તંત્રમત હિંદુધર્મ અંતર્ગત મહત્ત્વપૂર્ણ, વ્યવહારુ અને પ્રસિદ્ધ ધર્મપથ છે. પરંતુ અજ્ઞાની જનસાધારણમાં સર્વત્ર એક ભૂલભરેલી મહાન શંકા પ્રવર્તે છે કે તંત્રમાં વામમાર્ગ છે અને વામમાર્ગમાં ભૈરવીચક્ર તથા પંચમકારોની મહત્તા છે. અત્રે આપણે તંત્ર વિષયક શાસ્ત્રાનુસાર વિવેચન કરીશું.

તંત્ર શબ્દ तन्, तन्यते અર્થાત્ तनु विस्तारे ધાતુ અને ष्ट्रन् પ્રત્યય લાગવાથી બન્યો છે જેનો અર્થ થાય કેટલાક વિષયોને- મંત્ર, યંત્ર વગેરેને વિસ્તૃત કરવા. તંત્ર એટલે એવું શાસ્ત્ર કે જેના દ્વારા જ્ઞાન-પ્રકાશનો વિસ્તાર થાય. તંત્ર એવું જ્ઞાન શીખવે છે કે જે જીવાત્માને માયાના બંધનમાંથી મુક્તિ અપાવે.

ભોગવાંછુ અને વિષયલોલુપ સાધકોએ પોતાના માનસિક સ્તરને અનુરૂપ તેનો અર્થ કાઢીને તેનો સ્થૂલરૂપે પ્રત્યક્ષ ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે જનસાધારણમાં તંત્રવિદ્યાની ઉપેક્ષા થવા લાગી અને અંતે તે નિમ્નકોટિના વિષયલોલુપ વર્ગ પૂરતી જ સીમિત રહી. વાસ્તવમાં તંત્રમત ઉચ્ચ સ્તરીય સાધના છે, તેને પંચમકારોથી કદાપિ બદનામ ન કરવો જોઈએ.

વાસ્તવમાં તંત્રમાં પારિભાષિક શબ્દો વપરાય છે અને તેનો ગૂઢાર્થ ન સમજવામાં આવે તો ભ્રમ પેદા થાય છે. તેથી તંત્રમાર્ગમાં તથાકથિત ભ્રષ્ટતા આવી ગઈ છે.

‘વામ’ શબ્દથી ભયભીત થવાનું નથી. વામ શબ્દનો અર્થ થાય ‘પ્રશસ્ય’. પ્રજ્ઞાવાન પ્રશસ્ય યોગીનું નામ ‘વામ’ છે. તંત્રના આદિ પ્રવર્તક ભગવાન શિવ કહે છે- वामो मार्ग: परमगहनो योगिनामाप्यगम्य:। વામમાર્ગ અત્યન્ત ગહન અને યોગીઓને પણ અગમ્ય છે. વામમાર્ગ જિતેન્દ્રિય માટે છે અને જિતેન્દ્રિય યોગી જ હોય છે. શરૂઆતમાં વામમાર્ગ શુદ્ધ અને રહસ્યાત્મક હતો.

તંત્રસાધનાને મોટાભાગના લોકો વામાચાર તરીકે જ ઓળખે છે. જો કે એ સાચું છે કે કેટલાક સાધકો દૈહિક-વાસના સંતોષવા તંંત્રસાધના કરે છે. તંત્રસાધનામાં વપરાતા શબ્દો અને દ્રવ્યો પારિભાષિક શબ્દો છે, તેનો પારમાર્થિક અને આધ્યાત્મિક અર્થ લેવાનો હોય છે.

તાંત્રિક મત પ્રારંભથી વૈદિકધર્મનો સહચારી રહ્યો છે. જેમ હરિ-હરમાં અભેદ છે તેમ વેદ અને તંત્ર (આગમ-નિગમ) પણ અભેદ છે.

