સામાન્ય રીતે વિશ્વની કોઈ પણ પ્રજા કે સમાજ હંમેશાં પુરુષપ્રધાન રહ્યાં છે. આમ છતાં પણ સમગ્ર વિશ્વમાં જો કોઈ દેશ એક અપવાદરૂપે રહ્યો હોય તો તે છે ભારત. પ્રાચીન વૈદિકકાળમાં સ્ત્રીને સહધર્મિણીનું સ્થાન આપવામાં આવતું. સ્ત્રી પોતાના પતિના સુદીર્ઘ જીવનકાળ દરમિયાન એક જીવનસાથી જ ન હતી, પણ તે પતિ અને સમગ્ર કુટુંબનાં દુ :ખદર્દમાં પણ એક માતા જેટલી ભાગીદારી નિભાવતી.

વૈદિક શબ્દ ‘દંપતી’નો સૂચિતાર્થ એ છે કે પતિ અને પત્ની બંને સંયુક્ત રીતે ઘરના સંવાહકો છે. સાથે ને સાથે સ્ત્રીઓને બધી ધર્મક્રિયાઓ કરવામાં અને અન્ય વિદ્યાઓ જાણવામાં પુરુષ જેટલો જ અધિકાર રહેતો. પુરુષની જેમ જ ઉપનયન સહિતના બધા સંસ્કારો માટે નારીઓને પણ અધિકાર રહેતો. આને લીધે સ્ત્રીનું સ્થાન સમાજમાં સ્વાભાવિક રીતે ઉચ્ચ દરજ્જાનું હતું.

સ્ત્રીઓ ઘર-બહારનાં તમામ કાર્યોની સાથે અર્થાેપાર્જનના બધા વ્યવસાયોમાં મુક્તપણે જોડાતી. એ વખતે પડદાપ્રથા ન હતી. સમાજમાં આર્થિક ઉપાર્જન કરનારા એક ઉપયોગી સભ્ય તરીકે સ્ત્રીઓ કામ કરતી. પરિણામે સ્ત્રીઓને પરાધીન થઈને જીવવાનું રહેતું જ નહિ. આ રીતે પશ્ચિમની સંસ્કૃતિના ઊગમસ્થાન જેવાં ગ્રીસ અને રોમની સંસ્કૃતિ કરતાં પણ સમાજમાં ભારતની સ્ત્રીઓનું સ્થાન ઉચ્ચતર હતું.

૧૯મી સદીના મધ્યભાગથી વૈજ્ઞાનિક ક્રાંતિ પછી પાશ્ચાત્ય જગતમાં નારીકેળવણીના અભિગમમાં ઘણી ત્વરિતતા આવી અને ઘણો વિકાસ પણ થયો. આ અભિગમનો લાભ તત્કાલીન ગુલામીને કારણે ભારતની નારીઓને પ્રમાણમાં નહિવત્ મળ્યો. એટલે જ ભારતીય નારીઓ પશ્ચિમની નારીઓ કરતાં પછાત રહી ગઈ. આ નવી કેળવણીથી સશક્ત બનેલા પાશ્ચાત્ય દેશોના નારીજગતે એક સામાજિક ક્રાંતિ લાવવાનો પ્રયાસ કર્યો. દા.ત. ‘બેટી ફ્રિડન’ નામની મહિલાએ ૨૦મી સદીની શરૂઆતમાં બળવો કરીને સાબિત કર્યું હતું કે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પુરુષો સાથે સ્પર્ધા કરવા સક્ષમ છે. એટલે પુરુષોના દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓએ બહોળા પ્રમાણમાં પોતાનું આધિપત્ય જમાવવાનું શરૂ કર્યું. એમના મત પ્રમાણે આ ક્રાંતિ દ્વારા સ્ત્રીઓ પુરુષોના આધિપત્યમાંથી મુક્ત થશે અને સમાજમાં ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરશે, એમ કહી શકાય.

શતાબ્દીઓથી પાશ્ચાત્ય દેશોમાં કચડાતી રહેલી સ્ત્રીઓ માટે આ એક રામબાણ ઔષધ પુરવાર થયું. એને લીધે આ ‘ફેમિનિસ્ટ મુવમેન્ટ’નો ઝડપથી પ્રસાર પણ થયો. સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગેવાની લેતી બની. આ આંદોલનની ભારતની ઉપેક્ષિત નારીઓ પર પણ સારી એવી અસર પડી. ભારતમાં આઝાદી પહેલાં નારીઓમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ એક ટકા જેટલું માંડ માંડ હતું. ત્યાર પછી રાષ્ટ્રના ઘણા સમાજ સુધારકો અને એમાંય વિશેષ કરીને સ્વામી વિવેકાનંદે આપેલ આહ્‌વાનને કારણે સ્ત્રીઓમાં કેળવણીનો પ્રચાર -પ્રસાર વધતો ગયો.

