૧૮. ઉદ્વિગ્નતા? આત્મશ્રદ્ધાથી દૂર કરો

તમે ક્યારેય દડાને ઊછળતો જોયો છે. હા, એમાં શી વિશેષતા છે? એ આપણને જીવનપાઠ શીખવે છે. સંસ્કૃતમાં એક કાવ્ય પંક્તિ છે :

પતિતોપિ કરાઘાતૈ: ઉત્પત્યેવ કંદુક: ।
પ્રાયેણહિ સુવૃત્તિનામ્‌ અસ્થાયીન્યો: વિપત્ય: ॥

રબ્બરના દડા પર જ્યારે હાથથી આઘાત કરવામાં આવે ત્યારે તે જમીનથી વિરુદ્ધ દિશામાં જાય છે. એવી જ રીતે સારા લોકો માટે ભય કે પતન કાયમી હોતાં નથી.

સ્વામી વિવેકાનંદે પણ આ વાત આ શબ્દોમાં કરી છે : ‘સાચી મહાનતા માત્ર ઊંચે ઊઠવામાં નથી. પરંતુ જ્યારે જ્યારે આપણે પડીએ છીએ ત્યારે ઊંચે ઊઠવામાં છે.’

આનાથી ઊલ્ટું માટીના દડાને આવી પ્રક્રિયા સાથે સરખાવો. શું થાય છે? એ ઊંચે જતો નથી. સફળ લોકો પેલાં રબ્બરના દડા જેવા છે. જે પછડાટ પછી પણ ઊંચે ઊછળી શકે છે.

‘તમારા જીવનમાં શું બને છે તે અગત્યનું નથી, પરંતુ જે બને છે એની સાથે તમે કેવો પનારો પાડો છો, એ વધારે અગત્યનું છે.’

જ્યારે તમે કેટલાક લોકોને જુઓ છો ત્યારે તમને આશ્ચર્ય થાય છે કે એમને કઈ વસ્તુ આટલા સ્ફૂર્તિવાળા અને સક્રિય રાખે છે? જ્યારે આવા લોકો કામ કરતા હોય છે ત્યારે એ દૃશ્ય જોવા જેવું હોય છે. એ કામને એવી રીતે ગોઠવી દે છે કે જેથી એમને એ સાવ સરળ લાગે છે. એટલે કે તમે કામને કેવી રીતે જોગવો છો કે ગોઠવો છો એના પર બધો આધાર છે. ધારો કે તમારા ટેબલ પર કેટલાંક પુસ્તકો છે. જો તે ઢગલાની જેમ જ પડ્યા હોય તો એમાંથી કોઈ એકને તમારી મરજી મુજબ લઈ શકો ખરા? ના. આ કામ ઘણું કઠિન બની રહેશે. પણ જો તમે એને વ્યવસ્થિત રીતે ગોઠવી દો તો એમાંથી કોઈ એકને લેવી સરળ બનશે સાથે ને સાથે થોડા વધારે સામયિકો કે ગ્રંથો માટે જગ્યા પણ મળી રહેશે. જો થોડાં પુસ્તકો વિશે પણ આવી વાત હોય તો રોજેરોજ જેનો ઉપયોગ કરવાના હો તેવાં ગ્રંથો અને વિવિધ સામયિકોની તો વાત જ શી કરવી!

ટાઈમ મેનેજમેન્ટને પણ આ સિદ્ધાંત લાગુ પડે છે. તમને દિવસમાં ચોવીસ કલાક મળે છે. આ સમય બધાને માટે એક સરખો છે. આમ છતાં પણ કેટલાક લોકોને ઘણાં કાર્યો કરવા ઘણો સમય મળી રહે છે. જ્યારે કેટલાક લોકો માટે પોતાની સંભાળ લેવાનો સમય કાઢવો પણ મુશ્કેલ બની જાય છે. સમસ્યા ક્યાં છે? વાત તો એ છે કે તમે તમારા દિવસને કેવી રીતે ગોઠવો છો કે યોજો છો એના પર બધો આધાર છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારે પોતે જ એને સારી રીતે યોજવો કે ગોઠવવો જોઈએ. એનો અર્થ એ પણ છે કે તમારે સૌ પ્રથમ તો તમારા વિચાર કે આદર્શને ગોઠવવા જોઈએ.

