જો આપણે ગઈ શતાબ્દીની પરિધિમાં નજર નાખીએ તો ‘તુલનાત્મક ધર્મ’ના અધ્યયનનો પ્રાદુર્ભાવ અને તેનો આનુષંગિક વિકાસ જોવા મળશે. વિશ્વના મહાન ધર્મોમાંથી હિંદુ અને ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરપૂજાને સૌથી વધારે મહત્ત્વ અપાયું છે. ઇસ્લામ ધર્મમાં વિધિવિધાનોવાળી પૂજાનો પ્રતિબંધ છે, આમ છતાં પણ કહી શકાય કે તેઓ પૂજાના ભાવને કે વલણને પ્રોત્સાહન આપે છે. વાસ્તવિક રીતે દરરોજ પઢાતી નમાજ કે સાલાહ એ પ્રાર્થના કરતાં પૂજા કે આરાધના વિશેષ છે. બૌદ્ધ ધર્મની મહાયાન શાખામાં પૂજાને થોડું મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેટલાક વિદ્વાનો દાવો કરે છે કે ભારતમાં તાંત્રિક પૂજા સૌ પ્રથમ મહાયાન શાખાના બૌદ્ધોએ વિકસાવી હતી.

હિંદુ ધર્મના ચાર પુરુષાર્થ છે – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ એ માનવનું સર્વોત્કૃષ્ટ ધ્યેય છે. વિવિધ પ્રકારની ઉપાસનાઓનું અનુસરણ કરીને અનેક વિભૂતિઓએ આ મોક્ષને પ્રાપ્ત કર્યો છે. ઉપાસના એટલે ‘ઈશ્વરની નજીક બેસવું’. ઈશ્વરના સાંનિધ્યને મેળવવાના અભ્યાસની આ એક પ્રક્રિયા છે અને જ્યાં સુધી જે તે સાધક ઈશ્વરમાં ભળી ન જાય ત્યાં સુધી ઉત્તરોત્તર તેમની ઉપસ્થિતિને અનુભવતો રહે છે. વિધિવિધાનોવાળી પૂજા એ ઉપાસનાની પ્રક્રિયાનો એક ભાગ છે. આ જ પ્રક્રિયાનો એક ભાગ ધ્યાન પણ છે. ધ્યાન અને જપ સંપૂર્ણ રીતે આંતરિક અને માનસિક પ્રક્રિયા છે. જ્યારે પૂજામાં બાહ્ય પ્રક્રિયાઓનાં કેટલાક ઉપચારો સામેલ હોય છે તેમજ તેમાં કેટલાક ચોક્કસ મંત્રોચ્ચાર કે સૂક્તોનું ગાન પણ હોય છે.

પૂજા એક વિજ્ઞાન છે. પૂજા એક એવું આધ્યાત્મિક અનુશીલન છે કે જેમાં દરેક તબક્કે તાર્કિક પ્રણાલીઓનું અનુસરણ થાય છે. કુલાર્ણવતંત્રમાં આપવામાં આવેલ વ્યાખ્યા અનુસાર પૂજા એટલે એવું કર્મ કે જે પૂજકના પૂર્વજન્મોમાંથી નિષ્પન્ન થતા કર્મપ્રવાહનું શમન કરે છે, જન્મ-મરણના ચક્રનો અંત લાવે છે અને સર્વોચ્ચ સિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. પૂજારી અને ઈશ્વર સાથેની એકતામાંથી પરિપૂર્ણતા આવે છે.

આધ્યાત્મિક વિકાસના પ્રાથમિક તબક્કાઓમાં માનવે બાહ્ય ઉપચારોનો ઉપયોગ કરવો પડે છે અને જ્યારે ભીતરનાં મનહૃદય શુદ્ધ થઈ જાય ત્યારે તે વધુ અમૂર્ત સંકલ્પનાઓ તરફ વળે છે. મહાનિર્વાણ તંત્રમાં બાહ્ય ઉપચારોવાળી પૂજાને અધમાધમ કહી છે. વાસ્તવિક રીતે પૂજાનાં બે પાસાં છે – બાહ્ય ઉપચારવાળી અને અંતરની આરાધનાવાળી. આ બંને સમાન મહત્ત્વ ધરાવે છે. બાહ્ય ઉપચારો અને આંતરિક પૂજાનો સમુચ્ચય એટલે સર્વાંગ-સંપૂર્ણ પૂજા.

