ડો. હેમ ગિનોટના બિટવીન ‘પેરેન્ટ એન્ડ ચાઈલ્ડ’ના તૃપ્તિ સોનીએ કરેલ ગુજરાતી રૂપાંતર ‘માબાપ અને બાળક’ના સૌજન્યથી – સં.

બાળકો સાથે સંવાદ સાધવા નવી પદ્ધતિના પાયામાં પરસ્પર વિશ્વાસ, સન્માન અને થોડીક કુશળતા જરૂરી છે. મા-બાપ અને બાળકનું આત્મસન્માન જળવાઈ રહે, અને સલાહસૂચનના સ્થાને સમજણ દર્શાવતાં વાક્યો હોય, એ આ નવી પદ્ધતિનું મુખ્ય લક્ષણ છે. નવ વર્ષનો ઈશાન ગુસ્સા સાથે ઘરમાં આવ્યો. તેણે અને તેના મિત્રોએ પિકનિકમાં જવાનો પ્લાન બનાવ્યો હતો. પણ બહાર સખત વરસાદ પડવા લાગ્યો. મમ્મીએ સંવાદની આ નવી પદ્ધતિ અજમાવવાનું નક્કી કર્યું. ભૂતકાળમાં જેનાથી પરિસ્થિતિ વધુ વણસતી એવાં વાક્યો, જેવાં કે, ‘પિકનિકનો પ્લાન ફલોપ ગયો એના પર રડવાનો કોઈ અર્થ નથી. ફરી કોઈ વાર પિકનિક જવાશે’, અથવા ‘વરસાદ હું નથી લાવી કે તું મારી ઉપર ગુસ્સો કરે છે’, વગેરે મમ્મીએ ના વાપર્યાં.

આથી વિરુદ્ધ તેમણે પોતાની જાતને કહ્યું: ‘મારા દીકરાને પિકનિક ફલોપ જવાથી ખૂબ દુ:ખ થઈ રહ્યું છે. એ નિરાશ છે અને એ ગુસ્સા દ્વારા તેની નિરાશા મારી આગળ વ્યક્ત કરી રહ્યો છે. મારા દીકરાને આ રીતે પોતાની લાગણીને વ્યક્ત કરવાનો અધિકાર છે. તેની લાગણીઓને માન આપી, તેને પરિસ્થિતિ વિશે સમજણ બતાવીને જ હું તેની સૌથી સારી મદદ કરી શકું એમ છું.’ તેણે ઈશાનને કહ્યું, ‘તું ખૂબ નિરાશ દેખાય છે.’

ઈશાન : ‘હા.’ મમ્મી : તને પિકનિકમાં જવાનું ખૂબ મન હતું, નહિ?’

ઈશાન : ‘હા, મેં કેટલા મનથી બધું પ્લાનિંગ કર્યું હતું.’ મમ્મી : ‘તેં બધી જ તૈયારી કરી લીધી પણ ત્યાં આ કમબખ્ત વરસાદ આવ્યો.’

ઈશાન : ‘હા, આ વરસાદ બિલકુલ ખરાબ છે.’

બે-પાંચ મિનિટ પછી ઈશાને શાંત થતાં કહ્યું, ‘હશે, ફરી ક્યારેક પિકનિક જવાશે.’ તેનો ગુસ્સો ઓગળી ગયો હતો અને પછી આખો બપોર એ ડાહ્યોડમરો થઈને પોતાના કામમાં ગૂંથાયેલો રહ્યો. સામાન્ય રીતે જ્યારે પણ ઈશાનને ગુસ્સો આવતો ત્યારે આખું ઘર ઉપરનીચે થતું. તે ઘરના દરેક જણ સાથે કોઈ ને કોઈ બહાને બાખડી પડતો. રાત્રે જ્યારે સૂવા જતો ત્યારે જ ઘરમાં શાંતિ થતી.

ઈશાનની મમ્મીએ અપનાવેલા આ અભિગમમાં શું વિશેષતા છે અને તે કઈ રીતે વધુ મદદરૂપ બને છે?

જ્યારે બાળક ઉત્તેજનાસભર લાગણીઓ અનુભવતું હોય ત્યારે તે કોઈની વાત સાંભળવા તૈયાર નથી હોતું. તેને કોઈ પણ પ્રકારની સલાહ, સાંત્વના કે ટીકાટિપ્પણ નથી ખપતાં. તેની ઇચ્છા હોય છે કે આપણે તેને સમજીએ. તે અપેક્ષા રાખે છે કે એ કોઈ જ સ્પષ્ટતા કે સફાઈ ન આપે. આમ છતાં, તેની અંદર શું ચાલી રહ્યું છે તેની આપણને ખબર પડે અને આપણે તે સ્વીકારીએ. આ એક એવી પરિસ્થિતિ હોય છે કે જેમાં એ કશું પણ ન કહે, છતાં આપણે બધું જ જાણતા હોવાનું બતાવવું પડે.

