શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ આદિ શાસ્ત્રોમાં ગુણમયી વિદ્યા-અવિદ્યારૂપા માયાશક્તિને 5્રકૃતિ, મૂળ પ્રકૃતિ, મહામાયા, યોગમાયા વગેરે વિભિન્ન નામોથી ઓળખવામાં આવે છે. તે જ શક્તિતત્ત્વ, તે જ મહાશક્તિરૂપા.
ખરું જોતાં બ્રહ્મ અને શક્તિ અભિન્ન છે. જે બ્રહ્મ એ જ શક્તિ. બ્રહ્મને છોડીને શક્તિ હોય નહિ. જેમ જળ વિના તરંગ બને નહિ, વાજિંત્ર વિના બજાવવાનું બને નહિ, તેમ શક્તિ કદાપિ શક્તિમાન-બ્રહ્મથી પૃથક્ રહી શકતી નથી. જો શક્તિ ન હોય તો તેનું નામ શક્તિમાન ન હોઈ શકે અને શક્તિમાન ન હોય તો શક્તિ રહે ક્યાં? શક્તિ ન હોય તો સૃષ્ટિ-સર્જન સમયે શુદ્ધ બ્રહ્મમાં એકમાંથી અનેક થવાનો સંકલ્પ ક્યાંથી અને કેવી રીતે થયો હોય?
જ્યારે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે ત્યારે બ્રહ્મને જ શક્તિ કહે છે. આ મહાશક્તિ જ સર્વકારણરૂપ પ્રકૃતિની આધારભૂતા હોવાથી મહાકારણ છે, એ જ માયાધીશ્ર્વરી છે, સૃજન-પાલન-સંહારકારિણી આદ્યશક્તિ છે. પરા અને અપરા બંને પ્રકૃતિ એની જ છે અર્થાત્ બે પ્રકૃતિ સ્વરૂપે તે સ્વયં પ્રકાશિત થાય છે.
પરમાત્મારૂપા મહાશક્તિ જ પુરુષ અને નારીરૂપમાં વિવિધ અવતારોમાં લીલા માટે તદાનુસાર રૂપોમાં તેની લીલાસહધર્મિણી બની જાય છે. એક જ સ્વરૂપનાં બે રૂપો છે; બે છે જ નહિ, એક જ છે.
આ માયાશક્તિની વ્યક્ત અને અવ્યક્ત અર્થાત્ સામ્ય અને વિકૃત એમ બે અવસ્થાઓ છે. તેને કાર્ય- કારણ અને વ્યાકૃત-અવ્યાકૃત પણ કહે છે. ચોવીસ તત્ત્વોના વિસ્તારવાળો આ સમગ્ર સંસાર જેમાંથી ઉત્પન્ન થાય છે અને જેમાં એ લીન થઈ જાય છે, તે તેનું અવ્યક્ત સ્વરૂપ છે. આમ, પરમાત્મા આધાર છે, શક્તિ આધેય છે; પરમાત્મા વ્યાપક છે, શક્તિ વ્યાપ્ય છે.
આ શક્તિ ‘સર્વમંગલમાંગલ્ય’ રૂપ છે. તે અભિષ્ટદાયિની છે, અનુગ્રહવિધાયિની છે. તે દુષ્ટ નિગ્રહકારિણી છે, ભયકારિણી છે. શ્રીરામકૃષ્ણદેવ તેને જ ‘મા’, ‘આદ્યશક્તિ’, ‘કાલી’ આદિ નામે બોલાવે છે.
ત્રિકાર્ય સંપન્ન કરવા માટે તે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલીરૂપે વિલાસ કરે છે. તે જ સપ્તમાતૃકા, અષ્ટમહાલક્ષ્મી, નવદુર્ગા, દશમહાવિદ્યા અને ષોડશમાતૃકા છે.
