૧૩. ઉત્સાહ
ઉત્સાહ એવું મનોવલણ છે કે જેનાથી કોઈ પણ કાર્ય કરતી વખતે માનવ કંટાળો અને માનસિક તાણ અનુભવતો નથી. નાનાં બાળકો જ્યારે રમતાં હોય ત્યારે તમે તેનું નિરીક્ષણ કર્યું છે? કેવા ઉત્સાહથી તેઓ રમતાં હોય છે! તેમનામાં તમે એટલો બધો અતિ ઉત્સાહ જોઈ શકો કે એમને નજરે જોનાર પણ એની જેમ ઉત્કટ બની જવાનો.
એમ કહેવાય છે કે ઉત્સાહ ચેપી છે. સારા કાર્યકર માટે ગીતામાં ઉત્સાહને પૂર્વ આવશ્યકતા રૂપે વર્ણવેલ છે : ‘ધૃત્યુત્સાહા: સમન્વિત: કર્તા સાત્ત્વિક ઉચ્યતે’ – સાચો કાર્યકર દૃઢતા અને ઉત્સાહ યુક્ત હોય છે.
ઉત્સાહ શબ્દનો વ્યુત્પતિજન્ય અર્થ તમે જાણો છો? એનો અંગ્રેજીમાં અર્થ થાય છે : ‘ભીતરના ઈશ્વર’. જો બીજા શબ્દોમાં કહીએ તો આ શબ્દ માનવની ભીતર રહેલી શક્તિમયી દિવ્યતાનો સૂચક છે. સ્વામી વિવેકાનંદના આદર્શ કે સિદ્ધાંતની આ બરાબર નજીક બેસે છે, ખરું ને! સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ માનવની ભીતર રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ એ જીવનનું ધ્યેય છે. આ દિવ્યતાનું પ્રગટીકરણ આપણા જીવનનાં દરેકે દરેક કાર્યમાં થવું જોઈએ.
પતંજલિ યોગસૂત્ર પ્રમાણે ઉચ્ચતર સાધનાના અભ્યાસ માટે આનંદ એ પ્રાથમિક આવશ્યકતાઓમાંનો એક છે. સારા વ્યક્તિત્વનું ચિહ્ન એટલે આનંદ. એ સિવાયની વ્યક્તિ માંદી વ્યક્તિ છે.
સ્વામી વિવેકાનંદે પણ આધ્યાત્મિક જીવનમાં આનંદની એક મહત્ત્વની આવશ્યકતા દર્શાવી છે. તેઓ કહે છે: ‘તમે ધર્મમય બની રહ્યા છો, એનો પ્રથમ સંકેત એ છે કે તમે આનંદમય બનો છો. જ્યારે માનવ સોગિયો હોય છે ત્યારે તેને (ધર્મનું) અર્જીણ થયું હશે, પણ તે ધર્મ નથી. આનંદમય અનુભૂતિ કે લાગણી એ સત્ત્વનું સ્વરૂપ છે. સાત્ત્વિક માનવ માટે બધું આનંદમય હોય છે, અને જ્યારે તે આવે છે ત્યારે એટલું જાણજો કે તમે યોગમાં આગળ વધી રહ્યા છો. બધાં દુ:ખદર્દ તમોગુણને લીધે ઊભાં થાય છે. એટલે તમારે એમાંથી મુક્ત થવું. ઉદાસીનતા કે ગમગીની એ તમોગુણનું પરિણામ છે. મજબૂત, સુદૃઢ યુવાન, તંદુરસ્ત અને હિંમતવાન જ યોગી બનવા યોગ્ય છે. યોગીને માટે બધું જ આનંદમય છે, તે જે કોઈ માનવનો ચહેરો જુએ છે તેનાથી તેને આનંદ પ્રાપ્ત થાય છે. આ સદ્ગુણી માણસનું ચિહ્ન છે. દુ:ખપીડા પાપથી ઉદ્ભવે છે, નહિ કે બીજા કોઈ કારણે. તમારે સોગિયા ડાચા સાથે શું લેવા દેવા? એ તો ભયંકર હોય છે. જો તમારો ચહેરો ઉદાસ હોય તો એ દિવસે તમે બહાર ન જતા, તમે તમારી જાતને એક ઓરડામાં જ ગોંધી રાખો. દુનિયામાં આવા રોગને લઈ જવાનો તમને કયો અધિકાર છે? જ્યારે તમારું મન સંયમશીલ બને; તમારા સમગ્ર દેહ પર તમારો અંકુશ હોય ત્યારે આ યંત્રના ગુલામ બનવાને બદલે એ યંત્ર તમારું ગુલામ બની જાય છે. આત્માને નીચે ઊતારી પાડવાને બદલે આ યંત્ર તમારો સૌથી મોટો સહાયક બનશે.’
મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે: ‘જ્યાં સુધી તમારા ચહેરા પર સ્મિત ફરકતું નથી ત્યાં સુધી તમે પૂરેપૂરા સુસજ્જ નથી.’
એટલે જ આપણે આનંદી રહેવાની અને ઉત્સાહી બનવાની ટેવ કેળવવી જોઈએ.
૧૪. આનંદના લાભો
આપણે શાંત અને આનંદી બનવાનું શીખવું જોઈએ. એનાથી માત્ર આપણને જ સહાય થાય છે એટલું જ નહિ, પણ એ બીજાને પણ મદદરૂપ બને છે. ધારો કે એક માણસ પોતાના મનનું સમતુલન ગુમાવે છે તમે એવા માણસ સાથે શાંતિ અને ખુશમિજાજી મનથી જાઓ તો એ વ્યક્તિ પર તમારી શાંતિનો પ્રભાવ તો પડવાના જ; પણ એને પોતાના મનનું સંતુલન પાછું મેળવવા સહાયરૂપ પણ બનવાના. તમે એક આદર્શ કે ઉદાહરણ સ્થાપી શકો. જે રીતે તમે દરેક કાર્ય કરો છો, તે એક દૃષ્ટાંત બની શકે છે. તમે સામાન્ય ભાવથી કોઈ કાર્ય કરો કે ‘હવે જેવું થાય તેવું પણ કરી નાખોને’, અથવા ‘ચાલશે’ના વિચારથી કરો તો એનો અર્થ એ થાય છે કે તમે વિચાર કર્યા વિના કાર્ય કરો છો અને એમાં જુસ્સાનો અભાવ છે. કોઈ પણ કાર્ય કરવાની સાચી કળા કે કુશળતા એટલે ધીરતા, સ્થિરતા અને શાંતિથી કાર્ય કરવું. આપણા વિચારો જ આપણને સચેત, જાગ્રત અથવા બેદરકાર બનાવે છે.
આ બધું કેવી રીતે મેળવવું? આપણા દૈનંદિન કાર્યમાં આપણી જીવનશક્તિ રેડીને આ મેળવી શકીએ. પુસ્તકો, સન્મિત્રો, કલા, સંગીત, યાત્રાપ્રવાસ, વગેરેમાં રસ લેતા બનો. આવી અભિરુચિ એ જીવંતતાની સૂચક છે.
ઠરાવેલી મજૂરીએ કામ કરતા મજૂરની જેમ યાંત્રિક ભાવે કામ કરવું એ સારા વ્યક્તિત્વના વિકાસમાં હંમેશાં હાનિ પહોંચાડે છે. જે વ્યક્તિ અત્યંત કંટાળાજનક કાર્યને પણ રસપ્રદ કાર્યમાં પરિવર્તિત કરી શકે તેને ક્યારેય નિષ્ફળતા મળતી નથી. આવા માણસની સર્વસ્થળે જરૂર હોય છે. આવી વ્યક્તિ કોઈ સખત કાર્ય કરતી વખતે કે કઠિન પરિસ્થિતિનો સામનો કરતી વખતે આ કાર્ય મને બહુ કઠે છે એવું ક્યારેય અનુભવતી નથી. જ્યારે તમે મુશ્કેલીઓમાંથી પસાર થાઓ છો ત્યારે આ બધું દુ:ખકષ્ટમય છે એવો અનુભવ તો સ્વાભાવિક રીતે થવાનો જ. પણ આવી પરિસ્થિતિમાંયે આવું ન અનુભવાય અને તમને સ્વયંભૂ ઉત્સાહ મળી રહે એ કેવી રીતે બની શકે? આ બધું તો સતત પ્રયાસ, સાહસ અને અભ્યાસથી જ મળે.
