રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે મદુરાઈમાં શ્રીરામકૃષ્ણ વિશ્વમંદિરના પ્રતિષ્ઠાપન મહોત્સવ પ્રસંગે ૧૭મી માર્ચ, ૧૯૯૮ના રોજ આપેલ વ્યાખ્યાનની કૅસેટ રેકોર્ડ પર આધારિત લેખ પ્રસ્તુત કરીએ છીએ. – સં.

આ મદુરાઈની મહાનગરીમાં આજે એક મહિમાશાલી અવસર ઊભો થયો છે. આજે અહીં શ્રીરામકૃષ્ણદેવના મંદિરના પ્રતિષ્ઠાપનનો પ્રસંગ છે. સેંકડો હજારો લોકો બહારથી આવ્યા છે અને આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ઇતિહાસમાં મદુરાઈ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એ એક સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ નગરીએ બહારથી આવતા અને બહાર જતા અનેકાનેક સંતોને નિહાળ્યા છે અને અહીં સુવિખ્યાત મીનાક્ષીમંદિર, જગદંબાનું મંદિર આવેલું છે. ઘણા જૂના વખતમાં અહીં પાંડ્ય વંશીય રાજાઓનું સમૃદ્ધ રાજ્ય હતું. આમ આ નગરનો બેએક હજાર વરસનો ઇતિહાસ આપણી આગળ પડ્યો છે.

આધુનિક સમયમાં આપણા રાષ્ટ્રમાં કેટલાંય વિસંવાદી પરિબળો કામ કરી રહ્યાં છે. આપણા પ્રવર્તમાન કાળે પણ ઘણાં ઘણાં વિસંવાદી પરિબળો છે. નાતજાતની વાડાબંધી અને તરેહ તરેહના સામાજિક અને આર્થિક સ્તરો – આ બધાં જ એકબીજાં સાથે વિસંવાદી છે – પરસ્પર મેળ વગરનાં છે. આજે આપણને સંવાદિતાના સંદેશની, એકતાના આહ્વાનની આવશ્યકતા છે. ભૂતકાળમાં ભારતવર્ષનો આ જ ભવ્ય સંદેશ હતો. અત્યારે આપણા સમાજમાં સંવાદિતા લાવવા માટે ફરી એક વાર એ સંદેશનું પુનરાવર્તન કરવાની આપણને જરૂર છે. જ્યારે તમે શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદામણિદેવી અને સ્વામી વિવેકાનંદના સંબંધમાં આવો છો ત્યારે તમે સમાજના વિવિધ વર્ગો અને વિવિધ જાતિઓ વચ્ચે સંવાદિતા, નિર્ભયતા અને શક્તિના જબરદસ્ત ધોધના સંપર્કમાં જ આવી રહ્યા છો. એ એક ભવ્ય વિચાર છે. ઘણા પ્રાચીન કાળમાં આપણે આ સંવાદિતાના વિચારને ધાર્મિક જગતમાં વિકસાવ્યો હતો. માનવજાતિના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં આપણા ઋષિમુનિઓએ ખૂબ પ્રાચીન સમયમાં આ મહાન ઘોષણા કરી હતી. સ્વામી વિવેકાનંદે આ સંવાદિતાના વિચારને ભારતીય સંસ્કૃતિ અને એના હજારો વરસોના ઇતિહાસનું ધ્રુવપદ કે આધારસ્તંભ કહેલ છે. આ વિચારનું સત્ય છે: “एकम् सद् विप्रा वहुधा वदन्ति” “સત્ય તો એક જ છે પણ ઋષિઓ એને જુદી જુદી રીતે વર્ણવે છે.”

આ ભવ્ય સંદેશે નાની મોટી બધી જ રાજકીય સ્થિતિઓ કે પ્રદેશો સહિત બધા જ લોકોનાં હૃદયો અને માનસો ભેદી નાખ્યાં છે. એટલા જ માટે આ ભારતભૂમિ સંવાદિતાની ભૂમિ બની છે. વિવિધ ધર્મોના સમુદાયો અહીં સંવાદપૂર્ણ રીતે જીવ્યા છે, અને આ સંવાદિતાના જોમની સૌથી સબળ અભિવ્યક્તિઓ પૈકીની એક તો ઈસ્વી પૂર્વેની ત્રીજી સદીમાં મૌર્ય સમ્રાટ અશોક દ્વારા થઈ. વિવિધ ખડકો અને સ્તંભો ઉપર એણે પોતાના આત્મવિકાસનો, માનવતાનો, સમાજના નૈતિક વિકાસનો અને ધર્મો વચ્ચેની સંવાદિતાનો સંદેશ આપ્યો. એના ખડક પર કોતરેલા આવા શિલાલેખો પૈકીનો એક સુપ્રસિદ્ધ શિલાલેખ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જવાના રસ્તા ઉપર આજે પણ તમે વાંચી શકો છો. એમાં તમને ભવ્ય વિધાન મળશે : “જ્યારે તમે તમારા પોતાના ધર્મને ચાહો છો અને બીજાના ધર્મને ધિક્કારો છો, ત્યારે તમે તમારા પોતાના ધર્મને જ હાનિ પહોંચાડો છો. કારણ કે ધર્મમાં સંવાદિતા અને એકતા જ ખરો માર્ગ છે.” ભારતીય સંસ્કૃતિના સત્ત્વનું આ કેટલું સ્પષ્ટ પ્રતિનિધિત્વ છે! મૂળ લખાણ આવું છે : “समवाय एव साधु:”

સમવાય જ, સંવાદિતા જ, એકતા જ ધાર્મિક જગતમાં સાચો રસ્તો છે. સ્વામી વિવેકાનંદે જ્યારે શિકાગોમાં મહાધર્મસભામાં ૧૮૯૩માં પ્રવચન કર્યું, ત્યારે ભારતીય સંસ્કૃતિનો આ જ ભવ્ય ગુણસંપદાનો સંદર્ભ તેમણે લીધો હતો : ઉદ્‌ઘાટનના અવસરે જ એ પ્રવચન અપાયું હતું :

“જે ધર્મે સમગ્ર વિશ્વને સહિષ્ણુતા અને વૈશ્વિકતાના પાઠ ભણાવ્યા છે, તે ધર્મનો અનુયાયી હોવાનું હું ગૌરવ અનુભવું છું.”