યજ્ઞ વેદોની નીપજ છે અને તંત્રે પૂજાને નિપજાવી છે. પ્રાચીનકાળથી જ આ બંને એકબીજા સાથે જોડાયેલ છે અને એકબીજાનાં પરિપૂરક તેમજ એકબીજાની ઊણપોને દૂર કરનારાં બની રહ્યાં છે. આમ છતાં પણ પૂજા યજ્ઞ કરતાં બાહ્ય ઉપચારની અને મૂળભૂત દર્શનશાસ્ત્રની દૃષ્ટિએ જુદી પડે છે. પૂજાની પાછળનો પહેલો પાયાનો સિદ્ધાંત પૂજારીપણું કે પુરોહિતતા છે. વૈદિક કાળમાં યજ્ઞમાં અપાતી આહુતિમાં અગ્નિદેવ પૂજારી હતા અને તેઓ માનવ અને ઈશ્વર વચ્ચેનો સેતુ હતા. આહુતિ સાથે માણસ સીધે સીધો ઈશ્વર સમક્ષ જઈ શકતો નહીં. ઈશ્વર પોતાના ભક્તો પાસેથી પ્રત્યક્ષ રીતે આહુતિ સ્વીકારે એ માટે દિવ્યભાવની ખાતરીની આવશ્યકતા રહેતી.

પૂજા પાછળની બીજી પાયાની પૂર્વ ધારણા એ છે કે દેવનું મૂર્તિમાં આવાહન કરી શકાય. આ મૂર્તિપૂજામાંથી મંદિરમાં થતી ઈશ્વરપૂજા ઊતરી આવી છે. આમ, હિંદુ ધર્મના વૈદિક કાળ પછીના સમયગાળામાં વૈદિક વેદીનું સ્થાન મંદિરોએ લીધું. પૂૂજાને વૈદિક યજ્ઞથી જુદી પાડનારી એક ત્રીજી દાર્શનિક સંકલ્પના છે. અને આ સંકલ્પના એટલે ‘દેવો ભૂત્વા દેવં યજેત્’ – એટલે પૂજારી પોતે દેવતાપણું પામે અને પછી પૂજા કરે. વેદાંતિક ફિલસૂફીમાં આત્માને સત્ય સ્વરૂપ ગણ્યો છે. તે શુદ્ધ છે, સ્વપ્રકાશિત અને આનંદ સ્વરૂપ છે, અને તે માનવને સ્વત : દિવ્ય બનાવે છે. પૂજાનું નિયોજિત કાર્ય માનવમાં સુષુપ્ત રહેલી દિવ્યતાને બહાર લાવવાનું છે. આ પૂજા ભૂતશુદ્ધિ અને ન્યાસ જેવાં ચોક્કસ વિધિવિધાનો દ્વારા પ્રતીકાત્મકરૂપે થાય છે. જો કે પૂજાપદ્ધતિનો આરંભ કરનાર માટે આ બધું કલ્પના માત્ર જ છે, પરંતુ ઉન્નતિશીલ સાધક માટે પૂજામાં રહેલી વિવિધ પ્રક્રિયાઓ તેમજ સૂક્ષ્મદેહના શુદ્ધીકરણ જેવી બાબતો વાસ્તવિક અનુભૂતિની વસ્તુ છે.

પૂજા વિશેની પાયાની ચોથી સંકલ્પના ઈશ્વરની ઉપચારાત્મક સેવા તેમજ આત્મસમર્પણની ભૂમિકા પર રચાયેલી છે. વૈદિક યજ્ઞમાં આહુતિ જ મુખ્ય હતી, જ્યારે પૂજામાં ઉપચારાત્મક સેવા આહુતિનું સ્થાન લે છે. ઇષ્ટની ઉપચારાત્મક સેવા જળ, પુષ્પ, પત્ર, ધૂપ, દીપ અને નૈવેદ્ય જેવા પાંચ, દસ, સોળ કે વધારે પદાર્થાેથી થાય છે. પૂજામાં મંત્ર અને મુદ્રાની અગત્યની ભૂમિકાને ધ્યાનમાં રાખવા જેવી છે. સમગ્ર પૂજાપદ્ધતિ એવી સંપૂર્ણ શ્રદ્ધા પર આધારિત છે કે ઉપર્યુક્ત ઉપચારો પાસે મહત્ત્વની અને સ્વાભાવિક શક્તિ છે કે જે પૂજારી કે સાધકના ચેતનાજગતમાં તેમજ તેની આજુબાજુના પદાર્થાેમાં પરિવર્તનો લાવી શકે છે. હાથની કેટલીક ભંગિમાઓ કે જે બધા દેવતાઓને પ્રસન્ન કરે છે અને જેનાથી બધાં પાપ નાશ પામે છે તેને મુદ્રા કહે છે. દા.ત. અંકુશ મુદ્રા, અવગુંઠન મુદ્રા, કૂર્મ મુદ્રા, યોનિ મુદ્રા, જ્વાલિની મુદ્રા, ધેનુ મુદ્રા, મૃગ મુદ્રા, સંહાર મુદ્રા વગેરે. સ્વામી સારદાનંદજી પોતાની મહાન કૃતિ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માં કહે છે :

