“…માનવભાષા, અંદર રહેલા સત્યને બહાર વ્યક્ત કરવા માટેનો પ્રયત્ન છે. મારી પૂરી ખાતરી છે કે જેની ભાષા સમજાય નહીં તેવા શબ્દોની બનેલી હોય છે, તે એક બાળક પણ સર્વોચ્ચ તત્ત્વજ્ઞાન વ્યક્ત કરવાની કોશિશ કરી રહ્યું હોય છે; માત્ર બાળક પાસે તે વ્યક્ત કરવાની ઇન્દ્રિયો કે સાધન નથી. સર્વોચ્ચ તત્ત્વવેત્તાઓની ભાષામાં અને બાળકોના શબ્દોમાં ફેર માત્ર તારતમ્યનો હોય છે, વસ્તુનો નહીં.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ. ૨, પૃ. 300)

જાે માનવજીવનનો ઉદ્દેશ ઈશ્વરપ્રાપ્તિ કે આત્મસાક્ષાત્કાર જ હોય તો માનવીની વાણીનું સર્વોચ્ચ લક્ષ્ય પણ ઈશ્વરનાં સ્તુતિ-ગુણગાન કે ત્યાગ-વૈરાગ્યમય વેદોની ઋચાઓનું આવાહન કરવું જ હોઈ શકે.

નવજાત શિશુ કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, વગેરે દુર્ગુણોથી સંપૂર્ણ નિર્લિપ્ત હોય છે. જ્યાં સુધી સંસારના િવષચક્રમાં પડી એને અસત્‌નો સહારો લેવો પડતો નથી ત્યાં સુધી એના હાસ્યરંજિત ચહેરા ઉપર આત્મપ્રકાશ આપણે સ્પષ્ટ જાેઈ શકીએ છીએ. આપણું મન જ્યાં ઈશ્વરીય પ્રકાશ હોય ત્યાં સહજે આકર્ષાય છે. માટે જ આપણા સહુમાં બાળકો પ્રત્યે અનાયાસે સ્નેહ જન્મે છે.

અને જાે એ દેવશિશુ હોય તો વાત જ શી! ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માં સ્વામી સારદાનંદ શ્રીરામકૃષ્ણદેવના જન્મના સમયે તેમનાં માતુશ્રી ચંદ્રામણિદેવીમાં આવેલ પરિવર્તન વર્ણવે છેઃ

“ચંદ્રાદેવી પડોશનાં છોકરાઓ પર હંમેશાં પોતાનાં સંતાનો સરખો પ્રેમ રાખતાં. ખુદીરામે જોયું કે એમની એ વત્સલતા હવે સહુ દેવતાઓ ઉપર પણ ઢળી રહી છે. શ્રીરઘુવીરને હવે તે ખરેખર પોતાના પુત્રરૂપે નિહાળે છે અને શ્રીશીતળાદેવી અને શ્રીરામેશ્વરનું બાણલિંગ પણ એમના હૃદયમાં એવું જ સ્થાન પામેલાં છે.

“આ પહેલાં આ બધાં દેવતાઓની સેવા સમયે તેમનું અંતર શ્રદ્ધાપૂર્ણ ભયથી હંમેશાં ભરેલું રહેતું; પણ હવે વ્હાલપે આવીને એ ભયને જાણે ક્યાંયે ભગાડી મેલ્યો છે. દેવતાઓની સમક્ષ હવે એમને નથી રહ્યો કશો ભય, નથી રહ્યો સહેજે સંકોચ, નથી રહ્યું કાંઈ છુપાવવાનું કે માગવાનું! એની જગાએ રહેલ છે ફક્ત એમને પોતાનાં જણ્યાંથી યે વધુ વહાલા ગણવાનું, એમના સુખ ખાતર સર્વસ્વ ન્યોચ્છાવર કરવાની ઇચ્છા અને એમની સાથેના ભવોભવની ગાંઠે જોડાયાનો ઉલ્લાસ.”

(શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, ભાગ-૧, પૃ.૫૩)

સ્વામી વિવેકાનંદ કહે છે:

“કાળ મનની સાથે જ શરૂ થાય છે; દેશ પણ મનમાં જ છે. કાળના ખ્યાલ સિવાય કાર્યકારણ ભાવ ટકી શકે નહીં. પરંપરાના ખ્યાલ સિવાય કાર્યકારણ ભાવ હોઈ શકે નહીં. તેથી દેશ, કાળ અને નિમિત્ત મનમાં જ છે; તેમ જ આત્મા મનથી પર અને નિરાકાર હોવાથી દેશ, કાળ અને નિમિત્તથી પણ પર હોવો જોઈએ. હવે જો તે દેશ, કાળ અને નિમિત્તથી પર હોય તો તે અનંત જ હોવો જોઈએ.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૨.૩૦૪)

જેમ જેમ માનવ સભ્યતાનો વિકાસ થતો ગયો તેમ તેમ આપણે સમજતા ગયા કે આપણા અંતરમાં રહેલ આત્મન્‌ કેટલો અનંત છે અને રાત્રીના સમયે જ્યારે આપણે આકાશમાં જોઈએ છીએ ત્યારે જે બ્રહ્માંડ દેખાય છે એ પણ કેટલું અનંત છે.

આપણું સાચું સ્વરૂપ છે આત્મા. આ આત્મા ઉપર અજ્ઞાનરૂપી આવરણ છવાઈ જવાથી આપણાં મન અને ઇન્દ્રિયો બને છે. જેવી રીતે આપણે રાત્રે રસ્તા પર ચાલતાં ચાલતાં એક દોરડાને સાપ સમજી બેસીએ છીએ, એવી જ રીતે અજ્ઞાનવશત: આપણે અજ્ઞાનજનિત મન અને ઇન્દ્રિયો દ્વારા બાહ્ય પ્રકૃતિને જોઈએ છીએ અને એને ગ્રહો અને તારાઓથી ભરપૂર અનંત બ્રહ્માંડ સમજી બેસીએ છીએ.

સાપ અને તેની ઉપર દોરડાનો ભ્રમ જેમ એક જ છે, એમ જ આત્મા અને બ્રહ્માંડ એક જ છે. માટે જ સ્વામીજી કહે છે, કાળ એટલે કે સમય અને દેશ એટલે કે અવકાશ અથવા બ્રહ્માંડ અજ્ઞાનજનિત મનની સાથે જ શરૂ થાય છે અને મનમાં જ છે. અને જેમ આત્મા આ અજ્ઞાનજનિત મન અને ઇન્દ્રિયોથી પર છે તેમજ એ મન અને ઇન્દ્રિયગ્રાહ્ય અવકાશ અને સમયથી પણ પર હોવો જોઈએ.

જો આત્મા અવકાશની સીમાઓથી બદ્ધ ન હોય અને સમયની સાથે તાલ ન મિલાવતો હોય તો એ નિરાકાર અને અનંત જ હોવો જોઈએ.

Total Views: 594

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.