તેમણે કહ્યું કે ભારતમાં નિરાશ્રિતો તરીકે આવી વસેલા ઈરાનના પારસીઓ, પૅલેસ્ટાઈનના યહુદીઓ વગેરેને પૂરતો આવકાર સાંપડ્યો છે. તેમના આખા ઇતિહાસમાં ભારતે તેમને પૂરતું રક્ષણ આપ્યું છે. આ લોકોને તેમના પોતાના દેશમાં તો ભારે હાલાકી અને ભારે ત્રાસ સહન કરવાં પડ્યાં હતાં. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં આવું વધારે બન્યું હતું. હું એક વાર પોલેંડના પાટનગર વૉર્સોમાં બોલી રહ્યો હતો. ૧૯૬૧માં મારી ચાર માસની યુરોપયાત્રાના સમયગાળાની એ વાત છે. પ્રવચનનો વિષય હતો, ‘ભારતીય સંસ્કૃતિનું અંતઃસત્ત્વ’. સભામાં વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત હતા. મારી સાથે ભારતીય એલચી પણ હતા. મેં ભારતીય સંસ્કૃતિના આ ગુણવિશેષનો અને સંવાદિતાનો ઉલ્લેખ કર્યો કે રોમનોના ત્રાસને લીધે પૅલેસ્ટાઈનમાંથી ભાગી છૂટેલા અને ભારતમાં આવી લાગેલા યૂહદીઓને એણે કેવો આવકાર આપ્યો હતો! અને તેઓ અહીં વસ્યા હતા! તેમના સમગ્ર કાળ દરમિયાન તેમને અહીંથી રક્ષણ મળ્યું હતું. એવું જ પારસીઓ માટે પણ બન્યું હતું. આ પછી જ્યારે હું મારા નિવાસસ્થાન ભણી પાછો વળી રહ્યો હતો ત્યારે ઍમ્બૅસૅડરે મને કહ્યું : “આપે ઘણું સરસ કામ કર્યું. શ્રોતાગણોમાંના મુખ્ય લોકો સામ્યવાદીઓ અને યહૂદીઓ હતા. તેઓ એ સાંભળીને ઘણા ખુશ થશે કે ભલે તેઓ આખાયે યુરોપમાં હડધૂત અને ત્રસ્ત થયા પણ ભારતમાંથી તો તેમને માયામમતા અને સહકાર સાંપડ્યાં હતાં.” ઇતિહાસનું આ એક ભવ્ય સત્ય છે.

આ અર્વાચીન યુગમાં આપણે ભારતમાં ધર્મને નામે વાદવિવાદો ચાલતા અનુભવીએ છીએ. એને રોકવા, એ હોંસાતૂંસીને ધરમૂળમાંથી હાંકી કાઢવા ભારતે શ્રીરામકૃષ્ણને જન્મ આપ્યો. એમણે વિવિધ ધર્મોની સાધના કરી અને અનુભવ્યું કે એક જ સત્ય વિવિધ ધર્મોમાંથી પ્રાપ્ત થાય છે. તેમણે બંગાળીમાં કહ્યું : “जतो मत ततो पथ”- “જેટલા મતો છે, તેટલા ઇશ્વરપ્રાપ્તિના માર્ગો છે.” ઋગ્વેદના અતિપ્રાચીન મંત્ર “एकं सद् विप्रा वहुधा वदन्ति” “એક જ સત્યને ઋષિમુનિઓ વિવિધ રીતે વર્ણવે છે”ની ઉપર એ એક ભાર મૂકતી અદ્ભુત પુનરુદ્‌ઘોષણા છે. શ્રી શ્રીમા, શ્રીરામકૃષ્ણદેવ અનુસ્વામી વિવેકાનંદ અને પછીથી મહાત્મા ગાંધી વગેરે બધાએ સંવાદિતાના આ મહાન સત્યને ધાર્મિક જગતમાં ભારપૂર્વક સ્વીકાર્ય ગણ્યું છે.

પરંતુ, આજે ભારતમાં આપણને કશુંક વધારે સમજવાની જરૂર છે. ભારતમાં વિજ્ઞાન, હા, ધર્મનું વિજ્ઞાન તો ખૂબ જબરો વિકાસ પામ્યું હતું. અને પશ્ચિમે ભૌતિક વિજ્ઞાનોનો આશ્ચર્યજનક વિકાસ કરી બતાવ્યો છે. દ્રવ્યના ગહનતમ પરિમાણમાં શોધખોળ કરતાં, પ્રકૃતિની નાશવંત જણાતી સ્થિતિમાં એના સાચા સ્વરૂપ વિશે તેઓએ અદ્ભુત વિકાસ કર્યો છે. આ ભૌતિક વિજ્ઞાનના વિકાસને લીધે પશ્ચિમમાં ધાર્મિક પૂર્વગ્રહોનું પતન પણ થયું જણાયું છે. દ્રવ્યની ઊંડી અન્વેષણા કરતાં ભૌતિકવિજ્ઞાને પારમાણવિક પરિમાણ શોધ્યું. અણુમાંથી પરમાણુ અને પરમાણુમાંથી નાભિકીય કણ શોધાયા. આ નાભિકીય કણના સ્તરે ભૌતિક વિજ્ઞાને એક વિચિત્ર ઘટનાનો સામનો કરવો પડ્યો છે : નિરીક્ષણ નાભિકીય ઘટનાને બદલી નાખે છે. ભૌતિક વિજ્ઞાનીઓ એને આ રીતે મૂકે છે : નિરીક્ષણ પરીક્ષણથી કુદરતનો નાશ થાય છે. આ બાબતે જ્હૉન આર્કિહોલ્ડ વ્હીલર નામના એક નાભિકીય વિજ્ઞાની પાસે કહેવડાવ્યું છે કે આપણે અહીં Observer –નિરીક્ષક શબ્દને બદલે Participator – ભાગીદાર શબ્દ વાપરવો જોઈએ. જો નિરીક્ષણથી વિષયનું પરિવર્તન થઈ જતું હોય, તો એ નિરીક્ષકનું અને વિષયનું સ્વરૂપ શું છે, એ પ્રશ્ન સમયોચિત જ બની રહે છે. પશ્ચિમના વિજ્ઞાને આ પાયાના અતિમહત્ત્વના વિષયનો લેશમાત્ર પણ સ્પર્શ કર્યો નથી. પણ દ્રવ્યવિષયને જ લક્ષમાં રાખવાનું ચાલુ રાખ્યું છે. અને ભૌતિકવાદને જ એના તત્ત્વજ્ઞાન તરીકે ઠોકી બેસાડ્યું છે. અને વધારે ને વધારે એની ટૅક્નૉલૉજીની મદદથી સાધનો ઊભાં થતાં જાય છે. પરંતુ શ્રૉડિંજર જેવા કેટલાક ગણ્યાગાંઠ્યા વિજ્ઞાનીઓ આધ્યાત્મિકતાના મહત્ત્વને અપનાવે છે. અને ઘણી વખત આપણા ભારતીય તત્ત્વજ્ઞાન અને વેદાન્તની આધ્યાત્મિકતામાંથી અવતરણો ટાંકે છે.

