સ્કંદપુરાણના (૩૬.૮૪) काशीखण्ड માં કહ્યું છે, ‘गृहाश्रमः सुखार्थाय भार्या मूलं च तत्सुखं सा च भार्या विनीता या त्रिवर्गो हि तया धृवम्’।। સુખસુવિધા અને આનંદ ઝંખતા લોકો માટે કુટુંબજીવન આવશ્યક છે. કુટુંબનાં સુખસમૃદ્ધિ અને આનંદનો આધાર પત્ની છે. જો પત્ની શિસ્તપ્રિય અને આત્મસંયમી હોય તો કોઈપણ વ્યક્તિ પત્ની દ્વારા धर्म, अर्थ, काम સરળતાથી મેળવી શકે છે. મનુ કહે છે કે, ઘરની વ્યવસ્થા અને કુટુંબની બાબતો એ બંને સંભાળવાં એ ગૃહિણીની ફરજ છે. ‘अर्थस्य सङग्रहि चैनां व्यये चैव नियोजयेत् शौचे धर्मेऽन्नपक्त्यां च पारिणाह्य चेक्षणे।। ‘કુટુંબના ભંડોળમાંથી ખર્ચ કરવાનો અને તેના જમા-ઉધારનો હિસાબ રાખવાનું કામ પતિએ પત્નીને સોંપવું જોઈએ. પોતાનાં પાલકોની સંભાળ લેવી, તેમને માટે પોષક આહાર રાંધવો તેમજ સ્વચ્છતા, સુઘડતા અને જાહેર આરોગ્ય જાળવવાની જવાબદારી સ્ત્રીને સોંપવી જોઈએ.’ આ એ બતાવે છે કે ઘરની બધી પ્રવૃત્તિનો આધાર નારી છે. નારી કુટુંબમાં કેવું અગત્યનું અને માનભર્યું સ્થાન ધરાવે છે.
પોતાના પતિ માટે પત્ની સર્વકંઈ છે, એ વાત કૌશલ્યાના ઉદાહરણથી રામાયણે રજૂ કરી છે. ‘यदा यदा हि कौसल्या दासीवच्च सखीवच्च भार्यावद्भगिनीवच्च मातृवच्चोपपतिष्ठते।।’ – ‘કૌશલ્યા પોતાના પતિ દશરથની સેવક, મિત્ર, બહેન, પત્ની અને મા તરીકે સેવા કરે છે.’ આ બધું એ બતાવે છે કે ઘરમાં પત્નીનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. અને એટલે જ ગૃહિણીને જ ઘર કહે છે.
પરણેલ પતિપત્નીના યુગલ માટે સંપૂર્ણ બ્રહ્મચર્યનો સર્વોચ્ચ આદર્શ શ્રીરામકૃષ્ણના જીવનમાં જોવા મળે છે. આવાં લગ્નમાં દંપતીના મનમાં સંતતિનો વિચાર આવતો જ નથી અને જ્યાં આધ્યાત્મિક સાધના માટે જ લગ્ન થતાં હોય તેને ब्राह्मविवाह કહે છે. લગ્ન આઠ પ્રકારનાં છે. તેમાં ब्राह्मविवाह સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. ત્યાર પછીનાં ઉત્તમ કક્ષાનાં ત્રણ પ્રકારનાં લગ્નો આવે છે – आर्ष, दैव અને प्राजापत्य. આવાં લગ્નોમાં જો પત્નીની સંતાનો માટેની સ્વાભાવિક લાગણી તીવ્ર હોય તો તેને એક સંતતિની છૂટ રહે છે. આમાંથી आर्ष લગ્નવાળાં પોતાની કેળવણીનું ઋષિ-ઋણ અદા કરવા માટે જીવન જીવે છે. આ ઋષિ- ઋણ ચૂકવવા માટે ગુરુકુળનું સંચાલન કરે છે. તેમાં ગરીબ અને અનાથ તેમજ જેમને કેળવણી માટેની પૂરતી તકો મળતી નથી, તેવાં બાળકોને તેઓ કેળવણી આપે છે. मुमुक्षૂ માટે આદર્શ ગણાતા એવા સંપૂર્ણ ब्रह्मचर्यम् ના પાલન માટે ब्राह्मविवाह શ્રેષ્ઠ ગણાય છે.
જરા નીચલી કક્ષાની પછીના ત્રણ લગ્ન પ્રકાર आर्ष, दैव, प्राजापत्य લગ્નો જે ધર્મની જિજ્ઞાસા રાખે છે તેમને માટે ઉપયોગી છે. ધર્મ એ મોક્ષ કરતાં એક ડગલું નીચો પુરુષાર્થ છે. જ્યાં સર્વોત્કૃષ્ટ લગ્નજીવન જીવાય છે ત્યાં પતિ અને પત્ની વચ્ચે गुरु-शिष्यभाव રહેવો આવશ્યક છે. આવા સભ્યો શ્રીરામકૃષ્ણ અને શ્રીશ્રી મા સારદાદેવીની જેમ એકબીજાને ભજે-પૂજે છે. પતિએ પત્નીને જગદંબાના રૂપે જોવાં જોઈએ અને પત્નીએ પતિને ઈશ્વરના રૂપે જોવા જોઈએ. પતિ અને પત્ની બંને એ બીજાની હાજરીમાં પોતાનાં આત્મસંયમ અને ब्रह्मचर्यम् ની કસોટી થવી જોઈએ અને તેનાં અભ્યાસ કે પાલન થવાં જોઈએ. લગ્ન માત્ર આત્મસંયમ અને ब्रह्मचर्यम् નાં કસોટી, અભ્યાસ કે પાલન માટે તક માત્ર છે.
