ધર્મની આવશ્યકતા

આજના જમાનામાં જ્યાં નજર ફેરવીએ ત્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિસ્તાર જ જોવા મળે. ટેકનોલોજીના માધ્યમથી સામાન્યજન કોઈપણ વિષયની માહિતી પોતાના સ્માર્ટફોન, લેપટોપ વગેરે દ્વારા પ્રાપ્ત કરી શકે છે; પરંતુ તેની પ્રામાણિકતા વિશે ઘણા મતભેદો પ્રવર્તે છે.

શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું કે માનવજીવનનું પરમ લક્ષ્ય ઈશ્વરપ્રાપ્તિ છે. આધુનિક શિક્ષણપ્રણાલી આ ઉત્કૃષ્ટ ધ્યેય માટે કોઈ શિક્ષણ કે સાધન આપી શકે તેમ નથી. પરંતુ માનવી જ્યારે જીવનના કોઈ એક નિર્ણાયક તબક્કે પહોંચે ત્યારે જીવનની સાર્થકતાનો પ્રશ્ન ઊભો થાય છે. એના માટે તે વિભિન્ન ધાર્મિક સ્થળોમાં કે ધાર્મિક પુરુષો પાસે જાય છે. ધર્મનાં શાસ્ત્રગ્રંથો પણ વાંચે છે. પણ આજે તે ગીતા કે કુરાનના કેટલાંક પાનાનું અધ્યયન કરે તો વળી બીજે દિવસે આત્મા વિશેના નકારાત્મક વિચારોવાળા લેખો તેના પર પોતાનો અલગ જ પ્રભાવ પાડે છે. આ પરિસ્થિતિમાં લોકો અધ્યાત્મ વિશે ભ્રમિત બની જાય છે અને યોગ્ય માર્ગદર્શનના અભાવે તે દિશાહીન જીવન જીવવા માંડે છે. તદુપરાંત પોતાના કે અન્ય ધર્મો વિશેની વિસ્તૃત માહિતી, સાચા જ્ઞાન અને માર્ગદર્શનના અભાવે આ ભ્રમણામાંથી ઉદ્ભવેલી ધારણાઓ લોકોના મનમાં ઘર કરી જાય છે.

આપણે સૌ એક સામાન્ય વાચક રૂપે ધર્મ વિશે કંઈક ને કંઈક વાંચતાં રહીએ છીએ. ક્યારેક ઘરમાં કે સમૂહમાં બેસીને ધર્મો વિશે ઘણી ચર્ચા કરતા હોઈએ છીએ. આવું વાંચન અને આવી સામુહિક ચર્ચા પછી આપણને સંતોષનો ઓડકાર આવતો નથી. વાંચ્યું, ચર્ચા કરી પણ અંતે તો આપણે ધર્મ વિશેના જ્ઞાનથી જાણે વંચિત રહી જતા હોઈએ તેવો ભાવ આપણા મનમાં જાગે છે. એની સાથે આપણાં મનમાં ધર્મ વિશે વળી કોઈ પુસ્તકનાં થોડાં પાનાં ઉથલાવીને વધારે કંઈ ન મળ્યું હોય તેવા નિરાશાજનક અનુભવથી આપણે બેસી રહીએ છીએ. સમાજમાં આધ્યાત્મિક અભ્યાસ વિશે આજે કોઈ સરળ સૂચિ ઉપલબ્ધ નથી.

એનો કંઈક ઉકેલ શોધવા આ વખતે શ્રીરામકૃષ્ણ જ્યોતનો દીપોત્સવી અંક ‘વિશ્વના ધર્મ’ એ નામે પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે.

ધર્મ શું છે ?

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોના ધર્મ વિશેના વિચારોને અમારા સાહિત્યમાંથી ઉદ્ધૃત કરીને અત્રે પ્રસ્તુત કરીએ છીએ.

સ્વામી વિવેકાનંદ કહે છે: ‘ધર્મ એટલે પૂર્વથી જ માનવમાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ.’

