એક સ્ત્રી ખૂબ સંતપ્ત સ્થિતિમાં મારી પાસે આવી. તે એક પુરુષના પ્રેમમાં હતી. પણ તે બીજી સ્ત્રી ખાતર તેને છોડી ગયો હતો. આ સ્ત્રી ઇર્ષ્યા અને નફરતથી અતિશય પિડાતી હતી. મને આટલી દુઃખી કરી છે તો એને પણ એટલું જ સહન કરવું પડશે, એમ કહીને તેણે પૂછ્યું, ‘હું એને આટલો બધો ચાહતી હતી, પછી એ મને કેમ છોડી ગયો?’
મેં કહ્યું : ‘તું એને ચાહતી નથી, તું તો એને ધિક્કારે છે. જો તું સંપૂર્ણ પ્રેમ આપે તો તને સંપૂર્ણ પ્રેમ મળશે. એને સંપૂર્ણ નિઃસ્વાર્થ, માગણી વગરનો પ્રેમ આપ, એની ટીકા કે એનો તિરસ્કાર ન કર. એ જ્યાં હોય ત્યાં એને શુભેચ્છા પાઠવ.’
તેણે કહ્યું : ‘એ ક્યાં છે એ હું ન જાણું ત્યાં સુધી હું એને શુભેચ્છા નહિ મોકલું.’
‘તો પછી તારો પ્રેમ સાચો નથી.’ મેં કહ્યું, ‘તું સાચો પ્રેમ આપીશ તો તને સાચો પ્રેમ મળશે, આ માણસ તરફથી કે એવા બીજા કોઈ પુરુષ તરફથી; કારણ કે એ માણસ જો દૈવી યોજના પ્રમાણે તારે માટે નિર્માયો નહિ હોય, તો તને તેની જરૂર નહિ રહે.’
થોડા મહિના પસાર થઈ ગયા. પરિસ્થિતિ યથાવત રહી પણ તે બાઈ હૃદયપૂર્વક પ્રયત્ન કરતી હતી. મેં કહ્યું, ‘તું તેની ક્રૂરતાથી વ્યથિત નહિ થાય ત્યારે તે ક્રૂર મટી જશે. તારી પોતાની જ લાગણીઓને કારણે તું એને તારા ભણી ખેંચે છે.’
પછી મેં એને, ભારતમાં અમુક લોકો એકબીજાને મળે ત્યારે ‘નમો નારાયણ’ કરે છે, તે વાત કરી. એ સંન્યાસીઓ મનુષ્યમાં રહેલા નારાયણને નમસ્કાર કરે છે. જંગલી પ્રાણીમાં પણ તે નારાયણને જ જુએ છે, એને તેઓ તેમને કદી હાનિ કરતાં નથી. મેં તે સ્ત્રીને કહ્યું, ‘આ મનુષ્યમાં રહેલ નારાયણને પ્રણામ કર અને તેને કહ્યું કે હું તારા દિવ્ય સ્વરૂપને જ જોઉં છું.’
ધીમે ધીમે તે સ્વસ્થ થતી ગઈ. એક દિવસ અચાનક જ તેનાથી બોલાઈ ગયું, ‘તે જ્યાં હોય ત્યાં ભગવાન તમે તેના પર કૃપા કરજો.’
ત્યાર પછી હું થોડો વખત બહાર હતી. એક દિવસ તેનો પત્ર આવ્યો, ‘અમે લગ્ન કર્યાં છે.’
પાછા આવતાં મેં સૌ પહેલાં તેને ફોન કર્યો, ‘શુ થયું?’ તેણે કહ્યું, ‘અરે, ચમત્કાર થયો. એક દિવસ હું જાગી ત્યારે મારી બધી વેદનાઓ શાંત થઈ ગઈ હતી. એ સાંજે હું તેને મળી, તેને લગ્નનો પ્રસ્તાવ મૂકો ને અમે પરણી ગયાં. એના જેવો પ્રેમાળ માણસ મેં જોયો નથી.’
