૨૨. ઈચ્છાશક્તિ
લોકોના જીવનની સફળતા અને નિષ્ફળતાની બધી વાતો માટે જુદાં જુદાં કારણ હોય છે. પરંતુ દરેક સફળ પુરુષના જીવનમાં એક પાસું અનિવાર્યપણે સામાન્ય જોવા મળે છે અને તે છે ઇચ્છાશક્તિ. માણસ પોતાના જીવનમાં જેટલા પ્રમાણમાં સફળતા મેળવે છે એનું માપ એણે કેળવેલી ઇચ્છાશક્તિથી કાઢી શકાય.
હવે પ્રશ્ન ઊભો થાય: ‘આ ઇચ્છાશક્તિ કેવી રીતે વિકસાવવી?’ આ પ્રશ્ન ખરેખર દરેક વ્યક્તિના જીવનમાં ઘણોમહત્ત્વનો બની જાય છે. આ ઇચ્છાશક્તિને સુયોગ્ય રીતે કેળવવા માટે બાળપણથી માંડીને અપાતી આપણી શિક્ષણપ્રણાલીનો એક મહત્ત્વનો અંશ બની જવો જોઈએ. જો એમ ન બને તો આપણું શિક્ષણ અપ્રાસંગિક છે.
હવે દુર્ભાગ્યની વાત તો એ છે કે આપણને ઇચ્છાશક્તિ કેળવવાનો આદર્શ બાળપણથી શીખવવામાં આવતો નથી. પરિણામે અત્યારે એ આપણે શીખવું પડે છે, આ સમયે આપણી ઉંમર અને પરિસ્થિતિ ભલે ગમે તે હોય! એનું કારણ એ છે કે ઇચ્છાશક્તિનો ઉપયોગ કર્યા વિના આપણે આપણું વ્યક્તિત્વ કે વ્યક્તિમત્તા કેળવી શકતા નથી.
બીજી બાજુએ જો આપણે ઇચ્છાશક્તિ ધરાવતા હોઈએ તો આપણે બીજું બધું ગુમાવી દઈએ તો પણ આપણી બેહાલ દશામાંથી સંપૂર્ણપણે ઊભા થવાની શક્યતા રહે છે. સાથે ને સાથે આપણે આપણા વ્યક્તિગત અને સામાજિક જીવનમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. જો માણસની પાસે ઇચ્છાશક્તિ હોય તો શૂન્યમાંથી પણ સર્જન કરી શકે અને જો માણસમાં ઇચ્છાશક્તિ ન હોય તો એની બધી શક્તિઓ અને ક્ષમતાઓ નિરર્થક બની રહેશે.
ઉપરની બાબત પરથી આપણે પૃથક્કરણ કરીને આટલું તારણ તારવી શકીએ કે આપણી ઇચ્છાશક્તિની નિષ્ફળતા એ આપણા દૈનંદિન જીવનમાં આવતાં કઠણાઈ અને દુ:ખકષ્ટ માટે જવાબદાર છે. આપણામાંથી ઘણાને એ બાબતનો ખ્યાલ નથી કે આપણી ભીતર કેટલી ભલાઈ, શક્તિ અને મહાનતા પડેલી છે; સાથે ને સાથે આપણે એ પણ જાણતા નથી કે આ બધી શક્તિઓ કેવી રીતે પોતાની મેળે આવિર્ભૂત થવા પ્રયત્ન કરે છે. આપણે આપણી ઇચ્છાશક્તિને કેવી રીતે નિષ્ફળ ન થવા દેવી એ સમજવાની સૌથી મહત્ત્વની બાબત છે. આની ખાતરી મેળવવી એટલે ઇચ્છાશક્તિને કેળવવી એ એકમાત્ર માર્ગ છે.
