ઈચ્છાશક્તિ કેવી રીતે કેળવવી

સૌ પ્રથમ તો આવા સાદા સીધા વ્યાયામથી શરૂ કરો.

* અઠવાડિયામાં એક દિવસ એક વખત ભોજન  ન લેવું. શરૂઆતમાં થોડું ઘણું ફળપ્રસાદ જેવું લેવું. પછી એ પણ બને તો બંધ કરી દેવું.

* અઠવાડિયામાં અર્ધો દિવસ મૌન પાળો. તમારો આ સમય જો તમે ટેવ પાડી હોય તો વાચન-ધ્યાનમાં ગાળો. નિરર્થક વિચારોથી પણ દૂર રહેવું. આ નિરર્થક વિચાર એટલે મનોમન વાત કરવી. ઊંઘીને સમય વીતાવવો નહિ, એને મૌન ન કહેવાય.

મને એક ઘટના યાદ આવે છે. એક વખત એક પાર્ટીમાં ચૌદ ભાષા જાણનાર વ્યક્તિએ કોઈ પણ જાતના ઉચ્ચારણ કે વાતચીત કર્યા વિના શાંતિ જાળવી. બીજા બધાએ તો મન ભરીને ગપ્પાં માર્યાં, વાતચીત પણ કરી લીધી. અંતે એક વ્યક્તિએ પેલા માણસને ધન્યવાદ આપતાં કહ્યું: ‘આપણા આ મિત્રે ચૌદ ભાષાઓમાં મૌન જાળવ્યું!’ જ્યારે કોઈ પણ માણસ એક ભાષા જાણતો હોય તો એને માટે ચૂપ રહેવું ઘણું મુશ્કેલી બની જાય છે, તો આટલી બધી ભાષાઓ જાણનાર માણસ શાંત કે મૌન રહે એના મહાન પરાક્રમની કલ્પના તો કરો!

* જો તમને ટેવ હોય તો અઠવાડિયામાં એક વખત ચા-કોફી ન લો. પણ આવો અમલ કરવા જતાં બીજી કોઈ વધારાની કુટેવ પાડતા નહિ. દા.ત.  તમે એક વખતનું ભોજન કે ચા-કોફી છોડવા અથવા મૌન પાળવા ચલચિત્ર જોવા જાઓ, તો એ કુટેવ ગણાય.

તમારા ક્ષેમકલ્યાણમાં રસરુચિ ધરાવતા તમારા મિત્રોની મદદ તમે લઈ શકો. એમની મદદ સિવાય એકલે હાથે આવું કપરું કામ કરવું ઘણી વખત મુશ્કેલ બની જાય. પણ એટલું ધ્યાન રાખજો કે બધા મિત્રો નથી હોતા. કોઈ તો એવા પણ હશે કે જે તમને તમારા વ્રતથી ડગાવી દે.

આવા વ્રત નિયમના ચોક્કસ દિવસની આતુરતાથી રાહ જોવી. એકાદ દિવસ પહેલાં એ માટે તમારા મનને તૈયાર કરી લેવું. એનાથી એ વ્રતપાલન વખતે તમારા મનને અંકુશમાં રાખવું સરળ બનશે. વળી તમે કોઈ ઉપચારાત્મક પ્રક્રિયા સાથે પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા પ્રયત્ન કરશો તો તે જરૂર ઉપયોગી નીવડશે અને તમને સફળતા મળશે, એ વાત નિ:શંક છે.

આપણું મન તો બાળક જેવું છે. એટલે આપણે એને આજ્ઞાંકિતતામાં ફોસલાવીને કેળવવું પડે. મન તો સફેદ કપડા જેવું છે. આપણે જે રંગમાં એને બોળીએ એવો રંગ એ લઈ લે. એવી જ રીતે મન પણ સૂચનો અને વિચારો ગ્રહણ કરી શકે છે. સારા અને પ્રબળ વિચારો આપીને આપણે આપણા મનને પૂરતું પોષણ આપી શકીએ છીએ અને એને પ્રબળ બનાવી શકીએ છીએ.