સ્વામી વિવેકાનંદે અમેરિકામાં પોતાનું કાર્ય ચાલુ રાખવા સ્વામી પરમાનંદને મોકલ્યા. તેઓ કહે છે: ‘તમે શાંતિ રાખો. જ્યાં સુધી આપણે આપણી જાત સાથે લડતા રહીએ છીએ ત્યાં સુધી આપણે પોતાને વધુ સારા બનાવી ન શકીએ. આપણી ધીરતા અને આદર્શ પ્રત્યેની નિષ્ઠામાં સુધારો લાવવાનો એક માત્ર ઉપાય એટલે આપણી લાગણીઓ, આપણા વિચારો આપણને વટાવી ન ખાય તેવી રીતે તેમને ગોઠવવા જોઈએ અને યોજવા જોઈએ.’ અબ્રાહમ લિંકને કહ્યું છે: ‘માણસ જ્યારે પોતાને માટે સ્વયંને સુયોગ્ય અનુભવતો હોય અને એમને સર્જનાર મહાન પ્રભુનો સંબંધી માનતો હોય ત્યાં સુધી એને દુ:ખી કરવો મુશ્કેલ છે.’ પરંતુ જેવા આપણે આપણી જાતને યોગ્ય માનતા નથી ત્યારે દુ:ખી હોવાની લાગણી ન અનુભવવી એ મુશ્કેલ બને છે.

૧૯. હતાશા

પોતાના માટેનું હતાશાભર્યું દૃષ્ટિબિંદુ સામાન્ય રીતે બાળપણથી જ ઉદ્‌ભવતું હોય છે. એ વખતે આપણે ખરેખર નાના, થોડા નિર્બળ અને ઓછા કાર્યકુશળ હોઈએ છીએ અને આપણી આજુબાજુના લોકો આ બાબતમાં થોડા ચડિયાતા હોય છે. પછીથી આપણે જ્યારે આપણું નિરીક્ષણ કરીએ ત્યારે આપણને જાણવા મળે છે કે આપણાં માબાપે આપણી પાસે જે અપેક્ષાઓ રાખી હતી એ અપેક્ષાઓ પ્રમાણે જ આપણે રહ્યા નથી. કદાચ એવુંય બને કે આપણે આપણાં જીવનધોરણોને વધુ ઊંચા રાખ્યાં હોય. બંને બાજુએ વિનમ્રતા અને હાસ્ય સૌથી શ્રેષ્ઠ અનિષ્ટ નિવારક વસ્તુ બની રહે છે. હું યોગ્ય નથી એવી લાગણીવાળાને કોઈ પણ લોકો હસી કાઢવાના અને જે હિંમતવાન હોય છે તેઓ પોતાની જાત પ્રત્યે પણ થોડું હસી લે છે.

હવે આ હતાશાની ગતિશીલતાને કે એની શક્તિની સમજણ સાથે જે લાગણીઓને તમે છાવરો છો કે એને તાબે થાઓ છો, એના માટે પ્રભુપ્રાર્થના કરવી જોઈએ. તમને માફ કરી દીધા છે એવી જાગ્રતભાવનાથી પ્રાર્થો. જેમની પાસે તમે તમારી ગહનતમ અંતરની લાગણીઓ ઠાલવો છો એવા મિત્રો અને સમૂહ માટે પ્રભુને પ્રાર્થો.

અંતે એટલું યાદ રાખજો કે આપણી પાસે આપણી ક્ષમતા કરતાં ઊંચી અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ. પોતા માટેનું સાચું સ્વાભિમાન એ સ્વાર્થ કે મિથ્યાગૌરવ કરતાં ઘણું ઘણું દૂર છે. એનાથી આપણને ઈશ્વરનાં બધાં સર્જનો પ્રત્યે માન-સન્માનની લાગણી પ્રાપ્ત થાય છે. એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે એમણે જ આપણને સર્જ્યા છે અને એ જ આપણું મૂલ્ય આંકે છે. ઘણા લોકો માટે નિષ્ફળતા હતાશાને જન્મ આપે છે. આપણે એટલું તો સમજી જ લેવું જોઈએ કે મહાન લોકોની પણ આકરી તાવણી થઈ છે અને જીવનમાં કેટલીયેવાર તેમને નિષ્ફળતા પણ સાંપડી છે.

