પ્રથમ મુલાકાત વખતે મનપ્રાણપૂર્વકના પ્રથમ-ભાવસમર્પણરૂપે યુવાન નરેન્દ્રનાથના કંઠેથી વહેલ ‘મન ચલો નિજ નિકેતન’ એ ભજન શ્રીરામકૃષ્ણ દેવના અંતરતમ સુધી પ્રવેશી ગયંુ હતું. આવા હૃદયપૂર્વકના ભજનગાનથી ઉપજેલ ભાવસમાધિ જ તો આ યુવકને ત્યાં સુધી ખેંચી લાવી હતી. સ્વામી વિવેકાનંદે એક વખત લખ્યું હતું,‘સંગીત એ સર્વોચ્ચ કળા છે અને જેઓ એને સમજી શકે છે તેમને માટે એ સર્વોચ્ચ ઉપાસના છે.’ (સ્વા.વિ.ગ્રંથ.૭.૧૨૧) આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણ દેવ ભારતમાં માત્ર ધર્મ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રના પુનરુત્થાન માટે અવતર્યા ન હતા પરંતુ સાથેને સાથે કલા અને સંસ્કૃતિના ક્ષેત્ર અને એમાંય વિશેષ કરીને ભક્તિસંગીતના ક્ષેત્રના પુનરુત્થાન માટે પણ અવતર્યા હતા. આ ભક્તિસંગીતને બરાબર સમજવામાં આવે અને તેને પૂર્ણ રીતે પ્રયોજવામાં આવે તો દિવ્યતત્ત્વ કે ઈશ્વરની પૂજાના રૂપે પણ તેનો ઉપયોગ કરી શકાય. સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સંગીત તેમના અંતરની આધ્યાત્મિક આરતની અભિવ્યક્તિ હતી. એમના આ સંગીતને પોતાના આધ્યાત્મિક ગુરુદેવ શ્રીરામકૃષ્ણ દેવ શ્રેષ્ઠ રીતે સમજ્યા હતા. સ્વામીજીના સ્વયંભૂ, હૃદયદ્રાવક, દિવ્યતાના ઉત્સાહ-સ્પર્શ સાથેના મધુરભાવમય સમૃદ્ધ કંઠે ગવાયેલા ભજન-સંગીતથી તેઓ અવારનવાર ભાવસમાધિમાં ડૂબી જતા.

સ્વામીજીએ કહ્યું છે, ‘મનમાં ઈશ્વરનું સ્મરણ રાખવાના અભ્યાસનું મોટામાં મોટું સાધન કદાચ સંગીત છે. ભક્તિના મહાન આચાર્ય નારદને ભગવાન કહે છે :

નાહં વસામિ વૈકુંઠે યોગિનાં હૃદયે ન ચ ।

મદ્ભકતા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ ।।

હે નારદ ! નથી હું સ્વર્ગમાં વસતો કે નથી યોગીઓનાં હૃદયમાં વસતો; હું તો મારા ભક્તો જ્યાં મારું કીર્તન કરે છે ત્યાં વસું છું. સંગીતની મનુષ્યના મન ઉપર બહુ જબરી અસર થાય છે, સંગીત તેને એક ક્ષણમાં એકાગ્ર બનાવી દે છે.’(સ્વા.વિ.ગ્રંથ.૩.૫૧)

