શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આંધ્રપ્રદેશના રાજમહંદ્રી ગામે, ૧૯૯૭ની ૧૩મી ડિસેમ્બરે રામકૃષ્ણ – વિવેકાનંદ ભાવપ્રચાર સંમેલનમાં આપેલ પ્રવચનનો અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે – સં.
રામકૃષ્ણ – વિવેકાનંદના વિચારોનો આપણા દેશમાં પ્રચાર કરવાથી શો લાભ છે? પોતાના સંદેશને સ્વામી વિવેકાનંદે માનવ ઘડતરનો અને રાષ્ટ્ર ઘડતરનો સંદેશ કહ્યો હતો. આજે આપણો દેશ અનિષ્ટોથી ખદબદે છે; આ સંમેલનમાં કેટલાક વક્તાઓએ તેનો ઉલ્લેખ કર્યો છે. ચોમેર હિંસા છે, રુશ્વતશાહી છે અને આપણી સંસદમાં ઘણી વાર સભ્યો મચ્છીપીઠની જેમ વર્તે છે. માત્ર કૉલેજનું શિક્ષણ આ પરિસ્થિતિ સુધારી શકે નહીં પણ, સ્વામી વિવેકાનંદના વિચારોનું શિક્ષણ આખી પરિસ્થિતિ પલટાવી શકશે.
આપણી લોકશાહીને આપણે સબળ કરવાની છે. બળવાન કેન્દ્રસ્થ રાજ્ય વિના પૂરાં હજાર વરસ સુધી આપણે પરદેશી આક્રમણોનો અને ધૂંસરીનો ભોગ બની રહ્યાં. એટલે સુદૃઢ રાષ્ટ્રીય વલણ ઊભું કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય એકતા અને સહકાર તરફ લઈ જતું આ સુદૃઢ રાષ્ટ્રીય વલણ સ્વામી વિવેકાનંદના સાહિત્ય દ્વારા આપણી પ્રજાને પ્રાપ્ત થશે. ભારતના ભાવિ પરના પોતાના મદ્રાસમાંના પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે જાતે જ કહ્યું છે કે, આજે જે થઈ રહ્યું છે તે અર્વાચીન ભારતની ધરતી ઉપર પ્રાચીન ગ્રીક અને પ્રાચીન ભારતનું મિલન છે; સમન્વિત માનવ સંસ્કૃતિ ઊભી કરવા માટે પાશ્ચાત્ય સંસ્કૃતિનો અને ભારતીય સંસ્કૃતિનો એ સમન્વય છે.
આજ સુધી આપણને માણસોની કશી પડી ન હતી અને સ્વર્ગ કમાવામાં કે મંદિરમાંના કોઈ દેવને રાજી રાખવામાં આપણે વ્યસ્ત હતા. માણસજાતની આપણે ઉપેક્ષા કરી અને એનું શોષણ કર્યું. આજના યુગમાં આપણે એ ભૂલ સુધારી લેશું. આપણે સંપૂર્ણ માનવ વિકાસ સાધવો છે. ગ્રામ પંચાયતોથી માંડીને સંસદ સુધીનો વહીવટ સંગીન કરવાથી એ કરી શકાય. એ સર્વ બળવાન અને લોકાભિમુખ થવાં જોઈએ. એટલે, આપણે રાષ્ટ્રના સાચા સેવક બની શકીએ તેવા શિક્ષણની આપણને જરૂર છે. પંચાયતો માટે કે સંસદ માટે ચૂંટણી લડનાર કોઈએ પણ પ્રથમ બલપ્રદ, શુચિતાપદ અને સર્વને એક કરે તેવાં સ્વામીજીનાં લખાણો, ખાસ કરીને ‘ભારતમાં આપેલાં ભાષણો’ (કોલંબોથી આલમોડા સુધીનાં પ્રવચનો)નું અને સ્વામી વિવેકાનંદના પત્રોનું અધ્યયન કરવું જોઈએ. આપણા પ્રથમ પંત પ્રધાન જવાહરલાલ નહેરૂએ દિલ્હીમાં એક પ્રવચનમાં આમ કહ્યું હતું. એમણે કહ્યું હતું કે, ભારતના દરેક જુવાનને એ બે પુસ્તકો વાંચવાં જ જોઈએ. એમને વાંચવાથી ભારત માટેનો આપણો પ્રેમ, ભારતની પ્રજા માટેનો આપણો પ્રેમ અને ખાસ કરીને એ પ્રજાના નબળા વર્ગો માટેનો આપણો પ્રેમ અનેકગણો વધી જશે. રાષ્ટ્રના શોષણ માટે નહીં પણ, રાષ્ટ્રની સેવા માટે એ આપણને તત્પર કરશે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ભારતના રાષ્ટ્રીય આદર્શો ત્યાગ અને સેવા છે ને એક વાર આપણો દેશ તેમને આત્મસાત કરે પછી, આપણો દેશ તદ્દન બદલાઈ જશે; બધો વહીવટ લોકાભિમુખ થશે. આપણું પંચાયતતંત્ર અને આપણો વહીવટ આજ સુધી મોટે ભાગે નિષ્ફળ ગયેલ છે – કેટલીક વા૨ વરસો સુધી ચૂંટણી જ થતી નથી. કારણ? પંચાયત તંત્રનો વહીવટ કેમ કરવો એ લોકો જાણતા નથી; લોકો તગડા થવાનું જ જાણે છે. આ સેવાધર્મ આપણાં લોકોમાં મોટે પાયે ફેલાવો જોઈએ. પછી આ હિંસા અને વિદ્વેષ એ બીજી તકલીફો અદૃશ્ય થઈ જશે અને શાંતિપૂર્ણ ભારત અસ્તિત્વમાં આવશે, આ માટે તો શ્રીરામકૃષ્ણ અવતાર ધારણ કર્યો હતો અને પોતાની સાથે પૂજ્ય શારદામાને તથા સ્વામી વિવેકાનંદને સાથે લાવ્યા હતા. એટલે તો એમણે કોઈ નવો સંપ્રદાય ન શરૂ કર્યો પણ, વૈશ્વિક સનાતન ધર્મને પરિશુદ્ધ કર્યો અને સુદૃઢ કર્યો. એ સનાતન સંદેશના આધ્યાત્મિક તત્ત્વને એ બહાર લાવ્યા અને એને વ્યવહાર્ય બનાવ્યું.
સ્વામી વિવેકાનંદના પત્રોમાં તમને બે બાબતો ઉપર ભાર મૂકાયેલો જણાશે. એક આપણી આમ પ્રજાની જાગૃતિ અને તેનો વિકાસ અને બીજી આપણી સ્ત્રીઓની જાગૃતિ અને તેમનો વિકાસ. આ મે વર્ગોને આપણી સદીઓથી દબાવી રાખ્યા છે. એમની ઉન્નતિ આપણે શી રીતે સાધી શકીશું? આપણી સ્ત્રી આજે આગળ વધી રહી છે, શિક્ષણનો ફેલાવો થઈ રહ્યો છે અને સ્ત્રીઓ જુદા જુદા વ્યવસાયોમાં જોડાય છે. આપણી સ્ત્રીઓનું આજ એવરેસ્ટ શિખર સર કરવું તે ખૂબ પ્રશસ્ય છે. અગાઉ, પુરુષના સાથ વિના એ એક ઘેરથી બીજે ઘેર જઈ શકતી નહીં. આ બાબત એક મુદ્દા પર હું વધારે ધ્યાન દેવા ચાહું છું; તે એ છે કે, આપણી સ્ત્રીઓએ પુરુષો તરફથી સહન કર્યું છે એથી વધારે સહન બીજી સ્ત્રીઓ તરફથી કર્યું છે. અનેક વહુઓની કરુણકથાઓમાં એ વ્યક્ત થયેલ છે. સાસુ શા માટે પુત્રવધૂની શત્રુ બનતી હશે? કારણ એનું માતૃહૃદય સંકુચિત છે. એ માતૃહૃદયની વિશાળતાનાં દર્શન તમને પૂજ્ય શારદામામાં જોવા મળશે. એટલે, પૂજ્ય શારદાદેવીની અસર હેઠળ દરેક સાસુ પ્રેમાળ માતામાં પરિવર્તન પામશે. આવી હૃદયહીનતાથી પીડાતાં અનેક લોકો તરફથી મને કેટલાય પત્રો મળતા રહે છે. આપણાં વલણોમાં ક્રાંતિકારક માનવતાવાદી પરિવર્તન આવવું જોઈએ; અને એ આવશે આ ત્રણ વિભૂતિઓનાં અદ્ભુત દૃષ્ટાંતોથી અને બોધથી.