જો તમે નિરાંતે બેસી શકો અને શાંત મને તમારી નિષ્ફળતા વિશે વિચારો તો તમને આટલો સ્પષ્ટ ખ્યાલ આવશે કે ‘તમને હંમેશાં પસંદગીઓ મળી છે’, આ અમૂલ્ય જીવનપાઠ તમારે સંપૂર્ણપણે જીવનમાં વણી લેવો જોઈએ. હવે ચાલાક લોકો પણ કેમ નિષ્ફળ જાય છે? ઘણાં કારણોને લીધે એમને નિષ્ફળતા સાંપડે છે. શ્રેષ્ઠ લોકો જેનો અનુભવ કરે છે એ નિષ્ફળતા મુખ્ય મુદ્દો નથી; પણ નિષ્ફળતામાંથી કંઈક શીખવું એ વિશેષ વાત છે. તો પછી પ્રબુદ્ધ લોકોની આગળ પડતી લાક્ષણિકતા શી છે? તેઓ શીખતા રહે છે.

બર્નાર્ડ શોએ કહ્યું છે: ‘કંઈ પણ કાર્ય કર્યા વિના જીવન વ્યતીત કરવું એના કરતાં ભૂલો કરવામાં જીવન ગાળવું એ વધારે માનદાયી અને ઉપયોગી છે.’

જો સફળતા એક ડગલું દૂર હોય તો શું નિષ્ફળતા એનો નિર્ણય કરી શકે? ના. શું કોઈ પણ વ્યક્તિ પોતાની નિષ્ફળતામાં અટલ-અચલ રહે છે? મુશ્કેલીઓ સામે પોતે ક્યારેય નમતું નહિ જોખે, એવી હિંમત અને ઇચ્છા તમે ધરાવો છો? – આ સૌથી વધારે અગત્યનું છે. સંસ્કૃતમાં એક શ્લોક છે :

કદર્થિતસ્યાપિ ચ ધૈર્ય વૃત્તે ।
બુદ્ધૈર્વિનાશો નાહિ શંકાન્નીયા: ॥
અત: કૃતસ્યાઽપિ તનૂના પાદા: ।
ન અત: શીખાયાતિ કદાચિદેવા ॥

અગ્નિની શીખા આપણે એને ઊંચે નીચે કરીએ તો પણ તે નીચે જતી નથી. એવી જ રીતે પ્રબળ ચારિત્ર્યવાળો અને ઇચ્છાશક્તિવાળો માણસ ક્યારેય ડગતો નથી કે હતાશ થતો નથી.

આપણે બધા ટેલિવિઝન, કાર, કોમ્પ્યુટર જેવા માનવીનાં નવાં નવાં સંશોધનો અને ઉત્પાદનો જોઈને, વાપરીને મુગ્ધ બની જઈએ છીએ; પણ આ જાદુઈ ચમત્કાર જેવું કોઈ લાંબાગાળાની દુ:ખપૂર્ણ પ્રક્રિયાથી સર્જાયું છે એ જાણતા નથી.

