(લેખક ભૂતપૂર્વ આચાર્ય અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.)
પ્રશ્ન : સફળતા માટે શું જરૂરી છે?
સ્વામી વિવેકાનંદ : નીડર બનો, તો તમારી સામેથી બધું નાસી જશે; માત્ર આજ્ઞાનું ઉલ્લંઘન ન કરશો, એટલે બધો જ વિજય તમને મળશે. (7.337)
પ્રશ્ન : સાચો મર્દ તમે કેવા યુવાનને ગણો છો?
સ્વામીજી : ખરેખર, કાયરતા જેવું મોટું બીજું કોઈ પાપ નથી. કાયરોને કદી બચાવી શકાતા નથી, એ ચોક્કસ છે. એ સિવાય બીજું બધું જ હું સહી શકું છું. જે કાયરતાને છોડી ન શકે તેની સાથે મારે કશી નિસબત હોઈ શકે ખરી?…. (7.337)
પ્રશ્ન : કાર્યમાં સફળ ન થતાં નિરાશા કેમ આવે છે?
સ્વામીજી : કરેલા કાર્યનો કદી પણ વિનાશ થતો નથી. ના, કદી જ નહિ. કોને ખબર છે, ભવિષ્યમાં કદાચ ત્યાં જ સોનેરી પરિણામો આવે! (7.221)
પ્રશ્ન : ધ્યેય પ્રાપ્ત કરવામાં ચડતી-પડતી શા માટે આવે છે?
સ્વામીજી : બધાં કાર્યોમાં ચડતી અને પડતી, વેગ અને ધીમાપણું આવે જ છે. ફરી પાછું એ તો ઊંચું ચડશે એમાં ડરવા જેવું શું છે? (7.489)
પ્રશ્ન : યુવાનોએ આજે કયો ધર્મ અપનાવવો?
સ્વામીજી : ધાર્મિક મતમતાંતરોથી તમારા મગજને તકલીફ ન આપશો. ડરપોક માણસો જ પાપ કરે છે; બહાદુરો કદી કરતા નથી; અરે, મનમાં પણ નહિ! દરેક માણસને ચાહતાં શીખો. ‘માનવ’ બનો; અને અત્યારે તમારી દેખરેખ નીચે છે તે ભાઈ રામ, કૃષ્ણમયી અને ઇન્દુને પણ બહાદુર, નીતિવાન અને સહૃદય બનાવો. મારાં બાળકો! તમારે માટે કેવળ નીતિમત્તા અને શૌર્ય સિવાય બીજો કોઈ ધર્મ નથી. (6.23)
પ્રશ્ન : કાર્યના પરિણામની ચિંતા કેમ સતાવે છે?
સ્વામીજી : જો તમારે મહાન કે સારું કાર્ય કરવું હોય, તો તેનું પરિણામ શું આવશે એનો વિચાર તમારે કરવો જોઈએ નહિ. (1.36)
પ્રશ્ન : કાર્ય કરવાની ઉત્તમ રીત કઈ છે?
સ્વામીજી : આરામ અને કાર્યરતપણું બંને વારાફરતી કર્યાથી કામ ઉત્તમ થાય છે. (7.251)
પ્રશ્ન : કેવા યુવાનોને નસીબ સાથ આપે છે?
સ્વામીજી : ‘બહાદુરો અને ઉત્સાહીઓને નસીબ યારી આપે છે.’ પાછળ જોશો મા; આગળ ધસો. અનંત શક્તિ, અપાર ઉત્સાહ, અદમ્ય સાહસ અને અખૂટ ધીરજપૂર્વક કામે લાગી જાઓ, ત્યારે જ મહાન કાર્યો સિદ્ધ કરી શકાય છે. (6.509)
પ્રશ્ન : ઘણા યુવાનો કઈ ભૂલ કરે છે?