સ્વામી બ્રહ્માનંદ કહે છે : ‘ધર્મ સર્વોત્કૃષ્ટ વ્યવહારુ બાબત છે. કોઈ વ્યક્તિ તેને માને કે ન માને તે મહત્ત્વનું નથી. ધર્મ સવિશેષ વ્યવહારુ છે. તે વિજ્ઞાન જેવો છે. જો કોઈ વ્યક્તિ આધ્યાત્મિક સાધનાઓ આદરે તો તેનું પરિણામ નિશ્ચિતપણે મળે છે, જો કોઈ યાંત્રિકપણે કર્યા કરે કે કોઈ તેમાં મંડ્યા રહે, તો સમય આવતાં તેને સર્વકંઈ પ્રાપ્ત થશે.’

સ્વામી શિવાનંદ કહે છે : ‘દરેક દેશમાં નિરંતરપણે વિભિન્ન ધર્મપથો, અગણિત ધર્મગ્રંથો અને પવિત્ર તીર્થક્ષેત્રો અસ્તિત્વ ધરાવતાં હોય છે. તેમ છતાંય ધર્મના ક્ષેત્રે અવનતિ શા માટે? તેનું કારણ એ છે કે સમયના વહેણની સાથે એ બધા આદર્શાે નષ્ટ થાય છે. તેથી ધર્મનો રહસ્યમય મર્મ સમજાવવા અને આદર્શ પ્રસ્થાપિત કરવા ઈશ્વર સ્વયં અવતાર ધારણ કરે છે.’

સ્વામી પ્રેમાનંદ કહે છે : ‘માત્ર વાતોથી ધર્મના ક્ષેત્રમાં કંઈ પણ સત્યવસ્તુ પ્રાપ્ત થઈ શકતી નથી. તે તો જીવન અને આત્માની સઘળી ઉત્કંઠા સાથે આચરણ કરવાની બાબત છે. યંત્રની માફક આપણા શાસ્ત્રોપદેશોનો મૌખિક પાઠ કરવામાં જ સંતોષ મેળવીને આપણે ધર્મનો એક અંશ પણ પ્રાપ્ત કરવાની આશા ન રાખી શકીએ અને આગળ પ્રગતિ પણ ન કરી શકીએ. તેની આંતરિક અનુભૂતિ કરનારને જ આધ્યાત્મિકતા હસ્તગત થાય છે.’

સ્વામી તુરીયાનંદ કહે છે : ‘શું સંસારમાં રહેવાથી જ ધર્મમાર્ગમાં અવરોધ આવે છે? જ્યારે પત્ની અને સંતાનો હોય ત્યારે તે વિશેષ રુચિકર નથી લાગતું, છતાં શું ગૃહસ્થ ઘર-સંસારનો ત્યાગ કરી શકે છે? તો પછી પત્ની અને બાળકોનું શું? આવું કરવું એ નરી સ્વાર્થમયતા છે. સંસારમાં રહેવું અને કુટુંબનો નિભાવ કરવો, પોતાની ફરજો બજાવવી એ પણ સુનિશ્ચિતપણે ધર્મ છે.’

સ્વામી અભેદાનંદ કહે છે : ‘ધર્મનાં આવશ્યક તત્ત્વો મુખ્યત્વે બે છે : આત્મજ્ઞાન અને આત્મસંયમ. મારી દૃષ્ટિએ ધર્મ એટલે કોઈ નિશ્ચિત સિદ્ધાંતો, મતો અને માન્યતા કે વચનો નથી. પણ આપણા દૈનંદિન જીવનના દરેક વ્યવહારમાં સર્વોચ્ચ પરમસત્તાની પૂજાની અનુભૂતિ એ મારી દૃષ્ટિએ ધર્મ છે.’

સ્વામી વિજ્ઞાનાનંદ કહે છે : ‘આપણા દેશની અવનતિનું એક કારણ એ છે કે ધર્મના નામે લોકો હાનિકારક સિદ્ધાંતો રજૂ કરે છે. એના પરિણામે લોકો ધર્મ પરથી પોતાનો વિશ્વાસ ગુમાવે છે. આવશ્યક છે- સાદગી, નિષ્ઠા અને હૃદયની પવિત્રતા.’