૨૦. ચિંતા છોડો અને આનંદમગ્ન રહો

હતાશાનું એક બીજું વધારાનું પાસું છે – ચિંતા કરવાની ટેવ. એટલે કે કોઈ પણ પરિસ્થિતિને સુધારવાનો ભાવાત્મક પ્રયત્ન કરવાને બદલે માત્ર ભૂતકાળનાં રોદણાં રોવાં. પણ જો આપણે આવી પરિસ્થિતિનું યોગ્ય રીતે વિશ્લેષણ કરીએ તો મોટા ભાગની આપણી ચિંતાઓ સ્વસર્જિત જ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો એ આપણી કલ્પનાઓ પર આધારિત છે. એક અંગ્રેજી કાવ્યમાં બહુ સારી વાત કહી છે: ‘આપણાં આનંદમજા એ આપણી કલ્પનામાં છે. આપણાં દુ:ખચિંતા એ આપણા અંદેશામાં રહેલાં છે. જીવનને આપણા મનોવિહારો સાથે કોઈ નાતો નથી પરંતુ માનવ હંમેશાં પોતાના ભાવિ માટે ચિંતિત રહે છે.’ આ વાત કેટલી સાચી છે! સુયોગ્ય રીતે વિચારવાનું શીખીને આ ચિંતા કરવાની ટેવમાં સુધારો લાવી શકાય. દા.ત. થોડા દિવસ પહેલાં જેના વિશે તમે વ્યગ્ર બન્યા હો એને યાદ કરવાનો પ્રયત્ન કરો. મોટા ભાગની બાબતોમાં તમે શેના વિશે ચિંતા કરતા હતા એ પણ તમને યાદ નહિ આવે! અને જો તમે યાદ કરી શકો તો ઘણું સારું કહેવાય. હવે જે પરિસ્થિતિ તમને ચિંતિત કરી મૂકતી હતી એવી વર્તમાનની પરિસ્થિતિને એની સાથે સરખાવી જુઓ. હું તમને ખાતરી આપી શકું કે કાયમને માટે તમારી સમસ્યા પૂરી થઈ ગઈ. પણ તમે તો હવે બીજી સમસ્યાઓ વિશે વિચારતા થઈ જશો. વાત તો એ છે કે જે યાદ કરવા યોગ્ય નથી એવી પરિસ્થિતિ વિશે આટલી બધી ચિંતા સેવવાનો અર્થ શો? આ વિશે સંસ્કૃતમાં એક સુંદરમજાનો શ્લોક છે:

ચિત્તાયાશ્ચ ચિંતાયાશ્ચ બિંદુમાત્ર વિશેષત: ।
ચિત્તા દહતિ નિર્જિવમ્‌ ચિંતા દહતિ જીવત: ॥

ચિંતા અને ચિતા વચ્ચે એક બિંદુ (અનુસ્વાર)નો જ તફાવત છે. ચિતા તો મરેલાને બાળી નાખે છે, જ્યારે ચિંતા જીવતાને બાળે છે.

આ વાત કેટલી સાચી છે! દીર્ઘકાલીન ચિંતા અલ્સર, માનસિક તણાવ, હતાશા, બીપી,  તેમજ બીજા ઘણા રોગોનું ઘર છે. આ બધા રોગો માણસને ધીમે ધીમે મારી નાખે છે એ વાત તો જાણીતી જ છે. ઉપરના શ્લોકમાં આ જ વાત કરવામાં આવી છે. મેં આવું ઉદ્ધરણ ક્યાંક વાંચ્યું છે : ‘આજે તમારી સામે આવતીકાલ તો છે જ અને તમે ગઈકાલની ચિંતા કરો છો!’

જે ચિંતાઓનું સમાધાન શોધવામાં લાંબો સમય વીતી જાય એવી કેટલીક ચિંતાઓની બાબતમાં આ સાચું ન પણ હોઈ શકે. આવી ચિંતાઓનો પદ્ધતિસર અને વિશ્લેષણાત્મક દૃષ્ટિએ સામનો કરવો પડે. પણ આપણી મોટા ભાગની કહેવાતી ચિંતાઓ તો આપણાં પોતાનાં મનોવલણ અને વિચારનું સર્જન છે. તમે જે રીતે વિચારો છો એમાં પરિવર્તન કરી નાખો અને ચિંતાઓ ઊભી પૂંછડીએ નાસી જશે.

મોટા ભાગની બાબતોમાં લોકો આપણા માટે શું ધારશે એની બહુ ચિંતા કરીએ છીએ. વાસ્તવિક રીતે તો આપણે ધારીએ છીએ એટલી નિકટતાથી કે દોષદર્શી દૃષ્ટિથી લોકો આપણને જોતા નથી હોતા. જે આવી હતાશા અનુભવવાની કે ચિંતા કરવાની ટેવને હંફાવવા માગતા હોય તેમણે હાસ્ય અને વ્યંગ-વિનોદવૃત્તિ કેળવવી જોઈએ. આને લીધે એમની બધી અડચણો દૂર થશે. જીવનની સર્વોત્તમ સફળતાઓ એવા થોડા સદ્‌ભાગી લોકોને સાંપડે છે કે જેઓ પોતાની ભૂલની અને એને ખતમ કરવાની જવાબદારી સ્વીકારે છે.