૧૫. મૂંગે મોઢે સહન ન કરો પણ મથતા રહો
એક એવો સામાન્ય અભિપ્રાય છે કે સમાજમાં સારા માણસો હંમેશાં વધુ સહન કરે છે અને નઠારા લોકો કેટલીક ખરાબ પદ્ધતિઓથી આ દુ:ખકષ્ટને દૂર કરે છે. સૌ પ્રથમ તો પ્રશ્ન આ ઊભો થાય કે આ બેમાંથી કોણ સારો અને કોણ ખરાબ?
સામાન્ય રીતે ધર્મની સદ્ભાવનાવાળા લોકોને અત્યંત સહન કરવાનું આવે છે. અને એવુંયે જોવા મળે છે કે જેઓ આવી ધર્મ-ભાવનાવાળા નથી એવા લોકોને જીવનમાં ઘણો સારો સમય મળી રહે છે. વાત ગમે તે હોય પણ આપણે એટલું તો સ્વીકારવું રહ્યું કે નઠારા લોકોને પણ સહન કરવાનું આવે છે, આ વાત નિ:શંક છે. કોણ વધારે સહન કરે છે અને કોણ ઓછું, એ વ્યક્તિગત અભિપ્રાયની વાત છે.
સારું શું છે અને ખરાબ શું છે, એ પણ એક પ્રશ્ન છે અને એનો ઉત્તર આપવાની જરૂર છે ખરી. આ દુનિયામાં સાવ સંપૂર્ણ સારુંયે કંઈ નથી અને નઠારુંયે કંઈ નથી. એક વ્યક્તિ માટે જે સારું છે એ બીજા વ્યક્તિ માટે સારું ન પણ હોય. દા.ત. સારી તંદુરસ્તીવાળા માણસ માટે આઈસ્ક્રીમ સારો ગણાય. પણ તાવ-શરદીવાળા માણસને માટે એ નુકશાનકારક બને. વળી એક ઋતુમાં જે સારું લાગે તે બીજી ઋતુમાં સારું ન યે લાગે. આ બધું આપણે બધાંય જાણીએ છીએ.
એવી જ રીતે દુ:ખકષ્ટની વાત પણ વ્યક્તિ વ્યક્તિએ જુદી હોય છે. હવે આ દુ:ખકષ્ટ કે સહન કરવું એટલે શું? દુ:ખપીડા એટલે મનને ન ગમતો અનુભવ. વળી ગમો અને અણગમો એ વ્યક્તિ વ્યક્તિએ ભિન્ન ભિન્ન હોય છે. એટલે જ આ દુ:ખકષ્ટ કે સહન કરવાની વાત પણ વ્યક્તિ વ્યક્તિએ જુદી હોવાની જ. જે એક વાત કે વસ્તુ વ્યક્તિને દુ:ખકષ્ટમય લાગે તે બીજી વ્યક્તિને ન લાગે, એવું પણ હોઈ શકે. રમતવીરો અને અંગ-કસરતો કરનારા શારીરિક તાકાત કેળવવા કલાકોના કલાકો સુધી મહાવરો કરે છે. બીજાને માટે આ સંતાપદાયી કે કષ્ટદાયી લાગે પણ જે દોડવીર કે કસરતબાજ છે એ આ બધું પ્રેમથી અને આનંદથી કરવાના. ધ્યાન અને અધ્યાત્મ સાધના સામાન્ય રીતે દુન્યવી માણસો માટે દુ:ખદાયી કે કષ્ટદાયી બની રહે, પણ આધ્યાત્મિક ઝંખનાવાળાને આવું લાગતું નથી.