આ સ્ત્રી-કેળવણી અભિગમનું સુભગ પરિણામ એ આવ્યું કે સમાજ જીવનનાં અનેક ક્ષેત્રમાં નારીઓ પ્રભુત્વ ધરાવતી બની ગઈ. આમ છતાં પણ નારીઓની પરિસ્થિતિ અને પ્રગતિ શું ખરેખર સંતોષજનક ગણી શકાય ? આ પ્રશ્ન વિશે વિચાર કરીએ તો આપણને સ્પષ્ટ પણે સમજાશે કે સ્વામી વિવેકાનંદે ઉચ્ચારેલી એક ચેતવણીની સમાજે ઉપેક્ષા કરી છે. સ્વામીજીની ચેતવણીનો સૂર આવો હતો એટલે કે પશ્ચિમની સ્ત્રીસ્વાતંત્ર્યની ભાવના સાથે જો તેઓ ભારતના માતૃત્વના આદર્શની અવગણના કરશે તો તેનું પરિણામ માઠું જ આવવાનું. ‘બેટી ફ્રિડને’ પચાસ વર્ષ પછી પોતાના ફેમિનિસ્ટ મુવમેન્ટનું પુનરાવલોકન કરતાં ‘સેકન્ડ વેવ’ નામનું એક પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં એમણે સ્ત્રીઓના સશક્તીકરણ વિશે કેટલાક ગંભીર પ્રશ્નોે ઊભા કર્યા. આમાં એમણે નોંધ લીધી કે આધુનિક થવાની અને પુરુષો સાથે સ્પર્ધા કરવાની ઘેલછામાં નારીઓ માતૃત્વની પોતાની ફરજો ચૂકી ગઈ. એનું પરિણામ એ આવ્યું કે પાશ્ચાત્ય દેશોમાં પેઢી દર પેઢી દિશાવિહીન બાળકો અને યુવાનો ઊભાં થવા લાગ્યાં. એટલે જ સ્વામી વિવેકાનંદે ભારતીય નારીને સૌ પ્રથમ તો માતૃત્વના આદર્શમાં પ્રસ્થાપિત કરીને પછી જ એમને આધુનિક કેળવણી આપવાની વાત કરી હતી.

અત્યારના સમયમાં સમાજની ઘણી નારીઓને આર્થિક કારણોને લીધે નોકરી કે વ્યવસાય કરવાની ફરજ પડે છે. જો કે એમાં કંઈ ખોટું નથી, છતાં પણ આર્થિક ઉપાર્જનનું કાર્ય કરતાં કરતાં નારી પોતાની માતા તરીકેની ફરજની ઉપેક્ષા કરે તો સમાજજીવનને હાનિ થવાની જ.

એ વાત સાચી છે કે માનવ તરીકે સ્ત્રીઓને પણ પોતાની બૌદ્ધિક કે આધ્યાત્મિક ઉન્નતિનો સંપૂર્ણ અધિકાર પુરુષો જેટલો જ મળવો જોઈએ. આ બધું હોવા છતાં પણ કેટલીક બાબતો પુરુષો કરી શકે તે સ્ત્રીઓથી શક્ય નથી અને કેટલીક બાબતો એવી પણ છે કે જે સ્ત્રીઓ કરી શકે પણ પુરુષોથી ન થઈ શકે. આ એમની વિશેષ શારીરિક અને માનસિક સંરચનાને લીધે છે. પુરુષની શક્તિ એ પર્વતની શક્તિ જેવી છે, જયારે નારીનું સામર્થ્ય સતત વહેતા ઝરણા જેવું છે. નારી પ્રકૃતિથી કોમળ, નાજુક, પ્રેમાળ અને ઉષ્માભર્યા હૃદયવાળી હોય છે. આ સદ્ગુણોએ નારીને ખરેખર મહાન બનાવી છે. સ્ત્રીઓએ પોતાના સજાગ પ્રયત્નોથી ઉપર્યુક્ત ગુણો કેળવવા જોઈએ. આજના જમાનામાં ‘આદર્શ માતૃત્વ’ અને ‘પ્રેમ તથા ઉષ્માભર્યું પત્નીત્વ’ – સ્ત્રીજીવનનાં આ બે પાસાં- બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ બંનેનું સ્ત્રીઓએ સંરક્ષણ-સંવર્ધન કરવું જોઈએ. માતા કે સ્ત્રી તરીકેના કેટલાક ઉદાત્ત ગુણો કે સંવેદનાનું આરોપણ એક પુત્ર કે પુરુષમાં કરી શકાતું નથી. એક પુરુષ સાચો પિતા બની શકે પણ તે માતાનું સ્થાન લઈ ન શકે.