અર્વાચીન દેહવિજ્ઞાનના ક્ષેત્રમાં માનવીય સ્તર તરફની ઉત્ક્રાન્તિ શરૂ થઈ ત્યારથી જ માનવીય ઉત્ક્રાન્તિના સ્વરૂપ, એના હેતુ તેમ જ માનવનાં નૈતિક નિયત અનુશાસન વિશે અનેક પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને ઘોષણા કરી કે “વિજ્ઞાન પ્લુટોનિયમમાં ગુણપરિવર્તન કરી શકશે પણ વિજ્ઞાન માનવીના હૃદયમાં રહેલી ખરાબીને બદલાવી શકશે નહિ” શરીર ઘટકો કે જીવાણુઓ (જિન્સ) એના મૂળસ્રોતો નથી – એમ તો અર્વાચીન શરીરવિજ્ઞાન પોતે જ કહે છે. બ્રિટિશ શરીર વિજ્ઞાની રિચાર્ડ ડાઉકિન્સે એક પુસ્તક ‘સ્વાર્થી જિન્સ’ના રસપ્રદ શીર્ષકવાળું લખ્યું છે. તે એમાં કહે છે કે તે પોતે જો કે ભૌતિકવાદી છે, પણ બાળકોને નૈતિક અને સ્વચ્છ વ્યવહારનાં મૂલ્યો શીખવવાં જોઈએ, એ વાત પર ખૂબ ભાર મૂકે છે. પણ એને આ મૂલ્યોના મૂળ સ્રોતની જાણ નથી! આ મૂલ્યોના મૂળ સ્રોતને તો એકલું વેદાન્ત જ જાણે છે. એ મૂળ સ્રોત સર્વના અંતરમાં રહેલો અનન્ત આત્મા છે. ડાર્વિનના ચાર હજાર વરસોથી પણ પહેલાં ભારતે શોધ્યું હતું કે આ વિશ્વ અને એમાં રહેતાં બધાં સજીવ પ્રાણીઓ, એ આજે પશ્ચિમના માનવવંશશાસ્ત્રીઓ જાહેર કરી રહ્યા છે તે પ્રમાણે કંઈ ઘન ટુકડા જેવા ભૌતિક પદાર્થની ઉત્ક્રાન્તિગત પ્રક્રિયાની સરજત નથી, પણ એ સરજત તો અનંત વિશુદ્ધ અદ્વૈત ચેતનાની જ છે. ઉત્ક્રાન્તિના વૈશ્વિક સ્તર દરમિયાન એ છુપાઈને રહે છે, પણ જ્યારે એ ઉત્ક્રાન્તિ સેન્દ્રિય સ્તરે પહોંચે છે, ત્યારે તે પોતાને સ્થિરપણે ઉદ્ઘાટિત કરે છે. ત્યાર પછી ભારત ઉત્ક્રાન્તિ વિષેની ભારતીય દૃષ્ટિ એવું માને છે કે જેમ જેમ આ સેન્દ્રિયતા ઉત્ક્રાન્ત થતી જાય છે, તેમ તેમ વધુ ને વધુ ચેતના પોતાને પ્રકાશિત કરે છે. અને ચેતનાનું એ વધુ પ્રકટીકરણ એ સેન્દ્રિયતાની ઉત્ક્રાન્તિરૂપ બને છે. આ જ રચનાની ઉત્ક્રાન્તિ અને ચેતનાનું આવિષ્કરણ છે. માનવમાં ઉત્ક્રાન્તિની આ પ્રક્રિયા એની ચરમસીમાએ પહોંચી ચૂકી છે. અને એથી અહીં સેન્દ્રિય ઉત્ક્રાન્તિ વિરમી ગઈ છે. અને હવે એને સ્થાને આધ્યાત્મિક સ્તરની ઉત્ક્રાન્તિનો ઉદ્‌ગમ થઈ ગયો છે. આમ બધાં જ મૂલ્યો આધ્યાત્મિક છે, એમ વેદાન્ત કહે છે.

માનવીય સ્તરે આ ઉત્ક્રાન્તિને જો સાચી દિશામાં વિકસાવવી હશે, તો માનવજીવોએ પોતાના જીવનમાં તેમજ માનવ-માનવ વચ્ચેના આંતરસંબંધમાં મૂલ્યોનું પ્રકટીકરણ કરવું આવશ્યક બની રહે છે. વેદાન્ત કહે છે કે આ માટે કોઈએ બીજાની પાસેથી મૂલ્યોની ભીખ માગવાની નથી કે કોઈની પાસેથી એ મૂલ્યો ઉછીનાં લેવાનાં નથી. તેમનું ઊગમસ્થાન તેઓ પોતે જ છે. તેમને કેવળ પ્રકટ જ કરવાનાં છે, જીવનમાં અને કાર્યમાં તેમનો આવિષ્કાર જ કરવાનો છે. આ મૂલ્યોના પાયા વગર જીવન – વ્યક્તિગત અને સામાજિક જીવન – પુરાણા બ્રિટિશ અર્થશાસ્ત્રી થૉમસ હૉબ્સની ભાષામાં કહીએ તો વામણું, બિભત્સ અને પશુ જેવું થઈ જશે. મૂલ્યોના વિજ્ઞાનનું આ મહત્ત્વ છે. અને વેદાન્ત માને છે કે મૂલ્યોનું વિજ્ઞાન એ ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મિક વિજ્ઞાન વચ્ચેની કડી સમાન છે.

બ્રિટિશ શરીરવિજ્ઞાની સ્વ. સર જૂલિયન હક્સલીએ જણાવ્યું છે કે પશ્ચિમમાં મનનું અધ્યયન હજુ હમણાં જ શરૂ થયું છે. પણ એ અધ્યયન હજુ ભૌતિકવાદના સકંજામાં ફસાયેલું છે. ભૌતિકવાદના પૂર્વગ્રહોથી એ પીડિત છે. એ મસ્તિષ્કમાંથી મનના પ્રાદુર્ભાવ થયાની વાતો કરે છે. અને મન આત્માને પ્રકટ કરે છે! કોઈ રીતે ગમે તેમ પણ હકસ્લીએ કહ્યું છે કે આપણે એક નવું વિજ્ઞાન વિકસાવવું જોઈએ. એ આ વિજ્ઞાનનું નામ, ‘માનવીય સંભાવનાઓનું વિજ્ઞાન’ કહે છે. આ એ વિજ્ઞાન છે કે જેને પ્રાચીન ભારતે ઉપનિષદોમાં વિકસાવ્યું હતું અને આજ સુધી એ શ્રીરામકૃષ્ણ આદિ દ્વારા ભારતને પોષતું રહ્યું છે. શિષ્યના પ્રશ્ન છે કે આ વિશ્વમાં પ્રકટ થયેલા પદાર્થોમાં એવું ક્યું તત્ત્વ છે કે જેને એકને જાણવાથી બધું જ જાણી શકાય છે? “कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञान भवति” મુંડકોપનિષદના ગુરુએ આપેલો આ પ્રશ્નનો પ્રત્યુતર એ છે કે માણસજાતે બે વિજ્ઞાનો જાણવાં જોઈએ. એક તો ‘અપરા વિદ્યા’ એટલે કે નિમ્ન વિજ્ઞાન. એમાં નાશવંત વિશ્વના ઇન્દ્રિયો દ્વારા ઉદ્ઘાટિત થતા જ્ઞાનનો સમાવેશ થાય છે. અને બીજી છે ‘પરા વિદ્યા’ એટલે કે ઉચ્ચ વિજ્ઞાન. આ પરા વિદ્યાને શ્રીરામકૃષ્ણે વર્તમાન ભારતમાં પ્રતિનિધિત્વ આપ્યું છે.