તંત્રશાસ્ત્રો આગમ અને નિગમ એમ બે પ્રકારનાં છે. આગમ અર્થાત્ ગુરુના શ્રીમુખેથી વહેલ મહાન ઉપદેશ. આગમશાસ્ત્રોમાં ભગવાન શિવ ગુરુ-આચાર્ય છે અને ભગવતી પાર્વતી શિષ્યા-શ્રોતા છે. પાર્વતી પ્રશ્ન કરે છે, શિવ ઉત્તર આપે છે. નિગમશાસ્ત્રમાં આથી સાવ ઊલટું છે. જગજ્જનની પાર્વતી ગુરુ છે, શિવ છે શ્રોતા-શિષ્ય. જો કે તંત્રશાસ્ત્રોમાં સર્વત્ર આવું જોવા મળતું નથી.

ભગવાન શિવને પાંચ મુખ છે- સદ્યોજાત, વામદેવ, અઘોર, તત્પુરુષ અને ઈશાન. એક મત મુજબ ભગવાન શિવે ચાર મુખથી વેદનું જ્ઞાન આપ્યું અને પાંચમા મુખથી તંત્ર શીખવ્યો.

તંત્ર પ્રવર્તકોનો મત છે કે જ્યારે વેદના ક્રિયાકાંડો નિરર્થક નિવડ્યા ત્યારે ભગવાન શિવે તેના સ્થાને તંત્રમત પ્રવર્તાવ્યો. આ તંત્રોનું મૂળ વેદો જ ગણાય.

આગમ શબ્દનું એક વિશ્ર્લેષણ આવું છે-

આ – આગત – શિવ પાસેથી આવેલું.

ગ – ગત – પાર્વતી પાસે ગયેલું.

મ – મત – વાસુદેવ દ્વારા અનુમોદિત.

તંત્રમતની ત્રણ પ્રણાલિકાઓ છે- વિષ્ણુક્રાંત, અશ્ર્વક્રાંત અને રાધાક્રાંત. પ્રત્યેક ક્રાંતની 64 પ્રકારની સાધનાઓ છે.

સામાન્યત: માન્યતા પ્રવર્તે છે કે તંત્રમાં શક્તિપૂજા જ છે પરંતુ વાસ્તવમાં તેમ નથી. પંચદેવને ઉદ્દેશીને પાંચ વિચારધારાઓ ઉદ્ભવી છે. તે આ મુજબ છે- ગાણપત્ય, શૈવ, વૈષ્ણવ, સૌર અને શક્તિ તંત્ર.

જ્યારે આપણે ‘તંત્ર’ એમ કહીએ છીએ ત્યારે મુખ્યત: શાક્ત તંત્રો, શક્તિ-આરાધકો, આદ્યાશક્તિ એમ વિચારીએ છીએ. વિશેષ કરીને શાક્તતંત્ર અને શૈવતંત્રોનું પ્રચલન છે.

વેદો અને તંત્રોનું દર્શન વત્તા-ઓછા અંશે સમાન છે. વેદોમાં આપણે બ્રહ્મ અને માયા એમ સંબોધન કરીએ છીએ જ્યારે તંત્રોમાં આપણે શિવ અને શક્તિ એમ કહીએ છીએ. તંત્રોમાં વિશેષત: ઈશ્વરની માતૃરૂપે પૂજા કરવામાં આવે છે.