ભારતમાં સંગીતના સર્વોત્તમ સ્વરૂપને આપણી ધાર્મિક પ્રણાલીઓમાં પ્રધાન સ્થાને ગણવામાં આવ્યું છે. હિંદુ દેવ-દેવીઓ સંગીતનાં વાદ્યો સાથે આપણને જોવા મળે છે : સરસ્વતી દેવીના હાથમાં વીણા, શીવનું ડમરુ સાથે નૃત્ય, શ્રીકૃષ્ણનું બાંસુરી વાદન અને નારદને મહતી-વીણા સાથે આપણે જોઈએ છીએ. હિંદુ મૂર્તિજગત સંગીતવાદ્યો ધારણ કરેલ દેવ-દેવીઓથી ભરપૂર છે, જે આધ્યાત્મિક જીવનમાં સંગીતનું મહત્ત્વ સૂચવે છે. ભારતભૂમિએ સૂરદાસ, પુરંદરદાસ, રામપ્રસાદ, કમલાકાંત, નરસિંહ મહેતા, મીરાબાઈ, જનાબાઈ જેવા અનેક સંતો અને ભક્તો પણ આપ્યા છે; સાથે ને સાથે બૌદ્ધ, જૈન અને ઇસ્લામ(સૂફી)ધર્મે પણ એવી ભક્તપરંપરા આપી છે કે જેમણે પોતાનાં જીવન અને કવન દ્વારા સંગીતના આધ્યાત્મિક જીવનમાં અનન્ય સ્થાનને આપણી સમક્ષ મૂક્યું છે. મોટાભાગના આપણા અવતાર પુરુષો અને સંતોએ અંગુલિનિર્દેશ કર્યો છે કે ભક્તિ એ દિવ્યતત્ત્વને પામવાનો સૌથી વધારે સરળ અને સ્વાભાવિક પથ છે અને નાદ દ્વારા સંગીત-ભક્તિનું સ્વયંભૂ ઝરણું વહેતું કરે છે અને વળી ભારતીય શાસ્ત્રીય સંગીત-પ્રણાલીમાં બધા સંગીતકારો અને ગાયકો પોતાને અફરપણે ‘નાદબ્રહ્મ’ના સાધકો ગણે છે. સંગીત-રત્નાકર પ્રમાણે, ‘નાદબ્રહ્મ એ દરેક જીવોમાં વ્યાપેલા ચૈતન્ય અને આનંદ-ચિદાનંદની પ્રકૃતિ છે. એ એકને ભજીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરની પૂજા થાય છે જે ત્રિદેવ નાદબ્રહ્મમાં જ સમાવિષ્ટ છે.’ આવી રીતે સંગીત દરેક ગહન સત્યમાં, દરેકે દરેક ભાવભક્તિની ઉચ્ચતર ભાવનામાં, ના એટલું જ નહીં પણ જીવનની પ્રત્યેક ગતિવિધિમાં રહેલ છે. સાચંુ સંગીત કોઈ પણ વ્યક્તિને વિશાળ સૂર-તાલની દુનિયામાં પોતે જાણે કે એક ક્ષણીક ગુંજતો સ્વર હોય એવી અનુભૂતિ કરાવે છે; એમાંથી કંઈ અલગ પડી જતું નથી અને અસ્તિત્વ ધરાવતો દરેક પદાર્થ વૈશ્વિક જીવનનું વિપુલભાવે વહેતું મધુર અને રહસ્યમય સંગીત-પ્રવાહના ધ્વનિની એક ઝાંખી છે. અમેરીકામાં રામાયણ વિશેના પોતાના એક વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ ભારતીય સંગીત વિશે કહે છે, ‘ભારતમાં નાટક એ પવિત્ર વસ્તુ ગણાતી હતી. નાટક અને સંગીત પોતે જ ધર્મ લેખાય છે. કોઈ પણ ગીત-પછી તે પ્રેમગીત હોય કે બીજું હોય- જો માણસ પોતાના સમગ્ર આત્માને તેમાં પરોવે તો તે ગીતકાર મુક્તિ પામે છે; તેને બીજું કંઈ કરવાપણું રહેતું નથી. એમ કહેવાય છે કે જે સ્થિતિ ધ્યાનમાં પ્રાપ્ત થાય છે, તે જ સ્થિતિ સંગીતથી પણ મેળવાય છે.’ (સ્વા.વિ.ગ્રંથ. ૫.૧૩૯)

ભાગવત પ્રણાલી પ્રમાણે (૭.૫.૨૩/૨૪) ભક્તિના નવ પ્રકાર છે, એને નવધા ભક્તિ કહે છે. તે આ પ્રમાણે છે – શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સાખ્ય અને આત્મનિવેદન.