પશ્ચિમી જગત એકવીસમી સદી આવતાં ધીરે ધીરે આ પરા વિદ્યા ઉચ્ચતર જ્ઞાન વિશે અપરા વિદ્યા – નિમ્ન વિજ્ઞાનની સાથોસાથ જ શીખશે. છેલ્લી ચાર સદીઓમાં આ અપરા વિદ્યાનો વિકાસ, પશ્ચિમે ઉલ્લેખનીય રીતે સાધ્યો છે. જ્યારે હવે પછી તેનો સાધવાનો બાકી વિકાસ ભારતવર્ષે ઉપનિષદમાં વેદાન્ત તરીકે, નિરીક્ષણના, દ્રષ્ટાના, હુંપણાના, આત્માના ગહનતમ પરિમણની શોધ કરતાં કરતાં સાધી લીધો હતો. આ અનન્ય અને સુવિખ્યાત ઘટના ઉત્ક્રાન્તિની પ્રક્રિયામાં કેવળ માનવીય સ્તરે જ થયેલી જણાય છે. અને આધુનિક મસ્તિષ્કવેત્તાઓ આપણને જણાવે છે કે આ અભિનવ સુવિદિત ઘટનાએ જ માનવને વિકાસના અન્ય સર્જનો પર વર્ચસ્વ ભોગવતો કરી દીધો છે. આઠ કે દસ વરસનો એક બાળક ઘોડાને કે હાથીને પણ કાબૂમાં રાખી શકે છે. આ જ વેદાન્તનું મહાન તત્ત્વજ્ઞાન છે; આ જ આધ્યાત્મિકતા છે. એણે જ આ સુવિદિત ઘટનાના અંતરતમત પરિમાણને ભીતરથી ભેદીને અનન્ત અને અનશ્વર પરિમાણને શોધી કાઢ્યું છે. એ ‘આત્મા’ છે, એ ‘બ્રહ્મ’ છે. ઉપનિષદના ઋષિઓએ આ ‘સત્યના યે સત્ય’નો સાક્ષાત્કાર કર્યો હતો – ‘सत्यस्य सत्यम्’ અને સમગ્ર વિશ્વમાં એની ઘોષણા કરી હતી કે “वेदाहमेतं पुरुषं महान्तम्” “મેં આ પરિમિત વિશ્વની પેલી પાર અનન્ત પુરુષનો સાક્ષાત્કાર કર્યો છે.” નશ્વરની પાછળ રહેલા આ અનશ્વરની શોધમાં ફરતાં ઋષિઓએ ઉપનિષદ્‌માં શોધ્યું કે દરેકેદરેક માનવમાં આ અમર દિવ્ય આત્મતત્ત્વનો સ્ફુલ્લિંગ પડેલો છે; અને એનો સાક્ષાત્કાર કરવા માટેની દરેક માનવમાં ઈન્દ્રિયગત શક્તિ પણ છે. વેદાન્ત માણસની અનંતને, બ્રહ્મને, વિશ્વના મૂળ સ્રોતને પિછાણવાની ઉચ્ચતમ શક્તિની અનન્યતાની વાત કરે છે. ભાગવત કહે છે કે ब्रह्मावलोक धीषणाम्!

માનવજાતનું આવા ગહન પરિમાણમાં આવી વૈજ્ઞાનિક રીતે સંશોધન થયેલું તમે બીજે ક્યાંય પણ જોઈ શકશો નહિ. માનવીય સ્વરૂપના ભૌતિક, ઈન્દ્રિયગત કે માનસિક પરિમાણથી એ પેલી પારનું છે. અને ઋષિઓએ જે સત્યની અનુભૂતિ કરી અને એની ઘોષણા કરી, તે એ હતું કે માનવજીવો “अमृतस्य पुत्रा:” “અમરતાનાં સન્તાનો” છે. ૧૮૯૩ની શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે આ જ ઘોષણા કરી હતી. શ્વેતાશ્વતર ઉપનિષદનું એ ઉદ્ધરણ હતું એ અનન્ત અદ્વૈત ચેતનાનું પ્રકટીકરણ છે. પહેલાં કહ્યા પ્રમાણે એ બ્રહ્મ છે, એ વિશ્વનું એકમાત્ર મૂળ છે, ઉપાદાન છે, માનવમાત્રનો એ મૂળ સ્રોત છે, દેખાતા વૈવિધ્ય પાછળનું એ એકત્વ છે.

તૈત્તરીય ઉપનિષદ ઘોષણા કરે છે: “ब्रह्मविदाप्नोति परम्” “બ્રહ્મને જાણનારો પરમતત્ત્વને પ્રાપ્ત કરે છે” આ પરમતત્ત્વનું – બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? ઉપનિષદ જવાબ આપે છે : “सत्यं ज्ञानमनन्तं ब्रह्म” – “બ્રહ્મ સત્ય છે, એ વિશુદ્ધ બુદ્ધિ કે વિશુદ્ધ ચેતનસ્વરૂપ છે અને એ અનંત છે.” વળી, ઉપનિષદ એક મોટા વાક્યમાં બ્રહ્મની વ્યાખ્યા કરે છે : “यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत्प्रयम्त्यभिसंविशन्ति” – “વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ એ જ અનન્ત તત્ત્વ છે કે જેમાંથી જીવોનું આ આખું વિશ્વ જન્મે છે, અને જેમાંથી જન્મેલા તે જીવસમૂહો હસ્તી ધરાવે છે અને સમય આવતાં વૈશ્વિક પ્રલયકાળે પાછા જેમાં પ્રવેશી જાય છે” એક જ બ્રહ્મમાંથી વિવિધતાપૂર્ણ આ વિશ્વનું પ્રકટીકરણ એ જાણે કે પોતાને જ સંબોધન કરતા બ્રહ્મનું જ પરિણામ છે : “एकोऽहं बहु स्याम्”–“હું એક છું, હવે હું બહુ થાઉં” એમ ઉપનિષદો કહે છે. પશ્ચિમના આકાશ વિજ્ઞાનીઓની પાર્શ્વભૂમિકાની સામગ્રી જે એક કોઈ હતી, તેમાં એક આરંભક વિસ્ફોટ – બીગ બૅન્ગ – ધડાકો થયો અને ત્યારથી ઉત્ક્રાન્તિ શરૂ થઈ. પણ એ કેવળ જડ઼ અચેતન દ્રવ્ય હોઈને એમાં એ ધડાકો શાથી થયો? આ પ્રશ્નનો કોઈ જવાબ મળતો નથી. બ્રિટિશ આકાશવિજ્ઞાની ફ્રેડ હૉઈલ્સના નવા પુસ્તક ‘ધી ઈન્ટેલિજન્ટ યુનિવર્સ’માં તેમણે પ્રાચીન વેદાન્તને પશ્ચિમના આકાશ-ભૌતિક વિજ્ઞાનની નજીક લાવવા પ્રયત્ન કર્યો છે. બ્રહ્મ અનન્ત અને વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ હોવાથી એને ગીતામાં “अविभक्तं विभक्तेषु विभक्तमिव च स्थितम्” તરીકે વર્ણવ્યું છે. એટલે કે “દેખીતી રીતે વિભક્ત જણાવાં છતાં જુદી જુદી વિભક્ત વસ્તુઓમાં તે અવિભક્ત – અખંડ છે.” ચેતના આકાશ જેવી છે, એના ભાગલા પાડી શકાય નહિ. નાભિકીય વિજ્ઞાની શ્રૉડિંજરના શબ્દોમાં કહીએ તો એના “વ્હૉટ ઈઝ લાઈફ..” નામના પુસ્તકમાં લખ્યા પ્રમાણે “ચેતના એ એકવચની છે અને એનું બહુ વચન અજ્ઞાત છે.”

