ગ્રામ વિકાસ પર રાષ્ટ્રીય પરિસંવાદ
રામકૃષ્ણ મિશનના રાંચી (મોરાબાદી) કેન્દ્ર દ્વારા દિવ્યાયનની રજત જયંતી તેમ જ સ્વામી વિવેકાનંદ – શિકાગો વિશ્વધર્મપરિષદ શતાબ્દીની ઉજવણીના ઉપલક્ષ્યમાં ૨૨થી ૨૪ ફેબ્રુઆરી સુધી ‘ગ્રામ વિકાસ વિશે સ્વામી વિવેકાનંદના વિચારો’ એ વિષય પર એક રાષ્ટ્રીય પરિસંવાદ યોજાઈ ગયો. દેશની વિભિન્ન સ્વયંસેવી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓના લગભગ ૨૦૦ પ્રતિનિધિઓએ આ પરિસંવાદમાં ભાગ લીધો.
પ્રધાનમંત્રી દ્વારા હૈદરાબાદમાં સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ
ભારતના પ્રધાનમંત્રી શ્રી પી. વી. નરસિંહરાવ દ્વારા ૭મી જાન્યુઆરીએ હૈદરાબાદમાં સ્વામી વિકાનંદજીની કાંસ્ય પ્રતિમા (૯ ફૂટ ૬ ઈંચ)નો અનાવરણ વિધિ થયો. તે જ દિવસે સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મપરિષદ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ, હૈદરાબાદના પ્રાંગણમાં યોજાયેલ જાહેર સભામાં તેમણે સંબોધન કર્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી શ્રી વિજય ભાસ્કર રેડ્ડીએ સભાની અધ્યક્ષતા કરી હતી.
રામકૃષ્ણ આશ્રમ – આર્જેન્ટિના (સંક્ષિપ્ત અહેવાલ ૧૯૯૩)
શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રી મા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ, શ્રીકૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત અને સ્વામી બ્રહ્માનંદજી મહારાજના જન્મ જયંતી મહોત્સવ ઉજવાઈ ગયા. કાલિપૂજા અને દુર્ગાપૂજા પણ યોજાયાં હતાં. શ્રીરામકૃષ્ણ પૂજાઘરમાં ધ્યાન – ભજન – પ્રાર્થના માટે ભાવિકો આવ્યા હતા. દર રવિવારે સ્પેનિશમાં અનૂદિત થયેલા રામકૃષ્ણ કથામૃતનું વાંચન થયું હતું. બુએનસ એઈરીસ અને બીજાં શહેરોમાં વ્યાખ્યાનો યોજાયાં હતાં. વ્યક્તિગત રીતે આધ્યાત્મિક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
બહાઈ બ્લેંકા, મેંડોઝા, સાઓ પાઉલો, કેરીતિબા, રીઓડી જાનેરો (બ્રાઝીલ), લાઓપાલોમાં (ઉરૂગ્વે)માં પણ નિયમિત રીતે આધ્યાત્મિક કાર્યક્રમો યોજાતા રહ્યા. વિશ્વધર્મ પરિષદનો શતાબ્દી મહોત્સવ બ્રાઝીલ, ઉરૂગ્વે અને આર્જેન્ટીનામાં ઉજવાયા હતેા.
શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભૂજ
ભૂજના શ્રીરામકૃષ્ણ યુવકમંડળ દ્વારા તેના રજત જયંતી વર્ષ પ્રસંગે મધ્યપ્રદેશ-રાયપુરના શ્રીરામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમના સચિવ શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે “શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાની પ્રાસંગિકતા” એ વિષય ૫૨ હિન્દીમાં પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, આજે મનુષ્ય ભૌતિકતામાં અટવાઈને જીવનના મૂળભૂત હેતુને જ ભૂલી ગયો છે. સમૃદ્ધિ સંપન્નતા એ જ જીવનની પૂર્ણતા નથી. જીવન એ બહુઆયામી ઘટના છે. તેમણે જણાવ્યું હતું કે, માનવીની સંપત્તિના ઉપભોગની દાસ્યવૃત્તિ ન હોવી જોઈએ પરંતુ ત્યાગના