સ્વામી રામકૃષ્ણાનંદ કહે છે : ‘ધર્મના કોઈ પણ સ્વરૂપમાં દોષ ન જુઓ. માત્ર બાહ્ય વિધિવિધાનોમાં જ ભેદ રહેલો છે. તે બધું બહારનું આવરણ ઘડે છે. તે આવરણ કઠોર, ખરબચડું અને કદાચ આપણને નાપસંદ પણ હોઈ શકે. પરંતુ તે અંદરના બહુમૂલ્ય સારતત્ત્વને ધારણ કરે છે. બધા ધર્મોનું અંત:સ્થ સારતત્ત્વ ઈશ્વર છે.’

આ અંકમાં અમે હિન્દુ, જૈન, બૌદ્ધ, જરથોસ્તી, યહૂદી, તાઓ, કોન્ફ્યુશિયસ, શિન્ટો, ખ્રિસ્તી, ઇસ્લામ, સૂફી અને શીખ જેવા વિશ્વના મુખ્ય ધર્મોની વિગતવાર માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.

હિન્દુધર્મ : આ વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ છે. હિંદુ ધર્મની વિશિષ્ટતા આ છે કે તેની સ્થાપના કોઈ વ્યક્તિએ કરી નથી. આને લીધે તેમાં ભિન્ન ભિન્ન પથ વિકસિત થયા છે. મુખ્યત્વે અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ તથા દ્વૈતવાદની ચર્ચા અપાઈ છે.

મુખ્ય આધારગ્રંથોની સૂચિ – વેદ, વેદાંગ, ઉપવેદ, ઇતિહાસ-પુરાણ, સ્મૃતિ, દર્શન, નિબંધ અને આગમની વિગતવાર માહિતી સાથે ને સાથે હિન્દુ ધર્મનાં તીર્થાે જેમ કે ચારધામ, પંચ સરોવર, સપ્તપુરી, સપ્તક્ષેત્ર, સપ્તનદી, દ્વાદશ જ્યોતિર્લિંગ, એકાવન શક્તિપીઠ, વગેરેની સંક્ષિપ્ત હકીકતોનો આ લેખમાં સમાવેશ થયો છે.

જૈન ધર્મ : પ્રાચીન ભારતમાં મહાત્માઓએ મન, વાણી અને કાયા પર અંકુશ પ્રાપ્ત કર્યો હતો અને તેઓ ‘જિન’ કહેવાયા. આ મહાપુરુષો તીર્થંકરના નામે ઓળખાય છે. તેના અનુયાયીઓને જૈન કહે છે. જૈન ધર્મના ૨૪ તીર્થંકરોમાં છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી છે. તેમનાં સંક્ષિપ્ત જીવન અને ઉપદેશ, જૈનધર્મના પંથો, શાસ્ત્રગ્રંથો અને મુખ્ય ઉત્સવોની વાત આ લેખમાંથી વાચકને સાંપડશે. આ ધર્મમાં કઠિન તપસ્યાને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તે સાથે અહિંસા, ત્યાગ-વૈરાગ્ય, જેવા આચારોને પરમતત્ત્વના માર્ગને શોધવામાં સહાયરૂપ ગણવામાં આવે છે.

બૌદ્ધ ધર્મ : ભગવાન બુદ્ધ જૈન ધર્મના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના સમકાલીન ધર્મપ્રવર્તક હતા. તેઓ રાજ પરિવારના હતા. ભોગવિલાસથી વિરક્ત થઈને તેમણે ધર્મ અને જ્ઞાન શોધવા કઠોર તપશ્ચર્યા કરી અને નવા ધર્મની સ્થાપના કરી. તેમના મુજબ સંસાર ક્ષણિક અને દુ:ખમય છે એટલે એમાંથી મુક્ત થવા માટે આપમેળે પોતાનો ઉદ્ધાર કરવા મધ્યમ માર્ગને અનુસરવા કહ્યું. તેઓ અનીશ્વરવાદમાં માનતા હતા. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો, ઉપદેશો, પથો, ઉત્સવો વગેરેની ચર્ચા આ લેખમાં જોવા મળશે.