શક્તિતત્ત્વનું વિશદ વિવેચન શ્રીમદ્ દેવીમહાપુરાણ, ત્રિપુરા-રહસ્ય, દેવી-અથર્વશીર્ષ, દેવીગીતા (કૂર્મપુરાણ), તેમજ ભાવનોપનિષદ, ત્રિપુરાતાપિની ઉપનિષદ અને ભુવનેશ્ર્વરી ઉપનિષદમાં જોવા મળે છે. વળી માર્કંડેય પુરાણ અંતર્ગત દુર્ગાસપ્તશતીની કથામાં દેવીતત્ત્વનું વિશિષ્ટ વિવેચન ઉપલબ્ધ થાય છે. આમાં તેર અધ્યાયોમાં દેવી-માહાત્મ્ય ભરપૂર જોવા મળે છે.
શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે શક્તિને ન માનો તો જગત મિથ્યા થઈ જાય. આ આદ્યશક્તિ છે એટલે તો જગત ટકી રહ્યું છે. શક્તિ-લીલાને લીધે જ અવતાર. એ ચિત્શક્તિએ મહામાયારૂપે બધાને અજ્ઞાની કરી રાખ્યા છે. એ આદ્યશક્તિમાંથી જીવ-જગત થયેલાં છે.
શ્રીરામકૃષ્ણદેવ વધુમાં કહે છે કે આદ્યશક્તિની સહાયથી જ અવતાર-લીલા. તેની શક્તિથી જ અવતાર લે ત્યારે જ અવતાર કાર્ય કરી શકે, એ બધું ‘મા’ની શક્તિ. તે શરણાપન્ન જીવ પર વિશેષરૂપે સદાય દયાર્દ્ર રહે છે. તેથી સ્વકલ્યાણાર્થ અને સર્વશ્રેય: પ્રાપ્તિ અર્થે તેનું શરણ લેવું જોઈએ – ‘દુર્ગાં દેવીં શરણમહં પ્રપદ્યે.’
વાસ્તવમાં તત્ત્વને સમજી લેવું જોઈએ, પછી ગમે તે પ્રકારે ઉપાસના કરાય. શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે એ આદ્યશક્તિને પ્રસન્ન કરવી જોઈએ. દેવતાઓએ પ્રથમ આદ્યશક્તિની સ્તુતિ કરી હતી. એ પ્રસન્ન થાય ત્યારે જ હરિની યોગનિદ્રાનો ભંગ થાય.
શક્તિ જ જગતનો મૂળ આધાર. એ આદ્યશક્તિની અંદર વિદ્યા અને અવિદ્યા બેઉ છે. તેમાં અવિદ્યા મોહિત કરે છે. એ અવિદ્યાને તુષ્ટ કરવી જોઈએ એટલા માટે શક્તિપૂજા. તે આદ્યશક્તિને પ્રસન્ન કરવા માટે અને તેની કૃપા પ્રાપ્ત કરવા માટે હિંદુ શાસ્ત્રોમાં વિવિધભાવે પૂજાનું વિધાન જોવા મળે છે.
એ જ મહામાયા જગતની સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય કરે છે. તેણે જ બધાને અજ્ઞાની કરી રાખેલ છે. એ મહામાયા જો દ્વાર ખોલી દે તો અંદર જઈ શકાય. તેથી જ દુર્ગાસપ્તશતીમાં છે: सैषा प्रसन्ना भवमुक्तिहेतु। તે શક્તિ પ્રસન્ન થાય તો ભવબંધનમાંથી મુક્તિ.
આ જ શક્તિ સૂર્યની પ્રભાશક્તિ, ચંદ્રની શોભાશક્તિ, વાયુની વહનશક્તિ, જળની શીતળતાશક્તિ, ધરાની ધારણાશક્તિ, અગ્નિની દાહિકાશક્તિ અને ધાન્યની પ્રસુતિશક્તિ છે. એ જ શક્તિ દક્ષક્ધયા સતી, સીતા, યશોધરા, વિષ્ણુપ્રિયા, ગોલોકમાં શ્રીરાધા અને ક્ષીરસાગરમાં શ્રીલક્ષ્મી છે. એ જ અન્નપૂર્ણા, જગદ્ધાત્રી, સિંહવાહિની, કાત્યાયિની, લલિતામ્બિકા, વિશાલાક્ષિ છે. એ જ શક્તિ દયા, ક્ષમા, ક્ષુધા, તૃષા, તુષ્ટિ, પુષ્ટિ, શાંતિ, ક્ષાંતિ, વિદ્યા, ધૃતિ, મતિ ઇત્યાદિ છે. એ જ શક્તિ સરસ્વતી, સાવિત્રી, ગાયત્રી છે.