જો તમે કંઈ કરવા ઇચ્છતા હો તો તમારે એની કિંમત ચૂકવવી પડે. દરેક વસ્તુને પોતાનું મૂલ્ય હોય છે અને આ મૂલ્ય હંમેશાં પૈસાથી જ ચૂકવવાની જરૂર હોતી નથી. આવું મૂલ્ય સખત શારીરિક કે બૌદ્ધિક પુરુષાર્થ; કેટલાક પ્રયાસો અને મથામણો દ્વારા ચૂકવી શકાય છે. પરીક્ષામાં સફળ થવા માટે વિદ્યાર્થીએ કેટલું મથવું પડે છે? આ છે વિદ્યાર્થીએ ચૂકવેલી પરીક્ષાની કિંમત. પરંતુ જે વ્યક્તિને જીવનમાં કંઈક પ્રાપ્ત કરવામાં રસરુચિ ન હોય તેમને માટે આ બધું નકામી વ્હોરી લીધેલી મુસીબત જેવું લાગે. એવા લોકો એમ માનવાના કે જે લોકો જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માટે સહન કરે છે, એ ખરેખર બીનજરૂરી છે અને આવા લોકો જીવનમાં કંઈ કર્યા વિના જીવનનો આનંદ માણે છે!
આપણી મથામણ સાર્થક નીવડે એ માટે કોઈ પણ ચોક્કસ કાર્યને કેવી રીતે કરવું એનું જ્ઞાન હોવું જરૂરી છે. ધારો કે એક સાધુ કે સંત અને પાપી બંને ચેસ રમી રહ્યા છે. આમાં કોણ જીતશે? જે વ્યક્તિ આ રમતને કેમ રમવી એ જાણતો હશે, એ જીતવાનો. એમાં વળી તમે દલીલ કરો કે આ સાધુએ જ જીતવી જોઈએ અને પાપીએ હારી જવું જોઈએ; તો આ સાચી દલીલ નથી. એને સંતપણા સાથે કોઈ સંબંધ નથી. આ જ વાત બીજી દુન્યવી બાબતોમાં લાગુ પડે છે. જો તમે વસ્તુને જાણતા ન હો તો તમારે સહન કરવાનું આવે. પછી ભલે તમે સારા હો કે નઠારા, એ વાત જુદી છે. સામાન્ય રીતે કહેવાતા ભલા લોકોમાં સફળ જીવન જીવવાની કેટલીક આવશ્યકતાઓનો અભાવ જોવા મળે છે. એટલે તેઓ અવ્યવહારુ બની જાય છે અને એમને નઠારી બાબતો નડતી રહે છે.
જેમણે પોતાના જીવનમાં ઘણું ઘણું મેળવ્યું હોય એવા મહાન લોકોના જીવન તરફ નજર કરો. એમના જીવનમાં અનેક ચડતીપડતી આવતી રહી હોય છે. પણ એની સરખામણીમાં સામાન્ય માણસના કોઈ ઘટનાવિહોણા જીવનમાં આવી ચડતીપડતી આવતી હોય એવું દેખાતું નથી.
સંપદો મહતામેવ મહતામેવ ચ આપદા: વર્ધતે ક્ષીયતે ચંદ્રા: ન તુ તારાગણ ક્વચિત્ ।
જેમ ચંદ્ર ઊગે છે અને આથમે છે, પણ તારાઓમાં આવું બનતું નથી, તેમ સંપદા પણ મહાન માણસો માટે હોય છે અને જીવનના પછાડ પણ એમણે જ સહન કરવાના હોય છે.
મહાન માણસોએ વિકટ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પણ તેનાથી જ તેઓ પુનિત બનતા નથી. એમની આત્મશ્રદ્ધા અને હિંમત કે નિડરતા એમને જીવનના ચડતીપડતીના રંગ સહન કરવા સક્ષમ બનાવે છે. આથી જ તેઓ મહાન બને છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જગતનો ઇતિહાસ એટલે એવા અલ્પસંખ્યક માનવીઓનો ઇતિહાસ કે જેમને પોતાનામાં શ્રદ્ધા હતી.