જરથોસ્તી ધર્મ : પારસીઓના આ ધર્મના સંસ્થાપક અષો જરથોષ્ટ્રનો જન્મ પશ્ચિમ ઈરાનમાં થયો હતો. તેના મૂળ ગ્રંથ ‘અવસ્તા’માં અહુરમજદ (પરમાત્મા)ના ખરા સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન અને એમને શોધવાના માર્ગ બતાવ્યા છે. સૌને ચાહવા અને તેમની સેવા કરવી મનુષ્યનું કર્તવ્ય છે, એ જરથોસ્તી ધર્મનો સારાંશ છે. મનુષ્યને પ્રકાશમય પરમાત્માનું દર્શન સૂર્ય (ખોરદાદ) અને અગ્નિ (આતશ)માં થાય છે, એમ તેઓ માને છે. એટલે જ આ ધર્મમાં અગ્નિને નિત્ય પ્રજ્વલિત રાખીને તેની પૂજા કરવાનો મુખ્ય વિધિ છે.

યહૂદી ધર્મ : પેલેસ્ટાઈન અને તેની આસપાસના પ્રદેશમાં વસેલા યહૂદી લોકોનો ધર્મ ઘણો પ્રાચીન છે. મોઝીઝ યહૂદી ધર્મના આદ્ય સ્થાપક છે. ખ્રિસ્તી ધર્મ એમાંથી ઉદ્ભવ્યો છે. ઈશ્વર એક અને અદ્વિતીય છે, પાપપુણ્યનો બદલો મળે છે, એવો સંદેશ ઈશ્વરે યહૂદી પ્રજાને જગતમાં પ્રસરાવવાનો આદેશ આપ્યો હતો. તેનો મુખ્ય ધર્મગ્રંથ ‘જૂનો કરાર’ અને મુખ્ય દેવનું નામ ‘યહવે-યહોવાહ’ છે.

તાઓ ધર્મ : ચીનના આ પ્રવર્તમાન ધર્મની સ્થાપના લાઓત્સેએ કરી હતી. તેમનો મુખ્ય ધર્મગ્રંથ ‘તાઓ-તે-ચિંગ’ હિન્દુઓના ભગવદ્ ગીતાની જેમ પવિત્ર અને પ્રમાણભૂત ગણાય છે. સારું અને ખોટું – એ ધર્મનાં બે પાસાં છે. આ દ્વન્દ્વના સંમિલનથી મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરે છે. સમગ્ર માનવજાતિ અભિન્ન છે.

કોન્ફ્યૂશિયસ ધર્મ : ચીનમાં કોન્ફ્યુશિયસે કોઈ નવા ધર્મની સ્થાપના કરી ન હતી. તેને બદલે સદાચારના નિયમોને પાળવાનો ઉપદેશ આપ્યો હતો. સદાચારના આ ઉપદેશથી ચીનમાં એક નવી ચેતના ઉદ્ભવી. એનાથી પ્રેેરાઈને તેમને ઘણા શિષ્યો મળ્યા.

શિન્ટો ધર્મ : હાલના જાપાનમાં બૌદ્ધધર્મ પાળવામાં આવે છે પણ તેનો પ્રાચીન ધર્મ શિન્ટો છે. શિન્ટોનો અર્થ થાય છે દેવતાઈ માર્ગ. આ ધર્મના કોઈ સ્થાપક નથી. પ્રાચીન કાળના વિભિન્ન લોકસમુદાયની પ્રણાલીઓ અને માન્યતાઓ પર આધારિત છે.

ખ્રિસ્તી ધર્મ : આજે ખ્રિસ્તી ધર્મનો વ્યાપ વિશ્વમાં સર્વત્ર જોવા મળે છે. ઈસુ ખ્રિસ્ત એના આદ્ય સ્થાપક છે. તેઓ પ્રેમના સંદેશવાહક પયગંબર તરીકે જાણીતા છે. ધર્મગં્રથ બાઈબલમાં ઈસુ ખ્રિસ્તના ઉપદેશોનું સંકલન કરવામાં આવ્યું છે. ‘તું તારા પાડોશીને તારી જેમ જ ચાહજે’ એમનો આ પ્રેમસંદેશ ખ્રિસ્તી મિશનરીઓ વિશ્વભરમાં ફેલાવે છે.