એક જૂની કહેવત છે કે કોઈ માણસ તમારો દુશ્મન નથી. કોઈ માણસ તમારો મિત્ર નથી; દરેક માણસ તમારો ગુરુ છે.
એટલે માણસે બિનઅંગત બનીને, બીજાએ તેને જે છે શીખવવાનું છે તે શીખવવું જોઈએ.
દુઃખ માણસના વિકાસ માટે જરૂરી નથી; એ તો આધ્યાત્મિક નિયમના ભંગનું પરિણામ છે. પણ મોટા ભાગના લોકો દુઃખ ન પડે ત્યાં સુધી આત્મનિદ્રામાંથી જાગતા નથી. લોકો સુખી હોય છે ત્યારે સાધારણ રીતે સ્વાર્થી બની જાય છે, અને પછી કર્મનો સિદ્ધાંત કામ કરવા લાગે છે.
એક સ્ત્રી કહ્યા કરતી, ‘મને મારા પતિ સામે કાંઈ ફરિયાદ નથી, પણ મને લગ્નજીવનમાં બહુ રસ જ નથી.’ થોડા જ વખતમાં તેનો પતિ બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો અને તેને છોડી ગયો. સ્ત્રી ગુસ્સા ને વ્યથાથી ફફડતી મારી પાસે આવી. મેં કહ્યું, ‘પણ આ તો તમે કહેતાં હતાં તેમ જ બન્યું છે.’ તે સમજી, ‘હા. લોકો જે માગતા હોય તે જ તેમને મળે છે, અને દુઃખી થાય છે.’
થોડા વખતમાં તેણે પરિસ્થિતિ સાથે સંવાદ સાધ્યો અને તેને સમજાયું કે બન્ને સાથે હતાં એના કરતાં અલગ વધારે સુખી છે.
જે માણસ પૈસાને તિરસ્કારતો હોય તે કદી પૈસાદાર થઈ શકે નહિ. ઘણા કલાકારો ગરીબ હોય છે તે આ જ કારણે.
સમૃદ્ધિ એ પણ ઇશ્વરનો જ આવિર્ભાવ છે. જરૂરિયાત અને મર્યાદામાંથી મુક્તિના સ્વરૂપે, પણ ધન હંમેશા ફરતું રહેવું જોઈએ અને તેનો સદુપયોગ થવો જોઈએ. સંઘરાખોરી અને બચત પૂરા વેર સાથે બદલો લે છે. આનો અર્થ એ નહિ કે માણસે મૂડીનું રોકાણ ન કરવું પણ જરૂર પડ્યે તેણે બધા જ પૈસા વાપરી નાખતાં અચકાવું જોઇએ નહિ. માણસ જ્યારે પૈસાને આનંદપૂર્વક અને નિર્ભયતાપૂર્વક જવા દે છે, ત્યારે તે વધુ સમૃદ્ધિના આગમન માટે દરવાજો ખોલી નાખે છે.
પૈસા તરફનું આધ્યાત્મિક વલણ તે આ; અને વિશ્વની મહાન બૅન્ક કદી તૂટી પડતી નથી.
‘લોભ’ નામની એક ફિલ્મમાં એક સ્ત્રીને લૉટરીમાં પાંચ હજાર ડૉલર મળે છે, પણ તેમાંથી તે એક પાઇ પણ ખર્ચતી નથી. તેનો પતિ કષ્ટ વેઠે છે, સ્ત્રી પોતે ગુજરાન માટે મજૂરી કરે છે, પણ એક રાતે તેનું ખૂન થાય છે અને પૈસા ચોરાઇ જાય છે.
પૈસા બધાં અનિષ્ટોનું મૂળ છે એમ કહેવામાં આવે છે, તેનું આ ઉદાહરણ છે. પૈસાનો જ્યારે સંઘરો કરવામાં આવે છે, પ્રેમ કરતાં તેને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, ત્યારે તેની પાછળ રોગ અને આપત્તિ આવે છે અને ઘણી વાર તેને પૈસા પણ ગુમાવવા પડે છે.
પ્રેમનો રસ્તો ગ્રહણ કરો, બીજું બધું જ આવી મળશે, કારણ કે પ્રેમ ભગવાન છે અને સામગ્રીનો સ્રોત પણ તે જ છે.