વીરત્વ પ્રત્યે ગૌ૨વનો ભાવ હોવો જોઈએ. શ્રીરામ ૫૨મહંસના જન્મ સમયે તત્કાલીન સમાજની પરિસ્થિતિ વર્ણવતાં તેમણે કહ્યું હતું કે, ત્યારે હિન્દુ ધર્મ માત્ર લોકાચાર અને કર્મકાંડોમાં જ સીમિત હતો અને વામાચારે માઝા મૂકી હતી. વળી બાળવિવાહ નાબૂદી, વિધવાવિવાહ, સતીપ્રથા નાબૂદી, વગેરેમાં જ ધર્મ સમાયેલો છે તેવી ભ્રામક માન્યતા પણ પ્રવર્તતી હતી. એ સમયે શ્રીરામકૃષ્ણ દેવ આવ્યા અને સમાજને એવી વ્યક્તિ મળી કે જેમણે ધર્મને પૂરેપૂરો આચર્યો હોય અને જેમનામાં ધર્મ પૂરેપૂરો પ્રગટયો હોય. સ્વામી સત્યરૂપાનંદજીએ શ્રીરામકૃષ્ણ- દેવની ભક્તિ, વિવિધ સાધના વગેરે વિશે ભાવપૂર્ણ શૈલીમાં ખ્યાલ આપી સમજણપૂર્વકના ત્યાગને માર્ગે જ મનુષ્ય ઈશ્વ૨ને પામી શકે એ ઉપદેશને ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કર્યો હતો. શ્રીરામકૃષ્ણ પરમહંસના ઉપદેશની પ્રાસંગિકતા સમજાવતાં તેમણે ઉમેર્યું હતું કે કેવળ દૃષ્ટિ બદલવાની જરૂર છે. મનુષ્યમાં વિલસિત ચૈતન્યની અનુભૂતિ એ જ જીવનનું ધ્યેય છે અને દરેકે દરેક મનુષ્યમાં ઈશ્વરનાં દર્શન કરવાથી જ એ અનુભૂતિ થઈ શકશે એમ કહી તેમણે ‘જીવસેવા એ જ પ્રભુસેવા’ના “SERVE JIVA AS SHIVA” ના શ્રી રામકૃષ્ણદેવના ઉપદેશને ઉપસાવ્યો હતો અને આ જ સમયની માગ છે તથા તેમના ઉપદેશની પ્રાસંગિકતા છે તેમ એમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ ઉપરાંત આ પ્રસંગે પધારેલા રામકૃષ્ણ મિશન, નારાયણપુર (મ.પ્ર.)ના સચિવ સ્વામી શ્રીકરાનંદજીએ પણ શ્રીરામકૃષ્ણદેવની વિચારધારા અપનાવી જીવન ઉજ્જવળ કરવા અનુરોધ કર્યો હતો. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ દેશ વિદેશમાં ચાલી રહેલા શ્રીરામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાના પ્રસારનો ખ્યાલ આપ્યો હતો. તથા લીંબડીમાં ગત ૧૨મી ફેબ્રુઆરીએ સ્થપાયેલા શ્રીરામકૃષ્ણ મિશનના નવા કેન્દ્રની વિગતો આપી ભૂજમાં પણ એ પ્રકારે કેન્દ્ર સ્થપાય, ભવન તૈયાર થાય અને જે રીતે સો વર્ષ પૂર્વે સ્વામી વિવેકાનંદ પ્રત્યક્ષ રીતે ભૂજ આવ્યા હતા તે રીતે તેમનું મિશનના કેન્દ્ર સ્વરૂપે પરોક્ષરૂપમાં પુનરાગમન થાય એ માટે પ્રયત્નશીલ થવા ભૂજવાસીઓને ભાવપૂર્ણ શૈલીમાં અપીલ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે નવતર ભાત પાડતી પ્રણાલિકા મુજબ અંધશાળાના બાળકોએ પ્રાર્થનાગીત રજૂ કર્યું હતું. મંડળના પ્રમુખ શ્રી બકુલેશભાઈ ધોળકિયાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી ગૌરાંગભાઈ રાણાએ કર્યું હતું અને આભારવિધિ શ્રી કેતનભાઈ ધોળકિયાએ કરી હતી
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મપરિષદ સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નીચેની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવચન અને પ્રશ્નોતરીના કાર્યક્રમો યોજાઈ ગયા:
૧. ભવાન ગોકળ કન્યા છાત્રાલય, ઉપલેટા (૨૭-૧-૯૪)
૨. શ્રી વલ્લભ કન્યા વિદ્યાલય, ઉપલેટા (૨૭-૧-૯૪)