જ્યારે બાળક કહે છે કે, ‘આજે ટીચરે મને માર્યું’ ત્યારે સ્વાભાવિક રીતે આપણે બિનજરૂરી પ્રશ્નો પૂછવા લાગીએ છીએ.

‘માર પડે એવું તેં શું કર્યું હતું?’

‘તેં ચોક્કસ કંઈ અળવીતરું કામ કર્યું હશે કે તને માર પડ્યો’. આપણે એવું પણ કહેવાની જરૂર નથી, ‘ઓહ… આઈ એમ સો સોરી.’ તેને એ ક્ષણે એવું મહેસૂસ કરાવવાની જરૂર હોય છે કે આપણે તેના ક્ષોભને, તેના દુ:ખને અને તેના દિલમાં પેદા થતી બદલો લેવાની ભાવનાને સમજીએ.

પણ આપણને કેમ કરીને ખબર પડે કે તેના દિલમાં શું ચાલી રહ્યું છે? આપણે બાળકને શાંતિથી સાંભળીએ અને ભૂતકાળમાં આપણને થયેલા અનુભવોને યાદ કરીએ – બે વત્તા બે બરાબર ચાર કરવામાં આવે – તો બહુ વાંધો આવતો નથી.

આપણે જાણીએ છીએ કે જાહેરમાં પોતાના મિત્રોની સામે તેનું અપમાન થાય ત્યારે બાળકને કેવી લાગણી થતી હશે! આવા સમયે આપણે આપણા શબ્દો એવી રીતે ગોઠવવા જોઈએ કે જેથી બાળકને જાણ થાય કે આપણે તેની લાગણી સમજ્યા છીએ. નીચેમાંનું કોઈ પણ વાક્ય આ ઉદ્દેશ સિદ્ધ કરી શકે –

‘તને ખૂબ ક્ષોભ થયો હશે.’

‘તને ખૂબ ગુસ્સો આવ્યો હશે.’

‘તને એ ક્ષણે ટીચર પ્રત્યે નફરત થઈ હશે, નહિ?’

‘તારી લાગણીઓને ખૂબ ઠેસ પહોંચી હશે.’

‘તારો આજનો દિવસ ખરાબ ગયો.’ વગેરે..

આ પ્રકારનું કોઈ પણ વાક્ય કે ‘ગુસ્સો કરવો તે કંઈ સારી વાત નથી’, એ બાળકને અંદરથી શાંત કરી શકતું નથી. કે પછી ‘આ રીતે ગુસ્સો ન કરવો જોઈએ’ તેવી કોઈ સમજાવટ પણ કામ આવતી નથી. આપણે સમજી લેવું જોઈએ કે તીવ્ર લાગણીઓ તેને દબાવી દેવાના કોઈ સૂચન માત્રથી શાંત થતી નથી. સાંભળનાર એ લાગણીઓને સ્વીકારે અને સમજે તો જ તેની તીવ્રતા ઓછી થાય છે કે તે શમી જાય છે.

આ વાત માત્ર બાળકો માટે જ નહિ પણ મોટેરાઓને પણ એટલી જ લાગુ પડે છે. માતાપિતાના એક જૂથની સમૂહચર્ચાનું ઉદાહરણ અહીં સૂચક છે.

લીડર : માની લો કે આજનો દિવસ ખરાબ ઊગ્યો છે. જ્યાં બધું જ અવળું થયા કરે છે. એક બાજુ ટેલિફોનની ઘંટડી વાગે છે, બીજી બાજુ બાળક રડવાનું ચાલુ કરે છે. અને તમે કંઈ નક્કી કરો તે પહેલાં ત્રીજી તરફ ટોસ્ટરમાં મૂકેલાં ટોસ્ટ બળવા લાગે છે. તમારા પતિ ટોસ્ટર તરફ જોઈને કહે છે, ‘હે ભગવાન, તને ટોસ્ટ બનાવતાં ક્યારે આવડશે?’ તો તમારી શું પ્રતિક્રિયા હશે?’

શ્રીમતી અ : હું ટોસ્ટ તેના મોઢા પર મારીશ.

શ્રીમતી બ : હું કહીશ કે ટોસ્ટ તમારી જાતે બનાવી લો.

શ્રીમતી ક : મારી આંખમાંથી તો દડ દડ આંસુ જ નીકળી જાય.

લીડર : તમારા પતિના આવા શબ્દો તેના તરફ તમને કેવી લાગણી ઉપજાવે?

દરેક જણ એક સાથે : ‘ગુસ્સો, નફરત અને અભાવ.

લીડર : શું તમે ફરીથી નવો નાસ્તો બનાવી શકશો?

શ્રીમતી અ : હા, એમાં થોકબંધ મરચું નાખીને.