બધા જ જીવોમાં દિવ્યતાની આ હસ્તીનું સત્ય ઉપનિષદોમાં વારંવાર ઉચ્ચારાયું છે; ગીતામાં પણ એનો પુનઃઉચ્ચાર થયો છે અને આધુનિક કાળમાં શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને શ્રી શ્રીમા દ્વારા પણ એ જ થયું છે. આ દિવ્યતા દરેક માનવમાં છુપાયેલી પડી છે. એમાં નાત, જાત, વંશવરત, કાળાગોરા, કે સંપ્રદાયના કશા ભેદભાવો નથી. સમાજમાં ભલે એવી ભેદની ભીંતો ઊભી થયેલી હોય, પણ અહીં એની કશી મૂંઝવણ કે હરકત નથી. અહીં તો પારસ્પરિક સમજણ અને સંવાદિતા હશે. ભારત, પોતાના આધુનિક દેશ બાન્ધવોને તેમજ સામાન્ય રીતે સમગ્ર વિશ્વને જો કંઈ પ્રદાન કરી શકશે, તો તે આ સંવાદિતાનું પ્રદાન જ છે. એ ‘પરાવિદ્યા’નું જ પ્રદાન છે. અને આ આધુનિક યુગમાં જબરદસ્ત સંભાવનાઓ પડેલી છે. એટલે પશ્ચિમે સાધેલા ભૌતિક વિજ્ઞાનોની સાથોસાથ ભારતની પોતાની ‘પરા વિદ્યા’નું ઉચ્ચતમ વિજ્ઞાનનું – આધ્યાત્મિકતાના વિજ્ઞાનનું – પ્રદાન થાય છે અને શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને શ્રી શ્રીમા દ્વારા એ થાય છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર લખનાર ફ્રૅન્ચ લેખક શ્રી રોમાં રોલાં ‘શ્રીરામકૃષ્ણનું જીવન’ એ પુસ્તકની પ્રસ્તાવનામાં જ રામકૃષ્ણ-વિવેકાનંદને બન્નેને ‘વૈશ્વિક આત્માના ભવ્ય સંગીત’ તરીકે ઓળખાવે છે.

આપણી પાસે ઘણા અદ્ભુત શાસ્ત્રગ્રન્થો છે. તેમાંનું એક શ્રીમદ્ ભાગવત પણ છે. એ ખૂબ પવિત્ર ગ્રંથ છે. એમાં ભગવાનનો એક અવતાર આપણને કહે છે કે “માનવમાત્રમાં રહેલા મને તિરસ્કારીને તમે મંદિરમાં મારી મૂર્તિની પૂજા કરશો નહિ. હું એવી પૂજાનો સ્વીકાર કરતો નથી.” આ માનવજાતની અનન્યતાનું વર્ણન શ્રીમદ્ ભાગવતના ત્રીજા સ્કન્ધમાં શ્લોકોની એક શ્રૃંખલામાં વર્ણવવામાં આવ્યું છે. ગઈ સદીઓમાં આપણે ભારતમાં જે આવું જ કર્યું હતું, તે ખોટું જ હતું. આપણે માનવમાં રહેલ ઈશ્વરને ધૂત્કારી કાઢ્યો! અને એને ફક્ત મંદિરમાં જ પૂજ્યો હતો! પરિણામે આપણને રાજકીય ગુલામી અને પરદેશી આક્રમણો સિવાય કશું જ મળ્યું નહિ! હવે આપણે પાઠ ભણી ચૂક્યા છીએ. નાત, જાત, કાળા, ગોરા, સંપ્રદાય વગેરેની ભીંતોને હવે ભાંગી નાખવી જોઈએ. અને સર્વમાં છુપાયેલી દિવ્યતાને સન્માનવી જોઈએ. માનવજીવને, એમાં રહેલા પ્રભુને પૂજવો જોઈએ. શ્રીમદ્ભાગવતના ત્રીજા સ્કંધના ઉપર દર્શાવેલા શ્લોકોમાં કપિલરૂપે અવતરેલા શ્રી ભગવાન, પોતાની માતા દેવહૂતિને આ સલાહ આપે છે. એનો સુવિખ્યાત શ્લોક આ પ્રમાણે છે :

“अथ मां सर्वभूतेषुं भूतात्मानं कृतालयम ।
अर्चयेद् दानमानाभ्यां मैत्र्याडहहहह ॥”

“તેથી બધાં પ્રાણીઓના આત્મારૂપે મને સેવો. એ જ મારાં ખરાં મંદિરો છે; એમની ઈષ્ટ કામનાઓને પૂર્ણ કરો, (દાન); અને એમ કરતી વખતે તેમને આદર આપો. (માન); એમના તરફ મૈત્રીનું તેમજ ભેદભાવ વગરનું વલણ રાખો.”

ઈ.સ. ૧૮૯૭માં મદ્રાસમાં આપેલા, ‘ભારતનું ભાવિ’ એ નામના પ્રવચનમાં, શ્રીમદ્ ભાગવતનું નામ દર્શાવ્યા વગર આ શ્લોકના મધ્યવર્તી વિષયનો સંદર્ભ સ્વામી વિવેકાનંદે આપ્યો છે : “ફક્ત લોકોની સેવા જ નહિ, એમની ‘પૂજા’ કરો. ‘પૂજા’ શબ્દ જ સંસ્કૃતનો સમુચિત પર્યાય છે. એ સિવાય અન્ય કોઈ અંગ્રેજી શબ્દ ચાલશે નહિ.” સન્માનપૂર્વકની સેવા, એ જ પૂજા બને છે. “દરેક માનવજીવમાં દિવ્યતા છે. એટલે મને દરેક માનવજીવમાં પૂજો. એ સર્વેમાં મેં મારું મંદિર બાંધ્યું છે. માત્ર મારી સેવા જ નિહ, મારી પૂજા કરો.” એમ શ્લોક કહે છે. ‘अर्चयेत्’ એટલે પૂજા કરો. તો હવે માનવમાં ઈશ્વરની પૂજા કેવી રીતે કરવી? ‘दानमानाभ्याम्’ એટલે કે દાન અને માન દ્વારા – તેમની ભૌતિક જરૂરતોને પૂરી કરીને. જો તેઓ ભૂખ્યા હોય તો તેમને ખોરાક કે રોજગાર આપીને; જો તેઓ રોગથી પિડાતા હોય તો તેમને દવાદારુ અને સારવાર આપીને, – કોઈ પણ રીતે તેમની જરૂરતોને પૂરી કરીને. આને દાન’ કહેવાય અને આ બધું કરતી વખતે તેમના તરફ આદર દાખવો. તેમના તરફ તુચ્છ નજરે જોશો નહિ. આ માનનું વર્તન છે. ‘દાન અને માન’ માનવ-માનવ વચ્ચેના સંબંધોની કેવી સુંદર વિભાવના છે આ! એ પછી આવે છે ‘मैत्र्या’. એટલે કે મિત્રતાના વલણથી – “હું તમારો મિત્ર છું” – એવું વલણ દાખવો. જ્યારે માણસો ગામડામાં ગામલોકોની મદદ કરવા જાય છે, ત્યારે ત્યારે ગ્રામવાસીઓ, મદદ કરવા આવનાર તરફ શંકાની નજરે જુએ છે. કારણ કે અત્યાર સુધી આવા શહેરી લોકોએ ગામડાની પ્રજાનું શોષણ જ કર્યું છે. અત્યાર સુધી આ લોકોનું એ જ કામ રહ્યું છે. એટલે પહેલાં તો એમનામાં વિશ્વાસ જન્માવો કે “હું તારો મિત્ર છું”. આ ‘मैत्र्या’ શબ્દ પછી એક અદ્ભુત વેદાન્ત વિચારોથી મંડિત શબ્દ આવે છે: “अभिन्नेन चक्षुषा” એટલે કે ભેદભાવ વગરની નજરે. એટલે કે તમારામાં અને મારામાં એક જ આત્મા છે, એવી દૃષ્ટિથી.