‘શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે અંગન્યાસ, કરન્યાસ વગેરે પૂજાવિધિ કરતી વખતે એ બધા મંત્રાક્ષરો પોતાના શરીરમાં ઉજ્જવળરૂપે જડાઈને રહ્યા છે એવું તેઓ વાસ્તવિક રીતે જોતા… અને વળી પૂજાપદ્ધતિના વિધાન મુજબ જ્યારે ‘રં’ એ મંત્રાક્ષરનો ઉચ્ચાર કરીને પૂજક પોતાની ચારે બાજુએ પાણીની ધારા કરીને ચિંતન કરે છે કે જાણે અગ્નિની દીવાલો પૂજા સ્થળને ઘેરી રહી છે અને તેને લીધે કોઈપણ પ્રકારનાં વિઘ્નબાધા ત્યાં પ્રવેશી શકતાં નથી, વગેરે શબ્દોનું ઉચ્ચારણ કરતા ત્યારે તેઓ જોઈ શકતા કે એમની ચો તરફ સો સો જીભો લબકારા મારતી, ઉલ્લંઘવાને અશકય એવા અગ્નિની દીવાલ સાચે જ ઊભી થઈ જતી અને પૂજાસ્થાનનું પ્રત્યેક પ્રકારનાં વિઘ્નોથી સર્વ રીતે રક્ષણ કરી રહી છે.’ (૧.૨૦૬)

આ જ ગ્રંથમાં તેઓ ફરીથી નોંધે છે :

‘સંધ્યા પૂજા વગેરે કરવાને સમયે શાસ્ત્રીય વિધાન મુજબ જ્યારે અંદર રહેલો પાપપુરુષ બળી ગયો, એવું ચિંતન કરતો ત્યારે કોણ જાણતું હતું કે શરીરમાં સાચેસાચ જ પાપપુરુષ છે અને તેને ખરેખર બાળી મૂકીને નાશ કરી શકાય… વળી એક દિવસે પંચવટીમાં બેઠો હતો અને અચાનક જોઉં છું તો રંગે કાળોમેશ, લાલઘૂમ આંખોવાળો એક બિહામણી આકૃતિવાળો પુરુષ જાણે કે દારૂ પીઈને લથડિયાં ખાતો હોય એવી રીતે (પોતાનું શરીર બતાવીને) આની અંદરથી બહાર નીકળીને સામે ફરવા માંડ્યો. બીજી જ ક્ષણે જોયું કે બીજા એક સૌમ્યમૂર્તિ ધરાવતા પુરુષે, ગેરુઆ અને ત્રિશૂળ ધારણ કરીને આની (શરીરની) અંદરથી નીકળીને પેલા બિહામણા પુરુષ ઉપર જોરથી આક્રમણ કરીને એને મારી નાખ્યો અને એ દિવસથી શરીરની બળતરા ઓછી થઈ ગઈ… માને અન્ન વગેરેનો ભોગ ધરાવીને આવું જોતા, ‘માનાં નયનોમાંથી અપૂર્વ જ્યોતિનું કિરણ ઝગમગાટ કરતું બહાર નીકળીને ધરાવેલા સમગ્ર નૈવેદ્યને સ્પર્શ કરીને, તેનો સારભાગ ગ્રહીને ફરીવાર નયનોમાં સમાઈ જાય છે !’ (૧.૨૩૦-૩૧)

સ્વામી વિવેકાનંદે પોતે વિધિવિધાનોવાળી પૂજાને ટેકો આપ્યો હતો. પરંતુ તેમણે જણાવ્યું હતું કે પવિત્રતા અને નિ :સ્વાર્થભાવના અધ્યાત્મ જીવનની આધારભૂમિકાઓ છે અને સમાજસેવા વિના આ બધું મેળવવું મુશ્કેલ છે. એટલે તેમણે પૂજાનો વ્યાપ વધાર્યો હતો. આધ્યાત્મિક જીવન એ જિજ્ઞાસુના જીવનનું આમૂલ પરિવર્તન છે. અને જો ઈશ્વરપૂજાને માત્ર વિધિવિધાનો અને કેટલાક ભક્તિભાવપૂર્ણ મનોયત્નો પૂરતી સીમિત રાખવામાં આવે તો તેની પરિવર્તનશક્તિ પણ સીમિત રહેશે. અને જ્યારે નાનામાં નાનું કાર્ય પણ પૂજામાં પરિવર્તિત કરી દેવામાં આવે તો કોઈ પણ સાધકનું જીવન દિવ્યજીવન બની જશે.

Total Views: 468

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.