પત્નીત્વમાંથી માતૃત્વ સુધી ઉન્નત થવું એ સ્ત્રીઓની સૌથી મોટી સાધના છે. પશ્ચિમનું જગત પિતૃત્વને ભજે-પૂજે છે જ્યારે ભારતમાં માતૃત્વનો આદર્શ પૂજાય છે. પિતૃત્વના આદર્શથી સંઘર્ષ ઊભો થવાની શક્યતા છે, પરંતુ માતૃત્વ શક્તિ તો દરેક માનવમાં માનવીય ઊર્મિઓ અને સંવેદના જગાડે છે. જો ઘરની સ્ત્રી જ અસંસ્કૃત કે અભણ હોય તો તે ઘરનાં બાળકો કદીયે જીવનમાં ઉન્નતિ ન સાધી શકે. એનું કારણ એ છે કે દરેક બાળક પોતાની માતાના ખોળામાં બેસીને જીવનના પ્રથમ બોધપાઠ શીખે છે. જો સ્ત્રી બાળક ઉપજાવતું યંત્રમાત્ર બની રહે અને એમના સર્વાંગી વિકાસમાં બહુ ઓછું પ્રદાન કરે તો જે તે દેશ કે પ્રજામાંથી વિનમ્રતા, કોમળતા, પ્રેમ, કરુણા, સહિષ્ણુતા, શાંતિ, પ્રામાણિકતા જેવા ઉદાત્ત ગુણો અદૃશ્ય થઈ જાય. મા તો મૂલ્યો, સંસ્કૃતિ, જ્ઞાન અને શાણપણની રખેવાળ અને વાહક છે. મનુસ્મૃતિમાં કહ્યું છે : ‘ગૃહિણી ગૃહમુચ્યતે ન તુ ગૃહમ્’ – ઘર એ ઘર નથી પણ ખરેખર તો ગૃહિણી એ જ ઘર છે.’

જો સ્ત્રીજગત પોતાની આ મૂળભૂત ફરજને ચૂકી જાય કે અવગણે તો તે સ્ત્રીઓ સ્વાર્થી, સ્વકેન્દ્રી બની જાય. જાણે કે તે ઘરમાં રહેતી એક પરિચારિકા જ બની જાય. પછી તો ઘર ફાસ્ટફૂડ એટલે કે તૈયાર કોળિયાના કેન્દ્ર જેવું બની જાય. આવું કદીયે ન બનવું જોઈએ. શ્રીરામકૃષ્ણદેવ પોતાનાં લીલાસહધર્મિણી શ્રીમા શારદાદેવીને પોતાનાં આરાધ્યદેવી જગદંબાના રૂપે જોતા અને સન્માન આપતા. પોતાની મહાસમાધિ પછી તેઓ શ્રીમાને સમગ્ર વિશ્વ સમક્ષ માતૃત્વના પૂર્ણ આદર્શને પ્રસ્થાપિત કરવા રાખી ગયા.

તેમના વિશે સ્વામી વિવેકાનંદ કહેતા : ‘તમે… હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. ભારતમાં તે અદ્‌ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે અને તેમને કેન્દ્ર બનાવવાથી જગતમાં ગાર્ગીઓ અને મૈત્રેયીઓ ફરી એક વખત જન્મશે.’

જેમાં પ્રાચીન જ્ઞાન અને શાણપણ તેમજ આધુનિક વૈજ્ઞાનિક મનોવલણનો સમન્વય જોવા મળતો હોય એવા એક માતૃત્વના આદર્શની આધુનિક ભારત અને સમગ્ર વિશ્વને આવશ્યકતા હતી. શ્રીમા શારદાદેવી આ આદર્શની પરિપૂર્તિ કરવા માટે આવ્યાં હતાં. આજે મનોમૂંઝવણ અને વિચારોના અંધકારમાં ફસાયેલ સ્ત્રીઓ સાચા અને ખોટા વચ્ચેનો વિવેક જાણે કે ગુમાવી બેઠી છે. એક બાજુએ પશ્ચિમનું આંજી નાખતું વૈભવી આકર્ષણ છે તો બીજી બાજુએ ભારતીય પ્રાચીન સંસ્કૃતિનો હ્રાસ અને તેના પ્રત્યેનું અજ્ઞાન જોવા મળે છે.