આ “अभिन्नेन चक्षुषा” એ સમગ્ર વેદાન્ત સાહિત્યમાં ખૂબ વખાણાયેલી ભાવના છે. પણ દુર્ભાગ્યે છેલ્લાં હજારેક વર્ષથી ભારતે આનાથી તદ્દન વિપરીત આચરણ જ કર્યું છે. આખો વખત બસ, ‘ભિન્ન ચક્ષુ’નું જ વર્તન દાખવ્યું છે. માણસ-માણસ વચ્ચે, જૂથ-જૂથ વચ્ચે, ભેદભાવો જ ખડા કર્યા છે. છેલ્લાં હજાર વરસથી આપણે આ મહાન ઉપદેશોનો આદર અને અમલ કર્યો નથી – આનો અમલ તો આખા યુગનું પરિવર્તન કરી શકે છે. ઈ.સ. ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ અમેરિકાથી ભારત લખેલા પત્રમાં કહે છે કે “ધરતી પરના કોઈ ધર્મે હિન્દુધર્મ જેટલા ભારે જોરશોરથી માનવની મહત્તાનો ઉપદેશ કર્યો નથી અને ધરતી પરના કોઈ ધર્મે હિન્દુધર્મ જેવી ખૂબીભરી રીતથી ગરીબોનાં અને દીનહીનોનાં ગળાં પર પગ મૂક્યો નથી.” હવે આધુનિક યુગમાં એનો અન્ત આવશે. અહીં હવે શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને શ્રીશ્રીમાનું મૂલ્યવાન પ્રદાન લભ્ય છે. એ પ્રદાન એટલે ધરમૂળથી સામાજિક ઉત્ક્રાન્તિ છે. એ ઉત્ક્રાન્તિ ધીમી અને શાન્ત છે. એથી આખું યે રાષ્ટ્ર એ વ્યાવહારિક વેદાન્તનો અમલ કરશે. માનવના આંતરસંબંધોની દરેકેદરેક બાજુઓમાં વેદાન્તના વિચારો અભિવ્યક્ત થશે. એટલે લોકોની સેવા કરો, એમને આદર આપો, તેમને દિવ્યતાના સ્ફુલ્લિંગ તરીકે જુઓ, પછી ભલે તેઓ ખ્રિસ્તીઓ હોય, મુસ્લિમો હોય, હિન્દુઓ હોય કે યહૂદી વર્ગના હોય, કાળા હોય કે ગોરા હોય. વેદાન્તના આ પ્રાચીન સંદેશને આજે ભારત, શ્રીરામકૃષ્ણદેવ, સ્વામી વિવેકાનંદ અને શ્રીશ્રીમાના શક્તિશાળી ઉપદેશો અને ઉદાહરણોના જોરથી ઝીલી રહ્યું છે.

હું અહીં બે ઘટનાઓનો ઉલ્લેખ કરીશ. એક શ્રીરામકૃષ્ણના જીવનમાંથી છે અને બીજી શ્રીશ્રીમાના જીવનમાંથી છે. શ્રીરામકૃષ્ણે તેમની આધ્યાત્મિક પિપાસાને લીધે ખ્રિસ્તી અને મુસ્લિમ સહિત અનેક ધર્મોની સાધના કરી હતી. એમણે એક એવી વિશિષ્ટ સાધના કરી કે તેમની પહેલાં આવી સાધના કોઈએ કરી ન હતી. જ્યારે તેઓ દક્ષિણેશ્વરમાં હતા, ત્યારે એમના નિવાસ પાસે એક અંત્યજ-અસ્પૃશ્ય-ની ઝૂંપડી હતી. એક વખત રાત્રે તેઓ તે ઝૂંપડીમાં ગયા અને તે અસ્પૃશ્યનું સંડાસ સાફ કરી આવ્યા અને જગદંબાને પ્રાર્થના કરી કે “હે મા, હું બ્રાહ્મણ છું એ પ્રકારની શ્રેષ્ઠતાનો ખ્યાલ મારામાંથી કાઢી નાખ. મને સર્વનો સેવક બનાવ.” આ એક અદ્ભુત અનુભૂતિ છે. ભવિષ્યના ભારતવર્ષ પર એનાં જબરદસ્ત પરિણામો આવશે. ઉચ્ચસ્તરે બેઠેલાં નરનારીઓના જીવનમાં પણ સેવાનો આ ઉત્સાહ -સેવાનું જોમ એ મુખ્ય બાબત છે.

હવે તમે શ્રીશ્રીમા પાસે જઈ નિહાળો, ઘણી રૂઢિવાદી હિન્દુ સામાજિક પાર્શ્વભૂમિમાં ઉછેર પામેલાં હોવા છતાં પણ તેમણે એક મુસલમાન છોકરાને માતાના હેતથી ખવડાવ્યું, પીવડાવ્યું, એની સાથે સ્નેહભર્યો વ્યવહાર કર્યો; અને એ છોકરાએ જમી લીધા પછી એ જગ્યાને તેમણે પોતાને હાથે જ સાફ કરી. શ્રીશ્રીમાએ તો આ ખ્રિસ્તી છે કે આ મુસલમાન છે કે આ હિન્દુ છે એવો કોઈ ભેદભાવ રાખ્યો જ ન હતો. એ જ રીતે જ્યારે મીસ માર્ગારેટ નોબલ (પાછળથી એમનું નામ બદલીને સિસ્ટર નિવેદિતા રાખવામાં આવ્યું હતું) ઈંગ્લૅન્ડથી ભારતમાં આપણા દેશવાસીઓની સેવા કરવા આવ્યાં, ત્યારે સ્વામી વિવેકાનંદે તો તેમને આવકાર્યાં; પણ હિન્દુ સમાજને તેમની ઓળખ કઈ રીતે કરાવવી એ મુસીબતના અંદેશામાં તેઓ પડ્યા. તેઓ તો ખ્રિસ્તી હતાં. એ વખતના રૂઢિવાદી હિન્દુ સમાજની દ્રષ્ટિએ તો તેઓ મ્લેચ્છ હતાં! અરે, સ્વામીજીને પોતાને પણ દક્ષિણેશ્વરના મંદિરમાં પ્રવેશવાની મનાઈ હતી; કારણ કે તેઓ એ વખતે પરદેશ જઈ આવ્યા હતા! એટલે માર્ગારેટ માટે સ્વામીજીને ચિંતા થતી હતી. તેમણે સ્વગત કહ્યું : “હું આ મીસ માર્ગારેટ નોબલની શ્રીશ્રીમા સાથે ઓળખાણ કરાવીશ. જો તેઓ એનો સ્વીકાર કરશે, તો આખું ભારત એને સ્વીકારશે.” આ વિચાર સાથે તેઓ મીસ માર્ગારેટ નોબલ સાથે કલકત્તા ગયા અને શ્રીશ્રીમા સાથે એની ઓળખાણ કરાવી : “મા, ઈંગ્લેન્ડથી તમારી આ દીકરી માર્ગારેટ આવી છે.” આ સાંભળીને શ્રીમા તરત જ પોતાની પથારીમાંથી ઊભાં થઈ ગયાં અને પોતાના બન્ને હાથોથી માર્ગારેટને પકડીને પોતાની પથારી પર બેસાડી દીધી. સ્વામીજીએ સ્વગત કહ્યું : “મારું હૃદય પુલકિત થઈ ગયું.” હવે આ અદ્ભુત આઈરીશ-ઈંગ્લીશ મહિલાને સમગ્ર ભારત સ્વીકારી લેશે.” અને તમે સૌ જાણો જ છો કે આ સિસ્ટર નિવેદિતાએ ભારત માટે કેવાં કેવાં મહાન કાર્યો કર્યાં છે. શ્રી અરવિંદ, કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને અન્ય દેશભક્તોનો સમૂહ, તામિલનાડુના સુબ્રહ્મણ્ય ભારતી સહિત તેમના તરફ સ્નેહ અને સન્માન દાખવતા. સમગ્ર ભારત તેમને માટે ઊંચો અભિપ્રાય દર્શાવે છે. મેં તો તેમનાં લખાણોમાંથી, ખાસ કરીને “The Master As I saw Him” એ પુસ્તકમાંથી ખૂબ ખૂબ પ્રેરણા મેળવી છે.