 આ બધી બાબતો સ્વશિસ્ત કે શિસ્ત કેળવવામાં સહાયરૂપ થાય છે અને એ આપણને આત્મશ્રદ્ધા તરફ દોરી જાય છે. આત્મશ્રદ્ધા જ સફળતાની ચાવી છે. સ્વામી વિવેકાનંદે એક શ્લોક દ્વારા આ વાત સમજાવી છે. આપણે આ શ્લોક કંઠસ્થ કરી લીધા જેવો છે :

કિં નામ રોદિષી સખે ત્વયિ સર્વશક્તિ: ।
આમંત્રા: યસ્વ ભગવાન ભગદં સ્વરૂપમ્‌ ॥
ત્રિલોક્યમેતાદખિલં તવ પાદમૂલે ।
આત્મૈવ હિ પ્રભવતિ ન જડ: કદાચિત્‌ ॥

અરે મિત્ર! શા માટે રડે છે? બધી શક્તિ તો તમારી ભીતર જ છે. તમારી અસલ ઉમદા પ્રકૃતિને પુકારો, ત્રણેય જગત તમારાં ચરણે પડ્યાં છે. (શા માટે?) આત્મા જ એક શાશ્વત કે અનંત છે, નહિ કે દેહને નામે ઓળખાતો આ જડદેહ.

માનવીના જીવનમાં આવતી બધી પછડાટો શારીરિક કક્ષાની હોય છે અને તે ક્ષણિક હોય છે. વાસ્તવિક રીતે તો આત્માની કક્ષાએ તો દિવ્યતા જ રહેલી છે અને તે હંમેશાં પોતાનું ચૈતન્ય પ્રગટ કરે છે. પછડાટની પળે થોડીવાર માટે વાદળાંઓથી સૂર્ય ઢંકાઈ જાય એવું બને છે. આકાશમાંથી વાદળાંઓ દૂર થતાં સૂર્ય જેમ પોતાના પૂર્ણ પ્રકાશથી ઝળહળી ઊઠે છે; આપણી બાબતમાં પણ જીવનમાં આવતાં આવાં વિઘ્નો સમય પૂરતાં આપણી પ્રગતિને રુંધી નાખે છે; પણ કાયમને માટે નહિ. આ આદર્શને મનમાં રાખીને દરેક વ્યક્તિએ જીવનમાં ઊંચે આવવા માટે પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરી છૂટવા જોઈએ.

હવે તમે આવા અભ્યાસો પણ કરી શકો છો. આ થોડી વધુ વિકસિત અભ્યાસટેવો છે, પણ એ બધી અભ્યાસ ટેવો તમારી ઇચ્છાશક્તિમાં વૃદ્ધિ કરશે એ વાત ચોક્કસ છે :

અશક્યને પણ અજમાવી જુઓ:

સૌ પ્રથમ તો આ વિશ્વમાં કંઈ અશક્ય નથી. કોઈ પણ અશક્યને શક્ય બનાવવા માટે ઘણો લાંબો સમય લાગે અને એમાં ઘણા ભવ્ય પ્રયત્નો પણ કરવા પડે. આપણને જે અશક્ય લાગે છે તે વિચારવાની આપણી એક રીત છે. બીજા અભિગમથી વિચારવાથી એ બાબત શક્ય પણ બની શકે, એટલે અભિગમની જરૂર છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિએ જુદી રીતે વિચારવું જોઈએ અને વિવિધ અભિગમોને કામે લગાડવા જોઈએ. જરૂર પડે તો જીવનમાં જુદી રીતે વિચારતા કેટલાક લોકોની સહાય પણ લઈ શકાય. સામાન્ય રીતે લોકો પ્રણાલીગત રીતે વિચારતા હોય છે.  પણ કેટલાક માણસો એવા હોય છે કે તે કોઈ પણ સમસ્યા વિશે અલગ રીતે જ વિચાર કરી શકે અને જીવનમાં પોતાનું લક્ષ્ય સાધી શકે છે.

જવાહરલાલ નહેરુના જીવનમાં એક વાત આવે છે. જ્યારે જવાહરલાલ નહેરુ નાના હતા ત્યારે તેઓ પોતાના મિત્રો સાથે દડાની રમત રમતા હતા. એકાએક દડો એક ઊંડા ખાડામાં પડી ગયો. બીજા બધાએ લાકડીઓ, દોરી વગેરે નાખીને દડાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયા. એકાએક બાળ નહેરુના મનમાં એક અજબની તરકીબ સૂઝી આવી. તેણે એક ડોલ ભરીને પાણી લીધું અને ઊંડા ખાડામાં નાખ્યું. દડો બધાના આનંદની સાથે પાણી પર તરતો બહાર આવી ગયો.