આ વિચારોથી સેંકડો ને સેંકડો લોકો પ્રભાવિત થઈ રહ્યા છે એ બદલ આંધ્રપ્રદેશ ખૂબ ભાગ્યશાળી છે. થોડાં સમય પછી એની અસર સામાજિક, રાજકીય અને વહીવટી ક્ષેત્રોમાં દેખાશે.
મુંબઈ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યોના અધિકારીઓને મેં સંબોધન કર્યાં છે. થોડાક અપવાદોને બાદ કરતાં, ભારતમાં સર્વત્ર, કર્મચારીઓને કોઈની કશી જ પડી નથી તેમ મારા જોવામાં આવ્યું છે. ગામડાનો કોઈ માણસ સચિવાલયમાં કોઈ પ્રશ્ન સાથે જાય તો, સચિવાલયનો કર્મચારી પણ, માનવીય દૃષ્ટિબિંદુથી એ માનવીય પ્રશ્ન તરફ જોશે નહીં. એમનો સ્વાર્થ પ્રબુદ્ધ સ્વાર્થમાં વિકસ્યો નથી. વિવેકાનંદ સાહિત્યના યોગદાનથી આ નવો અભિગમ વિકાસ પામશે. માનવ અભ્યુદયનાં નીતિઓ અને કાર્યક્રમોને સિદ્ધ કરવા માટે, આવશ્યક ચારિત્ર્ય પરિવર્તન એ આણશે.
વિદેશોમાં સરકારી કર્મચારીઓમાં આ ચારિત્ર્યપ્રવીણતા કેવી હોય છે અને જનકલ્યાણની તેમને કેવી લગન હોય છે તેની એક વાત હું તમને કહું, ૧૯૬૦ના દાયકામાં, કલકત્તામાં આવેલા રામકૃષ્ણ ઈન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચરની જવાબદારી હું સંભાળતો હતો. ત્યાં આંતરરાષ્ટ્રીય અભ્યાસીઓ માટેનું ગૃહ છે અને અતિથિગૃહ છે. ઇંગ્લેંડનાં નાગરિક એવાં એક ડચ મહિલાને આંતરરાષ્ટ્રીય ગૃહના મેનેજર તરીકે અમે નીમ્યાં હતાં. એક દિવસ ખૂબ રાજી થતાં એ આવ્યાં અને કહેવા લાગ્યાં ‘સ્વામીજી, આપને મારે મોટા ખુશખબર આપવાના છે.’ મેં પૂછ્યું, ‘એ ક્યા ખબર છે?’ ‘મને લંડન ઑફિસ તરફથી પત્ર મળ્યો છે; એ જણાવે છે કે, મૅડમ, તમે હવે વાર્ધક્યના પેન્શનને પાત્ર બન્યાં છો અને આ સાથે એનો પેલો હપ્તો છે.’ એણે એ વિશે કદી વિચાર કર્યો. ન હતો પણ, ઇંગ્લંડના લાગતા વળગતા અધિકારીએ આટલે દૂર વસતા નાગરિક માટે ઘટતું કર્યું હતું. પણ, અરે, ભારતમાં અનેક પેન્શનરોને અહીં તહીં આથડવું પડે છે અને પોતાનું પેન્શન મેળવવા માટે અનેક ઑફિસોના દરવાજા ખટખટાવવા પડે છે. અમલદારો નીંભર અને બેદરકાર હોવાથી, પોતાના હક્કનું મેળવવા માટે એમને લાંબો સમય વાટ જોવી પડે છે. આ બધું બદલાવું જ જોઈએ. આપણા કારકૂનો અને અમલદારો મંદિરોમાં જાય છે અને ઘણા પૂજોપચારો કરે છે પણ, પોતાનું ચારિત્ર્ય કદી વિકસાવતા નથી; એમની પાસે માનવીય અભિગમ હોતો નથી કે સેવાની ભાવના હોતી નથી. મયલાપુર – મદ્રાસના રામકૃષ્ણ મઠે, ડેમોક્રેટિક : એડ્મિનિસ્ટ્રેય્શન ઈન ધ લાઈટ ઓફ પ્રેક્ટિકલ વેદાન્ત – ‘વ્યવહાર્ય વેદાન્તના પરિપ્રેક્ષ્યમાં લોક તાંત્રિક વહીવટ’ – નામનું મારું પુસ્તક પ્રગટ કર્યું છે. કેટલાંક સરકારી સચિવાલયોમાં અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેં આપેલાં વ્યાખ્યાનો તેમાં છે. અમારા મૈસુર આશ્રમે એનો કન્નડ અનુવાદ પ્રગટ કર્યો છે અને બીજી કેટલીક ભાષાઓમાં પણ એ પ્રગટ થશે.