લીડર : અને જ્યારે તમારો પતિ ઓફિસે જાય પછી બધું સાફસૂફ કરવું કેવું લાગે?

શ્રીમતી અ : મારો તો આખો દિવસ જ બગડી  જાય.

લીડર : માની લો કે પરિસ્થિતિ એની એ જ રહે છે, પણ બળેલો ટોસ્ટ જોઈને તમારો પતિ કહે છે ‘ડાર્લિંગ, આજની સવાર જ તારા માટે ખરાબ છે. બાળક, ફોન અને હવે ટોસ્ટ.’

શ્રીમતી અ : મારો પતિ એવું બોલે તો તો મને ચક્કર જ આવી જાય.

શ્રીમતી બ : મને ઘણું સારું લાગે.

શ્રીમતી ક : મને તો એટલું સારું લાગે કે હું તો તેને ભેટી જ પડું.

લીડર : કેમ? બાળકો તો હજી પણ રડે છે અને ટોસ્ટ પણ બળેલાં છે.

દરેક જણ (એક સાથે) : પણ એનો વાંધો નથી.

લીડર : પતિના આ બીજા વાક્યમાં ફરક શું છે?

શ્રીમતી બ : તમે અંદરથી આભારવશ બનો કે તે તમારી ખોડ નથી કાઢતો, તે તમારી સાથે છે, વિરુદ્ધ નથી.

લીડર : અને જ્યારે પતિ ઓફિસે જાય પછી ઘર સાફસૂફ કરવું અઘરું લાગશે?

શ્રીમતી ક : ‘ના રે ના. હું તો ગીતો ગાતાં ગાતાં ઘર સાફ કરીશ.

લીડર : ચાલો, હવે હું એક ત્રીજા પ્રકારના પતિદેવોની વાત કરું. તે બળેલા ટોસ્ટની સામે જોઈને શાંતિથી કહેશે, ચાલ તને હું ટોસ્ટ બનાવતાં શિખવાડું.

શ્રીમતી અ : ઓહ નો. એ તો પહેલાં કરતાંય ખરાબ કહેવાય. એ તમને બુદ્ધુ હોવાનો અહેસાસ કરાવશે.

લીડર : આ ત્રણેય અભિગમ બાળકો સાથેના આપણા વ્યવહારને કઈ રીતે લાગુ પડે છે તે જોઈએ.

શ્રીમતી અ : હવે મને સમજાય છે કે તમે શું કહેવા માગો છો. હું હંમેશાં મારા બાળકને કહું છું, ‘આટલો મોટો થયો તો પણ તને આટલી ખબર નથી પડતી?’ અને એને હંમેશાં ખૂબ ગુસ્સો ચઢે છે.

શ્રીમતી બ : હું હંમેશાં મારા દીકરાને કહું છું, ચાલ, હું તને શીખવું કે આ કેમ કરાય.

શ્રીમતી ક : મને તો રોકટોકની એટલી આદત પડી ગઈ છે કે મને કોઈ ફરક નથી પડતો. નાનપણમાં મારી મા મારા માટે જે શબ્દો વાપરતી તે જ શબ્દો હું વાપરું છું, મને મારી મા પ્રત્યે ખૂબ ગુસ્સો આવતો. હું ક્યારેય કશું સરખું કામ નહોતી કરતી અને તે હંમેશાં મારી પાસે સરખું કામ કરાવવાનો પ્રયત્ન કરતી.

લીડર : અને હવે તમે તમારી દીકરી સાથે એ જ શબ્દો વાપરો છો?

શ્રીમતી ક : ‘હા, મને એ જરાય નથી ગમતું. હું જ્યારે એવું કરું છું ત્યારે મને મારી જાત પ્રત્યે પણ અણગમો ઊપજે છે.

લીડર : તમારા બાળક સાથે વાત કરવાના સારા રસ્તાઓની તમને તલાશ છે?

શ્રીમતી ક : હા. જરૂર.

લીડર : ચાલો, આપણે જોઈએ કે બળેલા ટોસ્ટની કહાની આપણને શું શીખવે છે. એવું શું છે જે ખરાબ લાગણીઓને પ્રેમાળ લાગણીઓમાં ફેરવી દે છે?

શ્રીમતી બ : એ જ કે કોઈ તમને સમજે છે.

શ્રીમતી ક : તમારો દોષ કાઢ્યા વગર.

શ્રીમતી અ : અને તમને શીખવવાનો ઉપદેશ આપ્યા વગર.

શબ્દોમાં એવો જાદુ છે જે ઊકળતી પરિસ્થિતિને આનંદના અવસરમાં પલટી શકે છે.

આ વાર્તાલાપ ઉપરથી શીખ મળે છે કે આપણા તમામ પ્રતિભાવો (પછી તે શબ્દો હોય કે લાગણીઓ) આપણા ઘરના વાતાવરણને ડહોળવામાં કે આનંદમય બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.