અનિવાર્યતાના ખ્યાલ વિના કામ કરો

આ દુનિયામાં કશુંય અનિવાર્ય નથી. આપણે કોઈ પણ વ્યક્તિ કે બાબત પર આધાર રાખવા ટેવાયેલા છીએ. એવું પણ વિચારીએ છીએ કે કોઈ ચોક્કસ બાબત કે વ્યક્તિ આપણા માટે અનિવાર્ય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘આ દુનિયા તમારી કે મારી રાહ જોતી નથી.’

દરેક વ્યક્તિ અને દરેક ચીજવસ્તુઓ માટેની પ્રકૃતિ પોતાની ખોટ-ખાધનું પૂરણ શોધી લે છે. આપણે અનિવાર્ય છીએ એવી આપણી ધારણા એ આપણી પોતાની જ કલ્પના છે. મુંઝવણભરેલી પરિસ્થિતિ કે વિચારણામાંથી બહાર આવવાના પ્રયત્નમાંથી નવી દિશા શોધવાનાં બારણાં ખૂલે છે અને આપણા જીવનને એ સમૃદ્ધ પણ બનાવી શકે છે.

અસહિષ્ણુતાને સહન કરો

જવાબદારી એટલે આપણા ખભે મૂકેલું વજન. આપણે એ ઉપાડવું જ રહ્યું. શાકુંતલમાં કાલીદાસ કહે છે: ‘રાજ્યં સ્વહસ્ત ઘૃતા દંડમિવ આતપતરામ.’ રાજ્ય તો હાથમાં રહેલી છત્રી જેવું છે.

છત્રી આપણને વરસાદ અને સૂર્યના તાપથી બચાવે છે. છત્રીથી થતો ફાયદો આ છે. પણ આ લાભ મેળવવા આપણે એનું વજન ઉપાડવું પડે. જવાબદારીઓ પણ આવી જ છે. જ્યારે તમે જવાબદારી ઉપાડો તો તમને ફાયદો મળે. જે કોઈ પણ પ્રકારનો બોજો કે જવાબદારી લેવામાંથી બચવા ઇચ્છે છે તેઓ કોઈ પણ બાબત માટે જવાબદાર બની ન શકે. આ વિશ્વમાં ક્યાંય આવા લોકોની જરૂર નથી. જ્યારે આપણે સમુહમાં કામ કરીએ છીએ ત્યારે ઘણા લોકોના વર્તનને સહી લેવું પડે છે. કોઈ સમુહને દોરવણી આપવી એ નાની માના ખેલ નથી. સહનશીલતા એ જ નેતૃત્વની સાચી કસોટી છે.

સ્વામી વિવેકાનંદે એક સ્થળે કહ્યું છે: ‘મારા મિત્રો, શું નેતાઓ બનાવી શકાય? નેતા તો જન્મે છે. તમને આ વાત ગળે ઊતરે છે? અને વળી નેતાનો રોલ અદા કરવો એ ઘણું ભગીરથકાર્ય છે. એ માટે તો વ્યક્તિએ દાસનાયે દાસ થવું પડે. અને હજારો મનની સાથે ગોઠવાવું પડે. આમ છતાં પણ ક્યાંય ઈર્ષ્યા કે સ્વાર્થનો પડછાયોય પડવો ન જોઈએ; તો અને તો જ તમે સાચા નેતા બની શકો.’

કંઈક મહત્ત્વની સિદ્ધિ તમે મેળવવા ઇચ્છતા હો તો સમુહમાં કામ કરવું અનિવાર્ય છે. અને એના માટે નેતાઓની જરૂર છે. તો પછી અનુયાયીઓનું શું? જો અનુયાયીઓ જ ન હોય તો આપણે કોને દોરવણી આપવાના? કોઈ પણ મહાન કાર્યને પૂરું કરવા માટે અનુયાયી ખરેખર સાચો અનુયાયી હોય એ આવશ્યક છે. કોઈ પણ અનુયાયીને પોતાની રીતે અનુસરવાનું પસંદ હોય તો એ સમુહ માટે યોગ્ય ન ગણાય. સમુહ તો એક કુટુંબ, મોટી કચેરી કે ફૂટબોલની ટીમ જેવો છે. એ કંઈ હંમેશાં બહુ વિશાળ હોય એ જરૂરી નથી.