ઇચ્છાશક્તિ છે શું? સ્વામી વિવેકાનંદ આપણને કહે છે કે ઇચ્છાશક્તિ એ મન અને આત્માનું સંયોજન છે. તેઓ કહે છે : ‘આ ઇચ્છા ચારિત્ર્ય દ્વારા નિષ્પન્ન થાય છે અને ચારિત્ર્ય કર્મ દ્વારા ઘડાય છે. જેવું કર્મ એવું ઇચ્છાનું પ્રગટીકરણ.’ દરેકેદરેક માણસમાં થોડેઘણે અંશે ઇચ્છાશક્તિ હોય છે, એમાં કોઈ શંકા નથી. પણ વ્યક્તિએ વ્યક્તિએ એના પ્રમાણમાં ફેરફાર હોય છે.
આપણે કર્મ કરીને આપણી ઇચ્છાશક્તિને વિકસાવી શકીએ છીએ. કર્મ કરવા માટે શિસ્તની જરૂર છે અને શિસ્ત ઇચ્છાશક્તિને વધારે છે. કોઈ અશિસ્ત વ્યક્તિ ગંભીર પ્રકારનું કાર્ય કરી શકે ખરો? જ્યારે આપણે ‘શિસ્ત’ નામનો શબ્દ ઉચ્ચારીએ છીએ ત્યારે જાણે કે એ અનિચ્છનીય હોય એમ લોકો ભવાં ચડાવે છે. એનું કારણ એ છે કે સામાન્ય રીતે કોઈ બીજાએ કોઈ વ્યક્તિ પર શિસ્ત લાદેલી હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ આ દુનિયાને સમજવા માટે નાનો હોય ત્યારે આ આવશ્યક ગણાય. પણ જેમ જેમ એ મોટો થતો જાય છે તેમ તેમ પોતાની જાતને શિસ્તબદ્ઘ કેવી રીતે રાખવી એ બરાબર સમજી શકે. એને સ્વશિસ્ત કહેવાય.
કોઈ મોટી નદીનું ઉદાહરણ લઈએ. એ પૂરપાટ વહે છે અને નદીને કિનારે વસેલા લોકોનાં માલમિલકતને અવારનવાર નુકશાન પણ કરે છે. જો આ નદીના પાણીની શક્તિને કોઈ ઉપયોગી હેતુ માટે કામે લગાડવાની હોય તો તેના પર આપણે બંધ બાંધવો પડે. સાથે ને સાથે નદીના પાણીની શક્તિને નાથવા પ્રવાહ પર મશીનરી લગાડીને વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય. નદીની સ્વતંત્રતાને નિયમનમાં મૂકવા જેવું આ લાગશે. પરંતુ નદીની શક્તિને સંયમિત કરવાનો ફાયદો તો જુઓ!
આવી જ રીતે યુવાનોની શક્તિને પણ યોગ્ય સાધનોથી યોગ્ય દિશામાં વાળીને તેનો ઉપયોગ કરી શકાય. આને શિસ્ત કહે છે. અશિસ્તવાળી યુવાશક્તિ વ્યક્તિ તેમજ સમાજ બંને માટે ખંડનાત્મક બની જશે. બીજી બાજુએ શિસ્તબદ્ધ યુવાશક્તિ અનેક રીતે સમાજ અને વ્યક્તિને ઉપયોગી નીવડે છે.
સ્વામી વિવેકાનંદની મુખ્ય ચિંતા આ હતી કે યુવાન વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાના જીવન શિસ્તબદ્ધ બનાવી શકે. તેમણે ભારતના યુવાનોને ધ્યાનમાં રાખીને ઘણાં સંભાષણો આપ્યાં છે. તેમણે કહ્યું છે : ‘બધી જ જવાબદારી તમારા ખભે ઉપાડી લો અને તમે જ તમારા ભાગ્યના નિર્માતા છો એ જાણી લો. તમે ઇચ્છો છો એ બધી શક્તિ અને સહાય તમારી ભીતર જ છે.’