તાંત્રિકસાધનામાં ‘ભાવ’ એ મહત્ત્વનું અંગ છે.  સાધકોના સંયમનો અને સર્વભૂતોમાં ઈશ્વરધારણાના વત્તા-ઓછાપણાનો ખ્યાલ રાખીને તંત્રે દિવ્ય, વીર અને પશુભાવની શ્રેણી પાડી છે. ‘ભાવ’ ત્રણ પ્રકારના છે – દિવ્યભાવ, વીરભાવ, પશુભાવ. પશુભાવથી ગ્રસ્ત મનુષ્ય ભાગ્યે જ સ્થૂલ વિષયોથી ‘પર’નો વિચાર કરી શકે તેથી તેવા મનુષ્યને એષણાઓ અને વાસનાઓ પર કઠોર સંયમપાલન કરવાની આજ્ઞા કરાય છે. દૈહિક વાસનાથી પર થવા સાધકે વીરભાવે ષડ્ રિપુઓ સામે સંઘર્ષ કરવાનો હોય છે. કામાખ્યા તંત્ર અનુસાર આવો સાધક અલ્પભાષી, શાંત, સ્થિર-ધીર, સત્યપ્રતિષ્ઠ, એકાગ્રચિત્ત અને સર્વને પ્રિય હોય છે. કુલાર્ણવ તંત્ર અનુસાર તંત્ર સાધનામાં સાત આચારોનું પાલન કરવાનું હોય છે. આ આચારો છે- વેદ, વૈષ્ણવ, શૈવ, દાક્ષિણ, વામ, સિદ્ધાંત અને કૌલ. પ્રથમ ત્રણ આચાર પશુભાવ, પછીના બે વીરભાવ અને છેલ્લા બે દિવ્યભાવને સ્પર્શતા છે.

કઠોર સંયમપાલનથી તંત્રસાધનામાં સાક્ષાત્કાર સહજ છે. તાંત્રિકસાધના દ્વારા અલૌકિક સિદ્ધિ અને મુક્તિ અતિ શીઘ્રતાથી પ્રાપ્ત થાય છે.

તંત્રશાસ્ત્રમાં શક્તિ જ સર્વ કંઈ છે, શક્તિનો મહિમા સર્વોપરીપણે પ્રતિષ્ઠિત છે. તંત્રશાસ્ત્રમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને શક્તિ-આશ્રિત તથા સચરાચર જગતને શક્તિમય માનવામાં આવે છે.

આગમગ્રંથોમાં બે પક્ષ છે – દાર્શનિક અને વ્યવહારુ. શાક્ત તંત્રોમાં દેવીને ‘મા’ અને ‘સંહાર કરનારી’ના રૂપે જોવામાં આવે છે. તંત્રોમાં દેવીને પરમ પ્રકૃતિના રૂપમાં વર્ણવવામાં આવી છે. તેનાં વિભિન્ન નામ છે- કાલી, ભુવનેશ્ર્વરી, બગલા, છિન્નમસ્તા, દુર્ગા ઇત્યાદિ. તે પરમ શક્તિ છે અને શિવ સહિત સર્વ દેવો તેમની પાસેથી શક્તિ પ્રાપ્ત કરે છે.

ઈશ્વરની માતૃભાવે ઉપાસના કરતો તંત્રમાર્ગનો સાધક મનમાં ચિંતન કરે છે કે જગજ્જનનીનાં પાદપદ્મોની રજ કોટિ-કોટિ બ્રહ્માંડોનું સર્જન કરે છે. આ જગજ્જનની આદ્યાશક્તિ કહેવાય છે. શિવ અવ્યય ચૈતન્યસત્તા છે, શક્તિ જડ-ચેતનરૂપે દેખાતી ક્રિયાશક્તિ છે. તંત્રમાર્ગના સાધકની દૃષ્ટિએ આ દૃશ્યમાન જગત શક્તિનું પ્રગટિત સ્વરૂપ છે. વેદાંત કહે છે, ‘માયાથી પર થાઓ.’ તંત્ર કહે છે, ‘ના, ના, માયાની જગજ્જનનીરૂપે આરાધના કરો. તેનો પરિત્યાગ કરવાનો નથી. તેમાંથી બહાર નીકળી જવાનું નથી.’ તંત્રનું આ સૌંદર્ય છે. તંત્ર જગતનો ઇન્કાર કરતું નથી. તંત્ર કહે છે, ‘જગત સુંદર છે, તે સત્ય છે, તે જગજ્જનનીની લીલાભૂમિ છે, આપણે સૌ છીએ તેનાં રમકડાં.’ તંત્ર અનુસાર આ જગતના માધ્યમથી જ આપણે બ્રહ્મસાક્ષાત્કાર કરવાનો છે, નહીં કે જગતનો ઉચ્છેદ કરવાનો. જગજ્જનનીએ જગતનું સર્જન તેનાં સંતાનોને ડરાવવા માટે કર્યું નથી!