ઈસ્લામ ધર્મ : પયગંબર હઝરત મુહમ્મદે આ ધર્મની સ્થાપના અરબસ્તાનમાં કરી હતી. ‘કુરાને શરીફ’ તેમનો મુખ્ય ગ્રંથ છે. મક્કા-મદીના તેમનાં પવિત્રતમ તીર્થસ્થાનો છે. અલ્લાહ સિવાય બીજું કોઈ પૂજનીય નથી તથા મુહમ્મદ તેના રસૂલ છે. બધા સાથે ભાઈચારો રાખવો અને એકસરખો વ્યવહાર કરવો એ એમનો મુખ્ય ઉપદેશ છે. આ ધર્મના અનુયાયીઓ નિયમો અને વિધિવિધાનોનું ચૂસ્તપણે પાલન કરે છે.

સૂફીવાદ : સૂફીઓ માને છે કે તેનું મૂળ ઇસ્લામમાં અને મુહમ્મદ પયગંબર તેના આદ્યસ્થાપક છે. સૂફી લોકો ધ્યાન, સમાધિ, પ્રાર્થના, નામસ્મરણ અને કીર્તનમાં દૃઢ શ્રદ્ધા ધરાવે છે. એના દ્વારા પરમાત્માને પામવાના પથમાં આગળ વધી શકાય છે.

શીખ ધર્મ : આ ધર્મના સ્થાપક ગુરુનાનકદેવ પંજાબના લાહોરમાં જન્મ્યા હતા. ગુરુમુખી લિપિમાં આબદ્ધ શ્રીગુરુગ્રંથસાહિબ એમનો મુખ્ય ધર્મ ગ્રંથ છે. દસમા ગુરુ ગોવિંદસિંહે આ ગ્રંથને શીખોના ગુરુ સ્થાને સ્થાપિત કર્યો. નામસ્મરણ અને હુકમ પાલનને જ મોક્ષનો એક માત્ર માર્ગ બતાવ્યો છે.

આમ આ અંકમાં કોઈપણ વાચકને વિશ્વના મુખ્ય ધર્મો વિશેની વિગતો સાંપડશે.

ઋગ્વેદ (૧.૧૬૪.૧૪૬) માં ઋષિઓ ઘોષણા કરે છે, ‘एकं सद्विप्रा बहुधा वदन्ति’- સત્ય એક જ છે, ઋષિઓ તેને જુદા-જુદા નામે ઓળખાવે છે. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનમાં અનેક સાધનાઓ કરીને ‘યતો મત તતો પથ’ની નવી અનુભૂત વિભાવના આજના વિશ્વ સમક્ષ મૂકી છે અને એ દ્વારા સર્વધર્મ સમન્વયનો સર્વશ્રેષ્ઠ સંદેશ આપણી સમક્ષ રાખ્યો છે. પોતાના ગુરુદેવનો આ સંદેશ સ્વામી વિવેકાનંદે ૧૮૯૩ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં વૈશ્વિકસ્તરે પ્રસ્થાપિત કર્યો. તેમણે કહ્યું હતંુ કે શ્રીરામકૃષ્ણદેવનો દક્ષિણેશ્વરનો ઓરડો જાણે કે વિશ્વના ધર્મોના સમન્વય માટેનો એક અનન્ય સ્ત્રોત બની રહ્યો.

અમને એવી અપેક્ષા છે કે મોટાભાગના ભાવિકોને આ અંક ઉપયુક્ત અને સંતર્પક નીવડશે સાથે ને સાથે બધા ધર્મોની માહિતી મેળવીને સંતોષ અનુભવશે. આ બધા ધર્મોની વિસ્તૃત માહિતી માટે વાચકોને તેના સંદર્ભ ગ્રંથો વાંચવા પ્રેરશે.

Total Views: 512

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.