પરંતુ કાયર અને મૂર્ખાઓને આવી મહાનતા મળતી નથી. આવા અવ્યવહારુ લોકો વિશે સંસ્કૃતમાં એક શ્લોક છે. શોકસ્થાનિ સહસ્રાણિ ભયસ્થાનિ સતાનિ ચ । દિવસે દિવસે મૂઢમ્ આવિસન્તિ ન પંડિતમ્ ॥ મૂરખ માણસ હજારોવાર દુ:ખોનો સામનો કરે છે અને સેંકડોવાર ભય પામતો રહે છે પણ શાણા માણસ માટે આવું બનતું નથી.
આખો દિવસ કોઈ પણ માણસ સુખી રહેતો નથી કે દુ:ખી પણ નથી રહેતો. દિવસભરમાં સુખદ પળો પણ આવે છે અને દુ:ખદ ઘડીઓ પણ ગણવી પડે છે. સફળતાની કે સુખદાયી ઘટનાનું સ્મરણ કોઈ પણ વ્યક્તિને સુખી બનાવવા માટે પૂરતું બની રહે છે. શું તમે એમ ધારો છો કે હું કોઈ કાલ્પનિક સુખની વાત કરું છું. તો પછી તમારાં દુ:ખ અને ચિંતાઓ વિશે પણ શું કહેવું? એ પણ તમારાં મનની કલ્પના જ માત્ર છે. કંઈક બૂરું થવાનું છે કે કંઈક દુ:ખદાયી બની ગયું છે એવું વિચારીને લોકો દુ:ખી કે ચિંતિત થાય છે. આ ખોટી કલ્પનાનું નિવારણ એટલે માત્ર સાચી કલ્પના છે.
યત્ ધ્યાયન્તિ તદ્ ભવન્તિ (યદ્ ભાવમ્ તત્ ભવન્તિ). તમે જે વિચારો તે બનવાનું જ.
જો તમે સફળતા વિશે વિચારો તો સફળ થવાના જ અને જો તમે નિષ્ફળતા વિશે ધારણા કરશો તો નિષ્ફળતા મળવાની જ. જો તમે સુખનું ચિંતન કરશો તો તમે સુખી થશો. આખો દિવસ જો તમે ચિંતામાં ડૂબ્યા રહેશો તો તમે ચિંતામય વ્યક્તિ બની જશો.
ઉપરના વિશ્લેષણ પરથી આપણે બધી પીડાઓ કે માઠી બાબતો હેતુપૂર્વક જ આપણા જીવન પર આવી પડે છે એવો નિર્ણય તારવી શકીએ. આપણે એમાંથી પણ શીખવું જોઈએ અને આપણી જાતને સુધારવી જોઈએ. એટલે જ આ પ્રશ્ન આવીને ઊભો રહે છે : શા માટે દુ:ખદ કે માઠી વસ્તુઓ આપણા જીવનમાં બને છે? આ પ્રશ્નને આપણે : ‘આપણને આ બધી વસ્તુઓ ક્યાં દોરી જઈ શકે?’માં બદલી નાખવો જોઈએ.
દરેકેદરેક અનુભવ પૂર્ણતાના પથે, પ્રભુના પથે વાળવા માટે આપણને કંઈક શીખવવા આવે છે. આ જ આપણું જીવનધ્યેય છે. આપણા જીવનમાં જે કંઈ બને છે એ અગત્યનું નથી; પણ જે કંઈ આપણા જીવનમાં બને છે એનું આપણે શું કરીએ છીએ, એ વધારે અગત્યનું છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા જીવનમાં જે કંઈ પણ બને છે એનો આપણે કેવી રીતે લાભ ઉઠાવીએ છીએ એ વધારે અગત્યનું છે. જગતના મહાન માનવીઓએ પોતાના જીવનમાં ઘણાં આઘાતો અને નિષ્ફળતાઓ સહન કર્યાં છે; પણ એ બધા છાનામાના બેઠા ન રહ્યા. એમણે તો નિષ્ફળતાનો ઉપયોગ કર્યો અને વળી પાછા જીવનમાં ઉન્નતિ સાધી શક્યા.