સમય સાથે તમારા પ્રયત્ન પણ ચાલુ રાખો

ઘણા લોકો થોડા સમય માટે કામ કરવાનો પ્રયત્ન કરે છે અને પછી હતાશ મને કે નિષ્ફળતા માટેનાં લૂલાં બહાનાં કાઢે છે તેમજ બીજા બધાનો દોષ કાઢે છે. પોતે તો બરાબર જ છે એમ ધારી પણ લે છે. આ રીત સાચી નથી. તમે શું તમારાથી બનતું બધું કર્યું

છે? રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે એક વાત કહી હતી:

‘મહાસાગરમાં એક વહાણ જઈ રહ્યું હતું. ડેક પરથી એકાએક અકસ્માતે એક છોકરો દરિયામાં પડી ગયો. તે તરવાનું જાણતો હતો એટલે એ તરવાની મથામણ કરતો રહ્યો અને પોતે પાણી પર તરતો રહ્યો. પણ ક્યાંયથી સહાયની આશા ન હતી. તે થાકી ગયો હતો છતાં પણ એણે તરવાનું ચાલુ રાખ્યું અને પાણી ઉપર જ રહેતો હતો. અંતે એ ડૂબવાની તૈયારીમાં હતો ત્યારે એક જીવન રક્ષક હોડી નીચે ઉતારવામાં આવી અને છોકરાને બચાવી લેવાયો. જો છોકરાએ મથામણ કરી ન હોત કે તરવાની મથામણ કરવાનું છોડી દીધું હોત તો તે ડૂબી ગયો હોત. એટલે કે સફળતાનો કોઈ સંકેત જણાતો ન હોય ત્યારે પણ આપણે મથામણ ચાલુ રાખવી એ આવશ્યક જ છે. ’

જીવનમાં ભાવાત્મક દૃષ્ટિકોણથી આપણી ઇચ્છાશક્તિને વિકસાવવી એ એક બીજી મહત્ત્વની વસ્તુ છે. સ્વામી વિવેકાનંદે વારંવાર ઉપદેશેલ ‘આત્મશ્રદ્ધા કે આત્મવિશ્વાસ’ આપણને સહાય કરે છે. જેમને પોતાનામાં શ્રદ્ધા છે તેમની પાસે પ્રબળ ઇચ્છાશક્તિ પણ હોવાની જ. આપણે બધા અભાવાત્મક વિચારોને અવગણવા જોઈએ અને દરરોજે દરરોજ મનને નવા અને ભાવાત્મક તેમજ પ્રેરણાદાયી વિચારો આપવા જોઈએ. દરેકે દરેક નિરાશા એ આપણામાં નવી ઊર્જા પૂરવાનું સ્થાન છે.

ધર્મના માણસો માટેનો રામબાણ ઈલાજ

શ્રી જે.પી. વાસવાણીએ કહ્યું છે: ‘તમારાથી થતું સર્વોત્તમ કાર્ય તમે કરો અને તમારી સમસ્યાઓ ઈશ્વરને સોંપી દો. તે તમારા વરિષ્ઠ સંગાથી છે.’ આપણી સમસ્યાઓમાં ઈશ્વરની સહાય લેવી એ વિશે એક વાર્તા છે.

એક નાનો છોકરો હતો. તેને ભારે વજન ઉપાડવામાં મુશ્કેલી પડતી હતી. બરાબર એ જ વખતે એના પિતાજી આવી ચડ્યા. છોકરાની નિષ્ફળતા જોઈને તેમણે પૂછ્યું: ‘ભાઈ, શું તું તારી પૂરેપૂરી શક્તિ વાપરે તો છે ને?’ છોકરાએ આશ્ચર્ય અને અધીરતા સાથે કહ્યું: ‘હા. હું એમ જ કરું છું.’ એ સાંભળીને પિતાએ જવાબ આપ્યો: ‘ના. તું એમ કરતો નથી. હું અહીં રાહ જોઈને ઊભો છું અને તેં હજી સુધી મારી મદદ માગી નથી!’

ક્યારેક ક્યારેક આપણે એવી પરિસ્થિતિનો સામનો કરીએ છીએ કે જેનો ઉકેલ આવતો નથી અથવા આપણો બોજો એટલો બધો ભારી છે કે આપણે ઊંચકી શકતા નથી, ત્યારે આપણે આપણી જાતને આટલું પૂછવું જોઈએ: ‘શું આપણે આપણી બધી શક્તિઓ કામે લગાડી છે? અને વળી ઈશ્વર પણ આપણને મદદ કરવા તૈયાર છે.’