શ્રીમા શારદાદેવીના જીવનસંદેશને સમજીને તેને આત્મસાત્ કરવાથી ભારતની આધુનિક નારીઓને માર્ગદર્શન મળશે અને પશ્ચિમની સંસ્કૃતિની માઠી અસરથી તેમને બચાવાશે.

પ્રેમ, કરુણા, વિનમ્રતા, સહિષ્ણુતા, ક્ષમા, સમર્પણ, આત્મબલિદાન, પવિત્રતા, નિર્મળતા, નિ :સ્વાર્થ ભાવના, સામર્થ્ય, હિંમત, આત્મસંતોષ જેવા ઉદાત્ત ગુણો સાથે આદર્શ માતૃત્વને ઉજાગર કરવા શ્રીમા શારદાદેવી આવ્યાં હતાં.

એમનું જીવન ધીરતા-સ્થિરતા, ચારિત્ર્યનું સામર્થ્ય, હૃદયની ઉદારતા અને આંતરિક શક્તિનું ઉદ્ભવસ્થાન હતું. એને લીધે એમના વ્યવહારિક જીવનનાં નાનાં-મોટાં કર્તવ્યમાં કાર્યકુશળતા જળવાઈ રહેતી. આવા સદ્ગુણો આધ્યાત્મિક ઊંડાણમાંથી જ સ્ફુરતા રહે છે. વિવેક, ચિંતન-મનન અને ધ્યાન દ્વારા તેને પૂરતું પોષકબળ મળે છે. સમાજના વિશાળ ક્ષેત્રમાં જો સ્ત્રીઓ પોતાનું પ્રદાન કરવા ઇચ્છતી હોય તો સૌ પ્રથમ તો તેમણે પોતાના ઘરમાં જ શાંતિ અને વ્યવસ્થા લાવતાં શીખવું જોઈએ. આધ્યાત્મિકતા સાથેની સારી તાલીમ વિના આવું શક્ય બનતું નથી. સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક શક્તિ વગરની આધુનિક શિક્ષણ પામેલી હિંદુનારીની કલ્પના કરી ન શકતા. આધુનિક વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તો નારીએ શીખવાં જોઈએ પણ આપણા પ્રાચીન આધ્યાત્મિક વારસાના ભોગે ક્યારેય નહિ !

પશ્ચિમના જગતમાં સ્ત્રીઓના સશક્તીકરણની ઘણી વાતો અને આંદોલનોના પ્રભાવમાં આવીને આપણા ભારતમાં પણ નારી સશક્તીકરણની યોજનાઓ ચાલે છે. પણ આ વખતે આપણા સૌના મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન આવવો જોઈએ કે આ શક્તિસ્વરૂપા નારીનું વળી સશક્તીકરણ શેનું ?

દુર્ગા સપ્તશતીના ૧૧મા અધ્યાયના ૬ઠ્ઠા શ્લોકમાં શક્તિનું આવું વર્ણન આવે છે :

વિદ્યા : સમસ્તાસ્તવ દેવિ ભેદા :

સ્ત્રિય : સમસ્તા : સકલા જગત્સુ ।

ત્વયૈકયા પૂરિતમમ્બ યૈ તત્

કા તે સ્તુતિ : સ્તવ્યપરા પરોક્તિ : ।

‘હે દેવી, બધી વિદ્યાઓ તમારાં જ ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી તમારું જ મૂર્તિમંત રૂપ છે. હે જગદંબા! એક માત્ર તમે જ આ વિશ્વમાં વ્યાપી રહ્યાં છો. તો શું તમારી સ્તુતિ કરી શકાય ખરી ?’

જો ભારતની દરેક સ્ત્રી સપ્તશતીની આ વાત મનમાં બરાબર યાદ રાખે અને એને આત્મસાત્ કરે તો તે પોતાની ભીતર રહેલી અનંત શક્તિને જાગ્રત કરી શકે. તો પછી નારી સશક્તીકરણની વાત જ ક્યાં કરવાની રહે છે ! શક્તિ તો નારીનું સ્વાભાવિક સ્વરૂપ છે. તેઓ જીવતી-જાગતી શક્તિ જ છે.

Total Views: 561

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.