૩. ભાલોડિયા મહિલા કૉલેજ, ઉપલેટા (૨૭-૧-૯૪)
૪ મ્યુનિસિપલ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ઉપલેટા (૨૭-૧-૯૪)
૫. શ્રીમતી જે. જે. કુંડલિયા આર્ટ્સ કૉલેજ, રાજકોટ (૫-૨-૯૪)
૬. કુ. મીનાબહેન કુંડલિયા આર્ટ્સ કૉલેજ, રાજકોટ (૫-૨-૯૪)
૭. બાર્ટન ટ્રેઈનીંગ કૉલેજ, રાજકોટ (૭-૨-૯૪)
૮. એ. વી. પારેખ ટેકનિકલ ઈન્સ્ટિટયુટ, રાજકોટ (૭-૨-૯૪)
૯. કડવીબાઈ કન્યા વિદ્યાલય, રાજકોટ (૮-૨-૯૪)
૧૦. ભાલોડિયા મહિલા કૉલેજ, રાજકોટ (૯-૨-૯૪)
૧૧. શ્રીમતી વીરબાઈમા મહિલા કૉલેજ, રાજકોટ (૯-૨-૯૪)
૧૨. શ્રીમતી જે. જે. કુંડલિયા બી.ઍડ. કૉલેજ, રાજકોટ (૯-૨-૯૪)
૧૩. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અર્થશાસ્ત્ર વિભાગ, રાજકોટ (૯-૨-૯૪)
૧૪. બારદાનવાલા કન્યા છાત્રાલય, રાજકોટ (૧૦-૨-૯૪)
૧૫. શ્રીમતી જે. જે. કુંડલિયા કૉમર્સ કૉલેજ, રાજકોટ (૧૦-૨-૯૪)
૧૬. પાટીદાર કન્યા છાત્રાલય, ભૂજ (૧૦-૪-૯૪)
૧૭. માતૃછાયા કન્યા વિદ્યાલય ભૂજ (૧૧-૪-૯૪)
રામકૃષ્ણ મઠ, પૂના
૧૯૮૪થી પૂનામાં શરૂ થયેલા રામકૃષ્ણ મઠ દ્વારા સ્વામી વિ૨જાનંદ સ્મૃતિ ભવનના પ્રથમ તબક્કાનું બાંધકામ અઢાર લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયું છે. બાકીના બીજા વધારાના બાંધકામ માટે રૂપિયા ચાલીસ લાખનો ખર્ચ થવાની શક્યતા છે. આ બાંધકામ દ્વારા પુસ્તકાલય, યુવા-સેવા, દાકતરી સેવા આપવાનું શક્ય બનશે. પ્રથમ તબક્કાની જેમ આ બીજા તબક્કાના બાંધકામ માટે ભક્તજનો, ઉદારદિલના દાનવીરો, સખાવત કરતા જાહેર ટ્રસ્ટોને દાન માટે અપીલ કરવામાં આવી છે. ચેક ડ્રાફટ “શ્રીરામકૃષ્ણ મઠ, પૂના”ના નામે રામકૃષ્ણ મઠ, ૧૩૧/૧, એ – વિઠ્ઠલવાડી રોડ, પૂના – ૪૧૧ ૦૩૦ એ સરનામે મોકલવા વિનંતી કરાઈ છે.
દેવધર (બિહાર)માં સ્વામી વિવેકાનંદ સંસ્કૃતિ કેન્દ્રની યોજના
ભગવાનશ્રી રામકૃષ્ણદેવની પાદઘૂલિથી પવિત્ર બનેલા અને મહાદેવ વૈદ્યનાથની પવિત્રભૂમિ દેવધરમાં ૧૯૨૨થી સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીની પ્રેરણાથી પુષ્ટ બનેલા સ્વામી સદ્ભવાનંદજીએ આદર્શ પ્રાચીન ગુરુકુળ પરમ્પરાને ધ્યાનમાં રાખીને ‘રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠ’ની સ્થાપના કરી હતી. આજે આ વિદ્યાલયની શ્રેષ્ઠ શાળાઓમાં ગણના થાય છે. સ્વામી વિવેકાનંદ – શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દી પ્રસંગે શ્રીરામકૃષ્ણ ભાવધારાના વ્યવસ્થિત સંચાલન માટે તેમજ ભારતની પ્રાચીન ધર્મ સંસ્કૃતિના અમર વારસાને જાળવી રાખવા દેવધરમાં સ્વામી વિવેકાનંદ સંસ્કૃતિ કેન્દ્ર સ્થાપનાની યોજના ઘડવામાં આવી છે. સંસ્કૃતિ કેન્દ્રની નીચેની છ બાબતો રહેશે:
૧. પુસ્તકાલય, વાચનાલય અને સભાખંડ
૨. અધ્યયન કક્ષ અને સંશોધન કક્ષ
૩. ધર્મદર્શન અને શિક્ષણ માટે પ્રાયોગિક પ્રશિક્ષણ કેન્દ્ર
૪. જિમ્નેશિયમ અને સ્ટેડિયમ માટે રમતનું મેદાન
૫. આધુનિક સાધનસુવિધાથી સજ્જ ચિકિત્સાલય
૬. સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ સદન
Your Content Goes Here