અલબત્ત, આપણા જ બળ ઉપર અતિ આધાર રાખવો એ પણ મૂર્ખતા છે. જે લોકો ખરેખર આપણને મદદ કરી શકે એવા લોકોની મદદ આપણે લેવી પણ જોઈએ. કોણ એમ કહે છે કે આપણે આપણી મેળે જ બધું કરી નાખીશું અને કોઈની સહાય નહિ લઈએ? શું આપણે માંદા હોઈએ ત્યારે સારવાર માટે ડોક્ટર પાસે જતા નથી! અલબત્ત, સહાય માટે કોને કહેવું એ એક શાણપણનો પ્રશ્ન છે.

સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના અનુયાયીઓએ અનુભવેલી શક્તિ વિશે એક શ્લોક લખ્યો છે :

કુર્મસ્તારકચર્વણમ્‌ ત્રિભુવનમ્‌ ઉત્પાટયામો બલાત્‌।
કિં ભો: ન વિજાનાસિ અસ્માન્‌ રામકૃષ્ણ દાસાવયમ્‌ ॥

અમે આકાશના તારલાને ભાંગીને ભૂક્કો કરી નાખીએ, આ ત્રિભુવનને હચમચાવી મૂકવા અમે પૂરતા શક્તિમાન છીએ. અમે કોણ છીએ એ તમે જાણો છો, અમે તો શ્રીરામકૃષ્ણના દાસ છીએ.

બાઈબલમાં પણ આ વિશે કહ્યું છે:

‘જો ઈશ્વર મારી પડખે ઊભા હોય તો મારો વિરોધ કોણ કરી શકે? હું ઈશ્વર દ્વારા બધું કરીશ, એ જ મને શક્તિમાન બનાવે છે.’

૨૪. ઉપસંહાર

સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘આ વિશ્વમાં ઈશ્વરનો પથ સૌથી વધુ કપરો, કઠિન અને પથરાળ છે. ઘણા લોકો સફળ થાય છે એ એક નવાઈની વાત છે અને કેટલાય લોકો નિષ્ફળ થાય છે એમાં પણ કંઈ આશ્ચર્યની વાત નથી. હજારો ઠેસઠોકરોની વચ્ચે પણ ચારિત્ર્યને પ્રસ્થાપિત કરવું જોઈએ.’

પોતાની જાત પર સંયમ મેળવવા સતત મથવાથી માનવને મનની રહસ્યમય જટિલતાઓનું જ્ઞાન મળે છે. સાથે ને સાથે દિવ્ય જ્ઞાન જ માનવને શાંતિમાં પ્રસ્થાપિત કરવા સક્ષમ બનાવે છે. આ જ્ઞાન વિના મનની શાંતિ ચિરસ્થાયી ન બની શકે. સાથે ને સાથે જે લોકો લાલસાભરી લાગણીઓથી દોરવાઈ જાય છે, તેઓ જ્યાં શાંતિનું રાજ્ય છે, એ પવિત્ર સ્થળે પહોંચી ન શકે. નિર્બળ મનવાળો માણસ તોફાની વછેરા પર ચડેલ વ્યક્તિ જેવો છે. પછી એ વછેરો એને મન ફાવે ત્યાં લઈ જાય છે.

જ્યારે પ્રબળ મનોબળ ધરાવતો વ્યક્તિ પણ એક વછેરા ઉપર જ સવાર થયો છે. પણ પોતાના હાથની લગામથી એને અંકુશમાં રાખીને ચલાવે છે. પરિણામે જે દિશામાં એને જવાનું છે એ તરફ એ જાય છે અને જેટલી ઝડપથી જવાની આજ્ઞા આપે છે, એટલી ઝડપે જાય છે.

જે વ્યક્તિ ચૈતન્યમય કે દિવ્ય બન્યો છે કે બની રહ્યો છે એને માટે ચારિત્ર્યના તાજનો મુકુટમણિ શાંતિ છે. સાથે ને સાથે પોતાના સંપર્કસંબંધમાં આવતા બધા લોકોને આશ્રય આપે છે અને શાંતિ પણ આપે છે. જેમને જેમને હજી નિર્બળતા કે સંશય છે તેમણે શાંત, આશ્રયદાતા મનની ઉપસ્થિતિમાં રહેવું. એને લીધે મુંઝવણમાં ફસાયેલ,લથડિયાં લેતા મનને પ્રેરણા રૂપ બનશે અને પોતપોતાની દુ:ખદ પળમાં દુ:ખદર્દને ઓછાં કરવામાં અને સુખચેન આપવામાં મદદરૂપ બનશે.

એટલે જ કહું છું કે તમે તમારી જાતનો હવાલો સંભાળી લો તો તમે તમારા પોતાના ચાલકબળ બની શકો.

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.