થોમસ આલ્વા એડિસને વિદ્યુત દીવાની શોધ કરી. એક સફળ વિદ્યુતદીવો બનાવવા માટે કેટકેટલા સૂક્ષ્મતારનો પ્રયોગ કર્યો હતો. હવે તમે આને શું કહેશો? શું એક સફળતા માટે હજારો નિષ્ફળતા કે હજારો પ્રયાસો કરવાના રહે છે, એમ નહિ કહો?
ભૌતિક કે આધ્યાત્મિક વિષયના કોઈ પણ કાર્યમાં તમે જ્યાં સુધી બધી જાતની મુશ્કેલીઓને સહન કરતાં કરતાં એનું પુનરાવર્તન ન કરતા રહો ત્યાં સુધી તમને પૂર્ણતા પ્રાપ્ત થવાની નથી.
હવે તમને સમજાશે કે દુ:ખ અને સુખ બંને ચારિત્ર્ય ઘડતર માટે એક સરખાં મહત્ત્વનાં પાસાં છે. ચારિત્ર્ય ઘડતરમાં ભલા અને બૂરા બંનેનો એક સરખો હિસ્સો છે. કેટલીક વ્યક્તિઓની બાબતમાં સુખ કરતાં દુ:ખ વધારે સારા શિક્ષકની ભૂમિકા ભજવે છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘વિશ્વે આપેલા મહાન ચારિત્ર્યવાન લોકોના મહાન ચરિત્રનો વાચન કરીને મોટા ભાગની વ્યક્તિઓ વિશે હું આટલું કહેવાની હિંમત કરી શકું છું કે સુખ કરતાં દુ:ખે; સુખસમૃદ્ધિ કરતાં ગરીબાઈએ; જીવનમાં પ્રશંસાનાં પુષ્પો કરતાં પડેલા ઘા-ફટકાઓએ એમની ભીતરની જ્યોતિને વધુ જગાડી છે.’
સંતો અને ઉપાસકોએ અવારનવાર કહ્યું છે કે પ્રભુનો પથ કાંટાઓથી ભરપૂર ભરેલો છે. એ તો વિઘ્નદોડ છે. આ મુશ્કેલીઓ જ વિઘ્નો છે એવું આપણે ધારી ન લેવું જોઈએ. ના, એમ ન કરવું જોઈએ. એ તો પ્રભુનો પથ છે. વળી, ભક્તની કસોટી કરવાની આ પ્રભુની રીત છે.
આવી કસોટીઓ દ્વારા જ ભક્ત ખરેખર પ્રભુમાં મગ્ન છે કે નહિ એ જાણી શકાય છે. સંતોનાં જીવન આનાં સારાં ઉદાહરણ છે. ભક્ત મીરાં, ભદ્રાચલ રામદાસ વગેરે આનાં ઉદાહરણો છે. ઘણી મથામણ પછી એમને દિવ્ય અનુભૂતિ થઈ. અને એમને કયું સુખ મળ્યું! ખૂબ ભૂખ્યા થયા પછી ભોજન મળી રહે એવું!
કોઈ પણ પરિસ્થિતિ તરફ તમે કેવી દૃષ્ટિએ જૂઓ છો એના પર એના સુખદુ:ખનો આધાર છે. એટલે તમારું મનોવલણ અગત્યનું છે. સૌ પ્રથમ તો તમારે ‘સહન કરવું’ ને ‘સતત મથવું’માં ફેરવી નાખવું જોઈએ. ‘તમે આ બધું સહો છો’ એમ કહેવાને બદલે ‘તમે તો મથો છો’ એમ કહો. તો એ સાર્થક બનશે અને તમારી પ્રગતિમાં પણ એ મથામણ સહાયરૂપ થશે.
જ્યારે કોઈ પણ માણસ આવી રીતે મથતો હોય છે ત્યારે એણે બીજાની ટીકાનિંદા અને એનાં શબ્દબાણોનો સામનો કરવો પડે છે. લોકો આવી ટીકાનિંદા કરે એ સ્વાભાવિક પણ છે. પણ સાંભળનાર આ માટે તત્પર હોતો નથી! આ વખતે આપણે આવી ટીકાનિંદાને પણ કેવી રીતે ઉકેલી લેવી એ જાણી લેવું જોઈએ.
Your Content Goes Here