બધી જવાબદારી તમારા શિરે છે એ એક વખત તમે જાણી લો એટલે તમે બેજવાબદાર રીતે કે ગેરશિસ્ત સાથે વર્તી ન શકો. કોઈ બસનો માલિક પોતાની બસને આગ લગાડે ખરો! પરંતુ વિદ્યાર્થીઓ આવું કરે છે. કારણ કે એમને જવાબદારીનું ભાન નથી. હડતાલ દરમિયાન સરકારી માલમિલકતોનો લોકો કેવી રીતે નાશ કરે છે તે આપણે જોઈએ છીએ. લોકોને એ સમજણ નથી કે આ બધી સરકારી માલ-મિલકતો એમણે જ ભરેલા કરવેરામાંથી ઊભી થઈ છે. જો લોકોને આ વાતનો ખ્યાલ આવે તો તેઓ આવું ન જ કરે.
આ શિસ્તનો પ્રારંભ ક્યાંથી થાય છે? એ ઘરના ઉંબરેથી શરૂ થાય છે. સૌ પ્રથમ તો માતપિતાએ પોતાનાં બાળકોને શિસ્તનો પાઠ પ્રથમ શીખવવો જોઈએ. પછી આ શિસ્તશિક્ષણ શાળા અને કોલેજોમાં પણ ચાલતું રહે છે. જ્યારે કોઈ માણસ પોતાનું શિક્ષણ પૂરું કરે પછી એને શિસ્તના પાઠ કોણ ભણાવે? પછી એણે પોતે જ પોતાની જાતને શિસ્તના પાઠ ભણાવવા પડે. રામાયણમાં સીતાને અશોક વનમાં રાખ્યાં ત્યારે તેમની રક્ષા કોણે કરી? ‘રક્ષિતાં સ્વેન શીલેન’ પોતાના ચારિત્ર્યથી જ એમનું રક્ષણ થયું. પોતાની સ્વયંશિસ્તથી કેળવાયેલ સચ્ચરિત્ર માનવના સમગ્ર જીવનમાં સંરક્ષણ પૂરું પાડે છે.
બીજા ગુણોની જેમ ઇચ્છાશક્તિને પણ કેટલીક સુયોગ્ય પદ્ધતિઓ અને અભ્યાસ દ્વારા કેળવી શકાય. ચોક્કસ નિયમ કે અભ્યાસનું અનુસરણ કોઈ પણ વ્યક્તિની ઇચ્છાશક્તિને ધીમે ધીમે વધારે છે. કોઈને ચાહવામાં આપણે જે કંઈ કરવું પડે છે તેનાથી આપણે આપણી ઇચ્છાશક્તિને વિકસાવી શકીએ છીએ.
આપણા દેશમાં સામાન્ય રીતે આપણને જોવા મળે છે કે સ્ત્રીઓ પુરુષના કરતાં વધારે પ્રમાણમાં આઘાત-પ્રત્યાઘાત સહન કરે છે. મેં આવાં ઘણાં ઉદાહરણો જોયાં છે કે જ્યારે કોઈ કુટુંબ નિરાધાર બની જાય ત્યારે પિતા મહિનાના મહિનાઓ સુધી સમતુલા ગુમાવી બેસે છે, જ્યારે મા કે સ્ત્રી થોડા દિવસોનાં રુદન કે કલ્પાંત પછી શાંત થઈને કામે લાગી જાય છે. આવી પરિસ્થિતિનું કારણ શું છે? સામાન્ય રીતે સ્ત્રીઓ ધર્માનુશાસન સાથે ઉપવાસ વ્રત કરે છે અને ચોક્કસાઈપૂર્વક પ્રતિજ્ઞા પણ લે છે. પણ પુરુષો આવું ભાગ્યે જ કરે છે. સ્ત્રીઓમાં રહેલી શક્તિની પાછળનાં કારણોમાં આ વ્રતનિયમનનો અભ્યાસ છે. પોતાના મનની ઇચ્છાઓ અને લાગણીઓને સંયમ-નિયમમાં રાખવા આપણા મનની શક્તિની આવશ્યકતા રહે છે. વ્રત-તપ દ્વારા સ્ત્રીઓ નિયમિત રીતે આ મનની તાકાત કેળવે છે. આ અભ્યાસ સૌ કોઈ કરી શકે છે.
Your Content Goes Here