સૌને સ્વામી વિવેકાનંદ સામાજિક સમાનતાના, માનવ-માનવ વચ્ચે સંવાદિતાના મહાન ઉપદેશક તેમજ આપણા નારી સમૂહની આત્માભિવ્યક્તિને સ્વાતંત્ર્યના ઉચ્ચતર સ્તરે પહોંચાડવા માટે કપરું અને જબરું કામ કરનાર દેખાય છે. પોતાના ‘વિવેકાનંદનું જીવન’ એ નામના પુસ્તકમાં રોમાં રોલાં તેમને ‘સમગ્ર માનવશક્તિની સંવાદિતા’ તરીકે વર્ણવે છે. અને એની પ્રસ્તાવનામાં પોતાના પર વિવેકાનંદ સાહિત્યની થયેલી અસર આ પ્રભાવક શબ્દોમાં વર્ણવે છે :

“વિવેકાનંદના શબ્દો તો ભવ્ય સંગીત છે; એમની શબ્દાવલિઓમાં બિથોવનની શૈલીનો રણકાર છે; અને ભાવોત્કર્ષ જગાવતા એમના વાણીલયમાં હૅન્ડેલનાં સમૂહગીતોની પરંપરા પ્રતીત થાય છે; આજથી વીસ વરસ પહેલાં ગ્રંથસ્થ થયેલાં એમનાં વચનામૃતોને જ્યારે હું વાંચું છું, ત્યારે વિદ્યુતના આંચકા જેવી ઝણઝણાટી મારા સમગ્ર દેહમાં અનુભવ્યા વગર હું રહી શકતો નથી, તો પછી એ નરવીરને સ્વમુખેથી એ જ્વલંત શબ્દો ઉચ્ચારાયા હશે ત્યારે તેમણે કેવા આંચકા – કેવા હષોત્કર્ષો જન્માવ્યા હશે!”

સ્વામી વિવેકાનંદે પોતાના તત્ત્વજ્ઞાનને ટૂંકમાં ‘માનવ ઘડતર’ અને ‘રાષ્ટ્રનિર્માણ’ તરીકે અભિવ્યક્ત કર્યું. આજે ખાસ કરીને તેમણે આપેલા ત્યાગ અને સેવાના ઉપદેશો – સંદેશો આપણા લોકો સુધી પહોંચવા જ જોઈએ. આપણો દેશ આજે ઘણા કસોટીના કાળમાંથી પસાર થઈ રહ્યો છે; આપણું રાજકારણ અને આપણો વહીવટ પહેલેથી છેલ્લે સુધી સાવ લાંચિયો બની ગયો છે; હિંસાચાર વ્યાપક બન્યો છે. આ બધી આપણી પ્રવર્તમાન વિપદાઓ છે ખરી. પરન્તુ, એ ભૂલશો નહિ કે એ આપદાઓને હાંકી કાઢવાના ઉપાયો પણ આપણી પાસે છે. આ ઉપાયો તમને સ્વામી વિવેકાનંદના મહાન સાહિત્યમાંથી સાંપડશે, એમના વ્યાવહારિક વેદાન્તમાંથી મળશે. જ્યારે આ ઉપાયોનો વિનિયોગ થશે, ત્યારે આ આપદાઓ ઓગળી જશે. આજે આ મદુરાઈના વિસ્તારમાં આપણી એ જવાબદારી બની જાય છે. ભૂતકાળમાં દબાયેલી પિસાયેલી રહેલી હિન્દુ પ્રજામાંથી ઊભી થયેલી સમસ્યાઓ આજે આપણી સામે આવી ઊભી છે. આ સમાજને આપણે બદલવાનો છે. એને વધારે માણસાઈભર્યો, વધારે મુક્ત અને સર્વોદયની ભાવનાવાળો બનાવો. સમાજમાંથી આવતા સૌ તરફ સેવાભાવના રાખીને આવું બધું કરવાનો આપણા પોતાના વેદાન્તે જ આપણને બોધ આપ્યો છે. આ મદુરાઈના આસપાસના પ્રદેશોમાં આ સંદેશનો પ્રસાર આ મહાન સંસ્થાની સહાય દ્વારા થશે. શ્રીરામકૃષ્ણમંદિરનું આ મહત્ત્વ છે. એ સૌ કોઈને ગાઈ બજાવીને શ્રીરામકૃષ્ણનો આ વેદાન્તિક સંદેશ સંભળાવે છે કે “દરેક ‘જીવ’ એ ‘શિવ’ જ છે અને ‘જીવ’ની સેવા એ ‘શિવ’ની જ સેવા છે.” સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આપણા લોકો જો આ ત્યાગ અને સેવાના બે સિદ્ધાન્તોને અનુસરશે, જો આપણા લોકો જીવનનાં બધાં ક્ષેત્રમાં આ બન્નેનો સખ્ત રીતે વિનિયોગ કરતા થશે, તો બાકીનું બીજું બધું તો એની મેળે જ આવી મળશે. આપણા લોકોએ બીજા પ્રત્યે એવું વલણ વિકસાવવું જોઈએ કે “આપને માટે હું શું કરી શકું? હું આપને કઈ રીતે સહાયક નીવડી શકું?” માનવ – માનવ વચ્ચેના બધા જ સંબંધમાં આવું વલણ હોવું જોઈએ. મારે જ્યારે ભારતમાં જુદાં જુદાં રાજ્યોના સચિવાલયોના કર્મચારીગણ સાથે વાતો કરવાનો પ્રસંગ પડે છે, ત્યારે હું તેમને કહું છું કે તમે જ્યારે સચિવાલયની ખુરસી પર બેઠા હો ત્યારે આવી જ – ઉપર બતાવેલી – ભાવના કેળવો: તમે જ્યારે તમારે ઘેર તમારી પોતાની ખુરસી પર બેઠા હો, ત્યારે ભલે સ્વાર્થી વલણ હોય. પરંતુ સચિવાલયમાં તો એથી તદ્દન જુદું જ વલણ હોવું જોઈએ – ત્યાં તો તમે લોકોના સેવક છો અને જ્યારે લોકો તમારી પાસે આવે છે ત્યારે તમારે એને સમુચિત પ્રતિસાદ આપવો જોઈએ કે “હું તમારે માટે શું કરી શકું? હું તમને કેવી રીતે સહાય કરી શકું?”