સ્વામીજી : આ જગતમાં આપણે સૌને માટે જીવન એ સતત યુદ્ધ છે… ઘણી વખત એવો પ્રસંગ ઊભો થાય છે, જ્યારે આપણી દુર્બળતા અને નામર્દાઈને આપણે ક્ષમા અને ત્યાગ તરીકે ઘટાવીએ છીએ. ભિખારીના ત્યાગની કોઈ કિંમત નથી. સામો પ્રહાર કરી શકે તેવી વ્યક્તિ સહન કરી લે તો જ તેની કિંમત છે; સંપત્તિવાન વ્યક્તિ જો ત્યાગ કરે તો તેનું મૂલ્ય છે. આપણે જાણીએ છીએ કે આળસ અને નામર્દાઈને લીધે ઘણીવાર આપણે જીવનસંગ્રામનો ત્યાગ કરીએ છીએ અને આપણે બહાદુર છીએ તેવી માન્યતાથી આપણા મનને મનાવી લેવા પ્રયાસ કરીએ છીએ. (5.201)
પ્રશ્ન : જીવનમાં સંઘર્ષના સમયે શું કરવું જોઈએ?
સ્વામીજી : નામર્દ થવાથી તને કાંઈ મળશે નહિ… પીછેહઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહિ શકે. સામી છાતીએ લડીને મરો. (5.203)
પ્રશ્ન : આજે કેવા વિચારો અને કાર્યોની આવશ્યકતા છે?
સ્વામીજી : વીરતાભર્યાં વચનો અને એથીય વધુ વીરતાભર્યાં કાર્યોની જ આપણે જરૂર છે. જાગો, ઓ મહાનુભાવો! જાગો, દુનિયા દુઃખમાં બળી રહી છે; તમારાથી સૂઈ રહેવાય કે? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલો દેવ જવાબ ના આપે, ત્યાં સુધી પોકાર પાડ્યા જ કરો. જીવનમાં બીજું વધારે છે શું? એથી વિશેષ મહાન કામ છે ક્યું? (7.53)
પ્રશ્ન : આજના યુવાનોએ કઈ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે?
સ્વામીજી : જીવનમાં આપણી મુશ્કેલી એ છે કે આપણે ભવિષ્યથી નહીં પણ વર્તમાનથી દોરવાઈએ છીએ. જે કાંઈ આપણને તાત્કાલિક સહેજસાજ આનંદ આપે છે તેને જ અનુસરવા તે આપણને ખેંચે છે; પરિણામ એ આવે છે કે તાત્કાલિક જરાક આનંદને માટે આપણે હંમેશને માટે દુઃખના ડુંગરા ખરીદી લઈએ છીએ. (7.198)
પ્રશ્ન : આજના યુવાનો માટે આપનો સંદેશ?
સ્વામીજી : જાગો, જાગો, મારા નવયુવકો! જાગ્રત થાઓ! આપણો વિજય નક્કી છે! મારા પત્રો પ્રસિદ્ધ કરવા અંગે આટલું કહેવાનું કે હું ત્યાં આવું ત્યાં સુધી, આપણા મિત્રોને વાંચવા માટે, પ્રસિદ્ધ કરી શકાય એવા હોય તેવા ભાગો ભલે પ્રસિદ્ધ કરજો. આપણે એક વખત કામ શરૂ કરી દઈએ, એટલે પછી આપણે પ્રચંડ ‘ધડાકો’ કરીશું, પરંતુ કામ કર્યા વગર કેવળ વાતો જ કરવાનું હું પસંદ કરતો નથી. (6.165)
પ્રશ્ન : યુવાનોમાં કઈ બાબત હોય તો પરિણામ લાવી શકે?
સ્વામીજી : કાર્યને વળગી રહો; મારાં સંતાનોમાં ભીરુઓ જોઈએ જ નહિ… મહાન કાર્યો કદી આસાનીથી થઈ શક્યાં છે? સમય, ધૈર્ય અને અદમ્ય ઇચ્છાશક્તિ પોતાનું પરિણામ બતાવી આપે જ. મારે તો એવી લોખંડી ઇચ્છાશક્તિ અને એવાં હૈયાં જોઈએ કે જેમને થડકવું કેવી રીતે તેની ખબર પણ ન હોય. કાર્યને વળગી રહો. (6.489)
Your Content Goes Here