જ્હોન ડી. રોકફેલર (જુનિયર) પોતાના પિતાને યાદ કરતાં કહે છે : ‘મેં એમને ક્યારેય અફસોસની વાણી ઉચ્ચારતા સાંભળ્યા નથી. એમની સાથે જે કંઈ બન્યું છે એમાં કોઈનીયે સહાય શક્ય ન હતી. આ ક્ષતિને કેવી રીતે સમારવી કે દૂર કરવી, એને કેવી રીતે પુનર્ગઠિત કરવી અને દેખાતા પરાજયને વિજયમાં કેવી રીતે પરિવર્તિત કરી દેવો – આ હતી એમના સમગ્ર જીવન દરમિયાનની તત્કાલ ચિંતાઓ.’

એક વસ્તુ બધાએ પૂરેપૂરી સમજી લેવી જોઈએ કે કોઈ પણ કાર્યની પૂર્તિ પ્રયત્ન અને ભૂલના સ્વાભાવિક ક્રમમાં જ રહેલ છે. પોતાની ભૂલનો સ્વીકાર વ્યંગવિનોદ વૃત્તિથી સહજસરળ બને છે અને આવું શાણપણ જિંદગીમાં મોડે સુધી પણ અવારનવાર આવતું નથી. એનો અર્થ એ થયો કે જેટલી વહેલી આપણી ભૂલને સ્વીકારીએ અને એને ભૂલી જઈએ એ આપણા માટે બહેતર રહેશે.

રાલ્ફ વાલ્ડો એમર્સન કહે છે: ‘દરેક દિવસને પૂરેપૂરો કામમાં લગાડીને વીતાવો. તમારાથી શક્ય હતું એટલું તમે કર્યું છે. અલબત્ત, કેટલીક ભયંકર ભૂલો અને મૂર્ખામીઓ તો એમાં આવી જ ગઈ હશે. જેમ બને તેમ વહેલું એ બધું ભૂલી જાઓ. આવતીકાલ એ નવો દિવસ છે. તમારી જૂની મૂર્ખામીઓને, અડચણોને દૂર કરી દે એવી સારી રીતે તેમજ ઉચ્ચ જુસ્સાથી એનો પ્રારંભ કરો.’ હવે પછી આપણે આપણી વિનોદવૃત્તિની ચર્ચા કરીશું. આ માનસિક તણાવ અને મુંઝવણોની દુનિયામાં આ ગુણની વધારે આવશ્યકતા છે.

૨૧. વિનોદવૃત્તિ

‘બે વ્યંગવિનોદની વાતની ટીકડીઓ લેજો અને મને સવારે બોલાવજો!’ તમારી તંદુરસ્તીને સુધારવા માટે થોડું હસી લેવું જરૂરી છે એમાં માનનારા ઘણા ડોક્ટરો અને મનોવૈજ્ઞાનિકો આવી દવાની નોંધ ચિઠ્ઠી  લખી દે છે. આજના રોગ નિદાન કરનારા ડોક્ટરો આવી સચોટ સલાહ આપે છે : ‘ભાઈ, તમારા જીવનને આટલું બધું ગંભીરતાથી ન લો, એ તો ક્ષણિક છે.’

જીવનમાં એવાય પ્રસંગો, પરિસ્થિતિઓ આવે છે કે જ્યારે એ સંજોગોમાં તમારે શું કહેવું કે એનો કેવો પ્રતિભાવ આપવો એનો નિર્ણય કરી શકતા નથી. આવા સંજોગોમાં વ્યંગવિનોદની રીત અજમાવીને આપણે પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ.

એક વિચિત્ર ચેતવણી પણ છે: ‘સાવધ રહો! તમારી વિનોદવૃત્તિ તમારા અનારોગ્ય માટે ભયરૂપ છે!’ જે વિનોદવૃત્તિ માંદગીને દૂર કરે તે કદાચ માનસિક રોગ પણ હોઈ શકે. સાથે ને સાથે આ વ્યંગવિનોદ તમારી મોટા ભાગની શારીરિક માંદગીને પણ દૂર કરે છે. હવે આ સર્વસ્વીકૃત હકીકત છે કે શારીરિક તંદુરસ્તી અને માનસિક તંદુરસ્તી પરસ્પર સંકળાયેલ છે. ઘણી બાબતોમાં મન જ શરીરને અંકુશમાં રાખે છે.

