(મોગલ સમ્રાટ શાહજહાં અને બેગમ મુમતાઝના જ્યેષ્ઠ પુત્ર દ્વારા શિકોહનો જન્મ ઈ.સ. ૧૯૧૫ના માર્ચ મહિનાની ૨૦મી તારીખે થયો હતો. જન્મગત રીતે તો એ સિંહાસનનો ઉત્તરાધિકારી હતો જ પણ પિતાને પણ એ પ્રિય હતો. આમ છતાં આ વિલક્ષણ અને અસામાન્ય રાજકુમારને, સમ્રાટ તરીકેના પોતાના ભવિષ્ય કરતાં ગૂઢ આધ્યાત્મિક રહસ્યોમાં અધિક અભિરુચિ હતી. પરંતુ શાહજહાંની માંદગી પછી જે ઘટનાઓ બની એમાં દારા વિરુદ્ધ ઔરંગઝેબે રચેલાં ષડ્યંત્રો અને કરેલાં યુદ્ધોમાં થયેલા દારાના પરાજયનો ઇતિહાસ છે. એક વાર દારાએ જેનું રક્ષણ કર્યું હતું એ અફઘાન સેનાનાયક જીવન ખાનનો પરાજિત દારાએ આશરો લીધો, પરંતુ જીવનખાને વિશ્વાસઘાત કર્યો અને દારાને ઔરંગઝેબના નિષ્ઠુર પંજામાં સોંપી દીધો. ઔરંગઝેબે આ બંદીવાન રાજકુમારને અપમાનિત કરીને દિલ્હીની સડકો પર ફેરવ્યા અને પછી મુલ્લાઓએ સ્વધર્મનો વિરોધ કરવાના અપરાધ માટે એને દેહાંતદંડની સજા કરી. આ કથા જાણીતી છે. આ પછી રાજકુમાર દારાને ૩૦ ઑગસ્ટ ૧૯૫૯ના રોજ ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો અને એના જયેષ્ઠ પુત્ર સુલેમાનને પણ ઈ.સ. ૧૯૬૨માં કારાવાસમાં જ મારી નાખવામાં આવ્યો. દારાએ કેટલાક ગ્રંથોની રચના કરી છે અને ઉપનિષદો તથા ગીતાનો ફારસી અનુવાદ પણ કર્યો છે. ‘સમુદ્ર સંગમ’ એની શ્રેષ્ઠ રચના છે. આમાં એણે હિન્દુ અને મુસ્લિમ વિચારોમાં રહેલી સમાનતા વ્યક્ત કરી છે. નીચે ટાંકેલાં અવતરણો ડૉ. રોમા ચૌધરી સંપાદિત ‘પ્રાચ્યવાણી મંદિર’ (કલકત્તા-૧૯૫૪)ની અંગ્રેજી આવૃત્તિમાં પ્રથમ પ્રકાશિત થયાં હતાં. -સં)
સાંસારિક આસક્તિઓથી વિરક્ત અને તમામ ઉચાટોથી મુક્ત એવા ફકીર દારા શિકોહનું આ કથન છે : “સત્યનું જ્ઞાન, ઈશ્વરની પરમકૃપા અને અદ્વૈતવાદના આદર્શ સિદ્ધાંતોનું સાચું અર્થઘટન પામ્યા પછી જ આ અધ્યાત્મમાર્ગ પર હું આગળ વધ્યો છું. અત્યંત પ્રાચીનકાળથી જેમણે પરમ સત્ય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે એવા વૈદિક મહર્ષિઓના વિચારોને યોગ્ય રીતે પામી શકું એ માટે મેં આ અધ્યાત્મમાર્ગ પસંદ કર્યો છે. વેદોના મર્મજ્ઞ એવા સંખ્યાબંધ વિદ્વાનો અને ખાસ કરીને મારા ગુરુ બાબાલાલને મળીને મેં આ વિષયમાં ચર્ચા કરી છે. મારા ગુરુ બાબાલાલને જ્ઞાન અને બૌદ્ધિક અનુભૂતિનો સાક્ષાત્કાર થયો છે અને સત્ય, સમાધિ, શાંતિ તથા બ્રહ્મજ્ઞાનનો એમને પૂર્ણ પરિચય થઈ ચૂક્યો છે. આ બધા સાથેની ચર્ચાથી મને લાગ્યું છે કે હિન્દુ અને મુસલમાન સંતોની સત્યશોધન પ્રક્રિયામાં કોઈ અંતર નથી. અંતર માત્ર શાબ્દિક છે.