આ શક્તિ જ સકલભક્ત – અભીષ્ટ – વરપ્રદા, અભયદા, અશરણશરણદા છે. શ્રીરામકૃષ્ણદેવના શબ્દોમાં: આ આદ્યશક્તિ યા મહામાયાએ બ્રહ્મને ઢાંકી રાખેલ છે. જે બ્રહ્મ એ જ શક્તિ. શક્તિની ઉપાસના કરીએ એટલે બ્રહ્મની ઉપાસના કરી ગણાય.
જેમ અગ્નિ અને તેની દાહિકાશક્તિ, દૂધ અને તેની ધોળાશ અભિન્ન છે તેમ બ્રહ્મ અને શક્તિ અભિન્ન છે.
સ્વામી સારદાનંદ પોતાના પુસ્તક ‘ભારતમાં શક્તિપૂજા’માં જણાવે છે કે ‘શક્તિના અદ્ભુત પ્રભાવથી જ નાના દાણા જેવા વડના બીજમાં વિશાળ વૃક્ષ, માંસપિંડના બનેલા માનવદેહમાં ભૌતિક જગતનું નિયંત્રણ કરનારી ચૈતન્યમયી બુદ્ધિ અને આકાશથી પણ વધારે સૂક્ષ્મ એવા ઇન્દ્રિયાતીત મનમાં સમસ્ત બ્રહ્માંડ રહેલું છે. સામાન્ય શક્તિનો પ્રભાવ પણ જો આટલો અદ્ભુત છે તો અંતર્જગતનું નિયમન કરનારી આધ્યાત્મિક શક્તિનો પ્રભાવ તો કેવી રીતે જાણી શકાય? આથી જ અનાદિકાળથી મનુષ્યો એ દૈવીશક્તિની પૂજામાં જીવન અર્પણ કરી રહ્યા છે.’ વળી વેદો કહે છે, ‘સનાતન હોવા છતાં શક્તિ નિત્યનવીન છે.’ અવ્યક્તભાવમાંથી જ્યારે તે વ્યક્તભાવે પ્રગટ થાય છે ત્યારે તે નવીન જણાય છે. શક્તિનો ક્ષય કે વૃદ્ધિ થતાં નથી, તો પછી તેનો લોપ ક્યાંથી હોઈ શકે?
એક જ શક્તિ કોણ જાણે કેટલીવાર અવ્યક્તથી વ્યક્ત અને વ્યક્તથી અવ્યક્તભાવને ધારણ કરે છે, એ કોણ બતાવી શકે છે? જેટલી વાર તે પ્રગટ થાય છે, તેટલી વાર તે નિત્યનવીન જણાય છે. તે આદિકાળથી લક્ષ્મીરૂપે, કાલીરૂપે, સીતારૂપે, રાધારૂપે એમ વ્યક્ત થતી આવી છે; વળી તે યશોધરારૂપે, વિષ્ણુપ્રિયારૂપે અને વર્તમાન યુગમાં શ્રીમા શારદાદેવીરૂપે આવિર્ભૂત થઈ છે. શ્રીરામકૃષ્ણદેવને સર્વ સાધનાના અંતે પૂર્ણાહુતિયજ્ઞની અદમ્ય ઇચ્છા જાગી અને તેમણે શ્રીમા શારદાદેવીનું ષોડશીરૂપે પૂજનઅર્ચન કરીને પોતાની સકળ સાધનાનાં ફળ શ્રીમાને ચરણે સમર્પિત કર્યાં. આમ શક્તિની આરાધનાની ફળશ્રુતિ શક્તિને સમર્પણરૂપે ધરી દેવાઈ!
સમગ્ર સંસાર અનાદિકાળથી શક્તિપૂજામાં લાગેલો છે. તેથી જ દેવતાઓ અને અસુરોના નિત્યસંગ્રામ-સ્થાન અર્થાત્ માનવમનમાં દેવીનો વિશેષ પ્રકાશ રહેલો જાણીને શાસ્ત્રકારોએ શક્તિની આરાધના કરવાનો ઉપદેશ કર્યો છે.
Your Content Goes Here