સ્વતંત્રતા મળ્યા પછી આપણામાંના ઘણા ખરા લોકોના મનને આ સેવાભાવના આંબી શકી નથી. એ અટકી ગઈ છે. બીજા સાથે કશી જ લેવાદેવા રાખ્યા વગરના આપણે નરાતાળ સ્વકેન્દ્રી બની ગયા છીએ. પરંતુ, જ્યારે આ શક્તિદાયક પાવનકારી અને સંશ્લેષક એવું રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય આપણા સમાજમાં ચલણી નાણાં જેવું બની જશે ત્યારે આખું ચારિત્ર્ય જ બદલાઈ જશે. સેવા ભાવના, સમર્પણ ભાવના, જનપ્રેમ – આ બધું જ આ ઉપદેશને પરિણામે આવી મળશે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં આપણે તળિયેથી જ આગ ચાંપીશું અને બધું જ ખાખ થઈ જઈને ભારતીય રાષ્ટ્રમાં રૂપાન્તર પામશે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: “હું ઈચ્છું છું ક્રાન્તિ! અહિંસક, શાન્ત, સામાજિક ક્રાન્તિ! કેળવણી દ્વારા તંદુરસ્ત વિચારો ફેલાવવાથી એ થશે.” રામકૃષ્ણ આંદોલન આ જ કામ ભારતના અને વિશ્વના કોઈ પણ ભાગમાં કરશે. સ્થાનિક પરિસ્થિતિમાં ઊભી થતી જરૂરતોને પારખવામાં પાવરધું આ આંદોલન સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યું છે: હજુ હમણાં લગભગ બે વરસ પહેલાં જ બૉમ પાસેની જર્મન વેદાન્ત સોસાયટીએ એક મોટું મકાન ખરીદ્યું છે અને એનો સમર્પણવિધિ પણ કર્યો છે. અને તેઓ ભારતમાંથી એક સ્વામીજીને વેદાન્તનું કામ કરવા માટે ત્યાં બોલાવી રહ્યા છે. હૉલૅન્ડમાં તો એક સ્વામીજી પહોંચી પણ ગયા છે. ઓસ્ટ્રેલિયામાં એક શારદામઠ છે. અત્યારે એ અદભુત સુંદર કાર્ય કરી રહેલો છે. એ આખાયે ખંડમાં એનું કાર્ય પથરાયેલું છે. આ બધી એ લોકોની માંગ છે. ભારતે એ લોકો ઉપર કોઈ પરાણે ઠોકી બેસાડેલી વસ્તુ નથી. એ લોકોએ જ આ બધાં માટે નાણાં ખર્ચ્યાં છે. વેદાન્તના ઉપદેશકોની આગતાસ્વાગતા માટે અને તેમના ભારતથી એ દેશોમાં અને એ દેશમાંથી પરત આવવા જવા માટે પણ તેઓ ખર્ચ ભોગવે છે. બુદ્ધિગમ્ય – ગળે ઊતરે એવા અને માનવતાવાદી વેદાન્ત સિવાય વિશ્વના બીજા ક્યા ધર્મ કે બીજી કઈ ફિલસૂફીને આટલો આદર સાંપડ્યો છે ભલા? એટલા માટે સંવાદિતા અને એક્તાના સંવર્ધન અને પોષણ માટે લોકકલ્યાણ અર્થે સેવા કરવા માટેની આખા વિશ્વમાં ઘણી ઘણી તકો પડી જ છે.

આપણે અત્યારે અહીં મદુરાઈના આશ્રમમાં છીએ. આ આશ્રમ ઘણાં વરસોથી અહીં ચાલી રહ્યો છે. અહીં ફરી વખત આવતાં મને ઘણો આનંદ થયો છે. હું અહીં ૧૯૫૩થી અવારનવાર આવતો રહ્યો છું. હવે શ્રીરામકૃષ્ણના આ ભવ્ય અભિનવ શ્રીરામકૃષ્ણ મંદિરની સાથે આ મઠ સ્વસ્થ અને રચનાત્મક વિચારો અને આદર્શોને ફેલાવવા માટેનું ગતિશીલ કેન્દ્ર બની રહેશે. અહીંથી કે મઠના બીજા કોઈ કેન્દ્રમાંથી કોઈ પણ નકારાત્મક વિચાર નીકળશે નહિ. કવિવર રવીન્દ્રનાથ ટાગોર, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના જીવનચરિત્રોના ફ્રૅન્ચ લેખક શ્રી રોમાં રોલાંએ કહ્યું હતું કે “જો તમારે ભારતને સમજવું હોય, તો સ્વામી વિવેકાનંદનું અધ્યયન કરો. તેમનામાં બધું જ વિધાનાત્મક છે, નકારાત્મક કશું છે જ નહિ…” આ જ એનું સત્ત્વ છે અને એ સત્ત્વ આ મહાન સંસ્થામાંથી પ્રસ્ફુટિત થશે. અહીં લોકોને આશીર્વાદ આપવા માટે શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને શ્રીશ્રીમા પ્રભુત્વ ભોગવી રહ્યાં છે.

આજે તમારી સૌની સાથે મળતાં મને ઘણો આનંદ થાય છે. તમારા ખૂબ પ્રેમ, આદર અને શુભકામનાઓનો હું સ્વીકાર કરું છું. અને આશા રાખું છું કે હવે પછી પણ આવા કોઈ પવિત્ર આશ્રમની સહાયથી સુંદર સમય ગાળવાની આપણને તક મળશે. અને આપણે સ્વસ્થ વિચારો અને સ્વસ્થ આદર્શોનો પ્રસાર કરીશું. બસ, બીજી કશી જરૂર નથી. “રસાયણો એક સાથે મૂકી દો, પછી સ્વચ્છીકરણ તો કુદરતના નિયમ પ્રમાણે થયા કરશે.” સ્વામી વિવેકાનંદે આ જ કહ્યું છે. લોકોમાં સ્વસ્થ વિચારો અને આદર્શોનો ફેલાવો કરો. તો ધીરેધીરે ચારિત્ર્યનો વિકાસ થશે. નાતજાત, ધર્મ કે સામાજિક મોભાના કશા ભેદભાવ વગરના અન્ય સાથેના સંબંધો ઉપસી આવશે; પ્રેમ અને સેવાભાવના ઊભરી આવશે. હું આશા રાખું છું કે પાંડ્ય સભ્યતા અને રાજનીતિના આ પ્રાચીન કેન્દ્ર પર ઘણા આશીર્વાદો ઊતરી આવશે. આપણે આશા રાખીએ કે મદુરાઈ અને એની આસપાસના પ્રદેશોને આ સંસ્થા દ્વારા ઘણો મોટો લાભ થશે.

અનુવાદક : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 221

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.