આ કારણથી જ મેં હિન્દુ અને મુસ્લિમ આધ્યાત્મિક વિચારોના સમન્વયના આ માર્ગનું અનુસરણ અને પરમ સત્તાના શોધકો એવા બંને ધર્મોના સંતોનાં વિચાર રત્નોનો આ સંગ્રહ કર્યો છે, આ બંને ધર્મોના સિદ્ધાંતો અને પરમ જ્ઞાનના વિચારોનો સંગ્રહ છે. એથી જ આને ‘સમુદ્ર સંગમ’ નામ આપ્યું છે.
હકીકતે બધા જ મહાન અને ઉત્કૃષ્ટ સંતોનો સંદેશો એ જ છે કે આપણે બધા ધર્મોના મૂળભૂત સિદ્ધાંતોનો પૂરી સમજદા૨ી સાથે અભ્યાસ કરવો જરૂરી છે. પૂર્ણ સત્ય સુધી પહોંચવું કેટલું દુષ્કર છે એને જ્ઞાની અને વિવેકશીલ માણસો અવશ્ય જાણે છે. અને એટલે જ આવા માણસો આ પુસ્તકના અભ્યાસથી નિઃસંદેહ ખૂબ સંતોષ મેળવશે. પરંતુ જેઓ હિન્દુ અને મુસલમાન વચ્ચે અંતર જાળવી રાખવા માગે છે એવી સાંકડી મનોવૃત્તિવાળી વ્યક્તિઓ આનાથી અવશ્ય નિરાશ થશે. પોતાની આંતરચેતના અનુસાર પરમ સત્યનો સાચો અર્થ પામ્યા પછી જ મેં મારા સ્વજનોના આભારથી આની રચના કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, પોતાના ચોક્કસ વિચારો સાથે અજ્ઞાનના અંધકારમાં પડ્યા રહેનારાઓ માટે મને જાગૃતિની કોઈ જરૂરિયાત લાગતી નથી. આવા એક પવિત્ર આત્મા કવાજા અહરારે મને એવું શીખવ્યું છે કે ‘મને જો કોઈ એવો નાસ્તિક મળે કે ચેતનવંતા શબ્દોમાં સત્યને સમજાવતો હોય તો હું એની પાસે ક્યાંય પણ જઈશ, એની વાત સાંભળીશ, એની સાથે આધ્યાત્મિક ચર્ચા કરીને હું કંઈ ને કંઈ શીખીશ.‘ હું માત્ર ઈશ્વર પાસેથી સામર્થ્ય મેળવું છું. એ જ મારો એક માત્ર સહાયક છે.
ઈશ્વર પરલોકનો વિષય છે, આ લોકનો નહિ એ વાત તર્કબદ્ધ નથી. જો એ સર્વવ્યાપી હોય તો એની અનુભૂતિ ક્યારેક ને ક્યારેક, ક્યાંકને ક્યાંક અને કોઈને કોઈ વસ્તુમાં અવશ્ય થાય જ. જે ઈહલોકમાં આ અનુભૂતિ નથી કરી શકતા તેઓ પરલોકમાં પણ એને પામી શકે એ અસંભવિત છે.
આ સૃષ્ટિના પ્રત્યેક ભૂખંડ, પર્વતો, મહાસાગરો અને સર્વત્ર અસંખ્ય પ્રાણીઓ વસે છે. આ વસવાટ જ સ્વર્ગ અને નરકનો સંકેત છે. હિન્દુ સંતોએ સ્પષ્ટ કહ્યું છે કે સ્વર્ગ અને નરક આ દુનિયાની બહારની વસ્તુ નથી પણ એની અંદર જ છે. એમનું કહેવું છે કે આ સમગ્ર બ્રહ્માંડ સ્વર્ગની આસપાસ વર્તુળાકારે વ્યાપેલું છે. એ એનાથી ૫૨ નથી.
મારી ઈચ્છા છે કે ભગવાન વિષ્ણુ મારા મસ્તકને મંદરાચલ બનાવે. મારામાં રહેલા પરસ્પર વિરોધી તત્ત્વોને અનિશ્ચય અને નિશ્ચય રૂપી, દૈત્ય અને દેવતા વિશાળ શાસ્ત્ર ગ્રંથોના સમુદ્રોનું મંથન કરે. આ શાસ્ત્રીય મંથન વડે મેં જે રત્નો પ્રાપ્ત કર્યાં છે એને કોઈ દેવ કે દાનવ મેળવી શક્યા નથી. સમુદ્ર મંથનમાંથી તો એમને કેવળ ચૌદ જ રત્નો મળ્યાં હતાં.
માત્ર પરમાત્માની આરાધના અને કૃપાથી જ મને આ ‘સમુદ્ર સંગમ’ નામનો બે ધર્મ સાગરોના સંગમ જેવો આ ગ્રંથ પૂર્ણ કરવાની શક્તિ મળી છે.
ભાષાંતર : શ્રી દિનકર જોશી
(હિન્દી માસિક પત્રિકા ‘વિવેક શિખા’માંથી સાભાર)
Your Content Goes Here