કીર્તન એટલે પ્રભુને સર્વોચ્ચ સ્થાને રાખીને એમનાં ગુણગાન ગાવાં. આ ભક્તિ-સંગીતનું વિશેષ મૂલ્ય છે. ભક્તિ-સંગીત એટલે શું ? કોઈપણ સંગીત એ ગમે તે સ્વરૂપમાં રહેલા દિવ્ય તત્ત્વની આરાધના છે-પછી ભલે આ દિવ્ય તત્ત્વ સાકાર હોય કે નિરાકાર, સગુણ હોય કે નિર્ગુણ, દેવી-દેવતાઓની મૂર્તિરૂપે હોય કે મહાન અવતારી પુરુષો અને સંતોની તેમજ દિવ્ય વિભૂતિવાળા ભક્તોની આરાધનાને આ ભક્તિ-સંગીત ગણી શકાય. આ સંગીતમાં ગીત-ગાન, વાદ્ય સંગીત અને નૃત્યનો સમાવેશ થાય છે- ‘ગીતં વાદ્યં નૃત્યં ત્રયં સંગીતમુચ્યતે.’

આવા સંગીતમાં કાવ્યાત્મક કલ્પનાશીલતા, વિશુદ્ધ અને મધુર શબ્દશૈલી અને યથાર્થ રાગ સહિતનું ઊર્ધ્વારોહક સંગીત, રાગ-સૂરની ગુણવત્તા વગેરે દ્વારા દિવ્યત્વનાં અવર્ણયનીય કે ગૂઢ રહસ્યમય સત્યો અને દિવ્યત્વના અનુસંધાન માટેની માનવહૃદયની પ્રબળ ઝંખના વ્યક્ત થાય છે.

શ્રીરામકૃષ્ણ દેવ જ્યારે દિવ્યભાવોર્મિ તેમજ સુયોગ્ય સૂર-તાલ-લયમાં ગવાતાં ગીતોે સાંભળતા કે પોતે ગાતા ત્યારે અવારનવાર ગહન ભાવ-સમાધિમાં લીન થઈ જતા. તેઓ શ્રોતાઓનાં મનને ભાવાતીત અવસ્થામાં આરોહણ કરાવી શકતા. પરંતુ જ્યારે સંગીતકારો પોતાના વાદ્ય કે ગેય સંગીતને રજૂ કરતી વખતે ભાવોર્મિસભર ગીતગાન કે તેના સૂર-તાલને વિકૃત કરી દેતા કે તેના લયને તોડતા ત્યારે તેઓ માનસિક રીતે વિક્ષુબ્ધ થઈ ઊઠતા. આ રીતે ભાવ કે ઉચ્ચતર અનુભૂતિ એ સાચા સંગીતનું જીવંતતત્ત્વ છે. એ વિના એને ભક્તિ-સંગીત ન કહી શકાય.

સ્વામીજી કહેતા, ‘ધ્રુવપદમાં, ખ્યાલ વગેરેમાં શાસ્ત્ર છે, પરંતુ સાચું સંગીત છે કીર્તનમાં… અને એવી બીજી સંગીત રચનાઓમાં કારણ કે ત્યાં ભાવ છે. ભાવ એ બધી બાબતોનો આત્મા છે, બધી બાબતોનું રહસ્ય છે… ધ્રુવપદ વગેરેના શાસ્ત્રને કીર્તનના સંગીતમાં લાગુ પાડવાથી પૂર્ણ સંગીત ઉત્પન્ન થશે.’ (સ્વા.વિ.ગ્રંથ. ૯.૧૫૩) (ક્રમશ 🙂

Total Views: 488

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.