તંત્રસાધનામાં મંત્ર અગત્યનો ભાગ ભજવે છે. સાધકે મંત્ર જ્ઞાની ગુરુ પાસેથી પ્રાપ્ત કરવો જોઈએ. તાંત્રિક પૂજામાં વૈદિક મંત્રોનો પ્રયોગ થાય છે. પરંતુ તંત્રશાસ્ત્રે સ્વતંત્રરૂપે અસંખ્ય મંત્રોનું નિર્માણ કર્યું છે. એમાં પ્રત્યેક દેવતા નિમિત્તે બીજમંત્રોનું વિધાન છે. બીજ ઉપરાંત કવચ, હૃદય, ન્યાસ વગેરે રૂપે પણ અનેક મંત્રો છે. મંત્રોની સિદ્ધિ અર્થે સ્થાન, સમય અને જપમાળાનું વિશિષ્ટ મહત્ત્વ છે. તાંત્રિક સાધનામાં મંત્રોની સાથે સાથે ન્યાસ, મુદ્રા, યંત્ર અને મંડલનું પણ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. મુખ્ય ન્યાસ છે – હંસ, પ્રણવ, બાહ્યમાતૃકા, અંતર્માતૃકા, સંહારમાતૃકા, કલામાતૃકા, ષોઢાન્યાસ વગેરે. તાંત્રિક પૂજામાં મુદ્રાનું પણ વિશિષ્ટ સ્થાન છે. મુદ્રા એટલે આંગળીઓ અને હાથની વિશિષ્ટ પ્રકારની ગોઠવણી અને તેનું પ્રદર્શન. મુદ્રાઓની સંખ્યા ઘણી બધી છે. નવ મુદ્રાઓ પ્રચલિત છે – આવાહની, સ્થાપિની, સન્નિધાપની, સન્નિરોધિની, સમ્મુખીકરણી, સકલીકૃતિ, અવગુંઠની, ધેનુ અને મહામુદ્રા.

તંત્રસાધનાનું અન્ય મહત્ત્વનું અંગ છે યંત્ર, જેને ભોજપત્ર, કાગળ કે વિભિન્ન ધાતુ પર ચિત્રિત કરવામાં આવે છે. ભિન્ન ભિન્ન દેવતાના ભિન્ન-ભિન્ન યંત્ર છે. સાધક યંત્ર પર દેવતાવિશેષની પૂજા કરે છે. યંત્ર વિના પૂજા નિષ્ફળ મનાય છે. તંત્રસાધનાનું અન્ય વિશિષ્ટ અંગ છે મંડલ. મંડલ અર્થાત્ વિભિન્ન રંગોના ચૂર્ણથી મંડપ, વેદી અને પૂજાસ્થાન પર રેખાચિત્ર બનાવવું. મુખ્યત્વે ચોખાના લોટમાં વિભિન્ન રંગ મેળવીને અથવા રંગ વગર આલેખન કરાય છે. મંડલની અંદર દેવતાની પૂજા કરવામાં આવે છે. જુદા-જુદા પ્રસંગે અને પૂજા નિમિત્તે જુદા-જુદા પ્રકારના મંડલનું નિર્માણ કરવામાં આવે છે.