દરેક ઘટનાને એક હળવી બાજુ પણ હોય છે. આપણે એના તરફ નજર નાખવામાં નિષ્ફળ રહીએ છીએ. જો આ હળવી (વ્યંગવિનોદ નિપજાવે તેવી) બાજુ તરફ આપણે જોઈ શકીએ તો મોટા ભાગની સમસ્યાઓ ઊભી જ ન થાય. બધી વસ્તુઓ સહજ-સરળ બની જાય. ઘણા પ્રસંગે વ્યંગવિનોદ ચાતુર્યવાળો ઉત્તર ગંભીર સમજૂતિવાળા ઉત્તર કરતાં વધુ સારો નિવડે છે.

આપણે બધા અબ્રાહમ લિંકનને જાણીએ છીએ. તે સામાન્ય અમેરિકન કરતાં પ્રમાણમાં ઊંચા હતા. એક વખત એક ભાઈએ એમની મશ્કરી કરી. તેમણે લિંકનને પૂછ્યું: ‘મહાશય, માણસની સાચી ઊંચાઈ કેટલી હોવી જોઈએ?’ એ સાંભળીને લિંકને તરત જ ઉત્તર આપ્યો: ‘કમરથી ભોંય સુધી!’ આ સાંભળીને પેલા ભાઈ તો મૂગામંતર થઈ ગયા. વિનોદવૃત્તિનું આ એક ઉદાહરણ છે. સ્વામી વિવેકાનંદને પણ અમેરિકામાં આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. ખ્રિસ્તી મિશનરીઓના અપપ્રચારને લીધે ભારત વિશે એ દેશમાં ઘણા ભ્રામક ખ્યાલો હતા. કોઈકે એમને પૂછ્યું: ‘તમારા દેશમાં માતાઓ પોતાના બાળકને મગરના મુખમાં શા માટે ધકેલી દે છે?’ આ સાંભળીને સ્વામીજીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું: ‘એમને ચાવી જવું સરળ પડે, એટલે!’ તમે જોઈ શકશો કે આવા સંજોગોમાં વધુ ચર્ચા કરવી હિતાવહ નથી. આવા ઘણા પ્રસંગે કે પરિસ્થિતિમાં આવી વિનોદવૃત્તિ ઉપયોગી બને છે. એરિસ્ટોટલે કહ્યું છે : ‘જે સમાજ પોતાના પ્રત્યે હસી શકતો નથી તે સમાજનું આરોગ્ય સારું છે એમ ન કહી શકાય.’

બેંજામીન ફ્રેંકલીન ‘પૂઅર રિચાડર્‌સ એલ્મેનેક’ એક આનંદદાયી શાણપણની વાત કરે છે. એક ઉદાહરણ આપતાં કહ્યું છે : ‘મેરીને પોતાના મોંમાં ઓરવા માટે કંઈ ખર્ચવું પડતું નથી, કારણ કે બીજા આપે એ સિવાય તે ક્યારેય મોં ખોલતી નથી.’ યુગો સુધી મહાપુરુષો કે વિદ્વાનોએ આ વસ્તુ જાણી લીધી છે – ‘સ્મિત વેરવામાં કંઈ ખર્ચાતું નથી, પણ આપે છે ઘણું.’

આપણે ઘણા બધા ગુણોની ચર્ચા કરી, પણ એ બધાની પાછળ એક અનન્ય શક્તિ આધારભૂમિકા કે આધારશિલા રૂપે જરૂરી છે, અને એ છે પ્રબળ ઇચ્છાશક્તિ. આ જ એવી શક્તિ છે કે જે તમે તમારા જીવનમાં ઇચ્છતી સિદ્ધિઓ મેળવવામાં મદદરૂપ થાય છે અને જીવનમાં આવતી દુ:ખકષ્ટની પીડાઓમાં રામબાણ ઈલાજ પણ શોધી દે છે. ઇચ્છાશક્તિ વિના બીજા ગુણો કેળવી ન શકાય. એ તો આપણા માટે કરોડરજ્જુ સમી છે.

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.