય કરી શકાતો નથી, કારણ કે એવું જોવા મળે છે કે સંગીતના એક ધ્વનિને ક્રમશ: ઉચ્ચ અને ઉચ્ચતર કરતાં અંતે એ કકર્શ લાગે છે. જે રીતે પાશ્ચાત્ય મહિલાઓ ઉચ્ચગ્રામમાં ગાય છે, તે સંભવત: એ દેશના અનેક લોકો માટે કર્ણકટુ બની જાય છે. એ જ રીતે અતિનિમ્ન સ્વર પણ કકર્શ લાગે છે. બીજી તરફ કલકત્તાના લોકો માટે માથું ફેરવી નાખનારા ગાડીઓ વગેરેના સમાગમથી ઉત્પન્ન થયેલ ભયાનક શબ્દ પણ મોનૂમેન્ટ (શહીદ મિનાર)ની ઉપરથી એક પ્રકારના દૂરથી આવનારા તથા મધુર સંવાદિતા રચવાનારું (Harmony) સુખદ શ્રવણ બને છે. શરણાઈનો ધ્વનિ દૂર તેમજ નિકટથી સાંભળવાથી આ વાત સ્પષ્ટ રૂપે સમજમાં આવી જશે.

સંગીત પરિમાપક

આ પૃથ્વી પર આપણું સંપૂર્ણ જ્ઞાન તુલના દ્વારા ઉત્પન્ન થયેલું છે. ‘કાલ’ કહીને આપણે જે ‘કાલ’ નથી એની સાથે ભેદ રચીએ છીએ. ‘મકાન’, ‘ઓરડો, વગેરે કહેવાથી એનાથી ભિન્ન પદાર્થોનું જ્ઞાન મનમાં જન્મે છે. આ જ રીતે ‘એક મણ’ એમ કહેવાથી આપણે પહેલાં શેર વગેરે મણથી હલકા પદાર્થોથી કલ્પના કરીએ છીએ. ઉચ્ચ ધ્વનિ કહેવાથી નીચેના ધ્વનિની તુલનામાં આપણને એનું જ્ઞાન મળે છે. એક કોશ કહેવાથી આપણે હાથ, ગજ, વાર, ફૂટ વગેરે ચોક્કસ માપનું કેટલા ગણું હશે એવું વિચારીએ છીએ. આ રીતે સંગીતમાં નિર્દિષ્ટ પરિમાપકનો ઉપયોગ થાય છે. જેવી રીતે કલાક વગેરેની ગણતરીએ સમયનું, મિનિટ કે સેકંડ વગેરે કાળપરિમાપક સમય એકમનો બધા દેશોમાં એક રીતે જ ઉપયોગ થાય છે. આપણા દેશના સંગીતમાં એવું નથી. બધા દેશોમાં એક નિર્દિષ્ટ સૂરથી પ્રારંભ કરીને ક્રમશ: તેનાથી ઉચ્ચ અથવા નિમ્ન ક્રમે જવાનું હોય છે. એ સૂરને અંગ્રેજીમાં Key Note મૂળસ્વર કહેવાય છે. આપણા દેશમાં તે ‘Key Note’ જરાય નિર્દિષ્ટ નથી. ઘંટ ધ્વનિ વગેરે કોઈ પણ પ્રકારના ધ્વનિથી પ્રારંભ કરીને તેના પરિમાણમાં ઉપર પણ જઈ શકાય અને નીચે પણ ઊતરી શકાય છે. પરંતુ એક વાર જે ધ્વનિને આધાર ધ્વનિ બનાવી દીધો એનાથી વિચલિત થઈ શકાતું નથી. જેમ કે ૬૦ સેકંડની મિનિટ થાય છે, એના પર જ આપણે હંમેશાં બંધાયેલા રહેવું પડશે. પછી ૭૦ સેકંડની મિનિટ બનાવવાથી કામ ચાલવાનું નથી. આ રીતે એક સૂરને આધારસૂર બનાવી લીધા પછી એને જ બાંધીને ચાલવું પડશે. એનો વ્યતિરેક થતાં જ એ પ્રમાદ બની રહેશે.

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.