પત્ની પોતાના પતિને ઈશ્વર જ ગણે છે એ વાત આપણાં શાસ્ત્રોમાં એક આદર્શ રૂપે વર્ણવેલ છે. ‘पतिहिर् देवो नारीणाम्।।’ મહાભારતના શાંતિપર્વ (પ્ર. ૨૫૬.૩૭) માં કહ્યું છે : ‘भरणात् हि स्त्रियो भर्ता पात्याच्चैः व स्त्रियः पतिः गुणस्यास्य निवृत्तौ तु न भर्ता न पुनः पतिः।।’ – ‘પતિને भर्ता કહ્યો છે કારણ કે, તે નારીને સહાયભૂત થાય છે અને તેનું રક્ષણ પણ કરે છે. વળી, જો તે નારીનું રક્ષણ કરવાની અને તેને પડખે ઊભા રહેવાની ફરજ પતિ ન બજાવે તો તેને પતિ કે ભર્તા કહેવો યોગ્ય નથી. સાથેને સાથે પતિરૂપે કે ભર્તારૂપે મળતા અધિકારો કે વિશેષ અધિકારો માટે પણ તેને કોઈ હક રહેતો નથી. આ ઉપરાંત બધાં મિત્રો, સગાં-સંબંધીઓ – માતપિતા અને પતિએ પણ મોક્ષ મેળવવા માટેની આધ્યાત્મિકતાની પ્રવૃત્તિઓ માટે પણ સહાયરૂપ બનવું જોઈએ. શ્રીમદ્ ભાગવતમાં (૫.૫.૧૮)માં કહ્યું છે, ‘गुरुर्न सः स्यात् स्वजनो न सः स्यात् पिता न सः स्यात् जननी न सा स्यात् दैवं न सः स्यात् न पतिश्च सः स्यात् न मोचयेद् यः समुपेतुं मृत्युम्।। – જે વ્યક્તિ મૃત્યુ અને બંધનમાંથી મુક્ત થવા મદદ કરતા નથી તે શિક્ષક નથી, સગાં નથી, માતા કે પિતા નથી, પતિ નથી અને દેવ કે ઈશ્વર પણ નથી.’ આ શ્લોક બતાવે છે કે કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિને સહાય અને સંરક્ષણ આપે છે એનો અર્થ એ છે કે તે બીજાને ઈશ્વરની અનુભૂતિ કરવામાં અને મુક્તિ મેળવવામાં સહાયરૂપ થાય છે. આ સહાયનો અર્થ એ છે કે નબળા પક્ષના હિત માટે સહાય કરવી, નહીં કે, મદદગારના લાભમાં સહાય કરવી. આનો અર્થ એ પણ નથી થતો કે સહાય મેળવનારને ગુલામ કે પરાવલંબી બનાવવો કે સહાય કરનાર જુલ્મગાર કે આપખુદ બને. પતિએ પોતાનાં પત્ની અને સંતાનો પ્રત્યે તે એમની સેવા દ્વારા પ્રભુની સેવા કરે છે એમ વર્તવું જોઈએ. વળી, પોતે ચડિયાતો છે એવું અભિમાન, ગુરુતાગ્રંથિ રાખીને પત્ની અને સંતાનો પોતાનાથી ઊતરતા છે એમ માનીને તેણે વર્તવુ ન જોઈએ. આ વાત માતૃદેવો ભવ, પિતૃદેવો ભવના નિર્દેશથી સ્પષ્ટ કરી છે. એટલે કે શિક્ષકો, માત-પિતાને દેવ ગણીને તેની પૂજા કરવી જોઈએ. अतिथि ને પણ ઈશ્વર માનીને તેની સેવા-પૂજા કરવી જોઈએ. આ જ ભાવ સાથે તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે, अतिथिदेवो भव. પત્ની અને સંતાનોને માત-પિતા, ગુરુ અને અતિથિ સાથે સરખાવ્યાં છે. આના પરથી આપણે એટલું સમજી શકીએ કે જેમ ભક્ત પોતાનાં આરાધ્યદેવી સાથે ભાવ રાખે છે એવો જ ભાવ પુરુષે સ્ત્રીઓ સાથે રાખવો જોઈએ, એવી શાસ્ત્રોની અપેક્ષા છે. વાસ્તવિકતા તો આ છે કે પતિ સેવક છે અને પત્ની સ્વામિની. આપણે ઉપર્યુક્ત ગ્રંથોનાં ઉદ્ધરણો દ્વારા આટલું સમજી શકીએ કે નારીની પૂજા એ દેવી લક્ષ્મીની પૂજા છે. શતપથ બ્રાહ્મણના ૧૧.૪.૩.૨માં કહ્યું છે. स्त्री वा एषा यत् श्रीः।। આ પરથી એટલું તારણ કાઢી શકીએ કે પતિ અને પત્નીએ એકબીજાને ઈશ્વર રૂપે જોવાં જોઈએ. આવો ભાવ અને એમની ફરજો પણ અરસપરસનાં રહેવાં જોઈએ. જો સ્ત્રી પોતાના પતિમાં ઈશ્વરને જોતી હોય તો પતિએ પોતાની પત્નીને દેવીરૂપે જોવી જોઈએ. બધી ફરજો સેવાના ભાવે બજાવવી જોઈએ. એ જ કર્મયોગનો સાચો ભાવ છે. કોઈએ પોતાની ફરજ કે કર્તવ્ય ગુરુતાગ્રંથિથી બજાવવાં ન જોઈએ, શાસ્ત્રો એને અનુમોદન આપતાં નથી. તેમણે કર્તવ્ય કે ફરજને વળગી રહેવું જોઈએ, નહીં કે પોતાના વિશેષ અધિકારોને. (ક્રમશ 🙂
Your Content Goes Here