હવે તાંત્રિકસાધના અંતર્ગત પ્રયુક્ત પંચમકારનું આધ્યાત્મિક રહસ્ય જોઈએ. પંચમકાર એટલે મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન. મદ્ય એટલે શું ? સાધક જ્યારે ધ્યાન કરે છે ત્યારે બ્રહ્મરંધ્રમાંથી અમૃતનું ઝરણ થાય છે, તે મદ્ય કહેવાય છે. સાધક તે મદ્યનું ચિંતન કરે છે અને ભાવોન્મત્ત થઈ જાય છે. અન્ય અર્થમાં શિવ-શક્તિના સંયોગથી જે અલૌકિક અમૃત ઉત્પન્ન થાય છે, તે વાસ્તવમાં શક્તિદાયક રસ છે. બ્રહ્મરંધ્ર-સહસ્રદળમાંથી જે રસ દ્રવિત થાય છે તેનું પાન કરવું એ જ મદ્યપાન. માંસ અર્થાત્ સ્વાદ, જીભ પરનો મધુર સ્વાદ. સાચા સાધકને જીહ્વા પર સંપૂર્ણ સંયમ હોવો જોઈએ. ‘મા’ શબ્દ રસનાપ્રિય વસ્તુઓનું નામાંતર છે, તેનો પરિત્યાગ અથવા અંતર્મૌન રહીને જે વાણીસંયમ દ્વારા મૌન રહે છે તે જ વાસ્તવમાં માંસ-સાધક છે. પાપ-પુણ્યરૂપી પશુને જ્ઞાનરૂપી ખડગથી હણીને જે મનને બ્રહ્મમાં લીન કરે છે તે જ સાચો માંસાહારી છે. મત્સ્ય એટલે માછલી, તંત્રના સંદર્ભમાં જીવાત્મા. ઇડા અને પિંગલા નાડી ગંગા-જમુના નદીરૂપે છે અને જીવાત્મા છે તેમાં રમમાણ કરતી માછલી. સાધક શ્ર્વાસોચ્છ્વાસ દરમિયાન જીવાત્મારૂપે તે નાડીઓમાં રમણ કરે છે. આ શ્ર્વાસોચ્છ્વાસ પરનું નિયમન અને પ્રાણશક્તિનું સુષુમ્ણાનાડીમાં પ્રવહન મત્સ્ય કહેવાય છે. જે સાધક પ્રાણાયામ દ્વારા કુંભક કરે છે તે જ યથાર્થમાં મત્સ્ય-સાધક છે. મુદ્રા એટલે ચિહ્ન કે ચાંદીનો ચલણી સિક્કો. એનો ભાવાર્થ એ કે સહસ્રાર(સાતમું ચક્ર) માં ગુરુનું ધ્યાન કરવું. સહસ્રાર ચક્રમાં શિવ બિરાજમાન છે. સહસ્રાર ચક્રને મુદ્રાનું રૂપક અપાયું છે. અન્ય અર્થ મુજબ આશા અને તૃષ્ણા મહામુદ્રા છે. મુદ્રાનું દિવ્યરૂપ છે દુર્વૃત્તિઓનો ત્યાગ. અંતિમ મકાર છે મૈથુન. મૈથુનના તત્ત્વાર્થ છે- ‘પુરુષ’નું પ્રતીક વાયુતત્ત્વ, ‘સ્ત્રી’નું પ્રતીક આકાશતત્ત્વ. જ્યારે વાયુ આકાશમાં પ્રવેશે છે- અર્થાત્ જ્યારે સાધક શ્વાસ અંદર તરફ લે છે ત્યારે વાયુ તેના હૃદયાકાશમાં પ્રવેશે છે અને ‘કુંભક’ થાય છે ત્યારે મનનો નિરોધ થાય છે, પરિણામ સ્વરૂપ આત્મજ્ઞાન થાય છે. આ થયું મૈથુન અથવા મિલન, મિલાપ, ઐક્ય. સાધારણ અર્થમાં સ્ત્રી-પુરુષનો સંયોગ એટલે મૈથુન. પરંતુ તંત્રશાસ્ત્રની પરિભાષામાં શાબ્દિક અર્થ લેવાનો નથી. સ્ત્રી અર્થાત્ સુષુપ્ત કુંડલિની શક્તિ. એનું સ્થાન છે મૂલાધાર. શિવનું સ્થાન છે સહસ્રાર. આ શિવ-શક્તિનું મિલન જ વાસ્તવિક મિલન કે મૈથુન છે. પરાશક્તિ સાથે આત્માનું વિલાસ-રસમાં નિમગ્ન રહેવું એ જ થયું મુક્તાત્માઓનું મૈથુન.