એક ધનિક સ્ત્રી કપડાં ને ગળાના હાર એક પછી એક ખરીદે જ જતી. તે તેનો ઉપયોગ કરતી હોત તો કંઇકે ઠીક હતું પણ તે તો બધું વીંટી વીંટીને કબાટમાં મૂકતી હતી. વસ્તુઓને વધુ વળગવાને કારણે તેના હાથને પક્ષઘાત થયો અને છેવટે તેની વસ્તુઓની વ્યવસ્થા બીજાના હાથમાં સોંપવી પડી, કારણ કે તેણે ઉપયોગનો નિયમ ઉવેખ્યો હતો.
નિયમથી અજ્ઞાત માણસ પોતાનો જ વિનાશ નોતરે છે.
બધા રોગ, બધું દુઃખ પ્રેમના નિયમનો ભંગ કરવાથી આવે છે. અત્યારે તો પ્રેમ એક ખોવાઇ ગયેલી કળા છે, પણ આધ્યાત્મિક નિયમનું જ્ઞાન ધરાવતો માણસ જાણે છે કે એ પાછી મેળવવી જોઇએ. એના વિના માણસ માણસ હોતો નથી.
ઘણી વાર લોકોને ભૂતકાળમાં, કદાચ વરસો પહેલાં કોઇના પ્રત્યે આચરેલ કટુ વર્તન માટે ખૂબ અફસોસ થતો હોય છે, એ ઘટનાને સુધારી શકાય તેમ ન હોય તો વર્તમાનમાં કોઇના પ્રત્યે ભલાઇ દાખવીને એની અસરો ભૂંસી શકાય છે. અફસોસ, રંજ, શોક શરીરના કોષોનું ધોવાણ કરે છે અને માણસના વાતાવરણને વિષમય બનાવી દે છે.
એક સ્ત્રી તેની પુત્રીના મૃત્યુથી ખૂબ શોકમાં ડૂબી ગઈ હતી. મને તેનો ઉપચાર કરવાનું કહેવામાં આવ્યું. મેં જુદાઇ અને વિયોગમાં જ માનવાનો ઇન્કાર કર્યો અને દૃઢતાપૂર્વક કહ્યું કે સ્ત્રીના આનંદ, પ્રેમ અને શાંતિનું કેન્દ્ર પરમાત્મા છે.
સ્ત્રી તરત જ સ્વસ્થ થઇ પણ પછી તેણે વધુ ઉપચારની ના પાડી, એમ કહીને કે, ‘તે એટલી સુખી હતી કે એ સારું ન કહેવાય!’
મનુષ્યને પોતાનાં દુઃખ અને અફસોસને વળગી રહેવાનું ગમતું હોય છે.
એક સ્ત્રીને હું ઓળખું છું. તેને પોતાની મુશ્કેલીઓ વિશે મોટી મોટી વાતો કરવી ખૂબ ગમતી.
જૂના વખતમાં એવી માન્યતા હતી કે કોઇ સ્ત્રી જો તેનાં બાળકો માટે ચિંતા ન કરે તો તે સારી માતા ન કહેવાય.
પણ હવે આપણે જાણીએ છીએ કે બાળકોને થતી માંદગી તેમજ અકસ્માત માટે ઘણી ખરી વાર માતાની ચિંતા જવાબદાર હોય છે. ભય વિવિધ રોગ કે વિષમ પરિસ્થિતિનાં ચિત્રો મન પર અંકિત કરે છે અને આ ચિત્રોને ભૂંસી નાખવામાં ન આવે તો તે બાહ્ય આકાર ધારણ કરે છે.
એ માતા સુખી છે, જે હૃદયપૂર્વક એમ કહી શકે કે તેણે બાળકોને ભગવાનના હાથમાં સોંપ્યાં છે અને જાણે છે કે તેમનું ભગવાન રક્ષણ કરે છે.
સંપૂર્ણ પ્રેમ ભયને નિર્મૂળ કરે છે.

Total Views: 380

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.