જુલેફ્ટોનેન (ક્રિસમસ ઇવ) 1904-05માં કાર્લ લાર્સોને આ વોટરકલર ચિત્ર બનાવ્યું હતું.

* ક્રિસમસ ઇવને- ક્રિસમસ ઇવનિંગ, ક્રિસમસ વિજિલ, ક્રિસમસ પહેલાંનો દિવસ, ક્રિસમસ પહેલાંની રાત પણ કહે છે.

* સામાન્ય રીતે ક્રિસમસ ઇવ 24મી ડિસેમ્બરે રાત્રે ક્રિશ્ર્ચિયનો ઊજવે છે. અત્યારે ખ્રિસ્તી ધર્મના અનુયાયી ન હોય તેવા બીજા ધર્મના અનુયાયીઓ પણ આ તહેવારની ઉજવણી કરે છે.

* આ એક ક્રિશ્ર્ચિયન તહેવાર છે એને એક ધાર્મિક-સાંસ્કૃતિક તહેવાર પણ કહી શકાય.

* ઇશુ ખ્રિસ્તના જન્મની સ્મૃતિમાં જન્મદિવસ પૂર્વેની સવારે કે સાંજે આ તહેવાર ઉજવાય છે.

* સામાન્ય રીતે કિશ્ર્ચિયનો ભેટ-સોગાદની ખરીદી કરે છે. સગાં-સંબંધીઓને ભેટ-સોગાદો આપે છે અને સગાં-સંબંધીઓની ભેટ-સોગાદોને સ્વીકારે છે. તેમને શુભેચ્છાઓ પાઠવે છે. મધ્યરાત્રિએ ઉપાસનાવિધિ માટેની સંગીતરચનાનું પણ આયોજન થાય છે. ચર્ચમાં ઉપાસનાવિધિ પણ થાય છે, ભોજનની વ્યવસ્થા થાય છે. ક્રિસમસની ભેટ-સોગાદો લાવનાર આવે ત્યારે તેમનું અભિવાદન કરવાની તૈયારીઓ થાય છે. આમ, તહેવારની ઉજવણી માટે વિવિધ તૈયારીઓ થાય છે.

******

નઝારેથના જિસસના જન્મની સ્મૃતિમાં આ તહેવાર નાતાલ પહેલાંના દિવસે સમગ્ર વિશ્વમાં સાંજે-રાત્રે ઉજવાય છે. તે દિવસે નાતાલની રજા પહેલાં ખ્રિસ્તી જગતમાં આખા કે અડધા દિવસની રજા હોય છે. પશ્ચિમના સમાજમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓમાં આ બન્ને દિવસ સૌથી વધારે મહત્ત્વના તહેવારો ગણાય છે.

સામાન્ય રીતે  પશ્ચિમમાં ક્રિશ્ર્ચિયનો ઘણા પ્રાચીન સમયથી 24મીની રાતે આ તહેવાર ઊજવે છે. આ દિવસની જાહેર ઉપાસના સૂર્યાસ્ત સમયે થાય છે. આ પ્રણાલી  જ્યુઈશ પ્રણાલીમાંથી આવી છે અને બૂક ઓફ જિનેસિસમાં સર્જનની વાર્તા પર આધારિત છે : ‘અને ત્યાં સાંજ હતી, અને સવાર પણ હતી- પ્રથમ દિવસ.’ આજે ઘણાં ચર્ચમાં સાંજે ઘંટ વગાડવામાં આવે છે અને પ્રાર્થના પણ થાય છે. ઇશુ ખ્રિસ્તના જન્મની પ્રણાલિકા પ્રમાણે મધ્યરાત્રિએ ઉપાસનાવિધિરૂપે ક્રિસમસ સંધ્યાની ઉજવણી સંગીત સાથે થાય છે. ઇશુ ખ્રિસ્તનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો, એટલે જર્મનીમાં Heilige Nacht, સ્પેનીશમાં Nochebuena (શુભરાત્રિ) કહેવાય છે. આવો જ ભાવ ‘Silent Night, Holy Night’  જેવા ગીતમાં અભિવ્યકત થાય છે.

આ તહેવાર સાથે મિત્રો અને કુટુંબીજનોનો મેળાવડો, ક્રિસમસ કેરોલ્સનું ગાન, રંગબેરંગી લાઈટ અને કાગળથી ક્રિસમસ ટ્રીની સજાવટ, ભેટ-સોગાદની આપ-લે વગેરેની થતી તૈયારીઓ પણ જોવા મળે છે. ક્રિસમસની ભેટ સાથેનું ‘શાંતાક્લોસ, ફાધર ઓફ ક્રિસમસ અને સેન્ટ નિકોલસ’નાં ચિત્રો પણ જોવા મળે છે. બાળકોને આ તહેવારની ઉજવણીનો આનંદ માણતાં જોઈ શકાય છે.

Total Views: 572

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.