આ થયું પંચમકારોનું રહસ્ય. ભગવાન શિવ તંત્રસાધકોને પંચમકારોનો આશ્રય લઈને સાધના કરવાનો આદેશ કરે છે અને ફલશ્રુતિ સ્વરૂપે આત્મજ્ઞાનની ખાતરી આપે છે. તો શું તેમણે આપેલા અમૂલ્ય બોધનું સ્વાર્થમય અર્થઘટન કરવાનું છે? કેટલાક ઇન્દ્રિયભોગી આ વસ્તુઓને સ્થૂલરૂપે ગ્રહણ કરીને ભોગસુખનો લહાવો લે છે તો શું તેમને આધ્યાત્મિક લાભ થાય ખરો કે ? કદાપિ નહિ.

શ્રીરામકૃષ્ણદેવનું જીવન તંત્ર આધારિત સાધનાઓથી ભરપૂર હતું. તેઓએ વિષ્ણુક્રાંત અંતર્ગત ચોસઠ પ્રકારની સાધનાઓ કરી હતી. કોઈપણ સાધક જીવનપર્યંત સાધના કરીને એકાદ પ્રકારની સાધનામાં જ સિદ્ધિ મેળવી શકે છે પરંતુ વિસ્મયકારક તો એ છે કે શ્રીરામકૃષ્ણદેવે વિષ્ણુક્રાંતમાં પ્રચલિત ચોસઠ પ્રકારની સાધનાઓ બે વર્ષમાં કરી હતી. વૈષ્ણવ અને શાક્તતંત્રોમાં સિદ્ધગુરુ ભૈરવી બ્રાહ્મણી પાસેથી શિષ્યત્વ ગ્રહણ કરીને તેઓએ પરમ સિદ્ધિલાભ પ્રાપ્ત કર્યો હતો. શ્રીરામકૃષ્ણદેવે શક્તિ ગ્રહણ કર્યા વિના વિરાચારની સાધનામાં થોડાક જ સમયમાં સફળતા હાંસલ કરી હતી. આ સાધના દરમિયાન તેઓએ પંચમકાર અંતર્ગતનાં મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા કે મૈથુન એક પણ વસ્તુનું અવલંબન લીધું ન હતું. તેઓ કારણ (મદ્ય) શબ્દના શ્રવણમાત્રથી ‘મહાકારણ’માં આત્મવિસ્મૃત થઈ જતા હતા. તેઓ રમણી-સ્ત્રીમાં સાક્ષાત્ જગજ્જનીનાં દર્શન કરતા હતા. પંચમકાર-દ્રવ્યોને ગ્રહણ કર્યા સિવાય તેના શબ્દ-ઉલ્લેખથી તેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરીને એ પુરવાર કરી બતાવ્યું છે કે તંત્ર-અનુષ્ઠાનમાં આ દ્રવ્યો સ્થૂલરૂપે વપરાશમાં લેવાં આવશ્યક નથી. શ્રીરામકૃષ્ણદેવની તંત્ર સાધના દ્વારા તંત્રશાસ્ત્રનું પ્રમાણભૂતપણું સુપ્રતિષ્ઠિત થયું છે અને પુન: મહિમાવંતુ પણ.