આપણી રાષ્ટ્રીય દુર્બળતાઓ અને તેમને દૂર કરવાના ઉપાયો વિશે સ્વામી વિવેકાનંદ કહે છેઃ
‘બાહ્ય યુરોપીય શક્તિ વડે વ્યક્ત થતા ગ્રીક મન અને હિંદુ આધ્યાત્મિકતાનું સંમિલન ભારતને આદર્શ સમાજ બનાવશે. ઉદારહણ તરીકે, તમારી શક્તિને વેડફી દેવાને અને નકામાં ટાયલાં બોલવાને બદલે, નેતાઓની આજ્ઞાનું શીઘ્ર પાલન, ઇર્ષ્યાનો અભાવ અને પોતાની જાતમાં અડગ શ્રદ્ધા. અંગ્રેજ પાસેથી ગ્રહણ કરવાનું બિલકુલ જરૂરી છે. જેવો અંગ્રેજે એક કામને માટે પોતાનો નેતા પસંદ કર્યો તેવો જ એ પોતાના નેતાને સારે માઠે ચીટકી રહે છે અને એની આજ્ઞા ઉઠાવે છે. અહીં ભારતમાં દરેકને નેતા બનવું છે અને કોઈએ આજ્ઞાપાલન કરવું નથી. હુકમ કરતાં પહેલાં સૌએ હુકમ ઉઠાવતાં શીખવું જરૂરી છે. આપણી અદેખાઈઓનો પાર નથી અને હિંદુ જેટલો વધારે અગત્યનો એટલો એ વધારે અદેખાઈ ભર્યો. આ અદેખાઈને દૂર કરવાનું અને નેતાને અનુસરવાનું હિંદુ શીખશે નહીં ત્યાં સુધી વ્યવસ્થાની શક્તિ ઊભી થશે નહીં. ત્યાં સુધી, અત્યારે છીએ તેવા, કશી જ આશા નહીં રાખતા અને કશું જ નહીં કરતા મુંઝાયેલા ટોળા જેવા જ આપણે રહેવાના. બાહ્ય પ્રકૃતિ પર વિજય કેમ મેળવવો તે ભારતે યુરોપ પાસેથી શીખવાનું છે અને, આંતરિક પ્રકૃતિ પર વિજય કેમ મેળવવો તે યુરોપે ભારત પાસેથી શીખવાનું છે. પછી હિંદુઓ કે યુરોપિયનો રહેશે નહીં પણ, બાહ્ય અને આંતર બેઉ પ્રકૃતિઓ પર વિજય મેળવનાર આદર્શ માનવજાત રહેશે. આપણે માનવતાનું એક પાસું ખીલવ્યું છે અને એમણે બીજું. જરૂર છે એ બેઉના જોડાણની. આપણા ધર્મના ધ્યાનમંત્ર જેવા શબ્દ મુક્તિનો અર્થ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક મુક્તિ છે.’ (કં. વર્કસ,૫: પૃ. ૨૧૬)
ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા[‘ધ વેદાંત કેસરી’ મે’૯૮ માંથી સાભાર]
Your Content Goes Here