તંત્રસાધના દરમિયાન શ્રીરામકૃષ્ણદેવને વિભિન્ન દર્શન થયાં હતાં. તેઓ સાધનાના પરિપાક સ્વરૂપે સર્વત્ર એકમાત્ર શક્તિનો જ વિલાસ નિહાળતા હતા. ભવતારિણી મા કાલીને નૈવેદ્ય અર્પણ કરતી વખતે ઉપસ્થિત બિલાડીમાં જગન્માતાને પ્રત્યક્ષ નિહાળીને તેને નૈવેદ્ય અર્પિત કરતા. એક અન્ય પ્રસંગે એક કૂતરાને સંબોધીને તેઓએ કહ્યું હતું, ‘હે જગજ્જનની ! તું મારી સાથે કંઈ બોલવા ઇચ્છે છે?’ આમ તેઓ બિલાડી, કૂતરાં વગેરેમાં જગન્માતાનાં દર્શન કરતા. કોલકાતાની શેરીઓમાંથી પસાર થતી વખતે સજીધજીને ઊભેલી રમણીઓને ઉદ્દેશીને બોલી ઊઠતા, ‘મા, તું સજીધજીને અહીં આ રૂપે પ્રતીક્ષા કરી રહી છો?’ તેઓને થયેલાં અન્ય દર્શનો છે- કુંડલિનીજાગરણદર્શન, બ્રહ્મયોનિદર્શન, અનાહતધ્વનિ શ્રવણ, જ્ઞાનાગ્નિથી વ્યાપ્તિ, કુલાગારમાં દેવીદર્શન, મોહિનીમાયાદર્શન, ષોડશીમૂર્તિદર્શન ઇત્યાદિ. આ ઉપરાંત તેઓને અષ્ટસિદ્ધિલાભનાં પણ અપૂર્વ દર્શન થયાં હતાં. આમ તેઓ સર્વ સ્થાને, સર્વત્ર, સર્વમાં જગન્માતાનાં દર્શન કરતા હતા. આ છે તાંત્રિક પ્રણાલીની સૌૈંદર્યમયતા!

તાંત્રિકસાધના કરતાં કરતાં સાધકમાં આંતરિક પરિવર્તન ઉદ્ભવે છે અને પરિણામ સ્વરૂપે બાહ્ય પરિવર્તન પણ આવે છે. આને કહેવાય છે- આધ્યાત્મિક જીવન પરિવર્તન. આધ્યાત્મિક જીવન પરિવર્તન આંતરિક  છે, અંદરથી ઉદ્ભવે છે. તે કદાપિ બહારથી આવતું નથી.

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ લાંબા સમય પછી, શ્રીમા શારદાદેવીના આશીર્વાદથી શ્રીરામકૃષ્ણદેવના પ્રત્યક્ષ સંન્યાસી સ્વામી સારદાનંદે પણ તંત્રસાધના કરી હતી. વળી તેમણે નાનકડી બંગાળી પુસ્તિકા ‘ભારતે શક્તિપૂજા’ પણ લખી હતી. શ્રીરામકૃષ્ણદેવના પ્રત્યક્ષ સંન્યાસીઓના કેટલાક શિષ્યોએ પણ તેમના આશીર્વાદથી તંત્રસાધના કરી હતી.

સ્વામી વિવેકાનંદે પણ નોંધ્યું છે કે વામાચાર સુધ્ધામાં કેટલાંક મહાન સત્યો હતાં. તેના દ્વારા કેટલાક સાધકોએ આત્મસાક્ષાત્કાર કર્યો છે. પરંતુ સ્વામી વિવેકાનંદે સંઘના સભ્યોને કદાપિ આ માર્ગનું અનુસરણ ન કરવું એવી કડક શબ્દોમાં મનાઈ ફરમાવી છે. આ ‘મનાઈ’ની પાછળનો સ્વામીજીનો હેતુ શુભ હતો. સંભવ છે કે વીરસાધકને વ્યક્તિગત ધોરણે સિદ્ધિ પ્રાપ્ત થાય પરંતુ મોટાભાગના લોકોનું આ માર્ગે પતન સુનિશ્ર્ચિત છે, વળી સમાજ માટેતો ગંભીર પરિણામકારક છે.

Total Views: 477

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.